‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં (હાલ નવ ખંડમાં) પ્રસિદ્ધ થવાની છે. તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહિ, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ તે એક અધિકારયુક્ત વાણીમાં કરેલો હિંદુ ધર્મનો ઘોષણા-પત્ર છે. આધુનિક યુગમાં જ્યારે સમાજવ્યવસ્થા તદ્દન છિન્નભિન્ન થઈ ગયેલી છે ત્યારે હિંદુ ધર્મને પોતાનું વહાણ લાંગરી શકાય તેવા એક ખડકની જરૂર હતી, તેમ જ જેમાં તે પોતાનું સાચું સ્વરૂપ ઓળખી શકે એવી એક પ્રભાવશાળી ઉદ્ઘોષણાની પણ જરૂરી હતી. સ્વામી વિવેકાનંદનાં આ શબ્દો અને લખાણો હિંદુ ધર્મની આ જરૂરિયાતો પૂરી પાડે છે… તેમનો ઉપદેશ ગીતાના કૃષ્ણની પેઠે, બુદ્ધની પેઠે, શંકરાચાર્યની પેઠે, ભારતીય વિચારદૃષ્ટિને પરિચિત દરેક મહાન આચાર્યની પેઠે, વેદો અને ઉપનિષદોનાં અવતરણોથી ભરપૂર છે. એ તો ખડા છે રહસ્યોના માત્ર એક પ્રકાશક તરીકે, ભારતની પોતાની અંદર ભરેલા જ્ઞાન ભંડારના એક વ્યાખ્યાતા તરીકે. જે સત્યોનો તેઓ પ્રચાર કરે છે તે સત્યો જો તેઓ જન્મ્યા ન હોત તો પણ એવાં જ સાચાં રહ્યાં હોત; ના, એથીયે વધુ, તે એટલાં જ પ્રમાણભૂત હોત. જો કોઈ તફાવત પડ્યો હોત તો તે માત્ર તેમને મેળવવાની મુશ્કેલીનો, આધુનિક સ્પષ્ટતા અને તીક્ષ્ણ રજૂઆતની ખામીનો, તેમની પરસ્પરની એકવાક્યતા અને એકતાના અભાવનો.
જો સ્વામીજી આવ્યા ન હોત તો જે શાસ્ત્રગ્રંથો આજે હજારો લોકોને જીવનનું ભાથું પૂરું પાડે તેવા છે તે પંડિતોના ન સમજાય તેવા વાગવિતંડાવાદનું સાધન બની રહ્યા હોત. તેઓ અધિકારપૂર્વક ઉપદેશ આપતા, કેવળ પંડિત તરીકે નહિ, કારણ કે તેઓ જે સત્યનો ઉપદેશ આપતા હતા તેના ઊંડાણમાં એમણે ડૂબકી મારી હતી.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૩ : ૭, ૧૧-૧૨)
આધ્યાત્મિક સંસ્કૃતિમાં નવજાગરણ કે જે ભારત માટે તેમજ સમગ્ર વિશ્વ માટે એક દિવ્ય પ્રકાશ બની રહે તે વિશેનું તેમજ તેના દ્વારા મહાન ભારતના ઉદ્ભવનું દર્શન એમણે કેવી રીતે કર્યું હતું એને સમજવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’નું અવલોકન આપણને સક્ષમ બનાવે છે.
સ્વામીજીએ પુન: પુન: કહ્યું હતું કે સનાતન હિંદુધર્મ એ વેદ અને વેદાંતનો ધર્મ છે. વેદ એટલે સનાતન સત્યોનો સાર સંગ્રહ. એમ પણ કહેવાયું છે કે ઉપનિષદો એ પ્રણાલીગત વિશાળ વૈદિક સાહિત્યનું ‘ન્યુ ટેસ્ટામેન્ટ’ છે. આ વેદો ઋષિઓના હૃદયના ઉદ્ગાર રૂપે ઈશ્વરના ઉચ્છ્વાસની જેમ પ્રગટ્યા છે. છતાં પણ સ્વામીજી કહેતા હતા કે વેદાંતીઓની પ્રારંભિક નિષ્ઠા સિદ્ધાંતો સાથે હતી, વ્યક્તિ સાથે નહિ; અતિ ઉચ્ચ દર્શન દ્વારા ઋષિઓએ આધ્યાત્મિક સત્યને પ્રત્યક્ષ કર્યાં હતાં. સ્વામીજી ભારતીયોને આવા ઋષિઓ બનવાનું આહ્વાન કર્યું હતું અને જો ભારત આધ્યાત્મિકતા પર પોતાની પકડ જમાવી લે તો ભારતનું ભવિષ્ય ભવ્ય અને ઉજ્જ્વળ છે. અતીન્દ્રિય અનુભવોની શક્તિના પ્રગટીકરણથી કોઈ પણ વ્યક્તિ સાચાં પુરુષ કે નારી બની શકશે અને એના દ્વારા આત્મનો મોક્ષાર્થં અને અન્યના કલ્યાણ-મોક્ષ માટે કાર્ય કરી શકશે. યુરોપના વિદ્વાનો અને ઇતિહાસકારોએ આપણા પર લાદેલ આર્યોના આક્રમણની વાતની આંટીઘૂંટીને ઉખેડી