(ગતાંકથી આગળ)

જીવનનું લક્ષ્ય :

જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના મતે માનવજીવનનું સાચું લક્ષ્ય, પોતાની ભીતર રહેલી દિવ્યતાને પિછાણી લેવી, એ છે. અથવા તો ઈશ્વરની અપરોક્ષ અનુભૂતિ થવી, એ છે. (રામકૃષ્ણ કથામૃત, ૧, પૃ. ૧૨૬-૨૮) વિશ્વનાં બધાં જ પ્રાણીઓમાં માનવ સર્વોચ્ચ સ્થાન ભોગવે છે અને એને જ પોતાના જીવનમાં પરમાત્માને પામવાની આત્માને ઓળખી લેવાની દુર્લભ તક સાંપડી છે. નિમ્ન કોટિનાં પ્રાણીઓ કરતાં માનવની વિશેષતા એ છે કે એનામાં તર્ક કરવાની બુદ્ધિ છે. એના દ્વારા એ સત્ તત્ત્વને પારખે છે, નાણે છે. તદુપરાંત એનામાં ધાર્મિક સભાનતા પણ છે. એના દ્વારા એ ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધે છે. કુદરતી જરૂરતો અને વૃત્તિઓ સહજ પ્રેરણાઓની બાબતમાં તો માનવ અને અન્ય નિમ્ન કોટિનાં પ્રાણીઓ વચ્ચે કશો જ તફાવત નથી. માણસની પેઠે જ તે બધાં ખાય પીએ છે, ઊંઘે છે અને સંતતિ પેદા કરે છે. બધામાં કેવળ મનુષ્ય એવો છે કે જે પ્રાણીજીવન કરતાં ઉચ્ચતર જીવનને આંબી શકે છે, અને ઈશ્વર વિષયક સભાનતાવાળો થઈને પરમાત્માને પામવા, ઈશ્વર સાક્ષાત્કાર કરવા ઝંખે છે. માનવો સહજ સ્વભાવ ધાર્મિક છે અને એના જીવનનું ચરમ લક્ષ્ય ઈશ્વરની અપરોક્ષ અનુભૂતિ જ ઈશ્વર સાથેનું તાદાત્મ્ય જ છે.

ઈશ્વર સાક્ષાત્કારને જ માવનજીવનનું પરમલક્ષ્ય પરમ પુરુષાર્થ કહેતા હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણ જીવનનાં અન્ય લક્ષ્યે-પુરુષાર્થો-ધર્મ, (નૈતિક અને ધાર્મિક કાર્યો) અર્થ (ધનસંપત્તિ) કે કામ (ભોગ) જેવાની ઉપેક્ષા કરતા નથી. તેમણે કેટલાક લોકોને ગૃહસ્થજીવન જીવવાની, એ જીવનની ફરજો બજાવવાની, પોતાના કુટુંબના ભરણપોષણ માટે ધન મેળવવાની અને સંતતિ ઉત્પન્ન કરવાની સલાહ આપી છે. પરંતુ, એ બધું કરવાં છતાં મન હંમેશા ઈશ્વર તરફ ઢળેલું હોવું જોઈએ. પણ માણસના મનમાં સતત એવી સભાનતા હોવી જોઈએ કે ધનસંપત્તિ કંઈ જીવનનું અંતિમ ધ્યેય નથી. ઈશ્વર સાક્ષાત્કાર ધનસંપત્તિ કરાવી શકે જ નહિ. (કથામૃત ૧, પાનું ૮૨; ૫, પાનું ૨૦).

ધર્મકર્મ સકામ કે નિષ્કામ ભાવે કરાય છે. વળી એવાં કર્મો ધર્માદા, રાહત, દવાદારુ શિક્ષણ વગેરે પરોપકારનાં ય હોય છે અને પૂજા-પ્રાર્થના, યજ્ઞ, વિધિઓ જેવાં ધાર્મિક પણ હોય છે. આ બન્ને પ્રકારનાં ધર્મકર્મો જીવનમાં ધર્મની શરૂઆત જ બતાવે છે, એની સમાપ્તિ નહિ. સકામ કર્મો આપણી આસક્તિને વધારે મૂકીને ઘણી ખરાબ અસરો નીપજાવે છે. એથી વિષયોમાં – જગતમાં ડૂબીને આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. એના કરતાં નિષ્કામ કર્મો વધારે સારા છે, પણ એ કરવાં ઘણાં જ કપરા છે. આપણે માનીએ છીએ કે આપણે પરોપકારનાં અને ધર્મનો નિષ્કામ કર્માચરણ કરી રહ્યા છીએ. પણ નામ કમાવાની સૂક્ષ્મ કામના આપણને ખબર ન પડે તેમ મનમાં પ્રવેશી ગઈ હોય છે. એ મનને હલાવે છે. આમ છતાં શક્ય ત્યાં સુધી આપણે જીવનમાં નિષ્કામ કર્માચરણનો પ્રયત્ન કરવો જોઈએ. પણ હજુએ કંઈ કેવળ સારાં કર્મો નિષ્કામભાવે કરવાં એ જ કંઈ જીવનનું છેવટનું લક્ષ્ય નથી. એ તો માત્ર ઈશ્વર સાક્ષાત્કારના પરમ લક્ષ્યે પહોંચવાનું સાધન જ છે આપણે તો ઈશ્વરને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને આ જગતનાં બોજવાળાં કામોમાંથી મુક્ત કરો. અને શુદ્ધ જ્ઞાત તેમજ શુદ્ધ ભક્તિ આપો. આ રીતે તેમની કૃપા થાય છે અને આપણે તેમનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિમાં આવીએ છીએ. (કથામૃત ૧, પૃ.૧૨૫-૨૮, ૧૩૬-૩૯).

