પશ્ચિમ બંગાળના પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય શ્રી અમીયકુમાર મજૂમદારના મૂળ બંગાળી ગ્રંથ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રસિદ્ધ થયેલ ‘સર્વોદય ચિંતા: મહાત્માગાંધી ઓ સ્વામી વિવેકાનંદ’નો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અનિર્વાણ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદની વિચારધારા સાથે મહાત્મા ગાંધીની વિચારધારાની તુલના કરવી હોય તો સૌ પ્રથમ તો આપણે આ વાત યાદ રાખવી પડશે કે સ્વામીજીને પોતાના સંદેશના પ્રચાર પ્રસાર માટે માત્ર ૯ વર્ષ (૧૮૯૩ થી ૧૯૦૨)નો સમયગાળો મળ્યો હતો અને ગાંધીજીને આવા કાર્ય માટે ૩૩ વર્ષ (૧૯૧૫ થી ૧૯૪૮) જેટલો લાંબો સમયગાળો મળ્યો હતો. બેલૂરના રામકૃષ્ણ મઠમાં જઈને ગાંધીજીએ સ્વામી વિવેકાનંદ પ્રત્યેના પોતાના ઋણનો સ્વીકાર કર્યો હતો. બેલૂરના મંદિરમાં જઈને એમણે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદને પ્રણામ પણ કર્યા હતા. સ્વામીજી અને ગાંધીજી એ બંને સમાજના પીડિતોને એમનાં ગુમાવેલ આત્મગૌરવને પાછું અપાવીને એ પીડિતોને સમાજમાં પુન: પ્રતિષ્ઠિત કરવા માગતા હતા. ભારતવાસીઓના દારિદ્ય્ર, કુસંસ્કાર અને અજ્ઞાનતાને દૂર કરીને સર્વસ્તરે આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક સામ્ય લાવવા માટે બંનેએ પ્રયાસ કર્યા હતા. બંનેના જીવનનું લક્ષ્ય પ્રાય: એક સરખું હોવા છતાં બંનેના દૃષ્ટિકોણમાં થોડી પૃથકતા પણ આપણને જોવા મળે છે.

ગાંધીજીની દૃષ્ટિએ મનુષ્ય માત્ર ઈશ્વરનું સંતાન છે પરંતુ તે ઈશ્વરથી અભિન્ન નથી. અને સ્વામીજીની દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય સ્વરૂપત: બ્રહ્મ છે, પ્રત્યેક મનુષ્યની ભીતર સચ્ચિદાનંદ સુષુપ્તરૂપે રહેલ છે. ગાંધીજીએ સમાજના સર્વોદય માટે ઘણી સૂક્ષ્મ દૃષ્ટિએ નિર્દેશ કર્યો છે, જેમ કે ટ્રસ્ટીશીપ એટલે કે સમૃદ્ધિના તમે રખેવાળ છો માલિક નહિ એ વિચારધારાનું પ્રવર્તન, સમાજમાં રાષ્ટ્રશક્તિનું વિકેન્દ્રીકરણ, ઉત્પાદન વ્યવસ્થાનું પણ યથાશક્ય વિકેન્દ્રીકરણ, કોઈ એક રાજનૈતિક પક્ષ પોતે સ્થાપેલા મતના એકાધિકારના મિથ્યાભિમાનને દૂર કરવું, મતાધિકાર માટે વયસીમાનું નિર્ધારણ (૫૦ વર્ષ પછી કોઈને પણ મતાધિકાર ન હોવો જોઈએ), અહિંસાનું પાલન કરીને જીવનનિર્વાહ, ઇત્યાદિ.

સ્વામીજીનું લક્ષ્ય બીજું જ હતું. સ્વામીજી કહેતા: અસહાય, વંચિત, લાચારોમાં આધ્યાત્મિક ભાવ, અભયભાવને ફેલાવવા અને એમના લુપ્ત થયેલ મનુષ્યત્વને ફરીથી જાગ્રત કરવું એ મારું કાર્ય છે. પૃથિવીની ચોતરફ સામાજિક ક્ષેત્રે કઈ કઈ ઘટનાઓ ઘટી રહી છે તે વિશે એ બધાંને સચેત જાગ્રત કરવા એ મારું કાર્ય છે. આ બધાં માટે આવશ્યક છે દરિદ્ર, ખેડૂત, મજૂરોને સાચી કેળવણી આપવી. બાકીનું બીજું બધું તો કાર્યકારણભાવે એની મેળે ક્રમે ક્રમે થઈ રહેશે.

