ગતાંકથી આગળ…

૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. તેમણે કાલીકૃષ્ણને કહ્યું, ‘વારુ, છોકરા, તને મારી સાથે આવવું ગમશે?’ આવી આનંદદાયી દરખાસ્ત સાંભળીને કાલીકૃષ્ણ તો ખુશ ખુશ. એમની મંડળીમાં બીજાં સભ્યો હતાં – વૈકુંઠનાથ સંન્યાલ, હરમોહન મિત્ર, યોગિન મા અને ગોલાપ મા. તેઓ બર્દવાન થઈને શ્રીરામકૃષ્ણ દેવની જન્મભૂમિ કામારપુકુર પહોંચ્યાં. અહીંથી તેઓ ખેતરોમાં ચાલતાં ચાલતાં જયરામવાટી ગયાં.

એક બંગાળી માતા જેમ પોતાના પુત્રને વહાલથી આવકારે તેમ યુવાન કાલીકૃષ્ણની દાઢીને હાથથી સ્પર્શીને શ્રીશ્રીમાએ એમના પ્રત્યે પ્રેમભાવ વ્યક્ત કર્યાે. આવા પ્રેમાળ સ્પર્શથી યુવાન તપસ્વીનું હૃદય આનંદ અને શાંતિથી છલકી ઊઠ્યું. માતા જગદ્ધાત્રીની પૂજા રિવાજ પ્રમાણે એક દિવસને બદલે ત્રણ દિવસ ચાલી. કાલીકૃષ્ણ ઘણા નાના હતા એટલે શ્રીશ્રીમા શારદાદેવી એની ઉપસ્થિતિમાં પોતાની સ્ત્રીસુલભ લજ્જા ન અનુભવતાં. એટલે એની ફરજ શ્રીમા માટે જુદી જુદી ચીજવસ્તુઓ પૂરી પાડવાની થઈ. આ રોકાણ દરમિયાન કાલીકૃષ્ણે કામારપુકુરની અનેક વાર મુલાકાત લીધી હતી. પછીથી એનું સ્મરણ કરતાં તેઓ કહે છે, ‘હું જ્યારે કામારપુકુરમાં હતો ત્યારે મારું હૃદય વિલક્ષણ પવિત્રતા, શાંતિ અને આનંદના ભાવથી ભરાઈ જતું અને વાસ્તવિક રીતે અનુભવતો કે હું પાવન ભૂમિ પર ચાલી રહ્યો છું. સાદા અને ઘાસથી છવાયેલા શ્રીરામકૃષ્ણના એ ઝૂંપડામાં કેવું તો આકર્ષણ છે! આ દુન્યવી માયાની નહીં પણ આધ્યાત્મિકતાની ઝંકૃતિઓ જાગતી હોય તેવું લાગે છે.’

શ્રીશ્રીમા શારદાદેવી સાથે થોડા દિવસો દિવ્ય આનંદમાં ગાળીને તેઓ વરાહનગર પાછા ફર્યા. પછીથી સ્વામી વિરજાનંદજીએ પોતાનાં આ સંસ્મરણો હૃદયસ્પર્શી ભાષામાં આ રીતે વર્ણવ્યાં છે ઃ ‘હૃદયમાં મોટા ખાલીપાની લાગણી સાથે હું વરાહનગર મઠમાં પાછો ફર્યાે. પણ મારે શા માટે એને ખાલીપો કહેવો જોઈએ ? શું મારું હૃદય શ્રીશ્રી માની દિવ્યકૃપાથી, સૌને ચાહતી જગજ્જનની માતાની અસીમ દિવ્યકૃપાથી ભરાઈ ગયું ન હતું ? મેં તેમના વિશે આ પહેલાં જે અપૂરતાં વર્ણન સાંભળ્યાં હતાં તેના કરતાં તેઓ કેવાં હતાં તેની બહુ અલ્પ કલ્પના કરી શક્યો. જે મારાં મનપ્રાણને સંપૂર્ણપણે પોતાના તરફ આકર્ષીને મને એમનો પોતાનો આપ્તજન બનાવી દેનાર આવી માની કોણ કલ્પના પણ કરી શકે ! હું ઘરે હતો ત્યારે મારી માતાને ઉત્કટતાથી ચાહતો અને તેમને પણ મારા પ્રત્યે અસીમ પ્રેમ હતો. પણ શ્રીમા શારદાદેવી તો અસંખ્ય પૂર્વજન્મોનાં મા છે, મારા અસ્તિત્વ સુધ્ધાનાં મા !

જયરામવાટીના રોકાણ વખતે સ્વામી સારદાનંદજી અને કાલીકૃષ્ણને મલેરિયા થયો અને ત્યાંથી પાછા ફર્યા પછી પણ કાલીકૃષ્ણને મલેરિયાનો તાવ ચાલુ રહ્યો. સ્વામી નિરંજનાનંદજીની આજ્ઞાથી તેઓ થોડા દિવસ બલરામ બોઝના ઘરે ગયા અને ત્યાં શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય ડાૅ. બિપીન ઘોષની સારવાર લેવા લાગ્યા. અહીંના રોકાણ દરમિયાન અવારનવાર કાલીકૃષ્ણ ગિરીશચંદ્ર ઘોષના ઘરે જતા અને શ્રીરામકૃષ્ણદેવ વિશે તેમની પાસેથી સાંભળતા. સ્વામી નિરંજનાનંદજીની ઉષ્માભરી કાળજી અને ડાૅ. બિપીન ઘોષની સારવારથી કાલીકૃષ્ણની તબિયત ઝડપથી સુધરવા લાગી. ૧૮૯૨ના અંતિમ સમયે મઠને આલમબજારમાં લઈ જવાયો ત્યાર પછી કાલીકૃષ્ણ આલમબજાર મઠમાં આવ્યા અને વરાહનગર મઠની જેમ જ તેઓ પોતાનો સમય આધ્યાત્મિક સાધના અને સેવામાં વિતાવવા લાગ્યા.

