સ્વામી વિવેકાનંદજીના ‘સેવાયોગ’ના આદર્શથી પ્રેરાઈને ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ શ્રોફનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન શ્રોફની આગેવાની હેઠળ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ગરીબોના લાભાર્થે ગામડાઓમાં ચાલી રહી છે. તેની ઝલક શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, કલાલીના શ્રી એમ.એ.મકવાણા અહીં આપે છે. – સં.

તત્ત્વ દર્શન

‘દરેક આત્મામાં દૈવત્વ છુયાપેલું છે. બાહ્ય તેમજ આંતરિક રીતે પ્રકૃતિ (સ્વભાવ)ને અંકુશ હેઠળ લાવીને આપણામાં રહેલી દૈવી શક્તિને પ્રગટ કરવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ, આ માટે આપણે શ્રમ, ભક્તિ, મનોનિગ્રહ, કે તત્ત્વદર્શન દ્વારા – આમાંનાં એક, અનેક કે તમામ દ્વારા મુક્તિ પામીએ, આ જ સમગ્ર ધર્મનું રહસ્ય છે, આપણી માન્યતાઓ, શ્રદ્ધાઓ, વિધિઓ, ધર્મગ્રંથો કે અન્ય આકૃતિઓ એ ગૌણ બાબત છે.’

– સ્વામી વિવેકાનંદ

વિશ્વવંદનીય સ્વામી વિવેકાનંદના આદર્શોને પ્રત્યક્ષ કાર્યમાં નિરૂપણ કરીને મૂર્તિમંત કરવાના હેતુ સાથે ૧૯૮૦થી શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે. સમાજ પાસેથી આપણે શું મેળવીશે છીએ કે, સમાજ આપણને શું આપે છે એમ વિચારવા કરતાં સમાજ આપણને જે આપે છે તેનાં બદલામાં એ સમાજ માટે આપણે શું કરીએ છીએ? આ ભાવના અમારી કાર્યપ્રણાલીનાં મૂળમાં રહેલી છે. સ્વામીજીએ પ્રત્યેક આત્મામાં રહેલા દૈવત્વને પ્રગટ કરવા માટે ભક્તિ અથવા પ્રત્યક્ષ કામગીરી કે શ્રમ કરવાની વાત કહી છે, અમે ભક્તિ અને પ્રત્યક્ષ કામગીરીનો સમન્વય કરીને અમારાં કાર્યને મૂર્તિમંત કરવા પ્રયાસ કરીએ છીએ.

હેતુ

શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા જિલ્લાનાં ત્રણ કેન્દ્રો તેમજ ભરૂચ જીલ્લાના એક કેન્દ્ર હેઠળ કુલ ૪૦ જેટલાં ગામોમાં સેવા, સદ્ભાવ અને વિકાસલક્ષી કામગીરી કરે છે, આ કામગીરી દ્વારા લોકોની ઉત્પાદક્તા, ક્ષમતા, અને સર્જનશીલતાને ખીલવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે અમને વિવિધ ઉદ્યોગગૃહો, સરકારી અને બિનસરકારી સંસ્થાઓ સહયોગ આપે છે કાર્યક્રમોના સફળ અમલી કરણ માટે અમને શ્રીકાન્તિસેન શ્રોફ જેવા કુદરતી સંપદા વિકાસના નિષ્ણાંત અને સ્વામી વિવેકાનંદની ફિલસૂફીને જેમણે પ્રત્યક્ષ કામગરીથી સાકાર કરી છે એમનું માર્ગદર્શન અને દૃષ્ટિનો લાભ મળે છે. આ ઉપરાંત સમર્પિત અને કાર્યદક્ષ વિષય નિષ્ણાતોની ટીમ અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપે છે, જેના આધારે અમે ગ્રામ્યકક્ષાએ ઉપલબ્ધ જમીન, પાણી, ઊર્જા, પશુધન અને લોકોની અસરકારકતા વધે તેમજ બાળકો, બહેનો, યુવાનોમાં સર્જનશક્તિનો વિકાસ થાય તેવા કાર્યક્રમો, તેઓની જ સક્રિય સહભાગીતાથી સાકાર કરીએ છીએ.

