(વિમલ વ. દવે મકરંદભાઈના ભત્રીજા તથા મકરંદભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો  ઊંડો અભ્યાસ છે. -સં.)

૧૩મી નવેમ્બર, ૨૦૨૧થી ૧૩મી નવેમ્બર ૨૦૨૨, આપણા મૂર્ધન્ય કવિ મકરન્દ દવેનું શતાબ્દી વર્ષ છે. મકરન્દભાઈ કવિ તો હતા, પરંતુ એ ઉપરાંત એક હાડસાચા અધ્યાત્મપુરુષ હતા. છેક બાળપણથી રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા સાથે એમનો ભાવનાત્મક સંંબંધ રહ્યો. એમની કિશોરાવસ્થાથી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એમનો અતિ પ્રિય ગ્રંથ રહ્યો. એમના મોટાભાઈ અને મારા પિતાશ્રી વસંતભાઈ કહેતા કે કિશોર મકરન્દ પાટ પર ઝૂલતો હોય, હાથમાં ‘કથામૃત’ હોય અને આંખોમાંથી અશ્રુધારા વહેતી હોય, એવું એમણે ઘણી વખત જોયું છે. એમના વડીલ મિત્ર, ગાંધીજીના ખૂબ નજીકના અનુયાયી અને ગુજરાતી સાહિત્યના સમર્થ ગદ્યકાર સ્વામી આનંદે મકરન્દભાઈની સૂક્ષ્મ આધ્યાત્મિક ઉપલબ્ધિને પીછાણી, એમને ‘સાંઈ’નું ઉપનામ આપ્યું હતું. સ્વામી આનંદ અને મકરન્દભાઈ  વચ્ચેનો પત્રવ્યવહાર ‘સ્વામી અને સાંઈ’ના શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયો છે. સ્વામી આનંદ પરના તા.૨૨-૦૪-૧૯૫૬ના એક પત્રમાં મકરન્દભાઈ લખે છેઃ

સાંઈ મકરન્દ

‘રામકૃષ્ણનું સાહિત્ય મેં ખૂબ ખૂબ, વારંવાર વાંચ્યું છે. તેમને અને ટાગોરને મૂળમાં વાંચવા બંગાળી શીખ્યો અને રામકૃષ્ણ વિશે કેટલાક અજબ અનુભવો પામ્યો છું. તમે તો કદાચ તેમના સીધા શિષ્યોના સંબંધમાં પણ આવ્યા હશો. મને એમનાં સ્મરણો કહી શકો? એ બધા ગોપાલના ગોઠિયાઓ વિશે જાણવાની ઇંતેજારી રહ્યા જ કરે છે. સ્વામી તુરીયાનંદજીના પરિચયમાં તમે આવેલા? ‘Don’t plan. Mother`s will shall come to pass’ કહેનાર એ ભારે મસ્તરામ છે.’  

સ્વામી આનંદ એમના છેક બાળપણથી સાધુ થવા નીકળી પડેલા. રામકૃષ્ણદેવના સીધા શિષ્યોના સંપર્કમાં આવવાનું સદ્‌ભાગ્ય એમને પ્રાપ્ત થયું હતું. પોતાને હંમેશાં રામકૃષ્ણમતાનુયાયી સાધુ તરીકે ઓળખાવતા. તેઓ એમના ૨૭-0૪-૧૯૫૬ના મકરન્દભાઈ પરના પત્રમાં લખે છેઃ ‘હું મૂળે નાનપણથી રામકૃષ્ણાઈન સાધુ છું. સ્વામી તુરીયાનંદજી અને બીજા  direct disciplesના સમાગમમાં વહેલી વયે આવેલો. સાધુઓ પાસે જ ભણ્યો, શીખ્યો. ઘેર તો મરાઠી ત્રણ ચોપડી જ ભણેલો. રામકૃષ્ણ-ઠાકુરની દુનિયાના જ સંસ્કાર શરૂથી પડ્યા ને ન્યાલ થઈ ગયો.’ 

