૩૧.૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે.

મહારાજને પ્રણામ કરીને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ, આજકાલ ઘણા લોકો ઠાકુરની વાતો ઘણી રીતે વ્યવહારમાં મૂકે છે. ‘ફેમિલિ પ્લાનિંગ’ના વિજ્ઞાપનમાં ઠાકુરને ઉદ્ધૃત કરીને છાપે છે, ‘શ્રીરામકૃષ્ણ બોલ્યા છે, એક-બે છોકરાં થઇ ગયા પછી ભાઇબહેનની જેમ રહેવું.’ હું જ્યારે કોલકાતા કૉલેજમાં ભણતો હતો ત્યારે દુર્ગાપૂજાના મંડપમાં લાઉડસ્પીકરમાં જાહેર કરતા કે – ‘ઠાકુર શ્રીરામકૃષ્ણ બોલ્યા છે, પ્રણામ કરીને પ્રણામી આપવી પડે નહિ તો તે પ્રણામ અસિદ્ધ.’

મહારાજ (હસીને)- What are you giving to me? મેં મારું માથું ધર્યું. તેમણે મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

ત્યાર પછી તેમણે શરૂ કરી એક હાસ્યકથા : હું ત્યારે કિશનપુરમાં. સ્વામી શુદ્ધાનંદજી પણ ત્યાં હતા. એક દિવસે અમારાં universal કાકીમાએ (એક ભક્ત મહિલા) શુદ્ધાનંદજીને પ્રશ્ન કર્યાે, ‘મહારાજ, કાશીમાં મૃત્યુ થાય તો મુક્તિ મળે. શું આ વાત સાચી છે?’ શુદ્ધાનંદજીએ કહ્યું, ‘હા, શાસ્ત્રમાં તો એમ જ જોવા મળે છે.’ કાકીમા બોલ્યાં, ‘તમારો શું વિશ્વાસ છે?’ શુદ્ધાનંદજીએ ઉત્તર આપ્યો, ‘હું જો તે મન-પ્રાણથી વિશ્વાસ કરતો, તો પછી કાશીમાં જઈને આત્મહત્યા ન કરી લેત!’

હું- મહારાજ, ૧૯૭૦માં મેં કાશીમાં તારાપ્રસન્ન મહારાજને આ જ પ્રશ્ન કર્યાે હતો કે કાશીમાં મૃત્યુ થાય તો મુક્તિ મળે કે નહીં. તેઓ મને વઢવા લાગ્યા, ‘અમે વૃદ્ધ સાધુઓ મરવા માટે અહીં પડ્યા છીએ અને તમે છોકરાઓ અમને confuse કરવાની કોશિશ કરો છો?’ તેમણે ઠાકુરનાં દર્શન અને શ્રીશ્રીમાની વાત કરી. મેં કહ્યું, ‘શાસ્ત્ર તો કહે છે, જ્ઞાનાત્ મોક્ષ:’ તેમણે કહ્યું, ‘ચેતનાનંદ, તું પણ right અને હું પણ right. ભગવાન શિવ અંતિમ-સમયે જ્ઞાન આપે.’ ત્યાર પછી મેં સાધુજીવન સંબંધે પ્રશ્ન કર્યાે, ‘અનેક complain કરે છે, તેમને ખૂબ કામ-કાજ રહે છે, તેથી શાસ્ત્રોનું અધ્યયન ને જપ-ધ્યાન માટે એટલો સમય મળતો નથી.’

મહારાજે કહ્યું, ‘કેટલાક સાધુઓ ખૂબ કામ કરે, વળી કેટલાકને કામ કરવાની જરાય ઇચ્છા નથી. ખરી વાત કે આ બધું સાધુઓના દૃષ્ટિકોણ પર નિર્ભર કરે. માધવાનંદજી કહેતા, ‘We have somehow managed to understand Swamiji’s saying- Work and Worship but we have not been able to accept that Work is Worship.’ ઈશ્વરને આત્મનિવેદન કરતાં કરતાં આ પ્રકારનો attitude આવે. વારંવાર પ્રયત્ન કરવો પડે.’

મહારાજે એક દિવસે સવારમાં બધા બ્રહ્મચારી-સાધુઓને ઉદ્દેશીને કહ્યું, ‘સાધુઓ માટે બેસીને ખાલી ખાવું ઉચિત નથી. કાંઈક ને કાંઈક કાર્ય કરવું જોઈએ.’ એક સાધુ બોલ્યા, ‘મહારાજ, તમે અમારા બધા કરતાં વધું કાર્ય કરો. તમે દીક્ષા આપો, સાધુઓને-ભક્તોને ઉપદેશ આપો. શું આ બધું કાંઈ ઓછું છે?’

બીજા એક દિવસે મેં કહ્યું, ‘મઠ અને મિશનના ભવિષ્ય સંબંધે તમારો મત શું છે?’ એ દિવસે મહારાજ ખૂબ ઉત્તેજિત થઇ ઊઠ્યા અને અને ઉચ્ચ કંઠે બધા સાધુઓને કહેવા લાગ્યા, ‘ઐશ્વર્ય સર્વનાશ લઈ આવે. મઠ-મિશનમાં અત્યારે ખૂબ અર્થ આવે છે. લોકો દાન આપે છે ઠાકુરના કાર્ય માટે. ધ્યાન રાખજો, આપણી વચ્ચે વિલાસિતા ન ઘૂસે. ત્યાગ, વૈરાગ્ય અને પવિત્રતા સાધુજીવનની સાચી મૂડી છે. અર્થ ઘણી વાર અનર્થ સર્જે.’ ‘સર્વનાશ’ શબ્દ હજૂ પણ મારા કાનમાં ગૂંજી રહ્યો છે. મહારાજને આટલા ઉચ્ચ સ્વરે બોલતા મેં પહેલાં ક્યારેય સાંભળ્યા ન હતા.