ભારત એ ગામડાંમાં વસતો દેશ છે. ૭૦ % જેટલી વસતી આ ગામડાંઓમાં વસે છે, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓમાં વિશ્વના અન્ય વિકાશશીલ દેશોની સરખામણીમાં પણ આપણે ઊભા રહી શકીએ તેવી સ્થિતિ નથી. જેથી સમાજ અને રાષ્ટ્રની સાચી સેવા ગામડાંમાં વસતા દરિદ્ર નારાયણો થકી જ થઈ શકે. આ ભાવનાને આધારે અમારી પ્રવૃત્તિઓના સમગ્ર વ્યાપ પૈકી આરોગ્યને લગતી કામગીરી અગ્રસ્થાને રહી છે, વડોદરા શહેરથી ૧૦ કી.મી.ને અંતરે આવેલા કલાલી ગામમાં ભાડાના મકાનમાં એક નાના આરોગ્ય કેન્દ્રથી શરૂ કરાયેલી પ્રવૃત્તિઓ આજે તેની શાખાઓ અને પ્રશાખાઓમાં વિસ્તરીને આરોગ્ય કેન્દ્રની સાથે સાથે ગ્રામવિકાસની સમગ્ર પ્રવૃત્તિઓને આવરી લેતું સંકુલ બનીને વિકાસ પામ્યું છે. આ સંકુલમાંથી સેવા એ સદ્ભાવના સાથે સાથે વિકાસની મહત્ત્વાકાંક્ષાઓ ઘડવામાં આવે છે, અને સાકાર કરવામાં આવે છે.

ગ્રામ આરોગ્ય, સેવાનું પ્રથમ ચરણ

કલાલી ગામ અને આસપાસના ગામોથી શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેવા આજે વડોદરા જિલ્લાના એકલબારા અને છોટા ઉદેપુરના અંતળિયાળ આદિવાસી વિસ્તારો ઉપરાંત ભરૂચ જિલ્લાના પીલુદરા ગામ સુધી વિસ્તારવામાં આવી છે. આ તમામ સેંટરો ઉપર સામાન્ય કક્ષાની સારવાર માટેના આરોગ્ય જરૂરી સાધનોથી સજ્જ કેન્દ્રો ચલાવવામાં આવે છે. જ્યારે કલાલી ખાતેના મુખ્ય આરોગ્ય કેન્દ્રને તમામ પ્રકારની આધુનિક ટૅકનૉલૉજી યુક્ત સાધનો અને તમામ પ્રકારની બિમારીઓના નિષ્ણાત તબીબોથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં લગભગ દરેક પ્રકારના સામાન્યથી ગંભીર પ્રકારના રોગોનાં નિદાન, સારવાર અને જરૂરી ઑપરેશનો કરવામાં આવે છે. ૧૯૮૮ થી ૧૯૯૮ના દશ વર્ષના ગાળામાં આરોગ્ય કેન્દ્રની પ્રવૃત્તિઓએ સ્થાનિક ગ્રામ્યઆરોગ્યના ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સંસ્થાના કાર્યરત ત્રણ કેન્દ્ર પૈકી છોટાઉદેપુર વિસ્તાર મધ્યપ્રદેશ રાજ્યની સરહદે અડીને આવેલાં છે, સંપૂર્ણપણે આદિજાતિઓની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આરોગ્ય સેવાને નામે અક્ષમ્ય અરાજક્તા પ્રવર્તે છે. અહીં કોઈ પણ બાળકને રસી આપવામાં આવતી નથી, કોઈ સગર્ભા માતાઓને સારવાર મળતી નથી. આ સંજોગોમાં સામાન્ય બિમારીઓમાં તો લોકો સુવિધાને નામે કોઈ અપેક્ષા રાખતા પણ બંધ થયા છે, અહીં પ્રાયોગિક ધોરણે મોબાઈલ હેલ્થ સેવા અઠવાડિક રીતે શરૂ કરવામાં આવી. દૂર દૂરનાં કોતરો અને પહાડો પાછળનાં નાનાં નાનાં કસબાઓ જેવાં ગામોમાંથી દર્દીઓને ખાટલામાં કે ઝોળીમાં લઈ આવતા જોઈને આરોગ્ય લક્ષી સેવાઓની જરૂરિયાત કેટલી છે તેની પ્રતીતિ થઈ આવે છે. આ વિસ્તારની જરૂરિયાતોના અભ્યાસને આધારે આ વિસ્તાર ઉપરાંત પંચમહાલ જિલ્લાના નિમચ આસપાસના દર્દીઓ લાભ લઈ શકે એ હેતુથી બન્ને સ્થળોએ સ્થાનિક રીતે જ સર્વરોગ નિદાન કૅમ્પનાં આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી ૧૦ જેટલા કૅમ્પ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે જેમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જે પૈકી ૫૦ જેટલા ગંભીર પ્રકારના રોગોના દર્દીઓને આરોગ્ય કેન્દ્ર કલાલી ખાતે ઑપરેશનો કરવામાં આવ્યાં છે, આરોગ્ય સેવાના આ મહાયજ્ઞમાં અમને શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, શ્રીસયાજી જનરલ હૉસ્પિટલ, ઉદ્યોગગૃહો તેમજ સરકારના વિભાગો તરફથી સહકાર મળી શક્યો છે.

