(ગતાંકથી આગળ)

૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો

ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ ગઈ. આ વરસો એ તેમના માટે પૂર્વતૈયારીના વરસો હતાં. આ દરમિયાન તેમને જીવનની વાસ્તવિકતાનાં દર્શન થયાં. તેમણે ભારતની સ્ત્રીઓની દુર્દશા નજરે જોઈ. અજ્ઞાનમાં ને દુઃખમાં ડૂબેલી, ઘરની ચાર દિવાલોમાં જ જીવન સમાપ્ત કરી દેનારી, સામાજિક બંધનો અને રીવાજોની બેડીઓથી જકડાયેલી, અંધશ્રદ્ધા ને વહેમોથી પીસાતી, ફરજોથી લદાયેલી ને પોતાના હક્કોથી વંચિત ભારતની નારીનું આક્રંદ તેમણે સાંભળ્યું. ઓહ! ક્યાં ભારતની નારીનું ઉચ્ચ આદર્શમય જીવન અને ક્યાં આ કંગાલ વાસ્તવિક જીવન! આવી દુર્દશામાંથી નારીને મુક્ત ક૨શે કોણ? એનો ઉદ્ધાર નહીં થાય તો રાષ્ટ્રનો ઉદ્ધાર નહીં થાય. તેમના અંતરમાં અનેક વિચારો હવે આકાર લેવા માંડ્યા અને અંતરમાં શ્રીરામકૃષ્ણના વાક્યો ફરી ફરીને ગૂંજવા લાગ્યા ‘‘તપશ્ચર્યા તો બહુ કરી. હવે જીવનને માતાઓની સેવામાં લગાવો. એમને ઘણું કષ્ટ છે.” ઠાકુરના આ શબ્દોએ એમને પ્રતીતિ કરાવી આપી કે હવે એ કાર્યનો સમય આવી પહોંચ્યો છે. જો કે અત્યાર સુધી તો તેઓ એમ જ માનતા હતા કે આ બધી દુન્યવી પ્રવૃત્તિઓ કરવાથી ભગવદ્ભજન અને સાધનામાં વિક્ષેપ આવે. આથી તેઓ તો પોતાના દામોદરની સેવા પૂજામાં, ઘ્યાનમાં, તપશ્ચર્યામાં મગ્ન રહેવા ઈચ્છતાં હતાં. પણ હવે તેમને અંદરથી કોઈ ધક્કો મારી રહ્યું હતું. તેમની અંદ૨થી સતત એવી સ્ફુરણા થઈ રહી હતી કે આ પણ એમના દામોદરની સેવા, પૂજા ને ભક્તિ જ છે. દીન દુઃખિયારી માતાઓને દુઃખોમાંથી મુક્ત કરવી, એમને નવું જીવન આપવું એ પણ ભગવાનનું કાર્ય છે, અને એ કાર્ય કરવાથી ભગવાન વધુ પ્રસન્ન થશે. એ જ એમની સાચી સેવા પૂજા છે. આ કાર્યથી સાધનભજનમાં વિક્ષેપ નહીં આવે. ઊલટું તેમાં વેગ આવશે. અંતરમાંથી એમને આવું જ્ઞાન હવે સ્ફુરતું હતું. જે જ્ઞાન એમને શ્રીરામકૃષ્ણ સ્વયં આપવા ઈચ્છતા હતા, તે જ્ઞાન હવે તેમના અંત૨માંથી વ૨સો બાદ આ રીતે જાગ્યું હતું. કોઈ પ્રબળ શક્તિ તેમને સ્ત્રી ઉદ્ધારના કાર્યો માટે પ્રેરી રહી હતી. હવે આ વખતે તેમણે આ પ્રે૨ણાને પૂજાભક્તિના ભાર હેઠળ દબાવી દીધી નહીં. પરંતુ તેને પોતાના અંતરમાં ઝીલી અને એ દિશામાં એ પ્રેરણા પ્રમાણે કાર્ય કરવા માટે તેમણે પગલાં માંડ્યાં.

