આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ લખાણ સ્વામી વિવેકાનંદે લખ્યું નથી. તેમણે પોતાને કોઈ ભાષ્યકાર તરીકે પ્રસ્થાપિત કર્યા નથી. સંભવતઃ એમને એ જરૂરી પણ જણાયું નહિ હોય. એટલું જ નહિ, એમણે ભગવદ્ગીતાનો અંગ્રેજી કે બંગાળીમાં અનુવાદેય કર્યો નથી. ફક્ત ભગવદ્ગીતાની વાત જ શા માટે કરવી? કોઈ પણ ધર્મગ્રંથ કે તત્ત્વજ્ઞાનના ગ્રંથ પર ભાષ્ય – વાર્તિક – ટીકા લખવાની તેમણે ખેવના રાખી જ નથી. ભાષ્યકાર ગણાવાનો તેમનો કશો દાવો નથી. વિવેકાનંદ ગ્રંથમાળામાં સંગ્રહાયેલો, પતંજલિનાં યોગસૂત્રોનો ‘રાજયોગ’ નામનો મૂળ અંગ્રેજી અનુવાદ પણ એમણે કંઈ જાતે લખ્યો નથી. ન્યૂયૉર્કમાં એમણે એ વિષય પર આપેલાં પ્રવચનોની ઍલન વાલ્ડોએ કરેલી નોંધોનું એ માત્ર સંકલન જ છે. જો કે એમાંનો કેટલોક ભાગ સ્વામીજીએ ગુડવીનને લખાવ્યો હતો ખરો, છતાં એને કોઈ પ્રૌઢ ભાષ્ય-વાર્તિકનું સ્થાન આપી શકાય નહિ. સ્વામીજીએ પોતે પણ પ્રસ્તાવનામાં કબૂલ્યું છે કે એમાંથી યથાશક્ય પારિભાષિક શબ્દો દૂર કરીને સરલ-મુક્ત વાર્તાલાપની શૈલીમાં જ રજૂ કરેલ છે. એ વાંચવાથી જ જણાશે કે સંસ્કૃત ન જાણનારા સામાન્ય જનોને સુગમ થાય એવી ઘરગથ્થુ શૈલીમાં; એમને એ વિશે કંઈ તાજું કહેવાનું યોગ્ય લાગ્યું, તે મુખેથી બોલીને જ કહ્યું છે – લખીને નહિ. સાંભળનારે લખી લીધું હોય એ જુદી વાત છે.
ભગવદ્ગીતાની બાબતમાં પણ આવી વાતચીતની ભાષામાં એમણે પ્રવચનો કર્યાં છે. અને એમાં એમણે પશ્ચિમી ભારતાભ્યાસી વિદ્વાનોના મેળ વગરના પરસ્પરવિરોધી આક્ષેપોનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે, જેથી આધુનિક માનવ માટે એ સુગમ બને અને પ્રેરક પણ બને. સ્વામીજીએ આપેલી ભગવદ્ગીતાની સમજૂતીમાં આ બે મહત્ત્વનાં પાસાં, આ સદીના ગીતા વિષયક ચિંતનમાં સૌથી મહત્ત્વનાં લાગે છે. સ્વામીજીનાં એ પ્રવચનોને આપ્યે આજે એક સૈકો વીતી ગયો છે. અને એ પહેલાં પણ ગીતાની અસંખ્ય વ્યાખ્યાઓ લખાઈ ચૂકી હતી છતાં એમનાં પ્રવચનોમાં ભાગ્યે જ કોઈનો સંદર્ભ ઉલ્લેખાયેલો છે. આ જ એમની મૌલિકતા છે.
સ્વામીજીના સકલ કર્તૃત્વનો કેન્દ્રવિષય વેદાન્તજ્ઞાન જ હતું. છતાં વેદાન્તના બીજા કોઈ પણ ગ્રંથ ઉપર નહિ, અને ફક્ત વેદાન્તના પ્રસ્થાનત્રયીમાં બીજે ક્રમે આવતી અને પરંપરાનુસાર ‘શ્રુતિ’ની કક્ષામાં ન આવતી, ‘શ્રુતિ’ પ્રસ્થાનના પૂરકમાત્ર તરીકે જ ગણાવાતી પશ્ચાદ્વર્તી પ્રસ્થાન તરીકે મનાયેલી આ ભગવદ્ગીતાને જ સ્વામીજીએ વિશિષ્ટ મહત્ત્વ આપીને એની સમજૂતી માટે સાન્ફ્રાન્સિસ્કોમાં ત્રણ ત્રણ પ્રવચનોની હારમાળા શા માટે રચી હશે?
