ગતાંકથી આગળ…

આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે દિવસે સવારે શ્રીશ્રીમા પાસે જવાની અને તેમની પાસે મંત્રદીક્ષા માટે પ્રાર્થના કરવાની સલાહ આપી. શ્રીશ્રીમાએ કાલીકૃષ્ણની ઉત્કટ ઇચ્છાને સંતોષી અને તેણે કેવી રીતે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ તે વિશે સૂચનો પણ આપ્યાં. શ્રીશ્રીમાની અમીદૃષ્ટિવાળા સંસ્પર્શથી કાલીકૃષ્ણને એક નવીન બળ મળ્યું અને ઘરે જઈને ગહન આધ્યાત્મિક સાધનાઓ કરવામાં પોતાનો સમય વિતાવશે એવો મક્કમ નિર્ણય કર્યાે.

કાલીકૃષ્ણે શ્રીશ્રીમાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને આલમબજાર મઠ જવા ઊપડ્યા. અહીં તેઓ પોતાના ઘરે જતાં પહેલાં રોકાયા. વરસાદની ઋતુ હતી. ગંગા નદી પૂરબહારમાં વહેતી હતી, ગાઢ ધુમ્મસથી સમગ્ર વાતાવરણ ઢંકાઈ ગયું હતું, આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ રહ્યાં હતાં. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને કાલીકૃષ્ણ નાવમાં બેઠા ત્યારે શ્રીશ્રીમાએ તેમને નીલાંબરબાબુના ઉદ્યાનગૃહની અટારીમાંથી જોયા. શ્રીશ્રીમાની નજર તેમના પર જ હતી. એવું લાગતું હતું જાણે કે તેઓ કાલીકૃષ્ણ પર પડતાં વરસાદનાં ફોરાંને ગણી રહ્યાં હતાં. એ દેખીતી વાત હતી કે તેઓ પોતે પણ વરસાદથી પલળી રહ્યાં હતાં. આ હૃદયસ્પર્શી દૃશ્ય કાલીકૃષ્ણના હૃદયમાં એક અમીટ છાપ પાડી ગયું.

કાલીકૃષ્ણ ઘરે પાછા આવ્યા. એમના જીવનનાટ્યને હવે એક નવો રંગમંચ મળ્યો. યોગ્ય તબીબી સારવાર અને પોષક આહારને લીધે પૂર્વવત્ સ્વાસ્થ્ય પુનઃપ્રાપ્ત થયું. કાલીકૃષ્ણે ઉત્કટ આધ્યાત્મિક સાધનાનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. મોડી રાત સુધી તેઓ જપ, ધ્યાન અને આધ્યાત્મિક વાચનમાં ડૂબેલા રહેતા. ધીમે ધીમે તેઓ પોતાના જપનો સમય વધારતા ગયા અને કેટલાક દિવસે તો ૧,૦૮,૦૦૦ જેટલા મંત્રજાપ કરતા. આ પછી એમનું મન અનેક ઉચ્ચતર ભાવથી ભરાઈ જતું અને એ ભાવથી પ્રેરાઈને તેઓ કેટલાંક ભાવગીતો પણ રચતા. આવી રીતે એમણે સો જેટલાં ભાવગીતો રચ્યાં. તેઓ કોઈની સાથે હળતાભળતા નહીં અને મોટાભાગના સમયે તેઓ બંધ ઓરડાની અંદર રહેતા. માત્ર ખગેન, હરિપદ, સુધીર અને સુશીલ સાથે આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરતા અને પોતાના સંન્યાસી જીવનના અનુભવોની આપલે કરતા. તેમના મિત્રો પણ તેમને પાછા મેળવીને ખુશ થયા અને દરરોજ સાંજે તેમની મુલાકાત લેતા. પરંતુ ધીમે ધીમે કાલીકૃષ્ણે એમની સાથેની ચર્ચાના સમય પર પડદો પાડ્યો. એનું કારણ એ હતું કે પોતે નક્કી કરેલ સંખ્યામાં જપ કરવામાં તેમને ઘણી મુશ્કેલી પડતી હતી.

પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ આવતા અને તેના ખબરઅંતર પૂછતા. સ્વામી સારદાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજી એક કરતાં વધારે વખત કાલીકૃષ્ણને એમના ઘરે મળવા આવ્યા હતા.

આવી રીતે પંદર માસ વીતી ગયા. વળી પાછા ત્યાગ-વૈરાગ્યના અગ્નિએ આ પાંજરે પૂરાયેલા સિંહને બેચેન બનાવી દીધો. પોતાની આ મનોદશાની વાત કરતો એક સુદીર્ઘપત્ર તેમણે જયરામવાટીમાં શ્રીશ્રીમાને લખ્યો. આ પત્રનું એકે એક વાક્ય કાલીકૃષ્ણના હૃદયની ઝંખનાનું વર્ણન હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. જાણે કે એક ભયગ્રસ્ત પુત્ર હોય તેમ અને જાણે કે આ ભૌતિક જગત તેને ગ્રસી જાય તેવો ભય સેવીને તેમણે પોતાના સંરક્ષણ માટે શ્રીશ્રીમાની અમીકૃપા મેળવવાની તીવ્ર ઇચ્છા એ પત્રમાં વર્ણવી હતી. એ પત્ર આ શબ્દોમાં લખાયો હતો ઃ

કોલકાતા
૫ ઓક્ટોબર, ૧૮૯૫
૫રમ પૂજ્ય પરમ આદરણીય
શ્રીશ્રીમાનાં ચરણ કમળમાં
શ્રીમા,

આપનાં ચરણકમળમાં મારા અનેક સાષ્ટાંગ પ્રણામ સ્વીકારશો… હે મા, માત્ર તમે જ જાણો છો એ કારણોથી હું આપને અવારનવાર પત્રો લખતો નથી. પરંતુ આ વખતે એક મહામુસીબતમાં હોવાને લીધે હું આપને આ પત્ર ભય સાથે લખું છું.

હું જયરામવાટી આવવા અને આપનાં દર્શનથી મારી જાતને ધન્ય બનાવવા ઇચ્છતો હતો અને જો હું મારી આત્મશ્રદ્ધા વિહોણી મનઃસ્થિતિને, લજ્જા અને ભયને કોરાણે મૂકી શકું તો હું મારું હૃદય આપ સમક્ષ ખુલ્લું કરવા અને મારાં બધાં દુઃખ – ઉદ્વિગ્નતાની વાત કરવા ઇચ્છતો હતો. પરંતુ આપના પ્રત્યેના પૂરતા પ્રેમ અને આદરભાવને અભાવે અને આ મલેરિયાની ઋતુએ મને એમ કરતો અટકાવ્યો છે. મારા હૃદયની ઉદ્વિગ્નતાને આ પત્રમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકું ? બધા કહે છે કે આપ સર્વજ્ઞ છો અને છતાં તમે મારું દુઃખ ન જાણી શકો તો તેને માટે મારાં દુર્ભાગ્ય જ જવાબદાર છે અને જો એ બધું જાણવા છતાં આપ મારાં દુઃખને દૂર ન કરી શકો તો એમ ન કરવાનું કારણ પણ આપ જ જાણો છો. હું આપને કરુણામયી માનું છું… આપે પોતે કહ્યું હતું, ‘શું હું એક પથ્થરની પ્રતિમા છું એમ તમે માનો છો ?’ આપ મારી દયનીય દશા જાણીને ખૂબ ખિન્ન થશો, એમ હું માનું છું. પણ જ્યારે ભાવિ મને ગળી જ જવાનું છે એવું મને લાગે છે ત્યારે બીજું હું કરી પણ શું શકું ? હે મા, આપના સિવાય બીજા કોને હું મારી ઉદ્વિગ્નતાની વાત કરી શકું? બીજું કોણ મને શાંતિ અને અભયદાન આપી શકે ? અને આ બધું જાણવા છતાં પણ આપ મારા હૃદયની ઇચ્છાને ન સંતોષો તો એ મારાં દુર્ભાગ્ય જ હશે કે મારાં પૂર્વકર્મનું ફળ હશે, એમ માનીશ.

