સુખ શું છે? શાંતિ એટલે શું? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે? સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુ:ખ કહીએ છીએ તે બંને સાપેક્ષ અનુભવો છે. એમને દ્વન્દ્વ પણ કહેવાય છે. પરંતુ આપણાં શાસ્ત્રો કહે છે તેમ આ બંને દ્વન્દ્વથી આપણે ઊંચે જવું જોઈએ, જેથી આપણે સાચા સુખનાં શોધના અને અનુભવ કરી શકીએ. તો પછી આપણને સાચું સુખ ક્યાંથી મળે? તે આપણા દરેકની ભીતર જ રહેલું છે. આપણી ભીતર તે ક્યાં આવેલું છે? એ સુખ કંઈ ભૌતિક સ્થાનની જેમ ક્યાંય રહેલું નથી. એ તો આપણે પોતે જ છીએ. શું આપણે પોતે જ? હા. આપણે તો અમૃતસ્વરૂપ છીએ. આ અમૃતસ્વરૂપ એટલે શું? આ અમૃતસ્વરૂપ એટલે પૂર્ણ આનંદ કે પરમ સુખ. આપણે આ સામાન્ય સાદા સહજ સત્યને ભૂલી ગયા છીએ. આપણા બધાની ભીતર રહેલા પૂર્ણ આનંદના સ્વયંભૂ પ્રસ્ફૂટિત થતાં પ્રવાહની અનુભૂતિના પરિણામે આપણને સાચી શાંતિ મળે છે.
તો પછી સામાન્ય રીતે આપણે જેને સુખ કહીએ છીએ તે શું છે? એ તો કહેવાતું સુખ છે, સાચું સુખ નથી, આપણી ભીતર રહેલા પરમસુખના તેજોજ્જ્વલ સૂર્યનું એક નાનકડું તેજકણ માત્ર છે, એક ઝાંખુંઝપટ પ્રતિબિંબ છે. શાશ્વત પરમસુખ કે પરમાનંદની તે એક માત્ર છાયા જ છે અને એ પરમસુખ પ્રગટ થવા રાહ જોતું હોય છે. આપણા અત્યારનાં કહેવાતાં સુખ કે દુ:ખ એ મનની વિભિન્ન સ્થિતિ સિવાય બીજું કંઈ નથી. ભગવદ્ગીતા (૫.૨૧)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् ।
स ब्रह्मयोग युक्तात्मा सुखमक्षयमश्नुते ॥
‘બાહ્ય વિષયોમાં અનાસકત મનવાળો માણસ પોતાના અંતકરણમાં જે સુખ મેળવે છે, તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો અનુભવે છે.’
સંસ્કૃતમાં સાચા સુખને આનંદ કહે છે અને બધા જીવોનું આ અંતિમ ધ્યેય છે. કેટલાક લોકો અજ્ઞાની બનીને અને કેટલાક લોકો જ્ઞાન સાથે આ ધ્યેયને ઝંખી રહ્યા છે. જ્યારે આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ ત્યારે સાચી શાંતિ મળે છે; પણ એ આપણને અવાર-નવાર થાપ ખવડાવી દે છે. આપણા ક્ષુદ્ર આનંદપ્રમોદ કે દુ:ખો કે જે એકબીજા ક્રમશ: આવતા રહે છે અને આપણી શાંતિમાં ખલેલ પહોંચાડે છે. એને લીધે આપણે અસ્થિર-અશાંત અને માનસિક તાણ અનુભવીએ છીએ. અવારનવાર દુ:ખ આપણને હેરાન-પરેશાન કરી મૂકે છે. સાથે ને સાથે આનંદપ્રમોદનો અતિરેક પણ આપણને અશાંતિમાં ડૂબાડી દે છે.
સામાન્ય રીતે આપણે જેને સુખ તરીકે અનુભવીએ છીએ એ છે શું? આ સુખ એટલે મનમાં થતી ખુશીની લાગણી. મને મનગમતું મજાનું સંગીત હું સાંભળું છું. તેને લીધે મારા મનમાં આનંદની લાગણી ઊભી થાય છે. હું એને સુખ કહું છું. વળી મનગમતી મીઠાઈ ખાઉં છું ત્યારે પણ આવી જ લાગણી ઊભી થાય છે. પરંતુ મારા જીવનમાં કંઈક કરુણ ઘટના બને ત્યારે આ મનગમતી મીઠાઈ કે મનગમતું સંગીત મને રાજી કે ખુશ કરી શકતું નથી. એટલે કે એનો આનંદ હું માણી શકતો નથી. મારું કોઈ અંગત સંબંધી કે સગું મૃત્યુ પામે અને તે વખતે કોઈ મને મનગમતા સંગીતના સૂરો છેડે તો હું આમ બોલી ઊઠવાનો: ‘ભાઈ, આ બંધ કરો. મને એ ગમતું નથી!’ એ જ સંગીત મને આનંદ કે સુખ આપી શકતું નથી.