આ રીતે, શ્રીરામકૃષ્ણના મતે, ધન, ભોગવિલાસ, અરે, સકામ કે નિષ્કામ એવું કોઈ ધાર્મિક કે નૈતિક કામ પણ જીવનનું પરમ પ્રાપ્તવ્ય – ધ્યેય નથી. એ બધાં તો માત્ર ઈશ્વર સાક્ષાત્કાર રૂપ પરમ લક્ષ્યને પામવાનાં સાધન જ છે. અલબત્ત, આપણે ધર્મ, અર્થ અને કામ જેવા અન્ય પુરુષાર્થો આચરવા તો જોઈએ. પણ આ બધાને ઈશ્વર સાક્ષાત્કારના પરમ પુરુષાર્થની તુલનામાં ગૌણ ગણવા જોઈએ. ધર્મ – અર્થ – કામનું આપણું અનુસરણ ઈશ્વર સાક્ષાત્કારના અંતિમ ઉચ્ચતમ પુરુષાર્થને બાધક નહિ પણ સાધક બની રહે, એવી સૈયત જીવનરીતિ આપણે અપનાવવી જોઈએ. મુક્તિ કે મોક્ષના પર્યાયવાચી આ પરમ પુરુષાર્થ વિશે શ્રીરામકૃષ્ણ કહેતા કે એક ને એક દિવસે બધાં જ માનવો મુક્તિ પામશે. આ જગતમાં આપણું જીવન મોક્ષપ્રાપ્તિ માટેની સાધના ભૂમિ છે. (કથામૃત ૩, પૃ. ૨૨૬; અને ૫, પૃ.૭, ૨૬)

અવતારની સંકલ્પના :

‘અવતાર’ શબ્દનો વ્યુત્પત્તિલભ્ય અર્થ ‘નીચે ઊતરવું’ એવો થાય છે. ‘અવ’ ઉપસર્ગપૂર્વક તૃ ધાતુ પરથી એ બનેલો છે. ધર્મના સંદર્ભે એનો અર્થ ઈશ્વરનું માનવ સ્વરૂપે ધરતી પર અવતરણ – જન્મ, એવો થાય છે. હિન્દુ, ખ્રિસ્તી વગેરે ઘણા ધર્મોમાં આ અવતાર સંકલ્પના પ્રવર્તે છે. પણ અનન્ત સ્વરૂપ ઈશ્વર પરિચ્છિન માનવરૂપ ધરે, એ બુદ્ધિજીવીઓને રુચે એવી વાત નથી. એટલે તત્ત્વજ્ઞાનીઓ અને ફિલસૂફોમાં આ અવતાર વિચારના મહત્ત્વ પરત્વે અને એના વિશેની શ્રદ્ધાની પ્રામાણિક્તા વિશે જબરો ઊહાપોહ પ્રવર્તે છે. કેટલાક ચિંતકો માને છે કે ઈશ્વર તો દરેક માનવ પ્રાણીમાં પ્રકાશિત છે જ એટલે એને કોઈ ખાસ માનવદેહ ધારણ કરવાની દેહમાં અવતરવાની જરૂર નથી આનાથી ઊલટું કેટલાક શ્રદ્ધાળુ ચિંતકો એવું દૃઢપણે માને છે કે માનવજાતને ઘોરવિપત્તિમાંથી ઉગારવા માટે અને વિશ્વમાં વિશિષ્ટ નૈતિક માનદંડ ઊભો કરવા માટે ઈશ્વર સ્વયં માનવદેહે અવતરે છે. આ વિચારને ભગવદ્‌ગીતાનો ટેકો છે. એમાં – ૪/૭-૮માં ભગવાને અર્જુનને કહ્યું છે : “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મનું અભ્યુત્થાન થાય છે, ત્યારે સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે ધર્મસ્થાપનાર્થે યુગે યુગે હું અવતરું છું” હવે આ બાબતમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, તે આપણે જોઈએ.

શ્રીરામકૃષ્ણ માને છે કે ઈશ્વર સ્વયં માનવદેહમાં માનવ સ્વરૂપે અવશ્ય અવતાર ધારણ કરે જ છે અને પૃથ્વી પર આવે છે એની આવશ્યકતા પણ છે જ. ઈશ્વર સર્વાન્તર્ગત અને સર્વવ્યાપક છે, એ સાચું, પણ અવતાર વગર માનવજાતની બધી આવશ્યકતાઓ, આશાઓ, અને ઝંખનાઓને સંતોષી શકાય નહિ. અવતાર દ્વારા જ ઈશ્વરના આવશ્યક સ્વરૂપને શ્રેષ્ઠ રીતે પિછાની શકાય છે. આપણી મર્યાદિત બુદ્ધિને કારણે આપણે એ નિશ્ચિત રીતે કહી શકતાં નથી કે ઘણું કરીને ઈશ્વર માનવસ્વરૂપે અવતરી જ ન શકે! આપણી મર્યાદિત બુદ્ધિ એ અમર્યાદ અનંતને પકડી જ શકતી નથી. આવી અગમ્ય બાબતોમાં આપણે ઈશ્વર સાક્ષાત્કારી અને સદાયે ઈશ્વ૨૨ત સંતો અને દ્રષ્ટાઓને પ્રમાણભૂત માનવા રહ્યા! શ્રીરામકૃષ્ણ કહે છે : “ઈશ્વર ભલે અનંત હોય, સર્વવ્યાપક હોય, તો પણ એનું સારસ્વરૂપ તો જો તે ધારે તો માનવદેહ દ્વારા જ પ્રગટ થાય છે” પરમ સત્ય અને પરમપ્રેમ એ દિવ્ય સ્વરૂપનાં સારતત્ત્વ છે, એક ગોવ્યક્તિ (ગાયની વ્યક્તિ) એના શરીરના બધા અવયવોમાં અવશ્ય અનુસ્યૂત છે. પણ આપણે માટે તો ગાયના શરીરમાં રહેલું દૂધ જ મૂલ્યવાન સારતત્ત્વ છે. એ જ રીતે ઈશ્વર ભલે બધાં પ્રાણીઓમાં ઓતપ્રોત થઈને રહ્યા હોય, છતાંય પેલી ગાયના દૂધની પેઠે સમયે સમયે પોતાને સ્વ સ્વરૂપોમાં માનવરૂપે માનવજાતને પરમસત્યનો બોધ આપવા માટે પ્રેમપૂર્વક પ્રગટ કરે છે. જો કે આ સરખામણી તો અવતાર સ્વરૂપનો અસ્પષ્ટ ખ્યાલ માંડ પૂરો પાડે એવી નબળી છે. સ્પષ્ટ સમજણ માટે તો અપરોક્ષાનુભૂતિ અથવા આધ્યાત્મિક અંતઃપ્રેરણા જ ઉપયોગી નીવડી શકે. પણ અવતાર વિશે પૂરી-વિસ્તૃત સમજણ મેળવવાનું જરૂરી નથી, આપણે માટે તો ઈશ્વરનો અનુભવ જ પૂરતો છે; આપણે એ જ ઈચ્છીએ છીએ અને આપણે જ્યારે અવતાર જોઈએ છીએ, તેમ એમાં – અવતારમાં – ખુદ ઈશ્વરાનુભવ જ કરીએ છીએ.” (કથામૃત, ૧, પૃ ૧૯૧-૯૨, ૨૦૩, ૨૨૩-૨૪, ૨૨૮, ૨૩૨).