આ સમય દરમિયાન તેમને ગોપાલ માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતાં. મઠમાં જોડાયા પહેલાં કાલીકૃષ્ણ એમને મળ્યા હતા. કામારહાટિનું તેમનું ઘર અને ગોપાલ પ્રત્યેની તેમની ગહન ભક્તિભાવના હજી પણ કાલીકૃષ્ણના મનમાં કોતરાયેલાં છે. આ અનુભવને યાદ કરીને તેઓ પછીથી કહેતા, ‘એ ભાંગ્યુંતૂટ્યું ઘર આધ્યાત્મિક ઝંકૃતિથી ભરેલું પવિત્ર મંદિર લાગતું અને કોઈપણ વ્યાક્તિ ત્યાં ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ પ્રગટરૂપે અનુભવી શકાતી. એમની ગોપાલ પ્રત્યેની પ્રેમ – ભક્તિ, એમની સાદગી, અનાસક્તિ તેમજ દરેકને ‘ગોપાલ’નું સંબોધન થતું જોઈને જાણે કે તેઓ મા યશોદા પોતે જ હોય તેવું લાગતું હતું.’

૧૮૯૩ નો મધ્યકાળ હતો. આલમબજાર મઠના રોકાણ દરમિયાન કાલીકૃષ્ણનાં મન-હૃદય આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયાં હતાં. હજુ સુધી જયરામવાટીથી લાગુ પડેલો મલેરિયા સાવ નિર્મૂળ થયો ન હતો. આમ છતાં પણ એમણે આ રોગને અવગણ્યો અથવા તો આ રોગથી સાજા નથી થયા, એ વાતને છુપાવી રાખી. આ સમયે શ્રીશ્રી મા બેલુરમાં નીલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં રહેવા આવ્યાં. એક દિવસ કાલીકૃષ્ણ એમને મળવા આવ્યા અને એમની વિનંતીથી તેઓ રાજીખુશીથી એક રાત ત્યાં રહેવા સહમત થયા. એ વખતે સ્વામી યોગાનંદજી શ્રીશ્રીમાના મુખ્ય સેવક હતા. તેમને સ્વામી ત્રિગુણાતીતાનંદજી પણ મદદ કરતા. ગોલાપમા અને યોગિનમા પણ શ્રીશ્રીમા સાથે રહેતાં. શ્રીશ્રીમાને બીજે દિવસે સવારે પ્રણામ કરવા કાલીકૃષ્ણ આવ્યા અને પ્રણામ પછી તેમણે મઠમાં જવાનું હતું. તેઓ આવ્યા અને શ્રીશ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શ્રીમાએ કહ્યું, ‘બેટા, આ વખતે તને જોઈને મને ઘણું દુઃખ થયું. આ પહેલાં કેવું મજાનું સુદૃઢ શરીર હતું ! મલેરિયાના વારંવારના હુમલાથી આ શરીર સાવ સૂકલકડી બની ગયું છે. તું મઠમાં જોડાયો છે પણ તને ખબર છે કે આ બધા નિર્ધન સાધુઓ છે. તેઓ તારું પોષણ વ્યવસ્થિત રીતે કેમ કરી શકે ? એટલે હું તને કહું છું, તું ઘરે પાછો જા અને પોષક આહારથી તેમજ યોગ્ય દવા-ચિકિત્સાથી તું સારો સાજો થઈ જા, ત્યાં સુધી ત્યાં રહેજે.’ શ્રીશ્રીમાની આ આજ્ઞાથી કાલીકૃષ્ણને જાણે કે વીજળી ત્રાટકી હોય એમ લાગ્યું. તેઓ એક શબ્દ પણ ન બોલી શક્યા. એમને મૂક જોઈને શ્રીશ્રીમાએ ફરીથી કહ્યું, ‘હા, મારા દીકરા, હું કહું છું તેમ કર.’ કાલીકૃષ્ણનું હૃદય વિષાદથી ભરાઈ ગયું અને તેમની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. તેઓ ઝડપથી ઓરડામાંથી નીકળી ગયા, બગીચાના એક ખૂણામાં ઊભા રહ્યા અને ખૂબ રડવા લાગ્યા. જો કે શ્રીશ્રીમા એમના હૃદયની પીડાને જાણતાં હતાં, છતાં એમણે પોતાની આજ્ઞા પાછી ન લીધી. તેમણે ગોલાપમાને કહ્યું, ‘અરે! કાલીકૃષ્ણના શરીરની આ હાલત જોઈને હું તો ધ્રૂજી ઊઠી! એટલે જ મેં એને ઘરે જવા કહ્યું. સાથે ને સાથે મેં એના હૃદયને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, એમ વિચારીને મારી આંખો પણ ભીની થઈ ગઈ છે !’(ક્રમશઃ)

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.