એટલે જ સ્વામીજીએ ભાવિ સમાજ માટે કોઈ ચોક્કસ કાયદાકાનૂનની વાત કરી નથી. આ વિષય એમણે લોકો પર, સમાજ પર છોડી દીધો હતો. આ છે ગાંધીજી અને સ્વામીજીની વિચારધારા વચ્ચેનો મુખ્ય અને મહત્ત્વનો મૌલિક ભેદ.

સ્વામીજી અને ગાંધીજી બંનેના જનજાગરણના વિચારો અત્યંત ગહનગભીર હતા. બંને વર્ગભેદને દૂર કરવા ઇચ્છતા હતા. પરંતુ બંનેના પથ એક ન હતા. ગાંધીજી બ્રાહ્મણોને શૂદ્ર બનવાનું એટલે કે શૂદ્રના સેવાના આદર્શને અપનાવવાનું કહેતા. જ્યારે સ્વામીજી તો શૂદ્રને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરીને ઉન્નત બનવાનું કહેતા. ગાંધીજી શાળાઓમાં ધર્મશિક્ષણ આપવાના વિરોધી હતા. એમની ધારણા એવી હતી કે ભારતના વિદ્યાલયોમાં ધર્મશિક્ષણ આપવાથી અનેક જટિલતાઓ જન્મશે. એને બદલે તેઓ નૈતિક શિક્ષણ આપવાના આગ્રહી હતા, કારણ કે બધા ધર્મોની ભીતર રહેલાં નૈતિકમૂલ્યો પ્રાય: એકસરખાં છે. જે મૂલ્યો સર્વોદયકાર્યકર માટે આવશ્યક છે એમ માનીને સ્વીકારવામાં આવ્યાં છે તે બધાં મનુષ્યો માટે ઇચ્છવા યોગ્ય છે. એટલે જ વિદ્યાલયનાં ભાઈબહેનોને એ નૈતિકમૂલ્યો શીખવવામાં આવે તો એમાં કોઈને વાંધોવિરોધ ન હોઈ શકે. 

આ વિશે પણ ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના દૃષ્ટિકોણમાં ભેદ જોવા મળે છે. 

સ્વામીજીના મત પ્રમાણે શિક્ષણનું મર્મસ્થાન ધર્મ કે આધ્યાત્મિકતામાં જ રહેલું છે. ધર્મના માધ્યમ દ્વારા વ્યાવહારિક કે દુન્યવીશિક્ષણ અપાવું જોઈએ, આ વાત તેમણે અસંદિગ્ધપણે કરી છે. સ્વામીજી વાસ્તવિક રીતે કેવા ધર્મશિક્ષણની વાત કરતા હતા તેનું જો ગાંધીજીએ થોડું ચિંતન-મનન કર્યું હોત તો એ બંનેના દૃષ્ટિકોણ વચ્ચે કોઈ ભેદ ન રહેત.

કેવળણીના લક્ષ્ય વિશે બંનેનો મત સમાન હતો. ગાંધીજીએ કહ્યું હતું, ચારિત્ર્ય ઘડતર શિક્ષણનો ઉદ્દેશ્ય છે અર્થાત્‌ નિર્ભયતા, આત્મશક્તિ અને નિ:સ્વાર્થસેવા વગેરે ગુણના વિકાસની સાધના એટલે કેળવણી. આ જ વિચારને નજર સમક્ષ રાખીને એના ઊંડાણમાં જઈએ તો સ્વામીજીના કેળવણી વિશેનું સૂત્ર પણ આપણને મળી રહે છે, અને એ છે : મનુષ્યની ભીતર સુષુપ્ત રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. 

ગાંધીજીએ ‘સર્વોદય’નું સૌપ્રથમ પ્રવર્તન કર્યું હતું. સ્વામીજીની સ્વદેશભાવનામાં પણ આ સર્વોદયના દર્શન થાય છે. આ ‘સર્વોદય’ શબ્દને બદલે એમણે ‘સમાજતંત્રવાદ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. સ્વામીજીની વિચારધારામાંથી ગાંધીજીએ જે મૌલિકસત્યો ગ્રહણ કર્યાં હતાં તે છે : ૧. આપણાં જનસમૂહનું જીવન ગરીબના ઝૂંપડામાંથી જ સ્પંદિત થાય છે. ૨. સાચા શિક્ષણના ફેલાવા વિના સંસદીય લોકશાહી ભારતમાં કોઈપણ પ્રકારનું કલ્યાણ નહીં કરી શકે. ૩. વર્ણ અને જાતિ એ બંને એક જ નથી; ગુણકર્મના વિભાજનથી વર્ણાશ્રમધર્મ ઉદ્‌ભવ્યો છે. આને અસ્પૃશ્યતા સાથે કોઈ લેવાદેવા નથી. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો વર્ણાશ્રમધર્મની સાર્થકતા છે. ૪. ગરીબ ખેડૂત તેમજ મજૂરનો જ્યાં સુધી અભ્યુદય ન થાય ત્યાં સુધી ભારતના સાર્વત્રિક કલ્યાણની વાત એક કોરીકલ્પના બની રહેશે. ૫. ક્રાંતિ શરૂ કરતાં પહેલાં આવશ્યકતા રહે છે ક્રાંત ચારિત્રની. જે વ્યક્તિ પોતાના સુખોપભોગનો ત્યાગ કરીને સમાજના કલ્યાણ માટે પોતાના પ્રાણ અર્પણ કરી શકે તે જ ખરો ક્રાંતિકારી બની શકે છે. 

