(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને જોઈને સ્વામી વિવેકાનંદજીએ તેમને આ નામ આપ્યું હતું. સ્વામી શુદ્ધાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પાંચમા ૫૨માધ્યક્ષ હતી.)
બનતાં સુધી, ૧૮૯૦માં મેં વરાહનગર મઠની મુલાકાત લેવાની શરૂઆત કરી. તપશ્ચર્યા કરવા માટે સ્વામીજી (સ્વામીશ્રી વિવેકાનંદજી) પોતાના ગુરુભાઈઓથી દૂર, વરાહનગર મઠથી દૂર એકલા જ રહેવા માટે ચાલ્યા ગયા હતા.
શશી મહારાજ સાથે (સ્વામીશ્રી રામકૃષ્ણાનંદ મહારાજ સાથે) મારી પ્રથમ મુલાકાત વરાહનગ૨માં થઈ અને ત્યાર બાદ ૧૮૯૭ના મે માસમાં, હું આલમબઝાર મઠમાં જોડાયો અને એ સમય દરમિયાન શશી મહારાજ સ્વામીજીના આદેશથી મદ્રાસ જવા રવાના થયા હતા. દક્ષિણમાં રામકૃષ્ણ-ભાવ-આંદોલનના માર્ગદર્શન અને સંગઠનના હેતુથી, તેઓ ચૌદ વર્ષ મદ્રાસમાં રહ્યા. (૧૮૯૭થી ૧૯૧૧ સુધી) આ સમય દરમિયાન તેઓ કેટલીયે વાર કલકત્તાની મુલાકાત લેતા, ત્યારે બેલુરમઠ અથવા કલકત્તામાં, તેમને મળવાના પ્રસંગો મને સાંપડતા.
સ્વામીજી જ્યારે બેલુરમાં હતા, એ સમયે ૧૯૦૧ના ડિસેમ્બર માસમાં, સ્વામીશ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ સૌ પ્રથમ બેલુ૨ મઠમાં પધાર્યા. ૧૯૦૨ના જુલાઈની ચોથીએ, સ્વામીજી બ્રહ્મલીન થયા એ પછીના થોડા દિવસો બાદ, તેમણે બીજી વાર મુલાકાત લીધી. સ્વામીશ્રી ત્રિગુણાતીતાનંદજી મહારાજ એ વખતે યુ.ઍસ.એ. જવા માટે હજુ નીકળ્યા નહોતા. બેલુરમઠમાં મને પેટની ગંભીર પીડા રહ્યા કરતી હોવાથી વડીલોની સલાહ મુજબ હું અમારા કલકત્તાના પિતૃગૃહમાં એક અઠવાડિયું રહ્યો. એક દિવસ મારાં સગાંઓના નિમંત્રણથી સ્વામીશ્રી તુરીયાનંદજી મહારાજ, સ્વામીશ્રી ત્રિગુણાતીતાનંદજી મહારાજ, સ્વામીશ્રી અદ્ભુતાનંદજી મહારાજ અને સ્વામીશ્રી શારદાનંદજી મહારાજ સહિતના સંઘના તમામ સંન્યાસીઓએ અમારી સાથે ભોજન લીધું. સ્વામીશ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ એ સમયે બેલુરમઠ આવ્યા હતા, પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં, તેઓએ નિમંત્રણ સ્વીકાર્યું નહિ. ૧૯૦૪ની એમની કલકત્તાની ત્રીજી મુલાકાત સમયે સ્વામીશ્રી પરમાનંદ મહારાજ એમની સાથે હતા. સ્વામીશ્રી અભેદાનંદજી મહારાજ અને સ્વામીશ્રી ૫૨માનંદ મહારાજની સંગાથે ૧૯૦૬માં એમણે ચોથી વાર મુલાકાત લીધી, ત્યારે સ્વામી પૂર્ણાનંદજી મહારાજ સંઘમાં જોડાવાની તૈયારીમાં હતા. હું ‘કોઠાર’, ઓરિસ્સામાં રહેતો હતો. શ્રી શ્રી મા પણ એ સમયે ‘કોઠાર’જ રહેતાં હતાં.
૧૯૧૧ના જાન્યુઆરીની આસપાસ હું દક્ષિણ ભારતનાં યાત્રાધામોમાં, શશી મહારાજના સૌજન્યથી ફર્યો. એપ્રિલમાં હું મઠમાં પાછો ફર્યો અને જુલાઈમાં મને વારાણસી મૂકવામાં આવ્યો. આ સમય દરમિયાન શશી મહારાજને ક્ષય લાગુ પડ્યો અને તેમને કલકત્તાના નવા ઉદ્બોધનગૃહમાં લાવવામાં આવ્યા. ત્યાં હું તેમને આખરીવાર મળ્યો.
જ્યારે સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદે) પોતાની અમેરિકાની બીજી વારની મુલાકાત માટે પ્રસ્થાન કર્યું ત્યારે તેમને લઈ જતું જહાજ મદ્રાસમાં ૧૮૯૯ના જૂનમાં લાંગર્યું.
સત્તાવાળાઓએ હળવા મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી સ્વામીજીને જહાજમાંથી નીચે ઊતરવાની ૫૨વાનગી ન મળતાં, શશી મહારાજ અને સ્વામી નિર્વયાનંદજી મહારાજ સ્વામીજીને મળવા હોડીમાં ગયા.
હવે હું એ જણાવવા પ્રયાસ કરીશ કે સંન્યાસીઓમાં કોણ કોણ તેમની સાથે મદ્રાસમાં કામ કરતા કે મળતા. મઠમાં તેમના સહકાર્યકરો તરીકે જે સંન્યાસીઓ કામ કરતા, તેમાં નીચેના નામો ઉલ્લેખને પાત્ર છે. (એ) સ્વામી નિર્વયાનંદ મહારાજ જેઓ મદ્રાસની પોતાની પ્રથમ કામગીરીના તબક્કે એકાદ વર્ષ રહ્યા. (બી) સ્વામી સદાનંદ મહારાજ (સી) સ્વામી શંકરાનંદ મહારાજ (ડી) સ્વામી પરમાનંદ મહારાજ, જેઓ લાંબા સમય સુધી રહ્યા. (ઈ) સ્વામી અચલાનંદ મહારાજ જેઓ એક વર્ષ રહ્યા. (એફ) સ્વામી ઉમાનંદ મહારાજ (જોગીન મહારાજ) જેઓ છ વર્ષ રહ્યા, (જી) સ્વામી યોગેશ્વરાનંદ મહારાજ (શ્રી રામચંદ્ર દત્તના શિષ્ય, સુરેશ), (એચ) સ્વામી ધ્યાનાનંદ મહારાજ (રુદ્ર) જે લાંબો સમય રહ્યા, (આઈ) બ્રહ્મચારી પ્રકાશ (સ્વામી શારદાનંદ મહારાજના ભાઈ) જે એકાદ વર્ષ રહ્યા, (જે) સ્વામી સચ્ચિદાનંદ મહારાજ (બુઢો બાબા) જે છ માસ રહ્યા, (કે) સ્વામી આત્માનંદ મહારાજ (એલ) સ્વામી બુધાનંદ મહારાજ, (એમ) સ્વામી વિમલાનંદ મહારાજ (એન) સ્વામી શર્વાનંદ મહારાજ (ઓ) બ્રહ્મચારી બ્રિજેન (જેમણે સ્વામીજીના એક સેવક તરીકે તેમની સેવા કરી) (પી) બ્રહ્મચારી સુરેન્દ્રવિજય અને (ક્યુ) સ્વામી સચ્ચિદાનંદ મહારાજ (મતિ).
