(ગતાંકથી ચાલુ)

માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જ માનવના આધ્યાત્મિક જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો બીજા કેટલાકને મતે માનવના વિશુદ્ધ આત્માને ખોળવો-પિછાનવો એ જ ઉચ્ચતમ લક્ષ્ય છે. વળી બીજા કેટલાક વિચારે છે કે વિશુદ્ધ સ્વચિન્ત્ય બ્રહ્મ કે વિશુદ્ધ છતાં અગમ્ય આત્માએ નહિ પણ પારમાર્થિક સત્ તો જીવતો જાગતો પ્રેમાળ દિવ્ય ભવ્ય ભગવાન જ છે! ધાર્મિક જીવનમાં ઉચ્ચતમ સત્ય અને ઉચ્ચતમ લક્ષ્ય એ જ છે. આ વિવાદનો અંત લાવતાં શ્રીરામકૃષ્ણ કહે છે કે જ્ઞાનીનું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, યોગીઓનો આત્મા અને ભક્તોમાં પુરુષવીર્ય ભગવાન એક જ સત્-તત્ત્વ છે. જ્ઞાની ‘નેતિ – નેતિ’નો તર્કપૂર્ણ માર્ગ પકડીને, “આ ભગવાન નથી – આ નથી –” એમ દલીલ કરીને જગત, જીવો વગેરેની બાદબાકી કરે છે. આમ દલીલો કરતાં તેનું મન જ્યારે બધા જ બહારના અને અંદરના વિષયોથી વિમુખ થઈ શાંત અને આત્મસ્થ થાય છે, ત્યારે બધાં સ્વરૂપાન્તરોનો અંત આવે છે અને સમાધિની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં નામરૂપરહિત, અચિન્ત્ય અને અનિર્વાહ્ય બ્રહ્મની અનુભૂતિ થાય છે. આ રીતે વેદાન્તીઓ નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. ભક્તો ચેતનાની બધી અવસ્થાઓને પારખીને જાગ્રત અવસ્થાને પ્રમાણ માને છે. જગતને તેઓ સ્વપ્નવત્, ભ્રાન્ત કે મિથ્યા માનતા નથી. તેમને માટે સમગ્ર આશ્ચર્યકારક વિષયો સાથેનું વિશ્વ ઈશ્વરના ઐશ્વર્યનું આવિષ્કરણ છે. ઈશ્વર જ આ બધું બનેલ છે. ને પોતાના હૃદયમાં અને બહાર વિશ્વમાં છવાયેલ તેઓ માને છે. ભક્તો ઈશ્વર સાન્નિધ્યનો આનંદ માણવા ઈચ્છે છે, પોતે જ ઈશ્વર તરીકે ઓળખાવા માગતા નથી. એટલે તેમને માટે પ્રેમાળ, કૃપાળુ, ઐશ્વર્યયુક્ત ભગવાન જ પરમ સત્ છે. યોગી પણ પોતાના મનને બધા વિષયોમાંથી પાછું વાળી અંતઃસ્થ સત્ તત્ત્વ પર એકાગ્ર થઈ પરમ સત્‌ને પામવા ઈચ્છે છે અને છેવટે ત્યાં શાશ્વત ચિદાત્માને મેળવે છે. જ્ઞાની ‘નેતિ નેતિ’ના બૌદ્ધિક માર્ગે જઈને બ્રહ્મમાંથી બ્રહ્મેતર વિશ્વ, જીવ વગેરે પદાર્થોની બાદબાકી કરે છે. આમ બાદબાકી કરતાં કરતાં એનું મન આંતરબાહ્ય બધા વિષયોમાંથી વિમુખ થઈ શાન્ત અને આત્મસ્થ થતાં બધાં વળણો શમી જતાં સમાધિ પ્રાપ્ત થાય છે. આ અવસ્થામાં નામરૂપ વિહીન, અનિર્વાચ્ય, અચિન્ત્ય નિર્ગુણ-નિરાકાર પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. આ રીતે વેદાન્તીઓ પૂર્વોક્ત બ્રહ્મને પામે છે. જ્યારે ભક્તો તો ચેતનાની બધી અવસ્થાઓને સ્વીકારે છે. અને જાગ્રત અવસ્થાને સારી હસ્તીવાળી ગણે છે. તેઓ વિશ્વને સ્વપ્નવત્, ભ્રમાત્મક કે અસત્ ગણતા નથી. તેમને માટે વિવિધ વિષયોવાળું આશ્ચર્યમય નિખિલ જગત, ઈશ્વરના ઐશ્વર્યના આવિષ્કણરૂપ છે ‘ઈશ્વર જ આ બધું થયો છે એમ તેઓ માને છે, ઈશ્વર આપણી ભીતર હૃદયમાં અને બહાર વિશ્વમાં વ્યાપ્ત છે એમ તેઓ માને છે. ભક્તો ઈશ્વરના સાન્નિધ્યનો આનંદ માણવા ઈચ્છે છે. એની સાથે એકાકાર થવા માગતા નથી. એથી એમને માટે પારમાર્થિકતા તો પ્રેમાળ, દયામય, ઐશ્વર્યશાળી ભગવાનમાં જ પ્રકાશિત થાય છે. ‘પરમાર્થ સત્’ને પામવા ઝંખતો યોગી પણ પોતાના મનને બાહ્ય વિષયોમાંથી ખેંચીને અંતઃસ્થ સત્ તત્ત્વ પર કેન્દ્રિત કરે છે. અને ત્યાં શાશ્વત ચિન્મય આત્માનો સાક્ષાત્કાર કરે છે. જેમ ભક્ત ભગવાનને અને જ્ઞાની બ્રહ્મને જ જેમ ‘અંતિમ સત્’ ગણે છે. તેવી જ રીતે આ યોગી આત્માને જ અંતિમ સત્ કહે છે. શ્રીરામકૃષ્ણ આનો સમન્વય કરતાં કહે છે. “જેમ એક જ સાગરજળ ખૂબ ઠંડીને લીધે બરફ થઈ જાય છે. અને સૂર્યની ગરમીથી એ જ પાછું આકાર વગરનું પાણી થઈ જાય છે, તેમ સત્ તત્ત્વ ભક્તો માટે આકાર ધરે છે તેમજ જ્ઞાની અને યોગી માટે નિરાકાર બની રહે છે. બ્રહ્મ જ આત્મા અને એ જ ભગવાન છે. (કથા ૦૧ / – ૩૬-૩૭, ૨૧૬-૧૭)