તો સ્વામીજીની દૃષ્ટિએ સાર્વત્રિક કલ્યાણનો પથ ક્યો છે? સાંસદીય લોકશાહી દ્વારા તો નહીં જ- ‘એક મુઠ્ઠીભર માથાભારે માણસો જે કાંઈ હુકમ કરે એ વિધિના લેખ જેવું થઈ પડે છે; બાકીના માણસો તો માત્ર ઘેંટાંનાં ટોળાની પેઠે પાછળ પાછળ જાય એટલું જ. મેં તમારી પાર્લામેન્ટ, તમારી સેનેટ, તમારો મત, બહુમતી, ગુપ્ત મત, એ બધાં જોયાં છે. ભાઈ! એ બધું બધે એનું એ જ છે. દરેક દેશમાં થોડાક શક્તિશાળી માણસો પોતાને ઠીક લાગે તે રસ્તે સમાજને લઈ જાય છે, અને બાકીના તો માત્ર ઘેટાંનાં ટોળાં જેવા છે…. અલબત્ત, પશ્ચિમમાં સામાન્ય લોકોને મતદાન અને ગુપ્ત મત વગેરેથી જે શિક્ષણ મળે છે તે આપણને મળતું નથી, પણ બીજી બાજુએ આપણામાં એવો વર્ગ પણ નથી કે જેઓ યુરોપના બધા દેશોમાં થાય છે તેમ રાજકારણને નામે, લોકોને લૂંટે છે અને તેના જીવનરક્તને ચૂસીને માલેતુજાર થતા હોય છે…. પૈસાદારોએ દેશની રાજસત્તાને પોતાની એડી નીચે દબાવી છે. તેઓ લોકોને લૂંટે છે અને તેમને પરદેશોમાં જઈને મરવા સારું લડાઈના સૈનિકો તરીકે રવાના કરે છે; અને જો જીતે તો પરાધીન પ્રજાના રક્તથી ખરીદેલા સોનાથી પોતાના ભંડાર ભરે છે.’ (સ્વા. વિ. ગ્રં.મા. ૬ : ૨૮૨-૮૩)

પશ્ચિમના લોકશાહી પ્રજાતંત્રપ્રણાલીની ખામીઓ સ્વામીજીએ બતાવી છે પણ તેઓ લોકશાહી પ્રજાતંત્રના વિરોધી ન હતા. તેમણે સૂત્રાત્મક રીતે એક ને એક વાતને વારંવાર કહી છે – સ્વાધીનતા જ આત્મવિકાસની આધારશિલા છે. રાષ્ટ્રિય, આર્થિક તેમજ આધ્યાત્મિક સ્વાધીનતા વગર કોઈપણ વ્યક્તિ કે સમાજ ઉન્નતિ ન સાધી શકે. તેઓ કહેતા: ‘સૌથી પહેલું આ સમજવાનો પ્રયાસ કરો: માણસ કાયદા બનાવે છે કે કાયદા માણસને બનાવે છે?’ નિ:સંદેહ માણસ જ કાયદા ઘડે છે, પણ એ કેવો હોવો જોઈએ? સમાજમાં ઉચ્ચસ્થાને રહેલ, શ્રીમંત, ભદ્ર, શક્તિક્ષમતા ધરાવતો શોષણ કરનારા માણસો નહિ; પણ મૂળ કાયદાના પ્રણેતા તો સાધારણ લોકો, મહેનતકશ પ્રજા, શ્રમજીવીઓ, ખેડૂતો, મજૂરો છે. આ છે સ્વામીજીની દૃષ્ટિએ સાચી ધારાસભા કે લોકસભાના સદસ્યો. જે કાયદો સામાન્ય જનસમૂહનું સમર્થન નથી પામતો તે કાયદો કાયદો નથી. આ સંદર્ભમાં સ્વામીજીનું એક બીજું સૂત્રાત્મક કથન યાદ રાખવું પડશે, અને તે છે : ‘વિદ્યા, જ્ઞાન, દોલત, માણસો, તાકાત, વીરતા અને બીજું જે કાંઈ એકઠું કરીને કુદરત આપણને આપે છે, તે બધું જરૂર જણાય ત્યારે સહુમાં વહેંચી આપવા માટે છે. આ હકીકત આપણે ઘણીવાર વીસરી જઈએ છીએ; અને આપણા વિશ્વાસે સોંપેલી થાપણ ઉપર ‘માત્ર મારી’ એવી છાપ મારીને સાથે સાથે આપણા પોતાના જ વિનાશનાં બીજ આપણે રોપીએ છીએ!’ (સ્વા.વિ.ગ્રં.મા. ૬: ૧૨૯)