શરીર અને મનની પવિત્રતા, કાર્ય માટેની નિર્ણાયક શક્તિ, હિમ્મત, આત્મવિશ્વાસ અને પ્રભુમાં અતૂટ શ્રદ્ધા – આ પાંચ છે સંઘનું ગઠન કરનાર વ્યક્તિના આંતરિક સાધનો. શ્રીરામકૃષ્ણે ગૌરીમાની અંદર રહેલા આ ગુણોને પિછાણ્યા હતા અને એટલે જ આવી પ્રચંડ શક્તિ ફક્ત એકાંતમાં બેસીને પૂજા-પાઠમાં જ પોતાનું જીવન ન વીતાવે, એ માટે તેઓ તેમને વારંવાર તેમના ભાવિ કાર્ય માટે જાગૃત કરતા અને તાલીમ રૂપે સ્ત્રીઓની વચ્ચે ઉપદેશ આપવા, મહાનુભાવોને મળવા મોકલતા રહેતા. અનોખી હતી શ્રી રામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ! તેઓ પોતાના અંતરંગ શિષ્યોના આંતરિક ગુણો – ને સુષુપ્ત શક્તિઓને – તેના અંતરના ઊંડાણમાં ઊતરીને, તેની ચેતના સાથે તદ્રૂપ બનીને જાણી લેતા અને પછી એ રીતે તેના વ્યક્તિત્વનું ઘડતર કરતા. આ જ રીતે ગૌરીમા સ્ત્રી હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણે એમનું નારી ઉદ્ધારના કાર્ય માટે ઘડતર કર્યું હતું. હવે તો શ્રીરામકૃષ્ણ દેહમાં ન હતા. પણ એમનો આદેશ ગૌરીમા હવે સ્પષ્ટપણે પોતાના અંતરમાં સાંભળી રહ્યાં હતાં. આ આદેશે એમના સમગ્ર અસ્તિત્વનો હવે કબજો લઈ લીધો હતો.

હવે તેમણે સ્ત્રીઓ માટે કંઈક કાર્ય કરવું એવું વિચાર્યું પણ શું કરવું, કેવી રીતે કરવું, એની કંઈ જ સમજ એમને પડતી ન હતી. પોતાની પાસે નહોતાં કોઈ જ સાધનો, નહોતી કોઈ સંપત્તિ, નહોતી કોઈની સહાય કે નહોતો આ કાર્યનો કોઈ જ અનુભવ. બસ હતી અંતરમાં શ્રીરામકૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા કે ઠાકુરે જે વાક્યો ઉચ્ચાર્યાં છે, તે કદી પણ વ્યર્થ ન જાય. એમની વાણી પાછળ સિદ્ધિની શક્તિ રહેલી છે. સ્થૂલભૂમિકા ઉપર પણ ભૌતિક વસ્તુઓને સાકાર રૂપ આપવાનું સામર્થ્ય એ વાણીમાં રહેલું છે. આથી જ્યારે એમણે આદેશ આપ્યો છે, એટલે એ કાર્ય થશે જ. આવી અચલ શ્રદ્ધાથી એમણે સંકલ્પ કર્યો અને હવે સાધનાને વાસ્તવિક જીવનમાં અભિવ્યક્ત કરવાની – કાર્યમાં પરિણમવાની એમના જીવનની નવી જ દિશા ખુલી.

૧૭. શારદેશ્વરી આશ્રમનો પ્રારંભ

ગૌરીમા ભ્રમણ કરતાં કરતાં એક દિવસ ગંગા તટે કાલીભક્ત રામપ્રસાદની સાધનાભૂમિમાં આવી પહોંચ્યાં. આ ભૂમિની પવિત્રતા એમના અંતરને સ્પર્શી ગઈ. આ ભૂમિના કણકણમાં સિંચાયેલા હતા રામપ્રસાદના મધુર કંઠે ગવાયેલા મા કાલીના સ્તવનોના સૂરો. અહીંના વાતાવરણમાં સૂક્ષ્મ રીતે વ્યાપી ગયેલા એ સૂરોના આંદોલનોનો ગૌરીમાના અંતરે અનુભવ કર્યો અને એમને થયું કે આ ભૂમિ કંઈ સામાન્ય નથી જણાતી. ‘બસ અહીં જ રહીં જાઉં’ એવું અંતરમાંથી થતાં તેઓ ત્યાં થોડા દિવસ રહ્યાં.

