પુષ્પા નામનાં મહારાજનાં એક ગુજરાતી ભક્ત મહિલા કોલકાતામાં રહેતાં. મહારાજ તેમને નાનપણથી જ જાણતા. એક વાર તેઓ મહારાજનાં દર્શને આવ્યાં ત્યારે અમે લોકોએ વિનોદ કરીને કહ્યું, ‘તમે સાધુદર્શને આવ્યાં છો, ગાંઠિયા-ફળ-મીઠાઈ વગર કંઈ સાધુદર્શન હોય!’ તેઓ હસ્યાં અને સાચે જ બીજા દિવસે કેટલાંય ગાંઠિયા-ફળ-મીઠાઈ લઈ હાજર થઈ ગયાં.
મહારાજ જે આશ્રમમાં રહે તે આશ્રમનો પરિવેશ બદલાઈ જતો. મહારાજ જ્યાં પણ જાય ત્યાં શાસ્ત્રનો વર્ગ, ઠાકુર-મા-સ્વામીજી અને તેમનાં સંતાનોની વાતો કરતા. ભગવદ્-પ્રસંગ દ્વારા એવો પરિવેશ તૈયાર થતો કે બધાનાં મન સ્વાભાવિક રીતે ઊર્ધ્વગામી બની જતાં.
મહારાજ રાજકોટ આશ્રમ દ્વારા શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃતનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાના હતા. તેમણે મને પત્ર લખ્યો, ‘માસ્ટર મહાશયના પૌત્ર અનિલ ગુપ્ત પાસેથી અનુવાદ કરવાનો અનુમતિપત્ર લઈ મને મોકલો.’ મેં અનિલબાબુને કહેતાં જ તેઓએ આનંદથી અનુમતિપત્ર આપ્યો. મહારાજ વિભિન્ન ભાષાઓ જાણતા. ગુજરાતી ‘કથામૃત’ તેમનું અન્યતમ સંપાદન હતું.
૧૯૬૬ની સાલમાં તેઓ રાજકોટથી બેલુર મઠમાં સહમહાસચિવ રૂપે નિયુક્ત થયા. પ્રતિ રવિવારે મઠની લાઈબ્રેરીમાં તેઓ ‘કથામૃત’નો પાઠ લેતા. કેટલાય લોકો આવતા. ૧૯૭૦ની સાલમાં લખનૌમાં ‘વિવેકાનંદ પોલીક્લિનિક’નું ઉદ્ઘાટન થયું. ૧૫૨ સાધુઓ આવ્યા હતા. પૂજ્ય સ્વામી ભૂતેશાનંદ મહારાજ પણ ગયા હતા. હું પણ ગયો હતો. લખનૌમાં શ્રીધરાનંદ મહારાજે ખૂબ જ સરસ વ્યવસ્થા કરી હતી. લખનૌથી અનેક સાધુઓ સાથે બસમાં હું અયોધ્યા, નૈમિષારણ્ય અને બ્રહ્માવર્ત દર્શને ગયા હતા. રામના જન્મસ્થાનનાં દર્શન કરી, સરયૂ નદીમાં સ્નાન કરી ભોજનપ્રસાદ લેવા જતા હતા ત્યારે જોયું કે રામભક્ત હનુમાનો (અનેક વાંદરાઓ) બસમાંથી અમારા ખાવાનાં પેકેટ અસ્તવ્યસ્ત કરી ખાઈ ગયાં છે. જોયું કે પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ નિર્વિકાર છે. જાણે કશુંય થયું નથી ! ગમે તેમ કરીને જે કાંઈ થોડું બચ્યું હતું તે બધાએ ખાઈને લખનૌ પાછા ફર્યા. પછી પૂજ્ય મહારાજ સાથે હું કાશી ગયો.