વરાહનગર મઠમાં શશી મહારાજે મને ‘પંચદશી’ તેમજ શ્રીમતી હેરીયેટ બીચર સ્ટવનું ‘અંકલ ટૉમ્સ કૅબીન’, વાંચવા કહ્યું. ભગવાન શ્રીરામકૃષ્ણની એક જન્મતિથિની રાત્રે, શશી મહારાજે, ફકીર બાબુ (જ્ઞાનેશ્વર ભટ્ટાચાર્ય)ને પોતાના નિર્દેશક તરીકે સાથે રાખી, પૂજારી તરીકે સેવા આપી. ‘દશ મહાવિદ્યા’નો પૂજાવિધિ ચાલી રહ્યો હતો અને વાતાવરણને ભરી દે તેવા મોટેથી થતા મંત્રોચ્ચાર સાથે, દેવીને ભોગ ધરાવાઈ રહ્યો હતો. મા કાલીની પૂજા સમયે સ્વામી શિવાનંદજી મહારાજ ગાઈ રહ્યા હતા, ‘હે મા! ગિરિકુમારી, તું શા માટે સ્મશાનભૂમિમાં વિરાજી રહી છો?’ ઘણા જ રસપૂર્વક, હું આ સર્વ વિધિ કલાકો સુધી નિહાળી રહ્યો હતો. ઘણું મોડું થયું હોવાથી, સ્વામીશ્રી ત્રિગુણાતીતાનંદજી મહારાજે મને સૂઈ જવા માટે આગ્રહ કર્યો. બીજા દિવસે વહેલી સવારે, મેં ચાલી રહેલો ‘હોમ’ વિધિ નિહાળ્યો. એ સમયે અંતેવાસીઓ, ‘બોલો, ભાઈ, હરિ ૐ રામનામ’ કીર્તન ગાઈ રહ્યા હતા.
શશી મહારાજ ભગવાનની પૂજા જે શ્રદ્ધા ભક્તિથી કરી રહ્યા હતા, તેનાથી હું ઘણો જ પ્રભાવિત થયો. મને યાદ છે કે તેઓ અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે પણ પોતાની સામે ઘડિયાળ રાખતા. નિયત સમયે જ પૂજા ક૨વાની તેઓ ચોકસાઈ રાખતા. સાંધ્ય પૂજા સમયે મઠના અંતેવાસીઓ મોટેથી ને ઉત્સાહથી ‘હરિ હરિ ૐ’ વગેરે ગાતા અને નાચવામાં ભાગ લેતા.
એક દિવસ આલમબઝાર મઠમાં તેમણે મને કહ્યું, “શ્રીરામકૃષ્ણનું જીવન ચરિત્ર લખો. મૅક્સમૂલરે લખેલ ગુરુમહારાજનું જીવનવૃત્તાંત એ ગ્રંથ તો એમની પોતાની રીતે લખાયો હતો. તમારો ગ્રંથ, એ આપણા દૃષ્ટિબિંદુને ૨જૂ કરશે.” શ્વાસોચ્છ્વાસની અને પ્રકાશાનુભૂતિ માટેની કસરતની તેઓએ ટીકા કરતાં કહ્યું, “આખરે ઘણા સમયે તમે સરસવનાં ફૂલો જ માત્ર નિહાળશો.” ફરી, તેમના ‘ઉદ્બોધન’ના છેલ્લા રોકાણ સમયે, તેમણે મને, બંગાળીમાં ‘બ્રહ્મસૂત્ર’નો શબ્દાનુવાદ કરવા નિર્દેશ કર્યો.
એક વાર તેમની કલકત્તાની મુલાકાત સમયે, હું તેમની સાથે ઘોડાગાડીમાં ફર્યો. ‘ઉદ્બોધન’થી શરૂ કરી હાવરા દ્વારા ‘સલ્કીયા’ સુધી ફર્યો. સુરેન ભટ્ટાચાર્યના ઘરે આવતાં તેમણે પૃચ્છા કરી કે ત્યાં ‘ખોલ’ છે કે કેમ? ‘નથી’ એવું કહેવામાં આવતાં જ તેમણે કહ્યું, ‘જે ઘરમાં ‘ખોલ’ ન હોય તે સ્મશાનભૂમિ સમાન છે. તરત કોઈ ‘ખોલ’ લઈ આવવા દોડી ગયું. થોડીવારે આષુબાબુએ ખોલ વગાડવા સાથે ગાવાનું શરૂ કર્યું. ‘ગૌરાંગ નામ બોલો, ગૌરાંગની સ્તુતિ કરો, ગૌરાંગ નામ બોલો’, ઈત્યાદિ. શશી મહારાજ પણ મોટેથી ગાતાં ગાતાં ગાવા નાચવામાં અન્યો સાથે સામેલ થયા. સંકોચશીલ હોવાથી હું દૂર રહ્યો. કીર્તન પૂરું થતાં શશી મહારાજે શ્રીરામકૃષ્ણની પૂજા કરી. તેમને ધરાવાયેલ નવું જ વસ્ત્ર તેમણે તેમને પરિધાન કરાવ્યું. ત્યારબાદ શ્રીરામકૃષ્ણના પ્રસાદ સાથે અમે સૌએ ભોજન લીધું.
બીજા એક પ્રસંગે તેઓ સ્વામી પરમાનંદ મહારાજ સાથે કલકત્તાની મુલાકાતે પધારેલા. અમે સ્વામી ૫૨માનંદને ઉદ્બોધન કાર્યકરોના વૃંદમાં દાખલ કરવા પ્રયાસ કર્યો. હું સ્વામી પરમાનંદને ઉદ્બોધનની મુલાકાત લેવા અનુરોધ કરવા પ્રયાસ કરી રહ્યો હતો, તે વેળા શશી મહારાજે એમ કહી મને અટકાવ્યો કે ‘એ ગુરુવારની અશુભ ઘડી હતી.’ એ દિવસોમાં ‘મા’નું નિવાસસ્થાન બાગબઝારની બે નંબરની શેરીમાં આવેલું હતું.
