ગતાંકથી આગળ…

પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો પત્ર આ પ્રમાણે છે:

જયરામવાટી
૭ ઓક્ટોબર, ૧૮૯૫

પ્રિય વત્સ,

મારા પ્રેમભર્યા આશીર્વાદ સ્વીકારજે. મને તારો પત્ર મળ્યો છે. તું જે મુશ્કેલીઓ કે કષ્ટમાંથી પસાર થઈ રહ્યો છે એ સાંભળીને હું ખૂબ ખિન્ન થઈ છું. તું વૃંદાવન જઈ શકે અને ત્યાં ગોવિંદજીના પવિત્ર મંદિરની મુલાકાત લઈ શકે, તે તારા માટે સારું રહેશે. તારાં માતપિતાની સંમતિથી તું તે પવિત્ર તીર્થસ્થાને જઈ શકે છે. વિજય, ખગેન, સુશીલ, ખેલાત, શશી, ફણી, હરિપદ, કનાઈ અને બીજાને મારા આશીર્વાદ પાઠવજે. તારાં માતાને પણ મારા આશીર્વાદ કહેજે.

તારી માતા

આવી રીતે શ્રીશ્રીમાની સંમતિ મેળવીને કાલીકૃષ્ણે એક પણ પળને ન વેડફી. તેઓ સંન્યાસીઓની વિદાય લેવા પ્રથમ તો આલમબજાર મઠમાં ગયા; પછી તેઓ જયરામવાટી ગયા. એને જોઈને શ્રીશ્રી મા ખૂબ રાજી થયાં અને આ શબ્દો સાથે તેમણે આશીર્વાદ આપ્યા, ‘તને શ્રીરામકૃષ્ણ પ્રત્યે અચલ ભક્તિ પ્રાપ્ત થાઓ.’ ૨૦ ઓક્ટોબર, ૧૮૯૫ના રોજ વારાણસીના રસ્તે કાલીકૃષ્ણ વૃંદાવન જવા નીકળ્યા. આ યુવાન તપસ્વીનું હૃદય આનંદથી છલકાતું હતું. જ્યારે તેઓ વારાણસી પહોંચ્યા ત્યારે તેમણે ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે છે ઃ

૨૨ ઓક્ટોબર, ૧૮૯૫

પૂજ્ય મા,

આપનાં ચરણકમળમાં મારા અસંખ્ય સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. હે મા, આપની વિશેષ કૃપાથી હું આજે ઘરેથી વારાણસી જવા નીકળું છું. જો કે જ્યારે હું નીકળતો હતો ત્યારે મારાં માતા રડ્યાં ખરાં પણ એમણે હૃદયપૂર્વક મને આશીર્વાદ આપ્યા. જો મારાં માતા આટલાં મહાન ન હોત તો હું આજે જે છું તે હોત ખરો?… હું આપને એવા આશીર્વાદ આપવા પ્રાર્થના કરું છું કે જેથી તેમને મનની શાંતિ મળે.

મા, હવે તમારો પુત્ર એકલો છે. મારા પર આવતાં અનિષ્ટોથી મને બચાવી લેજો અને મારો આધાર અને સહારો બનજો. હે મા, આ બધું તો આપની અસીમ કૃપાથી જ છે. શ્રદ્ધાના અભાવે હું ચિંતા કરું છું. હે મા, હું આપને ક્યારેય વિસરું નહીં અને મારું મન આપનામાં જ લાગી રહે, એવી કૃપા મારા પર કરો. હે મા, આપને જ પ્રાપ્ત કરવાં એ મારા જીવનનો ધ્યેય બને એ જોજો. આપ મને બીજું કંઈ આપો કે ન આપો, પણ મને અચળ પ્રેમ-ભક્તિથી ભરી દેવા હું આપને વિનંતી કરું છું.

આપની સંમતિ મેળવીને મને થયેલા આનંદનું હું વર્ણન કરી શકતો નથી. હે મા, મેં મારો બધો ભાર આપને સોંપી દીધો છે. તમે જ મારાં મા છો; મારા હાથને છોડતાં નહીં, નહીં તો મારું પતન થશે. હે મા, મારા માટે પ્રાર્થના કરો અને મને બળપૂર્વક એ દિશામાં દોરી જાઓ કે જે મને ગમે તે રીતે અને ગમે તે સાધનોથી ત્વરિત આપનાં શ્રીચરણકમળમાં ત્વરાથી ખીલતો કરી દે. આપના જ વિચારોથી મારા સમગ્ર અસ્તિત્વને ભરી દો.

હે મા, હું મંગળવારે સવારે અહીં વારાણસી પહોંચ્યો છું (સ્વામી વિરજાનંદજીએ આ પત્ર ગાડી ઉપડ્યાના દિવસે લખ્યો હશે અને વારાણસીમાં પૂરો કર્યાે હશે).