એક દિવસ તેઓ ગંગાકાંઠે બેસીને મધુરકંઠે ચંડીપાઠ કરી રહ્યાં હતાં. ત્યાં થોડાક લોકો આવી પહોંચ્યા. સંન્યાસિનીને મા ચંડીની આ રીતે સ્તુતિ કરતાં જોઈને તેમને આશ્ચર્ય થયું અને તેઓ ત્યાં આ સ્તુતિ સાંભળવા બેસી ગયા. પછી જ્યારે સ્તુતિ પૂરી થઈ ત્યારે તેમાંના એકે ઊભા થઈને તેમને પ્રણામ કરતાં પૂછ્યું: “મા, આપ કોણ છો?” ત્યારે ગૌરીમાના અંતરમાંથી આપોઆપ જવાબ નીકળી ગયો કે ‘‘જગદંબા કાલીની પુત્રી.” ભગવાં વસ્ત્રો, તેજોમય લલાટ ૫૨ શોભતો લાલચટક ચાંદલો, છૂટા વાળ, ગૌરવર્ણ અને મધુરકંઠે ગવાતી મા કાલીની સ્તુતિ – આ બધું જોતાં ગામલોકોને થયું કે ખરેખર આ કોઈ સાધારણ સ્ત્રી નથી; આ તો મા કાલીની પુત્રી જ છે. આથી બધા લોકોએ તેમને ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યાં અને પછી વિનંતી કરતાં કહ્યું: “મા, આપ અહીં જ રહો. અમારા ગામમાં આવીને રહો અને અમને પાવન કરો.” ગ્રામલોકોની વિનંતીથી તેઓ ગામમાં ગયાં ને તે સ્થળમાં તેમને દિવ્યતાના આંદોલનોનો અનુભવ થતો હતો. આથી તેઓ ત્યાં જ રહ્યા અને એ જ ભૂમિ ઉપર એમણે પોતાના કાર્યનો પ્રારંભ કરવા સંકલ્પ કર્યો.

આ સ્થળ કલકત્તાથી ચૌદ માઈલ દૂર ઉત્તરે આવેલા બરાકપુરમાં ગંગાકિનારે આવેલું છે. અહીં ઈ.સ. ૧૮૯૪માં તેમણે પોતાના શારદેશ્વરી આશ્રમનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં તો બે સ્ત્રીભક્તોની મદદથી બે વીઘા જમીન ગંગાકિનારે ખરીદવામાં આવી. આ જગ્યા શિવની પ્રતિમા જેવી હતી. તેના કેન્દ્રમાં કુદરતી જ પંચવટી હતી. આ જગ્યામાં મા શારદામણિના નામથી ગૌરીમાએ શારદેશ્વરી આશ્રમનો પ્રારંભ કર્યો. આશ્રમના ઉદ્ઘાટનનો એ દિવસ કલકત્તાના નારી જીવનના ઈતિહાસનો એક મહત્ત્વનો દિવસ બની રહ્યો. ઉદ્ઘાટન સમારંભમાં આજુબાજુના ગામડાઓમાંથી અને કલકત્તામાંથી કેટલાય લોકો આવ્યા હતા. તેમાં ફક્ત સ્ત્રીઓ જ નહોતી. પુરુષોએ પણ હાજરી આપી હતી. આશ્રમની શરૂઆત ખૂબ જ નાના પાયા ૫૨ થઈ હતી. ખુલ્લી જમીનમાં ચોતરફ કરેલી વાડની વચ્ચે ઘાસ છાયેલી એક પર્ણકુટિ એ જ હતો ગૌરીમાનો શારદેશ્વરી આશ્રમ! જેમ કોઈ પણ મહાન કાર્યનો આરંભ બિંદુ માત્રથી થતો હોય છે તેમ અહીં પણ થયું. એમ તો બેલુડમઠનો પ્રારંભ પણ તીવ્ર આર્થિક વિટંબણાઓની વચ્ચે વરાહનગરના ભૂતિયા મકાનમાં જ થયો હતો ને? આશ્રમો પાંગરે છે તપથી, સાધનાથી, નહીં કે ભૌતિક સમૃદ્ધિ કે ઊંચા આવાસોથી. ગૌરીમાના સાધનામય જીવનને ધારણ કરતી આ પર્ણકુટિમાં ધીમે ધીમે બાલિકાઓનો અને સ્ત્રીઓનો પ્રવાહ વધવા લાગ્યો. પચ્ચીસ જેટલી કુમારિકાઓ, વિધવાઓ, સૌભાગ્યવતીઓ એમની પાસે શિક્ષણ લેવા આવી પહોંચી.