કદાચ તેમની બીજી મુલાકાત સમયે શશી મહારાજે મને, એ સમયે બલરામ બોઝના ઘરે રહેતા, સ્વામી બ્રહ્માનંદજી મહારાજના પગ ભાર દઈને ચોળી આપવા કહ્યું હતું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજની યોગ્ય રીતે સેવા ચાકરી ન થતી જોઈને, તેમજ નોકર-ચાકરો એમનો ઓરડો સાફસૂફ કરતા નથી કે તેમની પથારી વ્યવસ્થિત કરતા નથી, એ જોઈને તેઓ ઘણા નારાજ થયા. ઘ૨ના નોકરચાકરોને વ્યવસ્થિત સફાઈ કરવા તેમણે અનુરોધ કરવા પ્રયાસ કર્યો, પરંતુ વ્યર્થ. એ પછી પોતે જાતે જ આ સઘળું કામ કરવા લાગ્યા.
સંસ્કૃતના તજ્જ્ઞ એવા શશી મહારાજે એક વાર મદ્રાસથી હાવરાની મુસાફરી દરમિયાન જ જાણે કે એક નવલકથા વાંચતા હોય તે રીતે જ શ્રી હનુમંત રચિત સંસ્કૃત ભાષામાં રચાયેલું ‘મહાનાટક’ વાંચી નાખ્યું.
વરાહનગર મઠના શરૂઆતના દિવસોમાં મઠ માટેના જરૂરી ખર્ચનાં નાણાં શ્રી સુરેશચંદ્ર મિત્ર આપતા હતા. પરંતુ શ્રીમાન મિત્ર પૈસા ચૂકવવામાં થોડા અનિયમિત બની ગયા હતા. મઠના અંતેવાસીઓ શ્રી મિત્ર પાસેથી પૈસા માગતાં પણ સંકોચ અનુભવતા હતા. આથી મઠનિવાસીઓ માટે અકથ્ય યાતનાઓ ઉપસ્થિત થઈ. એ સમયે સ્વામીજીએ કહ્યું, “આપણે આપણા કુટુમ્બ જીવનનો ત્યાગ કર્યો છે, હવે જ્યારે આપણે મઠ ઊભો કર્યો છે, એટલે શું આપણે સદ્ગૃહસ્થો પાસે યાચના કરવી?” તેમણે મઠનિવાસીઓને પોતાની ચીજવસ્તુઓ, જેવી કે ધાર્મિક પુસ્તકો ઈત્યાદિ બલરામ બોઝને ત્યાં રાખીને જુદાં જુદાં સ્થળોએ યાત્રા કરવા ચાલ્યા જવાની સલાહ આપી. એ સમયે શશી મહારાજે વચ્ચે જ કહ્યું, “હું શ્રી મહિમા ચક્રવર્તી સંચાલિત ‘રામકૃષ્ણ ફ્રી સ્કૂલ’માં શિક્ષકની નોકરી કરીને શ્રી ગુરુમહારાજની પૂજાનું ખર્ચ ઉઠાવીશ.” દરેક જણ શશી મહારાજને મઠની ‘શ્રેષ્ઠ માતા’ કહેતા. એમ કહેવાય છે કે સ્વામીજીએ તેમને મદ્રાસ જવા અનુરોધ કર્યો એ અગાઉ એક વાર ગાઝીપુર જવા સિવાય કયારેય તેઓ મઠ બહા૨ સુધ્ધાં ગયા નહોતા. ગાઝીપુ૨થી તેઓ તાવને લીધે નંખાઈ ગયેલા, સીધા જ મઠ પાછા ફર્યા. વારાણસી કે વૃંદાવન જેવાં પવિત્ર ધામોની યાત્રાએ સુધ્ધાં તેઓ ગયા નહિ. છતાં પણ નવાં કેન્દ્રો ઊભાં કરવા તેમજ પ્રચાર કાર્ય માટે તેઓએ દક્ષિણની ઘણીજ લાંબી સફરો કરી. તેઓ અલગ અલગ રીતે શ્રી શ્રી મા તેમજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સાથે દક્ષિણનાં રામેશ્વર જેવાં યાત્રાધામોની યાત્રાએ ગયા હતા.
તેમને ધર્મશાસ્ત્રોના અફ૨૫ણામાં દૃઢ શ્રદ્ધા હતી. એમાં જો કોઈ વાંધાવચકાનો નિર્દેશ કરતું તો તેઓ ચીડાઈ જતા. તેમ છતાં મેં એક વાર અધિકૃત લખાણમાં ક્ષેપક ભાગ તેમને બતાવ્યો ત્યારે તેઓ શાંત રહ્યા.
જ્યારે સ્વામીજી પરનાં કેટલાંક કાવ્યો મેં ‘ઉદ્બોધન’માં પ્રકાશિત કર્યાં ત્યારે તેઓએ મને ચેતવણી આપતાં કહ્યું, “જો તું સ્વામીજીનાં બે વાર વખાણ કરીશ તો રામદત્તના અનુયાયીઓ તેનાં ચાર વા૨ વખાણ કરશે. તેમાંથી સાંપ્રદાયિક હરિફાઈ થશે.”
અમને સ્વામીજીનાં સંસ્કૃત કાવ્યો પ્રાપ્ત થયાં જે પાછળથી સંસ્કૃતના મહાન વિદ્વાન પ્રમથનાથ તર્કભૂષણ દ્વારા સંપાદિત થતા ‘વીરવાણી’માં પ્રકાશિત થયાં. આથી શશી મહારાજ નારાજ થયા કારણ તેમના મતાનુસાર વ્યાકરણના નિયમોની પદચ્યુતિ, જો કોઈ હોય તો, સ્વામીજીના કિસ્સામાં એ એક આર્ષ-પ્રયોગ જ હતો. કારણકે તેઓ એક ઋષિ કરતાં જરાય કમ ન હતા.
