(ગતાંકથી આગળ…)
સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે :
૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન
આપણે આ પહેલાં વર્ણવેલ સુધારણા સંસ્થાઓ અને સામાજિક કાર્યકર નેતાઓના કાર્યમાં પ્રાદેશિક આંદોલન જ પ્રતિબિંબિત થાય છે. એમાં રાષ્ટ્રિય કક્ષાએ એકતા ઊભી કરવાની કે રાષ્ટ્રિય ચેતનાની વાત નથી. બંકિમચંદ્ર ચેટરજીની નવલકથા ‘આનંદ મઠે’ હજારો લોકોના મનમાં દેશદાઝનો ભાવ પ્રેર્યો. પરંતુ તેઓ પોતાની જાતને સમગ્ર ભારત સાથે જોડી ન શક્યા. ઘણા વિદ્વાનોના મતે બંકિમચંદ્રનું રાષ્ટ્રભાવનાવાળું ગીત ‘વંદે માતરમ્’ ક્રાંતિકારીઓ માટેનું એક પ્રકારનું યુદ્ધગીત તેમજ વિકલ્પરૂપે રાષ્ટ્રગીત બન્યું. એમાં બંગાળની મૂર્તિમંત માતૃશક્તિની અભિવ્યક્તિ છે. પણ એમાં ‘મધર ઇન્ડિયા – મા ભારતી’ની શક્તિ અભિવ્યક્ત થતી નથી.
બીજી રીતે પણ જ્યારે આપણે એ જમાના પર નજર કરીએ તો ધાર્મિક આંદોલનના નેતાઓના દૃષ્ટિકોણનો વ્યાપ પણ સીમિત હતો, એ વાત સૌથી વધારે આપણી સમક્ષ આવે છે. તેમનામાં રાષ્ટ્રિય અભિગમનો અભાવ હતો તો પછી વૈશ્વિક પરિપ્રેક્ષ્યની તો વાત જ શી કરવી! આનાથી ઊલટું પ્રારંભથી જ સ્વામી વિવેકાનંદમાં રાષ્ટ્રિય અભિગમ હતો અને એ અભિગમ પણ વૈશ્વિક દૃષ્ટિકોણનો એક ભાગ હતો. સ્વામી વિવેકાનંદ ભારતીય રાષ્ટ્રવાદના પ્રથમ ઉદ્ગાતા હતા એ વાત અનેક વિદ્વાન અને વિચારકોએ કરી છે. ફ્લોરેન્સ મિશનુન પોતાના ગ્રંથ ‘એન્સાઈક્લોપિડિયા ઓફ સોશ્યલ સાયન્સ – સમાજ વિજ્ઞાનનો વિશ્વકોષ’માં કહે છે: ‘સ્વામી વિવેકાનંદ અજ્ઞાતભાવે નવભારતના રાષ્ટ્રવાદના પયગંબર હતા. એમની આ વિચારસરણી પર એમના પોતાના સિદ્ધાંત અને દર્શનની છાપ હતી. આવો જ દૃષ્ટિકોણ ભારતના સુખ્યાત ઇતિહાસકાર અને વિદ્વાન આર. સી. મજુમદારે વ્યક્ત કર્યો છે. તેમણે આ બાબતમાં બીજા ઇતિહાસકાર આર.જી.પ્રધાનનું ઉદ્ધરણ ટાંક્યું છે : ‘સ્વામી વિવેકાનંદને આપણે ભારતના રાષ્ટ્રવાદના પિતા કહી શકીએ. મોટે ભાગે તેમણે જ આ રાષ્ટ્રવાદને સર્જ્યાે છે અને તેનાં સર્વોત્કૃષ્ટ તેમજ સૌથી વધુ ઉમદા તત્ત્વોને પોતાના જીવનમાં મૂર્તિમંત કર્ર્યાં છે.’ રેવરન્ડ સી.એફ. એન્ડ્ર્યુઝ નામના એક અંગ્રેજ મિશનરી ભારતમાં આવ્યા અને તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા. તેઓ કહે છે: ‘સ્વામીજીની નિર્ભીક્ રાષ્ટ્રભાવનાએ સમગ્ર ભારતમાં રાષ્ટ્રિય આંદોલનને એક નવો રંગ આપ્યો. કોઈ પણ વ્યક્તિએ વ્યક્તિગત રીતે ભારતના નવજાગરણમાં કરેલ પ્રદાન કરતાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન ઘણું વધારે હતું. કોંગ્રેસ સાથે જોડાયા વગર તેમણે પોતે પોતાની નીતિને આકાર આપ્યો અને તેના મૂલ્યાંકનને સ્થાપિત અને પ્રોત્સાહિત કર્યું હતું.’