સ્વામીજીની દૃષ્ટિએ સામાન્ય લોકો જ સમગ્ર શક્તિનો આધાર છે. પણ સાચી કેળવણીના અભાવે અને વધુ માત્રામાં સ્વાર્થપરત હોવાને કારણે સામાન્ય લોકો પરસ્પર આડખીલીઓ ઊભી કરે છે. સાથે ને સાથે તેઓ પોતાના પ્રાપ્ય અધિકારોથી વંચિત રહે છે. આ શક્તિના આધાર કે સ્રોતથી જે સંપ્રદાય જેટલા પ્રમાણમાં પોતાને વિમુખ કરશે તેટલા પ્રમાણમાં તે પોતાને દુર્બળ બનાવશે. ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી પ્રાસંગિક ઘટનાઓને ઉદ્ધૃત કરીને સ્વામીજીએ આ વાતની સત્યતા પુરવાર કરી છે અને પ્રશ્ન પણ કર્યો છે : ‘પણ જેમના શારીરિક પરિશ્રમના પરિણામે જ બ્રાહ્મણની પ્રતિભા, ક્ષત્રિયોનો પ્રભાવ અને વૈશ્યોની સંપત્તિ છે, તેઓ ક્યાં? જેઓ સમાજનું સાચું શરીર હોવા છતાં પણ બધા દેશોમાં, બધે સમયે ‘હલકી જાતિના’ તરીકે ઉલ્લેખાય… ભારતનાં ‘હાલતાંચાલતાં મડદાંઓ’ અને બીજા દેશોનાં ‘ભારવાહક પશુઓ’ – શૂદ્રોનું ભાવિ આ જીવનમાં શું છે?’ (સ્વા. વિ. ગ્રં.મા. ૬ : ૧૩૧)

શૂદ્ર જાતિની પ્રવર્તમાન સમયની દુદર્શા જોઈને સ્વામીજીએ નિરાશા ન અનુભવી પણ ઊલટાનું અત્યંત દૃઢ વિશ્વાસે ભવિષ્યવાણી કરી છે : શૂદ્રોનું ઉત્થાન એક દિવસ થવાનું અને થવાનું જ. એને કોઈ રોકી શકશે નહિ. ‘જ્યારે જનતા જાગશે ત્યારે તેઓ તમારા જુલમો સમજશે, અને ત્યારે તેમની એક ફૂંકથી તમે ક્યાંય ઊડી જશો! તમારી સંસ્કૃતિ તેઓ જ લાવ્યા છે, અને તેઓ જ તેને તોડી પાડશે.’ (સ્વા. વિ. ગ્રં.મા. ૧૧ : ૯)

પરંતુ આને ભાંગવાતોડવાનો જ સ્વામીજીનો હેતુ હતો? આવો હેતુ ક્યારેય ન હતો. ઇતિહાસ અને સમાજવિજ્ઞાનના ગૂઢતત્ત્વને જેમ સ્વામીજી જાણતા તેમ બીજી બાજુએ ઇતિહાસ રચવાનાં પ્રચૂર સાધનો એમના અનુભવમાં રહેલાં હતાં. વર્ગવિગ્રહ વિશે તેઓ સચેત હતા, પરંતુ એમની દૃષ્ટિએ વર્ગવિગ્રહ અનિવાર્ય ન હતો. સાચી કેળવણી દ્વારા પ્રેમથી વર્ગવિગ્રહને રોકી શકાય છે.