મેં એક વા૨ તંત્રધારક તરીકે અને બીજે પ્રસંગે પૂજારી તરીકે સેવાકાર્ય કર્યું. શશી મહારાજે આ બંને પ્રસંગોએ પોતાની હાજરીથી કૃપાદૃષ્ટિ કરેલી, મને મંત્રોચ્ચારણ ઝડપથી કરવા સલાહ આપેલી. ૧૯૦૬માં દુર્ગાપૂજાના સમયે શ્યામબઝારમાં ‘ટ્રામ’માંથી ઊતરતી વખતે મને અકસ્માત નડ્યો ને હું પથારીવશ થયો. બેલુર મઠમાં એક પ્રતીકાત્મક કુંભમાં દુર્ગાપૂજા થતી. સ્વામી શિવાનંદજી મહારાજ પૂજા કરતા અને સ્વામીશ્રી રામકૃષ્ણાનંદ મહારાજ તંત્રધારક રહેતા. સુદ આઠમ અને નોમના શુભસંયોગે પ્રતીકાત્મક બલિ તરીકે કોળું ધરાવવામાં આવતું. પોતાના હાથમાં સામે ઘડિયાળ રાખીને તેમણે કહ્યું, “જ્યારે હું ‘મા’ના નામનો જયકાર કરું ત્યારે તમારે જાણવું કે બલિ હોમવાની ચોક્કસ ઘડી છે.” અને બરોબર નિશ્ચિત ઘડીએ તેમણે મોટેથી ‘જય મા’નો ઘોષ કર્યો.
અમારી વિનંતીથી તેમણે બેલુર મઠમાં ધર્મશાસ્ત્રોના વર્ગો લેવાની શરૂઆત કરી. એ વર્ગો મુલાકાતીઓ માટેના ઓરડામાં લેવાતા. ત્યાર બાદ ભોંયતળિયાના દક્ષિણ બાજુના ઓ૨ડાઓમાંના એકમાં લેવાતા. તેઓ ખંતપૂર્વક પાઠો સમજાવતા.
એક વાર તેઓ અને હું બંને તાવમાં પડ્યા હતા, ત્યારે તાજેતરમાં જ સંઘમાં જોડાયેલા પૂર્ણાનંદજી અમારી સેવા-સુશ્રૂષા ક૨તા. જવનું પાણી લેતાં લેતાં હું મોટેથી ‘ગુરુ મહારાજ કી જય’ બોલતો. આથી એમણે (શશી મહારાજે) કહ્યું, ‘શું આવા સૂત્રોચ્ચારથી કોઈ હેતુ સ૨શે ખરો?’
મદ્રાસ મઠ માટે કોઈ સાધુ મદદનીશો મેળવવાના હેતુથી તેઓ બેલુર મઠ આવેલા હતા. તેઓ કોઈને મેળવી શક્યા નહિ. એ સમયે કલકત્તાની રીપન કૉલેજનો પ્રથમ વર્ષનો છાત્ર સુરેન્દ્રવિજય ઉનાળુ વેકેશન ગાળવા મઠમાં રહેતો હતો. તે પોતાની સાથે અભ્યાસનાં પુસ્તકો લાવ્યો હતો. સુરેન્દ્રવિજયને મઠના જીવનનું આકર્ષણ છે, એવી ધારણાથી બાબુરામ મહારાજે તેને સંઘમાં જોડાવા માટે ભારપૂર્વક દબાણ કર્યું. આથી છોકરો વ્યાકુળ થયો, તેણે ભોજન ન કર્યું અને બિલીના ઝાડ નીચે ખૂબ રડ્યો. બપો૨ના કેટલાક મઠવાસીઓએ તેમની સૂઝી ગયેલી આંખો જોઈ અને તેણે બપોરનું ભોજન નથી લીધું એ જાણીને તેના તરફ સહાનુભૂતિ વર્ષાવીને તેને પ્રસાદ ખાવા માટે આપ્યો. શશી મહારાજ શ્રી શ્રી માની મુલાકાતે કલકત્તા જવા હોડીમાં ઉપડવાની તૈયારીમાં હતા. તેમણે સુરેન્દ્રવિજયને પોતાની સાથે આવવા કહ્યું. સુરેન્દ્રવિજયે તેમની પાસે પોતાનું મન મોકળું કર્યું અને શશી મહારાજની સહાનુભૂતિ મેળવી. શશી મહારાજે શ્રી શ્રી માને સુરેન્દ્રવિજયના સંન્યાસને મંજૂરી આપવા વિનંતી કરી. માતાજી સંમત થયાં અને છોકરાને પોતાની પાસે મોકલવા જણાવ્યું. મદ્રાસ જતાં પહેલાં સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજે છોકરાને માતાજી પાસે મોકલ્યો. અતિ ખુશ થયેલા શ્રીરામકૃષ્ણાનંદ મહારાજે સગર્વ કહ્યું, “સદ્ભાગ્યે અમને મદદ કરવા અહીં માતાજી છે. માત્ર તેમની જ કૃપાથી મને એકાદ બે સાધુ સહાયકો મળે છે.”
શશી મહારાજ ઉગ્ર અને કઠોર સાધક હોવાથી પોતાના કુટુમ્બના સભ્યોને મળવાના ખૂબ વિરોધી હતા. તેમનાં માતા-પિતાના ઘરની મુલાકાત લેવા, તેમને ક૨વામાં આવેલો અનુરોધ નિષ્ફળ સાબિત થયો. સ્વામી શારદાનંદ મહારાજ, જેઓ તેમના પિત્રાઈ ભાઈ થતા હતા, તે પોતાના કુટુમ્બના સભ્યોને પ્રસંગોપાત્ત મળતા. આથી શશી મહારાજ અત્યંત નારાજ થતા.
એ જ પ્રમાણે તેઓ દૈનિક સમાચારપત્રોના વાચનના વિરોધી હતા. એક વાર તેમણે દેવવ્રત (પછીથી સ્વામી પ્રજ્ઞાનંદજી મહારાજ) અને શચીન (પછીથી સ્વામી ચિન્મયાનંદજી મહારાજ)ને ઠીક ઠીક સમય, દૈનિક સમાચારપત્રોના વાચન પાછળ ગાળતા જોયા. તેમણે તેઓને સખ્ત ઠપકો આપ્યો. મંદિરની સાંધ્યપૂજામાં જ્યારે તેઓ જોડાતા ત્યારે અવાર નવાર પવિત્ર નામોનું ઉચ્ચારણ મોટેથી કરતા. તેમની બીજી એક વિલક્ષણતા એ હતી કે સ્વામીજી રચિત સંધ્યા આરતી બોલતી વખતે તેઓ ‘તરસાં’ને સ્થાને ‘ત્વરિતમ્’ ઉચ્ચાર કરતા.