એ તો દેખીતું જ છે કે ઉપનિષદોના સારતત્ત્વનું પ્રમાણભૂત દોહન કરતા ગ્રંથ તરીકેનું સર્વોચ્ચ ગૌરવ, શ્રીમદ્ ભગવદ્ગીતાને મળ્યા પછી જ એને ઉપનિષદોની સમકક્ષ ગણીને જ એને પ્રસ્થાનત્રયીમાં સ્થાન અપાયું હશે. કૅલિફોર્નિયામાં કૃષ્ણ વિશે બોલતાં સ્વામીજીએ ઈશ્વરાવતાર ખુદ કૃષ્ણને જ ગીતાકાર ગણ્યા છે. મહાભારતની ઐતિહાસિકતાને નેવે મૂકીને તેમણે કૃષ્ણને સ્વયં પરમાત્માના શાશ્વતરૂપે પિછાણ્યા છે.
સ્વામીજીના ગીતાવિષયક વિચારો વિવેકાનંદ ગ્રંથમાળાના ભાગોમાં ઠેર ઠેર પથરાયેલા છે; પણ કેટલાક પ્રસંગોએ તેઓ તે વિશે વધુ લંબાણ અને વધુ ઊંડાણથી બોલ્યા છે. આવું એક પ્રવચન તેમણે વરાહનગર મઠના બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ સમક્ષ આપ્યું હતું. એની નોંધો પરથી તૈયાર કરેલા લેખનું અંગ્રેજી ભાષાંતર, ‘ભગવદ્ગીતા પર વિચાર’ નામે ઉપલબ્ધ છે.
બીજો પ્રસંગ ફૅલિફોર્નિયામાં આપેલ કૃષ્ણવિષયક પ્રવચનનો છે. અને ત્યાર પછીનો ત્રીજો પ્રસંગ સાનફ્રાન્સિસ્કોમાં તેમણે ગીતા વિશે ત્રણ પ્રવચનો આપ્યાનો છે. પણ આ બધાને ગીતાની સળંગસૂત્ર વ્યાખ્યાની કક્ષામાં મૂકી શકાય તેમ નથી જ. અને આમ છતાં પણ એ ગીતાને અને એના સમગ્ર તત્ત્વને પૂરા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીને સુસ્પષ્ટ રીતે આપણા ધાર્મિક સાહિત્યમાં ગીતાનું નિ:સંદિગ્ધ વિશિષ્ટ સ્થાન સ્થાપિત કરી દે છે.
સ્વામીજીએ પોતાનાં પ્રવચનોમાં ભગવદ્ગીતાને જ કેમ પસંદ કરી, એ પ્રશ્નનો ઉત્તર તેમણે પોતે જ આપતાં જણાવ્યું કે ‘પુરાવર્તી શાસ્ત્રો કરતાં ગીતાની આગવી મૌલિકતા એ છે ગીતા પહેલાં રચાયેલાં જ્ઞાન-યોગ-ભક્તિ વગેરે શાસ્ત્રોના મતાગ્રહો તીવ્ર હતા અને પોતાના પંથની શ્રેષ્ઠતા સાબિત કરવા પરસ્પર ઝઘડતાં હતાં. તેમના પારસ્પરિક સમાધાન કે સમન્વયનો સૂર ક્યાંય સંભળાતો ન હતો. ભગવાન ગીતાકારે જ સર્વપ્રથમ એ સંવાદિતાનું સુભગ સંગીત છેડ્યું. એમણે પોતાના સમકાલીન સર્વ સંપ્રદાયોના સર્વોત્તમ સારતત્ત્વોની ગીતામાં એકસૂત્રી માળા બનાવી આપી. સ્વામીજી આ મુદ્દાને આબાદ રીતે રજૂ કરે છે. ભગવદ્ગીતાને અંતિમ ઉપનિષદ ગણાવતાં તેઓ કહે છે : ‘ગીતા તો ઉપનિષદોમાંથી વીણેલાં આધ્યાત્મિક સત્યોરૂપી સુંદર પુષ્પોનો બનાવેલો ગજરો છે.’ (Complete Works of Swami Vivekananda-C.W.II, પૃ. ૧૮૦)
અંતિમ ઉપનિષદ તરીકે ગણાવાયેલી ગીતા અને અન્ય ઉપનિષદો વચ્ચેનો સંબંધ દર્શાવતાં સ્વામીજી, ‘ભારતના સંતો’ વિષેના પ્રવચનમાં કહે છે, ‘પોતપોતાના મતને જ સાચો માનતા – મનાવતા અનેક વેદવ્યાખ્યાકારોને જોતાં વેદ પર ગીતા કરતાં વધુ સારું ભાષ્ય હજુ સુધી લખાયું નથી. અને લખી શકાશે પણ નહિ. શ્રુતિઓ કે ઉપનિષદોમાં સારતત્ત્વને પામવું કઠિન છે, એટલે શ્રુતિઓના પ્રેરક સ્વયં પરમાત્મા જ એનો મર્મ સમજાવવા ગીતાકાર રૂપે પ્રકટ થયા છે. આજે ભારત અને વિશ્વને એનાથી બહેતર સંદેશની જરૂર નથી; છતાં નવાઈની વાત એ છે કે ત્યાર પછીના ગીતાના અને અન્ય શાસ્ત્રોના ઘણા વ્યાખ્યાતાઓ કેટલીય વાર આ મર્મને પકડી શક્યા નથી!’ (C.W.III, 261)