આમ, અવતાર એ ઈશ્વરના પ્રેમને ઉદ્‌ઘાટિત અને અભિવ્યંજિત કરવાનું માનવીય માધ્યમ છે બીજા કરતાં માનવમાં ઈશ્વર વધુ પ્રમાણમાં અભિવ્યક્તિ થાય છે. આપણે માનવરૂપમાં જ ઈશ્વરને ઝંખીએ છીએ. શ્રીરામકૃષ્ણ કહે છે : “ઈશ્વર માનવરૂપે અવશ્ય અવતરે છે, એમ જરૂર જાણો માનવમાં ઈશ્વર પ્રેમ ફૂટે છે ઊભરાય ઊઠે છે બધું તરબોળ કરી દે છે અને ઈશ્વર સત્તાને ઉપસાવે છે. તેમજ કેટલીકવાર એ પૂર્ણરીતે અભિવ્યક્ત થાય છે. અવતાર અને મુક્ત પુરુષ-સિદ્ધ પુરુષ વચ્ચે તફાવત છે. સિદ્ધપુરુષ ગમે તેમ તોય પોતાના મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે, જ્યારે અવતાર તો હજારો બદ્ધ જીવોને મુક્તિ આપવામાં મદદ કરે છે. એજિંન જેમ ડબ્બાઓને ખેંચે છે, તેમ અવતાર હજારોને મુક્તિ તરફ દોરે છે.

શ્રીરામકૃષ્ણ જ્યારે અવતારવાદને આવકારે છે ત્યારે, તેઓ અવતારવાદને નહિ માનનારાનો વિરોધ કે ટીકા કરતા નથી. એ તો કહે છે કે માણસ બ્રહ્મને સ્વીકારે કે સગુણ બ્રહ્મને સ્વીકારે કે નિર્ગુણ બ્રહ્મને નિરાકાર કે સાકારને માને તેને વિષે તેઓ તો કહેશે કે ગમે તે માન્યતા ધરાવનાર માણસ ભલે હોય પણ એની માન્યતામાં એ નિષ્ઠાપૂર્વક સ્થિત હોય અને એને ઈશ્વરદર્શનની તાલાવેલી લાગી હોય તો એને માટે ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે. બન્ને માર્ગે ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે.

સર્વધર્મસમન્વય :

શ્રીરામકૃષ્ણે માત્ર સર્વધર્મ સમન્વયનો માત્ર ઉપદેશ જ નથી કર્યો – એમનું પોતાનું જીવન જ સર્વધર્મ સમન્વયરૂપ હતું. તેમણે વિવિધ ધર્મ સંપ્રદાયોની સાધના કરીને એ દરેક દ્વારા એક જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને પોતાના જીવનમાં જ એ સમન્વયનો પ્રયોગ કરી બતાવ્યો. બધા ધર્મોની એકતાનો ઉદાર – ઉદાત્ત ઉપદેશ તેમણે કર્યો એ પહેલાં વિવિધ ધર્મોના અનુયાયીઓ એક બીજા સામે લડાઈ કરવાના મિજાજમાં જ રહેતા. વિવિધ ધર્મસંપ્રદાયો અને જાતિપાતિઓ ઈશ્વર વિષે વિવિધ વિચારસરણીઓ ધરાવતી હતી. વિવિધ ધર્મવાડાઓ, પૂર્વગ્રહો, પૂજાવિધિઓ અને વિવિધ વિધિવિધાનોથી ભરેલું લોકોનું ધાર્મિક જીવન હતું. દરેક ધર્મસંપ્રદાયનું જૂથ પોતાના સંપ્રદાયને જ એકમાત્ર શ્રેય : – સાધન માનતું અને અન્ય સંપ્રદાયોને ખોટા અને ગેરમાર્ગે દોરનારા માનતું. આમ પૂર્વગ્રહો અને ઝનૂનથી તે સમયનું ધાર્મિક વાતાવરણ ખૂબ ડહોળાયેલું હતું. પહેલાં તો આત્માને અને બ્રહ્મને નિગુર્ણ – નિરાકાર માનનારાઓ તેમજ સાકાર-સગુણ ઈશ્વરને ભજનારાઓ વચ્ચે સામાન્ય સંઘર્ષ થયો અને છેવટે એ જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગના અલગ અલગ ધર્મસંપ્રદાયો વચ્ચેના આવશ્યક મનાતા સંઘર્ષમાં પરિણમ્યો અને ત્યાર પછી વળી શિવ, વિષ્ણુ, કાલી વગેરેના ભક્તો તેમજ હરિ, રામ, કૃષ્ણ આદિના ભક્તોમાં પણ પરસ્પર કડવાશ અને સંઘર્ષો વધતા ચાલ્યાં. ધર્મ સંપ્રદાયોના એક બીજા સાથે વણસી ચૂકેલા સંબંધો અને વિકસેલા સંઘર્ષોએ મહાન હિન્દુધર્મને તેમજ છેલ્લે બૌદ્ધ, ખ્રિસ્તી અને ઈસ્લામ જેવા વિશ્વના મહાન ધર્મોને પણ એકબીજા સાથેના સંઘર્ષમાં હોમી દીધા.