હું વંશી દત્તના ઉદ્યાનમાં ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)સાથે રહું છું. ગોપાલદા મારી ઘણી સાર- સંભાળ લે છે, એટલે હું અહીં આનંદમાં છું. મારે અહીં આઠથી દસ દિવસ રોકાવાની ઇચ્છા છે. પછી સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી યોગાનંદજીની સલાહ પ્રમાણે હું અયોધ્યા થઈને વૃંદાવન જઈશ.

આ વખતે મને જયરામવાટીમાં જગદ્ધાત્રી દેવીની પૂજામાં હાજર રહેવાની તક નહીં મળે. હે મા, આપનાં શ્રીચરણકમળોમાં મારી અચળ ભક્તિ રહે એવા આશીર્વાદ મને આપો.

મા, હું રહું –
આપનો વત્સલ પુત્ર
કાલીકૃષ્ણ.

નોંધ: સ્વામી બ્રહ્માનંદજી અને યોગાનંદજીની સલાહ પ્રમાણે હું ભગવાં કપડાં પહેરું છું.

વારાણસીમાં કાલીકૃષ્ણને શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી યોગાનંદજી, સ્વામી શિવાનંદજી અને સ્વામી અભેદાનંદજીનો પવિત્ર સંગાથ સાંપડ્યો હતો. આવી મહાન આધ્યાત્મિક વિભૂતિઓના પવિત્ર સંગાથથી કાલીકૃષ્ણ ફરીથી આનંદપૂર્વક આધ્યાત્મિક સાધનામાં ડૂબી ગયા અને અહીં જ એમને શ્રીશ્રીમાના આશીર્વાદનો પત્ર પણ મળ્યો. તેમણે પત્રમાં આમ લખ્યું હતું:

૩૧ ઓક્ટોબર, ૧૮૯૫
જયરામવાટી

પ્રિય કાલીકૃષ્ણ,

તારો પત્ર મળ્યો. હું ખૂબ રાજી થઈ છું. હું તને અને તારાં પૂજ્ય માતાને આશીર્વાદ પાઠવું છું અને હું એમને (શ્રીરામકૃષ્ણને) તમારા સૌ માટે હંમેશાં પ્રાર્થના કરું છું. તારાં ક્ષેમકલ્યાણ વિશે અવારનવાર સમાચાર સાંભળીને હું રાજી થઈશ… અહીં જગદ્ધાત્રી પૂજા ઘણી સરસ રીતે પૂરી થઈ. કોલકાતાથી શરત (સ્વામી સારદાનંદ) અને બીજા કેટલાક મારા પુત્રો આવ્યા હતા. તેં કયાં કયાં તીર્થસ્થાનોની યાત્રા કરી છે, એ વિશે મને જણાવજે. મારા આશીર્વાદ સ્વીકારજે. એમના (શ્રીઠાકુર) પર મન લગાડીને કાળજી રાખીને આગળ ધપજે. સમયે સમયે પત્ર લખતો રહેજે.

તારી સદૈવની હિતેચ્છુ,
મા.

વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા પછી તેઓ વૃંદાવન ગયા અને રસ્તામાં તેમણે અયોધ્યાની મુલાકાત પણ લીધી. વૃંદાવનમાં કાલીકૃષ્ણ કાલાબાબુની કુંજમાં સ્વામી પ્રેમાનંદને મળ્યા. અહીં પણ એમને એ પવિત્ર સંન્યાસી સાથે એક જ ઓરડામાં રહેવાની તક મળતાં ઘણો આનંદ થયો. હવે આટલા દિવસોથી જેની તીવ્ર ઝંખના હતી તેવા જપ, ધ્યાનમાં તેઓ ખોવાઈ ગયા.

એમણે પોતાના બાળપણના મિત્ર ખગેન (સ્વામી વિમલાનંદ)ને વૃંદાવનના એક મહિનાના નિવાસ પછી જે કંઈ લખ્યું હતું તે એમની માનસિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. તેમણે લખ્યું હતું ઃ ‘…હવે હું અહીં કહેવાતા ‘સ્વીટ હોમ’ અને મિત્રોના સંગાથથી દૂર એક જુદી જ દુનિયામાં છું. હું આ પવિત્ર સ્થળે ઈશ્વરાનુભૂતિના એકમાત્ર ધ્યેય સાથે અહીં આવ્યો છું. અહીં મને મારા પથથી દૂર ખેંચી જાય તેવી દુન્યવી સારસંભાળ નથી. હું બધી મુશ્કેલીઓને આનંદથી નિભાવી લઉં છું અને મારું ધ્યાન આત્માનુભૂતિના એક માત્ર ધ્યેય પર જ સ્થિર થઈ ગયું છે. શ્રીશ્રી મા ખરેખર ઘણાં કરુણામય છે.’ આમ કાલીકૃષ્ણ સઘન જપ અને ધ્યાનના દૈનિક અભ્યાસનું ચુસ્તપણે પાલન કરીને અને મંદિરોમાં દર્શને જઈને પોતાના દિવસો આનંદથી વિતાવવા લાગ્યા. રાત્રે તેઓ અગાશી પર જતા અને ત્યાં લાંબા સમય સુધી જપ કરતા. અને વળી હળવો વરસાદ પડે તો પણ પોતે નક્કી કરેલા મંત્રજાપ પૂરા ન થાય ત્યાં સુધી પોતાનું આસન છોડતા નહીં. આવી રીતે સ્વામી પ્રેમાનંદના પવિત્ર સંગમાં લગભગ દોઢેક વર્ષ વીતી ગયું. પરંતુ આવી કઠોર અને સઘન તપશ્ચર્યાએ એમની શારીરિક તંદુરસ્તી પર ઘણી અસર કરી અને તેઓ ઘણા નબળા પડી ગયા. પછીથી તેઓ ઘણા ઉમળકા સાથે પોતાના આ તપશ્ચર્યાના દિવસો યાદ કરતા.