કુદરતી સંપદા વિકાસ અને વ્યવસ્થાપન

કુદરતી સંપત્તિઓનો વિકાસ અને વ્યવસ્થાપન એ ટ્રસ્ટનાં મુખ્ય હેતુઓ પૈકીનો એક હેતુ છે. જળ, જમીન અને જંગલોના આડેધડ ઉપયોગથી કુદરતી સમતુલન અસ્થિરતાને આરે જઈ રહ્યું છે, પાણીના બિનકાર્યક્ષમ ઉપયોગને પરિણામે જમીન અને જંગલની ઉત્પાદક્તા ઘટતી જાય છે, જેની સીધી અસર ગ્રામીણ પ્રજાનાં જીવન ધોરણ ઉપર પડી રહી છે. પરિણામે લોકો રોજગારીની શોધમાં શહેરો તરફ સ્થળાંતર કરતા થયા છે. આ પરિસ્થિતિને ટાળવા શ્રી કાન્તિસેન શ્રોફ યથાર્થ રીતે જ કહે છે કે, ગામડાનાં માણસને જમીન સાથે બાંધવો જોઈએ. આ આદિવાસી ખેડૂતોને જળ જમીન અને જંગલ વ્યવસ્થાપનનાં સહારે જમીન સાથે બાંધવાનું ભગીરથ કાર્ય ૧૯૯૫થી રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી આરંભવામાં આવ્યું. દુર્ગમ વિસ્તાર, અશિક્ષિત અને વ્યસનોના શિકાર બનેલી પ્રજા વચ્ચે કે, જ્યાં આધુનિકતાની હવાએ સ્પર્શ સુધ્ધાં કર્યો નથી, જાહેર સુવિધાના ક્ષેત્રે પંચાયતી રાજની કોઈ ભૂમિકા હોઈ શકે, તેની કલ્પના પણ જ્યાં નથી પહોંચી, એવા વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગુજરાતના અન્ય વિસ્તારોના પ્રમાણમાં સારો વરસાદ પડે છે, પરંતુ કોતરો, ઢોળાવો અને પથ્થરવાળી જમીનને લીધે પાણી જમીનમાં ઉતરવાને બદલે કોતરોમાંથી વહીને નદીઓમાં પહોંચી જાય છે જેને પરિણામે જમીનોનું મોટા પાયે ધોવાણ થવા સાથે ઉત્પાદક્તા પણ ક્રમશઃ ઘટતી જાય છે. આ વિસ્તારમાં જળ સંચય અને ભૂમિ સંરક્ષણના કામો ૨૦ ગામોમાં શરૂ કરવામાં આવ્યાં છે. આ કામો શરૂ કરતાં પહેલાં સ્થાનિક લોકોની સક્રિય સાથ-સહકાર મેળવવા માટે અલગ અલગ સ્તરની સમિતિઓ, સ્વયંસેવકો અને મંડળોની રચના કરવામાં આવી છે. લોકોની સક્રિય ભાગીદારીનાં પરિણામે જ જમીન વ્યવસ્થાપન, ખેતીવાડી, અને પશુપાલન વિકાસ સાથે સ્થાનિક કળા કારીગરોને તાલીમ, ધીરાણ અને રોજગારીના કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યાં છે.

જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવવા માટે બાંધવામાં આવતા જુદા જુદા સ્ટ્રકચર્સને પરિણામે ૧૦૭૦ જેટલા ખેડૂતોની ૨૫૦૦ હેક્ટર જમીનને આવરી શકાઈ છે. આ કામગીરી દરમ્યાન ૩૦૦૦ જેટલા લોકોને ૧૨,૫૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ મજૂરી પેટે ચૂકવવામાં આવી છે. આવી જ રીતે જળ સંચયના કાર્યક્રમોથી ૩૫૦૦ જેટલા લોકોને રોજગારીની તક આપીને ૧,૫૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. આ સીધા આર્થિક ફાયદાઓની સાથે સાથે જમીન સુધારણા અને જળસંચયની પ્રક્રિયાને પરિણામે લાંબા ગાળે ઉપજાઉ જમીનમાં વધારો થવાની સાથે ભૂગર્ભ જળનાં તળ પણ ઊંચાં આવશે. જમીનની ઉત્પાદક્તા અને ભૂગર્ભ જળ વધવાની સાથે સાથે ખેડુત બારમાસી ખેતી કરતો થશે – પરિણામે ખેડૂતને જમીન સાથે બાંધવાની પ્રક્રિયાનો પણ આરંભ થશે. છોટાઉદેપુરના આ વિસ્તારમાં જમીન અને જળ વ્યવસ્થાપનના કાર્યક્રમોની સાથે સાથે ખેતીવાડી વિકાસના કાર્યક્રમો પણ સઘન રીતે હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત કૃષિ યુનિ., આણંદ ઉપરાંત વિવિધ નિષ્ણાતોનાં માર્ગદર્શન હેઠળ આદિવાસી ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ ઉપરાંત વિવિધ પ્રકારના પાકોનાં નિર્દર્શન દ્વારા આધુનિક ખેતી કરતા કરી શકાયા છે. અમારા કૃષિ લક્ષી માર્ગદર્શન અને નિદર્શન ને પરિણામે ખેડૂતોને બે વર્ષના ગાળામાં રૂપિયા ૧૦ લાખ જેટલી વધારાની આવક મળી શકી છે. આમ શ્રીકાન્તિસેન શ્રોફની ખેડૂતને જમીન સાથે બાંધવાની વિચારસરણી સાકાર થઈ રહી છે.

‘ગ્રામ્ય સ્વચ્છતા અને મહિલા આરોગ્ય’ એક અભિયાન

અમારા કાર્ય વિસ્તારમાં અનુભવે એક વાત ધ્યાનમાં આવી હતી કે ગામડાઓમાં સેનીટેશનને લગતી સુવિધાઓ નહીંવત છે. શૌચાલયોને અભાવે લોકો ખુલ્લી જમીનોનો ઉપયોગ કરે છે, જેના પરિણામે ગંદકી અને પાણીજન્ય રોગોની વ્યાપક ફરીયાદો થાય છે. કેન્દ્ર અને રાજ્યસરકારના સહયોગથી ૪૫૦૦ જેટલાં સસ્તા પ્રકારનાં શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે તેવી જ રીતે નિર્ધૂમ ચૂલાઓના બાંધકામથી મહિલાઓને ધૂમાડાથી થતા રોગો સામે રક્ષણ આપવાની કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં આઠ વર્ષમાં ૨૫,૦૦૦ જેટલા ચૂલાઓનું બાંધકામ થયું છે.

