સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને અવગણના કે અવહેલના કરતાં કરી મૂક્યા છે. નીચલા વર્ગના માણસોને કચડીને તેમજ ઘણા લાંબા કાળ સુધી ધર્મજ્ઞાન કે શાસ્ત્રો પર એકાધિકાર રાખીને બ્રાહ્મણો પોતે જ વિશ્વની નજરે અવમાનનાનું પાત્ર બન્યા છે. ઉચ્ચવર્ણના લોકોમાં આવી સહાનુભૂતિ કે સમસંવેદનાના અભાવે માનવજાતના માહાત્મ્યના વેદાંતિક ભવ્ય આદર્શને છુપાવી રાખ્યો છે.
સ્વામીજીની દૃષ્ટિએ ભારતમાં વૈદિક સંસ્કૃતિના અધ:પતનનું કારણ બૌદ્ધકાળમાં અને વિદેશી શાસનકાળમાં સદીઓ સુધી સ્ત્રીઓને વૈદિક અધિકારોથી વંચિત રાખવાનું રહ્યું છે. સ્ત્રીઓને આ અધિકારો પાછા અપાવવા જ જોઈએ. પરંતુ સ્વામીજી એમ ઇચ્છતા હતા કે સ્ત્રીઓ પોતાની સમસ્યાઓ પોતાની મેળે ઉકેલે તેવી પરિસ્થિતિમાં તેમને લાવવી જોઈએ; બીજું કોઈ પણ એમના માટેનું આ કાર્ય કરી ન શકે, કારણ કે તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે આપણી ભારતીય નારીઓ વિશ્વની બીજી નારીઓની જેમ જ આ કાર્ય કરવા શક્તિમાન છે.
બીજી બાજુએ પ્રગતિની પ્રબળ ઇચ્છાને લીધે ઉચ્ચતર વર્ણના લોકો અને એમાંય ખાસ કરીને બ્રાહ્મણોએ પશ્ચિમની રીતરસમો અપનાવી લીધી અને આર્ય ઋષિઓની વૈદિક સંસ્કૃતિને નીચે પાડી દીધી. સ્વામીજીએ કહ્યું છે : ‘એક બાજુએ આજે એક એવો માનવી ઊભો છે, જે પાશ્ચાત્ય ડહાપણનો પ્યાલો પીને પોતાને સર્વજ્ઞ સમજે છે, પ્રાચીન ઋષિઓની એ હાંસી ઊડાવે છે, તેને મન તમામ હિંદુ વિચારસરણી સાવ નકામો કચરો છે, હિંદુ તત્ત્વજ્ઞાન માત્ર બાળકોનો બડબડાટ છે અને ધર્મ એ મૂર્ખાઓનો વહેમ છે. બીજી બાજુએ એક એવો પણ આદમી છે જે શિક્ષિત છે, જે હબસીમૂઠની પેઠે એક નાડાને વળગી રહી છેક બીજે છેડે પહોંચી જાય છે અને દરેક બાબતમાં શુકન કે અપશુકનનું ફળાફળ નક્કી કરવા બેસે છે… ભારતમાં પ્રગતિના માર્ગમાં બે મોટી અડચણો ઊભી છે. એક છે જૂનો સનાતનીપણાનો પહાડ અને બીજો છે આધુનિક યુરોપીય સુધારાનો, ત્યાંની સંસ્કૃતિનો સહ્યાદ્રિ. આ બેમાંથી મારો મત જૂના સનાતનીપણાના પહાડની જાળવણીની તરફેણમાં છે, યુરોપીય પદ્ધતિ માટે નથી. કારણ કે જૂનવાણી માણસ ભલે અજ્ઞાની હશે, એ રોંચા જેવો હશે પણ એ મર્દ છે, એનામાં શ્રદ્ધા છે, એનામાં તાકાત છે, એ પોતાના પગ ઉપર ઊભો છે; જ્યારે યુરોપિયન બની ગયેલો આદમી સાવ કરોડહીન, મેરુદંડ વિનાનો છે. એ તો જ્યાં ત્યાંથી ફાવે તેમ એકઠા કરેલા જાતજાતના વિચારોના પોટલાં જેવો છે; અને એ વિચારો પણ ચોક્કસ થયા વગરના, પચ્યા વગરના અને કશા સુમેળ વગરના છે.. હું એ સાંખી ન શકું. મરો તો પણ તમારી પોતાની તાકાત પર ખડા રહીને મરો. આ દુનિયામાં જો કોઈ પાપ હોય તો તે નિર્બળતા છે. બધી નિર્બળતાથી દૂર રહો, કારણ કે નિર્બળતા એ પાપ છે, નિર્બળતા એ મોત છે. આ સમતુલા વિનાનાં પ્રાણીઓએ હજી પૂરું વ્યક્તિ પણ કેળવ્યું નથી. એમને આપણે કેવાં કહીશું? પુરુષો, સ્ત્રીઓ કે જાનવરો?’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૫૨, ૪૨)
સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધાનો અભાવ અને શારીરિક નિર્બળતાએ ભારતની કરોડરજ્જુને તોડી નાખી છે. વેદોના આધ્યાત્મિક વારસા દ્વારા ભારતને ઉગારવાની તેમની એક મહાયોજના હતી. તેમણે કહ્યું કે આપણે નિર્બળતા અને કાયરતાને ત્યજી દેવાં જોઈએ, વેદાંતના સિદ્ધાંતોને આચરણમાં મૂકવા માટે શીખવું જોઈએ અને યુરોપીયનોના માર્ગથી દૂર રહીને કોઈ સ્વતંત્ર પથ નક્કી કરવો જોઈએ તેમજ માનવને માનવ બનાવતા ઉપનિષદો તરફ પાછા ફરવું જોઈએ. તેમણે કહ્યું છે: ‘આપણે જરૂર છે આ શ્રદ્ધાની દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, અને આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે. બીજું કંઈ નહિ. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે.. આ શ્રદ્ધા તમારામાં આવવી જ જોઈએ. પશ્ચિમની પ્રજાઓએ વિકસાવેલી જે ભૌતિક શક્તિ તમે જુઓ છો તે બધી આ શ્રદ્ધાનું ફળ છે. કારણ કે તેમને પોતાના બાહુબળમાં શ્રદ્ધા છે. અર્થાત્ જો તમે તમારા આત્મામાં શ્રદ્ધા રાખો તો એ કેટલું વધારે કાર્ય કરે! તમારાં પુસ્તકો અને ઋષિઓ એકે અવાજે જેનો ઉપદેશ કરે છે તે અનંત આત્માની અનંત શક્તિમાં શ્રદ્ધા રાખો. જેનો કશાથી નાશ થઈ શકે નહિ એ આત્માની અંદર અનંત શક્તિ રહેલી છે; તેને બહાર લાવવાની જ વાર છે.. એટલા માટે જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. દરેક વસ્તુની મજાક ઉડાવવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જ આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો. અને શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૮૮-૧૮૯)
