ઓક્ટોબરથી આગળ…
સાડા ત્રણ વર્ષ સુધી સતત અમેરિકામાં પરિભ્રમણ અને પરિશ્રમ કર્યા પછી હું ફરી પાછો ભારતના લોકોને જાગૃત કરવા આવ્યો. આ કાર્ય માટે ઘણા ધનની આવશ્યકતા હતી. એટલે હું વળી પાછો જુલાઈ, ૧૮૯૯માં એક વર્ષ માટે અમેરિકા ગયો અને ઓગસ્ટ, ૧૯૦૦માં ભારત પાછો ફર્યો. ત્યારે પછી હું રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપનાના કાર્યમાં લાગી ગયો.’
ભારત પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદ ખુશને પેરીસમાં ફ્રાંસનો એફિલ ટાવર બતાવવા માગતા હતા. એફિલ ટાવર આધુનિક જગતનાં સાત આશ્ચર્યમાંનું એક આશ્ચર્ય ગણાય છે. સ્વામી વિવેકાનંદે વિમાનને એફિલ ટાવર તરફ હંકાર્યું અને કહ્યું, ‘આ એફિલ ટાવર વિશ્વમાં સૌથી ઊંચો ટાવર છે. એની ઊંચાઈ ૩૨૪ મીટર અને તેનું વજન ૧૦,૦૦૦ ટન છે. તેનું ઉદ્ઘાટન ૧૮૮૯ના રોજ વિશ્વ પ્રદર્શનના સમયે ફ્રાંસની ક્રાંતિના શતાબ્દી સમારોહના ઉપલક્ષ્યમાં થયું હતું. આ ટાવરના નિર્માણમાં ૩૦૦ ઈજનેરોએ બે વર્ષનો અથાક પરિશ્રમ કર્યો હતો. આ ટાવરને ઊભો કરવા ૨૫ લાખ રિવેટ્સ (નાના મોટા ખીલા)નો ઉપયોગ થયો હતો.’
સ્વામી વિવેકાનંદના જ્ઞાનથી પ્રભાવિત થઈને ખુશે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, આપને પેરીસના એફિલ ટાવરનો માર્ગ કેવી રીતે યાદ રહ્યો ?’ સ્વામીજીએ કહ્યું, ‘અરે ખુશ, હું આ માર્ગાેને જાણું છું. આ પહેલાં હું ચાર વખત પેરીસ આવ્યો છું. હું ૧૮૯૫ની મારી નાની યાત્રા દરમિયાન પેરીસમાં ચાર મહિના સુધી રહ્યો હતો. વળી પાછા ૧૮૯૬માં હું બે વાર પેરીસ આવ્યો હતો. મારી પેરીસની ચોથી યાત્રા ઓગસ્ટ ૧૯૦૦માં પૂરી થઈ હતી. એ વખતે હું ૮૩ દિવસ સુધી અહીં રોકાયો હતો. મારા ભારત પરિભ્રમણ વખતે ગુજરાતના પોરબંદર નામના સ્થળે મેં ફ્રેંચ ભાષા શીખી હતી. મારા શિકાગો નિવાસ દરમિયાન પુન : મેં આ ભાષાને સારી રીતે શીખવાનો પ્રયાસ કર્યો હતો. હું સારી રીતે ફ્રેંચ ભાષા સમજી શકું છું. મેં મારા કેટલાય મિત્રોને ફ્રેંચ ભાષામાં પત્રો પણ લખ્યા છે.’
સ્વામી વિવેકાનંદને ફ્રેંચ ભાષાનું આટલું સારું જ્ઞાન છે એ જાણીને ખુશને આશ્ચર્ય થયું. ત્યાર પછી સ્વામી વિવેકાનંદે મુંબઈ તરફ વિમાનને વાળ્યું. તેઓ જેને કારણે ખુશ ખૂબ હેરાન પરેશાન હતો એ સમસ્યાનું સમાધાન કરવા ઇચ્છતા હતા. એમણે ખુશની પીઠ પર હાથ રાખીને અત્યંત સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું, ‘બેટા, એક વાત સાંભળ, જો તું ગૃહકાર્ય કરવાનું રહસ્ય જાણી લે તો ગૃહકાર્ય કરવું એ એટલો બધો બોજો નથી. ચાલ, હું તને મારા પોતાના જીવનની કેટલીક ઘટનાઓ કહું છું. એના દ્વારા તું આ વાતને સારી રીતે જાણી શકીશ.’
