એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે ખગેન મહારાજ (સ્વામી વિમલાનંદ) અને સુશીલ મહારાજ પણ હતા. યોગીન મહારાજ, કૃષ્ણલાલ અને અમે પણ સ્વામીજી સાથે ઉપરના માળે શ્રીશ્રીમા પાસે ગયા. શ્રીશ્રીમા પોતાનું આખું શરીર એક ચાદરથી ઢાંકીને એક ખૂણામાં ઊભાં હતાં. કૃષ્ણલાલ એમની નજીક ઊભા રહીને શ્રીશ્રીમાના ઉત્તર સ્વામીજીને સંભળાવવા લાગ્યા.
અહીં એ દર્શાવી દેવું ઉચિત રહેશે કે મોટા લોકોમાં એકાદ બે સિવાય અમે શ્રીશ્રીમાને ક્યારેય બીજા કોઈ સાથે વાતો કરતાં જોયાં ન હતાં. આવા પ્રસંગે નાનેરામાંથી કોઈ એકને એમની પાસે રહેવું પડતું, જેથી એમના દ્વારા તેઓ પોતાની વાત કહેવડાવી શકતાં. જે મોટેરાઓ સાથે તેઓ વાત કરતાં તેમાં લાટુ મહારાજ, ગોપાલદા કે વૃદ્ધગોપાલ અને ભક્ત શ્રેણીના નાગમહાશયનો સમાવેશ થાય છે. જેમની સાથે તેઓ વાતચીત ન કરતાં તેવા લોકો આવે ત્યારે તેઓ પોતાના આખા શરીરને (ચરણ સિવાય) ઢાંકીને ઊભાં થઈ જતાં અને એ ચાલ્યા જાય પછી ચાદર હટાવી લેતાં.
સ્વામીજીએ આવીને જ્યારે પ્રણામ કર્યા, ત્યારે એમણે ચાદરમાંથી પોતાનો જમણો હાથ બહાર કાઢીને સ્વામીજીના મસ્તકને સ્પર્શ કરીને તેમને આશીર્વાદ આપ્યા. સ્વામીજી પછી અમે પણ વારા ફરતી શ્રીશ્રીમાને પ્રણામ કરીને ઓરડાની બહાર ઓસરીમાં બેઠા. શ્રીશ્રીમા અને કૃષ્ણલાલ અંદર જ રહ્યાં. સ્વામીજીએ માને આદર સાથે કહ્યું, ‘‘મા, તમારા ઠાકુર એવા જ છે! કાશ્મીરમાં એક ફકીરનો ચેલો મારી પાસે આવતો-જતો હતો. એટલે ફકીરે મને શાપ આપ્યો, ‘ત્રણ દિવસની અંદર ઝાડાને કારણે આ સ્થાન છોડીને ચાલ્યા જવું પડશે.’ – અને થયું પણ એવું જ. મારેે તે સ્થાન છોડીને ચાલ્યા જવું પડ્યું. તમારા ઠાકુર કંઈ ન કરી શક્યા.’’ શ્રીશ્રીમાએ ઉત્તર પાઠવ્યો, ‘વિદ્યા! વિદ્યાને તો માનવી જ પડે, બેટા! બધી વિદ્યાઓ વિદ્યા જ છે. અને તેઓ (ઠાકુર) એમને તોડવા તો આવ્યા ન હતા. આપણા ઠાકુર તો છીંક અને ગરોળીના કટકટ અવાજમાં પણ માનતા. સાંભળ્યું છે કે શંકરાચાર્યે પણ પોતાના દેહમાં રોગને સ્વીકારી લીધો હતો. તમારા શરીરમાં રોગ આવવો અને ઠાકુરના દેહમાં પણ રોગ આવવો એ એક જ વાત છે.’ સ્વામીજીએ કહ્યું, ‘તમે ભલે ગમે તે કહો પણ હું તમારી વાત માનતો નથી. તે બ્રાહ્મણ (ઠાકુર) કંઈ નથી.’ પછી શ્રીશ્રીમાએ ઉત્તર અપાવ્યો, ‘ન માનવાનો તો કોઈ ઉપાય ક્યાં છે, બેટા? તમારી ચોટલી (એમના હાથમાં) બંધાયેલી છે.’ સ્વામીજી સજલ નેત્રો સાથે ઊભા થયા અને થોડીવાર શ્રીશ્રીમાનાં બન્ને ચરણ પકડી રાખ્યાં અને ત્યાર બાદ તેઓ નીચે ઊતરી ગયા. અમે બધાએ એમનું અનુસરણ કર્યું. કૃષ્ણલાલ પ્રસાદ લાવ્યા એટલે એમણે મસ્તકે અડાડીને એનો સ્વીકાર કર્યો.