આપણા મધ્યકાલીન ભાષ્યકારો ઉપર સ્વામીજીનું આ વિધાન મહત્ત્વનું અને ભારે વેધક છે. ગીતાનું મધ્યકાલીન ભાષ્યસાહિત્ય મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : (૧) સૌથી પુરાણા નવમી સદીના ભાષ્યકાર શંકરાચાર્યનું અદ્વૈતપ્રતિપાદક ભાષ્ય (૨) અગિયારમી સદીના રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત પ્રતિપાદક ભાષ્ય અને (૩) તેરમી સદીના મધ્વાચાર્યનું દ્વૈતપ્રતિપાદક ભાષ્ય. આ સિવાય પણ કેટલીક અન્ય અર્થચ્છાયાઓ મળવા છતાં આપણા મુખ્ય સંપ્રદાયના ગીતાવિષયક તીવ્ર મતભેદોનો ખ્યાલ આવી શકશે. ખરી રીતે આપણું મધ્યકાલીન તત્ત્વજ્ઞાન બહુધા દ્વૈતિ – અદ્વૈતીઓ વચ્ચેનો સંઘર્ષ જ છે; પણ આ સંઘર્ષે પરમતત્ત્વ અને એના જીવ તેમ જ પ્રકૃતિ સાથેના સંબંધની બાબતમાં એ જમાનામાં જે જબરી ગરબડ ઊભી કરી, તે જાણવા બારમી સદીના નિમ્બાર્કના દ્વૈતાદ્વૈતવાદને અને ૧૫મી સદીના વલ્લભના શુદ્ધાદ્વૈતવાદને પણ લક્ષમાં લેવા પડે. સ્વામીજીએ આપણા ધર્મતત્ત્વની આ ગૂંચવાયેલી ગાંઠો છોડીને એક સરળ સૂચી – સમન્વયાત્મક તત્ત્વજ્ઞાન – રજૂ કર્યું અને એના પૂર્વસિદ્ધ પ્રમાણ તરીકે મૂળ ભગવદ્ગીતાને જ રજૂ કરી છે. મુખ્ય ભાષ્યકારોએ એને સ્વમતાગ્રહોથી મૂલવી, એ એક દુર્ભાગ્ય છે :
‘પરમાત્મા જ એનો મર્મ સમજાવવા પ્રકટ થયા છે’ (CW III 261) એવું વિવેકાનંદનું તટસ્થ વિધાન, ગીતા સમજવાની ગુરુચાવી છે. એણે ગીતાને સ્મૃતિપ્રસ્થાનની નિમ્નકક્ષામાંથી ઉપનિષદોના ઉચ્ચતમ શ્રુતિપ્રસ્થાનની સમકક્ષતા આપી દીધી છે.
સ્વામીજીને મતે કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરે ઈશ્વરના જ અવતારો હતા. કૃષ્ણના અવતારકૃત્ય વિશે બોલતાં તેમણે કહ્યું છે : ‘આપણી આંખોને ખોલી, સાફ કરીને માનવજાતની પ્રગતિ અને ઉન્નતિ ઉપર વિશાળ – વિશુદ્ધ નજરે જોવાનું શીખવવાનું મહાન કાર્ય કૃષ્ણે કર્યું છે. તેમની પાસે એવું વિશાળ હૃદય હતું કે તેઓ સર્વમાં સત્ય જોતા અને સોને માટે તેમના હોઠો સુંદર શબ્દો બોલતા.’ (CW I, 438)
સ્વામીજીએ ગીતામાં વૈશ્વિક ધર્મનો તાત્ત્વિક પાયો જોયો, કારણ કે એમાં વેદાન્તનો અર્ક છે, અને એને જ તેઓ ઉપનિષદોનું સર્વોત્તમ ભાષ્ય માને છે. ગીતા જ આપણને ભારે મુંઝવતા મતમતાન્તરોમાંથી મુક્ત કરે છે. તેમ જ ઉપનિષદોના મુખ્ય ઉપદેશ તરફ દોરી જાય છે. તેમણે કહ્યું છે : ‘ઉપનિષદો વાંચતાં આપણને એવું લાગશે કે આપણે જાણે વાંકાચૂંકા અને મેળ વગરના અનેક વિષયોના માર્ગો પર ભટકી રહ્યા છીએ અને જેમ ગાઢ જંગલમાં ભટકતા કોઈક મુસાફરને અચાનક જ વિસ્મયકારક રીતે કાંટાપાંદડાં – મૂળ સાથેનું સુંદર ગુલાબ સાંપડી જાય, તેમ આપણને ઉપનિષદોમાંથી એકાએક કોઈક મહાન સત્ય દર્શન થાય છે. એની સરખામણીમાં ગીતા તો યોગ્ય જગ્યાએ ગોઠવેલાં સુંદર ફળો સમી અથવા તો પસંદગીનાં ચૂંટેલાં સુંદર ફૂલોની ગૂંથેલી માળા કે પુષ્પગુચ્છ સમી છે.’ (CW IV, 106)