જ્યારે શ્રીરામકૃષ્ણ એમ કહે છે કે, “બ્રહ્મ, આત્મા અને ભગવાન – એ એક જ સત્તાનાં જુદાં નામો છે, ત્યારે તેઓ ઋગ્વેદના “એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ” – એ મંત્રનો પડઘો પાડે છે (ઋ.૧/૧૬૪/૪૬) પોતાની આધ્યાત્મિક અનુભૂતિ એ શાસ્ત્ર પ્રમાણ દ્વારા એનું તાત્ત્વિક તર્કપૂર્ણ સમર્થન પણ તેઓ કરે છે. ચેતનાની જુદી જુદી અવસ્થાઓ વિશે તેમના ઉપદેશો અને એના તાત્ત્વિક સૂચિતાર્થોને ખ્યાલમાં લેતાં આ વાત સ્પષ્ટ રીતે દેખાઈ આવશે.

રામકૃષ્ણદર્શન

શ્રીરામકૃષ્ણ ચેતનાના વિવિધ સ્તરોને સ્વીકારે છે. આપણે એ સ્તરો દ્વારા સત્તાના વિવિધ અનુભવો થાય છે. અને સત્તાનાં વિવિધ આવિષ્કરણો પામીએ છીએ. તેઓ કહે છે કે વેદોમાં માનવશરીરમાં ભૂમિ બતાવી છે. આ સાત કક્ષાઓ મનનાં સાત કેન્દ્રો છે. જ્યારે મન દુનિયાદારીના વિષયોમાં ડૂબેલું હોય છે ત્યારે તે જનનેન્દ્રિય, ગુદા અને નાભિમાં સ્થિત હોય છે. ત્યારે એ કામિનીકાંચનમાં રત હોય છે, એથી ઊંચે એ જઈ શકતું નથી. મનનું ચોથું કેન્દ્ર હૃદય છે. અહીં, આવતાં મન પહેલવહેલું જાગે છે. એની સાથે ચારે બાજુ દિવ્ય પ્રભા એમાં પથરાયાનો અનુભવ થાય છે. આ કેન્દ્રે પહોંચેલા મનવાળો મનુષ્ય એ દિવ્યપ્રકાશથી આશ્ચર્યમુગ્ધ અને સ્તબ્ધ બની જાય છે. એનું મન પછી નિમ્ન સ્તરે જઈ જ શકતું નથી. માનવમન જ્યારે ડોક પર આવેલા પાંચમાં કેન્દ્રે પહોંચે છે, ત્યારે તે અવિદ્યાનાં બધાં રૂપોથી તદ્દન મુક્ત થાય છે અને ફક્ત દિવ્યતામાં જ ડૂબેલો રહે છે. દિવ્યતામાં રત એવો તે દુનિયાદારીથી વિમુખ થઈ જાય છે. મનનું છઠ્ઠું કેન્દ્ર બે ભ્રૂકુટિઓ વચ્ચે છે. મન ત્યાં પહોંચે એટલે માણસ રાત દિવસ ઈશ્વરનાં સુંદરતમ સ્વરૂપો નીરખતો પાગલ બની જઈને એને સ્પર્શવા અને ભેટવા તલસે છે. પણ શેષ રહેલા અહંકારલેશને લીધે નિષ્ફળ નીવડે છે. મસ્તિષ્ક એ સાતમું કેન્દ્ર છે. મન ત્યાં આરૂઢ થતાં જ સમાધિમાં ખોવાઈ જાય છે. આ સ્થિતિમાં વિશ્વનાં વિષયોનું ભાન કે હુંપણાનો ભાવ રહેતો નથી. આ સ્થિતિમાં જ બ્રહ્મવેત્તાને બ્રહ્મની અપરોક્ષાનુભૂતિ થાય છે. પણ આ તત્ત્વજ્ઞાનનો આ માર્ગ સામાન્યજન માટે કપરો છે એમ કથામૃત કહે છે.