આજે કાલીપૂજાનો દિવસ છે. બેલુરમાં નવા મઠભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે. નીલાંબર મુખોપાધ્યાયનું મકાન છોડીને મઠવાસી પોતાના ભવન-નવા મઠમાં આવી ગયા છે. મઠના ભવનનું નિર્માણકાર્ય શરૂ થતા પહેલાં જ ભગિની નિવેદિતા અને બન્ને અમેરિકન મહિલાઓ બાલીમાં ‘રિવર ટોમસન સ્કૂલ’ ની પાસે ગંગાને કિનારે એક નાના સુંદર એક માળના મકાનમાં ચાલ્યાં ગયાં હતાં. હવે બન્ને અમેરિકન મહિલાઓ સ્વદેશ પાછા ફરતાં ભગિની નિવેદિતાએ બાલિકા વિદ્યાલય માટે બોઝપાડા લેઈનના ૧૬ નંબરનું મકાન ભાડે લીધું છે. (આ ભવનમાં બાલિકા વિદ્યાલયનું ઉદ્ઘાટન-અનુષ્ઠાન શ્રીશ્રીમાના હસ્તે રવિવાર ૧૩ નવેમ્બર, ૧૮૯૮-કાલીપૂજાના દિવસે થયું હતું.)
કાલીપૂજા હોવાથી આજે મઠવાસીઓ માટે આનંદનો દિવસ હતો. બધા લોકો વહેલી સવારે ઊઠી ગયા છે. બધાના ચહેરા પર આનંદ છલકાય છે. રાખાલ મહારાજના આદેશથી મઠ અને મંદિરના દરવાજા પર મંગલ ઘટ અને કેળનાં વૃક્ષો રાખવામાં આવ્યાં છે. નંદલાલ ભંડાર અને એની સાથે શ્રીઠાકુરપૂજાના આયોજનમાં વ્યસ્ત છે. નિષ્ઠાવાન બ્રાહ્મણ ક્ષીણકાય હોવા છતાં કમર કસીને કામમાં મગ્ન છે. શરત્ મહારાજ મઠના વ્યવસ્થાપક છે. પોતે જ મઠભવન, પૂજાઘર, રસોડું, ભંડાર વગેરેની સાફ-સફાઈ કરાવતા ફરી રહ્યા છે. સ્વામીજી મઠમાં જ છે. બધા લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે. આજે કાલીપૂજાના ઉપલક્ષ્યમાં મઠમાં સ્વયં મહામાયા-શ્રીશ્રીમા પધારી રહ્યાં છે. (શ્રીશ્રીમા સારદાદેવી : સ્વામી ગંભીરાનંદ સં. ૧૯૮૧, પૃ. ૨૨૮) એટલે આજે મઠવાસીઓના મનમાં જાણે કે આનંદ સમાતો નથી.
જોતજોતામાં શ્રીશ્રીમાની હોડી મઠભૂમિ પાસે આવી ગઈ. પહેલાંની જેમ જ આજે પણ એમની સાથે જ બધા લોકો આવ્યા છે. સારદા મહારાજ (સ્વામી ત્રિગુણાતીતાનંદ) પણ આવ્યા છે. ક્રમશ : માસ્ટર મહાશય, કિશોરીબાબુ (ઉર્ફે અબ્દુલ) વગેરે આવી પહોંચ્યા.
શ્રીશ્રીમા હોડીમાંથી ઊતરીને બધાના પ્રણામ સ્વીકારીને, હાથ-પગ ધોઈને સીધાં મંદિરમાં ચાલ્યાં ગયાં અને ‘આત્મારામ’ની પૂજામાં બેસી ગયાં. (શ્રીરામકૃષ્ણના દેહત્યાગ પછી એમનાં અસ્થિ એક તામ્રપાત્રમાં રાખ્યાં હતાં અને મઠમાં એની નિત્ય પૂજા થતી. તે દિવસે એને વેદીના પ્રકોષ્ઠમાં રાખવામાં આવ્યાં હતાં. સ્વામીજીએ એને ‘આત્મારામ’ નામ આપ્યું હતું.) શ્વેત આરસમાંથી નિર્મિત શ્રીઠાકુરની વેદીમાં બનેલા નાના કબાટમાંથી ‘આત્મારામ’ને બહાર કાઢીને પ્રેમભક્તિભાવે પૂજા કરવા બેઠાં. એમનાં બન્ને નેત્રોમાંથી અવિરત પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં, બન્ને હાથ કંપવા લાગ્યા, ઘણીવાર સુધી તેઓ આત્મારામને હૃદય સાથે ચાંપી રહ્યાં.