એક દિવસ મહારાજને કહ્યું, ‘ચાર પૈસા આપશો ? સિંગદાણા ખરીદવા છે.’ તેમણે કહ્યું, ‘આપી શકું. જો આ પૈસા તું મને પરત કરીશ તો.’ મેં કહ્યું, ‘તો મારે આ પૈસા નથી જોઈતા.’ મને ખબર હતી કે મહારાજ મારી સાથે મજાક કરે છે. પછી મહારાજ હસવા લાગ્યા અને કહ્યું, ‘જો, પૈસાની બાબતમાં હું છું સાવધાન. એકવાર ક્યાંક જતા હતા ત્યારે હિતાનંદ અને વીતશોકાનંદે પાન ખાવાની ઇચ્છા પ્રગટ કરી. મેં તેમને ૧૦ રૂપિયાની નોટ કાઢીને આપી. તેઓ પાનવાળા પાસે આ નોટ લઈને ગયા. પાનવાળાએ કહ્યું કે છૂટા નથી, છૂટા આપો. ત્યારે હિતાનંદે કહ્યું, ‘અરે! આ વિજય મહારાજ (સ્વામી ભૂતેશાનંદ)ના પૈસા, એ કયારેય બાધામાંથી છૂટા થવા માગે ?’ પોતાને લઈને આવી રીતે કૌતુક્તાપૂર્વક રસિકતા કરતા.
૧૯૭૦ના સપ્ટેમ્બર માસમાં કલકત્તામાં પૂર આવ્યું હતું. અમે લોકો અદ્વૈત આશ્રમથી રિલીફ કરવા ગયા હતા. પૂજ્ય મહારાજ ત્યારે મઠમાં રિલીફ ઇન્ચાર્જ હતા. મેં દાળ, ચોખા, પાઉંરોટી વગેરે ખરીદવાના પૈસા માંગતા તેમણે કહ્યું, ‘જુઓ, હૃદયવાન થવું ખૂબ સારુ પણ એની સાથે સાથે વસ્તુ અને પૈસાનો હિસાબ બરાબર રાખવો. લોકોએ આપેલા પૈસા લોકોની સેવામાં જ વપરાવા જોઈએ. તું તે લોકોને આપીશ તારો પ્રેમ અને નિ :સ્વાર્થતા.’
૧૯૭૧ની સાલમાં સ્વામીજીના જન્મદિવસે બેલુર મઠમાં ગંભીરાનંદ મહારાજે મને કહ્યું, ‘અરે ! તારે હોલીવુડ જવાનું છે, તૈયાર થઈ જાવ.’ હું એકદમ તૈયાર ન હતો. મેં કહ્યું, ‘wrong selection.’ બીજા કેટલાય senior પંડિત સાધુઓ છે. તેઓને મોકલોને !’ તેમણે કહ્યું, ‘તું જો જવા ન માગતો હો તો મને બરોબર જણાવી દે. હું મિટિંગમાં તારો મત જણાવીશ.’ હું ચૂપ રહ્યો. કારણ કે પૂજ્ય નિર્વાણાનંદ મહારાજે મને પહેલેથી જ કહ્યું હતું, ‘તું ના કહીશ નહિ.’ જે હોય તે, ભૂતેશાનંદ મહારાજ મારા માટે હતા સ્નેહમયી માતા સમાન. તેમણે સાહસ આપીને કહ્યું, ‘શ્રી ઠાકુરનું કામ. બેલુર મઠના કર્તાઓ જ્યાં મોકલે ત્યાં જવાનું. હોલીવુડમાં પ્રભવાનંદ મહારાજની પાસે વંદનાનંદજીની જગ્યાએ એક સહાયક મોકલવાનો છે એટલે તને મોકલીએ છીએ. નહિ તો તારા જેવા સારા યુવકને હોલીવુડ મોકલવાની ઇચ્છા ન હતી.’ મેં કહ્યું, ‘હું અમેરિકા જઈને રામકૃષ્ણ-હિપ્પિમૂવમેંટ શરૂ કરીશ ત્યારે તમે લોકો શું કરશો ?’ મહારાજ સાંભળીને હસવા લાગ્યા. તેમની સાથે હું સ્વચ્છંદતાથી નિર્ભયતાપૂર્વક વાતો કરી શકતો.
અંતે ૨૧ મે, ૧૯૭૧ના રોજ હું બેલુર મઠથી રવાના થયો. જવાના આગલા દિવસે મહારાજે કહ્યું, ‘કાલે સવારે મારી સાથે નાસ્તો કરજે અને તને ટેબલ-મેનર્સ શીખવીશ.’ ત્યારે મિશન આૅફિસ શ્રીમંદિરની સામેના ભવનમાં હતી. મહારાજ પહેલા માળે જમણી બાજુના ખંડમાં રહેતા, તેમની સાથે સવારનો નાસ્તો કર્યો- બે ટોસ્ટ બિસ્કિટ, સિંગાપુરી કેળું, એક પ્રસાદી મીઠાઈ અને ચા. મહારાજે કહ્યું, ‘મનુષ્યને પ્રેમ કરી પોતાના કરી લેવાથી વિદેશ પણ સ્વદેશ થઈ જાય.’