સ્વામી વિવેકાનંદે પોતાની વાત આગળ કરતાં કહ્યું, ‘જ્યારે હું શાળામાં હતો ત્યારે અત્યંત તન્મયતાથી વિષયપાઠને સાંભળતો. શિક્ષકને એવું પણ લાગતું કે હું એમની વાત સાંભળું છું કે સૂતો છું. ખાતરી કરવા એમણે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં એના સાચા ઉત્તર આપ્યા. મારા જવાબ સાંભળીને શિક્ષકને ખાતરી અને સંતોષ થયાં કે હું તેમના પાઠને એકાગ્રતાપૂર્વક સાંભળતો હતો.’
તેમણે વધુમાં કહ્યું, ‘હું એક પુસ્તક કેવળ એકવાર વાંચી લેતો અને એમાંનું બધું જીવનભર યાદ રહી જતું. અમેરિકા જતાં પહેલાં હું એકવાર મેરઠમાં હતો ત્યારે ત્યાંના સ્થાનિક પુસ્તકાલયમાંથી જોન લેબક દ્વારા લખેલ મોટાં પુસ્તકો લઈ આવતો અને બીજે દિવસે પાછાં આપી આવતો. ગ્રંથપાલે વિચાર્યું કે આ પુસ્તકો હું વાંચ્યા વગર એમને એમ પરત આપું છું. પોતાના મનના સંશયને દૂર કરવા ગ્રંથપાલ મહાશયને મેં એક દિવસ કહ્યું કે આપશ્રી આ પુસ્તકોમાંથી કોઈપણ પ્રશ્ન મને પૂછી શકો છો. એમણે પૂછેલા બધા પ્રશ્નોના મેં સાચા જવાબ આપ્યા. હું આટલી ઝડપથી પુસ્તકો વાંચી લઉં છું અને એને યાદ પણ રાખી લઉં છું, એ જોઈને ગ્રંથપાલને ઘણું આશ્ચર્ય થયું.’
અમેરિકાથી ભારત આવ્યા પછી એક દિવસ હું કોઈ ગ્રંથ મન દઈને વાંચતો હતો એ સમયે મારા એક પશ્ચિમના શિષ્યે મને અનેકવાર સાદ કર્યો, પણ મને એ કાંઈ સંભળાયું નહીં. હું આટલી એકાગ્રતા સાથે વાંચું છું, એ વાત એમના સમજવામાં ન આવી એટલે એમણે મને અહંકારી માની લીધો.
મારા શિષ્ય ખેતડીના મહારાજા મારી પુસ્તક વાંચવાની રીત જોઈને ખૂબ આશ્ચર્ય અનુભવતા. આવી રીતે કોઈપણ પુસ્તકને ધ્યાનપૂર્વક એકાગ્રતા સાથે વાંચવાની મારી ટેવ મારા અંતિમ દિવસો ૧૯૦૨ સુધી એવી ને એવી રહી. જો કે એ વખતે હું શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ ન હતો. છતાં પણ ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના ૨૫ ભાગને થોડાક જ દિવસોમાં વાંચી નાખ્યા. આ બધું વાંચતાં આખું જીવન વીતી જાય.
ખુશે વચ્ચેથી જ સ્વામીજીને રોકીને કહ્યું, ‘પરંતુ સ્વામીજી એકવાર આખું પુસ્તક વાંચી લઈએ એટલે એને યાદ કરી લેવું કેવી રીતે સંભવ બને ?’ સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો, ‘જો બેટા, આ બાબત કોઈ એક વસ્તુ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી યોગ્યતા કે શક્તિ પર આધાર રાખે છે. જો આપણે આપણા ધ્યેયની વસ્તુ પર મનને એકાગ્ર કરીએ તો ધ્યાન કેન્દ્રિત બની જાય. પણ મોટાભાગના લોકો હેતુ કે કાર્યનું પરિણામ મેળવવાની ઇચ્છા તો કરે છે પણ તેઓ જે કાર્ય કરે છે એમાં મનને એકાગ્ર કરી શકતા નથી. જો શાળામાં શિક્ષક તમને ભણાવે ત્યારે એ પાઠ ધ્યાન અને એકાગ્રતાથી સાંભળશો તો એ પાઠને તમે ઘણી સરળતાથી ગ્રહણ કરી શકશો. આવી રીતે ઘરે તમે કોઈ પુસ્તક એકાગ્રતાથી વાંચશો તો એકવાર વાંચી લેવાથી પણ તે યાદ રહી જશે. જો તમે આ બાબતનો અભ્યાસ કે મહાવરો રાખશો તો થોડા જ સમયમાં પોતાનું ગૃહકાર્ય પૂરું કરી શકશો અને એ પણ આનંદ સાથે કરી શકશો અને પછી તમે જ્ઞાનના ભંડાર બની જશો અને ત્યારે ગૃહકાર્ય કરવું તમને બોજો નહીં લાગે. (ક્રમશ 🙂
Your Content Goes Here