અહીં વેદનો સંદર્ભ લઈ રામકૃષ્ણ જે ઉપદેશે છે તે સૂચવે છે કે ચેતનાના વિવિધ સ્તરોને લીધે આપણે સત્-તત્ત્વનાં વિવિધ આવિષ્કરણો અનુભવીએ છીએ પણ સત્ તત્ત્વ તો બધામાં એક જ છે. અને આપણા અભિગમ અનુસાર અનુભવના આ કે તે સ્તરે વિવિધ માર્ગે એ આવિષ્કાર પામે છે. સામાન્ય રીતે ચેતનાની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા – એમ ચાર અવસ્થાઓ ગણવામાં આવે છે. આ બધીને શ્રીરામકૃષ્ણ સ્વીકારે છે. પણ અહીં તેઓ ચેતનાના સાત સ્તરોની વાત કહે છે. જો કે અન્ય સ્થળે જુદા સંદર્ભમાં તેઓ બીજા સ્તરોની વાત પણ કરે છે. (કથામૃત ૧, પા. ૫૮-૫૯,૨૧૮) પેલા ત્રણ સ્તરોને આપણે સામૂહિક રીતે ઈન્દ્રિયાનુભવના સ્તર કહી શકીએ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પર એ આધારિત છે. આ સ્તરે સત્ તત્ત્વને જોતાં આપણને ઈન્દ્રિયગમ્ય ભૌતિક વિષયોરૂપે એનો આવિષ્કાર અનુભવીશું. કેવળ ઈન્દ્રિયાનુભવો પર અવલમ્બતું માનવજીવન તો આહાર-નિદ્રા-મૈથુનમાં જ કૃતાર્થતા માનતા પશુજીવન જેવું જ છે. ચેતનાનો ચોથો સ્તર ઈન્દ્રિયાતીત પ્રકાશમય સ્તર કહી શકાય. અહીં માણસ પશુ જીવનથી ઉપર ઊઠીને પરાભૌતિક અને ઈન્દ્રિયાતીત સત્તાની પ્રથમ ઝાંખી કરે છે. ચેતનાના પાંચમા સ્તરને જ્ઞાનાત્મક સ્તર કહી શકાય. એ અવિદ્યાની બધી અસરોથી મુક્ત હોય છે. એ માણસને ભલે દૂરની પણ કોઈક દિવ્યતા રૂપ સત્તાને પકડવા સમર્થ બનાવે છે. ચેતનાનો છઠ્ઠો સ્તર દ્વૈતમૂલક ભક્તિસભર છે. અહીં માણસ પુરુષવિધ પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે અને ‘અહંસમ્બદ્ધ’ એવા પોતાને તેનો આશ્રિત કે તેની સાથે જોડાયેલો – સમગ્રના એક ભાગ જેવો -અનુભવે છે. વિશ્વની સત્તાને એ ઈશ્વરનો જ આવિષ્કાર માને છે. અહીં એથી વિષય – વિષયીનાં, જગત-ઈશ્વર જીવનાં સ્વરૂપો પરસ્પર જુદાં અને વિવિધ હોવા છતાં પરસ્પર સમ્બદ્ધ હોય એવી એકતા પ્રકાશિત થાય છે. જ્યારે મન સાતમા ઉચ્ચતમ સહસ્રાર કેન્દ્રે પહોંચે છે, ત્યારે આપણે ચેતનાના પરાચેતન સ્તરે પહોંચી જઈએ છીએ. આ સમાધિ સ્તર છે. અહીં અહંકાર સમૂળગો અદૃશ્ય બની જાય છે અને એની સાથોસાથ અખિલ વિશ્વ, માણસ અને સર્જક સગુણસાકાર ઈશ્વર પણ અદૃશ્ય થાય છે. એટલે આ સ્તરે સત્તા, વિષય-વિષયી રહિત, અનિર્વાચ્ય નિર્ગુણ બ્રહ્મસ્વરૂપે આવિષ્કૃત થાય છે. (કથામૃત, ૧,૧૫-૧૭,૧૮૦,૨૧૭-૧૮). આમ, ચેતનાના વિવિધ સ્તરોને લીધે આપણે સત્ તત્ત્વનાં વિવિધ આવિષ્કરણો પામીએ છીએ.

