(શ્રી નરોત્તમ પલાણે ધાર્મિક એકતા પર નજીકના ભૂતકાળની ઐતિહાસિક કથાને સાહિત્યિક ભાષામાં ‘હુહુ’માં રજૂ કરી છે, તેમાંથી એક મણકો પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

હમણાં હમણાં રામ ઓરડીની બહાર નીકળતો નથી. પરીક્ષા આવી રહી છે. રાત-દિવસ વાચન ચાલે છે. એક મોડી રાતે ચોકીદાર રામની ઓરડીમાં આવ્યા, ‘નીચે રજુ બોલાવે છે.’

‘અત્યારે મધરાતે?’

રામ ઝડપથી નીચે આવ્યો! દરવાજો બંધ હતો. બે હાથથી જાળી પકડી રસ્તા ઉપર આમતેમ જોતો તે ઊભો! થોડીવારે બાજુમાંથી રજુનો ધીમો અવાજ સંભળાયો, ‘રામ, બની શકે તો કાગળિયાં કોઈને ખબર ન પડે તેમ વહેલામાં વહેલાં વકીલ રુગનાથજીને પહોંચાડજો.’ જાણે કંઈ બન્યું નથી એમ રજુ અંધારામાં ઓગળી ગયો! બંડલ બગલમાં દબાવીને રામ ઉપર આવ્યો. ચામડું ખોલીને જોયું, ‘સુખનાથ મહાદેવનો દસ્તાવેજ.’ ભયનો માર્યો તે ઊભો થઈ ગયો! એક પળ માટે તેનાં રુંવાડાં ધ્રૂજી ઊઠ્યાં! બીજી જ પળે તે સ્વસ્થ થયો. છેલ્લાં પાંચેક વર્ષનું જૂનાગઢનાં રાજકારણનું એક ભયંકર કાવતરું તે સુખનાથ મંદિર! ‘કાયદે આઝમ’ના ગુપ્ત ફરમાન મુજબ શક્ય તેટલાં જાહેર સ્થળો અને જમીન, મુસલમાનોને નામે કરવાનો આદેશ હતો! જૂનાગઢની મધ્યમાં આવેલ સુખનાથની જમીન એક એકરમાં હતી, ગામ બહાર ‘સુખનાથની સીમ’ તરીકે ઓળખાતી ખેતીવાડીની બીજી જમીન આશરે દોઢ હજાર એકરમાં હતી! સોરઠમાં સોમનાથ પછીનું બીજું મોટું અને સમૃદ્ધ સ્થળ સુખનાથ હતું! જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના થઈ તેની પહેલાંથી સુખનાથના મહંતો લોકહૃદયમાં ઘણું ઊંચું સ્થાન ધરાવતા આવ્યા છે. રાજા-મહારાજા કરતાં પણ એના આદર-સત્કાર વિશેષ હતા. ‘મેસગર બાપુ’ નામના એક તેજસ્વી મહંતના વખતમાં આ જગ્યા અદ્યતન સ્વરૂપ પામી હતી. સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાઓની ભેટ-સોગાતથી તેમજ બ્રિટિશ હકૂમતમાં ઊંચા હોદ્દા ધરાવતા નાગર બ્રાહ્મણોના દાનથી આ જગ્યા ઉત્તરોત્તર સમૃદ્ધ બની હતી. ગુલાબરાય નામના નાગરે આ જગ્યામાં આવેલાં તમામ મંદિરોનાં બારણાં ચાંદીનાં કરાવી દીધાં હતાં. કહેવાતું કે જૂનાગઢ રાજની તિજોરી કરતાં સુખનાથ જગ્યાની તિજોરીમાં વધારે જર-ઝવેરાત છે! મેસગર બાપુના દેહવિલય પછી શિષ્યોમાં અંદરઅંદરના ઝઘડા શરૂ થયા અને હિત ધરાવતા હિંદુ-મુસલમાન વેપારીઓએ આ ઝઘડાઓનો લાભ લઈ મંદિર નીચેની જમીનો વેચાતી લઈ લીધી! છેલ્લે છેલ્લે આ આખા મંદિરનો સોદો જમિયતુલ નામની સંસ્થા સાથે થયો હતો, પરંતુ એના વિરોધમાં પ્રજામત જાગ્યો હતો અને કબજો મેળવવા માટે બંને પક્ષોએ કોર્ટની કાર્યવાહી શરૂ કરી હતી. દીવાન મહંમદભાઈ જગ્યાની સોંપણી જમિયતુલને થઈ જવી જોઈએ એવા મતના હતા, પણ વંથલીના અબ્દ રહેમાન વગેરે મેમણ વેપારીઓ એમના વિરોધમાં હતા. સીદી જમાત અને ખલીલ ડાયરો પણ લોકલાગણીના પક્ષમાં હતા. હિન્દુની જગ્યા છે તો હિન્દુના નામે જ રહેવી જોઈએ એવી સમજ જૂનાગઢના મોટા ભાગના મુસલમાનોને હતી, પરંતુ મેસગરજીના પટ્ટશિષ્યે, મંદિર જમિયતુલને વેચી નાખ્યું હતું, માત્ર એમની પાસે મૂળ દસ્તાવેજો ન હતા એટલે નામફેરની વિધિ લટકતી હતી! બીજી બાજુ દસ્તાવેજો હાંસલ કરવા બંને પક્ષો ખૂનામરકી ઉપર ઊતરી આવ્યા હતા, જે શિષ્યના હાથમાં દસ્તાવેજની શંકા જતી તેનાં ઘરબાર સળગાવવામાં આવતાં હતાં! આવા સંજોગોમાં મૂળ દસ્તાવેજ રામના ટેબલ ઉપર પડ્યા હતા!