એટલે આનો અર્થ એ થયો કે સુખ એ વ્યક્તિગત અનુભવ કે બાબત છે અને સંપૂર્ણપણે તે લાગતી-વળગતી વ્યક્તિ પર આધારિત રહે છે. સુખ આત્મલક્ષી છે, હેતુ કે પરલક્ષી નથી. કોઈ પણ સ્થળ કે વસ્તુ એક વખતે એક વ્યક્તિને સુખદ નીવડે પણ બીજા કોઈ પ્રસંગે એ એને દુ:ખદાયી પણ લાગે. આવું કેમ બને છે? આવું બનવાનું કારણ એ છે કે આપણાં સુખદુ:ખ માટે આપણે જ જવાબદાર છીએ, જગતના બાહ્ય પદાર્થો નહિ. આપણે એવું વિચારીએ છીએ કે કેટલાક આપણને સુખ-આનંદ આપે છે, આ ભાઈ મારા માટે દુ:ખના ભાર જ લાગે છે, વગેરે. વાસ્તવિક રીતે આ સાચું નથી. બાહ્ય વ્યક્તિ સ્થળ, પદાર્થો તો માત્ર ઉદ્દીપકનું કાર્ય કરે છે. આ ઉદ્દીપકો આપણા મગજ પર ચેતાતંત્ર દ્વારા અસર કરે છે અને આપણા મનની પરિસ્થિતિ પ્રમાણે તેને લીધે આપણે દુ:ખ કે સુખનો અનુભવ કરીએ છીએ. એટલે જ આપણે જેને સામાન્ય રીતે પ્રેમ-ઘૃણા, આશા-નિરાશા, ગમા-અણગમા, સફળતા-નિષ્ફળતા કહીએ છીએ તે આપણા દ્વારા સર્જાયેલી અને આપણા માટેની જ છે. જ્યારે આપણે એમ કહીએ કે આપણે બીજાને ચાહીએ છીએ કે ધિક્કારીએ છીએ ત્યારે આ પ્રેમ અને ધિક્કારની લાગણી માત્ર આપણી ખાતર જ હોય છે. હિંદુધર્મ પ્રમાણે સર્વોત્કૃષ્ટ સત્ય એ છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે માત્ર આનંદ પ્રાપ્તિ માટે જ હોય છે. એટલે જ સુખ અને દુ:ખના આ દ્વન્દ્વથી પર ઊઠીને પરમાનંદ સુધીની અવસ્થાએ પહોંચવાનું આપણું જીવન ધ્યેય છે.
શું આ દુનિયા સુખ લાવી શકે ખરી?
આપણા દૈનંદિન જીવનમાં જે સુખ મળે છે તે અત્યંત પ્રાથમિક કક્ષાનું સુખ છે. એ તો માત્ર એવું એક બારણું છે કે જે આપણને દુ:ખ અને દર્દ તરફ દોરી જાય છે. એ તો એક પડછાયો માત્ર છે અને મૂળ સુખ તો ક્યાંય બીજે જ રહેલું છે. આ વાત કદાચ થોડી નિરાશાભરેલી લાગશે પણ આપણા કમનસીબે એ જ સાચુ છે. આપણે જેને આ દુનિયામાં મોજમજા, આનંદ કે સુખ કહીએ છીએ તે આપણા જીવન પર આવનાર દુ:ખદર્દની એક નિશાની જેવું છે. એટલે કે એના દ્વારા આપણને દુ:ખદર્દ મળવાનાં. એનો અર્થ એ થયો કે આપણે આ દુનિયામાં અહીં સુખને ઝંખતા હોઈએ તો તેની પાછળ આવનાર દુ:ખદર્દને સહન કરવા પણ તૈયાર રહેવું જોઈએ.
આપણે કોઈ વિચિત્ર ચક્રવ્યૂહમાં છીએ. આ વિચિત્ર ચક્રવ્યૂહમાં ફરતા રહેવાનો પણ કંઈક અંત હોવો જોઈએ. જ્યારે આપણે સમજીએ કે આ દુનિયા કે વિશ્વ એ સર્વકંઈ નથી ત્યારે એનો અંત આવે છે. આપણે એટલું પણ સમજી લેવું જોઈએ કે આ જગત એક શિક્ષક છે અને તે આપણને વાસ્તવિક પરમ સત્ય મેળવવાની કેળવણી આપે છે. આ દુનિયા એક એવો વસ્તુ ભંડાર છે કે જે આપણી સમક્ષ જાતજાતના નમૂનાઓ જ રજૂ કરે છે. જાણે કે દુનિયા આપણને કહે છે : ‘ભાઈ, આ તો એક નમૂનો માત્ર છે. સાચું તો તારે તારી ભીતર શોધવાનું છે.’ એટલે કે પોતાનાં બધાં ઉજળાં પાસાં સાથે આ દુનિયા માત્ર એક વસ્તુ ભંડાર જ છે અને તે આપણા મનની લાગણીઓને ઉત્તેજે છે. એની સાથે આપણે સુખી છીએ કે દુ:ખી એવું ધારીએ છીએ.
એટલે જ ભગવાન બુદ્ધે ‘સર્વમિદં ખલુ દુ:ખં દુ:ખં – આ દુનિયા દુ:ખમય છે’ એમ કહ્યું છે. એમની દૃષ્ટિએ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, વગેરેથી ભરેલી આ દુનિયા દુ:ખ માત્ર છે, વળી બધું ક્ષણિક છે અને જ્યારે આપણે નિર્વાણ – મોક્ષ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે મુક્ત બનીએ છીએ.
બીજી બાજુએ હિંદુધર્મ એમ કહે છે કે આ જીવન માત્ર દુ:ખ જ નથી, અલબત્ત બાહ્યજગત દુ:ખશોક લાવે છે ખરું પણ વેદ પ્રમાણે જીવન એ આનંદ, પરમસુખ છે. વેદો કહે છે
आनन्दाद्ध्येव खल्विमानि भूतानि जायन्ते । आनन्देन जातानि जीवन्ति । आनन्दं प्रयन्त्यभि संविशन्तीति ।
‘આ પરમાનંદમાંથી જ પદાર્થો અસ્તિત્વમાં આવે છે. પરમાનંદમાં જ તેઓ અસ્તિત્વ ધરાવે છે અને અંતે પરમાનંદમાં જ પાછાં ફરે છે.’ દરેકેદરેક વસ્તુ પરમાનંદ છે. વેદોમાં આ એક અદ્ભુત મંત્ર છે :
मधु वाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः । माध्वीर्न-स्सन्त्वोषधीः । मधु नत्त्कमुतोषसि मधुमत्पार्थिवग्ं रजः ॥
‘હવા અમૃતના માધુર્યથી ભરપૂર છે. સાગરો પણ માધુર્યથી ભર્યાપૂર્યા છે. વૃક્ષો અને છોડમાં પણ મધુરતા ભરપૂર ભરી છે. દરેકેદરેક પદાર્થમાં અમૃતનું માધુર્ય છલકે છે.’ આ વિશ્વ પરિવર્તનશીલ છે એ આપણે બધા જાણીએ છીએ. જે લોકો આ પહેલાં જ્યાં હતા ત્યાં આજે નહિ હોય. એટલે પ્રેમ અને વિદ્વેષના આપણા દૃષ્ટિબિંદુને પરિવર્તનશીલ બનાવવું જોઈએ. બાળપણમાં આપણે કેટલાક લોકોને અને કેટલીક ચીજવસ્તુઓને ચાહતા હોઈએ છીએ. આજે કદાચ બીજા લોકોને પણ ચાહતા હોઈએ અને બીજી ચીજવસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખતા પણ હોઈએ. એટલે કે સર્વકંઈ પરિવર્તન પામતું રહે છે. આપણા દેહો પણ પરિવર્તન પામતા રહે છે. જગત પણ બાહ્ય દૃષ્ટિએ બદલતું રહે છે, બધું પરિવર્તનશીલ છે. આમ છતાં પણ કંઈક એવું છે કે જે પરિવર્તન પામતું નથી, અને એને આપણે જાણતા નથી. આ છે સ્વ કે આત્મા, એ જ મૂળ અને સાચો છે અને આપણે તથા પરિવર્તનશીલ પદાર્થો સાચાં નથી. આને જો આપણે પકડી રાખીએ, ધ્યાનમાં રાખીએ તો તેનાથી આપણને સાચી શાંતિ સાંપડે.