શ્રીરામકૃષ્ણના મતે આ બધાં વિવિધ આવિષ્કરણોને પોતીકી સત્તા છે. કારણ કે તે ‘સત્’ તત્ત્વનાં જ કોઈક સ્વરૂપને પ્રગટ કરે છે. આમ તેઓ કહે છે તે જ્યાં સુધી ‘અહં’ ચાલુ રહે, ત્યાં સુધી ‘ત્વમ્’ની સત્તાનો નિષેધ થઈ શકતો નથી – એટલે હું – જીવ છે, તો તું – ઈશ્વર પણ છે જ ત્યાં સુધી વિશ્વ અને અનેક વિષયો પણ છે જ. એ જ બ્રહ્મ છે. કેવળ સમાધિમાં જ અહં અને સગુણસાકાર ઈશ્વર વિશુદ્ધ નિરાકાર ચેતનામાં લય પામે છે અને વિશુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદસ્વરૂપે વિલસી રહે છે. પણ વિશુદ્ધ બ્રહ્મ અને સાકાર ઈશ્વર વચ્ચે સત્ તત્ત્વનો કોઈ તફાવત નથી. ક્યારેક બરફના તો ક્યારેક પ્રવાહના રૂપનાં રહેતા સાગરજળની પેઠે એ બન્ને એક જ સત્ તત્ત્વનાં રૂપો છે. શ્રીરામકૃષ્ણના આ ઉપદેશમાં આપણે પરસ્પર ઝઘડતાં ધર્મસંપ્રદાયો અને દર્શનમતોના સમન્વયનો બુદ્ધિગમ્ય પાયો નિહાળીએ છીએ.

પ્રતિસાદ

સામાન્યતઃ ધાર્મિક લોકોની માન્યતા પ્રમાણે ઈશ્વર આપણી બધી પ્રાર્થનાઓ સ્વીકારીને આપણને આપણી અભીપ્સિત વસ્તુઓ આપે છે. શ્રીરામકૃષ્ણ તો એથીય આગળ વધીને કહે છે કે નૈતિક રીતે સારી અને આધ્યાત્મિક રીતે વિશુદ્ધ ઈષ્ટ વસ્તુઓ પ્રાર્થનાના ફળ રૂપે આપવા ઉપરાંત ઈશ્વર આપણને નૈતિક રીતે ખરાબ અને આધ્યાત્મિક દૃષ્ટિએ મલિન હોય એવી વસ્તુઓ પણ જો આપણે હૃદયની પ્રાર્થનાથી ઝંખીએ, એ માટે તલસીએ અને જેની આપણને તાતી જરૂર હોય એવી વસ્તુઓ પણ આપે છે! તેઓ ઈશ્વરને ‘કલ્પતરુ’ કહે છે. (કથામૃત ૩, ૯૦-૯૧, ૨૨૮). શ્રી કૃષ્ણે જ કહ્યું છે કે “પ્રાર્થનામાં માણસો જે વિષયો ઝંખે છે, તેને તે હું આપું છું.” (ગીતા ૪-૧૧) આ માટે ઉદાહરણ આપીને શ્રીરામકૃષ્ણ કહે છે કે, “તમે જે ઈચ્છો, તે પામો છો. ભગવાન તો કલ્પતરુ છે. એની પાસેથી બધી વાંછિત વસ્તુ મેળવે છે. કોઈ ગરીબનો છોકરો ભણીગણીને જજ થયો અને પોતાને સુખી માનવા લાગ્યો, ત્યારે ઈશ્વર પણ કહે છે કે તું જ્યાં છે, ત્યાં સુખી રહે, છેલ્લે જ્યારે તે નિવૃત્ત થાય છે ત્યારે આલસ્યમય જીવન વિતાવતો એ વિચારે છે કે જીવનમાં મેં શું કર્યું? ત્યારે ઈશ્વર પણ કહે છે “હા, તેં જીવનમાં શું કર્યું છે?” તેમણે બીજી રીતે આપેલ એક ઉદાહરણ જોઈએ : “એક માણસ પાસે રંગવાનું ટબ હતું. ઘણા માણસો એની પાસે કપડા રંગાવતા. તે કહેતો : ‘તમારે ક્યા રંગે કપડું રંગાવવું છે?’ કોઈક કહેશે : “લાલ રંગનું”. તો તે એકદમ રંગ ભરેલા ટબમાં બોળીને લાલરંગનું કપડું પાછું વાળતો. કોઈ બીજો માણસ કદાચ પીળો રંગ માગે તો પણ રંગારો કપડાંને એ જ ટબમાં બોળીને પીળા રંગે રંગ્યું કપડું પાછું વાળતો. આમ કોઈ ભૂરો રંગ માગે તો યે એ એક જ રીતે ભૂરું બનાવી પાછું આપતો. આમ એક જ રીતે તે સામા વડે ઈચ્છિત રંગનું કપડું કરતો! ત્યાં પાસે રહેલો એક માણસ આ આશ્ચર્યકારક ઘટના નિહાળી રહ્યો હતો. રંગારાએ એને પૂછ્યું : ‘ભાઈ, તમારે ક્યા રંગે કપડું રંગવું છે?’ પેલા માણસે કહ્યું : “ભાઈ, મારે તો એ રંગ જોઈએ છીએ કે જે રંગે તમે બધું રંગો છો” (કથામૃત ૧, ૧૧૬-૧૭)