શ્રીશ્રીમાના આત્મસ્થ થયાના ખબર વિદ્યુત વેગે મઠવાસીઓમાં ફેલાઈ ગયા. એને લીધે બધા આનંદથી અધીર બનીને નીચે વૃક્ષતળે એકત્ર થઈને ખોલ-કરતાલ લઈને ગાવા અને નૃત્ય કરવા લાગ્યા. બધા ગોળ ગોળ ફરીને ગાતા હતા અને નૃત્ય કરતા હતા, સાથે ખોલ-કરતાલ વગાડતા હતા. કોઈ બાકી ન હતું. બધા એકત્રિત થઈ ગયા. બધા પોતે મતવાલા બનીને સૌના પ્રાણ ઉન્મત્ત કરતા ગાવા લાગ્યા. ગીતનો ભાવાર્થ આવો હતો :
પિતા સાથે રમીશું, મા ગોદમાં લેશે; આવો બધા,
મળીને ‘જય મા’ કહીને પુકારીએ.
પિતા પાગલ ભોળાનાથ છે
અને મા છે પાગલ નારી,
મા કેટલી સુંદર છે,
જરા જુઓ ધ્યાનથી!
ધે ધે ધે, આવો દોડીને,
આવો, અમે માના પુત્રો માને પામ્યા છીએ.
સ્વામીજી અત્યાર સુધી ઉપર પોતાના ઓરડામાં હતા. નૃત્યગીત સાંભળીને તેઓ પોતાની જાતને રોકી ન શક્યા અને નીચે આવીને નૃત્યવૃંદમાં સામેલ થઈ ગયા. તેઓ સાથે હોવાથી બધાની ભીતર દૈવીશક્તિ જાગી ઊઠી, બધા આત્મવિભોર બનીને ‘પિતા સાથે રમીશું, મા ગોદમાં લેશે’ વગેરે દોહરાવતા દોહરાવતા ગાવા લાગ્યા. સ્વામીજીએ વધુ ઉત્સાહિત કરતાં કહ્યું, ‘ગાઓ, ગાઓ’ અને જે લોકો નૃત્ય કરી રહ્યા હતા તેમને અંગભંગીમા બતાવીને નૃત્યમાં પ્રોત્સાહિત કરવા લાગ્યા. ત્યાર પછી તેઓ પોતે જ મૃદંગ લઈને વગાડવા લાગ્યા અને ગાતાં ગાતાં નૃત્ય કરવા લાગ્યા. આ અપૂર્વ દૃશ્ય હતું. એ દૃશ્ય જેમણે જોયું, તે ધન્ય છે! ઘણા સમય સુધી આ રીતે આવું ચાલ્યું. પછી આખરે મૃદંગની ગતિ ધીમી પડી, એના પ્રમાણમાં ગાવાની ગતિ ધીમી પડી. ધીરે ધીરે સમવેત કંઠથી ગીત ચાલુ રહ્યું – ‘પિતા રમશે, મા ગોદમાં લેશે.’
લગભગ દોઢ કલાક પૂજા કર્યા પછી શ્રીશ્રીમાએ પોતાની સાડીના પાલવને ગળે લપેટીને જમીન પર મસ્તક ટેકવીને પ્રણામ કર્યા અને કંપતા હાથે આત્મારામને પુન : કબાટમાં રાખી દીધા અને પછી એને તાળું મારી દીધું.
બપોર પછી ભગિની નિવેદિતા આવ્યાં. શ્રીશ્રીમા જ્યારે બોઝપાડા લેઈન પાછાં આવ્યાં ત્યારે એમની નાવ સાથે ભગિની નિવેદિતા એક બીજી અન્ય નાવમાં સ્વામીજી, રાખાલ મહારાજ અને શરત્ મહારાજને લેવા ગયા ત્યાર પછી ઉપર્યુક્ત ૧૬ નંબર બોઝપાડા લેઈનના ભવનમાં એ લોકોની ઉપસ્થિતિમાં બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી. (શ્રીશ્રીમા સારદાદેવી : સ્વામી ગંભીરાનંદ, સં. ૧૯૮૧, પૃ.૨૮૮)
થોડા દિવસો પછી યોગીન મહારાજ બીમાર પડ્યા. રોગ ક્રમશ : વધતો ગયો. નિત્યનું ભોજન લેવાનું બંધ થયું. ડાૅક્ટર તપાસવા આવતા. પહેલાં પ્રસિદ્ધ ડૉ. વિપિન વિહારી ઘોષ અને શશિભૂષણ ઘોષે આવીને એમને ચકાસીને સંગ્રહણીના રોગનું નિદાન કર્યું. સુખ્યાત વૈદ્યો પણ આવ્યા. કોઈ પણ રીતે રોગ દૂર ન થયો.