સુખનાં સોપાનો
હિંદુધર્મ એટલે જીવન અને તેનાં વિવિધ પાસાં વિશેનો ભાવાત્મક અભિગમ. આ દુનિયા દુ:ખદર્દમય છે, એમ તે કહેતો નથી. આપણે જે કંઈ પણ આ દુનિયામાં માણીએ છીએ તે સુખ છે, એમ તે કહે છે. આ વાત સાચી છે પણ સુખનાં વધુ ને વધુ ઉચ્ચતર રૂપો છે. એની શોધના કરતા રહો. તમે જ્યાં છો ત્યાં જ અટકી ન જાઓ. આગળ ધપતા રહો, વધુ આગળ ધપતા રહો. સુખનાં ઉચ્ચતર સોપાનો છે. એ સોપાનો સર કરો.
શ્રીરામકૃષ્ણદેવ એક કઠિયારાની વાર્તા કહેતા. એક કઠિયારો હતો. તે જંગલમાં લાકડાં કાપવા જતો, એ લાકડા વેંચતો અને એનાથી પૈસા રળતો. એક દિવસ એને રસ્તામાં એક સાધુ મળી ગયા. સાધુએ તેને કહ્યું: ‘ભાઈ, આગળ ધપતો રહેજે.’ આ કઠિયારો સાધુના ઉપદેશને સમજ્યો નહિ. એ જંગલમાં ગયો અને લાકડાં કાપવાનું શરૂ કર્યું. એકાએક એને પેલા સાધુએ કહેલા ‘ભાઈ, આગળ ધપતો રહેજે’ એ શબ્દો યાદ આવ્યા. ‘આગળ ધપતો રહેજે, એમ કહેલું ને? તો ચાલો હુંયે આગળ જઉં.’ તે થોડો આગળ ગયો ત્યાં જ પોતાના આશ્ચર્ય સાથે એણે ચંદનનું જંગલ જોયું. તે આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યો: ‘અરે! આટલા દિવસ હું આ સામાન્ય લાકડાં કાપીને વેંચતો રહ્યો! જો મને આ જગ્યાની જાણ હોત તો હું ઘણા પૈસા રળ્યો હોત!’ આમ વિચારીને એણે ચંદનનાં લાકડાં કાપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી વળી પાછા પેલા સાધુએ કહેલા શબ્દો યાદ આવ્યા. અને તે જંગલમાં વધુ ઊંડે ગયો. ત્યાં સોનાની ખાણો જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો…
વેદો પ્રમાણે જેમ જેમ આપણે જીવનમાં ઉત્ક્રાંત થતા જઈએ છીએ તેમ તેમ આપણી સુખાકારીમાં ધીમે ધીમે વૃદ્ધિ થતી રહે છે. એ વૃદ્ધિ આવી હોય છે – ભૌતિક સુખાકારી, માનસિક સુખાકારી અને આધ્યાત્મિક સુખાનંદ. આ દુનિયામાં આપણે ગાઈએ છીએ, નાચીએ છીએ, પીઈએ છીએ, ખાઈએ છીએ, મોજમજા માણીએ છીએ. આપણે ધારીએ છીએ કે આ બધાંથી આપણને સુખ મળશે. આ બધું પ્રાપ્ત કરવા માટે આપણામાંથી મોટા ભાગના લોકો પોતાના જીવનનાં મહત્તમ વર્ષો સતત અને કપરી મથામણ કરતા રહે છે. પણ કેટલાક સદ્ભાગી લોકોને આટલું મથવું પડતું નથી. આમ છતાં પણ પોતાની જાતને તેમજ આપણા સંજોગોની વચ્ચે આપણે સુખશાંતિમાં હતા કે કેમ એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ લગભગ ના જેવો રહેશે. બાહ્ય રીતે આપણે વધારે સુખી હોઈએ, વધારે સંપત્તિ અને ભૌતિક પદાર્થો ધરાવતા હોઈએ તેમ તેમ આપણા મનમાં અસંતોષ, ચિંતા, માનસિક તાણ અને ભયની લાગણી વધુ ને વધુ થતી રહે છે. આ તો પરસ્પર વિરોધી વાત થઈ. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો? અને જો ન હોય તો શું આ જીવન જીવતાં જીવતાં આપણે સુખી થવાનું કે શાંતિ મેળવવાનું માંડી વાળવું જોઈએ?