આશ્રમનિવાસિનીઓ માટે પ્રારંભમાં તો ખૂબ જ કઠોર જીવન હતું. સાધનોનો અભાવ હતો. દરેક વસ્તુની તીવ્ર અછત હતી. આશ્રમનિવાસિનીઓને કેટલાય દિવસો એવા વીતાવવા પડતા હતા કે જ્યારે રસોઈ પકાવવા માટે એમની પાસે ચોખા કે શાકભાજી પણ ન હોય. ગામના લોકો પાસેથી ચોખા ને શાકભાજી લાવવામાં આવે પછી જ રસોઈ બની શકતી. આશ્રમની જમીનમાં ફળઝાડ હતાં. તેના ફળો આપીને ગામનાં લોકો પાસેથી શાકભાજી મેળવવામાં આવતાં હતાં. આવી તીવ્ર આર્થિક કટોકટી હોવા છતાં આશ્રમવાસિનીઓ આનંદથી રહેતી હતી. ગૌરીમાના પ્રેમનો તેમને બધાંને સતત અનુભવ થતો રહેતો અને તેથી અભાવનું દુઃખ તેમને જણાતું નહીં. ગૌરીમા તેમને બધાંને શિક્ષણ અને સંસ્કાર આપવા માટે જ પોતે આટલું બધું કષ્ટ ઊઠાવી રહ્યાં છે. તેથી આશ્રમવાસી છાત્રાઓ ગૌરીમાનો પડ્યો બોલ ઝીલતી અને તેમની આજ્ઞાનું આનંદપૂર્વક પાલન કરતી.

બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું, ગંગાસ્નાન કરવું, ને પછી જપ ધ્યાન કરવાં, આશ્રમનું કાર્ય ક૨વું ને અભ્યાસ ક૨વો એ આશ્રમવાસી છાત્રાઓની દિનચર્યા હતી. અહીં દૈનિક જીવન એવું તો ગોઠવાઈ ગયું હતું કે કોઈને નવરા બેસવાની કે ટોળટપ્પાં મારવાની ફુરસદ જ મળતી નહોતી. ફાલતુ વાતો માટેનો કોઈને સમય જ નહતો. એવી રીતે દૈનિક તંત્ર ગોઠવાઈ ગયું હતું. અહીં રહેવાનું, ખાવા પીવાનું અને શિક્ષણ બધું જ નિઃશુલ્ક હતું. છાત્રાઓ પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી ન હતી. ગૌરીમા પોતે ભણાવતાં, મોટી સ્ત્રીઓને તેઓ ધાર્મિક જ્ઞાન આપતાં તો નાની બાલિકાઓને શિક્ષણની સાથે સાથે ઉત્તમ જીવન ઘડતર થાય તેના પાઠ પણ ભણાવતાં અને તેઓ તેમની સાથે તેમના જેવડાં બની રમતો પણ રમતાં. બપોર પછી ગ્રામ્ય કન્યાઓ તેમની પાસે આવતી ત્યારે તેઓ તેમને અનુરૂપ શિક્ષણ આપતાં. ગામના સ્થાનિક લોકો ગૌરીમાને દેવીની જેમ પૂજતા અને તેમને સહાય કરવા હંમેશાં તત્પર રહેતા. આથી આશ્રમ કલકત્તાથી દૂર હોવા છતાં ગૌરીમાને તકલીફ પડતી નહીં.

પછી તો ગૌરીમાના કાર્યની સુવાસ ગામના સીમાડા છોડીને કલકત્તા સુધી પ્રસ૨વા લાગી. કલકત્તાના પ્રતિષ્ઠિત લોકો પણ હવે તેમના આશ્રમની મુલાકાતે આવવા લાગ્યા. બેલુડમઠના સંન્યાસીઓની સહાય તો તેમને હતી જ. શ્રીરામકૃષ્ણ પરિવારમાં સ્ત્રીઓના ઉત્થાન માટેનું પ્રથમ પગલું ગૌરીમાએ ભર્યુ હતું. તે સમયે તો સ્વામી વિવેકાનંદ હજુ અમેરિકામાં હતાં. દેશની સ્ત્રીઓની જાગૃતિ માટેની યોજનાઓ હજુ તેમના મનમાં આકાર લઈ રહી હતી, ભગિની નિવેદિતાની સ્કૂલની શરૂઆત તો એ પછી વ૨સો બાદ થઈ. પરંતુ એ પહેલાં, જ્યારે સ્ત્રીઓને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અને ઘડત૨ માટે કોઈ પ્રકારની શિક્ષણ સંસ્થા ન હતી, અને સ્ત્રીઓને ઘ૨ની ચા૨ દિવાલોની વચ્ચે જ ગુલામની જેમ જીવન વીતાવવું પડતું હતું, ને વિધવાઓનું તો પશુથી પણ બદતર જીવન હતું, તે સમયે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્ત્રી શિક્ષણ માટેની, વિધવાઓનાં શિક્ષણ માટેની આ સંસ્થા પ્રથમ જ હતી, અને આ સંસ્થા સ્થાપીને ગૌરીમાએ નારી-શિક્ષણની દિશામાં ક્રાંતિ કરી આપી. (ક્રમશઃ)

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.