આમ, ગીતા પ્રસ્થાનત્રયીમાં પ્રથમ આવે છે. કારણ કે એ બાકીનાં બન્ને પ્રસ્થાનોની વાતને વિશુદ્ધ અને સુસ્પષ્ટ રીતે રજૂ કરે છે. સ્વામીજીને મતે ગીતાના પ્રથમ સ્થાનનું કારણ એની ઉદારતા છે; એનો સર્વ સાધનામાર્ગોનો સ્વીકાર છે, કર્મ-જ્ઞાન-ભક્તિ-યોગનો એણે કરેલો સમન્વય છે. આ કારણે જ શિકાગોની સર્વધર્મપરિષદના એમના પ્રથમ પ્રવચનમાં સ્વામીજી ગીતાનાં ઉદ્ધરણો ટાંકવા પ્રેરિત થયા હતા. એમનો એ ઉત્તર કેવળ સહિષ્ણુતા જ સૂચવતો નથી, પણ સર્વધર્મસમન્વયના ઉદાર સ્વીકારનો સંદેશ હતો. સર્વધર્મ સંવાદિતાના તાત્ત્વિક પાયા સ્વામીજીએ ગીતામાં જ નિહાળ્યા છે. એમણે પ્રચલિત દ્વૈત – અદ્વૈત બન્નેનો સમુચિત સ્વીકાર ગીતામાં જોયો. ઈશ્વરને કોઈ પણ ધર્મસ્વરૂપ – કોઈ રીત અસ્વીકાર્ય નથી એટલે સ્વામીજીએ વિચાર્યું કે ધર્મતત્ત્વના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગીતા વૈદિક કર્મકાંડ અને વૈદાન્તિક અધ્યાત્મ – એ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. ક્રિયાકાંડની અને ચિંતનની ધાટીઓના સંઘર્ષના સમયે જ-અણીને વખતે જ – ગીતા ઉત્પન્ન થઈ. ગીતાએ જ આ ઐતિહાસિક સંઘર્ષનો પોતાના સંવાદી સંગીતથી અંત આણી દીધો. પણ સ્વામીજીએ પુરસ્કારેલું ગીતાનું આ સર્વોચ્ચ પ્રામાણ્ય તો કંઇ હિન્દુઓની વેદવિષયક અપૌરુષેયતાની અને નિર્ભ્રાન્તતાની સુદૃઢ માન્યતા સાથે મેળ ખાતું નથી, એનું શું કરીશું? સ્વામીજીના મત પ્રમાણે તો ગીતા વેદો જેટલી જ અપૌરુષેય અને નિર્ભ્રાન્ત જ ઠરે છે, પણ પરંપરા તો અને કેવળ ‘સ્મૃતિ’ની જ નિમ્નતર કક્ષામાં મૂકે છે. એનું શું? પરંતુ અહીં જ ધર્મના પયગમ્બર સ્વામીજીની ક્રાન્તિકારી મૌલિકતા છે. અધ્યાત્મ ક્ષેત્રે તેમનો અભિગમ, બુદ્ધિના કોઈ ખાસ ચોકઠાંમાં પુરાયા વગર પણ સદા સદ્વિવેકપૂર્ણ જ હતો. એમની બુદ્ધિપ્રતિભા સહજસ્ફુરિત અને એમના શબ્દોને શક્તિ આપનારી હતી. તેઓ ધર્મ વિચારમાં ઉત્ક્રાન્તિને માનતા તો હતા જ પણ ક્રાન્તિની વિશિષ્ટ ભૂમિકાથી બોલતી વખતે તેઓ રૂઢિને નિરર્થક માનીને ઉવેખી નાખતા ન હતા. તેમણે કહ્યું : ‘માણસ ભૂલમાંથી સત્ય તરફ પ્રગતિ કરતો નથી, પણ એક નિમ્ન સત્યમાંથી બીજા ઉચ્ચતર સત્ય તરફ જ પ્રગતિ કરે છે.’(CW II, 365) સ્વામીજીના આ ક્રાન્તિકારી વિધાનને લક્ષમાં રાખીશું તો ગીતાને વેદોથી ય ઉપર મૂકવા પાછળનો તેમનો તર્ક સમજાઈ જશે. પોતાની વિશ્વધર્મની સંકલ્પના સમજાવતાં તેઓ કહે છે : ‘શું ઈશ્વરનો જ્ઞાનગ્રંથ પૂરો થઈ ગયો છે? કે પછી એ હજુ ય સતત ચાલુ છે? એ તો વિશ્વના આધ્યાત્મિક ખજાનાનો અદ્ભુત ગ્રંથ છે. બાઈબલ, વેદો, પુરાણો અને અન્ય ધર્મગ્રંથો તો એ મહાગ્રંથના માત્ર થોડાં પાનાં જ છે. અને હજુ એવાં અગણિત પાનાં ઉઘડવાં બાકી છે.’ (C.W.II, 374) કોઈક વિશિષ્ટ ધર્મપુસ્તકને જ અધ્યાત્મનો પાવક પ્રેરણાસ્રોત માનનારાઓ સ્વામીજીના આ વિધાનને ઈશ્વરદ્રોહ સમું ગણશે. પણ સ્વામીજી તો માનવચેતનાની ઉત્તરોત્તર થતી ઊર્ધ્વગતિમાં જ માનતા હતા. અને ગીતામાં એમણે વેદાન્તિક વિચારોનો અર્ક જોયો.