૦૧.૦૯.૧૯૯૭, બેલુર મઠ, સવારે ૭ વાગ્યે.

હું- મુંડક ઉપનિષદ (૩/૨/૯)માં આવે છે- ‘બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ’ તો પછી વેદાંત શાસ્ત્રમાં ‘બ્રહ્મવિદ્‌, બ્રહ્મવિદ્વર, બ્રહ્મવિદ્વરીયાન્, બ્રહ્મવિદ્વરિષ્ઠ’ આવો ભેદ કેમ જોવા મળે છે?

મહારાજ- આપણે એવા ભાવથી જ બીજાઓનો વિચાર કરતા હોઈએ છીએ. બ્રહ્મવિદોમાં કોઈ પ્રકારનો gradation ન હોય. આપણો જ દૃષ્ટિભેદ. ઠાકુરે કહ્યું છે, ‘કોઈએ દૂધ જોયું છે, કોઈ અડ્યો છે તો કોઈક વળી પીને બળવાન બન્યો છે. પરંતુ બ્રહ્મજ્ઞની પાસે બધા સમાન.’ એક સંન્યાસી- ‘દૂધના ઉદાહરણમાં તો પૃથક્‌તા જોવા મળે છે.’

મહારાજ- જે બ્રહ્મમગ્ન, તેની dulity vanish થઈ જાય. તે પૃથક્‌તા કરી ન શકે કે તે વરીયાન અથવા વરિષ્ઠ.

હું- મહારાજ, સાધુજીવન સંબંધે કાંઈક કહો.

મહારાજ- એ સંબંધે તો ઘણીવાર બોલ્યો છું, Love Ramakrishna whole-heartedly and not half-heartedly.

હું- પશ્ચિમમાં ઘણા લોકો મારી પાસે આવે- કોઈ divorced, કોઈ depressed, કોઈ deluded. તેમના માટે તમારો શો ઉપદેશ છે?

મહારાજ- કામ-કાંચન જ માયા. વાસના છોડ્યા વિના કાંઈ વળશે નહીં. મોહછેદન માટે ત્યાગરૂપી છરી જોઈએ. આંખની છારી કાપવા માટે laser operation કરવું પડે. સાંસારિક ભોગોને છોડીને આદર્શને પ્રેમ કરો.

હું- મહારાજ, આજે મારે અમેરિકા પરત ફરવાનું છે. Do you have any departing message for me?

મહારાજ- No departing message. I want eternal union. મારી પાસે ‘આવકારો છે, જાકારો નથી’. You are going far away from us, but don’t make us away from you. May we never be separated. Don’t cut maya from us.

પછી હું મજાક કરતાં બોલ્યો, ‘મહારાજ, તમે કેવા પ્રકારના ગુરુ છો? ઠાકુરે કહ્યું છે, ‘ઉત્તમ વૈદ્ય રોગીની છાતી પર ગોઠણ રાખીને બળપૂર્વક પણ દવા પિવડાવી દે.’ શું તમે શિષ્યની છાતી પર ગોઠણ રાખીને જ્ઞાન આપી શકો?’ મહારાજ હસીને બોલ્યા, ‘મારે તો બંને ગોઠણોમાં પીડા છે!’ તેમની આ સરસ ઉક્તિ મારા મનમાં હંમેશને માટે રહી ગઈ. તેઓ ખરેખર સદ્‌ગુરુ હતા.

અત્યારે હું ભક્તોને કહેતો હોઉ છું, ‘જુઓ, વધારે ઉપદેશોની જરૂર નથી. ભૂતેશાનંદજીના ‘પંચશીલ’ને જીવનમાં ઉતારી લેવાથી બધું સારું થશે. ૧. ક્યારેય કોઈનું અનિષ્ટ કરશો નહીં, ૨. સત્યનું હંમેશાં પાલન કરવું, ૩. વચન આપીને પાળશો, છળ-કપટ કરશો નહીં, ૪. ઇન્દ્રિયસંયમનું પાલન કરો, ૫. જેટલું શક્ય હોય તેટલું વિલાસી જીવન છોડીને સાદું-સરળ જીવન-યાપન કરો.

એ દિવસે બપોરે જમવા જતાં પહેલાં ફરીથી પૂજનીય મહારાજની પાસે વિદાય લેવા ગયો હતો. તેમણે મારું માથુ છાતી-સરસું લગાવીને પ્રાણ ભરીને આશીર્વાદ આપ્યા. તેમના સાથેની આ જ મારી અંતિમ મુલાકાત. તેમની અભિમાનશૂન્ય પાવન-પવિત્ર અને સ્નેહ-પ્રેમથી ભરેલી વાતોનું સ્મરણ કરીને આંખો ભીની થઈ જાય, હૈયું આનંદથી ઊભરાઈ જાય.

(ક્રમશ:)

Total Views: 581

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.