ઉપર કહેલી કઠિયારાની બોધકથાના નાયકની જેમ આપણે આગળ વધતા રહેવું જોઈએ. આમ કર્યા પછી સ્વાભાવિક રીતે એક બીજો પ્રશ્ન સામે આવીને ઊભો રહેવાનો: ‘કેવી રીતે શાશ્વત આનંદ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાં?’ ઉચ્ચતર સુખ મેળવવાની ઝંખના કરીએ ત્યારે આપણે ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આપણા મૂળ સ્વરૂપ કે આત્મસ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વનાં સંતો અને ધર્મશાસ્ત્રોએ બતાવેલી પદ્ધતિનું અનુસરણ કરીને શાંત મને તેનો અભ્યાસ કરીએ તો આપણે પરમાનંદ અને પરમસુખની પ્રાપ્તિ કરી શકીએ. હિંદુધર્મ પ્રમાણે કોઈ નીચ કે ક્ષુદ્ર નથી, કોઈ ખરાબ નથી, કોઈ પાપી નથી. આ બધા કહેવાતાં પાપ એક ભ્રામક ખ્યાલ છે. બધાં અમૃતનાં, શાશ્વત શાંતિનાં સંતાનો છે. સૌ કોઈ એની પ્રાપ્તિ કરી શકે. એનું કારણ એ છે કે બધાં આનંદમય-અમૃતમય છે. દુ:ખ, દર્દ, શોક, વગેરે તો બહારના પડ માત્ર છે.
શાશ્વત સુખ-શાંતિ કેવી રીતે મેળવી શકાય?
હવે તમે આટલું કહી શકશો : ‘અત્યારે હું જે માણું છું એ સાચું સુખ નથી, એ મેં જાણી લીધું છે. હું એટલું પણ સમજ્યો છું કે મારે વધુને વધુ ઉચ્ચતર સુખની ઝંખના કરવી જોઈએ. પરંતુ આ ઉચ્ચતર સુખની વળી સાબિતિ શું હોઈ શકે? શું આપણે એનો રસાસ્વાદ અહીં મેળવી શકીએ ખરા?’ શાસ્ત્રો કહે છે એનો રસાસ્વાદ માણી શકાય ખરો. આ સુખ મેળવવાની સાદી પ્રયુક્તિ છે ખરી, અને તે છે : ‘જો ઇચ્છાઓનો ત્યાગ કરીએ તો આપણે સુખી થઈ શકીએ, આ જ ક્ષણે એ વિશે આપણે નિર્ણય લેવો જોઈએ. હું બધી ઇચ્છાઓને ત્યજવાનો પ્રયત્ન કરીશ. હું કોઈ ભૌતિક પદાર્થોની ઝંખના નહિ રાખું. એની સાથે જ બધી સમસ્યાઓ સમી જશે, માનસિક તાણ દૂર થશે અને આપણે શાંતિના સામ્રાજ્યમાં આવી જઈશું. આ ઇચ્છાઓ જ આપણને ચકરાવે ચડાવે છે, પણ એમાંથી કંઈ વળતું નથી. એટલે ચાલો, આપણે આ ઇચ્છાઓનો ત્યાગ કરીએ અને તરત જ આપણને શાંતિ સાંપડશે.
આ દુનિયામાં માનવદેહ ધરીને પરમાનંદ અને સાચી શાંતિ મેળવનાર વિશ્વના સંતો અને પયગંબરોએ અવારનવાર કહેલી અમરવાણીનો ઉલ્લેખ આપણે અહીં કરી શકીએ. જો આપણે સાર્થક અને શાશ્વત શાંતિનું જીવન જીવવા ઇચ્છતા હોઈએ તો તેને સતત મન સમક્ષ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિખામણના શબ્દો આ છે :
(૧) આપણે કંઈ માગવું કે ઝંખવું ન જોઈએ. જો એમ કરીશું તો આપણે દુ:ખમાં સપડાશું.
(૨) જેને માટે આપણે લાયક છીએ તે હંમેશાં આપણને મળી રહેવાનું. જેને માટે આપણે પાત્રતા ધરાવતા નથી તે આપણને મળવાનું જ નથી. એટલે નિરર્થક ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એના દ્વારા દુ:ખ જ આવશે, સુખ કે આનંદ નહિ.