પૂર રાહત કામગીરી – એક પડકાર

વડોદરા અને પાદરા તાલુકાઓનાં ગામો પૈકી કેટલાંક ગામો અતિવૃષ્ટિનાં વર્ષોમાં કાયમી રીતે પૂર ગ્રસ્ત રહે છે. અમારા સંસ્થા – કેન્દ્ર કલાલી સહિતનાં આ ગામો વિશ્વામિત્રી, ઢાઢર અને જાંબુરવા નદીના નીચાણમાં આવેલા છે. ૧૯૯૧, ૯૪ અને હાલ ૯૮ના વર્ષ દરમ્યાન આ નદીઓનાં પાણીએ ભારે વિનાશ સર્જ્યો છે. લોકોનાં રહેઠાણમાં પાણી ભરાઈ જતાં સંખ્યાબંધ મકાનો ધરાશાયી થયાં છે. અને દિવસોના દિવસો સુધી આ ભરાયેલા પાણીને પરિણામે રાંધવાનું પણ અશક્ય થઈ પડ્યું હતું. આ સંજોગોમાં અમે અમારા સેવાભાવી મિત્રોની ઉદારતા અને સહયોગથી આ પૂર પીડિત લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ચાલુ સાલે દશ ગામોમાં કુલ પ૦૦ જેટલાં કુટુંબોને પાંચ દિવસો સુધી તૈયાર ભોજન તેમજ અન્ય ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે. સાથે સાથે રોગચાળો ફાટી ન નીકળે તે માટે પીવાના પાણીમાં ક્લોરિનેશન અને શેરીઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.

મહિલા-બાળ વિકાસ અને યુવા રોજગાર

ગ્રામીણ મહિલાઓ રોજગારીના ક્ષેત્રે આગળ આવે અને સ્વમાન ભેર જીવતી થાય, સમાજમાં તેનાં માન-મોભો વધે એ દિશામાં સઘન કામગીરી કરવામાં આવે છે. બે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ઉપરાંત કચ્છી ભરતકામ, મોતીકામ, વાંસકામ અને માટીનાં વાસણો અને રમકડાંની કામગીરીમાં 3૦૦ જેટલી બહેનોને સાંકળી લેવામાં આવી છે. આ બહેનોએ ગત વર્ષે અગિયાર લાખ રૂપિયા જેટલો નફો કમાઈને પોતાના કુટુંબોની સંયુક્ત આવકમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આવી જ રીતે યુવકો પણ પગ ભર થઈને સ્વમાનભેર જીવતા થાય, તે હેતુથી તેમની કારીગરીમાં તાલીમ દ્વારા વૃદ્ધિ લાવીને સ્વરોજગાર મેળવતા કર્યા છે.

બાળકો એ ભવિષ્યની પેઢી અને તેના ઘડતરનું એક અગત્યનું અંગ છે. બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ થાય, ભારતીય મૂલ્યોની સભાનતા કેળવાય, દેશભક્તિનું સિંચન થાય અને ભાવિના પ્રબુદ્ધ નાગરિકો બને તે માટે ડૉક્ટર રમેશ ગાંધી સ્મારક બાળકેન્દ્રના ઉપક્રમે કાર્યક્ષેત્રનાં ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓ કાયમી રીતે હાથ ધરવામાં આવી રહી છે.

અભ્યર્થના

આમ, શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી ગ્રામ વિકાસ તત્ત્વદર્શનને ચરિતાર્થ કરવાના નમ્ર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પૂ.કાન્તિસેન શ્રોફ કે, જેઓએ આ તત્ત્વદર્શનને કાર્યાન્વિત છે, અને સ્વર્ગીય પૂ.ગોવિંદજી શ્રોફ કે, જેઓએ આ તત્ત્વદર્શનને જીવી દેખાડ્યું છે તેવા દીર્ઘદૃષ્ટાઓની સતત પ્રેરણા મળતી રહે છે, તે અમારું સૌભાગ્ય છે. જેના સહારે અમને વધુ ને વધુ લોકોન સેવા કરવાની શક્તિ મળે એવી અભ્યર્થના કરીએ છીએ.

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.