(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
(સપ્ટેમ્બર, ૨૦૨૪થી આગળ)
શુકદેવના આત્મજ્ઞાનની પરીક્ષા લેવાના હેતુ સાથે રાજર્ષિ જનકે તેમને નગરચર્યા કરીને આવવાનું કહ્યું. શુકદેવના પાછા આવી ગયા પછી જનકે પૂછ્યું, ‘શું જોયું?’ શુકદેવે જવાબ આપ્યો, ‘જોયું, ખાંડનું પૂતળું બીજાં બધાં સાકરનાં પૂતળાં સાથે રાગ-દ્વેષ જેવું વર્તન કરી રહ્યું છે.’ જનકે ફરી પૂછ્યું, ‘અને હવે શું જોઈ રહ્યા છો?’ શુકદેવજીએ કહ્યું, ‘એક સાકરનું પૂતળું (જનક) અન્ય સાકરના પૂતળા (શુકદેવ)ને પ્રશ્ન કરી રહ્યું છે અને બીજું તેને ઉત્તર આપી રહ્યું છે.’ જનકે કહ્યુંઃ ‘જાઓ, હવે તમે આત્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ ગયા છો.’
‘ કેવી વાત છે! આપણે પણ આવું જ અનુભવવું પડશે! શું કહે છે? (૪.૨.૧૯૮૩. કાશી સેવાશ્રમ)
તને એક વાર્તા ભેટ સ્વરૂપે આપું છું. એક મોટા રાજપંડિતે તેના નાના પુત્રને અનેક શાસ્ત્રોની ઘણી વાતો શિખડાવેલી. એક દિવસ તેણે રાજાને કહી રાજસભામાં તે બાળકને કથા કરવા હેતુ બેસાડ્યો. બાળકે સુંદર મંગલાચરણ કરી વિભિન્ન શાસ્ત્રોનું પ્રમાણ આપીને ઘણી સારી કથા કહી. સાંભળ્યા પછી સૌએ ધન્યવાદ આપ્યા. તે સમયે ક્યાંકથી એક નાનકડું પક્ષી ઊડીને રાજસભામાં બાળકની સામે આવીને બેસી ગયું. એ સાથે જ તે બાળકે પરિસ્થિતિને ભૂલીને પોતાની ટોપી ખોલી અને તે ટોપીથી પક્ષીને ઢાંકી દીધું. આ જોઈને રાજમંત્રીએ હસીને કહ્યું, ‘મહારાજ, આ બાળક જે કંઈ પંડિતાઈ બતાવે છે તે તેના પિતાજીએ શિખવાડી છે, પોતાની નથી. બાળકનો નિજ સ્વભાવ પક્ષી પકડવાનો છે. તેનો સહજ બાળક સ્વભાવ દેખાઈ ગયો.’
કોઈ કેટલું મહાન કાર્ય કેમ ન કરે અથવા વાતો કેમ ન કરે, એનો નિજ સ્વભાવ ક્યારેક ને ક્યારેક દેખાઈ આવશે જ. ‘स्वभावो दुरतिक्रमणीयः.’ (૫.૧.૧૯૮૪. કાશી સેવાશ્રમ.)
‘તત્ત્વજ્ઞાન પામવામાં કરોડો વિઘ્ન છે. ફક્ત મંદિર-દર્શનના માર્ગમાં જ ૫૦ લાખ છે. ગંગાસ્નાનના માર્ગમાં ૨૫ લાખ તથા દાનના માર્ગમાં ૧૨.૫૦ લાખ. આ બધાં વિઘ્નો દેખાતાં નથી એટલે આંખોથી નથી દેખાતાં (જોઈ શકાતાં નથી).
આ સાંભળી ભીમસેને શ્રીકૃષ્ણને કહ્યું, ‘હે શ્રી કૃષ્ણ! જણાવો, કયા સ્થાને સઘળાં વિઘ્નો છે? હું ગદા દ્વારા સર્વ વિઘ્નોનો નાશ કરી દઈશ.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘આ સર્વ વિઘ્નો દેખાતાં નથી. જો જાણવા ઇચ્છતો હો, તો આ જ વિશેષ ઉત્સવનો દિવસ છે, ગંગાસ્નાન માટે જા. વિઘ્નોને જાણી જઈશ.’
ગદા લઈને ભીમસેન આખો દિવસ ગંગાતટ પર લોકોની વચ્ચે વિઘ્નો ગોતતો રહ્યો. પરંતુ કાંઈ પણ મેળવ્યા વગર પાછો આવી ગયો.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘વિઘ્નોને જોયાં?’
ભીમસેને કહ્યું, ‘શોધી ન શક્યો.’