(૩) પ્રભુમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ આમ કહી શકે: ‘ચાલો આપણે સર્વકંઈ ઈશ્વર પર છોડી દઈએ. ભલે ધાર્યું ધણીનું થાય. આપણા માટે શ્રેષ્ઠ શું છે, એ વાત તેઓ જાણે જ છે.’ શાશ્વત શાંતિ કે સુખ મેળવવા માટેનો આ ઉત્તમ પથ છે.
(૪) આ સરળ-સહજ ઉપદેશોને આપણે હંમેશાં યાદ રાખીએ : હું દુ:ખી છું, કારણ કે ‘આ ભાઈ મને ચાહતા નથી, મને આ ન મળ્યું’ વગેરે વિચારો મને દુ:ખ આપે છે. મારે તેને સહન કરવું પડે છે. ‘પેલા ભાઈએ મારો આભાર ન માન્યો એટલે મારા મનને દુ:ખ થાય છે.’ આ બધી વાતો નિરર્થક અને મિથ્યા છે. આપણે આવા વિચારો ત્યજી દેવા જોઈએ, એટલે આપણે શાંતિ મેળવી શકીશું. ત્યારે જ વધુ ઉચ્ચતર સુખ કે શાંતિ મેળવવા આપણે આપણી શક્તિનો ઉપયોગ કરી શકીએ.
ભીતર રહેલ આનંદને કેવી રીતે બહાર લાવવો?
મનનાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનાં કેટલાંક વ્યવહારુ સોપાનો છે. ઉપનિષદો, ગીતા, પતંજલિનું યોગસૂત્ર વગેરે આપણને આમ સૂચવે છે :
* તમે પાપી છો એની ચિંતા ન કરો. તમારા પરમસુખ કે પરમ આનંદનું એ સૌથી ખરાબ વિઘ્ન છે. એટલે આ ચિંતા છોડી દો. જે ભૂતકાળ છે તે ભૂતકાળ જ છે. ઈશ્વર તમે જે કંઈ કરી નાખ્યું તેનો ન્યાય જોખવાના કોઈ ન્યાયાધીશ નથી, કે નથી કોઈ ઇતિહાસકાર. પાપ એટલે તમે કરેલી ભૂલો. જ્યારે કોઈ નૃત્યકાર પોતાના નૃત્યનો મહાવરો કરતો હોય ત્યારે તેની દસેક ભૂલો થાય તો શું તે રડવા માંડવાનો? તે તો પોતાનું નૃત્ય ચાલુ રાખવાનો અને અંતે તે સફળ થશે જ. એટલે આ જીવનમાં આપણે સેંકડોવાર પડીએ તો પણ એની ચિંતા કરવી ન જોઈએ.
* કોઈ તમને ધિક્કારે કે તમારા પ્રત્યે અણગમો વ્યક્ત કરે તો એની ચિંતા ન કરો. ભલે એ તમને ધિક્કારતા રહે. ભલે તેઓ અણગમો વ્યક્ત કરતા રહે. આ દુનિયા તો વિશાળ છે. અહીં કરોડો લોકો રહે છે. દરેકને પોતપોતાને માર્ગે જવાનું છે. તમે મુક્ત બનો. બધું ખંખેરી નાખો અને તમે મુક્ત અને સુખી થશો. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે બેવફા બને છે કે તમારા પ્રત્યે અણગમો વ્યક્ત કરવા માંડે છે ત્યારે તમે તમારા મનને આટલું જ કહો : ‘હે મન, આ દુનિયા તો નશ્વર છે. ચાલો આપણે કંઈક શાશ્વત હોય એવું એટલે કે ઈશ્વરને ઝંખીએ.’
* મનોમન વિચાર કરતા રહો અને તમે કોઈ મહાન વ્યક્તિ છો એવી ક્યારેય કલ્પના ન કરો. તમે તો એક સામાન્ય નાના માનવી છો. બીજી પળે તમારા જીવનમાં શું થશે એ તમે જાણતા નથી, એટલે ઈશ્વરને જ પકડી રાખો. એનાથી શાંતિ આવશે.
* તમારી જાતને સંયમમાં રાખો અને તમારા મનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. શાંતિ, એકાંત અને આત્મનિરીક્ષણ કે આત્મવિચાર મનની એકાગ્રતાને ઉન્નત કરવામાં ઉપયોગી નીવડે છે. આ પોતે જ એક મહત્ શાંતિ આપનારી પદ્ધતિ બની રહે છે.