સ્વામીજીએ કહ્યું છે : ‘જીવનસંઘર્ષમાં ગળાબૂડ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવાતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે. દરેક દેશમાં આમ જ બન્યું છે. પણ હવે કાળ બદલાયો છે. નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે, અને પોતાના ન્યાયિક હકો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે… હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચવર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.’

‘માટે જ હું તમને કહું છું કે આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે ‘તમે અમારા ભાઈઓ છો, અમારું અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી.’ તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સોગણો વધશે. આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવો. તેમને ઇતિહાસ ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં મૂળ તત્ત્વો પણ સમજાવો.’ (સ્વા.વિ. ગ્રં.મા. ૧૧ : ૮-૯)

આ આશંકા ઉદ્‌ભવી શકે કે નિમ્નવર્ગના માણસોને વિદ્યાશિક્ષણ આપીએ તો ઉચ્ચવર્ગના લોકોની જેમ આળસુ અને શેખીખોર તો નહિ બની જાય ને? આ આશંકાનો ઉત્તર આપતાં સ્વામીજીએ કહ્યું છે : 

‘જ્ઞાનના વિકાસ પછી પણ કુંભાર તે કુંભાર જ રહેશે, માછીમાર માછીમાર જ રહેશે અને ખેડૂત તે ખેડૂત જ રહેશે. શા માટે તેઓ પોતાના વારસાગત વ્યવસાય છોડી દે?.. ઊલટું જે સ્વાભાવિક ધંધો લઈને તે જન્મ્યો છે, તેને સુધારવામાં તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે.’ (સ્વા. વિ. ગ્રં.મા. ૧૧ : ૮-૯)

બીજે એક સ્થળે તેમણે કહ્યું છે : ‘છતાંય એક સમય એવો આવશે કે જ્યારે શૂદ્રો પોતાના શૂદ્રત્વ સહિત ઉપર આવશે; એટલે કે અત્યારે જેમ વૈશ્યો કે ક્ષત્રિયોનાં લક્ષણો મેળવીને શૂદ્રો મહાન બને છે તેમ નહિ, પણ એક એવો સમય આવશે કે જ્યારે દરેક દેશમાં શૂદ્રો, પોતાના શૂદ્રત્વના ભાવ અને પ્રકૃતિની સાથે, કોઈ પણ અર્થમાં વૈશ્ય કે ક્ષત્રિય બન્યા સિવાય, શૂદ્રો જ રહીને, દરેક સમાજમાં સંપૂર્ણ વર્ચસ્વ ભોગવશે.’ (સ્વા. વિ. ગ્રં.મા. ૬ : ૧૩૨)

જ્ઞાનનો ઉદય થાય છતાં પણ એક માછીમાર માછીમાર જ રહેશે. શૂદ્ર પોતાના શૂદ્રત્વ સાથે જ આધિપત્ય સ્થાપશે એવો એક દિવસ આવશે જ. સ્વામીજીની આ ઉક્તિનું એક વિશેષ તાત્પર્ય છે. વર્ગવિગ્રહના અનિવાર્ય પરિણામે ‘ઘરે ઘરે લાકડીઓ ઉલળશે’ અને ઉચ્ચવર્ગના લોકોનો ધ્વંશ થશે. આ છે સ્વામીજીની દૃઢ વિશ્વાસભરી ભવિષ્યવાણી. પરંતુ તેઓ એક પ્રકારના લોકતાંત્રિક સમાજ કે સર્વોદય સમાજની સ્થાપના કરવા ઇચ્છતા હતા. એટલે જ કોઈ પણ વર્ગનો સંપૂર્ણ વિનાશ તેઓ ઇચ્છતા ન હતા. સાથે ને સાથે સામાજિક ગતિશીલતાના પરિણામે નિમ્નવર્ગના લોકો પ્રતિભા અને વિદ્યાબુદ્ધિના પ્રભાવે લાંબા કાળ સુધી ઉચ્ચવર્ગના લોકોમાં પ્રવેશી રહે એવું પણ તેઓ ઇચ્છતા ન હતા. એટલે જ નીચલાવર્ગમાં વિદ્યાજ્ઞાનના વિતરણનું કાર્ય મનહૃદય સાથે કરવું જોઈએ. ઇતિહાસની પર્યાલોચના કરીને સ્વામીજીએ બતાવ્યું હતું કે શૂદ્રોને જ્ઞાનાર્જન અને ધનસંચયની તક ક્યારેય અપાઈ નથી.