‘ગંગાસ્નાન કરેલું?’
‘ના, તે માટેનો સમય જ ક્યાં મળ્યો? આખો દિવસ વિઘ્નને જ શોધતો રહ્યો.’
‘જોયું? કેટલા બધા લોકો કેટલા દૂરથી આવી ગંગાસ્નાન કરતા હોય છે અને તું આખો દિવસ ગંગાતટે ફર્યો છતાંય ગંગાસ્નાન માટેનો સમય કાઢી ન શક્યો. હવે સમજાયું ને કે શુભકર્મ માટે કેટલાં વિઘ્નો આવે છે!’
‘હા. સમજ્યો.’
‘विद्यायां धन्विनां कोटि तदर्धं हरिमन्दिरे ।
तदर्धं जाह्नवीतीरे तदर्धं दक्षिणे करे ॥’
‘धन्विनां कोटि’ એટલે એક કરોડ યોદ્ધા વિઘ્ન પહોંચાડે છે. ‘दक्षिणे करे’ એટલે દક્ષિણ હાથથી દાન કરવામાં ૧૨.૫૦ લાખ વિઘ્નો હોય છે. આ બધી વાતો શુભ કર્મોમાં ઘણું વિઘ્ન પહોંચાડે છે, આ સમજાવવા માટે રૂપક તરીકે વર્ણન કર્યું છે.
‘કેટલી સારી વાત છે?’ ‘સારી છે ને?’ (૧૦.૧૦.૧૯૮૪. કાશી સેવાશ્રમ.)
વારંવાર શરદી-ઉધરસે શરીરને નબળું બનાવી દીધું છે. એવું લાગી રહ્યું છે કે અંત નજીક છે. હવે રામ રામ કહીને વધેલા કેટલાક દિવસો પૂરા થવાનો સમય આવી ગયો. તેને માટે નિયમિત પ્રાર્થના કરું છું –
अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।
देहि मे कृपया देव त्वयि भक्तिरचंचला ॥
એટલે કે મારું મૃત્યુ પીડાવિહીન હોય અને સંસારમાં પીડાવિહીન હું જીવિત રહું. હે પ્રભુ! મારા પર દયા કરો અને તમારા ચરણોમાં અચલ ભક્તિ આપો.
સાંભળ્યું છે કે સુનીલ મહારાજ (સ્વામી સર્વાનંદ)ને કામકાજ હવે ગમતું નથી. અને તેઓ જલદી પાછા આવી જશે. તેઓ કેમ છે, જણાવજે.
સંપૂર્ણ જીવન જ એક વિરાટ સ્વપ્ન સિવાય અન્ય કશું નથી. સ્વપ્ન કે નિદ્રામાં વિક્ષેપ થઈ ગયા પછી અન્ય કંઈ બચતું નથી. જે રહે છે તે સત્ય.
अनादि मायया सुप्तो यदा जीवो प्रबुध्यते ।
अजमनिद्रमस्वप्नमद्वैतं बुध्यते तदा ॥
અજ્ઞાન, નિદ્રામાં સૂતેલો જીવ ન જાણે કેટલાંય સ્વપ્નો જુએ છે. પરંતુ જ્ઞાન થઈ ગયા પછી નિદ્રા તૂટી જાય છે અને જીવ પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. તે સમયે વધુ સ્વપ્નો નથી જોતો. ન જાણે ક્યાં વિલીન થઈ જાય છે? એક સુંદર શ્લોક તને ભેટ સમાન આપી રહ્યો છું.
‘अहंकारो धियं व्रते मा सुप्तोऽयं प्रबोधय ।
उत्थिते परमानन्दे नाहं न त्वं नेदं जगत् ॥’
પરમપતિ પરમાનંદ-સ્વરૂપ પરમાત્મા અજ્ઞાન નિદ્રાથી સૂતેલ છે. કુલટા સ્ત્રી સમાન બુદ્ધિ અહંકાર જેવા અન્ય વરની સાથે રમમાણ થઈને કહે છે, આહ! આપણે આટલો આનંદ લૂટી રહ્યાં છીએ અને આ સૂઈ રહ્યો છે? તેને જાગૃત કરી આ આનંદમાં સંમિલિત કરીશું શું?’ અહંકાર બોલ્યો, ‘સાવધાન, તેને જાગૃત કરવાથી તું, હું અને આ જગત કંઈ પણ નહીં રહે. આપણે સૌ હવામાં ઊડી જઈશું. જેટલા સમય સુધી તે સૂતેલ છે, તેટલા સમય માટે જ આપણું રાજ્ય છે.’ सुप्तोऽयं (આ સૂઈ રહ્યો છે અને તેને સૂવા દો), मा प्रबोधय (તેને જગાડશો નહીં) (૨૨.૨.૧૯૮૮. કનખલ સેવાશ્રમ.)
