એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને જોયા. પાછા વળતી વખતે અધવચ્ચે ગાડી ખરાબ થઈ ગઈ. ત્યારે રાતના ૮-૯ વાગી ગયા હતા. ચારે બાજુ અંધકાર ! નિર્જન રસ્તો, હિમાલયની ઠંડી હવા ! અમે ચાર લોકો, ડ્રાઇવર અને ગાઇડ હતા. મેં જોયું કે મહારાજ શાંતિથી રસ્તાની પાસે ઊભા છે. અમે લોકો ચિંતાથી ખૂબ જ અસ્થિર થઈ ગયા. કેવી રીતે શહેરમાં પહોંચવું ! ઘણા સમય પછી જોયું કે એક ટ્રક આવતો હતો. હાથ ઊંચો કરી ગાઇડેેટ્રકને ઊભો રખાવ્યો અને ગમે તેમ કરી અમને શહેરમાં પહોંચાડી દેવા તેના ડ્રાઇવરને રાજી કર્યો. મેં અને શિખરેશ મહારાજે ઉપર ઉઠાવી ઊંચા ટ્રકમાં ડ્રાઇવરની પાસેની સીટમાં પૂજ્ય મહારાજને બેસાડયા અને અમે બન્ને કોઈપણ રીતે મહારાજનાં ચરણ પાસે બેસી ગયા. પીયૂષ મહારાજ અને બીજા બે જણ ટ્રકના પાછળના ભાગમાં ઊભા રહી ગયા. રસ્તા પર ઊભેલ મહારાજની નિર્વિકાર મૂર્તિનાં દર્શન કરીને લાગ્યું કે જાણે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ ! કશાયથી વિચલિત થાય નહિ ! એ દૃશ્ય આજે પણ મારા મનમાં ઉજ્જવલ છે.
કાઠમંડુમાં કૃષ્ણમંદિર, બુદ્ધમંદિર વગેરે બધાં દર્શન કરી ૨૬ આૅગસ્ટે બપોરે કલકત્તા પાછા ફર્યા. ઇન્ડિયન એરલાઈન્સના વિમાનમાં મહારાજ અને હું પાસે પાસે બેઠા હતા. ચા અને ઠંડી વેજીટેબલ કટલેસ ખાવા આપ્યાં. મેં ખાધું નહિ, મહારાજે ખાધું. બસ કાંકુડગાછિ પહોંચતાં મહારાજનું પેટ ખરાબ થઈ ગયું. ખબર મળતાં જ મેં (અદ્વૈત આશ્રમથી) મહારાજને ફોન કરીને કહ્યું, ‘તમે ઠંડી કટલેસ ખાધી શા માટે ? જોયું ને, મેં તો ખાધી નહિ.’ તેમણે ઉત્તર આપ્યો, ‘મારું પેટ ખરાબ થયું તેનો જવાબદાર તું જ છો. તું શું જાણતો નથી કે મારો તો બાળક સ્વભાવ ! જે કોઈ, જે આપે તે ખાઈ લઉં. તેં કેમ મારા હાથમાંથી કટલેસ લઈ લીધી નહિ ?’ હું વિચારવા લાગ્યો, ‘આવા આત્મભોળા સાધુને લઈને ખૂબ સાવધાનીપૂર્વક ચાલવું પડે.’
એક વાર કાંકુડગાછિમાં મહારાજને પૂછ્યું, ‘સ્વામીજીએ જે ‘man-making religion’ કહ્યું છે એનો અર્થ શું ? તેમણે કહ્યું, ‘એક વ્યક્તિ બીજાને જોર કરીને ધાર્મિક બનાવી શકેે. આપણું કામ માત્ર એક આધ્યાત્મિક પરિવેશની સૃષ્ટિ કરવાનું છે. એ પરિવેશમાં જે કોઈ આવશે તે ઉચ્ચ ભાવે અનુપ્રાણિત થશે અને પોતાના જીવનનું તે મુજબ ઘડતર કરશે. આને જ કહેવાય ‘man-making religion.’
બીજી એક વાર મહારાજને મેં કહ્યું, ‘ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને કહ્યું હતું કે તે બે બુદ્ધિપૂર્વકનાં બાણ નિક્ષેપ કરશે અર્થાત્ પ્રશ્ન કરશે. હું પણ આજે તમારા પર ચોત્રીસ બાણ નિક્ષેપ કરીશ- એ છે કથામૃતના કેટલાક દુર્બાેધ્ય શબ્દો. તમે ઉત્તર આપો.’ મહારાજે હસીને કહ્યું, ‘હું તારાં બધાં બાણ તોડી નાખીશ.’ હું બધા પ્રશ્નો લખીને ગયો હતો. તેમણે ખુશીથી બધા પ્રશ્નોના એક પછી એક ઉત્તરો આપ્યા હતા. એ બધા આજે પણ મારી પાસે લખેલા પડ્યા છે.
૧૫-૦૯-૧૯૭૮ના રોજ તેમણે મને પત્રમાં લખ્યું, ‘મારાં અમરનાથ-દર્શન અને હાર્ટની તકલીફની બધી ખબર તને મળી હશે. હાર્ટની તકલીફ છતાંય ખૂબ આનંદ થયો હતો. હાર્ટની પહેલી વેદના શેષનાગમાં રાત્રે થઈ, બીજી વાર પંચતરણીમાં રાત્રે થઈ. ત્રીજી રાત્રી થઈ ત્યારે શેષનાગમાં આવ્યા. સાથે ડાૅક્ટર, ઔષધ, આૅક્સિજન- આ બધાને લીધે વ્યથા થોડી ઓછી થઈ હતી. પરંતુ શ્રીનગરમાં આવી ઈ.સી.જી. કરાવતાં ખબર પડી કે હાર્ટ થોડું ડેમેજ થયું છે… કાશ્મીરના અમરનાથ અને ક્ષીરભવાની સાથે સ્વામીજીની સ્મૃતિ જોડાઈ હોવાથી ત્યાં જવાનું એક આકર્ષણ હતું. હવે ક્યાંય વધુ ફરવાની ઇચ્છા નથી.