હે મા, મારા જીવનમાં જે કંઈ બને, અને મારે મરવું પડે તોય હું આપને કેવી રીતે દોષ દઈ શકું ? ‘ઘરે રહીને અને ઈશ્વરને પોકારીને તું વધારે ઝડપથી ઉન્નત થઈશ.’ આપે જ મને આમ કહીને મારા ઘેર મોકલ્યો હતો. આપે જ મને અનેક રીતે પ્રોત્સાહિત કર્યાે છે. આવું ન બન્યું હોત તો પણ તે દિવસે અટારીએથી મારા માટે આપ કેટલું રડ્યાં હતાં તે હું ક્યારેય ભૂલી શકું ખરો?

જ્યારે હું એ વરસાદના દિવસે ઘરે પાછો જતો હતો ત્યારે આપ પોતે વરસાદમાં ભીંજાઈ જઈને ગહનચિંતાથી સતત મને જોઈ રહ્યાં હતાં. મને એવું લાગ્યું કે આપ તો મારા પર વરસાદનાં કેટલાં ટીપાં પડે છે, એ ગણી રહ્યાં હતાં. શું આ બધું હું ક્યારેય ભૂલી શકું ખરો ? મને મલેરિયાથી પીડાતો જોઈને, એનાથી દુઃખી થઈને અને બીજાં કારણોને લીધે આપે મને ઘરે જવાની સલાહ આપી, કારણ કે એથી અહીં હું સુખી રહું, બનું. અને આપે તો મને કેટલાં આશીર્વચન આપ્યાં હતાં !… ઘરે આવીને મેં પ્રથમ વરસ આપની સૂચનાઓને અનુસરીને આધ્યાત્મિક ગહન સાધનામાં ગાળ્યું છે, અને એમાંય એકેય ક્ષણનો દુરુપયોગ કર્યા વિના હું દરરોજ સાડા ચૌદ કલાક સુધી આધ્યાત્મિક સાધના અને ૮૫૦૦૦ મંત્રજાપ કરતો. પરંતુ અત્યારે હું ભાગ્યે જ પાંચ થી છ કલાક સુધી આધ્યાત્મિક સાધના કરી શકુું છું અને ૩૦,૦૦૦ જેટલા મંત્રજાપ કરવામાં પણ ક્યારેક સફળ થતો નથી. પહેલાં આ જપના પરિણામે મન કેટલું પ્રાણવાન રહેતું ! પરંતુ અત્યારે તો આ મન અત્યંત નિર્બળ બન્યું છે અને વિવિધ આસક્તિઓથી અહીંતહીં ફેંકાતું રહે છે અને એવું લાગે છે કે આધ્યાત્મિક ઉત્કટતાથી તે સાવ વેગળું બની ગયું છે. મા, જો હું આ રીતે બે થી ત્રણ વરસ સુધી રહીશ તો હું ક્યાં જઈને ઊભો રહીશ એ તમે જોશો…

