ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલુર મઠ (કલકત્તા પાસે) આયોજિત યુવ-સંમેલનમાં લગભગ ૧૦.૦૦૦ યુવક-યુવતીઓને સંબોધતાં તેમણે જે ભાષણ આપ્યું હતું, તે વાચકોના લાભાર્થે અહીં રજૂ કરીએ છીએ.
મારાં શરૂઆતનાં વર્ષોમાં રામકૃષ્ણ મિશને મારા પર કરેલી અસરને હું ક્યારેય ભૂલી શકીશ નહિ અને એનાથી મને જે લાભ થયો છે એમાંનો થોડો અંશ પણ આજે મારા પ્રવચનમાં આપી શકું તો હું માનીશ કે મારા કાર્યમાં હું સફળ થયો છું.
‘વૈજ્ઞાનિક વલણ’ (Scientific temper) શબ્દ મોટે ભાગે સ્વ. પંડિત જવાહર નેહરુને આભારી છે એમ માનવામાં આવે છે. હકીકતમાં, આ વિચાર ઘણો જૂનો છે. અને ખરેખર તો સ્વામી વિવેકાનંદે આ વિચારની રાષ્ટ્રને ભેટ આપી છે કે વિજ્ઞાન એ માનવીની વૈચારિક પ્રક્રિયાનો એક અનિવાર્ય ભાગ છે અને મૂળભૂત રીતે તે દર્શનશાસ્ત્રનો જ વિષય છે. ગઈ સદીના બદલાવ સમયે સમગ્ર ભારત ઉપર બંકિમચંદ્ર ચેટર્જી અને સ્વામી વિવેકાનંદની તીવ્ર અસરને તમે યાદ કરી શકો છે. ટાગોરને પણ આદર તો મળ્યો હતો પણ તેમનું સર્જન એટલું વધારે પડતું સંસ્કારસંપન્ન અને ભાવનાપ્રધાન હતું કે સામાન્ય જન માટે તે સ્વીકાર્ય નહોતું. ઉપર કહેલા બે માનવોએ જ રાષ્ટ્રનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમનાં તાકાત અને ઉમંગે કાયમી છાપ છોડી અને ઉપસ્થિત જનસમૂહ તેમની અમિટ અસર દર્શાવે છે. મારે એ પણ ઉમેરવું જોઈએ કે, કલકત્તા એવી થોડી જગ્યાઓમાંની એક છે કે જેમાં ગંભીર અને વિચારપ્રેરક રજૂઆતોને સાંભળવા આટલી મોટી સંખ્યામાં માણસો એકત્રિત થાય છે.
સ્વામી વિવેકાનંદે જ્યારે વૈજ્ઞાનિક વલણની સાથોસાથ આધ્યાત્મિક નવજાગૃતિની જરૂરિયાત આ વિચારનો પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને બે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પહેલી સમસ્યા હતી રાષ્ટ્રનું વૈચારિક પછાતપણું. હકીકતે, તેમનાં ભાષણોમાં આપણે તેમને ભારપૂર્વક હાકલ કરતા સાંભળીએ છીએ : “તમે તમારા પેટને તમારો ઈશ્વર અને રસોડાને મંદિર બનાવી દીધું છે.” બીજી સમસ્યા એ હતી કે, તેમણે એવા વિદેશી ધર્મપ્રચારકોના ધસારાનો સામનો કરવાનો હતો કે, જેઓ વેદાંતના દરેક પાસાની ટીકાઓ કરવામાં રાચતા હતા. આ સમયે તેઓ (સ્વામીજી) કહેતા, ‘અમે રોટી માગીએ છીએ અને તમે અમને પથ્થરો આપો છો!’
સ્વામીજીએ ઇ. સ. ૧૯૦૨માં મહાસમાધિ લીધી ત્યારે વિજ્ઞાન જડવાદિતાના પ્રતીક સમું હતું. વૈજ્ઞાનિક વિચારની રીતને ધરમૂળથી હચમચાવી નાખનાર સાપેક્ષતા (Relativity) અને ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics)ની નવી શોધો ત્યારે હજુ અસ્તિત્વમાં આવી નહોતી. આમ છતાં, તેઓ જોઈ શક્યા હતા કે, એકલું જડવાદી વિજ્ઞાન જીવનને તેના તાત્ત્વિક અર્થમાં સમજાવવા અસમર્થ હતું.