આ ઘરગથ્થુ કહાની દ્વારા શ્રીરામકૃષ્ણ સૂચવે છે કે ઈશ્વર આપણા પ્રકારનો પ્રતિસાદ આપીને આપણી કામનાઓને સંતોષવા અને જીવનમાં આપણી પસંદગીનાં લક્ષ્યો સિદ્ધ કરવા આપણને મદદ કરે છે. ઈશ્વર પોતાની સર્જનક્રિયાનું ઉપાદાન હોઈને અને સગુણસાકાર હોઈને આપણે કહેવું જ પડશે કે માનવજીવનનાં લક્ષ્યો પામવા માટેના માનવીય યત્નોને પ્રતિસાદ અવશ્ય આપે છે. અને એટલે જ એ ચૈતન્યમય અને બુદ્ધિયુક્ત છે. એનો અર્થ એ છે કે સત્તા કંઈ જડ કે અબુધ માનવમૂલ્ય નથી. એટલે કે સત્તામાં બધાં મૂલ્યોને સ્થાન છે. કહેવાતાં અમૂલ્યો પણ પૂર્ણતઃ સત્તાને અસ્વીકાર્ય નથી. જ્યાં સુધી ઉચ્ચતમ મૂલ્યોને પામવાની તૈયારી કે તે માટેના પગથિયા તરીકે એને મેળવવાની આપણને સત્તા છૂટ આપાતી હોય, ત્યાં સુધી આ કહેવાતાં અમૂલ્યો કે કુમૂલ્યો પણ નિમ્નકોટિનાં મૂલ્યો જ છે. આમ, જ્ઞાન સાથે સરખાવતાં જ્ઞાન નિષેધાત્મક મૂલ્ય કે અમૂલ્ય છે, પણ એ કંઈ સંપૂર્ણ જ્ઞાનનું નિષેધાત્મક મૂલ્ય નથી. વસ્તુના પૂરેપૂરા જ્ઞાનની પ્રાપ્તિની ભૂમિકા સ્વરૂપ વસ્તુનું જે અપૂર્ણ કે એકપક્ષી જે જ્ઞાન છે, એને જ આપણે અજ્ઞાન કહીએ છીએ. આમ બધાં મૂલ્યોને કે કહેવાતાં અમૂલ્યોને પણ સત્તામાં પોતીકું સ્થાન છે. અને વિશ્વમાં આપણને એ પ્રાપ્ત થઈ શકે. અહીં આપણે ઈશ્વરના પ્રતિસાદ આપનારા – કલ્પતરુના – વિચારનું તાત્ત્વિક સમર્થન મેળવી શકીએ છીએ.