નાખીને સ્વામીજીએ કહ્યું કે હિંદુઓ આર્યો જ છે; પછી ભલે એ શુદ્ધ હોય કે મિશ્ર પ્રજા હોય. અને સાચો આર્ય એ છે કે જે પોતાના મનનો માલિક બનવા ઇચ્છે છે અને ઈંદ્રિયાતીત આનંદ પ્રાપ્ત કરવા ઝંખે છે. મનની સુસંસ્કારી સંસ્કૃતિ અને મેધા દ્વારા અને ત્યાગ અને સેવા દ્વારા આર્યોએ વેદો અને ઉપનિષદોને જન્મ આપ્યો છે. આર્યોના આ નિર્ભીક, બૌદ્ધિક પૃથક્કરણોએ વિજ્ઞાનના ક્ષેત્રને પણ ઘણાં મહાન પ્રદાન કર્યાં છે. આ વિશ્લેષણાત્મક શક્તિ અને કવિની નિર્ભીક ક્રાંત દૃષ્ટિએ તેને આગળ ને આગળ ધપાવી છે; અને આ બંને રાષ્ટ્રિય ચારિત્ર્યના પ્રધાનસૂર રહ્યા છે. આર્ય પ્રજાની બીજી વિશિષ્ટતા એ તેનો વર્ણાશ્રમ ધર્મ છે. સ્પર્ધાવિહોણી સામાજિક એકતા લાવવા તેમજ જનસમૂહને આધ્યાત્મિક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ લાવવા આ વર્ણ વ્યવસ્થા ઉદ્ભવી હતી. જો કે સ્વામીજીએ એ અંગે સ્પષ્ટતા કરી છે કે આ વર્ણવ્યવસ્થામાં કોઈ વંશ વારસાની વાતને વેદોએ અનુમતિ આપી ન હતી અને એનો ઉદ્ભવ સદીઓ પહેલાં સામાજિક નીતિનિયમોના આધારે થયો હતો, ધર્મના સિદ્ધાંતોના આધારે નહિ. સ્વામીજીના દૃષ્ટિએ હિંદુ પ્રજાના બીજા આદર્શોમાં ‘આર્ય નારીઓની સ્વતંત્રતા અને તેની પુરુષો સાથેની સમાનતા’નો આદર્શ વિશ્વની બીજી જાતિઓ કરતાં વિલક્ષણ આદર્શ હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે વેદોના કેટલાક સૌથી સુંદર ભાગોનું સર્જન કરનારી મહાન નારીઓ હતી.
સ્વામીજીની દૃષ્ટિએ જો આપણે વેદોનો અભ્યાસ, ઉત્ક્રાંતિની નજરે કરીએ તો આપણને જોવા મળશે કે વેદોમાં બધા ધર્મોનો નિચોડ છે. એમાં આપણને ધર્મભાવનાના વિચારોના વિકાસની સમગ્ર પ્રક્રિયા જોવા મળશે. તેઓ કહે છે : ‘વેદોમાં આપણને ધાર્મિક વિચારોના વિકાસની સમગ્ર પ્રક્રિયા જોવા મળે છે. આમ થઈ શકવાનું કારણ એ છે કે જ્યારે વધુ ઉચ્ચ સત્યનો અનુભવ થયો ત્યારે જે નીચેની કોટિનો અનુભવ પેલા ઉચ્ચ સત્યે લઈ ગયો હતો, તેને જાળવી રાખવામાં આવ્યો. આમ કરવાનું કારણ એ હતું કે ઋષિઓનો અનુભવ હતો કે આ જગત નિત્ય હોવાથી એવા લોકો હંમેશાં રહેવાના જ કે જેઓને જ્ઞાનના એ પ્રથમ પગથિયાની આવશ્યકતા હોય; સર્વોચ્ચ ફિલસૂફી સૌને માટે ખુલ્લી હોવા છતાં તેને તમામ લોકો કદી ગ્રહણ કરી શકે નહિ.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૯ : ૧૧૫)
વેદો અને ઉપનિષદોએ પોતાના મૂળભૂત સ્વરૂપને જાળવી રાખ્યું છે તેથી જ તેઓ આપણને ધર્મ વિચારોની ઉન્નતિના ઇતિહાસને શોધવામાં સક્ષમ બનાવે છે. સ્વામીજીએ કહ્યું છે કે જ્યારે પ્રાચીન આર્યો બાહ્ય વિશ્વમાં જીવનના કેટલાક મૂળભૂત પ્રશ્નોનો ઉત્તર શોધી ન શકયા અને તેઓ અંતરની દુનિયા તરફ વળ્યા ત્યારે વેદાંત તત્ત્વદર્શનનો પ્રારંભ થયો હતો. તેમણે શોધી કાઢ્યું કે બાહ્ય જગત ભલે ગમે તેટલું મહાન અને ભવ્ય હોય પણ તે અનંત શાશ્વત સત્તાનું માત્ર પ્રતિબિંબ જ છે; અને આ સત્તાને આપણે આપણી ભીતર જ અનુભવી શકીએ છીએ. તેમણે આવો પણ નિર્દેશ કર્યો છે કે બધા વેદાંતીઓ આ ત્રણ મુદ્દાઓ વિશે એકમત છે; તેઓ ઈશ્વરમાં માને છે, વેદો અપરોક્ષ જ્ઞાનની ફલશ્રુતિ છે, સૃષ્ટિ, સ્થિતિ અને લય ક્રમશ: દરેક કલ્પમાં થયા કરે છે.