એ સમયે હરિપ્રસન્ન ચેટરજી કે જેઓ પછીથી સ્વામી વિજ્ઞાનાનંદના નામે જાણીતા થયા હતા તેઓ રામકૃષ્ણ સંઘમાં હજી જોડાયા ન હતા. તેમની નિમણૂક ઈટાવા શહેરમાં જિલ્લાના ઈજનેર તરીકે થઈ. સારી યોગ્ય દાક્તરી સારવાર મળે, હવાફેર થાય અને વધારે સારું પોષક ભોજન મળી રહે અને તબીયત સુધરે તે આશાએ સ્વામી પ્રેમાનંદ કાલીકૃષ્ણને તેમના(હરિપ્રસન્ન ચેટરજી) ઘેર લઈ ગયા. હવામાનના પરિવર્તનને કારણે કાલીકૃષ્ણની તબિયત સારી થઈ અને હરિપ્રસન્નની પ્રેમભરી સારસંભાળને લીધે થોડા જ સમયમાં તેઓ ફરીથી સ્વસ્થ થઈ ગયા.

વૃંદાવનમાં પાછા ફર્યા પછી નજીકના સમયમાં સ્વામીજીના કોલકાતા પાછા ફરવાના સુખદ સમાચાર સાંભળીને સ્વામી પ્રેમાનંદ અને કાલીકૃષ્ણ ૧૮૯૬ માં પશ્ચિમ બંગાળમાં પાછા આવી ગયા.

સ્વામીજીને જોવાનું એક અદમ્ય આકર્ષણ હતું. કોલકાતા જતાં રસ્તામાં તેમણે કામારપુકુર અને જયરામવાટીની મુલાકાત લીધી. અહીં તેઓ શ્રીશ્રી માને મળ્યા. ત્યાંથી તેઓ તારકેશ્વર ગયા અને પછી સ્વામી પ્રેમાનંદની જન્મભૂમિ આંટપુર પણ ગયા. થોડા દિવસો ત્યાં રોકાઈને તેઓ ફેબ્રુઆરી, ૧૮૯૭માં કોલકાતા પહોંચ્યા. સ્વામીજી તો તેના થોડા દિવસો પૂર્વે આવી પહોંચ્યા હતા.

અંતે કાલીકૃષ્ણ એવી વ્યક્તિને મળ્યા જેમનું તેઓ સતત ચિંતન કરતા અને આતુરતાપૂર્વક તેમને મળવાની રાહ જોતા હતા. સ્વામીજીએ પણ કાલીકૃષ્ણ વિશે પોતાના સંન્યાસી બંધુઓ પાસેથી જાણ્યું હતું. જ્યારે કાલીકૃષ્ણ આવ્યા અને સ્વામીજીનાં શ્રીચરણકમળનો સ્પર્શ કર્યાે ત્યારે તેમણે તેના તરફ પ્રેમ અને ઉષ્માથી જોયું; પછી પોતાના સંન્યાસી બંધુઓ તરફ ફરીને કહ્યું, ‘આ એ જ છોકરો છે ને ?’ પોતાની સ્વામીજી વિશેની પ્રથમ છાપ વિશે કાલીકૃષ્ણે પોતાનાં સંસ્મરણોમાં આમ લખ્યું હતું ઃ

‘અમેરિકાના સમાચારપત્રોમાં આવ્યું હતું તેમ એમની આંખો ચિત્ત હરી લે તેવી હતી. એમના સમગ્ર દેહમાંથી પ્રકાશકુંજ નીકળતો હતો. સૌંદર્ય અને શક્તિના સંયોજનવાળી ભાવનાયુક્ત આંજી દેતી વ્યક્તિમત્તાવાળી કેવી આકર્ષક દેહાકૃતિ! મારા પ્રથમ પ્રતિભાવ પ્રેમ, ભક્તિ અને આશ્ચર્યચકિતતાના હતા.’ (ક્રમશઃ)

Total Views: 449

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.