(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and India’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. – સં.)

(જુલાઈ, ૨૦૨૫થી આગળ)

આ સાંભળી સ્વામીએ સ્મિત કર્યું અને કહ્યું,

‘માનવસ્વભાવ તો બધે સરખો જ છે. પરંતુ અમારે ત્યાં અંતઃપુરને બાદ કરતાં બધું સાવ ખુલ્લું, ઉઘાડું હોય છે. અમે અમારો સ્વભાવ પણ ખાનગી રાખી શકતા નથી. પરંતુ તમને એ કેવી રીતે કરવું તે સરસ આવડે છે.

‘તમે બધા જાણે કે મહોરાં પહેરીને ફરો છો. જ્યારે તમે પીડાતા હો છો ત્યારે તમે સ્મિત કરતા ફરો છો; જ્યારે તમે ગરીબ હો છો ત્યારે તમે કેટલીક સસ્તી આકર્ષક ચીજો ખરીદી અમીર હોવાનો દેખાવ કરો છો; જ્યારે તમે મુશ્કેલીમાં હો છો ત્યારે કહો છો, બધું જ સરસ છે.’ અમે એવું નથી કરતા. અને પછી તેઓએ મુક્ત હાસ્ય કર્યું, ‘તમને ખબર છે આનું કારણ શું છે?’

મેં મૃદુતાપૂર્વક કહ્યું, ‘કારણ કે અમને સહાનુભૂતિ જોઈતી નથી હોતી.’

‘તે અભિમાન છે,’ સ્વામીએ ઉત્તેજનાપૂર્વક કહ્યું, “તમે સહાનુભૂતિ દર્શાવો તો છો પણ લેતા નથી. તમને બીજાને મદદરૂપ થવાનું ગમે છે, પરંતુ તે રીતે બીજાને તમને મદદ કરવા દેતા નથી. જીવન તો ‘આપ-લે’નું હોવું જોઈએ.

“જેટલા આપવા માટે તૈયાર હો છો, એટલા જ લેવા માટે પણ તૈયાર રહો. શરત એટલી કે બન્ને સ્થિતિમાં કોઈ આસક્તિ ન હોવી જોઈએ. તો પછી કોઈ અભિમાન નહીં રહે, પોતાના પર જ નિર્ભર રહેવાનું વલણ નહીં રહે. આ દુનિયામાં આપણે એકલા ટકી શકીએ નહીં, આપણે બધા અન્યોન્ય પર આધારિત છીએ.”

મેં વચ્ચે જ કહ્યું, ‘અલબત્ત, હું એવી સહાનુભૂતિની વાત કરતો હતો જે ઉપરછલ્લી હોય છે. સાચી, મદદરૂપ થવા આતુર સહાનુભૂતિ તો આપણે બધા જ ઝંખીએ છીએ. પરંતુ કેટલાક સમયથી લાગણવેડાથી ભરપૂર, અર્થવિહીન સહાનુભૂતિની એટલી બધી ભરમાર જોવા મળે છે, જેનાથી કશું ભલું થતું નથી, નુકસાન જ થાય છે.’

‘હા, હા, સાચું!’ સ્વામીએ હવે સાવ જુદા જ મૂડમાં આતુરતાપૂર્વક સ્વીકાર્યું, ‘નૂતન મનોવિજ્ઞાનને કારણે પશ્ચિમનો મત બદલાયો છે. તમે હવે વિચારની શક્તિને કંઈક સમજવા માંડ્યા છો, જેનું શિક્ષણ અમારા ઋષિઓ તો યુગોથી આપતા આવ્યા હતા. આપણા કમનસીબ વિશે જ જો વિચાર્યા કરીએ તો આપણે દુઃખીના દુઃખી જ રહેવાના. તમારું વલણ નિષ્ફળતા પ્રત્યે દુર્લક્ષ કરી સફળતા પ્રતિ આગળ ધપવાનું છે. અને આ તો પ્રશંસનીય જ છે. જીવન પ્રત્યે તમારો પ્રસન્નતાપૂર્વકનો આશાવાદી અભિગમ મને ગમે છે. તમે નિષ્ફળતાને તો સફળતા પ્રતિના એક પગથિયા તરીકે જ માનો છો.  આજે જો પડ્યા તો કાલે ઊભા થઈને મંડી પડશો.’