એક બીજા સુખ્યાત ઇતિહાસકાર અને રાજનીતિના નિષ્ણાત કે.એમ.પાણીકરે લખ્યું છે : ‘ભારતીય રાષ્ટ્રવાદને ગતિશીલતા આપીને અને અંતે તેને ભારતના મહત્તમ પ્રદેશોને એક રાષ્ટ્ર કે રાજ્યના તાંતણે બાંધવા અને હિંદુઓમાં એક કોમ્યુનિટી-રાષ્ટ્રસમાજ ગણવાની ભાવના ઊભી કરવાના કાર્યનો યશ મહદ્અંશે સ્વામી વિવેકાનંદને જવો જોઈએ… આર્યસમાજ, બ્રાહ્મોસમાજ અને બીજાં આંદોલનો પણ પોતપોતાની રીતે મહત્ત્વનાં હતાં. તેમણે સમાજ સુધારણાનાં આંદોલનમાં પ્રાદેશિકતા પર વધારે ભાર દીધો હતો. સ્વામી વિવેકાનંદ એક એવા મહામાનવ હતા કે જેમણે હિંદુત્વના અંદોલનને રાષ્ટ્રવાદનો રંગ ચડાવ્યો. સાથે ને સાથે મોટાભાગના આવા આંદોલનને સમગ્ર ભારતની નજરે જોવાનો સર્વસામાન્ય અભિગમ પૂરો પાડ્યો.
આધુનિક કાળના ભારતીય નેતાઓમાં સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ માનવ હતા કે જેમણે પોતાની જાતને ‘સમગ્ર ભારત’ અને ‘બધા ભારતવાસીઓ’ સાથે વણી લીધી. તેમણે ભારતના મોટાભાગના પ્રદેશોની યાત્રા કરી હતી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તે વિસ્તારના લોકો સાથે હળીભળી ગયા, તેમને પોતાના બનાવી દીધા અને એ લોકો પણ સ્વામીજીને ખૂબ ચાહવા લાગ્યા અને એમને પોતાના અંગત વ્યક્તિ માનવા માંડ્યા. આવી ગુણવત્તા સ્વામી વિવેકાનંદની જેમ ભારતના કોઈ પણ નેતાએ આટલી સ્વાભાવિક સહજસરળ રીતે અને પુષ્કળ માત્રામાં પ્રગટ કરી ન હતી. એમના માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ વિશે ભગિની નિવેદિતા આમ લખે છે : ‘ભારત એમના હૃદયમાં ધબકતું હતું, એમની નાડીઓમાં ધબકારા મારતું હતું, ભારત એમનું દીવાસ્વપ્ન હતું, ભારત એમની દુ:ખચિંતાનું કારણ હતું… તેઓ પોતે ભારત જ બની ગયા, તેઓ પોતાના લોહીમાંસથી ભારતનું મૂર્તિમંતરૂપ હતા, તેઓ પોતે ભારત હતા, તેઓ ભારતની આધ્યાત્મિકતા, પવિત્રતા, ભવ્ય શાણપણ, અદ્ભુત શક્તિ, અનન્ય દૃષ્ટિકોણ અને તેના ભાવિના પ્રતીક સમા હતા.’
સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ મહાન ભારતીય પુરુષ હતા કે જેમણે દરેકે દરેક ભારતીયોને, અરે પહેલાં અસ્પૃશ્ય ગણાતા લોકોને પોતાનાં ભાઈભાંડું ગણવા હાકલ કરી હતી. એમણે પ્રબળ વાણીમાં કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તુંં ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શર્ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઇંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે હું ભારતવાસી છું, અને ગર્વપૂર્વક ગર્જના કર, કે પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે. તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે ! ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું આનંદવન છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ હે ભાઈ ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે, હે જગજ્જનની અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા ! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ ! મને માનવ બનાવ !’