દોઢ મહિના પછી હું બાગબજારમાં પાછો ગયો. ત્યાં યોગેન બાબુએ (સ્વામી યોગાનંદજીએ) પોતાની તબિયત સુધારવા માટે વૃંદાવન જવાની તીવ્ર ઇચ્છા પ્રકટ કરી. તેમણે કહ્યું, ‘હું એવી વ્યક્તિની શોધમાં છું કે જે ત્યાં મારી સારસંભાળ રાખી શકે. જો તું સાથે આવવાનો નિર્ણય કરે તો હું જઈશ.’ તેઓ લાંબા સમય સુધી પશ્ચિમ ભારતમાં રહેશે અને હું એમની સાથે રહીશ તેમજ તેઓ કોલકાતા પાછા ફરે પછી પણ હું ત્યાં જ રહીશ, એમ વિચારીને હું તેમને સંગાથ આપવા સહમત થયો. મારી યોજનાઓ વિશે મારાં માતપિતાએ જાણીને ત્યાં જવાની પરવાનગી આપી અને જરૂરી ચીજવસ્તુઓ પણ તેઓ પૂરી પાડવા માગતાં હતાં. પરંતુ હવે મને લાગ્યું કે યોગેનબાબુ પશ્ચિમ ભારતમાં જવા ઇચ્છા ધરાવતા નથી. મા, જો આપ મને રજા આપો તો હું એકલો જ વૃંદાવન જાઉં. ત્યાં બાબુરામ બાબુ (સ્વામી પ્રેમાનંદ) અને સુબોધબાબુ (સ્વામી સુબોધાનંદ) રહે છે.

બલરામબાબુકુંજમાં (બલરામ બોઝનું કૌટુંબિક નિવાસસ્થાન કે જ્યાં મંદિર, ઉદ્યાન અને રહેવાનાં મકાનો હતાં.) રહેવું મારા માટે સુવિધાજનક રહેશે અને વિના કષ્ટે મને ભોજન પણ મળી રહેશે. વળી એકાદ બે વરસ સુધી હું ત્યાં એકલો નહીં હોઉં. જો બાબુરામ મહારાજ અને સુબોધ મહારાજ કોલકાતા પાછા આવી જાય તો મઠની કોઈ વ્યક્તિ સાથે હું ત્યાં રહી શકીશ.

મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું અને વિના વિઘ્ને આધ્યાત્મિક સાધના કરી શકું, એવા શાંત એકાંત સ્થળે રહેવાની જ મારી ઇચ્છા છે. ‘આ છોકરો ક્યાં જશે ?’ કે ‘એને ક્યાંય મુશ્કેલીમાં મુકાવું પડશે તો ?’ હે મા, તમે આવો ભય સેવીને ચિંતા ન કરતાં. શા માટે ? અહીં પણ હું શું મુશ્કેલીઓ વેઠતો નથી? મેં આ બધું આટલા બધા દિવસો સુધી વેઠ્યું છે અને છતાં આપને કહ્યું નથી. જ્યારે આપે પૂછ્યું ત્યારે મેં માત્ર ‘મને સારું છે’ આટલું જ કહ્યું હતું. જેમ જેમ મેં વધારે સહન કર્યું છે તેમ તેમ મેં જોયું કે આ ઘરમાં મને બધાં ઓહિયાં કરી જવા ઇચ્છે છે… મઠના મારી પછીના બાર સભ્યોએ સંન્યાસ દીક્ષા લીધી છે. અલબત્ત, એમની અને મારી કોઈ સરખામણી ન થઈ શકે, એ વાત સાચી છે. હવે મારે ક્યા પંથે વળવું જોઈએ એ વિશે આપનો વિચાર મને જણાવશો.

હે મા, હું દિવસ રાત આધ્યાત્મિક સાધનામાં ડૂબેલો રહું એવા આશીર્વાદ મને આપો. સાથે ને સાથે મારા મનનાં દુષ્ટ વલણો નાશ પામે તેવું કરો. વિશેષ કરીને મને મા એવા આશીર્વાદ આપો કે હું આપનાં શ્રીચરણકમળમાં સતત પ્રેમભાવ અને ભક્તિ રાખી શકું.

હે મા, હું તો તમારું સૌથી વધારે વણસેલું બાળક છું. મા, જરા તમે જુઓ તો ખરાં કે જો કોઈ વ્યક્તિને પ્રેમ અને લાગણી બીજી વ્યક્તિ પાસેથી મળે તો એ વ્યક્તિ માટે તે સ્વાભાવિક રીતે જ આકર્ષણ અને લાગણી અનુભવવાની.