૧૯૭૭માં હું ભારત આવ્યો. ત્યારે પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ રૂપે કાંકુડગાછિમાં બિરાજતા હતા. ૧૧ આૅગસ્ટે પૂજ્ય મહારાજને મેં કહ્યું, ‘તમે નેપાળ જશો ?’ તેમણે કહ્યું, ‘જો તું લઈ જા તો જઈશ.’ મેં કહ્યું, ‘ચાલો મહારાજ, હું તમારો સેવક થઈશ.’ મહારાજે કહ્યું, ‘ના, તું સેવક થઈશ તે સારું લાગશે નહિ. શિખરેશ (સ્વામી ભુવનેશ્વરાનંદ) મારો સેવક થશે.’ મેં કહ્યું, ‘ઠીક છે, મહારાજ. હું શિખરેશ મહારાજનું પણ ભાડું આપીશ.’
પછી પીયુષ મહારાજ (સ્વામી પૂજાનંદ) પણ સાથે આવ્યા. ૨૪ આૅગસ્ટે પ્લેન દ્વારા અમે લોકો કાઠમંડુ પહોંચ્યા. ત્યાં રતન નામના નેપાળી બ્રહ્મચારીના પૂર્વાશ્રમના ઘરે ઊતર્યા. તેમના પિતાશ્રી ડૉ. પૌદયાલે એરપોર્ટ પર અમને રિસીવ કર્યા. એ દિવસે સાંજે પશુપતિનાથનાં દર્શન કર્યાં. બીજે દિવસે ૨૫ આૅગસ્ટના રોજ સવારે રતનના પિતાશ્રી અને મોટાબાપુજી (નેપાળ મહારાજના ઉચ્ચ પદસ્થ અધિકારી) એક ગાઇડ સાથે સુંદર ગાડી લાવ્યા અને આસપાસનાં દર્શનીય સ્થાનો જોવાની વ્યવસ્થા કરી -બુઢો નીલકંઠ, ગુહ્યેશ્વરી મંદિર, સ્વંભૂનાથ મહાબોધિ, ભરતપુરનું દત્તાત્રેય મંદિર વગેરે.
સવારના પહેલાં ફરીથી પશુપતિનાથના મંદિરમાં પૂજા કરવા ગયા. મહારાજ માટે વિશેષભાવે દર્શન કરવાની વ્યવસ્થા કરેલી હતી. મંદિરમાં પૂજા કરી મહારાજ મંદિરની સીડી પાસે બેસી વસ્ત્રથી પોતાના હાથ ઢાંકી મંત્રજાપ કરવા લાગ્યા. મહારાજનું એ દિવ્ય સ્વરૂપ આજે પણ મનમાં ઉજ્જવલ રૂપે તરવરી રહ્યું છે.
૧૯૫૯ની સાલમાં કાશીમાં હરિપ્રેમાનંદજી (શ્રીશ્રીમાના શિષ્ય)એ શ્રીમંદિરમાં દેહવિગ્રહનાં દર્શન કેમ કરવાં એ શીખવ્યું હતું. શ્રી વિશ્વનાથ મંદિરમાં ખૂબ જ ભીડ હોય અને ધક્કામુક્કી થતી હોય તેથી દર્શન કરી, બહારમાં એક શ્વેત પથ્થરની બેંચ પર બેસી ૧૦-૧૫ મિનિટ વિગ્રહદર્શનનું સ્વરૂપ-ચિંતન કરી જપ કરવા જોઈએ. તેની મન પર ગહન અસર થાય છે, અહીં પશુપતિનાથના મંદિરમાં મહારાજને પણ એવી જ રીતે કરતા જોયા. આ બધા પ્રાચીન સાધુઓ પાસેથી કેટલું બધું શીખવાનું હોય છે !
Your Content Goes Here