હાલના તબક્કે આપણે જાણીએ છીએ કે, ‘ચેતના’ (Consciousness) શબ્દ ભૌતિક વિજ્ઞાનનો અંતર્ગત ભાગ બની ગયો છે. પાઠ્યપુસ્તકો એ માટે ‘દ્રષ્ટા’ શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ એ સ્પષ્ટ છે કે ખરા અર્થમાં દ્રષ્ટાની ચેતના જ આખરી અભિપ્રાય આપે છે. ચેતના શબ્દનો ક્વૉન્ટમ યાંત્રિકી (Quantum mechanics)માં વારંવાર ઉપયોગ થતો હોવા છતાં વૈજ્ઞાનિક શબ્દોમાં તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. આ એક એવો વિરોધાભાસ છે કે, જે ક્ષેત્રમાં બધું જ પરિમાણવાચક શબ્દો કે સંજ્ઞામાં બતાવવું જોઈએ એ જ ક્ષેત્રમાં આ આખરી મહત્ત્વ ધરાવતા ‘ચેતના’ના અસ્તિત્વને પ્રવેશ આપવામાં આવે છે કે જે ખરેખર તો ભૌતિકશાસ્ત્રની પરિભાષાઓમાં વપરાતો શબ્દ જ નથી! જો કે દર્શનશાસ્ત્ર ચેતનાને માન્ચના આપે છે. કારણ કે દરેક વ્યક્તિ આ બાબતમાં સંમત જ છે કે, એ ચેતના ઊંડાણથી અનુભવાતી અને ખરેખર અસ્તિત્વ ધરાવતી કુદરતી ઘટના છે, છતાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે એની વ્યાખ્યા કરી શકતા નથી.
ભૌતિકશાસ્ત્રમાં એ ખૂબ જાણીતી હકીકત છે કે, ચોક્કસ ઘટનાને સમજાવવા માટે તેની મૂળભૂત ઉત્પત્તિને સમજાવવી કંઈ હંમેશ જરૂરી નથી. દાખલા તરીકે, પરમાણુબંધારણને જાણવા માટે પાર્ટીકલ ફિઝિક્સની વિગતો જાણવાની જરૂર નથી, કે પછી. મેક્રોસ્કોપિક ફિઝિક્સ (macroscopic physics) સમજવા માટે પરમાણુબંધારણ વિષેનું બધું જ જ્ઞાન હોવું જરૂરી નથી. કદાચ આ કારણે, દર્શનશાસ્ત્ર ચેતનાના અસ્તિત્વને માન્યતા આપે છે, પણ કંઈ રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા કેવી રીતે તેની ઉત્પત્તિ થઈ છે, એમાં તેને ખાસ રસ નથી. ચેતનાની વર્તણૂકને નિયંત્રિત કરતા સ્પષ્ટ નિયમો છે. ઘણા સમય પહેલાં વેદાંતે, ખાસ કરીને આચાર્ય શંકરે નિર્દિષ્ટ કર્યું કે, મગજ ઘણી અવસ્થાઓ ધરાવે છે, જે દરેક પોતપોતાના માન્ય ક્ષેત્રમાં આવતી સંવેદનાઓને પ્રતિભાવ આપે છે. આપણે બધા એ બાબતમાં સંમત છીએ કે, આપણી જાગૃત અવસ્થામાં દૃશ્ય જગત (અવલોકન કરી શકાય એવું)ને અનુભવીએ છીએ અને બાહ્ય જગતને ઓળખી શકનાર ઇન્દ્રિયોથી આપણે તેના અસ્તિત્વને નોંધી શકીએ છીએ. સાથેસાથે, આપણે એમાં પણ એકમત છીએ કે મગજની સુષુપ્ત અવસ્થા જેવી પણ કોઈ એક વસ્તુ છે, જેના ભૌતિક અસ્તિત્વને કોઈ નકારી શકે નહીં. આમ છતાં નિદ્રામાં પણ મગજ કાર્યશીલ રહે છે અને ફક્ત એવા સંદેશાઓને ગ્રહણ કરી શકે છે કે, જે દૃશ્ય જગતને ન મળી શકે. મગજની જાગૃત અને સુષુપ્ત અવસ્થાઓ સિવાયની બહુ જાણીતી ન હોય એવી અવસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. થોડા સમય પહેલાં મેં આ બધી બાબતોને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાનો પ્રયત્ન કરેલો, અને અમુક લોકોએ વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની ભેળસેળ કરવા માટે મારી સારી એવી ટીકા પણ કરી હતી. જેમ સ્વામી વિવેકાનંદે પોતાનાં લખાણોમાં સૂચિત કર્યું હતું એમ, હું પણ તમને એ કહેવા માગું છું કે, વિજ્ઞાન એ દર્શનશાસ્ત્રનો જ પેટા વિભાગ છે અને દર્શનશાસ્ત્ર વગર વિજ્ઞાનનું અસ્તિત્વ જ ન હોઈ શકે. ઘણાં વૈજ્ઞાનિકો દર્શનશાસ્ત્રની ‘ઉપેક્ષા’ કરે છે પણ સાથેસાથે નામાંકિત લોકોએ એ હકીકત સ્વીકારી છે કે, ચેતના એવી વસ્તુ છે, જેને આપણે વ્યક્તિગત કે સામૂહિક રીતે અવલોકી (અનુભવી) તો શકીએ છીએ અને છતાં તેની વૈજ્ઞાનિક સમજૂતી શક્ય નથી. વિજ્ઞાન માટે એ જરૂરી છે કે, એક કરતાં વધારે વ્યક્તિઓ કોઈ એક જ ઘટનાનું નિરીક્ષણ કરે અને નક્કી કરે કે, ‘ફક્ત એક આત્મા જ અસ્તિત્વ ધરાવે છે, એવા સિદ્ધાંતનાં તારણો માટે ખાલી દૃઢ માન્યતા જ કંઈ જવાબદાર નથી! આથી જ, આવી વ્યક્તિઓ વિચારે કે, જ્યાં સુધી અમે બધી જ ભૌતિક ઘટનાઓને સમજાવવા સમર્થ છીએ, ત્યાં સુધી ચેતના શું છે, એ જાણવાની ચિંતા કરવાની અમારે જરૂર નથી.’ આમ વિચારીને વર્તમાન પરિસ્થિતિમાં તેઓ સંતુષ્ટ રહી શકે એમ માની લેવું મુશ્કેલ લાગે છે. અમુક વ્યક્તિઓ માને છે કે મગજ કોમ્પ્યુટર છે અને ચેતના એ મગજમાં ચાલતી જટિલ રાસાયણિક પ્રક્રિયા છે. કોમ્પ્યુટર એટલે એક બ્લેક બોક્સ (Black Box), કે જે બાહ્ય સાધનો, જેવાં કે મનુષ્યોએ આપેલ નિયમોના આધારે, બધી જ શક્યતાઓને તપાસી, એમાંની ઘણીને નકારીને ચોક્કસ તારણો ઉપર આવે છે. ચેતના અને મગજને આપણે સ્પષ્ટ રીતે જુદાં માનવાં જોઈએ. ફક્ત મગજ જ કોમ્પ્યુટર હોઈ શકે, ચેતના નહીં. કોમ્પ્યુટર ચેતનાની ભૂમિકા કરી શકે એમ માનવું મુશ્કેલ છે. જે અખંડિતતા સર્વત્ર જળવાઈ રહી છે તેને સમજાવવા માટે ગાણિતિક કે ભૌતિક રાસાયણિક નિયમો કરતાં કંઈક વધુ જોઈએ. વધારેમાં વધારે એટલું કહી. શકાય કે આપણે મગજનાં કાર્યો અને ચેતનાની ઉત્પત્તિને જાણતાં નથી. જીવવૈજ્ઞાનિકો પોતાના દાવાઓ અતિશયોક્તિપૂર્વક રજૂ કરે છે અને માને છે કે, તેઓ જીવન વિષે બધું જ જાણે છે પણ આગળ દર્શાવ્યું તેમ, તેઓ પ્રથમ વખત જ પોતાનાં અવલોકનોમાંથી સમરૂપતા (Symmetry) શોધી રહ્યા છે. પરંતુ, સમરૂપતાનું વર્ગીકરણ એ પૂરતું નથી.
હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે મોટા ભાગનું ભૌતિક વિજ્ઞાન એ સમરૂપતાનો અભ્યાસ છે. અને સમરૂપતાથી જે પૃથકતા – જુદા પડવું છે એ તો ભૌતિકશાસ્ત્રના નિયમોને અભિવ્યક્ત કરવાની સમજાવવાની એક રીત છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને મેં આદિ શંકરાચાર્યના બ્રહ્મના વિચારને સર્વોચ્ચ સમરૂપતા તરીકે અને તેની પૃથકતાને દૃશ્ય જગતના કારણ તરીકે અર્થઘટીત કરવાની કોશિશ કરેલી. થોડા મહિનાઓ પહેલાં જ્યારે એ છપાયું ત્યારે ઘણા લોકો તેનાથી રમૂજ પામેલા પણ આ વર્ણનને ભૌતિક વિજ્ઞાન સ્વીકારે છે તો પછી તેનો, ‘સંપૂર્ણ સમરૂપતાથી પૃથકતા એ જ માયા છે.’ એ વિચારના સમર્થનમાં તાત્ત્વિક દલીલ તરીકે ઉપયોગ કેમ ન કરી શકાય?
મેં તમારું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો કે, કઈ રીતે સ્વામી વિવેકાનંદે શોધ્યું કે જ્યારે આ દૃશ્યમાન જગતને સમજવા માટે પણ વિજ્ઞાન સીમિત છે, ત્યારે ચેતનાનું વિજ્ઞાન તો ઊંડાણપૂર્વકનાં અભ્યાસ અને ધ્યાન માગી લે છે અને આપણે આ પ્રશ્નો એવી આશામાં અવગણી શકીએ નહીં કે એક દિવસ વિજ્ઞાન આ બધાનો ઉત્તર આપી શકશે. દેખીતી રીતે જ, વિજ્ઞાન વધુ ઊંડાં રૂપાંતરણો માગે છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે આનંદ વ્યક્ત કરીને, તેમ જ જેમને હું ‘વન્ડરફૂલ પ્રોફેસર બાશામ’ (‘The Wonder that is India’ પુસ્તકના લેખક) એવું કહું છું અને જે ભારતીય કલા અને સંસ્કૃતિને ઊંડાણથી અને આદરભાવથી સમજે છે એવા પ્રોફેસર બાશામ સાથે મંચ ઉપર બેસવાના અહોભાગ્ય માટે આનંદ વ્યક્ત કરીને હું મારું પ્રવચન પૂરું કરું છું.
ભાષાંતરકાર :- ડૉ. ચેતના માંડવિયા
Your Content Goes Here