‘જેમ પુરોહિત-બ્રાહ્મણ એક મધ્યવર્તી કેન્દ્ર એટલે કે પોતામાં સઘળી વિદ્યા અને તમામ જ્ઞાનનું કેન્દ્રીકરણ કરવા પ્રવૃત્તિશીલ રહે છે, તેમ રાજા પણ સર્વ પાર્થિવ સત્તાને એકત્રિત કરીને એક મધ્યબિંદુ એટલે કે પોતામાં કેન્દ્રિત કરવા સર્વદા તત્પર અને પ્રવૃત્તિશીલ રહે છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૬:૧૨૬)

સ્વામીજીના મત પ્રમાણે વિદ્યા અને પાર્થિવ શક્તિઓનું કેન્દ્રીકરણ સમાજની શૈશવ અવસ્થામાં આવશ્યક હોઈ શકે છે પણ સમાજ જ્યારે યુવાન બને ત્યારે રાજશક્તિ અને પુરોહિત શક્તિ સર્વક્ષેત્રે પોતાના વર્ચસ્વને વિસ્તારવા પ્રયત્ન કરે તો રાજા ને પ્રજા વચ્ચે સંઘર્ષ થવાનો જ. એટલે દરેક વર્ગના માણસોને ઉદ્દેશીને આવી ચેતવણી આપી હતી :

‘સત્તાનો સંગ્રહ તેના વિતરણ જેટલો જ અગર તેથીયે વધારે જરૂરી છે. હૃદયમાં લોહીનું એકઠું થવું તે જીવનની અનિવાર્ય આવશ્યકતા છે; પણ જો તે આખા શરીરમાં વહે નહિ તોપણ મૃત્યુ થાય. અમુક સમયે બધું જ્ઞાન તથા બધી શક્તિ બીજી બધી જ્ઞાતિઓને બાજુએ રાખીને ચોક્કસ કુટુંબો કે જ્ઞાતિઓમાં એકત્રિત થાય તે સમાજના કલ્યાણ માટે આવશ્યક છે. પણ તે સંગ્રહીત શક્તિ અમુક સમય માટે જ અને ભવિષ્યમાં સમગ્ર સમાજમાં પૂર્ણ રીતે ફેલાવવા માટે જ કેન્દ્રિત કરવામાં આવે છે. જો આ પ્રસારણ અટકાવવામાં આવે તો સમાજનો વિનાશ જરૂર નજીકમાં જ લેખવો.’ (સ્વા. વિ. ગ્રં.મા. ૬ : ૧૨૪)

સ્વામીજી કહે છે : ‘પશ્ચિમમાં શિક્ષણનો પ્રચાર હોવા છતાંય, શૂદ્રના ઉદય સામે એક મોટી અડચણ છે : તે છે ઓછાવત્તા પ્રમાણમાં વારસાગત સારાં કે ખરાબ લક્ષણોથી ઠરાવાયેલા વર્ગોનો સ્વીકાર. આવા ગુણો ઉપર રચાયેલી જ્ઞાતિવ્યવસ્થા, કે જે પ્રાચીન કાળમાં ભારતમાં હતી, તે દ્વારા જ શૂદ્રવર્ગને સ્વાતંત્ર્યહીન અને કાયમ દબાયેલો રખાતો હતો. પ્રથમ તો ધનસંગ્રહ કરવાની અથવા યોગ્ય જ્ઞાન કે શિક્ષણ મેળવવાની શૂદ્રને કોઈ તક ભાગ્યે જ આપવામાં આવતી હતી. આ ગેરલાભમાં વધારાનું એ હતું કે શૂદ્ર વર્ગમાં જો કોઈ અસાધારણ લક્ષણવાળો બુદ્ધિમાન માણસ પેદા થતો તો સમાજમાં લાગતાવળગતા ઉચ્ચવર્ણના વર્ગો તરત જ તેના ઉપર ઈલકાબો-ખિતાબો વરસાવીને પોતાની કોટિમાં ઊંચે ખેંચી લેતા; તેની સંપત્તિ અને જ્ઞાન-શક્તિનો પરાઈ જ્ઞાતિના લાભ માટે ઉપયોગ કરવામાં આવતો, જ્યારે તેના જાતિભાઈઓને તેના ગુણોનો કોઈ લાભ મળતો નહિ.’ (સ્વા. વિ. ગ્રં.મા ૬ : ૧૩૩)

પુરાણ-ઇતિહાસનો અભ્યાસ કરીને જાણી શકાય કે વૈશ્યપુત્ર વશિષ્ઠ અને નારદ, દાસીપુત્ર સત્યકામ જાબાલ, માછીમાર માતાના પુત્ર વ્યાસજી, અજ્ઞાત પિતાના પુત્ર કૃપ, દ્રોણ, કર્ણ વગેરે સમાજમાં નીચલા વર્ણમાં અવતરીને સમાજના ઉચ્ચસ્થાને પ્રતિષ્ઠિત થયા હતા. એનું કારણ એ છે કે એમનામાં વિદ્યા અને વીરતા રહેલ હતી. આવા ઉત્થાનને લીધે નીચલા વર્ણને શો ફાયદો થયો? સ્વામીજી આ વિશે આવો પ્રશ્ન કરે છે: ‘એનાથી વારાંગના, દાસી, માછીમાર કે સારથિકુળને શો લાભ થયો એ વિચારવા જેવી બાબત છે.’