વિશ્વ વિચાર

વિસ્મયકારક વિવિધ વિષયોવાળું વિશ્વ બ્રહ્મ કે પૂર્ણતત્ત્વની લીલા છે. એ કંઈ માયિક, કાલ્પનિક, ભમાત્મક દૃશ્ય નથી. (કથામૃત ૧,૧૮૦) એ બ્રહ્મની ભલે શાશ્વત નહિ, તો યે સાચી લીલાનું આવિષ્કરણ છે. દિવ્યમાતૃરૂપ બ્રહ્મ જ જગતરૂપે આવિર્ભૂત થયું છે. એટલે વિશ્વનું બધું જ – સ્વર્ગ, પૃથ્વી, ગ્રહો, વૃક્ષો, પશુપંખીઓ, નરનારીઓ – જગદમ્બા સ્વરૂપ છે અને તેથી સાચાં ચૈતન્યમય અને બુદ્ધિયુક્ત છે. છતાંયે જગતની સત્તા સાપેક્ષ જ છે. બ્રહ્મની લીલાની અપેક્ષાએ એ સાચી છે. લીલા પણ બ્રહ્મ જેટલી સાચી પણ એની સત્તા નથી, બ્રહ્મની સર્જનક્રિયા સમેટાતાં, બ્રહ્મતર કશું જ રહેતું નથી. સમાધિમાં યે એવું જ થાય છે. એમાં યે સવિષય સમગ્ર જગત માનવ અહંકાર સહિત લય પામે છે. કેવળ વિશુદ્ધ, શાશ્વત, અવિનાશી, સ્વપ્રકાશિત, તેજોમય, ચૈતન્ય જ ઝળહળે છે. વિશ્વ કે વિશ્વનું કંઈ શાશ્વત નથી એનો પુરાવો વિશ્વની પરિવર્તનશીલતા છે. જગતને સંસાર કહેવાનું કારણ એની સંસરણશીલતા જ છે. એથી જ્યારે જગત જગદંબાના લીલાક્ષેત્રરૂપે સાચું જ છે ત્યારે લીલામયતા કરતાં એ વધારે સાચું નથી. અવિનાશી શાશ્વત બ્રહ્મની તુલનામાં તો જગતની સત્તા સત્ત્વહીન અને સચ્ચાઈ વગરની જ છે. એથી શ્રીરામકૃષ્ણ આમ કહે છે : “ઈશ્વર જ એકમાત્ર વસ્તુ–સત્ છે, બીજુ બધું અવસ્તુ છે. સંસાર અસાર છે. ઈશ્વર જ સાર છે, સંસાર અનિત્ય છે, ઈશ્વર જ નિત્ય છે.” (કથામૃત, ૧ પાનું ૧૨૭ અને ૫, પાનું ૨૨) વળી તેઓ કહે છે, “જાદુઈ ખેલમાં જાદુગર જેમ સાચો અને એનો ખેલ જેમ ખોટો છે, તેમ ઈશ્વર જ (શાશ્વતતાની દૃષ્ટિએ ) સત્ તત્ત્વ છે અને (અશાશ્વતતાની દૃષ્ટિએ) જગત ‘અસત્’ છે”. (કથામૃત, ૧ : પા. ૧૬, ૩: પા. ૩૦૦, ૪: ૧૩૦) આ ઉપદેશથી આપણે તેમના સૂત્રાત્મક તાત્ત્વિક સત્યને સમજી શકીએ છીએ કે “બ્રહ્મસત્ય છે અને જગત મિથ્યા છે.” તેમને માટે જગતની વાસ્તવિક હસ્તી છે ખરી, પણ એ હસ્તી સાપેક્ષ છે. બ્રહ્મની શાશ્વત અને અવિનાશી હસ્તી જગતને નથી.

અહીં સહેજે પ્રશ્ન થાય કે જો વિશ્વ બ્રહ્મની લીલામયી સર્જનક્રિયાની જ અભિવ્યક્તિ હોય તો એવા વિશ્વમાં પાપ અને દુઃખ કેમ હોય? આ મૂંઝવતી સમસ્યાનું સમાધાન રામકૃષ્ણની દૃષ્ટિએ ટૂંકમાં એ છે કે એ ઈશ્વરી લીલાનું દુષ્ટતા એક અનિવાર્ય ઘટક છે. વસ્તુની વિભિન્નતા વગર જગત સર્જી જ ન શકાય. એટલે પરસ્પર કંઈક વિરોધી અને ભિન્ન વસ્તુઓ અને પ્રાણીઓ ન હોય તો જગત ન થાય. શ્રીરામકૃષ્ણ કહે છે, “હલકી ધાતુથી મિશ્રિત સોનામાંથી જ ઘરેણું બની શકે” ઓછામાં ઓછા બે વિરોધી અંશો વિના તો સર્જનલીલાનો સંભવ જ નથી. એટલે રામકૃષ્ણ કહે છે : “જટિલકુટિલતા વગર લીલા જામતી નથી.” (કથામૃત ૧, પાનું ૪૪) : આનો અર્થ સર્જનલીલામાં એ વિરોધી પરિબળોનો સારાં અને નરસાંનો કલ્યાણ અને દુષ્ટતાનો – સહવાસ હોવો જોઈએ. આની સ્પષ્ટ સમજૂતી મેળવીએ.