ધર્મસંપ્રદાયોના આવા તણાવભર્યા સંઘર્ષકાળે જ શ્રીરામકૃષ્ણે સર્વધર્મ સંવાદિતાનો ઉપદેશ આપ્યો. તેમણે ઉપદેશ્યું કે આંધળુકિયા અપક્વ મૂર્તિપૂજાથી માંડીને વિશુદ્ધ નિરાકાર બ્રહ્મના નિદિધ્યાસન સુધીના બધા ધર્મમાર્ગો સાચા છે અને તે બધા જ ધર્મજીવનના પરમ લક્ષ્યરૂપ ઈશ્વર સુધી પહોંચાડવામાં સક્ષમ છે. બુદ્ધિપ્રધાન લોકો ઈશ્વરને અનન્ત માનીને – નિરાકાર માનીને એના મર્યાદિત – સીમિત સાકાર સ્વરૂપને તિરસ્કારે છે, અને મૂર્તિપૂજાને નિન્દે છે. પણ તેમને ખબર નથી કે એ કહેવાતી મૂર્તિપૂજામાં કંઈ માટી, પથ્થર કે ધાતુ પૂજાતી નથી. પૂજાય છે તો ચિન્મય, આવાહન કરાયેલ અને મૂર્તિમાં પ્રગટ થયેલ દેવ જ ને? નિરાકાર ઈશ્વરને ન સમજી શકનારા માટે આવી પ્રતીકાત્મક મૂર્તિપૂજાની જરૂર પણ છે જ. જો એ ભૂલ હોય તો એ દ્વારા ભજાતા ભગવાન જ, જરૂર હશે તો એ ભૂલ સુધારશે. એને માટે કોઈ બુદ્ધિજીવીએ ચિંતા કરવાની જરૂર નથી (કથામૃત ૧, પા.૧૪-૧૫).

ખરેખર અંતતઃ મૂર્તિપૂજામાં કશું નુકસાન કે ભુલ જેવું કશું નથી. કારણ કે વેદાન્ત પ્રમાણે ઈશ્વર સર્વવ્યાપક છે. કણકણમાં વિશ્વપતિનો વાસ છે. જેમાં ‘અસ્તિ’ ‘ભાતિ’ અને ‘પ્રિય’ અનુભવાય છે, તે સઘળે ઈશ્વર છે. મૂર્તિ સુધ્ધાં વિશ્વની બધી વસ્તુઓ ઉપરનાં આ પણ લક્ષણો ધરાવે છે. એટલે ઈશ્વર બધી વસ્તુઓમાં વસેલો જ છે. પછી એ મૂર્તિ હોય કે બીજી ગમે તે વસ્તુ હોય. (કથામૃત, ૨, પૃ. ૧૦૫)

શિવ, વિષ્ણુ, કાલી, હરિ, કૃષ્ણ, રામ વગેરેના એકબીજા સાથેના ઝઘડાઓ સંબંધમાં શ્રીરામકૃષ્ણ એ ચોખ્ખુંચટ કહે છે કે આ ઝઘડાઓ સાવ નિરર્થક છે. તેઓ તો શિવ, વિષ્ણુ, કાલી, હરિ વગેરેને એક જ પરમ સતત્ત્વનાં અલગ અલગ સ્વરૂપ માત્ર જ માને છે (કથામૃત, ૪, પૃ.૧૪) ઈશ્વર એના ભક્તોના અભીપ્સિત સ્વરૂપને ધારણ કરે છે. અને એ સ્વરૂપોને શાસ્ત્રો જૂજવે નામરૂપે વર્ણવે છે. વેદ તંત્ર પુરાણોમાં એ એક જ સચ્ચિદાનંદને કૃષ્ણ, રામ, કાલી વગેરે કહેવામાં આવે છે. કૃષ્ણમાંથી કાલી થઈ એમ વૈષ્ણવ પુરાણો કહે છે. (કથામૃત ૩, પૃ. ૪૬, અને ૪ ૫ૃ.૧૧૪) શાસ્ત્રપ્રામાણ્યથી આપણે સ્વીકારવું પડે છે કે એક જ પરમેશ્વરનાં કૃષ્ણ રામ કાલી વગેરે જુદા નામ માત્ર જ છે. વેદો અને ઉપનિષદો એની શાખ પૂરે છે કે એક સદ્વિપા બહુધા વદન્તિ!

હવે આપણે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત વચ્ચેની તાત્ત્વિક અને ભારે જોરદાર ખેંચતાણ અને તણાવભરી પરિસ્થિતિમાં ડોકિયું કરી લઈએ : અદ્વૈતવાદ આગ્રહપૂર્વક અનન્ત બ્રહ્મને નિરાકાર અને નિર્ગુણ મળે છે. પુરુષવિધ સાકાર અને સગુણ બ્રહ્મના વિચારને કાં તો સાવ જૂઠો અથવા તો હલકો માને છે. આપણા અધ્યાત્મિક જીવનમાં જીવ-બ્રહ્મની એકતા-અભિન્નતા આપણે અનુભવવી જોઈએ. આ અનુભવની રીત, “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા”નું તાત્વિક જ્ઞાન મેળવવાની છે. આ જ્ઞાનમાર્ગ છે અને તે કર્મમાર્ગ અને ભક્તિમાર્ગનો વિરોધી છે. એ બન્ને માર્ગો, વિશ્વને ‘સત્’ માનવાની અને જીવ-બ્રહ્મને જુદા માનવાની ખોટી ધારણા રાખે છે, તો વળી આ તરફ વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત ને માનનારાઓ, અદ્વૈત પ્રતિપાદિત નિર્ગુણ નિરાકાર સ્વરૂપને તદ્દન ભૂલ ભરેલું અને આગ્રહપૂર્વક અમાન્ય જ ઠેરવે છે. કોઈ વસ્તુ કે સત્ત્વ ગુણહીન કે લક્ષણહીન હોઈ શકે જ નહિ. આપણને એવી તો કોઈ વસ્તુનો અનુભવ જ નથી. આપણી જોયેલી કે ધારેલી કોઈ વસ્તુ કે હસ્તી કોઈ ને કોઈ ગુણ કે લક્ષણ ધરાવતી હોય જ છે. એટલે બ્રહ્મ એ પુરુષોત્તમ અને અનન્ત સદ્‌ગુણનિધિ છે. આપણા સીમિત જીવોનું ઐક્ય કદાપિ અનન્ત બ્રહ્મ સાથે સંભવી શકે નહિ. આપણે તો એના અંશમાત્ર જ છીએ અને એટલે સાવ બ્રહ્માશ્રિત જ છીએ. તેથી આપણા ધાર્મિક જીવનમાં એવા બ્રહ્મને જ પ્રેમનો પરમવિષય અને ભક્તિનું ચ૨મ લક્ષ્ય માનવું જોઈએ અને એ કેવળ જ્ઞાનથી જ નહિ, પણ ધર્મ કર્મ અને એકનિષ્ઠ ભક્તિથી યુક્ત થઈને ઈશ્વર પ્રાપ્તિનું લક્ષ્ય સિદ્ધ કરવું જોઈએ. આ ત્રણેયનો સમુચ્ચય ઈચ્છનીય છે. બસ, અહીં જ કેવળ જ્ઞાનવાદી અદ્વૈતીઓ અને કર્મભક્તિજ્ઞાન સમુચ્ચયવાદી વિશિષ્ટાદ્વૈતીઓ તેમજ દ્વૈતીઓ વચ્ચેનો સંઘર્ષ શરૂ થાય છે.