‘થિયૉસૉફિસ્ટો’નાં મંતવ્યો તેમને ગમતાં નહિ. ૧૯૦૯ના એપ્રિલમાં ‘વિવેકાનંદ સોસાયટી’એ કલકત્તામાં ધર્મોની એક પરિષદનું આયોજન કર્યું. એ પરિષદમાં ‘થિયૉસૉફિકલ સોસાયટી’ના જગેન મિત્રે એક પત્રિકાનું વાચન કર્યું. બેલુર મઠ પાછા ફર્યા બાદ શશી મહારાજે મઠના હોદ્દેદારોને પૂછ્યું, “તમોએ શા માટે ‘થિયૉસૉફી’ને એક અલગ ધર્મ તરીકે માન્યતા આપી છે? ‘થિયૉસૉફિસ્ટ’ લોકો પોતે જ એવું જાહેર કરે છે કે ‘થિયૉસૉફી’ કોઈ ધર્મ નથી.” મેં રુદ્ર (પછીથી ધ્યાનાનંદ મહારાજ) પાસેથી સાંભળેલું કે શશી મહારાજે એક વાર કોઈ મઠવાસીઓ, જેઓ અડ્યાર મદ્રાસની ‘થિયૉસૉફિકલ સોસાયટી’નાં ભાષણોમાં હાજરી આપવા ગયા હતા, તેમને પકડ્યા ને પૂછયું, “તમોએ જે સાંભળ્યું તે મને કહો. ‘થિયૉસૉફી’નું ધ્યેય પણ બ્રહ્મજ્ઞાન જ હોય તો તેમનાં ભાષણોમાંથી તમે ક્યા નવા વિચારની અપેક્ષા રાખી શકો? અને તેનું ધ્યેય, બ્રહ્મજ્ઞાન સિવાય બીજું કંઈ હોય તો, તે શું અનુસરવા યોગ્ય છે?”
સ્વામીજીએ શશી મહારાજને દક્ષિણમાં મોકલ્યા તે અગાઉ સ્વામીજીએ પોતાના દક્ષિણના અનુયાયીઓને શશી મહારાજ વિષે કહ્યું હતું, “મારા એક ગુરુભાઈને હું તમારા તરફ મોકલું છું, જે તમારા માટે મનગમતા સાબિત થશે. તેઓ તમારા સર્વે કરતાં વધારે રૂઢિચુસ્ત છે.” શશી મહારાજને એક પ્રકારનો ચર્મરોગ હતો જેને માટે ડૉક્ટરોએ તેમને અડદની દાળ ન લેવા સલાહ આપી હતી. તેના ઉપચાર તરીકે તેઓ સરસવનું તેલ વાપરતા. તેમના નામની દરખાસ્ત સ્વામીજીએ કરી હતી છતાં પણ હકીકતે પોતાના આ ચર્મરોગને કારણે જ તેઓ પશ્ચિમમાં જઈ શક્યા નહિ.
તેઓની કલકત્તાની થોડીએક મુલાકાતો વખતે તેમણે મને મદ્રાસની મુલાકાત લેવાનો આગ્રહ કરેલો. તેમણે તો મારે માટે ટિકિટ ભાડું આપવાનો પ્રસ્તાવ પણ મૂકેલો. પરંતુ એ દિવસોમાં હું મદ્રાસની મુલાકાત લેવાની યોજના કરી શક્યો નહિ.
‘ઉદ્બોધન’ની શરૂઆતના દિવસોમાં શશી મહારાજે રામાનુજનું જીવન ચરિત્ર બંગાળી ભાષામાં લખેલું અને મારા ‘ઉદ્બોધન’ના સંપાદનની સમયાવધિમાં તેમણે તે પૂરું કર્યું. તેમણે બીજા વિષય પર લખવાની શરૂઆત કરી, કદાચ ‘સ્તોત્ર ઉપદેશ રત્નમાલા’ ૫૨. તેમણે કેટલાક શ્લોકોનું ભાષાંતર કરવાનું છોડી દેતાં તે પ્રકાશિત થઈ શક્યું નહિ. મારી વિનંતીઓના જવાબમાં તેમણે મને ખાતરી આપી કે તેઓ અધૂરું કાર્ય હાથ પર લેશે, પરન્તુ કમભાગ્યે તેઓ એ કરી શક્યા નહિ. લાંબા સમય પછી એ આખુંય લખાણ એક પુસ્તકરૂપે ઉદ્બોધન ગૃહ દ્વારા બહાર પડ્યું. જ્યારે મેં પૂછ્યું કે તેનો પ્રકાશન હક્ક તેમણે અનામત રાખવો છે કે પછી ‘ઉદ્બોધને’ મદ્રાસના શ્રીરામકૃષ્ણ મઠને કોઈ ‘રૉયલ્ટી’ ચૂકવી આપવી? ત્યારે તેમણે મને પત્ર લખી જણાવ્યું, “હું તમને લખી જણાવીશ.” પરન્તુ તેમણે એ વિશે કયારેય લખ્યું નહિ.
આ ગ્રંથના શરૂઆતના ભાગમાં તેમણે ‘અલ્વાર’ સંબંધી ચર્ચા કરી છે. તેમણે અલ્વારોમાંના એકનું વર્ણન વિષ્ણુના અવતાર તરીકે કરેલું છે અને નોંધ્યું છે કે, “યુનિવર્સિટીના આજના છાત્રો તેના ૫૨ મોકળા મનથી હસશે.” એક જગાએ મેં ભાષામાં થોડો સુધારો કર્યો છે. ‘ઉદ્બોધન’માં સ્વામીજી રચિત ‘શિવસ્તોત્રમ્’ પ્રકાશિત કરતાં પહેલાં તેની હસ્તપ્રત શશી મહારાજને જરૂરી સુધારા-વધારા માટે મદ્રાસ મોકલી. તેમણે તે કર્યું અને તેની સુધારેલી હસ્તપ્રતની એક નકલ મોકલી. એવું લાગ્યું કે તેમણે અસલ હસ્તપ્રત પોતાની પાસે જ રાખી લીધી. તેમણે કરેલા સુધારાઓમાંનો એક ઉલ્લેખનીય છે. તેમણે “પ્રાણ પ્રચ્છેદ્ક્ષમ્”ને સ્થાને “પ્રાણ વિચ્છેદસુક્તમ્” મૂક્યું. ઉપરાંત તેમણે સંસ્કૃત શ્લોકોનું બંગાળીમાં ભાષાંતર કર્યું. સ્વામીજીના ‘શિકાગો-પ્રવચન’નું બંગાળીમાં ભાષાંતર કર્યું. તેમણે ‘શ્રીરામકૃષ્ણ તત્ત્વાભાસ’ શીર્ષકવાળો એક બંગાળી નિબંધ લખ્યો. એ દિવસોમાં રામદયાલ ચક્રવર્તી અને અન્ય કેટલાક લોકો, માઘ-પૂર્ણિમાને દિવસે દક્ષિણેશ્વ૨માં શ્રીરામકૃષ્ણની સ્મૃતિમાં એક ઉત્સવનું આયોજન કરતા. આ કાર્યક્રમ સતત એકધારો કેટલાંક વર્ષો સુધી ચાલુ રહ્યો. આવા જ એક પ્રસંગે ઉપર્યુક્ત નિબંધ, ‘પંચવટી વૃક્ષ-વૃંદ’ નીચે એકત્રિત થયેલા ભક્તો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો અને ત્યારબાદ ‘ઉદ્બોધન’માં તે પ્રકાશિત કરવામાં આવ્યો. આ લખાણોથી અલગ એક ગદ્ય-રચના ‘દક્ષિણ ભારતનાં મંદિરો’ તેમણે લખી જે પછી ‘ઉદ્બોધન’માં પ્રગટ થઈ.