બીજા કોઈપણ ધર્મની જેમ વેદિક ધર્મ પણ પિતૃપૂજાથી આરંભાયો અને આ ઇન્દ્રિયાતીત બનવા માટેની મથામણ છે. અનંતતત્ત્વનો વિચાર ઈશ્વર વિશેની આર્યોની સંકલ્પનાની ભૂમિકામાં રહ્યો છે. વેદિક સંહિતામાં જ્યારે એકેશ્વરવાદ વિશેના વિચારો સર્વપ્રથમવાર આવ્યા ત્યારે એક અગત્યનું વલણ આવું રહ્યું હતું કે આર્યોએ એવું વિચાર્યું કે તે અતિ માનવગુણધારક છે અને તે પૂરતું નથી કારણ કે, તે દૃશ્ય જગતની સમજણ આપી શકતું નથી. એટલે એમણે એને ત્યજીને તેઓ અંતિમ સત્યની શોધમાં લાગી ગયા. છતાંયે સ્વામીજી એવો અભિપ્રાય ધરાવતા હતા કે વેદોના ઘણા અંશો એવા પણ છે જે સગુણ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરે છે. આ ઋષિઓએ ઈશ્વર પ્રત્યેની સુદીર્ઘતાની ભક્તિભાવનાથી એ અજ્ઞાતમાં ડોકિયું કર્યું અને એમના આહ્વાન માટે જગતને પણ નોતર્યું. જે લોકો ઋષિએ વર્ણવેલા આ પથ પર ચાલ્યા નહીં, એમના ઉપદેશોનું અનુસરણ ન કર્યું તેવા ધૃષ્ટ લોકો જ એમની ટીકા કરી શકે કે એમનો વિરોધ કરી શકે. એવી કોઈપણ વ્યક્તિ નીકળી નથી કે જે એમ કહેવાની હિંમત કરી શકે કે તેણે કે તેણીએ એમના આદેશો કે સૂચનોનું સુયોગ્ય રીતે અનુસરણ કરેલ છે અને આ ઋષિઓએ કર્યાં હતાં એવાં કોઈ દર્શન એમને થયા નથી; અને આ ઋષિઓ જૂઠા છે. ભિન્ન ભિન્ન સમયે સગુણ ઈશ્વરમાં વિશ્વાસ રાખીને પોકારનારા સાધકો મળી આવ્યા છે અને પ્રભુએ એમને તરછોડી દીધા નથી. ઉપનિષદના સગુણ બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે.
આર્યો હંમેશાં પોતાની ભીતર રહેલી દિવ્યતાને શોધતા રહ્યા હતા અને આત્મા વિશે ક્રમશ: વધુ અને વધુ ઉચ્ચ વિચાર કે દર્શન એમણે શોધી કાઢ્યાં. આત્માની પ્રથમ સંકલ્પના ‘તે મુક્ત, સ્વતંત્ર દિવ્યદેહ’ છે. એવી હતી પછી આ દિવ્યદેહથી પર એવા સ્વતંત્ર, મુક્ત આત્માનો વિચાર ઉદ્ભવ્યો. બધા ઇન્દ્રિયગોચર પદાર્થોની પાછળ રહેલા મૂળ અને સાચી વિલક્ષણતા એટલે કે અપરિવર્તનશીલ અભિન્ન અખંડ આત્માનો અભિગમ ઊભો થયો. આ આત્મા દેહ, મન અને બુદ્ધિથી પર છે. આપણી બધી સંકલ્પનાઓ બધા વિચારો આ એક અને અખંડ-અનંત, સર્વવ્યાપી ચૈતન્ય સ્વરૂપ સાચા ઈશ્વર, આત્મામાં એકરૂપ બની જાય છે. દરેક વ્યક્તિના આત્મામાં અનંત સુષુપ્ત શક્તિઓ રહેલી છે, ભેદ તો છે તેના પ્રગટીકરણમાં. આત્માની આ મહાન સંકલ્પનાથી સમગ્ર વિશ્વ ઉત્ક્રાંત બની જશે. આ રીતે વેદોનું અંતિમ સત્ય ભાવાત્મક ઐક્ય છે. વિશ્વભરના સાક્ષાત્કારોને એક કરતો અને જોડતો એક જ આત્મા છે. વેદાંતનો ઈશ્વર સગુણ અને નિર્ગુણ બંને છે. ભારતીય મન પૂર્ણ – નિરપેક્ષ એકતાનું પ્રગટીકરણ કરવા સદૈવ મથતું રહ્યું છે. ભારતીયો દૃઢપણે માને છે કે ભૌતિક આવિષ્કારો કે પ્રગટીકરણ એ બ્રહ્મની આંશિક અભિવ્યક્તિ જ છે. એટલે ભૌતિક અદ્વૈતવાદ નહીં પણ આધ્યાત્મિક અદ્વૈતવાદ સાચો છે, એમ સ્વામીજી કહેતા. એક જ કાળે બૌદ્ધિક અને ધાર્મિક કે આધ્યાત્મિક બનવા ઇચ્છતા લોકો માટે આ પૂર્ણ અને નિરપેક્ષ એકતા એ જ એકમાત્ર પદ્ધતિ છે. સમાજમાં નૈતિકતાની આધારશિલા આ ઐક્ય અને પ્રેમ છે, કારણ કે આ પ્રેમની શક્તિથી આ બ્રહ્માંડના દરેક રૂપને વધુ સારી રીતે પૂજી શકાય છે.
