સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘How to Live with God’ માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે.
ચંદ્રની કલાઓ સાથે સાગરમાં ભરતી-ઓટ થાય છે. આ ભરતી-ઓટ સાગરના જીવનનું અંગ છે. એ જ પ્રમાણે, ધર્મની ચડતી અને પડતી મનુષ્યના અસ્તિત્વનું અગત્યનું અંગ છે. કલિયુગની દુષ્ટ અસરોનો સામનો શ્રીરામકૃષ્ણના આગમને કર્યો હતો અને નવા યુગનાં મંડાણ થયાં હતાં. નીચલી કક્ષાએથી મનને ઉચ્ચ કક્ષાએ કેવી રીતે લઈ જવું તે એમણે ભૌતિક બાબતોમાં રાચતા જગતને દર્શાવ્યું હતું. એમણે ફરી ફરી પોકાર્યું હતું : ‘મનુષ્ય જીવનનું ધ્યેય ઈશ્વરને પામવાનું છે. પ્રથમ ઈશ્વર ને પછી જગત.’ કામ અને કાંચન માનવજીવનનાં ધ્યેય બની શકે નહીં.
સ્વામીજીએ સ્વામી રામકૃષ્ણાનંદને ૧૮૯૫માં અમેરિકાથી એક પત્ર લખ્યો હતો, ‘શ્રીરામકૃષ્ણ અવતર્યા ત્યારથી સત્ યુગનાં મંડાણ થયાં છે.’ મદ્રાસના આલાસિંગા પેરુમલને લખેલા બીજા એક પત્રમાં એમણે લખ્યું હતું : ‘એક જ્ઞાતિ, એક વેદ થશે, શાંતિ અને સંવાદિતા સ્થપાશે ત્યારે સત્ યુગનો આ ખ્યાલ ભારતને પુનર્જાગ્રત કરી શકશે, દૃઢપણે આમ માનજો.’
શ્રીમા સારદાદેવીએ પોતાનો સૂર પુરાવતાં કહ્યું : ‘શ્રીઠાકુરના જન્મથી સત્ યુગ બેઠો છે. અનેક જ્યોતિર્ધરો એમની સાથે આવ્યા હતા… અસંખ્ય સામાન્યજનો જન્મે છે ને મરે છે; પણ અવતારના કાર્યની સિદ્ધિને માટે અગ્રગણ્ય લોકો એની સાથે આવે છે.’
સુવર્ણયુગમાં લોકો સુખ-શાન્તિની આશા રાખે છે; પણ શ્રીઠાકુરના અવસાનને ૬૦ વર્ષ થતાં સુધીમાં બે વિશ્વયુદ્ધો ખેલાઈ ગયાં અને કરોડો લોકો મૃત્યુ પામ્યાં. શ્રીમાને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે વરસાદ પહેલાં આંધી આવે છે. ધૂળ ઊડવાને લીધે આંધીને સમયે લોકો જોઈ શકતાં નથી, આંધીઓ વૃક્ષોનો અને છોડોનો વિનાશ કરે છે અને મકાનોને તોડી પાડે છે. એ જ રીતે અવતારની આગમન વેળાએ જગતમાં ભયંકર આફતો સર્જાય છે; સમાજમાંથી બધી અનીતિમત્તા, બધું જૂઠાણું, દંભ અને અનિષ્ટને એ સાફ કરે છે. એ કાળે ધર્મનું રાજ્ય પ્રગટ થાય છે. લોકોનાં સુખશાંતિનો આધાર તે ધર્મ પર છે.
પોતાના દેહાવસાનના થોડા દિવસ પહેલાં સ્વામી વિવેકાનંદ બેલુર મઠના ચોગાનમાં જ્યારે ઊભા હતા ત્યારે બોલ્યા હતા, ‘જે આધ્યાત્મિક પ્રવાહ અહીં ઉત્પન્ન થયો છે તે સાત આઠ સદી ચાલશે – એને કોઈ અવરોધી નહીં શકે. પોતાની આંતરશક્તિને જોરે જ એ આધ્યાત્મિક પ્રવાહ વહેતો રહેશે; કોઈ વ્યક્તિ પર એ આધારિત નહીં રહે. દિવ્ય શક્તિએ જ આમ નિર્ધાર્યું છે. સામાન્યજનો શું કહી શકે? પણ, યુગની માગને પૂરી પાડવામાં અગત્યનો ભાગ ભજવનાર વ્યક્તિ ધન્ય બની જશે.’
ઈ.સ. ૧૯૦૦માં સ્વામીજી જ્યારે સાનફ્રાન્સિસ્કો હતા ત્યારે શ્રીમતી એલિસ હેન્સબ્રો સાથે એમને થયેલી વાતચીતની નોંધ એ મહિલાએ પોતાનાં સંસ્મરણોમાં કરી છે : ‘સ્વામીજી દેહથી મુક્ત થવા ચાહતા હતા. તેમણે કહ્યું, ‘ફરી એકવાર મારે આવવાનું થશે.’ વળી કહ્યું : ‘ઠાકુરે કહ્યું હતું કે એમની સાથે મારે ફરી એકવાર આવવાનું થશે.’ મેં પૂછ્યું, ‘શ્રીરામકૃષ્ણે કહ્યું છે માટે આપને આવવાનું થશે?’ એ બોલ્યા : ‘મેડમ, એમના જેવા આત્માઓ ખૂબ શક્તિશાળી હોય છે.’ મોટે ભાગે પાસાડેનામાં, ભોજન પછી એ ટહેલી રહ્યા હતા ત્યારે થયેલી વાતચીત દરમિયાન એ બોલેલા કે, બસોએક વર્ષોમાં પોતે ફરી અવતરશે એમ ઠાકુરે કહ્યું હતું અને હું એમની સાથે આવીશ. ઠાકુર આવે ત્યારે પોતાના સાથીઓને એ લાવે છે.
Your Content Goes Here




