શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું તુચ્છ છે. માનવીની અંદર જેટલા વધારે પ્રમાણમાં આ ભાવની અભિવ્યક્તિ થાય છે, તેટલા પ્રમાણમાં તે જગતનું કલ્યાણ કરવાને વધારે ને વધારે સામર્થ્યવાન થતો જાય છે. સૌથી પ્રથમ આ ધર્મધનનું ઉપાર્જન કરો. કોઈની અંદર દોષ ન જુઓ કારણ કે બધા મત બધા સંપ્રદાયો સારા છે. તમારા જીવન દ્વારા એમ બતાવી આપો કે ધર્મનો અર્થ કેવળ શબ્દ કે નામ અથવા સંપ્રદાય નથી; તેનો અર્થ તો આધ્યાત્મિક અનુભૂતિ છે. જેમનો અનુભવ થયો હોય તે જ આ વાત સમજી શકે. જેઓએ ધર્મપ્રાપ્તિ કરી છે તેઓ જ બીજાઓમાં ધર્મનો સંચાર કરી શકે છે; તેઓ જ માનવજાતિના શ્રેષ્ઠ આચાર્યો થઈ શકે છે; માત્ર તેઓ જ જ્ઞાનની પ્રખર જ્યોતિરૂપ છે.’

જે દેશમાં આવા મનુષ્યો વધારે જન્મશે તે દેશ તેટલા પ્રમાણમાં વધુ ઉન્નત અવસ્થાએ પહોંચશે; જે દેશમાં આવા મનુષ્યો બિલકુલ નહીં હોય તે દેશનો નાશ થશે; તે કોઈ રીતે બચી શકશે નહીં. માટે મારા ગુરુદેવનો માનવજાતિ માટે સંદેશ આ છે કે, ‘પહેલી તમે પોતે ધાર્મિક બનો અને સત્યની ઉપલબ્ધિ કરો.’ તમે પોતાનાં ભાંડુ સમી સમગ્ર માનવજાતિના કલ્યાણ અર્થે સર્વસ્વનો ત્યાગ કરો એમ તેઓ ઇચ્છતા હતા. તેઓ ચાહતા હતા કે ભ્રાતૃપ્રેમની માત્ર વાતો જ ન કરો પરંતુ તમારા શબ્દોને ચરિતાર્થ કરી બતાવો. ત્યાગ તથા પ્રત્યક્ષાનુભૂતિનો સમય આવી પહોંચ્યો છે અને તેમની મદદથી જ તમે જગતના બધા ધર્મોની સંવાદિતા જોઈ શકશો. ત્યારે જ તમને ખાતરી થશે કે આપસઆપસમાં ઝઘડાની કોઈ જરૂર નથી ત્યારે જ તમે સમગ્ર માનવજાતિની સેવા કરવાને માટે તૈયાર થઈ શકશો.

— સ્વામી વિવેકાનંદ

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.