‘સત્સંગ રત્નાવલી’ ઉદ્બોધન માસિકમાં પ્રકાશિત કરવા ઇચ્છો છો. તે સઘળું તને આપી રહ્યો છું. તું ઇચ્છે તેમ કર. છતાંય ઉદ્બોધન તેને વિશેષ પસંદ કરશે, તેવું નથી લાગતું. મારું નામ લખવાની કોઈ જરૂરિયાત નથી.
પૂર્ણાત્માનંદનો કોઈ પત્ર મને મળેલ નથી. હાલ મને તે બધું પ્રકાશિત કરવું અને નામ દેવું—કંઈ પણ સારું લાગતું નથી. હવે રામ, રામ જપતાં જપતાં જીવન પૂરું થઈ જાય, એવી આશિષ ઇચ્છું છું. આ જગત-સ્વપ્ન હવે સારું નથી લાગતું. જેટલું જલદી આ સ્વપ્ન તૂટે તેવું ઇચ્છું છું. સ્વામીજીના આ વાક્યની જ હું ઇચ્છા સેવું છું—Dream no more. Know the truth. Be one with It. Let visions cease (એટલે કે વધુ સ્વપ્ન નહીં. સત્ય જાણી લો. તેની સાથે એક થઈ જાઓ. સ્વપ્ન પૂરું થઈ જશે.)
હું એ જાણી ઘણો જ રાજી થયો કે તેં સ્વામીજી વિશે એક વિડિયો બનાવ્યો. તેને જોઈ કેટલાય લોકો આનંદિત થશે. તને ધન્યવાદ! તેં કેટલા લોકોને આનંદ આપ્યો! ઇચ્છું છું કે કાર્યની સાથે-સાથે ખૂબ જપ-ધ્યાન પણ કરતો હશે. તે નહીં કરે, તો વિડિયો-મિડિયો કંઈ કામ નહીં આવે. ખાલી લંગર નાખી હોડી ચલાવવા જેવું થયું.
‘હવે મારી પાસે નવા લેખ લખવાની શક્તિ અને ઉત્સાહ નથી. બન્ને આંખોમાં મોતિયાના ઓપરેશન બાદ શારીરિક અને માનસિક રીતે નબળો પડી ગયો છું. (મન ઉપર) લેખ લખવો અને પુસ્તક લઈ શોધવાનું હવે વધુ આ જીવનમાં નહીં થાય. જે થયું તે ઘણું જ થયું. હવે તું લખજે. મારો ભાવ હવે છે, ‘હવે શિવ પાર કરો મારી નૈયા.’ હું અત્યંત આનંદમાં છું. ઈશ્વર જે કરે તે મંગલ જ કરે છે. (૨૪.૧૧.૧૯૮૮. કનખલ આશ્રમ.)
‘એક નાની એવી પુસ્તિકા લખવાનો પ્રયાસ કર. Spiritual realisation of Sri Ramakrishna and their philosophical synthesis. ઠાકુરના સર્વધર્મ સમન્વયનો આધાર શું છે? કયા મુખ્ય આધાર ઉપર તેમનો સર્વધર્મભાવ ટકેલ છે. આ વિષય ઉપર દિનેશ ચંદ્ર ભટ્ટાચાર્ય શાસ્ત્રી દ્વારા લખાયેલ લેખ ‘શંકર-રામાનુજ-માધવાચાર્ય-શ્રીરામકૃષ્ણ’ વાંચી શકે છે. આ લેખ ‘વિશ્વચૈતન્ય શ્રીરામકૃષ્ણ’ ગ્રંથમાંથી મળશે. એની સાથે જ તું ઉદ્બોધનમાં પ્રકાશિત બે વધુ લેખ ‘સ્વામી વિવેકાનંદ ઓ અદ્વૈતવાદ’ (૬૫ વર્ષ, સંખ્યા ૨ અને ૩) તથા ‘નાનાદૃષ્ટિતે શ્રીરામકૃષ્ણ’ (વર્ષ ૮૨, સંખ્યા ૫) વાંચી શકે.