રામ સતર્ક જુવાન હતો. પરિસ્થિતિ સમજતો હતો. હિન્દુ-મુસ્લિમ સમસ્યા અને લીગ તરફી વલણથી માહિતગાર હતો. પરીક્ષાના ભાર વચ્ચે પણ એણે બીજા દિવસે વકીલ રુગનાથ વિશે સંતોકબા પાસેથી જાણ્યું. પોતે પણ એનો ચહેરો પ્રત્યક્ષ જોઈ આવ્યો. ઊંચા-પાતળા વયોવૃદ્ધ રુગનાથ, ત્રિપુંડ અને પાઘડીધારી બ્રાહ્મણશ્રેષ્ઠની ખ્યાતિ ધરાવતા હતા. બે દિવસ વીતી ગયા, ત્રીજા દિવસે સાંજે રામ એના નિવાસસ્થાને જઈ ચડ્યો!

‘આવો, આવો, ભાઈ!’

વકીલ સાહેબને કોલેજમાં ભણતા યુવાનો તરફ લાગણી હતી. એમના વિશાળ દીવાનખંડમાં સરસ્વતી, શંકરાચાર્ય અને કબીરની તસવીરો સાથે રેંટિયો કાંતતા ગાંધીજીની છબિ જોઈને રામના દિલમાં રુગનાથજી પ્રતિ આદર જન્મ્યો. ગાંધીજીની આવી ચોખ્ખી અને વિશાળ છબિ રામ, પહેલી વા૨ જ જોતો હતો! હિંડોળાની એક હળવી ઠેક લેતાં રુગનાથ સસ્મિત રામનું નિરીક્ષણ કરી રહ્યા હતા! ખાદીના ઝભ્ભો-લેંઘો, અખાડિયન શરીર અને મોટી તેજસ્વી આંખો જોતાં રુગનાથજીના મનમાં વિવેકાનંદનું સ્મરણ જાગતું હતું. જૂનાગઢના દીવાન સાથે વિવેકાનંદને સંબંધ હતો તેની જ કચેરીમાં તાલીમ લઈને રુગનાથ વકીલ બન્યા હતા.

‘હું અહીં ધર્માલયમાં રહીને કોલેજનો અભ્યાસ કરું છું.’

‘હા, એ તો ચહેરા ઉપરથી જ લાગે છે! જ્ઞાતિએ નાગર છો?’

‘ના, ઠક્કર.’

‘મહાત્માજીની આ તસવીર કેશોદના ઠક્કર જ લાવ્યા!’ રુગનાથજી હસીને બોલ્યા, ‘કહો, કેમ આવવું થયું?’

‘થોડાક એવા મિત્રો છે, જે આપને મળવા માગે છે, તો આપને ક્યારે સમય અનુકૂળ હોય?’ રામે પૂછ્યું. હિંડોળા ઉપરથી ઊતરીને વકીલ સાહેબ રામની બાજુમાં આવીને બેઠા અને ખભે હાથ મૂકીને ધીમેથી પણ દૃઢતાથી પૂછ્યું, ‘કોઈ ભૂગર્ભવાસી ક્રાંતિકારી છે?’

‘હા, એવું જ સમજો ને!’

‘કોઈ રગડ બુઝારા હોય તો ઇચ્છા થતી નથી, પણ તમે તો મહાત્માજીના ભક્ત લાગો છો એટલે અનુમાન કરું છું કે તમારા જેવાં હોય તો જરૂર મળીએ!’ રુગનાથજીની ઇચ્છા અને અનુમાન સાફ હતાં. આજે ભૂગર્ભવાસીઓમાં પણ સાચા અને ખોટા બંને પ્રકારો હતા. ખોટા, દેશી રજવાડાં અને શેઠશાહુકારની માત્ર સંપત્તિ મેળવવાની લાલચે ક્રાંતિકારીના જાસા મોકલતા હતા!

‘હા, મારા જેવાં છે, પણ —’

‘પણ?’

‘પણ સુખનાથ મંદિર વિશે આપને —’ રુગનાથ અનુભવી હોશિયાર વકીલ હતા. એમણે ફરીવાર રામના ખભે હાથ મૂક્યો, ‘સહેજ પણ સંકોચ વિના બોલો, કોણ છે?’

‘હું જ!’

‘તમે? તમારે શું કામ પડ્યું?’