અનુભૂતિ અને ત્યાગસમર્પણ દ્વારા મળતી આધ્યાત્મિક મુક્તિ પર વેદો અને વેદાંત ભાર મૂકે છે. ભૌતિકતા કે વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ મેળવવી એ આત્માનું ધ્યેય છે અને વેદાંતમાં આ મુક્તિ એટલે આધ્યાત્મિક સ્વાધિનતા. જો કે આ પૂર્ણ મુક્તિનો આદર્શ કે વિચાર દરેક ધર્મમાં રહેલો છે પરંતુ, વેદાંતમાં એ સૌથી વધુ પ્રબળ શ્રેષ્ઠ રૂપે જોવા મળે છે.
મુક્તિ માટેના આ વેદાંતિક પથની વ્યાવહારિકતા વિશે સ્વામીજીએ નિર્દેશન કર્યું છે. તેમણે કહ્યું છે કે, મુક્ત આત્મા ત્યાં જ હોય છે કે જ્યાં આધ્યાત્મિક, અભૌતિક અને મુક્તિવાળા વેદાંતિક વિચારો હોય, નહીં કે સ્વચ્છંદતા. સદ્ગુણો દ્વારા સાંસારિક ટેવો કે સંસ્કારોમાંથી આપણને વિમોહિત કે મુક્ત કરવા માટે આપણને વેદાંત પ્રેરે છે. બીજી બધી ધર્મસંકલ્પનાઓથી ભિન્ન રીતે વેદો આપણને એ શીખવે છે કે, આપણે મુક્ત જ છીએ. એકલું વેદાંત જ કહે છે કે ધર્મ એટલે ઉચ્ચતર ચૈતન્ય ભાવ અને એની જ અનુભૂતિ કરવાની છે. જ્યાં સુધી તેઓ તેના સિદ્ધાંતો કે અનુષ્ઠાનોનું પાલન કરીને પોતાના આત્માની અનુભૂતિ ન કરી લે ત્યાં સુધી માનવની, જીવની મુક્તિ થતી નથી, એમ વેદાંત જ કહે છે. હૃદયના ગ્રંથને ઉઘાડતો વેદાંતનો ધર્મ વ્યવહારુ વિજ્ઞાન છે. આપણી આંખથી ઓઝલ કરતા પડળોને દૂર કરવામાં જ શાસ્ત્રો આપણને મદદ કરી શકે. આપણા જૂના વિચારો અને અંધશ્રદ્ધાએ વ્યક્તિત્વની ભીતર રહેલા ઉચ્ચતર ચૈતન્યની અનુભૂતિના સિદ્ધાંતોને માર્ગ કરી આપવો પડશે. પૂર્ણનું જ્ઞાન અને ઈશ્વર પ્રેમ પ્રાપ્તિ માટે ચિત્તશુદ્ધિ અત્યંત આવશ્યક છે. ત્યાગ અને સમર્પણ એ ધર્મ કે આધ્યાત્મિકતાની સાચી શરૂઆત છે અને તે જ વેદાંતનો આત્મા છે. આ ઇન્દ્રિયાતીત થવાની મથામણ જ આપણને ટકી રહેવા માટે શ્રેષ્ઠ રીતે સુયોગ્ય બનાવે છે. આસક્તિ અને સંગ્રહ અર્થવિહોણા છે, સ્વર્ગ અને નર્ક શાશ્વત નથી, દેહમાં કેન્દ્રિત થયેલી આપણી વૈયક્તિતાને ત્યજીને આપણે અનંત અને નિર્મળ આનંદની અનુભૂતિ કરી શકીએ- આ ત્રણેયને જાણીને આપણે ઇન્દ્રિયોઓથી પર બનવું જોઈએ.