તેં કનખલમાં મારા માટે ઘણું જ સુંદર શિયાળુ જેકેટ મોકલી દીધું છે. તે જેટલું સુંદર છે એટલું જ આંખોને ગમે તેવું છે, ભૂરા રંગનું, અત્યંત નરમ અને સુંદર છે. માઉન્ટ એવરેસ્ટ જતી વખતે આવાં જ જેકેટ લઈ જતા હોય છે. આ માટે ખૂબ ધન્યવાદ. તું મારું ધ્યાન રાખે છે તેને માટે ઘણા જ ધન્યવાદ. ધન્યવાદનો ઉત્તર આપતી વખતે શું કહેવાય, તે જાણે છે? માનું છું તને નહીં ખબર હોય, તો સાંભળ.
સ્વામીજીની સંગાથે ઘણી મેડમ ભારત આવેલી. બેલુર મઠ તે સમયે ખરીદાયો હતો. ત્યારે પણ મહેમાનોના નિવાસ માટે કોઈ અનુકૂળ ભવન તૈયાર નહોતું થયું. તે સૌ મેડમ મઠના પ્રાંગણમાં તંબુ બનાવી રહેતી. સ્વામીજીએ ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદજી)ને તે લોકોની દેખભાળ રાખવા નિયુક્ત કરેલા. ખોકા મહારાજ બની શકે તેટલી સંભાળ લઈ રહ્યા હતા. આ-પેલું લઈ આવવું વગેરે વગેરે. એક દિવસ સ્વામીજીએ ખોકા મહારાજને પૂછ્યું, ‘અરે ખોકા, તું તે લોકોની સારસંભાળ રાખે છે ને?’
ખોકા મહારાજે જવાબ આપ્યો, ‘હા, કરી રહ્યો છું.’
‘તું જ્યારે તે લોકો માટે કંઈપણ લાવી દે, ત્યારે તે લોકો શું કહે છે?
ખોકા મહારાજે જવાબ આપ્યો, ‘તે લોકો Thank You કહે છે.’
સ્વામીજીએ પૂછ્યું, ‘તેના પ્રત્યુત્તરમાં તું શું કહે છે?’
ખોકા મહારાજ બોલ્યા, ‘હું શું જવાબ આપું. હું ચૂપચાપ રહું છું.’
સ્વામીજીએ કહ્યું, ‘તમારા લોકોની સાથે રહેવું અઘરું છે. તમે લોકો થોડો પણ વિવેક નથી જાણતા. ભદ્ર વ્યવહાર કંઈ પણ શીખ્યા નથી. તમારા લોકોનું શું થશે? તમે કોઈ કાર્યને માટે યોગ્ય નથી.’
ખોકા મહારાજે કહ્યું, ‘શું કહેવું પડે, હું તો નથી જાણતો. તમે જ મને શીખવો કે શું કહેવું? હું તે જ કહીશ.’
સ્વામીજી બોલ્યા, ‘તે લોકો જ્યારે Thank You કહેશે ત્યારે કહેજે Don`t care.’
ખોકા મહારાજે તેવું જ કહ્યું. મેડમ પહેલાં તો આશ્ચર્યચકિત બની ગઈ. ત્યાર પછી સ્વામીજી આવ્યા ત્યારે મેડમે આ વાત સ્વામીજીને જણાવી. ત્યારે સ્વામીજી બહુ મોટેથી હસવા લાગ્યા. આ જોઈ તેઓ સમજી ગઈ કે આ સ્વામીજીનું જ કામ છે. ત્યારે સૌ લોકો સાથે મળીને હસવા લાગ્યાં. સ્વામીજી તો બહુ રસિક હતા ને!
તારું એ જેકેટ કેવી રીતે પહેરવું તે બ્રહ્મચારી પરાશરે સમજાવી દીધું. બીજા દિવસે હું પહેરવા લાગ્યો, તો ચેન બંધ કરી શકતો ન હતો. કેટલી માથાકૂટ છે, એક ચેનને બીજી ચેન સાથે જોડવી અને ખેંચવી વગેરે. પછી ખેંચ-ખેંચ કર્યા પછી છેલ્લે થાકીને નિયતિ મહારાજને દઈ તેનાથી છુટકારો મેળવ્યો. તેણે તેનો ઉપયોગ કર્યો. તેને લગભગ સવારે ઠંડીના સમયે દિલ્હી જવું પડે છે. હું બચી ગયો. વાંદરાના ગળામાં શું મોતીનો હાર શોભા દઈ શકે? હું જૂના જમાનાનો એક અબુધ માણસ છું. હું કોઈ રીતે upto-date થઈ ન શક્યો. મોઢાનો પૂરો ભાગ દાઢી-મૂછથી ઘેરાયેલો છે, તે સારી વસ્તુ આ શરીર પર કેવી રીતે શોભે? (૫.૧૧.૧૯૯૦. કનખલ સેવાશ્રમ.)
Your Content Goes Here