પછી મારા ખભા પર હાથ મૂકી તેમણે ઉમેર્યું, ‘અને એ જ પુરુષત્વ છે, એ જ શક્તિનો આવિર્ભાવ છે. અમને અમારા દેશમાં આની જરૂર છે.’

થોડોક વખત શાંત રહ્યા ત્યાર પછી સ્વામી તુરીયાનંદે કહ્યું,

‘પરંતુ મને લાગે છે કે ભારતમાં અમે અમારું જીવન સાવ ખુલ્લામાં જીવીએ છીએ તેથી તમે ચાર દીવાલ વચ્ચે જે વસ્તુ છૂપાવી શકો છો તેવું અમે ઇચ્છીએ તોપણ કરી શકીએ નહીં. અમારા મોટા ભાગના લોકો ગરીબ છે અને ઝૂંપડાંમાં જીવે છે. તેથી મોટા ભાગનો સમય તો તેઓ એમની ઝૂંપડીની બહાર જ પસાર કરતા હોય છે.

‘જ્યારે તમે ઘણા બઘા લોકો સાથે એક જ સાધારણ ઝૂંપડીમાં રહેતા હો ત્યારે તમે કશું છૂપાવી શકો નહીં અને અમારાં સારાં ગણાતાં મકાનો પણ ગરમ વાતાવરણને કારણે ખુલ્લાં હોય છે. કોઈ ઘંટડી મારે, પછી બારણું ખોલીને તમે તેને અંદર લો ત્યાં સુધી એ રાહ જુએ એવું બધું અમારે ત્યાં હોતું નથી.

‘અમે અમારું સ્નાન, ભોજન, નિદ્રા, પ્રાર્થના અને કામકાજ બધું ખુલ્લામાં કરીએ છીએ. અમારી દુકાનો પણ ખુલ્લી હોય છે અને અમારી વસ્ત્રભૂષામાં અમે લગભગ ખુલ્લા જ હોઈએ છીએ.

‘આની સામે તમે ઠંડા મુલકમાં, એક સમૃદ્ધ દેશમાં રહો છો. તો તમારે તમારા દેહને વસ્ત્રાચ્છાદિત કરવો જ પડે. અને તમારું આ વસ્ત્રાવૃત શરીર તમે ચાર દીવાલ વચ્ચે સંતાડો છો. આ ચાર દીવાલની અંદર પણ દરેકને પોતાનો અંગત ઓરડો છે, જેમાં ટકોરો માર્યા વિના અને રજા વિના તમે પ્રવેશી ન શકો. અને અંતે તમારું ઘર પણ પાછું બગીચાથી આવૃત હોય છે અને એ બગીચાને ચોમેર દીવાલ ચણીને ઢાંક્યો હોય છે.

‘તમારો આદર્શ ખાનગી જીવનનો છે. અમારે માટે ખાનગી જેવું કશું હોતું નથી. આ બધું તમારા સ્વભાવમાં, પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે. અને એને પણ ગુપ્ત જ રાખવાનું હોય છે, અને તમે એ કહો પણ છો.’

અમે બન્ને હસી પડ્યા અને પછી બીજી વાતોએ ચડ્યા. પણ અમે નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે સ્વામીએ મને ચેતવ્યો,

‘એવું ન વિચારતા કે બધા હિંદુઓ સંત છે, પણ તમારા મિશનરીઓ તમને કહે છે એટલા અમે ખરાબ પણ નથી. આ તો આજુબાજુની પરિસ્થિતિ સાથેના નૈસર્ગિક સંતુલનની જ વાત છે. અમારી કેટલીક રીતભાત તમને જંગલી લાગશે અને તમારી કેટલીક રીતભાત અમને ચીતરી ચડે એવી જણાશે. અન્ય રાષ્ટ્રો માટે અભિપ્રાય બાંધવામાં આપણે હંમેશાં ઉતાવળ કરતા હોઈએ છીએ. જો કોઈ ચોક્કસ રીતરિવાજ પાછળનું કારણ સમજવા શાંતિથી પ્રયત્ન કરીએ તો આપણા અભિપ્રાય વધારે સમતોલ અને સાચા બનશે. વારુ, કોઈ દિવસ તમે ભારત આવશો, અને ત્યારે આ બધું સગી આંખે જોશો.’

(ક્રમશઃ)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.