તેમણે ભારતના યુવાનોને વેદોને આચરણમાં મૂકીને આ દેશનું પુનરુત્થાન કરવાનું આહ્વાન આપતાં કહ્યું: ‘ભવ્ય વૈદિક ઋચાઓની મેઘગર્જનાથી આ દેશમાં ચેતન પાછું લાવવાનું છે. દરેક બાબતમાં વીરતાભર્યા પૌરુષનો કઠોર ભાવ જગાડવાનો છે. આવા આદર્શને અનુસરવામાં જ લોકોનું અને દેશનું કલ્યાણ સમાયેલું છે. જો તમે આવા આદર્શ પ્રમાણે તમારું ચારિત્ર્ય ઘડી શકો તો હજારો લોકો તમને અનુસરશે. પણ આદર્શમાંથી એક આંગળ પણ ખસો નહિ તેની સંભાળ રાખજો. કદી નાહિંમત ન થશો. ખાનપાનમાં, પોશાકમાં, સૂવાબેસવામાં, ગાવામાં કે રમતગમતમાં, ભોગવિલાસમાં કે માંદગીમાં, સર્વદા ઊંચામાં ઊંચી નૈતિક હિંમત દાખવજો. ત્યારે તમારા પર મહાશક્તિ જગદંબાની કૃપા ઊતરશે.’ (સ્વા.ગ્રં.મા. ૧૧:૭૪)
તેમણે ભારતના ભણેલા ગણેલા લોકોને આપણી સંસ્કૃતિ માટે કઈ વસ્તુ આવશ્યક છે અને કઈ અનાવશ્યક છે એ વચ્ચે વિવેકબુદ્ધિ રાખવાનું કહ્યું હતું અને પછી વિચાર શક્તિ ને સમય પ્રમાણેનું કાર્યરૂપ એની મેળે આવી જશે. તેમણે કહ્યું હતું: ‘પ્રાચીન ભારતના મહાન દૃષ્ટાઓએ પોતાના સમયથી એટલે કે દૂર સુધી ભાવિમાં દૃષ્ટિ નાખી કે તેમના એ ડહાપણ અને દીર્ઘદૃષ્ટિની કદર કરવા સારુ તો દુનિયાને હજી સૈકાઓ સુધી રાહ જોવી પડશે; અને ભારતના અધ:પતનનું એક માત્ર કારણ આ અદ્ભુત યોજનાની પૂરેપૂરી શક્યતાઓનું આકલન કરવાની તેમના પોતાના વંશજોની અશક્તિ જ છે… એટલા માટે હિંદુઓ પોતાના ભૂતકાળનો જેટલો વધુ અભ્યાસ કરશે તેટલું તેમનું ભાવિ વધુ ઉજ્જવળ બનશે, અને જે કોઈ આ ભૂતકાળનો સંદેશ ઘરઘરને આંગણે પહોંચાડવાનો પ્રયત્ન કરશે, તે આ પ્રજાનો મહાન કલ્યાણકર્તા હશે. ભારતનું અધ:પતન થયું તેનું કારણ તેના પૂર્વજોના કાયદા અને રિવાજો ખરાબ હતા તે નથી, પરંતુ તે કાયદા અને રિવાજોને તેમનાં સ્વાભાવિક પરિણામો એ પહોંચતાં સુધી પકડી રાખવામાં ન આવ્યા તે છે.’ (સ્વા.ગ્રં.મા. ૫ : ૨૫૫) આવી રીતે એમણે ભારતવાસીઓને દેશમાં માનવતાના ભાવને જગાડવા માટે પ્રેર્યા હતા અને જે તે સમયની આવશ્યકતાને અનુકૂળ થવા પણ સમજાવ્યા હતા.
એમણે ભારતવાસીઓને આ બધું પ્રાપ્ત કરવાનાં અનેક સોપાનો-સૂચનો આ પ્રમાણે છે : (૧) સૌ પ્રથમ તો અસ્તિત્વની મથામણ માટે તૈયાર રહો; પ્રમાદ, સંકુચિતતા અને દંભને છોડી દો, આ બધાંએ આ દેશને અત્યાર સુધી ઢાંકી દીધો હતો. (૨) ઋષિઓએ પ્રસ્થાપિત કરેલા જૂના નીતિનિયમોને પુનર્જીવિત કરો અને જમાનાની માગ પ્રમાણે ફરીથી નવા રૂપે ઘડો. (૩) પુરાણી જીવનશક્તિદાયી શ્રદ્ધા તરફ પાછા ફરો અને સાથે ને સાથે આપણા પ્રાચીન શાસ્ત્રોએ દર્શાવેલા આદેશ પ્રમાણે સમગ્ર વિશ્વના લોકો સાચા બ્રાહ્મણ બને તેવી રીતે સમાજને વધુ અને વધુ ઉદાર અને વિશાળ દિલનો બનાવો.
આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ કરવા આવશ્યક છે, જીવન બક્ષતી અનન્ય કેળવણી પ્રણાલીની. આવી સુયોગ્ય શિક્ષણ પ્રણાલી વિશે સ્વામીજીના વિચારોનો સારાંશ આવો છે:
૧. વેદોના ઉપદેશો પર આધારિત હોય તેવી માનવને માનવ બનાવનારી કેળવણીથી અંધશ્રદ્ધા અને રૂઢિજડતાને દૂર કરવાં જોઈએ. તેમણે કહ્યું છે: ‘રાષ્ટ્રના વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ, તમે એ સમજો છો? તમારે એનાં જ સ્વપ્નાં સેવવાં જોઈએ, તમારી વાતચીત તેના વિશે જ હોવી જોઈએ, તમારા વિચારો તે અંગેના જ હોવા જોઈએ, અને તમારે એનો અમલ પણ કરવો જ જોઈએ. એ ન બને ત્યાં સુધી રાષ્ટ્રને માટે ઉદ્ધારની કોઈ આશા નથી… શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૭૩)
૨. યુવાનોએ સર્વત્યાગી શિક્ષકો પાસેથી આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિવાળાં આધ્યાત્મિક સત્યો અને ઉપનિષદોને શીખવા જોઈએ. તેમણે કહ્યું છે : ‘ગુરુ-ગૃહવાસ, ગુરુની સાથે રહેવું. પ્રાચીન કાળની જેમ. પરંતુ આ કેળવણીની સાથે આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાનને પણ સામેલ કરવાનું છે. બંનેની આવશ્યકતા છે. માણસે પોતાના નાનપણથી જ જેનું ચારિત્ર્ય જ્વલંત અગ્નિ સમાન હોય એવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ; એની સામે સર્વોચ્ચ શિક્ષણનો જીવંત દાખલો રહેવો જોઈએ… આપણા દેશમાં જ્ઞાન આપવાનું કાર્ય હંમેશાં ત્યાગી પુરુષો દ્વારા જ થતું આવ્યું છે. પાછળથી પંડિતોએ બધા જ્ઞાનનો ઈજારો પોતે રાખીને તથા પાઠશાળા પૂરતું જ તેને મર્યાદિત બનાવીને દેશને સર્વનાશને આરે આણી મૂક્યો છે. જ્યાં સુધી ત્યાગી પુરુષો જ્ઞાન આપતા હતા ત્યાં સુધી ભારતમાં બધા સારા સંજોગો હતા.’ (સ્વા.ગ્રં.મા. ૧૧ : ૧૭૯, ૧૮૩)
૩. મઠો કે સંન્યાસીઓએ આધુનિક યુગની વિશાળ અને ઉદાર ભાવની આધારભૂમિકા પર આધ્યાત્મિક ઉન્નતિ અને વૈશ્વિક જ્ઞાનની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. આવા વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરવા વિશે સ્વામીજીએ આમ કહ્યું હતું: ‘અહીં સાધુઓને રહેવાની જગ્યા થશે. મારી એવી ઇચ્છા છે કે મઠને આધ્યાત્મિક સાધના અને વિદ્યાભ્યાસનું મુખ્ય કેન્દ્ર બનાવવું. અહીંથી જે શક્તિ ઉત્પન્ન થશે તે આખી દુનિયા ઉપર પથરાઈ વળશે અને માનવજીવનની ગતિને એક જુદી જ દિશામાં વાળશે. આ સ્થળેથી એવા આદર્શો રજૂ થશે કે જે જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મના