કૃષ્ણલાલ એકલા એમની સેવા કરી શકતા ન હતા. એટલે એમની સહાયતા માટે મઠમાંથી આ લેખક આવ્યા. દિવસે કૃષ્ણલાલ અને લેખક અને રાત્રે સારદા મહારાજ સેવા કરવા લાગ્યા. સારદા મહારાજ દિવસે કંબૂલિયા ટોલામાં આવેલ ઉદ્બોધન પ્રેસનું કામ જોતા અને રાત્રે અમને આરામ આપવા યોગીન મહારાજની સેવા કરતા. કૃષ્ણલાલ શ્રીશ્રીમાના શિષ્ય હોવા છતાં પણ યોગીન મહારાજના વિશેષ અનુરાગી હતા. મળમૂત્રની સફાઈનું કામ તેઓ બીજા કોઈને કરવા ન દેતા. એ કામ પોતે જ કરતા. આ લેખક વેન્જર્સ ફૂડ (માંદા માણસ માટેનો પથ્ય આહાર) બનાવવા, સમય પ્રમાણે દવા તથા પથ્ય આપવા અને પરિચર્યાનાં અન્ય સાધારણ કાર્ય કરવા લાગ્યા. અવકાશ મળે એટલે ઉપર શ્રીશ્રીમા પાસે જતો અને રોગીની હાલત વિશે બધું બતાવતો. તેઓ પણ બધું ધ્યાનથી સાંભળતાં. તેઓ વિભિન્ન વાતો કહેતાં. આવતી વખતે ખાવાનું આપતાં. એ દિવસોમાં ઘણાં ઓછાં સ્ત્રી કે પુરુષ ભક્તો શ્રીશ્રીમા પાસે આવતાં. શ્રીશ્રીમાની ઘરગૃહસ્થીમાં આવક ઓછી હતી. ગમે તેમ કરીને ખર્ચ પૂરો પડી રહેતો. એક દિવસ ઉપર જઈને જોયું તો એક સ્ત્રીભક્ત બેઠાં છેે. મને જોતાં જ એમણે શ્રીશ્રીમાને પૂછ્યું, ‘આ શું આપણા મહારાજના ભાઈ છે?’ શ્રીશ્રીમાએ હા કહીને એમની સાથે પરિચય કરાવ્યો. શ્રીશ્રીમાએ કહ્યું, ‘આ મેનીની માતા છે (રાજબાલા ઘોષ શ્રીશ્રીમાનાં મંત્રશિષ્યા હતાં. એમના પુત્ર નરેશચંદ્ર ઘોષ – ગૌર પણ શ્રીશ્રીમાના શિષ્ય હતા. મેની એમની મોટી બહેનનું નામ હતું.) , ખૂબ ભક્તિવાળાં છે.’ પછીના સમયમાં અમારે કેટલાય દિવસ મેનીનાં માતાને ત્યાં ખાવું પડ્યું હતું.
યોગીન મહારાજનો રોગ ક્રમશ : વધતો ગયો. બોલવાની શક્તિ પણ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. અત્યંત ધીમા અવાજે પોતાની વાત કહેતા. બધા ચિંતિત થઈ ગયા. વિશેષત : શ્રીશ્રીમા અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયાં. મઠમાંથી ગુરુભાઈઓ એમને જોવા આવવા લાગ્યા. એક દિવસ એમના પિતા નવીનચંદ્ર ચૌધરી મહાશય એમને જોવા આવ્યા. અમે લોકો પ્રાણપણથી સેવા કરતા રહ્યા.
