(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. – સં.)
બીજે દિવસે હું મારા મિત્ર રાજેન્દ્ર ઘોષને સાથે લઈને સ્વામીજીનાં દર્શન માટે ગયો. મેં તેને પહેલેથી કહી દીધું હતું કે “ભાઈ, કાલે ઉપનિષદ યાદ નહોતું, તેથી હું મોટી મુશ્કેલીમાં પડી ગયો હતો. તમારી પાસે કોઈ ઉપનિષદ હોય તો લઈ લો. જો તેઓ કાલની માફક કંઈ પૂછે તો તેમાંથી વાંચવા કામ આવશે.” રાજેન્દ્રની પાસે ઈશ-કેન વગેરે ઉપનિષદ તથા પ્રસન્નકુમાર શાસ્ત્રી રચિત તેનો બંગાળી અનુવાદ પણ હતો. તે લઈને અમે ગયા. આજે સ્વામીજીનો ઓરડો લોકોથી ભરાઈ ગયો હતો. મેં વિચાર્યું હતું, તેમ જ થયું. બરાબર યાદ નથી પણ આજે પણ કઠોપનિષદનો જ પ્રસંગ આવ્યો. મેં તરત જ ખિસ્સામાંથી પુસ્તક કાઢ્યું અને ઉપનિષદમાંથી વાંચવાનું શરૂ કર્યું. વાંચન દરમિયાન સ્વામીજી નચિકેતાની શ્રદ્ધા વિશે બોલવા લાગ્યા કે તેણે કઈ રીતે નિર્ભય બનીને યમના ઘરે જવાનું સાહસ કરેલું. જ્યારે નચિકેતાનું બીજું વરદાન-‘સ્વર્ગપ્રાપ્તિ’ના પ્રસંગનો પાઠ શરૂ થયો ત્યારે સ્વામીજીએ તે અંશને છોડીને ત્રીજા વરદાનનો પ્રસંગ વાંચવા માટે કહ્યું.
નચિકેતાએ પૂછ્યું કે લોકોને સંદેહ રહે છે કે મૃત્યુ પછી કંઈ રહે છે કે નહીં; પછી યમ દ્વારા નચિકેતાને પ્રલોભન આપવું અને નચિકેતાનો દૃઢતાપૂર્વક બધાનો અસ્વીકાર કરવો—વગેરેનું થોડું વાંચન થયા બાદ સ્વામીજી પોતાની સ્વાભાવિક ઓજસ્વી વાણી દ્વારા સમજાવવા લાગ્યા, પણ તે બાબત મને કંઈ યાદ રહી નથી.
પરંતુ આ બે દિવસની ઉપનિષદની ચર્ચાના પરિણામે સ્વામીજીની ઉપનિષદ પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમના થોડા અંશ મારામાં પણ સંચારિત થઈ ગયા. કારણ કે ત્યાર પછી મને જ્યારે પણ અવસર મળતો, ત્યારે હું પરમ શ્રદ્ધા સાથે ઉપનિષદ વિશે ચર્ચા કરતો, વાંચતો અને હજુ પણ એમ કરું છું. જુદા જુદા પ્રસંગો દરમિયાન તેમના શ્રીમુખથી ઉચ્ચારણ પામેલ, અપૂર્વ સ્વર-લય-તાલ અને તેજસ્વિતાથી પઠન કરેલા ઉપનિષદોના એક એક મંત્ર જાણે અત્યારે પણ સાંભળું છું. જ્યારે બીજી ચર્ચામાં ડૂબી જઈને આત્મચર્ચાને ભૂલી જાઉં છું ત્યારે તેમના સુપરિચિત સુમધુર કંઠથી ઉચ્ચારિત ઉપનિષદોના સંદેશની દિવ્ય, ગંભીર ઘોષણા યાદ કરી લઉં છું—तमेवैकं जानथ आत्मानम्, अन्या वाचो विमुञ्चथ, अमृतस्यैष सेतुः। ‘એકમાત્ર આત્માને જ જાણો, બીજી બધી વાતો છોડો; તે જ અમૃતત્વનો સેતુ છે.’
જ્યારે આકાશ ઘોર વાદળોથી ઘેરાઈ જાય છે અને વીજળી ચમકવા લાગે છે, ત્યારે જાણે એવું લાગે છે કે સ્વામીજી તે આકાશ સ્થિત દામિની તરફ સંકેત કરતાં કહી રહ્યા છે કે-
न तत्र सूर्यो भाति न चन्द्रतारकम्
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः।
तमेव भान्तमनुभाति सर्वं
तस्य भासा सर्वमिदं विभाति॥
‘ત્યાં નથી સૂર્ય પ્રકાશતો કે ચંદ્રમા કે તારા પ્રકાશતા. ત્યાં વીજળી પણ પ્રકાશિત થતી નથી તો સામાન્ય અગ્નિની તો વાત જ ક્યાં કરવી? તેના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે.’