જો કે સ્વામી વિવેકાનંદને ભારતીય રાષ્ટ્રભાવના પિતા તરીકે સૌએ આવકાર્યા છે છતાં એમનો આ રાષ્ટ્રવાદ રાજનૈતિક પ્રકારનો ન હતો. સ્વામીજીએ રાષ્ટ્રિય ચેતના, રાષ્ટ્રિય એકતા, ભારત એક સાંસ્કૃતિક હસ્તી, અને તે માત્ર ભણેલા ગણેલા ઉચ્ચવર્ગ માટે જ નહીં પણ પદદલિત લોકો માટે પણ છે એવી રાષ્ટ્રભાવના ઊભી કરવા મથામણ કરી હતી. ભારતમાં આવું કાર્ય બીજા કોઈ ઉપદેશકે કર્યું નથી. ૨૦મી સદીમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે નક્કર આધારશિલા પર રાષ્ટ્રવાદ સ્થાપ્યો પણ એમણે લોકપ્રિય બનાવેલ આ રાષ્ટ્રવાદ રાજકીય હસ્તી હતી.
૨. રાષ્ટ્રિય જાગૃતિનો આદર્શ કે વિચાર
રાષ્ટ્રિય જાગૃતિનો વિચાર અને સમગ્ર ભારતના જાગરણનાં મૂળ સ્વામી વિવેકાનંદના સંદેશમાં રહેલાં હતાં. એક બાજુએ ભારતનો સુશિક્ષિત વર્ગ પશ્ચિમની સંસ્કૃતિનો સામનો કરી રહ્યું હતું અને બીજી બાજુએ પશ્ચિમના વિદ્વાનો જેવા કે સર વિલિયમ જોન્સ, વિલકિન્સ, કોલબ્રુક્, વિલ્સન જેવા વિદ્વાનોએ ધર્મ વિષયક અને વૈશ્વિકતાયુક્ત-પ્રાચીન સંસ્કૃત સાહિત્યની ભવ્યતાની પરીશોધમાં ભારતીય લોકોના મનને સર્જનાત્મક-ભાવાત્મક પ્રેરકબળ પૂરું પાડ્યું. સાથે ને સાથે એણે જ્ઞાન અને સંસ્કૃતિનાં નવાં અંતર્ચક્ષુ ૧૯મી સદીમાં ખોલી નાખ્યાં. આને લીધે મુખ્યત્વે બંગાળમાં અને થોડા ઘણાં અંશે ભારતના બીજા ભાગોમાં પણ સાંસ્કૃતિક નવજાગરણનો ઉષ:કાળ શરૂ થયો. આ નવજાગરણ મોટેભાગે પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળેલું અને પશ્ચિમનાં મૂલ્યોથી પ્રભાવિત હતું. અગાઉ વર્ણવેલ સુધારણાનાં આંદોલનના અંકુરો પર તેની લાભદાયી અસરો થઈ.
બરાબર આ જ સમયે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રિય જાગૃતિના પોતાના સંદેશ સાથે આવ્યા. ‘જાગૃતિ કે જાગરણ’ દ્વારા સ્વામીજી ત્રણ પ્રક્રિયાઓની વાત કરે છે. ૧. સામાન્ય જનસમૂહોની જાગૃતિ અને એમને રાષ્ટ્રિય ઉન્નતિમાં સામેલ કરવા.૨. ભારતની પ્રાચીન સંસ્કૃતિની નવી સંરચના, પુન:પ્રાપ્તિ અને તેનો કાયાકલ્પ કરવો. ૩. ભારતના પ્રાણ સમું આધ્યાત્મિક જાગરણ.
૧. સામાન્ય જનસમૂહોની જાગૃતિ અને એમને રાષ્ટ્રિય ઉન્નતિમાં સામેલ કરવા : આ પહેલાં આપણે રામમોહન રોય, આર.જી.રાનડે જેવાએ શરૂ કરેલ સાંસ્કૃતિક નવજાગરણની અને સમાજ સુધારણાનાં આંદોલનોની વાત કરી. તે ઉચ્ચ વર્ગના અને મધ્યમ વર્ગના લોકોનાં આંદોલનો હતાં. એમાં નીચલા વર્ગના લોકોનો સમાવેશ થતો ન હતો. આનાથી ઊલટું સ્વામી વિવેકાનંદ માનતા હતા કે રાષ્ટ્રની સાચી શક્તિ આ સામાન્ય જનસમૂહમાં રહેલી છે, એટલે પોતાના આ કાર્યના બરાબર પ્રારંભિક કાળથી એમની નજર સમક્ષ સામાન્ય જનસમૂહની જાગૃતિ રહેલી હતી. તેમણે કહ્યું છે, ‘અત્યારે તો તમારી ફરજ દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં, ગામડે ગામડે જવાનું અને જે લોકો આળસ અને પ્રમાદમાં બેસી રહે છે અને કંઈ કરતા નથી તેમને સમજાવવાનું. તેઓ પોતાની સાચી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણતા થાય એવું કરો અને કહો, ‘અરે મારા ભાઈ, હવે તો ઊભો થા, જાગ ! ક્યાં સુધી આ ઊંઘમાં પડ્યો રહીશ !’