સ્વામીજી આ સમસ્યાના ઘણા ઊંડાણમાં ઊતર્યા હતા. જો નિમ્નવર્ગના માણસોને વિદ્યાદાન મળવાના પરિણામે એમનામાંથી કોઈ પોતાની પ્રતિભાના બળે પોતાના વર્ગથી જુદો પડીને ઉચ્ચવર્ગના લોકોમાં ભળી જાય, તો સમસ્યા તો વધુ ને વધુ જટિલ બની જશે અને ઉચ્ચવર્ગ-નિમ્નવર્ગ વચ્ચેની વિસંવાદિતા દિવસે ને દિવસે વધતી જ જવાની. એટલે જ સ્વામીજી માનતા કે નિમ્નવર્ગના માણસો ઉચ્ચવર્ગમાં લીન થઈ જાય એ પણ ઇચ્છવા યોગ્ય નથી. બીજી બાજુએ નીચલા વર્ગના માણસો યુગયુગાંતરથી એમના પર થયેલા અત્યાચારનો બદલો વાળી લે એ પણ ઇચ્છનીય નથી. સ્વામીજીના મત પ્રમાણે શૂદ્રને બ્રાહ્મણત્વ સુધી ઉન્નત કરવા પડશે. સ્વામીજી માટે બ્રાહ્મણત્વ એક આદર્શ હતો, એ કોઈ વર્ણ, જાતિ કે સંપ્રદાય નથી. પોતાની બધી સ્વાર્થબુદ્ધિનો વિનાશ કરે, જે ત્યાગ અને સેવાના આદર્શથી પોતાના જીવનને સમૃદ્ધ બનાવે, નૈતિક અને આધ્યાત્મિક બળ જેમની એક માત્ર શક્તિ છે એ જ વ્યક્તિ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણત્વના આદર્શ સુધી જો સમાજ પહોંચી શકે તો આ દેશના શાસન માટે પોલિસ કે લશ્કરની જરૂર નહિ પડે.

શૂદ્રશાસન શું નિર્ભેળ કલ્યાણ લાવી શકે ખરું? સ્વામીજીના મતે આવું ન બની શકે. આવા શાસનમાં સામાન્ય માણસની આર્થિક ઉન્નતિ તો થાય, સામાજિક વિષમતા પણ દૂર થાય અને પાયાની સામાન્ય કેળવણીનો પ્રચાર-પ્રસાર પણ થાય. એના દોષ તરફ દૃષ્ટિ કરીએ તો આ શાસનના પરિણામે ઉચ્ચતર સંસ્કૃતિનો લોપ થશે, વિશાળ પ્રતિભાવાળા મહાન વ્યક્તિઓનો આવિર્ભાવ ઘટતો જશે. એટલે જ આદર્શ રાષ્ટ્રની કલ્પના સ્વામીજીએ આવી કરી હતી: ‘જો હું એક રાષ્ટ્રનું ઘડતર કરું તો તેમાં બ્રાહ્મણોનું જ્ઞાન, ક્ષત્રિયોની સભ્યતા, વૈશ્યની સંપ્રસારણ શક્તિ અને શૂદ્રનું સમદર્શન – આ બધા ગુણો એમાં રહેશે. એમાં કોઈ દોષ રહેશે નહિ, જો આમ થાય તો તે એક આદર્શ રાષ્ટ્ર બનશે. પરંતુ શું આ શક્ય છે ખરું?’

 એ આદર્શને કાર્યરૂપ આપવું એ ઘણી કઠિન વસ્તુ છે એનો સ્વીકાર સ્વામીજી કરે છે. એટલે જ તેમણે ઘોષણા કરતાં આમ કહ્યું હતું : ‘નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીઓમાંથી એને જાગવા દો. મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો. ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો.’

આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે – અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત બનશે, ઉદાર મનના માનવીઓની મિલનભૂમિ બનશે, એના માનવીઓ ત્યાગ અને સેવાના વ્રતધારીઓ બનશે, વ્યક્તિગત સ્વતંત્રતાની સાથે સમવાય સમન્વય ભાવના ભારતની છબિને વધુ ને વધુ ઉજ્જ્વળ બનાવશે. આ નૂતન ભારતમાં વ્યક્તિનું કલ્યાણ તો થશે પણ તે સમષ્ટિગત કલ્યાણની આડે નહિ આવે, આ ભારત છે સ્વામીજીના સ્વપ્નનું ભારત. આ ભારતનું જીવનદર્શન કેવું હશે એને સ્વામીજી આ શબ્દોમાં વર્ણન કરે છે: ‘સમષ્ટિ સિવાય વ્યષ્ટિનું અસ્તિત્વ અસંભવ છે, આ અનંત સત્ય જગતની મૂળ આધારશિલા છે. અનંત સમષ્ટિ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને તેમના સુખે સુખી, દુ:ખે દુ:ખી થઈને ધીમે ધીમે આગળ વધવું એ વ્યષ્ટિનું એકમાત્ર કર્તવ્ય છે. આ જ એકમાત્ર કર્તવ્ય છે. અને એનો વ્યતિક્રમ એટલે મૃત્યુ તેમજ આ કર્તવ્યનું પાલન એટલે અમૃતત્વ.’

પ્રશ્ન ઊભો થાય છે કે સ્વામીજી ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શના ઉદ્‌ગાતા છે. ‘શિવોઽહમ્‌’ અને ‘અહં બ્રહ્માસ્મિ’ એ મંત્રગાનના તાનની જેમ જેમના સકલ વિચારોમાં મનુષ્યના અમરત્વનું જયગાન દીપ્તિમાન થાય છે, એમણે શું સમષ્ટિ કાજે વ્યક્તિના સમર્પણની વાત કરી છે? ના, એવું નથી લાગતું. તેમણે જેનો ત્યાગ કરવાની વાત કરી છે તે છે સંકીર્ણ કે સ્વાર્થપરક કાચો ‘હું’. અદ્વૈત વેદાંતની દૃષ્ટિએ પ્રત્યેક પ્રાણીમાં ભાગવત્‌ શક્તિ સુષુપ્તપણે રહેલી છે, પ્રત્યેક માણસ મૂળ રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ઉપનિષદનો આ શ્લોક યાદ રાખવા જેવો છે : યસ્તુ સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનુ પશ્યતિ । સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે ॥ ‘જેમણે આત્મામાં સર્વ પ્રાણીઓનાં દર્શન કર્યાં છે, અને બધાં પ્રાણીઓમાં આત્માનું દર્શન કર્યું છે, તે કોઈની ઘૃણા કરી ન શકે.’ અસલ વાત તો જીવબ્રહ્મવાદને સ્વીકારીએ તો બીજા પ્રત્યે ઘૃણા રાખવી એ વાસ્તવિક રીતે પોતા માટે ઘૃણા રાખવા જેવું છે, બીજાની હત્યા કરવી એ આત્મહત્યા કરવા જેવું છે; આવી બાબતો કોઈ પણ માણસ માટે ઇચ્છનીય નથી. આ વિચારસરણીની વ્યાખ્યા કરતાં સ્વામીજીએ કહ્યું છે: ‘જો ભીતર દૃષ્ટિ નાખીએ તો આ એકત્વનાં દર્શન થશે – મનુષ્ય મનુષ્ય વચ્ચેનું ઐક્ય, નરનારી વચ્ચેનું ઐક્ય, પ્રજા પ્રજા વચ્ચેનું ઐક્ય, ઉચ્ચ અને નીચ વચ્ચેનું ઐક્ય, ધનવાન અને નિર્ધન વચ્ચેનું ઐક્ય, દેવ અને મનુષ્ય વચ્ચેનું ઐક્ય – બધાં એક જ છે. જો વધુ અંતર્દૃષ્ટિ કરીએ તો આપણને જોવા મળશે કે બધાં જીવજંતુઓ એક જ છે. જેને આ ઐક્યનાં દર્શન થયાં છે તેને મોહ રહેતો નથી. ધર્મવિજ્ઞાનમાં જેને ઈશ્વર કહે છે ત્યાં જ તેઓ પહોંચી ગયા છે.’ આમ સમષ્ટિ અને વ્યષ્ટિના સંબંધને અનુભવવાથી ‘સમષ્ટિના મંગલમાં જ વ્યષ્ટિનું મંગલ સમાયેલું છે’ એમાં સંશય નથી રહેતો.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.