ઉપનિષદોમાં ય ન મળે એવું તે ગીતામાં સ્વામીજીએ ક્યાં અને શું જોયું? આ પ્રશ્નનો સુસ્પષ્ટ ઉત્તર સ્વામીજીએ આ રીતે આપ્યો છે : ‘ઉપનિષદો ઘણી જગ્યાએ શ્રદ્ધાને વિસ્તારથી નિરૂપે છે અને જવલ્લે જ ભક્તિનો એમાં ઉલ્લેખ મળે છે, જ્યારે બીજી બાજુ ગીતામાં એનું વારંવાર નિરૂપણ છે, એટલું જ નહિ, એને પૂર્ણ કક્ષાએ મૂકેલ છે.’ (C.W.IV, 106) દેખીતી રીતે સ્વામીજી અહીં ગીતાના ભક્તિયોગ નામના બારમા અધ્યાયને અનુલક્ષે છે. આ પહેલાંનો અગિયારમો અધ્યાય અર્જુનને થયેલા વિશ્વરૂપદર્શનનો છે. એ પણ આ સંદર્ભમાં મહત્ત્વનો છે.
એટલું જ નહિ. પણ તત્કાલીન ભારતવાસીઓ માટે કર્મઠતાનો પોતાને અભીષ્ટ એવો સંદેશ પણ સ્વામીજીને ગીતામાંથી સાંપડ્યો. અમેરિકામાં ઉપદેશતા – ઘૂમતા સ્વામીજીને ભારતીય લોકોના અભ્યુદય માટે અમેરિકી લોકો જેવી શક્તિની આવશ્યક્તા સમજાઈ. ભગિની ગાર્ગીએ સાચું જ કહ્યું છે કે ‘ભારત અને અમેરિકામાં ઘૂમતા સ્વામીજીએ હવે બન્ને દેશોની ઉન્નતિ માટે શ્રેયસ્ – અને પ્રેયસ્ના – સમન્વય માટે – વિચારધોધ વહાવવો જ રહ્યો.’ સ્વામીજીએ પણ કહ્યું : ‘મને એ સાચું લાગે છે કે ભારતીય ચિંતનધારાએ ભૌતિક ઉપલબ્ધિઓના ભોગે આધ્યાત્મિક વિકાસ કર્યો અને પશ્ચિમના લોકોએ બરાબર એથી ઊલટું જ કર્યું છે. પશ્ચિમના ભૌતિકવાદને ભારતના અધ્યાત્મવાદ સાથે જોડીને જ ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી શકાય તેમ હું માનું છું.’ ભગિની ગાર્ગીની ‘ન્યુ ડિસ્કવરીઝ’ની ગ્રંથમાળામાં બીજા ભાગમાં ૩૬૨માં પાના પર આવા ઘણા ઉલ્લેખો છે. એટલે જ સ્વામીજીએ ‘कलैब्यं मा स्म गमः पार्थ’ અને ‘क्षुद्रं हृदयदौर्बल्यं’ના કૃષ્ણોપદેશ પર ભારે ભાર મૂક્યો છે. (CW IV, 458)
સ્વામીજીનો આ કર્મસંદેશ કેવળ ભૌતિક ઉપલબ્ધિપરાયણ તો ન જ હતો. તેઓ કહેતા કે પૂરી શક્તિ સાથેની કર્મઠતા ‘જગદ્વિતાય’ હોવા ઉપરાંત ગીતાનુસાર ‘નિષ્કામ’ પણ હોવી જોઈએ. આ વાત સ્વામીજી ભારપૂર્વક અને સુસ્પષ્ટતાથી કહેતા કે ગમે તેટલી મહત્ત્વની હોવા છતાં ભૌતિક ઉપલબ્ધિ કર્મનું અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય તો મુક્તિ જ છે. નિષ્કામ કર્માચરણ – કર્મયોગ માનવમુક્તિનો ઈશ્વરપ્રાપ્તિનો એક માર્ગ છે. સ્વામીજીના સમય પછી લોકમાન્ય તિલકના પ્રકાશિત થયેલા ‘ગીતા રહસ્ય’ અને તેના વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદોએ સ્વામીજીની જ વાતનો પ્રસાર કર્યો. અને મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રપુરુષોને કર્મયોગની પ્રેરણા આપી હતી. તિલકે દર્શાવેલી કર્મપ્રધાનતાને આધ્યાત્મિકતાની ઉપેક્ષા માની લેવાની ભૂલ ઘણાએ કરી છે. પણ ‘ગીતારહસ્ય’ની અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનાને ધ્યાનપૂર્વક વાંચતાં જ જણાય છે કે તિલકે ગીતાને મુખ્યતયા અધ્યાત્મનો જ માર્ગદર્શક ગ્રંથ માન્યો છે. ત્યાં તિલકે કહ્યું છે કે ‘ગીતાએ જ્ઞાન, સંન્યાસ, કર્મ અને ભક્તિની સંવાદિતાભર્યો એવો રસ્તો બતાવ્યો છે કે જેને દરેક માનવે અનુસરવો જોઈએ.’