હાલ બ્રહ્મચર્ય માટે વપરાતા મંત્રોની રચના શશી મહારાજે કરી હતી. અમે સાંભળ્યું છે કે તેઓએ એ મંત્રો વડે કેટલાક ગૃહસ્થીઓને પણ દીક્ષા આપી હતી. તેઓની સગવડ ખાત૨ તેમણે લગ્નસંબંધી બારમા મંત્રમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ફેરફાર કરેલા ભાગમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગૃહસ્થી લોકો વિવાહ કરી શકે પરંતુ તેઓએ અન્ય તમામ સ્ત્રીઓને માતૃભાવે નિહાળવી જોઈએ. ત્યારબાદ મેં એ મંત્રોમાં અહીં તહીં અલ્પ સુધારા-વધારા કર્યા. મેં જાણ્યું કે તેજનારાયણ ને (પછીથી સ્વામી શર્વાનંદને) બ્રહ્મચર્ય દીક્ષા આ મંત્રો વડે જ આપવામાં આવેલી. એની એક નકલ બેલુર મઠ મોકલવામાં આવી હતી. સ્વામી બ્રહ્માનંદ મહારાજે સર્વપ્રથમ તેનો ઉપયોગ વિશ્વરંજન અને રુદ્રને બ્રહ્મચર્ય દીક્ષા આપતી વખતે કર્યો હતો. અને એમણે એ મંત્રોનો બીજીવાર ઉપયોગ ૧૯૧૨માં કનખલમાં જીવન લક્ષ્મણ અને રમેશને બ્રહ્મચર્ય દીક્ષા આપતી વખતે કર્યો હતો. આ પ્રસંગે મેં એ મંત્રો મોટેથી વાંચ્યા હતા. જીવન વિવાહિત હોવાથી શશી મહારાજે કરેલા બારમા મંત્રના બંને ફે૨ફારો તેને લાગુ પડતા નહોતા. સંબંધિત ભાગને સ્થાને મેં ‘પુત્રદારાદીન્ પરિત્યજ્ય’ શબ્દો મૂક્યા. તદ્ઉપરાંત એવું લાગ્યું કે એક બ્રહ્મચારીની પાયાની ફ૨જોમાંની એક દર્દીઓની સેવા, તેમનામાં નારાયણ વિરાજમાન છે એવા વિચારથી કરવી. એ વિચારને સ્પષ્ટ કરવા મેં મોજૂદ નિરૂપણમાં ‘રોગાર્થાન્ ઔષધપથ્યાદિદાનેન શુશ્રૂષયા વા’ શબ્દો ઉમેર્યા.
પંચાંગ એવો નિર્દેશ કરે છે કે મા દુર્ગાની પૂજા વિશિષ્ટ દિવસે ને વિશિષ્ટ સમયે જ પૂર્ણ થવી જોઈએ. એક વર્ષ અમે પંચાગે નિર્દિષ્ટ કરેલ ચોક્કસ સમયનું શબ્દશઃ પાલન કર્યું. ચોક્કસ દિવસે અમે સવારના ત્રણ વાગે જાગૃત થઈને સવારે સાડા આઠ વાગે પૂજાની વિધિઓ પૂર્ણ કરી. મને યાદ છે ત્યાં સુધી ખીચડી રાંધી હતી અને દેવીને ભોગમાં ધરાવી હતી. વહેલી સવારની આ પૂજાથી મઠ નિવાસીઓમાંના ઘણાને સંતોષ થયો નહિ અને એમાંથી ગરમા ગરમ ચર્ચાઓ થઈ. શશી મહારાજની બીજી મુલાકાત સમયે એ બાબત તેમની સમક્ષ તેમના નિર્ણય માટે રજૂ કરવામાં આવી. તેમણે કહ્યું, “પંચાગે સૂચવેલા પૂર્ણાહુતિના સમય પહેલાં તમે પૂજાની શરૂઆત કરો તો એ પર્યાપ્ત છે.”
રુદ્રને મદ્રાસ મોકલવામાં આવ્યા તે પહેલાં જોગીન (પછીથી સ્વામી ઉમાનંદ મહારાજ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા લેવા માટે મઠમાં આવ્યા. જો કે તેઓ મૂળ ‘તેલી’ જાતિમાંથી આવતા હોવા છતાં પણ ધંધાદારી રીતે મીઠાઈ બનાવવાના કામને સ્વીકારનાર પોતાના કુટુમ્બીજનો પાસેથી તેઓ મીઠાઈ બનાવવાનું શીખ્યા હતા. શશી મહારાજ તેમની પાસેથી મીઠાઈની વિવિધ વાનગીઓ બનાવરાવતા અને શ્રીરામકૃષ્ણને ભોગમાં ધરાવતા. સંન્યાસી થયા બાદ ઉમાનંદ મહારાજને થોડા મહિના પ્રણાલિકાગત રીતે તપશ્ચર્યા ક૨વા ગાળવાના હતા. તેમની ગેરહાજરી ઘણી સાલતી હતી. ગમે તેમ ત્રણ મહિના બાદ બ્રહ્મચારી રુદ્ર (સદ્બન્ધુ)ને શશી મહારાજ પાસે મોકલવામાં આવ્યા.
એક વા૨ મદ્રાસમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ મહારાજ) શશી મહારાજ વિશે વિવેચન કરતાં હતા ત્યારે કૃષ્ણલાલ મહારાજે શશી મહારાજ વિશે પોતાની કેટલીક અનુદાર ટીકાનો ઉમેરો કર્યો. આથી મહારાજ ઘણાજ નારાજ થયા. તેમણે કૃષ્ણલાલ મહારાજને ઊચકાવ્યા અને કહ્યું, “હું તો શશી મહારાજને અમુક બાબત માટે ઠપકો આપું છું. પરંતુ તમે તેમના વિશે આવા શબ્દો કહેવાની હિંમત કેમ કરી શકો? તમે એમના જેવા સાધુ ક્યાંય શોધી શકશો ખરા?”