સ્વામીજીની દૃષ્ટિએ વેદ અને વેદાંતની આધ્યાત્મિક સંસ્કૃતિ એટલે નિર્ભયતા, શક્તિ, શ્રદ્ધા અને પ્રેમ દ્વારા માનવની દિવ્યતાની ઉત્ક્રાંતિ. સ્વામીજી નિર્ભયતા અને શક્તિને ઘણું મહત્ત્વ આપતા તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, નિર્ભયતા દ્વારા ધર્મ શીખવી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, સાચા પ્રેમ અને શ્રદ્ધાથી મુક્તિ મેળવી શકાય છે. સ્વામીજીએ કહ્યું છે કે, પ્રેમ અને ભક્તિના ભારતીય આદર્શનું મૂળ ઉપનિષદોમાં છે. ભયવિહોણી શ્રદ્ધાથી આર્યોએ ઈશ્વર પ્રત્યેનો અભિગમ અપનાવ્યો અને પાછળથી એ પૂર્ણ પ્રભુ નિષ્ઠાવાળા પ્રેમમાં વિકસિત થયો. વેદોએ આ પ્રેમભક્તિની રીત શીખવી છે અને એણે ઈષ્ટ નિષ્ઠાને નામે વિવિધ રૂપોમાં પ્રભુને ભજવાની સ્વતંત્રતા પણ અર્પી છે. સાચા ગુરુની પૂજા અને ૐ વગેરેનો જપ આ પદ્ધતિઓમાંની એક છે. સૌથી મહાન ગુરુઓ પ્રભુના અવતારો રહ્યા છે. માનવ અને પ્રભુની એકતાની ઓળખાણનું પ્રથમ સોપાન એટલે દિવ્ય અવતારી પુરુષોની પૂજા. જો કે માનવની ભીતર રહેલી દિવ્યતાના પ્રગટીકરણમાં સાચો ધર્મ સમાયેલો છે. જીવન જીવતા જીવતા પણ કોઈપણ માણસ જીવનમુક્ત બની શકે, આ છે વેદોનું ધ્યેય.
આમ છતાં પણ આર્ય પ્રજાના હૃદયમાં ઊંડે સુધી કોતરાઈ ગયેલો આદર્શ એટલે કે વ્યક્તિગત પવિત્રતા કે શુદ્ધિવાળા સર્વત્યાગી સંન્યાસીનો આદર્શ રહ્યો છે. પવિત્ર હિન્દુ શાસ્ત્રો અને વેદો કહે છે ‘વેદોના મસ્તક પર સંન્યાસી ઊભો છે’, કારણ કે તે મંદિરો, ગિરજાઘરો, સંપ્રદાયો, ધર્મપંથો, પયગંબરો એ બધાંથી પર છે, મુક્ત છે.’ સ્વામીજીની દૃષ્ટિએ સંન્યાસીઓનું સાચું ધ્યેય ‘આત્મનો મોક્ષાર્થમ્, જગત્ હિતાય ચ-પોતાનો મોક્ષ અને જગતનું કલ્યાણ રહ્યો છે.’ સ્વામીજીના મતે સનાતન હિન્દુ ધર્મનાં બધા સ્તરોનો, તેમજ બૌદ્ધધર્મ અને ભારતમાં બીજી ધર્મશ્રદ્ધાના પંથોનો મૂળ સ્રોત વેદોમાં રહેલો છે. એટલે જ વેદોના વિવિધ અર્થઘટનો કરવાની સ્વતંત્રતા બધા સંપ્રદાયોને આપવી જોઈએ; પરંતુ શરત એટલી છે કે કોઈ પારસ્પરિક કલહ કે વિરોધ ઊભા ન થવા જોઈએ. ધર્મના વિચારોમાં આવી અનંત ભિન્નતાને પણ નિભાવી લેવી જોઈએ. કારણ કે વેદાંતની દૃષ્ટિએ બધા ધર્મો અને બધી ધર્મની કાર્યપ્રણાલીઓ, પૂજાપદ્ધતિઓ આપણને એક અને એક માત્ર ધ્યેય સુધી દોરી જાય છે. વેદો પર આધારિત ધર્મમાં અસંખ્ય સંપ્રદાયોને પચાવવાની અદ્ભુત શક્તિ છે. સ્વામીજી કહે છે : ‘હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા, અને વેદધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતા ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગરકિનારાનાં જળ થોડી ક્ષણ માટે જરાં પાછાં હઠી જાય, અને વળી પાછાં થોડી ક્ષણમાં હજારગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતાં એ સર્વેને હિંદુધર્મે, પોતાની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતાના કરી પોતામાં સમાવી દીધા.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૩ : ૫-૬)
આ યુગની આવશ્યકતા એ છે કે બધા સંપ્રદાય કે ધર્મપથોને જીવવા દેવા જોઈએ, કારણ કે દરેકેદરેક પથ કે સંપ્રદાયમાં તેનું પોતાનું તાત્પર્ય, મહાન વિચાર કે આદર્શ પોતાની રીતે જડાયેલાં હોય છે. વિશ્વના કલ્યાણ માટે એ આવશ્યક છે કે આ કાર્યમાં આપણે સહાય કરવી જોઈએ. જે વૈદિક ધર્મ કે પથ સમગ્ર ભારતને વાસ્તવિક રીતે આવરી લે છે તે છે વેદાંત. આ વેદાંત પણ ત્રણ શાખાઓમાં વહેંચાયેલ છે: આ ત્રણેય શાખાઓ એક સરખી મહત્ત્વની છે. એ ત્રણેય એક બીજાની વિરોધી નથી પણ એકબીજાની