મહાત્મા ગાંધી પણ એ જ રીતે ગીતાને કેવળ કર્મયોગનો ગ્રંથ જ ન માનતા. ગીતાના તત્ત્વજ્ઞાન ઉપરથી જ તેમણે પોતાનું અહિંસા અને અનાસક્તિનું તત્ત્વજ્ઞાન વિકસાવ્યું. એમના સત્યાગ્રહના સિદ્ધાન્તને પણ રાજકીય માની લેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. પોતાના ગીતા વિવેચનમાં ગાંધીજી લખે છે : ‘ફલાશાત્યાગના કેન્દ્રવર્તી સૂર્યની ફરતે જ્ઞાન – ભક્તિ વગેરે ગ્રહો ઘૂમી રહ્યા છે.’
ગીતાના તત્ત્વજ્ઞાનને આધ્યાત્મિક દૃષ્ટિથી મૂલવવાની સ્વામીજીની એક વિશિષ્ટતા છે. ‘સાચો નિષ્કામકર્મી કંઈ પશુ, મૂર્છિત કે હૃદયહીન હોતો નથી. એ તામસિક નહિ, પણ શુદ્ધ સાત્ત્વિક હોય છે.’ (CW IV, 107) નિષ્કામ કર્મનું પરમ લક્ષ્ય, વચ્ચે આવી મળતી કોઈ ભૌતિક ઉપલબ્ધિ નથી જ. એનું ચરમ લક્ષ્ય તો આ દુન્યવી જીવનની પેલી પારની કામનાહિત – આવશ્યકતારહિત – સ્થિતિ પામવાનું છે. એ અદ્વૈતની પ્રાપ્તિ છે અને એને માટે ભક્તિ અને જ્ઞાન આપણને તૈયાર કરે છે. ‘ગીતામાં મને ગમતી કોઈ પણ બાબત હોય, તો તે એના સારતત્ત્વરૂપ ગીતાનાં બે કૃષ્ણવચનો છે : સર્વ વિનાશશીલ પ્રાણીઓમાં સમાનરૂપે વસતા અવિનાશી આત્માને જોનાર જ સાચી રીતે જુએ છે, કારણ કે ઈશ્વરને સર્વત્ર સમાનરૂપે હાજરાહજૂર જોનાર આત્મઘાતી બનતો નથી. અને એ ચરમ લક્ષ્યને પામે છે!’ (CW II, 193- 94) સ્વામીજીએ ગીતાના આ કેન્દ્રવર્તી વિચારમાં વેદાન્તનો અર્ક નિહાળ્યો છે.