જગદંબા મહામાતા રૂપે બ્રહ્મમાં છે. પણ એ બ્રહ્મને કશી અસર કરતી નથી. જીવોને જ એની અસર થાય છે. જેમ સાપની ફેણમાં રહેલું ઝેર સાપને અસર કરતું નથી પણ જેને કરડે છે, તેને જ અસર કરે છે. એવી રીતે બ્રહ્મસ્થ માયા બ્રહ્મને નહિ પણ, બીજાને જ અસર કરે છે, પોતામાં બાંધે છે. આ મહામાયા વિશ્વમાં ‘વિદ્યામાયા’ અને ‘અવિદ્યામાયા’ એમ બે રૂપે દેખા દે છે. તેમાં ‘વિદ્યામાયા’ના વિવેક અને વૈરાગ્ય એવા બે પ્રકાર છે. ‘વિદ્યામાયા’ની મદદથી જીવાત્મા ઈશ્વર તરફ વળે છે, એને શરણ જાય છે. આનાથી વિરોધી અન્ય ‘અવિદ્યામાયા’ છ પ્રકારની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર. આ ‘અવિદ્યામાયા’ માણસમાં એને ખોટી રીતે ‘હું અને મારું’થી બાંધી રાખતા અહંકારને રચે છે. એટલે એને ‘અજ્ઞાન’ પણ કહે છે. પણ જ્યારે ‘વિદ્યામાયા’ પ્રકટ થાય છે ત્યારે બધી ‘અવિદ્યામાયા’ અદૃશ્ય થાય છે. (શ્રી શ્રીરામકૃષ્ણ ઉપદેશ – સ્વામી બ્રહ્માનંદ, પૃ. ૧૨) હવે ‘અવિદ્યામાયા’ – અહંકાર જ મુખ્યત્વે જગતમાં રહેલી ખરાબી માટે જવાબદાર છે. માણસ જ્યારે પોતાના આત્માને અહંકાર તરીકે ઓળખાવે છે, ત્યારે જ બીજા કરતાં જુદો જીવ – વ્યક્તિ બનીને પોતાની સ્વાર્થી કામનાઓને બીજાને ભોગે સંતોષવા તલપાપડ થાય છે. માનવના સામાજિકો, રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય જીવનમાંની અથડામણો અને સંઘર્ષોનું મૂળ અહીં જ છે. માણસના વ્યક્તિગત કે સામૂહિક અહંકારમાંથી જ વિશ્વની બધી ખરાબીઓ જન્મે છે. વ્યક્તિગત અહંકાર પ્રમાણમાં સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવે છે. જગદંબા કે ઈશ્વરે માનવવ્યક્તિને કર્મસ્વાતંત્ર્યની બક્ષિસ આપી છે. માનવ વિચારી શકે છે કે કેટલીક મર્યાદાઓમાં રહીને તે પોતાને મનગમતું સારું કે ખરાબ કામ કરી શકે છે. (કથામૃત ૧, પા. ૨૫૧ અને ૪ પાનું ૬૪)

‘ઈશ્વરે માણસને આ મર્યાદિત કર્મ સ્વાતંત્ર્ય પણ આપવું જોઈતું ન હતું. કારણ કે ઈશ્વર તો જાણે જ છે કે એ સ્વાતંત્ર્ય મર્યાદિત હોવા છતાં માણસ એનો દુરુપયોગ કરશે’ એવી શંકાનું સમાધાન એ છે કે આવા સ્વાતંત્ર્ય વિના તો જીવવ્યક્તિ સંભવી જ ન શકે. અને આવી અલગ અને પરસ્પર વિરોધી જીવ્યક્તિઓ વિના આ વિશ્વનાટકનો ખેલ ભજવી જ ન શકાય! (કથામૃત ૧. પા. ૪૪) વળી શ્રીરામકૃષ્ણ કહે છે કે કર્મસ્વાતંત્ર્યના અને જવાબદારીના ભાન વિના ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરનાર માણસ આ જગતમાં વધારે પાપાચરણ અને અપરાધો કરશે. પોતાના પાપાચરણને પોતાના જ દોષો માનવાની માણસની ઈશ્વરદત્ત સભાનતા જો ન હોત તો તો માનવસમાજમાં વધુ મોટી દારુણતા થાત. (કથામૃત, ૪, પા. ૬૪) કર્તૃત્વભાવનાથી જીવોએ કરેલાં કર્મો કર્મનિયમને અધીન હોઈને તદનુસાર ફળ આપે છે. સારાં કર્મો સારું અને નરસાં નરસું ફળ આપે છે. કર્મનિયમને ઓળંગી શકાતો નથી. શ્રીરામકૃષ્ણ કહે છે કે પાપ અને પારો પચી શકતાં નથી. કોઈ જો ખાનગીમાં પારો ખાઈ જાય તો કોઈક દિવસ તો એ અવશ્ય શરીરમાં ફૂટી નીકળવાનો જ. એવી રીતે પાપાચરણનું ફળ પણ કોઈક ને કોઈક દિવસે પાકવાનું જ. પાપ અને દુઃખ – દુષ્ટતા માણસના અહંકારનું અને કર્મસ્વાતંત્ર્યનું આવશ્યક પરિણામ છે. વિશ્વ નાટકના નિર્માણમાં આ વસ્તુઓ આવશ્યક ઘટક હોવાથી આપણે કહેવું જોઈએ કે ઈશ્વરની વૈશ્વિક લીલાના આયોજનનો દુષ્ટતા પણ એક આવશ્યક ભાગ છે.