પૂરક છે. આ ત્રણેય શાખાઓ માનવ પ્રજાના થયેલા ક્રમશ: આધ્યાત્મિક વિકાસનાં સોપાનો આપણી સમક્ષ ધરે છે. સ્વામીજી કહે છે: ‘સમગ્ર ધર્મનો સમાવેશ વેદાંતમાં, અર્થાત્ વેદાંત ફિલસૂફીની દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત એ ત્રણ ભૂમિકાઓમાં થઈ જાય છે; એક ભૂમિકા બીજીની પાછળ આવે છે. મનુષ્યના આધ્યાત્મિક વિકાસની આ ત્રણ ભૂમિકાઓ છે. એ દરેક ભૂમિકા આવશ્યક છે. ધર્મનો આવશ્યક સાર આમાં આવી જાય છે. ભારતવર્ષમાં રહેલી જાતિઓના અનેકવિધ રિવાજો અને પંથોને વેદાંત લાગુ પાડતાં જે સ્વરૂપ થયું તે હિંદુ ધર્મ છે. યુરોપમાં વસતા ભિન્ન ભિન્ન જાતિસમૂહોના વિચારોને પ્રથમ ભૂમિકા, અર્થાત્ દ્વૈત લાગુ પડતાં જે બન્યો તે ખ્રિસ્તી ધર્મ, અને એ જ ભૂમિકા, (દ્વૈત) સેમેટિક પ્રજાઓને લાગુ પડતાં જે બન્યો તે મુસલમાન ધર્મ, અદ્વૈત ભૂમિકાને તેના યોગદર્શનના સ્વરૂપમાં લાગુ પડતાં જે બન્યો તે બૌદ્ધ ધર્મ; વગેરે. હવે ધર્મનો અર્થ થાય છે વેદાંત; એટલું જ કે ભિન્ન ભિન્ન પ્રજાઓની આવશ્યકતાઓ, પરિસ્થિતિઓ અને બીજા સંજોગો પ્રમાણે એ જુદી જુદી રીતે લાગુ પડે છે. તમને જણાશે કે ફિલસૂફી એક જ પ્રકારની હોવા છતાં શાક્તો, શૈવો વગેરે દરેક તેને પોતાના વિશિષ્ટ પંથ અને ‘સ્વરૂપો’ને લાગુ પડે છે.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૧૧ : ૨૬૫-૬૬)
સ્વામીજીએ એ વાત તરફ અંગુલિનિર્દેશ કર્યો છે કે આપણા દુર્ભાગ્યે આપણા ભાષ્યકારોએ ઉપનિષદોમાંની અનેકવિધતા વચ્ચેની એકતાની વસ્તુને પોતપોતાની ફિલસૂફીને અનુકૂળ ગ્રંથરચના કરવા આ બધા દેખાતા અને બાહ્ય વિરોધાભાસો ઊભા કર્યા છે. આ બાબતને પણ આપણે સુધારવી રહી. તેમણે વેદોના મહાન ભાષ્યકારોનું સર્વેક્ષણ પણ કર્યું હતું અને એમના વિવિધ દૃષ્ટિબિંદુઓનો સારાંશ પણ તારવ્યો હતો.
સ્વામીજીના મતે પ્રાચીન મીમાંસકો માનતા હતા કે આપણે જેમ છીએ તેમ વેદો દ્વારા બ્રહ્માંડને સર્જીએ છીએ. ત્યાર પછી આવ્યા સાંખ્યો. તેમણે તર્ક દ્વારા વેદોના દર્શનને સુસંવાદી બનાવવાનો પ્રયત્ન કર્યો અને આપણને એ શીખવ્યું કે આપણી પ્રકૃતિ કે આપણું મૂળ સ્વરૂપ પવિત્રતા, શુદ્ધિ અને પૂર્ણતા છે. જો કે ભગવાન શ્રીકૃષ્ણ એવા પ્રથમ મહામાનવ હતા કે જેમણે ધર્મનાં વિવિધ સોપાનોની પ્રમાણભૂતતા બતાવી હતી. ભારતના ધર્મ અને આધ્યાત્મિકતાના ઇતિહાસના સ્વામીજી સૂક્ષ્મ અભ્યાસુ હતા. તેમણે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે કે અનેક ક્રિયાકાંડો અને અનુષ્ઠાનો લાદનારા પુરોહિતવાદની તાકાતના દમનને લીધે જ વૈદિક સમાજ ધીમે ધીમે નીચે ને નીચે જતો ગયો; એમણે તો સાચા ધર્મને લગભગ મારી નાખ્યો. પુરોહિતોના આવા આધ્યાત્મિક એકાધિકારની વિરુદ્ધ વેદો અને ઉપનિષદોનાં દર્શનનો પ્રચાર-પ્રસાર કરીને ક્ષત્રિયોએ એક નવો સંગ્રામ માંડ્યો. આથમતા પુરોહિતવાદના બળને સ્થાને દુન્યવી સુખોથી પરિતૃપ્ત થયેલા રાજાઓના ત્યાગે લોકોને અને ધર્મને એક નવું અને બળપ્રદ જીવન અર્પ્યું. આ ધર્મસમ્રાટો પાસે વધુ માત્રામાં વૈશ્વિક ઉપદેશ કે સંદેશ હતો અને પેલા પુરોહિતો તો બીજાને બહિષ્કૃત કરનારા કે અવરોધનારા હતા. ભૌતિક જીવનનાં સુખાનંદ માટેના અર્થ, કર્મ અને ધર્મ પણ પરિવર્તનશીલ છે પરંતુ વેદોનો મુક્તિ કે મોક્ષનો આધ્યાત્મિક આદર્શ એ સનાતન આદર્શ છે. એટલે જ આપણને એવું જોવા મળે છે કે વેદોના કર્મકાંડ વિભાગનો ઉપનિષદો સીધે સીધો વિરોધ કરનારા બની રહ્યા. સર્વોચ્ચ અનુભુતિ, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપનાર ઉપનિષદો ગ્રંથો કે શાસ્ત્રોની અંતિમ સત્તાનો અસ્વીકાર કરે છે.