મેં એક બીજો ૨મૂજી કથા-પ્રસંગ સાંભળેલો! જ્યારે વરાહનગરમાં શ્રી રામકૃષ્ણ મઠની સ્થાપના થઈ ત્યારે સ્વામીજીએ શશી મહારાજને શ્રી ઠાકુરની દૈનિક પૂજાની જવાબદારી સંભાળવા કહેલું. શશી મહારાજ ચોક્કસ નિયમો અને વિધિને ચૂસ્ત રીતે અનુસરતા. એ મુજબ ઠાકુરને રોજે બધા મળીને ચૌદ પાન-બીડાં ધરાવવાનાં હતાં. એક વાર પૈસાના અભાવે અને આ કામ માટે માણસના અભાવે કેટલાક સંન્યાસી અને શશી મહારાજ વચ્ચે દલીલબાજી થઈ. સ્વામીજીએ શશી મહારાજનો વિરોધ કરનારનો પક્ષ લીધો. સ્વામીજીએ ચૌદ પાન-બીડાંને સ્થાને દશ પાન-બીડાં માટે દલીલ કરી. ઉશ્કેરાયેલા તો હતા જ તેથી શશી મહારાજ ‘ચૌદ’ બસ ‘ચૌદ’ એવી અવારનવાર બૂમો પાડતા મઠમાંથી એકદમ ચાલ્યા ગયા. આમ છતાં, થોડીવાર પછી તેઓ મઠમાં પાછા ફર્યા.
ઉદ્બોધન ગૃહમાં તેઓ ક્ષયથી વિશેષ પિડાઈ રહ્યા હતા. એક દિવસ તેમણે કોઈ કા૨ણસ૨ બાબુરામ મહારાજને સખ્ત ઠપકો આપ્યો. પરંતુ તેઓ જેવા શાંત થયા કે તરત જ તેઓ પોતાના વર્તાવથી અત્યંત વ્યથિત થયા. તેમણે બાબુરામ મહારાજને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે શશી મહારાજે તેમને સતત વિનંતી કરી કે મને તમે થોડી લાતોનો જોરથી પ્રહાર કરો. જ્યાં સુધી બાબુરામ મહારાજે લાત-પ્રહારના પ્રતીક રૂપે તેમને પોતાના પગેથી તેમના શરી૨નો સ્પર્શ ન કર્યો, ત્યાં સુધી તેઓ શાંત થયા નહિ. એમની માંદગીના સમયે શ્રી વિશ્વરંજન તેમની સેવા-ચાકરી કરતા હતા. (એ દિવસોમાં ક્ષયના રોગીની સારવાર કરવાનું મોટે ભાગે નિષિદ્ધ ગણાતું.)
અગાઉ એક વાર શશી મહારાજ હોડી દ્વારા મઠ જઈ રહ્યા હતા ત્યારે હું તેમની સાથે ગયો. એ મંડળીમાં ડૉ. કાનજીલાલ પણ હતા. તેમણે પોતાના ભૂતકાળના જીવન દરમિયાન કરેલાં અપકૃત્યો અને નબળાઈઓની કબૂલાત કરી. મેં જોયું કે શશી મહારાજ તેમને જ્ઞાનયુક્ત પ્રોત્સાહન અને કિંમતી સલાહ આપતા હતા.
જે દિવસે સ્વામીજીએ બેલુરમઠમાં દેહ છોડ્યો તે દિવસે મદ્રાસમાં શશી મહારાજે સ્વપ્નમાં સ્વામીજીનાં દર્શન કર્યાં. સ્વામીજીએ તેમને કહ્યું, “શશી જો! કોઈ થૂંકે એ (સહજ) રીતે જ મેં હજુ હમણાં જ દેહત્યાગ કર્યો છે.”
મહારાજ કહેતા, “મેં જોયું છે કે શશી થોડી વાર પણ બહાર નીકળતો નથી. બધો જ સમય તે ખુ૨શીમાં જ બેઠો રહે છે. એ રીતે તેણે તેની તબીયત ખરાબ કરી છે. એ રીતે તેને મધુપ્રમેહ અને બાદમાં ક્ષય લાગુ પડ્યો.”
મેં ઘર અને સંસારનો ત્યાગ કર્યો એ અગાઉ મેં પહેલી જ વાર શશી મહારાજના પિતાશ્રી સ્વ. ઈશ્વરચંદ્ર ભટ્ટાચાર્યને જોયેલા. પ્રસિદ્ધ શ્રી જગમોહન તર્કાલંકારના શિષ્ય શ્રી ઈશ્વરચંદ્રની તાંત્રિક વિધિ મુજબ દીક્ષા થઈ હતી. તેઓ જમીનદાર ઈન્દ્રનારાયણના મુખ્ય પૂજારી હતા. અમારા વિસ્તારના એક પ્રજ્ઞાચક્ષુને હું કેટલીકવાર ઈન્દ્રનારાયણ પાસે તેમના ‘પાર્ક-સ્ટ્રીટ’ના નિવાસસ્થાને આર્થિક સહાય માટે લઈ જતો અને ત્યાં જ કોઈ આવા એકાદ પ્રસંગે મેં ઈશ્વરચંદ્રને જોયેલા. જો કે એ સમયે હું શશી મહારાજને જાણતો હતો પરંતુ શ્રી ઈશ્વરચંદ્ર તેમના પિતા છે તે હું જાણતો નહોતો. મેં ઈન્દ્રનારાયણ વિશે એમને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ બંને આગલી રાતે મોડે સુધી તાંત્રિક વિધિમાં રોકાયેલા હોવાથી ઈન્દ્રનારાયણ હજુ સૂતા છે. ઘણી રાહ જોયા બાદ અમને નિરાશા થઈ, કારણકે અમારે ખાલી હાથે પાછા ફરવું પડ્યું. લગભગ બપોરના બાર વાગી ગયા હતા. તપાસ કરતાં અમે જાણ્યું કે ઈશ્વરચંદ્ર મંદિરમાં પૂજા કરી રહ્યા હતા.