વળી, એક બીજા પત્રમાં (તા. ૨૧-0૧-૧૯૫૭) સ્વામી આનંદ લખે છેઃ ‘રામકૃષ્ણદેવના ૧૧ direct disciples ને મેં  જોયેલા. બીજા પણ ઘણા પરિચિતો પાસે હું ભણેલો. માસ્ટર મહાશય અમ પર બહુ માયા રાખતા.’

સ્વામી આનંદ તુરીયાનંદજીના ગાઢ સંપર્કમાં આવ્યા હતા, એ જાણીને મકરન્દભાઈ એમને લખે છે (તા. ૧૨-0૧-૧૯૫૭નો પત્ર):

‘દાદા, તમે સ્વામી તુરીયાનંદજીના પરિચયમાં આવ્યા હતા એ હકીકત વાંચી મને કેટલો આનંદ થયો હશે, એની કલ્પના કરી શકો છો? બહુ નાનપણથી રામકૃષ્ણનું નામ પડતાં, અમે કેટલાક લંગોટિયા ભાઈબંધો ગાય પાછળ વછેરું દોડે એમ દોડતા… અદમ્ય આકર્ષણથી હૃદય એના તરફ ખેંચાય છે. રામકૃષ્ણનો ફોટો જોઈને, અમે નાચ્યા છીએ ને છાતીફાટ રડ્યા છીએ. કોઈની સાડીબાર ન રાખે, એવા મસ્તાન બાદશાહો જેવા આ મિત્રો રામકૃષ્ણનું નામ પડતાં પાણી પાણી થઈ જાય છે. ‘પાગલા આમાર બાબા, પાગલી આમાર મા, આમી તાર પાગલ છેલે.’’

સ્વામી આનંદ

મકરન્દભાઈ સંતસમાગમના તો જાણે બંધાણી હતા. એક મુલાકાતમાં તેઓ કહે છે કે શ્રીરામકૃષ્ણ આશ્રમના એક સાધુ ગિરનાર તપશ્ચર્યા કરવા જતા, ત્યારે વચ્ચે ગોંડલ તેમની મુલાકાત અવશ્ય લેતા.

‘મજલો આમાર મન-ભ્રમરા કાલીપદ નીલકમલે, કાલીપદ નીલકમલે શ્યામાપદ નીલકમલે.’ —ઠાકુરને અતિ પ્રિય આ બંગાળી ભજન તેઓ અવારનવાર મકરન્દભાઈને ગાઈ સંભળાવતા. પછી તો મકરન્દભાઈએ આ બંગાળી ભજનની રેકર્ડ ક્યાંકથી મેળવી. મિત્રો સાથે ગ્રામોફોન પર અસંખ્ય વખત સાંભળતાં એ ધરાતા જ નહીં. આપણા જાણીતા કવિ અનિલ જાેશી એક મુલાકાતમાં કહે છે, “ઉનાળાની ધોમધખતી બપોરે ગોંડલના ઘરની ઓસરીમાં ‘થાળીવાજા’ પર આ ગીત અમે અનેક વખત વગાડ્યા કરતા, પછી મકરન્દભાઈનાં બા કહેતાં: ‘બાબુ, (મકરન્દભાઈનું હુલામણું નામ બાબુ હતું ) હવે હાઉં કર!’ ત્યારે અમે માંડ એ બંધ કરતા.

સ્વામી આનંદ પરના એક પત્રમાં પણ મકરન્દભાઈ આ ભજન ટાંકે છે. એના પ્રત્યુત્તરમાં સ્વામી આનંદ લખે છેઃ ‘મજલો આમાર મન ભ્રમરા’ વાળું ગીત મારી કિશોરવયે ‘મહાપુરુષ’ (સ્વામી શિવાનંદ)નું અતિ પ્રિય ભજન હતું, ને તે હંમેશાં મારી પાસે ગવડાવતા. તમારા કાર્ડથી એ અંગેનાં અનેક મીઠાં સ્મરણો  ૫0-૬0 વર્ષ જૂનાં તાજાં થયાં.’  

રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા સાથેનો મકરન્દભાઈનો આ ભાવનાત્મક સંબંધ આજીવન રહ્યો. નંદિગ્રામના એમના અભ્યાસખંડની આલમારીઓ પર સ્વામી અતુલાનંદજી (ગુરુદાસ મહારાજ)નું ‘Atman Alone Abides’, જાેસેફાઇન મેક્લાઉડનું જીવનચરિત્ર, ‘A friend of Vivekananda’, સ્વામી અભેદાનંદજી (કાલી મહારાજ)નું વિસ્તૃત અંગ્રેજી જીવનચરિત્ર, ભગિની નિવેદિતાનાં અંગ્રેજી પુસ્તકો આજે પણ જોવા મળે છે. 

એક વખત એમને ખબર પડી કે માસ્ટર મહાશયના વાર્તાલાપોનાં અંગ્રેજી પુસ્તકો મેં ચંડીગઢથી મગાવ્યાં છે, તો એમણે તરત જ એમાંથી થોડાંક પુસ્તકો એમને મોકલાવા કહ્યું. અને રસપૂર્વક વાંચ્યાં. મકરન્દભાઈ શિકાગોની મુલાકાતે ગયા, ત્યારે સ્વામી વિવેકાનંદને યાદ કરીને ભાવવિભોર થયા હતા, એવું એમના સહયાત્રીઓએ નોંધ્યું છે. 

શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના ઓજસ્વી વિચારોએ સમગ્ર વિશ્વને અનુગૃહિત કર્યું છે. એમની પછીની પેઢીના ભારતના બધા વિચારકો, સંતો, ચિંતકો, લેખકો અને કવિઓ પર એમના વિચારોની દૂરગામી અસર સ્પષ્ટરૂપે જોવા મળે છે, તો મકરન્દભાઈ જેવા સાંઈ પર આ દિવ્ય વિભૂતિઓની પ્રગાઢ અસર હોય, એમાં તો કહેવાનું જ શું?

Total Views: 923

4 Comments

  1. વિમલ વ. દવે October 16, 2022 at 4:00 am - Reply

    કાજોલજી, શ્રી રામકૃષ્ણદેવ હંમેશા કહેતા કે જેણે સાચા હ્રદયથી ઈશ્વરને સ્મર્યો હશે એ અહીં આવશે જ્

  2. વિમલ વ. દવે October 16, 2022 at 3:53 am - Reply

    રસેન્દ્રભાઇ, તમારું અવલોકન સાવ સાચું છે. મકરંદભાઈને શ્રી ઠાકુર અને એમના ‘ ગોઠીયાઓ માટે છેક બાળપણથી અદમ્ય આકર્ષણ હતું. ભારત આવો ત્યારે નંદિગ્રામની મુલાકાત લેવા નિમંત્રણ છે.

  3. Kajallodhia September 23, 2022 at 3:12 pm - Reply

    ખુબ જ સરસ ! ઠાકુર અને સ્વામીજી ની વિચારdhara સાદર પ્રણામ

  4. રસેન્દ્ર અધ્વર્યુ September 19, 2022 at 2:36 am - Reply

    ખુબ સરસ. મકરન્દભાઈ ઠાકુર ના આશિષ થી સાવ ઓલિયા જેવા હતા. હિમાંશીબેન શેલતે સંપાદિત એમના અને સ્વામી આનંદના પત્રો ‘સ્વામી અને સાંઈ’ ખુબ માહિતી સભર અને ભક્તિ ભર્યા છે. અમેરિકા આવ્યા ત્યારે એમને સાંભળ્યા કે અમે નંદીગ્રામ એમને મળ્યા ત્યારે પણ ઠાકુર અને એમના ગોઠિયાઓ એમને જંપવા દે એમ નથી, એવું સહજ કહેતા.

    ઠાકુર કેવા કેવાને સ્પર્શ્યા છે એ એ વિચારવું અઘરું છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.