* સૌની સાથે હળોમળો. સૌની સાથે સારું વર્તન દાખવો પણ માત્ર ઈશ્વરને જ તમારો પ્રેમ આપતા રહો, બીજા કોઈને નહિ. તમારાં દુ:ખ કે પીડાનું મૂળ કારણ સ્વજીવનમાં તમારી આવી લાગણીવેડા સાથેની આસક્તિમાં કે વિવિધ પ્રકારનાં લોકો, પરિસ્થિતિઓ અને સંજોગોમાં પોતાની સંડોવણીમાં રહેલું છે. દુનિયાના લોકો ચીજવસ્તુઓ અને પરિસ્થિતિઓ સાથે આપણે સાક્ષીભાવનો અભિગમ કેળવવો જોઈએ. એનાથી તમારા જીવનમાં ઘનિષ્ઠ આનંદ આવશે.
* તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે તો એના વિશે ચિંતા કરવાનું બંધ કરજો. સમસ્યાઓ તો આપણા જીવનનો એક અંતર્ગત ભાગ છે. ચિંતા કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુને વધુ બગાડે છે. તમે એ સમસ્યાને એક ફળ રૂપે હાથમાં લો છો અને તે ઈશ્વરને અર્પણ કરો છો એવી કલ્પના કરતા રહો. જ્યારે ચિંતા આવે ત્યારે એને દૂર હડસેલીને પ્રભુપ્રાર્થના કરો. આનાથી તમને દરેક રીતે સહાય મળશે.
સાચા સુખ માટે ઝઝૂમવું એટલે શું?
આપણા જીવનનું ધ્યેય ઈશ્વરને જાણવાનું છે. આપણે વારંવાર જન્મીએ છીએ, સહન કરીએ છીએ અને મૃત્યુ પામતા રહીએ છીએ. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે પ્રભુને કે સત્યને જાણતા નથી. હિંદુધર્મનો આ પાયાનો સિદ્ધાંત છે. હિંદુધર્મ કહે છે કે આ દુનિયામાં આપણે માત્ર માણવા કે સહન કરવા અવતર્યા નથી. આપણે તો ઈશ્વરને ઓળખવા અવતર્યા છીએ.
આપણે શા માટે ઈશ્વરને જાણવા જોઈએ? આપણે ઈશ્વરને જાણવા જોઈએ, એના માટેનું સાદુંસીધું કારણ એ છે કે આપણે પોતે જ ઈશ્વર છીએ. આપણે દિવ્ય છીએ. ઈશ્વરને જાણવા આપણે આત્મસંયમ કેળવવો જોઈએ અને આધ્યાત્મિક સાધનાઓ કરવી જોઈએ.
આપણે દુનિયામાં રહીને ભૌતિક આનંદને ઝંખીએ છીએ અને પરિણામે આનંદ તો સીમિત મળે છે અને મહદંશે દુ:ખપીડા જ મળે છે. જ્યારે આપણે ઈશ્વરને ઝંખીએ ત્યારે આપણને સઘન શાંતિ અને પરમાનંદ મળે છે અને એ જ આપણી સાચી પ્રકૃતિ છે. આપણે એની કંઈ ભીખ માગવાની નથી કે એને ઉછીની લેવાની નથી. આ તો આપણું સાચું સ્વરૂપ છે. આપણે તો સીમિત છીએ, એવું વિચારવા માંડતાં જ આપણે સહન કરવાનું આવે છે. જ્યારે આ મર્યાદાઓ છોડી દઈએ ત્યારે જ આપણે પરમાનંદને જાણી શકીએ.