સમન્વયરૂપ હશે. સમય આવતાં આ મઠના સાધુઓના એકાદ ઈશારાથી દુનિયાના દૂર ખૂણે પણ જીવંત પ્રેરણા પહોંચાડાશે, અને સમય જતાં બધા સાચા ધર્મ પિપાસુઓ અહીં એકઠા થશે. આવી જાતના હજારો વિચાર મારા મનમાં ઉદ્ભવે છે. મઠની દક્ષિણ બાજુનો પેલો જગ્યાનો ટુકડો વિદ્યાનું કેન્દ્ર બનશે; ત્યાં વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, વક્તૃત્વકળા, શ્રુતિ, ભક્તિશાસ્ત્રો અને અંગ્રેજી શીખવવામાં આવશે.’ (સ્વા.ગ્રં.મા. ૧૧ : ૧૫)
૪. સ્વામીજીએ સ્ત્રીઓ માટેના આવા જ વિશ્વવિદ્યાલયનું દર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું: ‘જે દેશ અને જે પ્રજા પોતાની સ્ત્રીઓનું સન્માન કરતી નથી તે કદીય મહાન બની નથી, અને ભવિષ્યમાં કદી બનશે પણ નહિ.. આ કારણે જ સ્ત્રીઓને પહેલાં ઊંચે લાવવાની જરૂર છે, તથા તેમને માટે એક આદર્શ મઠ સ્થાપવાની જરૂર છે.. ગંગાને સામે કાંઠે જમીનનો એક મોટો ટુકડો ખરીદવામાં આવશે. કુમારિકાઓ અને બ્રહ્મચર્ય પાળનારી વિધવાઓ ત્યાં રહેશે; પરિણીત સ્ત્રીભક્તોને પણ વખતોવખત ત્યાં રહેવા દેવાશે. આ મઠ સાથે પુરુષોનો કોઈ સંબંધ રહેશે નહિ.. આ મઠની સાથે એક કન્યાશાળા સ્થાપવામાં આવશે; ત્યાં ધર્મશાસ્ત્રો, સાહિત્ય, સંસ્કૃત, વ્યાકરણ અને થોડુંઘણું અંગ્રેજી પણ શીખવાશે; સીવણકામ, પાકશાસ્ત્ર, ઘરકામના આચારો, બાળઉછેર જેવા બીજા વિષયો પણ શીખવવામાં આવશે; વળી, જપ, પૂજા, ધ્યાન વગરે એ શિક્ષણનાં આવશ્યક અંગ બનશે. આ મઠની વિદ્યાર્થિનીઓનો મુદ્રાલેખ આત્મસંયમ, ત્યાગ અને આધ્યાત્મિકતા રહેશે તથા સેવાધર્મ એ તેમનું જીવનવ્રત રહેશે. તેમના આવા આદર્શ જીવનને કારણે તેમનું સન્માન કોણ નહિ કરે અગર કોણ તેમનામાં શ્રદ્ધા નહિ રાખે? જો આ દેશની સ્ત્રીઓનું જીવન આ રીતે ઘડવામાં આવશે તો જ સીતા, સાવિત્રી અને ગાર્ગી જેવી આદર્શ નારીઓનું અહીં પુનર્દર્શન થશે.’ (સ્વા.ગ્રં.મા. ૧૧ : ૬૦-૬૨)
૫. વેદાંતના ઉદ્દેશ માટે નવી આધુનિક પદ્ધતિઓનો ભારતીયો ઉપયોગ કરે તેમ સ્વામીજી ઇચ્છતા હતા. તેનું કારણ એ હતું કે તેમને સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હતો કે ભારત પાસેથી સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે તેવા જીવન આપતા ઉપનિષદોના ઉપદેશો આપવાનો સમય હવે આવી ચૂક્યો છે. તેમણે પોતાના દેશબંધુઓને આ પ્રેરક ઉદ્ગારોમાં કહ્યું છે: ‘આજે વિશ્વ એક સર્વાંગસંપૂર્ણ સંસ્કૃતિ માટે રાહ જોઈ રહ્યું છે, એના ભંડારો ભારતમાંથી બહાર આવે તેની રાહ જોઈ રહ્યું