સ્વામીજી કહે છે : ‘ધર્મના ઇતિહાસમાં વૈદિક શાસ્ત્રગ્રંથોનો મહિમા અનન્ય છે. તે મહિમા પોતાની પ્રાચીનતાને કારણે નહિ, પણ તે દુનિયાના બીજા બધા શાસ્ત્રગ્રંથોમાં આ વેદો જ એવા છે કે જે કહે છે કે માનવીએ ગ્રંથો કે શાસ્ત્રોથી પર જવું જોઈએ.’ (‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’ પૃ.૨૯૯)
પોતાની વિલક્ષણ આધ્યાત્મિકતા અને અતિમાનવીય પ્રતિભાને લીધે સામાન્ય લોકો અને પુરોહિતો વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણે સૌ પ્રથમ મૈત્રીભાવ અને સુલેહસંપ સ્થાપ્યો. ગીતાના એમના ‘નિષ્કામ કર્મ’ના ઉપદેશે આ પુરોહિતો અને રાજાઓ વચ્ચેના સંઘર્ષ કે લડાઈ ઝઘડાને તત્કાળ શાંત કર્યાં. ત્યાર પછી ભગવાન મહાવીરની નિશ્રામાં જૈનોના નૈતિક સિદ્ધાંતોના રૂઢિચુસ્ત બળપ્રભાવ અને કલ્યાણકાર્યોએ એક નવું પુનરુત્થાન લાવી મૂક્યું. સ્વામીજી કહે છે : ‘જૈનો પ્રથમ મહાન તપસ્વીઓ હતા. તેઓએ કેટલું સારું કામ પણ કર્યું. ‘કોઈની હિંસા ન કરો અને શક્ય તેટલું બીજાનું ભલું કરો. એ જ બધી નૈતિકતા છે. એ જ નીતિશાસ્ત્ર છે. એ જ ખરું કર્મ છે. બાકી તો બધું જ અર્થહીન છે. બ્રાહ્મણો દ્વારા સર્જીત છે. ફેંકી દો એ બધું.’ તેઓએ આ સિદ્ધાંત વિકસાવ્યો અને તે એક અદ્ભુત આદર્શ બન્યો. આપણે જેને નીતિ કહીએ છીએ તેને લોકોએ અહિંસા અને સત્કાર્યના મહાન સિદ્ધાંતમાં સમાવી દીધો.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૧૨ : ૩૩૨-૩૩)
ત્યાર પછી ભગવાન બુદ્ધે વૈદિક પુરોહિતવાદના વિરુદ્ધમાં ક્ષત્રિયોના નવા રચાયેલ બળવાનું નેતૃત્વ લીધું. સ્વામીજી કહે છે : ‘તેનામાં બુદ્ધિ હતી, શક્તિ હતી અને હૃદય હતું; એ હૃદય આકાશ જેવું વિશાળ અને અનંત હતું. પુરોહિતો આમજનતાને પોતાના ધાર્યા માર્ગે દોરી જતા હતા તે તેણે જોયું; પુરોહિતોને પોતાની સત્તામાં ગૌરવ માનતા તેણે દીઠા; એ એ બધું જોઈને તેને દુ:ખ થયું. આમજનતા માટે કંઈ કરી છૂટવાની તેનામાં તમન્ના જાગી. તેને પોતાને કોઈ ઉપર કશી સત્તા ભોગવવી નહોતી; એનો ઇરાદો માનવીનાં માનસિક અને આધ્યાત્મિક બંધનો તોડવાનો જ હતો… જે ધર્મ ઉપનિષદમાં એક જ જ્ઞાતિ મર્યાદિત હતો તેના વાડા તોડી નાખવાનું કામ ભગવાન બુદ્ધે કર્યું.’ (સ્વા.વિ.ગ્રં.મા. ૮ : ૨૫૨, ૧૦ : ૨૧) આ રીતે ભગવાન બુદ્ધે વેદાંતને લોકોમાં પ્રસરાવી દીધો અને ભારતને બચાવી લીધું.