સાચો પરમાનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો
આજે, આ ક્ષણે આપણને શું જોઈએ છે, એનો નિર્ણય કરી લઈએ. શું આપણને આ દુનિયાનો જ ખપ છે કે ઈશ્વરની જરૂર છે? જો આપણે ઈશ્વરને મેળવીએ તો બધું મળી રહે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે : ‘પ્રભુને ચાહો. અને બાકીનું બીજું તમને મળી રહેશે.’ ચાલો આપણે ઈશ્વરને ચાહીએ. સર્વકંઈ એની મેળે મળી રહેશે. એનાં વ્યવહારુ સોપાનો આવાં છે :
(૧) આપણે બહુ વધારે કરવાની જરૂર નથી. આપણે તો આટલું જ કરવાનું રહે છે – આપણા ઘરના ઓરડામાં એક નાનો ખૂણો પસંદ કરો અને એમાં આપણા મનગમતા પ્રભુનું ચિત્ર મૂકો. એમને પુષ્પધૂપ વગેરે દરરોજ અર્પણ કરો. આ પૂજાવેદિ સામે દરરોજ ધ્યાન સાથે બેસવું. પ્રભુને ચાહો, આ જ મહત્ત્વનું છે. આપણે દુનિયાને તો ઘણી ચાહી. કુદરતી અને અણધારી આફતો આ વિશ્વ પર કેવી માઠી અસર કરે છે તે પણ આપણે નજરે જોયું છે. એક પળમાં બધું નાશ પામે છે, એટલે ઈશ્વરને ચાહો. પછી જ આપણને સાચા પરમ આનંદને જાણવા માંડશું.
(૨) બીજા બધામાં પ્રભુ છે એમ માનીને એમની સેવા કરો. આપણા ફૂરસદના સમયે આપણે બીજાની સહાય કરવા તત્પર રહીને સારી સારી સંસ્થાઓની સાથે હળતા ભળતા રહીએ. દરેક જીવ શિવ છે, એ વેદાંતનું શાશ્વત સત્ય છે. આપણે કોઈને મદદ ન કરી શકીએ, માત્ર એની સેવા કે પૂજા કરી શકીએ. બીજાને કરેલી સેવા આપણને પરમસુખ અને શાંતિ અર્પે છે. ઈશ્વરને ઓળખવાનો આ એક માર્ગ પણ છે.
(૩) દરરોજ ધ્યાન ધરો. ધ્યાન ધરવું એટલે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. આપણું મન સ્વાભાવિક રીતે જ ચંચળ છે. દરરોજ થોડો સમય ધ્યાન ધરવાથી આપણે મનને રત રાખવાનો અભ્યાસ કરીએ છીએ. એનાથી એ સંયમમાં આવે છે અને ઊર્જાને બહાર લાવી શકીએ છીએ.
(૪) જ્યારે આપણે કામ કરતા હોઈએ, યાત્રા પ્રવાસે હોઈએ કે બીજું કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે ‘શું આ સાચું છે? હું શું કરી રહ્યો છું?’ એના પર વિવેકબુદ્ધિથી વિચાર કરવો.
(૫) દરેક કાર્યના શુભારંભ વખતે પ્રભુને પ્રાર્થો અને પછી કાર્યનો આરંભ કરો અને કાર્યના અંતે એને ભક્તિભાવે સમર્પિત કરી દો. આ બધાં સાધનોથી આપણે વધુ ઉન્નત થતાં રહીશું; સત્યની વધુ ને વધુ નજીક જઈશું.
આ રીતે આપણે ઘનિષ્ઠ શાંતિ અને આનંદનો અનુભવ કરવા માંડીશું. હજી પણ આપણે આ સાધના આગળ ધપાવી શકીએ. એનાથી આપણને સર્વોત્કૃષ્ટ આનંદ મળશે. આ પરમાનંદ અનન્ય છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘નરકાગાર સમા આ સંસારમાં જો એક માણસના હૈયામાં એક દિવસ પૂરતોય જરાક આનંદ અને શાંતિ લાવી શકાય, તો એટલું જ સાચું છે. મારી આખી જિંદગી દરમિયાન હેરાન થઈ થઈને હું આ શીખ્યો છું બાકીનું બધું ચાર દિવસની ચાંદની છે.’
બીજાને આનંદ આપતાં શીખો અને તમને આનંદ સાંપડશે. એનું કારણ એ છે કે તમારી અને બીજા વચ્ચે કોઈ ભેદ નથી. આપણે સૌ એક જ છીએ. બીજાને આનંદ આપવા આપણે એમની સેવા કરવી જોઈએ. પરમાનંદ કે સાચી શાંતિ મેળવવાનો આ ઉત્તમ માર્ગમાંનો એક છે. એટલે શ્રીમા સારદાદેવી કહે છે : ‘જો તમે શાંતિ ઇચ્છતા હો તો કોઈના દોષ જોશો નહિ, દોષ જોજો પોતાના. જગતમાં કોઈ પારકું નથી, આખું જગત તમારું છે.
Your Content Goes Here