અહીં શ્રીરામકૃષ્ણ દર્શાવેલ અદ્વૈત-વિશિષ્ટાદ્વૈત – દ્વૈત વચ્ચેનો સમાધાનકારી માર્ગ અવલોકીએ. શ્રીરામકૃષ્ણનું આ સમાધાન, એક બાજુ તો બ્રહ્મને અનુલક્ષીને છે, તો બીજી બાજું જીવને અનુલક્ષીને પણ કરાયું છે. આ સમાધાન દ્વિમુખી છે. તેઓ કહે છે કે બ્રહ્મ નિર્ગુણ – નિરાકાર પણ છે અને સગુણ સાકાર પણ છે. એક જ સત્ તત્ત્વ એના નિત્ય સ્વરૂપમાં, અક્રિય સ્વરૂપમાં નિરાકાર અને નિર્ગુણ છે અને એ જ સતત્ત્વ, એના લીલામય, સક્રિય, સર્જનાત્મક સ્વરૂપમાં રૂપ અને ગુણથી યુક્ત થાય છે. એટલે સગુણ – સાકાર બ્રહ્મ, કંઈ નિર્ગુણ – – નિરાકાર બ્રહ્મથી ઊતરતું કે ખોટું અસત્ નથી. એક જ બ્રહ્મને બન્ને જુદાં જુદાં પાસાંથી જાણી શકાય છે. ઊંઘતો હોય, ખાતો પીતો હોય કે કામ કરતો હોય છતાં એ બધામાં આપણે એક જ ‘દેવદત્ત’ને જોઈએ છીએ. એ જ રીતે સગુણ હોય કે નિર્ગુણ હોય, પણ આપણે એક જ બ્રહ્મને અનુભવીએ છીએ.

જીવને અનુલક્ષીને શ્રીરામકૃષ્ણ આમ સમાધાન કરે છે : કે જ્યાં સુધી માણસમાં ‘હું’નો ખ્યાલ ટકે છે, ત્યાં સુધી ‘તું-તમે’નો ખ્યાલ પણ મોજૂદ હોય જ છે. અર્થાત્ જ્યાં સુધી માણસમાં પોતાને વિશે ‘હું પણા’નો, અહંકારનો વિચાર હોય છે, ત્યાં સુધી પુરુષવિધ – સગુણ – ઈશ્વરની હસ્તી નકારી શકાતી નથી અને આ જગત એવા ઈશ્વરનું સર્જન છે, એ વાતનો નિરાદર થઈ શકતો નથી. (કથામૃત ૧, પૃ. ૩૬-૩૮ અને ૪, પૃ. ૨૩૯) તાત્ત્વિક રીતે જ્યાં સુધી જાગ્રત અવસ્થામાં કે પછી સવિકલ્પ સમાધિની અવસ્થામાં પણ જીવાત્મા, ચૈતન્યના દ્વૈતભાવના સ્તરમાં જ રોકાયેલો હોય, ત્યાં સુધી તો એનો ઈશ્વરાનુભવ, વિષય-વિષયીના સંબંધવાળો જ હોય છે. આમ, ઈશ્વર આવે વખતે જીવાત્મા દ્વારા વિષયરૂપે જ પકડાય છે એ સગુણ ચૈતન્ય રૂપે હોય છે, પુરુષવિધ હોય છે. જીવચૈતન્ય એને પોતાના કરતાં અન્ય જુદા જ ઈશ્વર ચૈતન્યરૂપે માનશે. આ માણસ અને ઈશ્વર વચ્ચેનો ધાર્મિક સંબંધ છે. એ બે માનવો વચ્ચેના સંબંધ જેવો છે. એમાંનો એક (જીવાત્મા) સીમિત છે અને બીજો (ઈશ્વર) અસીમ છે. જીવ આશ્રિત અને ભક્ત છે, જ્યારે ઈશ્વર સ્વતંત્ર અને કલ્યાણકારી છે. પણ જ્યારે જીવાત્મામાં રહેલો ‘હું’ – અહંકાર નિર્વિકલ્પ સમાધિ જેવી સ્થિતિમાં ચાલ્યો જાય છે, ત્યાર પછી આ વિશ્વ અને એનો સર્જનહાર પુરુષવિધ ઈશ્વર અદૃશ્ય થઈ જાય છે. પછી એ આપણી ચેતનાનો વિષય બની શકે નહિ. પછી તો વિષય વિષયી ભાવરહિત કેવળ ચૈતન્યરૂપે જ બ્રહ્મરૂપે જ અનુભવાશે. નિર્વિકલ્પ સમાધિમાં જ્યાં સુધી અહંકાર પૂર્ણપણે ઓગળી ન જાય, ત્યાં સુધી તો ઈશ્વર પણ રહેવાનો ને ભક્તિ પણ ધર્મજીવનમાં રહેવાની! હવે અદ્વૈતવાદનો પાયો નિર્વિકલ્પ સમાધિ છે, જ્યારે વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતનો ઉદ્ભવ સવિકલ્પ સમાધિના ઉપાદાનથી થયો છે. પણ એ બંને પ્રકારની સમાધિમાં ઉદ્‌ઘાટન તો એક જ સત્તાનું થાય છે, એ ચોક્કસ છે ભલે એની અવસ્થાઓ અલગ રહી! એટલે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત એ બધા જ સાચુકલા આધ્યાત્મિક અનુભવોની નીપજ હોઈને એક જ સત્ તત્ત્વ – પરમતત્ત્વ – બ્રહ્મનો વિવિધ આર્વિભાવો છે અને એવી જ રીતે જ્ઞાન, કર્મ, ભક્તિ વગેરેના વિવિધમાર્ગો પણ આત્મા, બ્રહ્મ, કે ભગવાન જેવા વિવિધ નામે ઓળખાતી એક જ પરમસત્તા પહોંચવાના અને પામવાના વિવિધ માર્ગો સમજવા જોઈએ અને એને માન આપવું જોઈએ. (કથામૃત ૧, પૃ.૩૭ અને ૪, પૃ. ૨૨૪) અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતના સમન્વયનો શ્રીરામકૃષ્ણે કરેલા સમાધાનનો આ ઉદાત્ત નમૂનો છે.