પછી ક્યારેક જ્યારે પરમ જ્ઞાન મારા માટે અસાધ્ય માનું છું અને હતાશ થઈ જાઉં છું, ત્યારે જાણે સાંભળું છું કે—સ્વામીજી આનંદથી પુલકિત થઈને ઉપનિષદની આ આશ્વાસન-વાણી ઉચ્ચારે છે—
शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिव्यानि तस्थुः॥ ….
वेदाहमेतं पुरुषं महान्तम्
आदित्यवर्णं तमसः परस्तात्।
तमैव विदित्वा अतिमृत्युमेति
नान्यः पन्था विद्यतेऽयनाय॥
“હે અમૃતના પુત્રો, હે દિવ્યધામના નિવાસીઓ, તમે લોકો સાંભળો, મેં એવા મહાપુરુષને જાણી લીધા છે કે જે આદિત્ય (સૂર્ય)ની માફક જ્યોતિર્મય અને અજ્ઞાનના અંધકારથી રહિત છે. તેને જાણી લીધા પછી જ વ્યક્તિ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે—મુક્તિનો બીજો કોઈ માર્ગ નથી.”
એક દિવસની ઘટના ટૂંકમાં કહું છું. શરદબાબુએ પોતાના ગ્રંથ ‘વિવેકાનંદના સાંનિધ્યમાં’માં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે.
હું તે દિવસે બપોરના ત્યાં પહોંચ્યો હતો. જોયું કે ઓરડામાં અનેક ગુજરાતી પંડિતો બેઠા છે, સ્વામીજી તેમની પાસે બેસીને સંસ્કૃત ભાષામાં ધારાવાહિક રીતે ચર્ચા કરી રહ્યા છે. ભક્તિ-જ્ઞાન વગેરે ઘણા વિષયો પર ચર્ચા ચાલતી હતી. ત્યાં અચાનક શોરબકોર થયો. ધ્યાન દઈને જોયું તો સંસ્કૃત ભાષામાં બોલતાં બોલતાં સ્વામીજીથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ ગઈ, તેથી પંડિત લોકો જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય વગેરેની ચર્ચા ભૂલીને આ ભૂલને લીધે ‘અમે સ્વામીજીને હરાવી દીધા’ —આમ કહીને પ્રસન્ન થઈને કોલાહલ કરવા લાગ્યા. આ સમયે મને શ્રીરામકૃષ્ણદેવની એક ઉક્તિ યાદ આવી ગઈ, ‘ગીધ ઊડે છે ઘણી ઊંચાઈ પર, પણ તેની નજર હંમેશાં મરેલા પશુ પર હોય છે.’ સ્વામીજી જરા પણ વિચલિત થયા વગર બોલ્યા, ‘पंडितानां दासोऽहं क्षन्तव्यम् एतत् स्खलनम्।’ થોડી વાર પછી સ્વામીજી ઊઠી ગયા અને પંડિત લોકો ગંગા નદીમાં હાથ-મોં ધોવા જતા રહ્યા. હું પણ બગીચામાં ફરતો ફરતો ગંગાજીના કિનારે પહોંચી ગયો. ત્યાં પંડિતો સ્વામીજી વિશે ચર્ચા કરી રહ્યા હતા, ‘સ્વામીજી કોઈ એવા પંડિત નથી, પરંતુ તેમની આંખોમાં એક મોહિની-શક્તિ છે. આ શક્તિના બળના આધારે તેમણે અનેક સ્થાનો પર દિગ્વિજય મેળવેલ છે.’
મેં વિચાર્યું, પંડિતો બરાબર સમજ્યા છે. જો તેમની આંખોમાં મોહિની-શક્તિ ન હોત તો આટલા વિદ્વાન, ધનિક, માનવંતા લોકો, પૂર્વ અને પશ્ચિમનાં જુદા જુદા સ્વભાવવાળાં સ્ત્રી-પુરુષો શું તેમની પાછળ એમ જ દાસની જેમ દોટ લગાવત! આ વિદ્યાને લીધે, રૂપને લીધે, ઐશ્વર્યને કારણે નહીં પણ તેમની આંખોની મોહિની-શક્તિને કારણે જ શક્ય! વાચકો, સ્વામીજીની પાસે આ મોહિની-શક્તિ ક્યાંથી આવી, તે જાણવાનું કુતૂહલ હોય તો મારા ગુરુદેવની (સ્વામીજીની) સાથે દિવ્યસંબંધ બાંધો અને શ્રદ્ધાપૂર્વક તેમની અસાધારણ સાધનાનું વિવરણ જાણવાનો પ્રયત્ન કરો.
Your Content Goes Here