આમ છતાં પણ સ્વામીજીએ કહ્યું કે ભારતમાંના આ મહાન બૌદ્ધધર્મના આંદોલને પણ પોતાના સહજ મૃત્યુને વરવાનું હતું. એનું કારણ એ હતું કે પુરોહિતવાદના એકાધિકારને તોડી પાડવા માટે તેમણે ‘સગુણબ્રહ્મ’ના આદર્શને ક્યાંય દૂર ફંગોડી દીધો. વળી ધર્મનાં બધાં સ્વરૂપની અવગણના એ સામાન્ય માણસો ન આંબી શકે એવો એક અતિઉચ્ચ આદર્શ બની ગયો. એટલે એ અશક્ય જેવો બની રહ્યો, અને સંન્યાસીઓ દ્વારા જ તેનું અનુશીલન કે અનુસરણ સંભવી શકે તેવો એ પથ બની ગયો. એટલે સ્વામીજી કહે છે: ‘આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે છે. બૌદ્ધો અને જૈનોના સુધારાઓ પછી આવું બન્યું હતું. બીજી બાજુએ અતિમાત્રામાં વ્યાવહારિકપણું પણ ખોટું છે… એટલા માટે જેમ આપણે આપણા આદર્શને નીચો ઉતારીએ તેમજ વ્યાવહારિકતાને પણ નજર બહાર ન રાખીએ.’(સ્વા.વિ.ગ્રં.મા. ૪ : ૨૯૬)
આવી રીતે મહાન વેદાંતી ભગવાન બુદ્ધનું વેદોનું નિર્ભીક વિશ્લેષણ અને વેદોની ઉદાત્તતાને એમની ઉદાર દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં વેદાંતનાં ગૂઢ સત્યોને ફેલાવી દીધાં; વેદાંતિક વિચારોને શક્તિ અને બળ આપ્યાં. એ એક ઐતિહાસિક આવશ્યકતા હતી કે બુદ્ધે લોકોને અહિંસા અને પોતાના ઉપદેશોમાં શ્રદ્ધા પર વધુ ભાર મૂકતા કર્યા. પરંતુ સગુણ બ્રહ્મ કે ઈશ્વરની અવગણના સામાન્ય લોકોના મનને લાંબા સમય સુધી જકડી ન શક્યા. પરિણામે તે આ દેશમાંથી જડમૂળથી ઊખડી ગયો. બુદ્ધના સમયગાળા પછી રચાયેલાં પુરાણો, સ્મૃતિઓ વિશે કહેતાં સ્વામીજીએ કહ્યું છે કે પ્રેમ અને આત્માની ઉદારતાની વાતો કરનારા એના અંશો સ્વીકાર્ય છે; બાકીના ત્યાજ્ય છે.
સ્વામીજી કહે છે કે ભારતના ઇતિહાસના આ કટોકટીના કાળમાં ભારતમાં વેદાંતના આચાર્યોએ એક મહાન નવજાગરણનો પ્રારંભ કર્યો. ઉત્તર ભારતના કુમારિલ ભટ્ટ એક એવા સૌ પ્રથમ આચાર્ય હતા કે જેમણે બૌદ્ધધર્મની અનૈતિકતા અને સડા વિરુદ્ધ વૈદિક કર્મકાંડની પુન:સ્થાપનાની ઝૂંબેશ ઉપાડી. બૌદ્ધધર્મના પતનનું મૂળ કારણ ભારતની વાયવ્ય દિશા તરફથી આવેલા બર્બર લોકોના આક્રમણધાડાં હતાં. ત્યાર પછી આપણને વેદાંતનું નવોત્થાન અને આચાર્યશક્તિ દક્ષિણ ભારતમાંથી ઉદ્ભવતી જોવા મળે છે.
આચાર્ય શંકરે વેદો અને ઉપનિષદોને ફરીથી જીવંત બનાવ્યા. પછી રામાનુજાચાર્યે ઉપનિષદ પ્રેરિત સર્વોચ્ચ આધ્યાત્મિક ઉપાસનાનાં દરવાજા ખુલ્લાં કરી દીધાં અને તેઓ સામાન્ય જનસમૂહને ફરીથી વૈદિક ધર્મમાં પાછા લાવ્યા. આમ ધીમી પણ નિશ્ચિત રીતે સારગ્રહણ કરવાની પ્રક્રિયા દ્વારા શુદ્ધ, શાશ્વત, વૈદિક ધર્મે ભારતને વિશ્વની પ્રજાએ ભાગ્યે જ વિચારેલ સર્વોચ્ચ આદર્શ તરફ સતત ઉત્ક્રાંત કર્યું છે. આ વિશેની વિગતવાર ચર્ચા હવે પછીના અંકમાં કરીશું.
Your Content Goes Here