એ સમયે અન્ય દિવસની જેમ એક દિવસ સવારે શ્રીશ્રીમા માટે પૂજા નિમિત્તે માળીએ આપેલાં ફૂલ લઈને જ્યારે હું ઉપર ગયો અને જોયું તો શ્રીશ્રીમા પોતાના ઓરડામાં પશ્ચિમ તરફ મુખ રાખીને પગ પસારીને ચૂપચાપ બેઠાં છે. એમના બન્ને ગાલ પરથી આંસુની ધારા વહે છે. એમને એ ભાવમાં જોઈને મેં ધાર્યું કે તેઓ રોગી માટે રડે છે. મારી ક્ષુદ્ર બુદ્ધિમાં જે કંઈ આવ્યું તે બધું કહીને એમને સમજાવતો હતો. એમણે મારી વાતો સાંભળી કે નહીં, એનો મને ખ્યાલ ન આવ્યો. થોડીવાર પછી અધીર બનીને એમણે કહ્યું, ‘મારા બેટા યોગીનનું શું થશે, બેટા?’ મેં કહ્યું, ‘મા, તમે શા માટે ચિંતા કરો છો, એમને સારું થઈ જશે.’ એમણે કહ્યું, ‘પરંતુ મેં જે જોયું છે, બેટા.’ મેં કહ્યું, ‘મા, તમે શું જોયું છે?’ તેમણે કહ્યું, ‘સવારે જોયું તો શ્રીઠાકુર તેને લેવા આવ્યા છે.’ આટલું કહીને તેઓ રડવા લાગ્યાં. તેમને રડતાં જોઈને મારી આંખો પણ ભીની થઈ ગઈ. પણ પછીની ક્ષણે તરત જ સતર્ક કરતાં કહ્યું, ‘કોઈને આ વાત ન કરતો. કોઈને કહેવું ઉચિત નથી.’ મેં કહ્યું, ‘સારું મા, હું કોઈને નહીં કહું.’ એમને વચન તો આપી દીધું હતું અને એ જ કારણે હજુ સુધી કોઈને આ વાત મેં કરી નથી. કોણ જાણે કેમ કલમ દ્વારા એ વાત પ્રગટ થઈ ગઈ. તેઓ ફરીથી કહેવા લાગ્યાં, ‘યોગીન મારો દીકરો છે, જેમ સારદા છે તેમ યોગીન પણ છે, વગેરે.’ (આ પહેલાં શ્રીશ્રીમા પાસેથી સાંભળ્યું હતું કે યોગીન મહારાજ અને સારદા મહારાજ શ્રીઠાકુરના શિષ્ય હોવા છતાં, શ્રીશ્રીમાએ એમને દિક્ષા આપી હતી.)
ખૂબ સમજાવ્યા પછી શ્રીશ્રીમા જ્યારે પૂજા કરવા બેઠાં ત્યારે હું નીચે ઊતરી ગયો. આવીને જોયું તો રોગીની સ્થિતિ ઘણી ખરાબ હતી. સારદા મહારાજ એ દિવસે ઉદ્બોધનના કાર્ય માટે ન ગયા. ડૉ. શશીભૂષણ ઘોષે સારદા મહારાજને અલગ લઈ જઈને કોણ જાણે શું શું બતાવ્યું અને કહ્યું. બપોર થતાં જ તબિયત સાવ બગડી ગઈ. તે વખતે ચૈત્ર માસનો મધ્ય ભાગ હતો. (સ્વામી યોગાનંદનો દેહત્યાગ ૨૮ માર્ચ, ૧૮૯૮ના રોજ થયો હતો.) બપોરે ખ્યાલ આવ્યો કે તેઓ ખરેખર અમને છોડીને ચાલ્યા જશે. મઠમાં જાણ કરી. સંધ્યા પહેલાં રોગીનો ચહેરો એક અપૂર્વ જ્યોતિથી આલોકિત થઈ ઊઠ્યો હતો. કૃષ્ણલાલ માથા પાસે બેઠા હતા. તેઓ મોટે સાદે રડી પડ્યા. એમનું રુદન સાંભળીને ઉપર શ્રીશ્રીમા પણ જોરથી રડવા લાગ્યાં. આ પહેલાં મેં શ્રીશ્રીમાને ક્યારેય મોટે સાદે બોલતાં પણ નથી સાંભળ્યાં. આજે એનાથી ઊલટું થયું. એમના આર્તનાદથી વ્યથિત થઈને હું એમનાં બન્ને ચરણ પકડીને એમને શાંત થવા અનુનય વિનય કરવા લાગ્યો, પણ એમાં સફળ ન થયો. તેઓ બોલી ઊઠ્યાં, ‘તું જા, મારો યોગીન મને છોડીને ચાલ્યો ગયો.’