ધર્મના ઇતિહાસમાં હિન્દુ, ખ્રિસ્તી અને ઈસ્લામ જેવા વિશ્વના મહાન ધર્મો વચ્ચે ઝઘડાઓ અને સંઘર્ષો થયા કર્યા છે. એમાં હિન્દુધર્મ બીજાના પ્રમાણમાં વધુ સહિષ્ણુ રહ્યો છે. ઉપરના બીજા બે વધુ ઝનૂની, અસહિષ્ણુ અને નિરંતર અધોગામી માને છે. આ ધાર્મિક સંઘર્ષને શ્રીરામકૃષ્ણના ઉપદેશો સાવ નષ્ટ ન કરે તો યે ઘણા મોળા તો પાડી જ દે છે. હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મની તેમણે અનુભૂતિઓ કરીને ઘોષણા કરી હતી કે આમાંથી ગમે તે ધર્મની નિષ્ઠાપૂર્વક સાધના કરીને માણસ એક જ પરમતત્ત્વને પામે છે. ભલે એ સંપ્રદાયો અલગ હોય, એમની સાધના રીતિ અલગ હોય, એમના સિદ્ધાંતો જુદા હોય પણ આ બધું મળીને પણ કંઈ ધર્મ બની જતો નથી. ધર્મનો મર્મ તો ઈશ્વરનો અપરોક્ષાનુભવ છે અને આ મર્મ તો બધા જ ધર્મો સ્વીકારે છે. વિવિધ માર્ગે તેઓ એક જ ઈશ્વરને પામે છે. આ છે સર્વધર્મોની મૂલગત એકતા! ભગવાન, ગૉડ, અલ્લાહ – આ બધાં એક જ પરમતત્ત્વનાં વિવિધ સંપ્રદાયો દ્વારા બોલાતાં નામ છે. જેમ એક જ તળાવના પાણીને વિવિધ લોકો જલ – પાની – એક્વા વગેરે નામે કહે એના જેવું આ છે. (કથામૃત ૧, પૃ. ૧૭) બુદ્ધ વિશે પણ શ્રીરામકૃષ્ણ કહે છે કે બુદ્ધ કંઈ નાસ્તિક કે નિરીશ્વરવાદી ન હતા. બોધસ્વરૂપ (જ્ઞાનસ્વરૂપ)ના ધ્યાનથી જ તેઓ બુદ્ધ બન્યા હતા. અને એ બુધસ્વરૂપ વિશુદ્ધ ચૈતન્ય જ ઈશ્વર છે. ફક્ત એટલું જ કે બુદ્ધ એને વાણી દ્વારા અભિવ્યક્ત કરી શક્યા નહિ. (કથામૃત ૩, પૃ. ૨૮૭). આમ, શ્રીરામકૃષ્ણે વિશ્વના મહાન ધર્મોનો સમન્વય સાધ્યો છે. પહેલાં એકબીજા સાથે લડતા ઝઘડતા ધર્મો વચ્ચે સૂરીલાપણું લાવવા એ એમનું જબરું પ્રદાન છે.

વિશ્વમાં ઝઘડતા દેખાતા ધર્મો વચ્ચે સમાધાન અને સંવાદિતા સાધતાં શ્રીરામકૃષ્ણનાં કેટલાંક વિધાનો જોઈએ : તેઓ કહે છે : “ઈશ્વર અનંત છે અને એને પામવાના માર્ગો પણ અનન્ત છે (કથા. ૪/૧૩૪) જેમ દક્ષિણેશ્વરના કાલીમંદિરે હોડી, પગપાળા કે મોટરથી પહોંચી શકાય છે તેમ ઈશ્વર પણ અનેક માર્ગે પામી શકાય છે. નરનારીઓના વિવિધ રસ, રુચિ, વલણ, સુષુપ્ત શક્તિ, ક્ષમતા વગેરે આવશ્યકતા અનુસાર વિશ્વમાં ઈશ્વરેચ્છાએ જ વિવિધ ધર્મો નીપજ્યા છે. જેમ કોઈ માતા પોતાનાં જુદા જુદા બાળકોને ખોરાકની જુદી જુદી વાનગીઓ તે તે બાળકની હોજરીને અનુરૂપ બનાવીને આપે છે, તેવી રીતે ઈશ્વરે પણ પોતાનાં બાળકોના વિવિધ બૌદ્ધિક સ્તરોને ક્ષમતાને અનુરૂપ વિવિધ ધર્મમાર્ગો રચ્યા છે. (કથા. ૪/૧૮૬). વિશ્વનાં સર્વે નરનારીઓ ભલે નિષ્ઠાપૂર્વક સ્વધર્મને સાચો માનીને એને અનુસરે, પરંતુ એવું તો કદીય ન વિચારવું જોઈએ કે માત્ર પોતાનો જ ધર્મ સાચો છે, અને બીજા બધા ખોટા કે ભૂલભરેલા છે. બધા જ ધર્મો સાચા છે અને ઈશ્વર તરફ દોરી જનારા છે (કથા. પ/૧૬) ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતા (૪/૧૧)માં કહે છે કે ‘બધા પ્રકારની આરાધનામાં માણસો મને જ અનુસરે છે.’ શિવમહિમ્નઃ સ્તોત્રમાં સાતમાં શ્લોકમાં આ જ વિચાર કહ્યો છે, ‘સીધા, વાંકાચૂકા અનેક માર્ગે વહેતું જળ છેવટે જેમ સાગરને જ મળે છે. તેમ રુચિની વિવિધતાને લીધે અનેક માર્ગને અનુસરતા લોકો છેવટે તો હે શિવ! તમને જ પામે છે.’ હિન્દુધર્મના આ પ્રાચીન સંદેશનો શ્રીરામકૃષ્ણ નવી જ તાજગીથી અને નવા જ બળથી પુનરુચચાર કરે છે. તેઓનું સૂત્ર છે; “જેટલા મત, તેટલા પથ.” આ સૂત્ર વિશ્વને કાને અથડાય, લોકો એને અનુસરે તો બધા જ ધર્મો જીવે, વિકસે અને સંવાદિતાભરી શાન્તિ પથરાય.