પરંતુ એ ખરેખર નવાઈની વાત છે કે આપ માનવીરૂપે અવતર્યાં હોવા છતાં આપે અસામાન્ય પ્રેમ અને કરુણા મારા પ્રત્યે દાખવ્યાં છે, પરંતુ મારું આ પાપી મન આપના પ્રત્યે સાચો ભક્તિભાવ કેળવી શક્યું નથી. જ્યારે એક પુત્રે પોતાનાં માતાથી દૂર રહેવાનું હોય ત્યારે તે તેમના માટે કેટકેટલું વિચારતો રહે છે અને એમને મળવા કેટલું ઝૂરે છે ! અને મા, જુઓ તો ખરાં, હંુ આપનાથી દૂર હોવા છતાં મેં ક્યારેય ઉદ્વિગ્નતા અનુભવી નથી. હું કેટલો કમભાગી છું ! હે મા, તમે મને આટલું કહીને આશ્વાસન આપો, ‘તું સફળ થઈશ.’ વારુ, મા શું એ બધું એક એક ડગલું ભરીને થાય છે કે એક જ દિવસમાં અચાનક બને છે ? જો એ ક્રમશઃ બનતું હોય તો આ બે કે ત્રણ વરસમાં કંઈક સિદ્ધિ મળવી જોઈએ. હે મા, મારા પર કૃપા વરસે એવી પ્રાર્થના કરો. શું મઠમાંના બધાએ ઈશ્વરની કૃપા વિના આ સંસાર-ત્યાગ કર્યાે છે કે સંન્યાસી તેઓ પોતાની ઇચ્છાએ બન્યા છે ? આપની કૃપા હોવા છતાં -શું હું – હું પણ – સંન્યાસી બની શક્યો ? હે મા, તમારા ખેલાતે (સ્વામી વિરજાનંદના બાળગોઠિયા) આપને એક વખત પૂછ્યું હતું, ‘આપના માટે અશક્ય શું છે ?’ અને એનો આપે આવો પ્રત્યુત્તર આપ્યો હતો, ‘મારે માટે ‘તે’ જ અશક્ય છે.’ હું જાણતો નથી કે આપે આ કયા અર્થમાં કહ્યું હતું. પરંતુ મેં સારદાબાબુ (સ્વામી ત્રિગુણાતીતાનંદ)ના હોઠેથી સાંભળ્યું કે ‘તેમણે’ (શ્રીરામકૃષ્ણે) એક વખત આપને રહસ્યમય પંક્તિમાં કહ્યું હતું, ‘શ્રીરાધાની અનંતમાયાને વર્ણવવી અશક્ય છે. (એમની જ શક્તિથી) લાખો કૃષ્ણ અને લાખો રામ અવતરે છે, થોડા કાળ સુધી જીવે છે અને પછી વિલીન થઈ જાય છે.’

હે મા, તમે ધારો તે કરી શકો છો. પરંતુ આપને જ જ્ઞાત હોય એવું કંઈક કરવાનું આપ પસંદ કેમ નથી કરતાં ? જો આપ ધારો કે હું મારા ઘરે ન રહું તો મારા પર કોઈ અનિષ્ટ આવશે, તો એ મારા માટે ભાવાત્મક રીતે ઉપયોગી એવા અનિષ્ટને આપ ફેરવી ન શકો ? આપ તો બધું જાણો છો અને સમજો છો, એટલે હવે મારે વધારે લખવાની જરૂર નથી.

મારા માટે આપને સૌથી શ્રેષ્ઠ શું લાગે છે એ મને જણાવવા વિનંતી. હું આપની સંમતિની રાહ જોઈશ. જેટલું જલદી બને એટલું ઝડપથી મને જણાવવા વિનંતી. વિશેષ કરીને મને આપની તંદુરસ્તી વિશે જણાવશો.

આપનો સૌથી વધુ અયોગ્ય પુત્ર, કાલીકૃષ્ણ.
(ક્રમશઃ)

Total Views: 434

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.