વાસ્તવિક રીતે ભારતના સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ નેતા હતા કે જેમણે સામાન્ય જનસમૂહની જાગૃતિના કાર્યક્રમની બિનરાજકીય સંકલ્પના કરી હતી. અમેરિકામાંથી પાછા ફર્યા બાદ લખેલા એક પત્રમાં સ્વામીજીએ સામાન્ય જનોની જાગૃતિ વિશેની પોતાની યોજના વિશે લખ્યું હતું : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં સિંહ જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.’
ભારતમાં બ્રિટિશ શાસનને લીધે સ્વામીજી પોતાની સામાન્ય જનસમૂહની જાગૃતિની યોજનાનો અમલ ન કરી શક્યા. અને પછીથી એમણે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું કે એમણે એ યોજના પડતી મૂકી. જો સામાન્ય જનસમૂહના જાગરણની આ યોજના ભારતમાં અમલમાં આવી હોત તો ભારતનું ભાવી કંઈક જુદું જ હોત, એમ કહેવું અત્યારે બિનજરૂરી છે.
૨. ભારતની પ્રાચીન સંસ્કૃતિની નવી સંરચના, પુન:પ્રાપ્તિ અને તેનો કાયાકલ્પ કરવો : ભારતની સંસ્કૃતિ પ૦૦૦ હજાર વર્ષ પુરાણી છે. આ સુદીર્ઘકાળમાં વિશેષ કરીને છેલ્લાં ૩૦૦૦ હજાર વર્ષો દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શાસ્ત્રો, ભાષ્યો, પુરાણો, મહાકાવ્યો, દર્શનશાસ્ત્રો, ધર્મસંપ્રદાયો, સાધનાઓ અને મનને ચેતવતાં-જગાડતાં વિવિધ પ્રકારનાં આધ્યાત્મિક જ્ઞાન ભારતના સાંસ્કૃતિક વારસામાં ઉમેરાયાં છે. ૧૯મી સદીમાં જે સુધારણા આંદોલનો ઊભાં થયાં તેમણે આપણા આ અમૂલ્ય વારસાનો સ્વીકાર ન કરવા માટે પ્રચારપ્રસાર કર્યો.
સ્વામી વિવેકાનંદના સમયસરના આગમને આ ભવ્ય અને અનન્ય એવા ભારતના આધ્યાત્મિક વારસાના ઈન્કાર અને એની અવગણનામાંથી બચાવી લીધો. સ્વામીજી એવી કાર્ય પ્રણાલીને અનુસર્યા કે જેને મહર્ષિ અરવિંદે ‘જાળવણી દ્વારા પુન:સંરચના’ કહી છે. સ્વામીજીએ દર્શાવ્યું છે કે પ્રાચીન ભારતની ધર્મપ્રણાલીને બે પરિમાણો હતાં.
એમાંનું એક ‘તત્ત્વ’ છે. આ પરિમાણ હિંદુ ધર્મનું હાર્દ રચે છે અને તે અનંત સત્ય તેમજ આત્મા કે પરમાત્માના રાજ્યના સિદ્ધાંતોનું બનેલું છે. આ સત્યો બ્રહ્માંડની પાછળ રહેલ અંતિમ સત્ય, અનંત અસીમ ચૈતન્ય – ‘બ્રહ્મ’ને શ્રેષ્ઠ અને ગુણાતીતરૂપે પ્રગટ કરે છે. આત્માને નામે જાણીતી સંપૂર્ણ અને પવિત્ર આત્મજાગૃતિ એ માનવ વ્યક્તિત્વનું અંતિમ અને અસલ સ્વરૂપ છે.
Your Content Goes Here