તારણઃ

શ્રીરામકૃષ્ણની તાત્ત્વિક દૃષ્ટિએ આ માત્ર સારસંક્ષેપ છે. એમની તત્ત્વદૃષ્ટિનાં મુખ્ય લક્ષણોમાં સર્વપ્રથમ તો વેદાન્ત સમન્વય નજરે પડે છે. વિવિધ વેદાન્ત સંપ્રદાયોની એમણે સાધેલી સંવાદિતા ઊડીને આંખે વળગે તેવી છે. પણ એના કરતાંય વધારે યોગ્ય રીતે કહીએ તો એમની તત્ત્વદૃષ્ટિને ‘નવ્ય-અદ્વૈત’ એવું નામ આપી શકાય. એ વિશિષ્ટાદ્વૈતેય નથી અને દ્વૈતેય નથી. કારણ કે એમાં એક જ અદ્વિતીય પરમસત્- બ્રહ્મનો સ્વીકાર છે. એને રામાનુજના વિશિષ્ટાદ્વૈતમાં પણ બેસાડી શકાય તેમ નથી. કારણ કે એ નિર્ગુણ બ્રહ્મમાં માને છે, રામાનુજ તો એ માનતા નથી. એ તત્ત્વદૃષ્ટિ શંકરના અદ્વૈતને મળતી તો આવે છે પણ શ્રીરામકૃષ્ણના અદ્વૈતના કેટલાક પાયાના મુદ્દાઓ, કેટલીક મહત્ત્વની બાબતોમાં શંકરથી આગળ જાય છે. શંકરના નકારાત્મક અદ્વૈત કરતાં એ વધારે હકારાત્મક છે. શ્રીરામકૃષ્ણની તત્ત્વદૃષ્ટિએ દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શાકતાદ્વૈત વગેરે સાથે સંવાદિતા સાધી છે. શંકરે એવું કર્યું નથી. બાહ્ય આચારવિધિઓ જુદા હોવા છતાં એ બધાંની લભ્ય ઉચ્ચતમ અવસ્થા એક સમાન છે એમ શ્રીરામકૃષ્ણની તત્ત્વદૃષ્ટિ કહે છે.

સ્વામી તુરીયાનંદે પોતાના શિષ્યને એક પત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે : “ઠાકુરનો મત બતાવવો, એટલો સહેલો નથી. મને તો લાગે છે કે બધા ધર્મમતોને પ્રોત્સાહન આપવા માટે એમણે, “જેટલા મત એટલા પથ” કહ્યું છે… બધા મતોની એમણે પોતે સાધના કરીને એ બધા મતો એક જ સત્ય તરફ લઈ જાય છે, એની અનુભૂતિ કરીને પછી જ એમણે પોતાનો મત પ્રગટ કર્યો છે.”

શ્રીરામકૃષ્ણની તત્ત્વદૃષ્ટિમાં અંતિમ સત્ય તો અદ્વૈતવેદાન્તની પરિપાટી પ્રમાણે જ એક માત્ર અદ્વિતીય બ્રહ્મ જ છે. પણ જ્યાં શંકરાચાર્ય ઉચ્ચતમ અવસ્થામાં એ પરમ તત્ત્વને નિર્ગુણ અને નિરાકાર માને છે ત્યાં શ્રીરામકૃષ્ણ એને ઉચ્ચતર અવસ્થામાં પણ નિરાકાર અને સાકાર તેમજ નિર્ગુણ અને સગુણ એમ બન્ને સ્વરૂપે સ્વીકારે છે. શંકરને મતે સર્જન શક્તિરૂપ માયા એ બ્રહ્મનું મૂળ લક્ષણ નથી, એ કેવળ દૃશ્યમાન આકસ્મિક ઉપાધિ છે. એને ભ્રાંતિથી આપણે બ્રહ્મ માની લીધી છે. પણ શ્રીરામકૃષ્ણ બ્રહ્મ અને એની શક્તિને અભિન્ન માને છે. શક્તિ એ કંઈ ભ્રમોત્પાદક જાદુઈ ઈન્દ્રજાળ નથી. પણ એ બ્રહ્મમાં રહેલી – અથવા બ્રહ્મ સ્વરૂપા સાચી સર્જક શક્તિ છે. એ દિવ્ય જગજનની છે. જગતના સર્જન, પાલન અને નાશની અધિષ્ઠાત્રી છે, બ્રહ્મનું એ લીલાસ્વરૂપ છે. જ્યારે સર્જકતા અટકી જાય અને લીલાસ્વરૂપ અદૃશ્ય થઈ જાય ત્યારે પણ નિરાકાર મહાકાલીરૂપે એ શક્તિ વિશ્રાન્તિ લે છે અને નિરાકાર બ્રહ્મમાં એકરસ થઈ જાય છે.

“જીવ બ્રહ્મ જ છે, અને કેવળ અવિદ્યા – અજ્ઞાન અને અહંકારને લીધે જ જીવ, બ્રહ્મથી જુદો ભાસે છે” – એવા શંકરાચાર્યના મત સાથે શ્રીરામકૃષ્ણ સહમત થાય છે. બન્નેના મતે અહંકાર અજ્ઞાનની નિપજ છે અને એટલે એ ‘અસત્’ છે. આ અજ્ઞાન, વિશુદ્ધ ચૈતન્યમય આત્માને બ્રહ્મસ્વરૂપે ઓળખી જવાથી નાશ પામે છે. શ્રીરામકૃષ્ણને મતે આ વિદ્યા અને અવિદ્યા બન્ને બ્રહ્મની છે. પણ શંકરાચાર્ય તો બ્રહ્મને માત્ર માયોપાધિક જ માને છે. માયાથી બ્રહ્મ અનુસ્યૂત કે યુક્ત નથી. આમ છતાં પણ શંકર અને શ્રીરામકૃષ્ણ બન્ને જીવ-બ્રહ્મની ઐક્યાનુભૂતિને જ જીવનનું પરમલક્ષ્ય માને છે.