કાંકુડગાછિમાં મહારાજે એક અપૂર્વ આધ્યાત્મિક વાતાવરણની સૃષ્ટિ કરી હતી. સંધ્યા સમયે કેટલાય ભક્તો આવતા. તેઓ સાંજે ફરી આવીને બહાર બેસતા- હું પણ કેટલીક વાર સાંજે એમની સાથે ફરવા ગયો હતો. ભક્તો પણ અફીણ ખાધેલ મોરની જેમ તેમની પાસે આવતા અને તેઓ હસી-મજાકના માધ્યમથી કેટલોય સત્પ્રસંગ કરતા. કાંકુડગાછિમાં તેમનો સાપ્તાહિક વર્ગ ખૂબ જ મર્મસ્પર્શી રહેતો. ધન્ય ભક્તજનો ! તેમાંથી કોઈ કોઈએ મહારાજનાં આ બધાં પ્રવચનો અને પાઠને ટેપ કરીને રાખેલાં. તેમાંથી અમૂલ્ય ગ્રંથો તૈયાર થયા- શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ, કઠ ઉપનિષદ, મુંડક ઉપનિષદ, શ્રીમદ્ ભાગવત. પછીના સમયમાં તેઓ રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ બની બેલુર મઠ ગયા. ત્યાં મહારાજને મળીને કહ્યું, ‘તમે તો કલમ ન પકડી અને લેખક બની ગયા ! તમે કથામૃતના માત્ર ત્રણ ખંડ પૂરા કર્યા છે. બાકી બીજા બે ખંડ ?’ તેમણે કહ્યું, ‘કાંકુડગાછિમાં હોત તો પૂરા થઈ જાત, હવે તે સંભવ નથી.’ મેં કહ્યું, ‘તમને પરમાધ્યક્ષ બનાવીને અમને નુકસાન થયું, નહિ તો બીજા કેટલાય ગ્રંથો તૈયાર થયા હોત.’ મહારાજ હસવા લાગ્યા. શાસ્ત્રના પરિપ્રેક્ષમાં ઠાકુરની વાતોની આવી પ્રાંજલ વ્યાખ્યા રામકૃષ્ણ સંઘના કોઈ સાધુએ કરી નથી. મહારાજનાં પ્રવચનો સંગ્રહિત થાય માટે હું અમેરિકાથી કેસેટ અને ટેપ મોકલાવી આપતો.
૧૯૮૨ની સાલમાં બીજી વાર ભારત ગયો. ૩૦-૦૭-૧૯૮૨ના રોજ મહારાજનાં દર્શન કરવા કાંકુડગાછિ ગયો. મહારાજને દીક્ષા સંબંધિત કેટલાક પ્રશ્નો કર્યા હતા. તેમણે સંક્ષેપમાં કહ્યું, ‘મંત્રનું રહસ્ય છે ‘તત્ જપ : તત્ અર્થ ભાવનમ્’ – અર્થાત્ જપનો અર્થ અથવા ઇષ્ટની ભાવના કરવી જોઈએ. મંત્રજપની સાથે ધ્યાન કરવું જોઈએ.’ મેં પૂછ્યું, ‘કેવી રીતે ?’ મહારાજે ઉત્તર આપ્યો, ‘ગુણસહ. તેઓ કરુણામય, કૃપાસિંધુ, પવિત્રતા અને ત્યાગની મૂર્તિ. ગોપીઓ કૃષ્ણનું વિભિન્ન ભાવે ધ્યાન કરતી. જેને જે (ભાવ) appeal કરે. તેઓ આપણા પોતાના જ છે એવો ભાવ લાવવો એ જ મુખ્ય છે. મા સંતાનને પ્રેમ કરે, એમાં કોઈ દર્શન કે યુક્તિની જરૂર નથી. શા માટે પ્રેમ કરે – ખબર નહિ.’
‘ઇષ્ટ’ શબ્દ ઇષ્ ધાતુમાંથી આવેલ છે. તેઓ મારા ઇપ્સિત, વાંછિત. હું તેમને મેળવવાની ઇચ્છા કરું. આદર્શ થયો- હું તે જ (ઇષ્ટ) બનવાની ઇચ્છા કરું.
મંત્ર :- ઓમ છે બ્રહ્મનું પ્રતીક, બીજ શક્તિનું પ્રતીક, ઇષ્ટ અવતાર અથવા કોઈ દેવતાનું પ્રતીક. બ્રહ્મ, શક્તિ અને અવતાર એક.
કર-જપ ખૂબ સારા. ઉપાંશુ જપમાં હોઠ થોડા હલે પરંતુ માનસ જપમાં હોઠ પણ ના હલે. પ્રત્યેક શ્વાસે જપ કરવાનું બધાને માટે પ્રયોજન નથી. ‘પુરશ્ચરણ’ એટલે નિત્ય, નિર્દિષ્ટ સંખ્યાના જપનો સિદ્ધાંત.
ભગવદ્ કૃપાથી જેની જેવી વાસના હોય તે પ્રમાણે તેને જપનું ફળ મળે. અભ્યુદય માગો તો તે મળે, ભગવાન માગો તો તે મળે. તેઓ દયામય, ભક્તોની મનોવાંછના પૂરી કરે, જેવી રીતે મા સંતાનની કાકલૂદીઓ પૂર્ણ કરે તેવી રીતે.
Your Content Goes Here