સ્વામીજીએ ગીતાના સમગ્ર ઉપદેશને શ્રીરામકૃષ્ણના જીવનકવનમાં મૂર્તિમંત થતો જોયો. શ્રીરામકૃષ્ણ કહેતા કે, ‘ગીતા’ શબ્દ દસ વાર બોલતાં, ‘ત્યાગી’ શબ્દનું રટણ થતું સંભળાશે. એટલે ‘ત્યાગ’ જ ગીતાનો મધ્યવર્તી વિચાર છે. શ્રી ઠાકુરનું જીવન જ સ્વામીજી માટે આ ત્યાગનું જ્વલંત ઉદાહરણ હતું અને શ્રી ઠાકુરે જ સ્વામીજીને એકાન્ત સાધના દ્વારા વ્યક્તિગત મુક્તિ મેળવવાને બદલે જગતના હિત માટે કર્મ કરવા પ્રેર્યા. આ બન્ને બાબતોથી સ્વામીજી ત્યાગનો ખરી મર્મ પામ્યા. ‘आत्मनो मोक्षार्थं जगध्विताय च’ સ્વામીજીએ કહ્યું છે કે ‘શ્રીકૃષ્ણે પોતાના સમકાલીન સર્વ ધર્મગ્રંથોનાં સર્વોત્તમ તત્ત્વો લઈને ગીતાના ગજરામાં ગૂંથ્યાં છે. અને એમાં રહી ગયેલી ઊણપોની પૂરણી ઓગણીસમી સદીમાં શ્રીરામકૃષ્ણદેવે કરી છે.’ (C.W. IV, 107) દેખીતી રીતે જ અહી સ્વામીજી જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ વચ્ચેનો પ્રચલિત વિરોધ દર્શાવીને એ વિરોધના શ્રીકૃષ્ણે ભક્તિ દ્વારા કરેલા સંપૂર્ણ સમાધાનની વાત કરે છે. સ્વામીજીએ પોતાના આ વિચારસાતત્યને શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં અભિનવ પ્રકાશ પાથરતું જોયું. અને એમાંથી જ એમને ‘શિવભાવે જીવસેવા’નો સૂર સંભળાયો.
ગીતામાં કર્મસંદેશ સિવાય બીજું કશું જ ન જોનારાઓ, કર્મમાં રહેલ આ સેવાના આદર્શને સમજી શકતા નથી. શ્રીઅરવિંદની ગીતાવ્યાખ્યામાં બતાવેલો આ મત છે. ‘શ્રીરામકૃષ્ણની અને સ્વામી વિવેકાનંદની દિવ્ય જીવનલીલા ગીતોપદેશનું જ પૂર્ણ અનુસરણ છે.’ એ પણ આ વાતની સાખ પૂરે છે. (Essays on The Gita, P. 27) એટલે આધ્યાત્મિકતા વિહીન ખાલી સ્પર્ધાત્મક દેશકાર્યને કે કેવળ ઝંખનાભરી સમાજસેવાને જ ઠાકુર-સ્વામીજી ગીતોક્ત કર્મ માનતા, એમ માની લેવું સાવ ભૂલભરેલું છે. શ્રીરામકૃષ્ણ એક ગીત ગાયા કરતા. એનો ભાવ છે કે ‘જ્યારે કર્મજંજાળનો કોલાહલ મને ચોમેરથી જકડી રાખે છે ત્યારે અંતરાકાશમાં મારા પ્રભુ મને સ્વસ્થતા અને શાન્તિસ્વરૂપે સાંપડે છે.’ મહાત્મા ગાંધીને પણ આ ગીત ખૂબ ગમતું. સ્વામીજીને મતે ‘ત્યાગ’નો અર્થ, ‘અહમ્’નું વિગલન છે, કર્મનો જ ત્યાગ નથી. પ્રૉ. હિરિયાણ્ણા સાચું જ કહે છે કે ગીતા ‘કર્મનો’ ત્યાગ શીખવતી નથી પણ ‘કર્મમાં’ ત્યાગ શીખવે છે.’
પશ્ચિમના વેબર જેવા વિદ્વાનોની પેઢે સ્વામીજી ગીતા પર ‘નવા કરાર’ની અસર જેવી વિવાદી સમસ્યાઓની ઝંઝટમાં પડ્યા વગર એવી વાતોને સાવ તુચ્છ અને નકામી ગણે છે. વૈશ્વિક ધર્મના પયગમ્બર તરીકે ગીતા અને નવાં કરારના ઉપદેશોનું મળતાપણું બતાવવાનું એમને ગમતું ખરું. પણ તેઓ એ વાત તો ચોક્કસ જાણતા – માનતા હતા કે ગીતા પર નવા કરારની કોઈ જ અસર નથી. ભારતનું ખ્રિસ્તીકરણ કરવા ખૂબ ઉત્સુક હોવા છતાં પણ ખુદ મૉનિયેર વિલિયમ્સે પણ પોતાના ‘ઈન્ડિયન વિઝ્ડમ’ નામના પુસ્તકમાં આવી અસરને ભારપૂર્વક નકારી કાઢી છે.
ભગવદ્ગીતાના કાળનિર્ણય વિશે પણ સ્વામીજીને રસ ન હતો. ગીતામાં પરસ્પરવિરોધી જણાતી ‘એકેશ્વરવાદ’ અને ‘સર્વેશ્વરવાદ’ની સ્થાપના લગોલગ જ થયેલી જોઈને કેટલાક પશ્ચિમી વિદ્વાનો આ બન્ને વિરોધી-ભિન્ન-સ્તરોને જુદા જુદા કાળે લખાયેલા માને છે. અને એકેશ્વરવાદને બહાને ખ્રિસ્તી ધર્મની અસર લેખાવે છે. તેઓ સર્વેશ્વરવાદને ઈસ્વી સન પૂર્વેની બીજી સદીનો અને એકેશ્વરવાદ- ભક્તિ – ને ઈશુની બીજી સદીનો માને છે.