વળી, શંકરને મતે ઈશ્વર એટલે માયાથી ઉપહિત થયેલું ચૈતન્ય છે. એટલે આવો ઈશ્વર છેવટે કેવળ દૃશ્યમાન છે અને ‘સત્’ પણ ન કહેવાય અને ‘અસત્’ પણ ન કહેવાય! અહીં શ્રીરામકૃષ્ણ એવા પુરુષવિધ ઈશ્વરને બ્રહ્મના લીલામય સ્વરૂપ તરીકે સ્વીકારે છે. અને તેથી જ તેમના મતમાં ઈશ્વરનાં વિવિધ સ્વરૂપોની – મૂર્તિઓની પણ પૂજાને, પારમાર્થિક દૃષ્ટિકોણથી પણ બૌદ્ધિકતાનું પીઠબળ છે. જ્યારે શંકરની તત્ત્વદૃષ્ટિએ તો એ બધું કેવળ પ્રાયોગિક મૂલ્યવાનું જ છે. પરમોચ્ચ દૃષ્ટિએ ઈશ્વર ભલે શાશ્વત ન હોય, તો એ ‘સત્’ તો છે જ કારણ કે બ્રહ્મની સર્જન પ્રક્રિયા અટકી જઈ શકે છે. આ રીતે શ્રીરામકૃષ્ણ અનુસાર પારમાર્થિક દૃષ્ટિએ ઈશ્વર સર્જિત જગત પણ ‘સત્’ છે. એ કંઈ શંકરે માન્યા મુજબ મિથ્યા કે ભ્રમાત્મક નથી, અનિર્વચનીય નથી. જો કે શ્રીરામકૃષ્ણ વારંવાર ભારપૂર્વક જગતને અનિત્ય તો કહે છે પણ એનો અર્થ જગત અનિત્ય છે પણ સત્ છે એવો ‘સાપેક્ષ સત્’ એવો થાય છે. કારણ કે ઈશ્વરની ઈચ્છાથી અથવા તો બ્રહ્મના લીલા સ્વરૂપના અટકી જવાથી જગત લય પામે છે.

શ્રીરામકૃષ્ણનું દર્શન, ઈશ્વર સાક્ષાત્કારના (મુક્તિના) જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગના ચાર મુખ્ય માર્ગોનો સમન્વય અને સમુચ્ચય છે. શંકર આ સમન્વય કે સમુચ્ચયને સ્વીકારતા નથી. એમને મતે મોક્ષ પ્રાપ્તિમાં આ સરખાં અસરકારક સાધન નથી. એમને મતે તો મોક્ષ પ્રાપ્તિનું એક માત્ર સાધન જ્ઞાન જ છે અને બાકીનાં બધાં તો ગૌણ અને કેવળ ચિત્તશુદ્ધિ માટેજસ્વીકાર્ય છે. એનાથી બ્રહ્મજ્ઞાન નહિ પણ બ્રહ્મજિજ્ઞાસા જ થાય છે પણ શ્રીરામકૃષ્ણને મતે તો પૂર્વનિર્દિષ્ટ ચારેય સાધનો સમકક્ષ મુક્તિ સાધનો છે. ચારેયથી મુક્તિલાભ થાય છે. આત્મા કે ઈશ્વરની સાચી ઓળખનો અવરોધક તો જીવ અને ઈશ્વર વચ્ચે પડેલો અજ્ઞાન કે અહંકારનો પડદો જ છે. આ પડદાને હટાવીને ઉપર દર્શાવેલી ચારમાર્ગોમાંથી કોઈ એકનું અથવા તો ચારેયનું અનુસરણ કરીને ઈશ્વરની અપરોક્ષાનુભૂતિ થઈ શકે છે. આત્મજ્ઞાનના આલોકમાં અહંકારની જવનિકા હટી જાય છે. અથવા તો યોગ નિર્દિષ્ટ આત્મધ્યાનથી એ પડદો ભેદાય છે. અથવા તો નિષ્કામકર્માચરણના જોરદાર સપાટાથી એ પડદો દૂર ફંગોળાઈ જાય છે. અથવા તો ઈશ્વરપ્રેમમાં આત્મસર્મપણના પ્રવાહમાં એ પડદો ઓગળી જાય છે આ જ બધી બાબતો સ્વામી વિવેકાનંદે ભારપૂર્વક દૃઢતાથી કહી છે અને એ તો શ્રીરામકૃષ્ણોપદેશના ભાષ્યકાર જ હતા ને? તેઓ કહે છે : “દરેક જીવ મૂલગત રીતે દિવ્ય છે. ભીતરની એ દિવ્યતાનું પ્રકટીકરણ, જીવનનું લક્ષ્ય છે તમે એને કર્મ, ભક્તિ, જ્ઞાન કે મનઃ સંયમથી, કોઈ એકથી કે સામૂહિક રીતે પ્રગટાવી શકો છો. અને એ રીતે મુક્તિ પામી શકો છો”. (રાજયોગ).

શ્રીરામકૃષ્ણદર્શનને ‘નવ્ય અદ્વૈત’ નામ આપવાનાં આ કારણો છે. એમનું અદ્વૈત જીવતું જાગતું અને વિધાયક છે, એ અભિનવ અદ્વૈત વેદાન્ત છે અનેકાનેક ગૂંચવાડાઓ અને મૂંઝવણોથી ભરેલા આધુનિક માનવજીવનની બધી આવશ્યકતાઓની એનાથી પૂર્તિ થાય છે. આપણા રાષ્ટ્રીય અને વ્યક્તિગત જીવન માટે પ્રેરક અને આપણી આજની આવશ્યકતાઓને અનુકૂળ એ દર્શન છે. વિશ્વમાં સાચાં સુખ અને શાન્તિને ચિરકાલ સ્થાપવામાં આ દર્શન અણમોલ પ્રદાન કરી શકે તેમ છે જ.

સંદર્ભસૂચિ :

(1) Ramakrishna’s Thoughts in Vedantic perspective – by Swami Tapasyananda

(2) Classical Indian Philosophies – by Dr. Satish chandra Chattarjee

(3) The Philosophy of Sri Ramakrishna by Swami Harshananda

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.