ત્યારબાદ શ્રી ઈશ્વરચંદ્રને મેં બેલુરમઠમાં ઘણીવાર જોયા હતા. ખાસ કરીને સ્વામીજીના ત્યાંના મુકામ દરમિયાન તેઓ અવારનવાર આવતા અને એકીસાથે થોડા દિવસો રહેતા. તેઓ રોજે બે ભાષામાં આખોયે ચંડીપાઠ મોઢે બોલતા. તેઓ તાંત્રિક વિધિ અને ક્રિયાકાંડોના એવા તો તજજ્ઞ હતા કે ઘણીયે વા૨ તેઓ ઊંઘમાં સુધ્ધાં ‘અંગ’, ‘કંગ’, ‘ખંગ’ ઈત્યાદિનો જપ કરતા. અડખે પડખે સૂતેલાઓને ખલેલ પડતી. એક વાર તેમણે સળંગ ચંડીનો જ હોમ ‘સાકલ્ય’ની આહુતિ આપીને ‘સ્વાહા’નું ઉચ્ચારણ કરતાં કરતાં કર્યો. અમે ‘સાકલ્ય’ અગ્નિમાં હોમતા. પૂજા વિધિ કરવા માટેના પ્રતીકાત્મક સંકેતો પણ અમે એમની પાસેથી શીખ્યા. એમણે કહ્યું કે તત્ત્વમુદ્રા નામક પ્રતીકાત્મક હાવભાવ અન્ય તમામ મુદ્રાઓને બદલે આવી શકે.
૧૯૦૧માં સ્વામીજી આયોજિત દુર્ગાપૂજામાં શ્રી ઈશ્વરચંદ્રે તંત્રધારક તરીકે સેવા આપી. સ્વામીજીના દેહત્યાગને દિવસે પણ શ્રી ઈશ્વ૨ચંદ્ર મઠમાં આવ્યા હતા. (૪થી જુલાઈ ૧૯૦૨) તેમને જોતાં ખુશખુશાલ સ્વામીજીએ તેમને એવું કહીને આવકાર્યા, “હવે શ્રી ભટ્ટાચાર્ય આવી ગયા છે. મારી ઇચ્છા છે કે આવતીકાલે પાંચ પ્રકારની આહુતિ દ્વારા કાલીપૂજા કરવામાં આવે.”
જ્યારે શશી મહારાજ શ્રીરામકૃષ્ણની નિયમિત રીતે મુલાકાત લેતા હતા ત્યારે શ્રી ઈશ્વરચંદ્ર એક દિવસ શ્રી જગમોહન તર્કાલંકા૨ની સાથે શ્રીરામકૃષ્ણની પાસે ગયા. તેમની મુલાકાતનો હેતુ, શશી મહારાજને ઘરે લઈ આવવાનો હતો. વાતચીત દરમિયાન શ્રી ઈશ્વરચંદ્રે શ્રીરામકૃષ્ણની નિંદા કરી. આથી શશી મહારાજ એટલા તો ગુસ્સે થયા કે તેઓ કુહાડી લઈને તેમના પિતાશ્રીને મારવા દોડ્યા. આથી ખુશ થઈને શ્રી ઈશ્વરચંદ્રે કહ્યું, “વારુ, તારા ગુરુ પ્રત્યેની તારી ભક્તિ પ્રામાણિક છે.”
એક વાર શશી મહારાજે તારથી મની ઓર્ડર કરી કેટલીક રકમ એક રસોયા અને બીજા બે સંન્યાસી એમ ત્રણ વ્યક્તિના પ્રવાસખર્ચ માટે મોકલી. પછી ઠીક ઠીક સમયબાદ શ્રી પ્રકાશ ત્યાં ગયો પરંતુ એકાદ વર્ષ જ ત્યાં રહ્યો. બનતાં સુધી એ જ સમયે બેલુર મઠના રસોયા પ્રભાકરના ભત્રીજા અભિરામને મદ્રાસ મોકલવામાં આવ્યો હતો. અભિરામ લગભગ એક વર્ષ ત્યાં રહ્યો.
એક દિવસ આલમબઝારમાં સ્વામી શ્રી નિત્યાનંદ (જોગેન ચેટર્જી) શ્રીરામચંદ્ર દત્તની આકરી ટીકા કરી રહ્યા હતા. શશી મહારાજે એમને ઠપકો આપતાં કહ્યું, “તમને ખબર છે રામબાબુ કેવા અનુરક્ત ભક્ત છે?” ભાઈઓ પરસ્પર ઝઘડતા હોય છે. એવી જ રીતે અમે પણ કોઈ વાર ઝઘડો કરી સંતોષ લેતા હોઈએ છીએ. આ તદ્ન જુદી જ વાત છે. પણ તમે કઈ રીતે તેની નિંદા કરવાની હિંમત કરી શકો? તમને યાદ નથી કે દુશ્મનો સામે લડતા પાંડવોએ કહ્યું હતું, “એ સત્ય છે કે અમે કૌરવો સાથે ઝઘડીએ છીએ, પરન્તુ અત્યારે તો અમે ૧૦૫ ભાઈઓ છીએ.” વધુ સારું એ છે કે તમે એક દિવસ કાંકુડગાછીના યોગોદ્યાનની મુલાકાત લો.”
એક દિવસ શ્રી ભવનાથ ચેટર્જીએ વરાહનગર મઠની મુલાકાત લીધી. તેઓ સંન્યાસીઓ પાસે શોક વ્યક્ત કરી રહ્યા હતા, “અરે, તમે કેવા સર્વસ્વનો ત્યાગ કરીને ઈશ્વર (પ્રાપ્તિ) માટે સાધન ભજન કરો છો! જ્યારે અમે સંસાર સાગરમાં સંઘર્ષ કરીએ છીએ.” આ પ્રસંગે તેમણે એક ગીત ગાયું –
તમો શા માટે કરો વિષપાન સમજી તેને અમૃત?
તમો શા માટે થઈને ઉપર છલ્લા સુખમાં લુપ્ત,
ભૂલો ફળોને તેનાં?
શશી મહારાજે એક ઉદાહરણ દ્વારા તેમને હિંમત આપી. તેમણે કહ્યું, “શ્રી શ્રી ગુરુમહારાજના ભક્તો માછલાં જેવા છે. તેમાંના કેટલાકને તેઓ જીવિત રાખે છે, તો કેટલાકની તાવણી કરે છે, વાસણમાં તળે છે. અમને ત્યાગી ભક્તોને તેઓ ઠામમાં તળે છે, જ્યારે તમોને, ગૃહસ્થી ભક્તોને તેઓ જીવિત રાખે છે ૫૨ન્તુ યોગ્ય સમયે તમોને પણ તેઓ તળવાના ઠામમાં નાખશે.” આ વાતથી ભવનાથ ખુશી થયો.
(‘વેદાંત કેસરી’ ઑગસ્ટ ૧૯૮૩માંથી સાભાર)
ભાષાંતરકાર: શ્રી સી. એ. દવે
Your Content Goes Here