સ્વામીજી તો દૃઢ રીતે ગીતાને મહાભારતનો જ એક ભાગ માને છે અને મહાભારતને બુદ્ધ પહેલાં લખાયેલું માને છે. તેઓ કહે છે; ‘ઘણા લોકો માન છે કે ગીતા મહાભારતકાળમાં લખાયેલી નથી, પણ પાછળથી એમાં ઉમેરાઈ છે. આ સાચું નથી. ગીતાના વિશિષ્ટ ઉપદેશો મહાભારતમાં બધે સ્થળે જોવા મળે છે. ગીતાને મહાભારતનો જ ભાગ ન માનીએ તો ગીતોપદેશ દાખવતા અન્ય મહાભારતીય ભાગોને પણ પાછળથી ઉમેરેલા જ માનવા પડે.’ (CW V, 247)
મહાભારત કે ગીતાના કાળનિર્ણય વિશે જો કે સ્વામીજી કાલાનુક્રમની ઝંઝટમાં પડતા નથી છતાં પણ ગીતાગાયક કૃષ્ણને તેઓ બુદ્ધ પહેલાં હજારેક વરસે થઈ ગયેલા માને છે. (CW I, 438) કારણ કે ગીતા તત્કાલીન સાંખ્ય, યોગ વગેરે જેવા સંપ્રદાયોનો સમન્વયાત્મક ઉલ્લેખ કરવા છતાં બૌદ્ધધર્મનો ઉલ્લેખ કરતી નથી. સુરેન્દ્રનાથ દાસગુપ્તા જેવાઓએ પણ સ્વામીજીના મતને જ સમર્થન આપ્યું છે.
સ્વદેશ કે વિદેશમાં ગીતા વિશે બોલતી વખતે સ્વામીજી જાણતા હતા કે મહાભારતના છઠ્ઠા – ભીષ્મપર્વના ૨૫થી ૪૨ અધ્યાયોમાં સંગ્રહાયેલું, સાતસો અનુષ્ટુપ છંદોનું આ સુંદર કાવ્ય તત્ત્વજ્ઞાનના ઉત્તમ ગ્રંથ તરીકે વિશ્વવિખ્યાત હતું. ભારતના મધ્યયુગીન મહાન આચાર્યો – શંકર, રામાનુજ, મધ્વ અને વલ્લભ જેવાઓએ તેના પર ભાષ્ય લખ્યાં છે, અને પશ્ચિમની યુરોપીય ભાષાઓમાં સર્વ પ્રથમ અનૂદિત સંસ્કૃતગ્રંથ છે. ભારતમાંથી બ્રિટીશ રાજ્ય આથમ્યા પછી ‘લાંબા સમય સુધી આ અંગ્રેજી અનુવાદ ટકી રહેશે’ – એવું વૉરન હેસ્ટીંગનું વાક્ય સ્મરણીય છે. એ પછી આર્નોલ્ડનું પદ્યાત્મક અંગ્રેજી ભાષાન્તર પણ સ્વામીજીએ વખાણ્યું હતું. તદુપરાંત ગીતાના ફ્રેંચ, લૅટિન, ગ્રીક વગેરે ભાષામાં થયેલ અનુવાદોથી પણ સ્વામીજી સુપરિચિત હતા. છતાં વિદ્વત્તાપૂર્ણ સંદર્ભોથી મઢેલાં ભાષણો એમણે ન કર્યાં, કારણ કે વિશ્વમાંના તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં ભગવદ્ગીતાના મોખરાના સ્થાનની એમને પૂરી માહિતી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકામાં થયેલી ઉત્ક્રાન્તિની ચળવળ અને અન્ય આંદોલનો પાછળ ગીતાનો પ્રભાવ તેમણે પારખ્યો હતો. આમ ગીતાથી પરિચિત લોકો સામે જ સ્વામીજીને ગીતા વિશે બોલવાનું હતું. પોતાના વૈશ્વિક ધર્મના આદર્શને ટેકો આપનાર તરીકે વિશ્વવિખ્યાત ગીતાગ્રંથ તેમણે લીધો હતો. તત્ત્વજ્ઞાનના વૈશ્વિક નિધિ તરીકે તેઓ ગીતાને ગણતા અને કેવળ મૂળ ગીતાના જ સંદેશની ગહન અનુભૂતિથી પ્રેરાઈને તેમણે ગીતાની ભવ્યતા દેખાડી આપી છે. એટલે અતિશય પાવન ગીતાબોધ સમજાવવા, એમાં પશ્ચિમી વિદ્વાનો કે બીજાઓએ કરેલા ગીતાના ભાષ્ય કે વિવેચન કે પ્રશંસાઓના પરિચ્છેદો ટાંકવાની કશી જરૂર જ ન હતી.
Your Content Goes Here