મઠમાંથી સંન્યાસીઓ આવી પહોંચ્યા. ખોકા મહારાજે (સ્વામી સુબોધાનંદે) પોતાના હાથે યોગીન મહારાજના શરીર પર વિભૂતિ લગાડીને પૂજા અને આરતી કર્યાં. હાલમાં જ સ્થપાયેલ રામકૃષ્ણ મિશનના કેટલાક સભ્યો પણ આવી ગયા. (થોડા સમય પહેલાં સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, તેનું નિયમિત અધિવેશન દર રવિવારે સંધ્યા સમયે રમાકાંત બસુ સ્ટ્રીટમાં બલરામ ભવનના ઉપરના હોલમાં મળતું. યોગીન મહરાજે એકવાર એક અધિવેશનમાં ટૂંકું વ્યાખ્યાન આપ્યું હતું. બીજા વક્તાઓમાં નાટ્યાચાર્ય ગિરીશચંદ્ર, ડૉ. શશીભૂષણ ઘોષ, સ્વામી ત્રિગુણાતીતાનંદ વગેરે હતા. સભ્યોમાં મુખ્ય હતા, શરત્ સરકાર, ચૂનીલાલ બસુ, અસીમકુમાર બસુ અને શૈલેન્દ્ર બસુ.) મૃતદેહને પુષ્પ, ગંધ અને માળાથી સજાવીને ખાટ પર રાખવામાં આવ્યો. કેવળ સારદા મહારાજને શ્રીશ્રીમાના ઘરે છોડીને બાકીના બધા લોકો શબદેહની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જ્યારે સ્વામી યોગાનંદનો નશ્વરદેહ શોભાયાત્રા સાથે કોલકાતાના બાગબાઝાર વિસ્તારથી બેલુર મઠના સંન્યાસીઓ દ્વારા વહન કરીને ગુરુગંભીર ‘હરિ ૐ તત્ સત્’ના ધ્વનિ સાથે કાશીમિત્ર ઘાટ તરફ લઈ જવાતો હતો ત્યારે રાતના લગભગ ૯ વાગી ગયા હતા. આ અભૂતપૂર્વ દૃશ્ય અને ધ્વનિથી મહોલ્લાનાં આબાલવૃદ્ધ – સ્ત્રીઓ આકર્ષાઈને પોતાનાં ઘરમાંથી બહાર નીકળ્યાં અને એ મહાપુરુષને શ્રદ્ધાંજલિ પ્રદાન કરવા લાગ્યાં. કોલકાતા માટે આ એક નવીન દૃશ્ય હતું.
યથાસમયે શબ ચિતા પર રાખીને સંન્યાસીઓએ અગ્નિદાહ દીધા પછી એમના સમવેત કંઠમાંથી નીકળેલ આ દેવમંત્ર સ્મશાનભૂમિમાં ગૂંજવા લાગ્યો :
वायुरनिलममृतम् अथेदं
भस्मान्तं शरीरं ।
ॐ क्रतो स्मर, कृतं स्मर,
क्रतो स्मर, कृतं स्मर ।।
અને જોતજોતામાં માત્ર ચિતાભસ્મ રહી ગઈ. ભસ્મસ્તૂપને પવિત્ર ભાગીરથીના જળથી ધોવાઈ રહ્યો હતો. એ જ સમયે નાટ્યસમ્રાટ ગિરીશચંદ્ર થિયેટરથી ત્યાં આવ્યા અને પોતાની શ્રદ્ધાનાં આંસુથી અંજલિ આપીને પોતાનું યોગદાન આપ્યું.
બધું સમાપ્ત થયા પછી ખોકા મહારાજ કેટલાંક અસ્થિ એકત્ર કરીને લઈ આવ્યા અને એમને એક પાત્રમાં રાખી દીધાં. પછી યોગીન મહારાજનું એક તૈલચિત્ર બનાવીને મંદિરની બહાર ઓસરીમાં લગાડી દીધું.
પછીના દિવસે મેં શ્રીશ્રીમાને આવું દુ :ખપૂર્વક કહેતાં સાંભળ્યાં, ‘મકાનની એક ઈંટ ખસી ગઈ!
યોગીન મહારાજના દેહત્યાગ પછી શ્રીશ્રીમાના ઘરમાં કૃષ્ણલાલ જ રહી ગયા અને સારદા મહારાજ દરરોજ રાત્રે ઉદ્બોધનમાંથી પાછા ફરીને ત્યાં રહેવા લાગ્યા.
Your Content Goes Here