છે; જેને ભારતીય પ્રજાએ અધ:પતન અને દુ:ખના દાયકાઓ દરમિયાન અને હજી પણ પોતાની છાતીએ વળગાડી રાખ્યા છે તે અલૌકિક આધ્યાત્મિક વારસાની વાર જોઈ રહ્યું છે. વિશ્વ તે વારસો મેળવવાની રાહ જોઈ રહ્યું છે. આપણા પૂર્વજોના આ અદ્ભુત ભંડારોને માટે ભારતની બહાર કેટલી ક્ષુધા અને તૃષા જાગી છે તેની ધર્મને બહુ ઓછી જાણ છે… ભારતવાસીની આ ભૂમિમાં આપણા પૂર્વજોએ સાચવી રાખેલા અમૃતના એક નાનકડા ઘૂંટડા સારુ હાથ લંબાવીને આપણી દીવાલોની બહાર ઊભેલા લાખો લોકોના હૃદયની વેદના આપણે બહુ ઓછી સમજીએ છીએ. એ માટે આપણે બહાર જવું જોઈએ; એમની પાસેથી જે કંઈ લેવા જેવું હોય તેની સામે આપણી આધ્યાત્મિકતાનો આપણે બદલો કરવો જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રની અલૌકિક બાબતોના બદલમાં આપણે ભૌતિક ક્ષેત્રની બાબતોનો સ્વીકાર કરીશું.. સમસ્ત જગતને પ્રકાશની જરૂર છે; તેને માટે એ આશાભરી મીટ માંડી રહ્યું છે! એ પ્રકાશ કેવળ ભારતવર્ષની પાસે જ છે. અને તે જાદુઇ જંતરમંતર કે ચાલાકીમાં નહિ, પણ સાચા ધર્મના હાર્દની – અર્થાત્ સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યની મહત્તાનો ઉપદેશ આપવામાં. એ કારણે જ પરમાત્માએ આ ભારતીય પ્રજાને અનેક ઊથલપાથલોમાંથી પાર ઉતારીને આજ પર્યંત ટકાવી રાખી છે. હવે સમય આવી ગયો છે. વીર યુવકો! શ્રદ્ધા રાખો કે તમારો સહુનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે… પ્રાચીન કાળના ઋષિઓ જો તે સત્ય જાણી શક્યા, તો આપણે શું નિષ્ફળ જઈશું? આપણે પણ મનુષ્ય છીએ. એક વ્યક્તિના જીવનમાં જે એક વખત બન્યું તે યોગ્ય પુરુષાર્થ પછી બીજાના જીવનમાં પણ જરૂર બને. ઇતિહાસનું પુનરાવર્તન થયા કરે છે. આ આત્મા બધામાં એક જ છે; માત્ર જુદી જુદી વ્યક્તિઓમાં તેની અભિવ્યક્તિમાં ભિન્નતા હોય છે. આ આત્માને પ્રગટ કરવા પ્રયત્ન કરો; તુરત તમે જોશો કે તમારી બુદ્ધિ દરેક વિષયમાં પ્રવેશ કરે છે. જે આત્માને પામ્યો નથી તેની બુદ્ધિ એકદેશીય હશે, જ્યારે આત્મજ્ઞાનીની બુદ્ધિ સર્વગ્રાહી હશે. આત્માનો પ્રકાશ થવાથી તમને જણાશે કે વિજ્ઞાન, દર્શન અને બીજી બધી વસ્તુઓ ઉપર સહેલાઈથી કાબૂ મેળવી શકાય છે. સિંહગર્જનાથી આત્માના માહાત્મ્યની ઘોષણા કરો, અને પ્રાણીમાત્રને આ અભયવાણી આપો : ‘ઊઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહિ.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૮૭) (સ્વા.ગ્રં.મા. ૧૧ : ૨૨૮) (સ્વા.ગ્રં.મા. ૧૦ : ૩૧૩-૧૪)
Your Content Goes Here




