શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. – સં.
ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ શ્રી ગોવર્ધન ઘોષ હતું. તેઓ સદ્ગોપ જાતિના હતા અને એમના બાપદાદાનું ઘર ચોવીસ પરગણા જિલ્લાના જગદ્દલ (રાજપુર) ગામમાં હતું. આ ગામમાં જ ઘણું કરીને ઈ.સ. ૧૮૨૮માં ગોપાલદાનો જન્મ થયો હતો. ઘરવિહોણા અને આત્મીય સ્વજનોના સંબંધવિહોણા ગોપાલદાનું એકમાત્ર અવલંબન શ્રીરામકૃષ્ણ, એમના સેવકો અને ભક્તો જ હતા. એમનાં સુખ, દુ:ખ અને સહાનુભૂતિ વગેરે ગુરુભાઈઓ સાથે જ જોડાયેલ હતાં અને એમની પ્રાર્થનાનું સ્થળ હતું ગુરુદેવનાં શ્રીચરણકમળો.
સ્વામી વિવેકાનંદ પાશ્ચાત્ય વિજય પછી મઠમાં પાછા ફર્યા અને ગુરુભાઈઓની સહાયથી રામકૃષ્ણ સંઘના નિર્માણકાર્યમાં લાગી ગયા. જો કે સ્વામી અદ્વૈતાનંદ લાંબા સમયથી કાશીમાં જ તપ કરી રહ્યા હતા અને એ વખતે એમનો કાશી છોડવાનો કોઈ જ વિચાર નહોતો, છતાં પણ સ્વામીજીના પ્રેમભર્યા નિમંત્રણથી તેઓ તરત જ આલમબજાર મઠમાં આવી ગયા. સ્વામીજી પ્રત્યે એમની નિષ્ઠા એટલી પ્રબળ હતી કે એમના આદેશથી એમણે વૃદ્ધાવસ્થામાં પણ લઘુકૌમુદી ભણવાનું શરૂ કર્યું હતું. બેલુરમાં ગંગાકિનારે નવા મઠના નિર્માણ માટે થોડા દિવસ પહેલાં જ જમીન ખરીદવામાં આવી હતી. આથી મઠનાં બાંધકામ વગેરે કામોમાં દેખરેખ રાખવામાં સગવડ રહેશે એ વિચારથી ઈ.સ. ૧૮૯૮ના પ્રારંભમાં મઠને આલામબજારમાંથી બેલુરમાં આવેલા નીલામ્બરબાબુના ઉદ્યાનભવનમાં ખસેડવામાં આવ્યો એ સાથે જ તપસ્વી વૃદ્ધ ગોપાલદાનું અંતિમ અથાક કર્મજીવન શરૂ થયું. આ નવી જમીનમાં પહેલાં હોડીઓ અને વહાણોનું સમારકામ થતું એટલે એ વખતે એ ખૂબજ ઊંચીનીચી હતી; મકાનનાં બાંધકામ કરવા યોગ્ય ન હતી. સ્વામી અદ્વૈતાનંદનું પહેલું કામ બન્યું, મજૂરોની સહાયથી જમીનને સમતળ કરવાનું; સામાન્ય રીતે તપસ્વી સાધકો આવાં કામ કરવા તૈયાર હોતા નથી તેમજ સશક્ત પણ હોતા નથી. પણ ગોપાલદાએ તો આ કાર્યને શ્રીરામકૃષ્ણ-ભાવ પ્રચારનો પાયો માનીને તપશ્ચર્યા રૂપમાં એનો સ્વીકાર કરી લીધો. એટલે એમાં એમની સંપૂર્ણ નિષ્ઠા અને એકાગ્રતા જોઈને નવાઈ લાગતી નથી. બપોરે ભોજન માટે મઠમાં આવવાથી ઘણો સમય નકામો જાય છે એ જોઈને તેઓ કાર્યસ્થળે જ ભોજન મગાવી લેતા. આ રીતે એમના એકનિષ્ઠ પરિશ્રમના સુદૃઢ પાયા પર જ રામકૃષ્ણ સંઘનો પ્રથમ સ્થાયી મઠ બંધાયો. મઠના નવા મકાનનું બાંધકામ પૂરું થઈ જતાં તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. એ દિવસોમાં મઠનાં અનેક કાર્યોની દેખભાળ એમણે રાખવી પડતી હતી; પણ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર શાકભાજીનો બગીચો હતું. મઠ બની ગયા પછી પણ એ દિવસોમાં જરૂરી વસ્તુઓની ખૂબ જ તંગી રહેતી; આથી ખાદ્ય-સામગ્રીનું ઉત્પાદન ખૂબ જ જરૂરી હતું. આ પ્રસંગ વિશે એકવાર લાટૂ મહારાજે કહ્યું હતું: ‘અરે, બૂઢા ગોપાલદા જો ન હોત તો મઠના બ્રહ્મચારીઓને ભાત ઉપર શાક પણ ન મળી શક્યું હોત, શાકભાજીના બગીચામાં બૂઢા ગોપાલદાને કેટલી બધી મહેનત કરવી પડી છે!’
ગોપાલદાની આ કાર્યનિષ્ઠાની શ્રીમાતાજીએ પણ પ્રશંસા કરી હતી. એક વખત ગોપાલદા શ્રીમાતાજીનાં દર્શન કરવા કલકત્તા ગયા હતા. ત્યાં તેમણે વાર્તાલાપના પ્રસંગે કહેલું : એમના શરીરમાં વાતરોગ હોવા છતાં પણ તેઓ મઠની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બાગમાં ખૂબ મહેનત કરે છે… મઠની ભૂમિમાં જે કંઈ પણ ઉગાડી શકાય તેમ છે તે બધું જ એમણે ઉગાડ્યું છે. એટલે મોટે ભાગે શાકભાજી ખરીદવાં પડતાં નથી. એટલું જ નહિ પણ વચ્ચે વચ્ચે થોડું ઘણું માતાજીને પણ મોકલવામાં આવે છે. પણ નવીન વિચારધારામાં ઊછરેલા અને એવું શિક્ષણ પામેલા નવા બ્રહ્મચારીઓ આ બધાં કાર્યોનું મહત્ત્વ કે જરૂરિયાત જાણતા નથી એટલે એ બાબતમાં પ્રયત્ન કરતા નથી. આ બધું સાંભળીને શ્રીમા બોલ્યાં: ‘હા બાબા, તમે તો જુના જમાનાના માણસ છો, તમે આ છોકરાઓની જેમ નહિ રહી શકો. મઠ પણ એક સંસાર જ છે! ખાવું પીવું તો છે જ! તમે ભલા કેમ બેસી શકો? એટલા માટે તો દેખભાળ કરો છો.’
Your Content Goes Here