‘હું આપને સુખનાથ મંદિરના મૂળ દસ્તાવેજની ભાળ આપવા માગું છું!’ રુગનાથ ચોંકી ઊઠ્યા! ચારે બાજુ નજર ફેરવીને, ‘જુવાન, તમે શું બોલો છો તેની ખબર છે?’

‘હા, જમિયતુલના કારનામા! હિન્દુ-મુસ્લિમ વચ્ચે વેરનાં વાવેતર કરવાની બદદાનત અને ધર્મસંપ્રદાયોનો ઉપયોગ કરીને સત્તાલાલસા સંતોષવાનાં હવાતિયાં!’ રુગનાથે એક રાષ્ટ્રવાદી યુવાનને જોયો – દૃઢ, કૃતનિશ્ચયી, નવા યુગનો પ્રતિનિધિ!

‘બેટા, બેધડક કહો!’ રુગનાથે સંબોધન ફેરવ્યું! એમની છલકતી આત્મીયતાનો અનુભવ રામે કર્યો.

‘કહો, ક્યારે આવું?’ રામ ઊભો થઈ ગયો. રુગનાથ સહેજ મૂંઝવણમાં મુકાયા, ‘અત્યારે જ કહો ને!’

‘કહેવાનું નથી, આપવાનું છે!’

હવે રુગનાથ પણ ઊભા થઈ ગયા! એ સમજી શકતા ન હતા, કે આ યુવાન શું કહે છે, શું કરવા માગે છે!

મૂળ દસ્તાવેજ મારી પાસે છે અને હું આપને આપવા માગું છું.’ રામની વાત વીજળીના કડાકા જેવી હતી! રુગનાથને થોડો ડર લાગ્યો, ‘તમે? તમે બેટા, સાચવીને, આમાં જોખમ છે!’

‘હા, જાનનું! ઘણી હત્યાઓ થઈ છે, પણ આપ સમર્થ છો, આપનો આ દીકરો પણ!’

રુગનાથે ઉમળકાથી રામને બથમાં લીધો! એનું માથું સૂંઘ્યું, હાથ ફેરવ્યો! બીજી જ પળે પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં, ‘જુઓ, આપણું અને આપણા પરિવારનું અસ્તિત્વ જોખમમાં ન મુકાય તેની સાવચેતી રાખીને આપણે મળવું જોઈએ. તમે વધારેવાર અહીં આવશો તો તમારા માથે સંકટ ઊભું થશે. એમ કરો, આવતી કાલે હું વધાવીના ઠક્કરને તમારી પાસે મોકલું છું.’

રામે અસંમતિ સૂચક માથું હલાવ્યું.

‘જુઓ, જટાશંકરવાળા બ્રહ્મચારી શ્રી રામાનંદજી મહારાજ, ભટ્ટજીના મિત્ર છે. એમને હું ધર્માલયમાં મોકલું છું.’ રુગનાથજીએ યોજના ફેરવી.

‘આપ ચિંતા ન કરો! હું સાવ સહજ રીતે આપની પાસે આવી કાગળિયાં આપી જઈશ.’ રામે નિર્ભિકપણે કહ્યું. રુગનાથજીએ આ જુવાનની હિંમત જોઈ રાહત અનુભવી. કેમ, ક્યારે – એની કશી જ ચર્ચા કર્યા વિના, રુગનાથજીને પગે લાગી રામે વિદાય લીધી.

‘દસ્તાવેજ મળે તો શું પગલાં લેવાં? રામાનંદજી, મોહન ઠક્કર અને રામ દેવાયતને જાણ કરું? બોલાવું? આ છોકરો સાચો હશે? કેવી રીતે ક્યારે પાછો મળશે? બીજા દિવસે સવારે કચેરીમાં જવા માટે બગીમાં બેસતા રુગનાથજી વિચારતા હતા. નિયમ મુજબ કચેરીએ જતાં પહેલાં સુખનાથ મહાદેવનાં દર્શન કરવા વચ્ચે ઊતરે, દર્શન કરે અને પૂજારીએ તૈયાર રાખેલો નિર્માલનો પડો કચેરીએ લેતા આવે. સુખનાથનાં પગથિયાં ચડતાં આજે એમના ચહેરા ઉપર એક જુદી જ ચમક હતી! દર્શન કર્યાં અને નિર્માલનો પડો લેતાં એમને સહેજ નવાઈ લાગી, ‘કાયમ કરતાં આજે પડો મોટો કેમ?’ મંદિરનો ઘંટ જોરથી વગાડી રામે એમનું ધ્યાન પોતાના તરફ દોર્યું અને સસ્મિત વંદન કરી પ્રદક્ષિણા ફરવા આગળ વધ્યો! રુગનાથજીનું હૃદય એક પળ ધબકવાનું ભૂલી ગયું! એ બધું જ સમજી ગયા! એમણે બે હાથે પડો માથે ચડાવી ફરી વાર ભાવવિભોર થઈને દર્શન કર્યાં! છોકરાની ચાલાકી ઉપર પોતે ગદ્ગદ્ હતા!’

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.