કોઈ કહેશે કે આ વૈશ્વિક લીલા હોવી જ શા માટે જોઈએ? ઈશ્વરે સર્જનપ્રવૃત્તિમાં પડવું જ શા માટે જોઈએ? શા માટે એ દ્વારા આપણને પાપ-દુઃખમાં સંડોવવા જોઈએ? શ્રીરામકૃષ્ણે એનો ઉત્તર એ આપ્યો છે કે વિરુદ્ધધર્માશ્રયી જગતને રચવામાં ઈશ્વરને આનંદ આવે છે. (કથામૃત ૧, પા.૩૯). વિશ્વમાં વિભિન્નતા અને વિરોધ ન હોય, માનવજીવનમાં ભયો અને મુશ્કેલીઓ ન હોય, ક્યાંય અપૂર્ણતા જ ન હોય, તો તો માનવીય પ્રયત્નો, એની સિદ્ધિઓ, વિકાસનો કોઈ પ્રગતિમાર્ગ વિશ્વમાં હોય જ નહિ. કોઈ ઇતિહાસ અરે ખુદ વિશ્વ પણ હોય નહિ! કારણ કે આખરે વિશ્વ તો ઘણી વસ્તુઓ અને હસ્તીઓનો, તેમની પ્રવૃત્તિઓ, તેમની સફળતા-નિષ્ફળતાઓનો ઈતિહાસ જ છે ને! શ્રીરામકૃષ્ણે બીજી રીતે પણ કહ્યું છે કે આ રીતે સ્વયંનું વૈવિધ્યપૂર્ણ જગતરૂપે આવિષ્કરણ કરવું તેમજ એવા જગતમાંની દુષ્ટતાના આક્રમણનો ભાર વેંઢારવાનું ઈશ્વરને ગમતું હોય તો એનો વિરોધ કરનારા કે ઈશ્વરમાં દોષ જોનારા આપણે ભલા કોણ વળી? કારણ કે ખરી રીતે તો ઈશ્વર સિવાય બીજું તો કશું જ નથી. (કથામૃત :૨: પૃ. ૨૨૫-૨૬) આ સ્તરે પહોંચીને કોઈ વિશ્વને નીરખે તો આપણને જે અત્યારે દુષ્ટ લાગે છે, તેને બદલે એને બધું જ દિવ્ય – કેવળ દિવ્ય જ દેખાશે.

અહંકાર અને આત્મા

સામાન્ય રીતે અહંકાર એટલે “હું અને મારું”નો ભાવ. એ અન્ય વસ્તુઓ વિષે વિચારે છે, કેટલાંક લક્ષ્યો માટે મથે છે, લક્ષ્યો પ્રાપ્ત થતાં રાજી અને ન મળતાં દુઃખી થાય છે. એ જ્ઞાતા, કર્તા અને ભોક્તા છે. પણ જ્યારે ‘હું’ સ્વરૂપી અહંકારને ખોળીએ ત્યારે કશું મળતું નથી. શરીર, ઈન્દ્રિયો કે મન ‘હું’ નથી. કારણ કે આપણે હંમેશાં એ બધાંને ‘હું’ તરીકે નહિ, પણ ‘મારાં’ તરીકે જ ઓળખીએ છીએ. શ્રીરામકૃષ્ણ કહે છેઃ “જેમ ડુંગળીને છોલતાં પડ પછી પડ ઉતારતાં છેવટે કશું જ રહેતું નથી એ રીતે જ્યારે આપણે ‘હું’ની તાર્કિક સમીક્ષા કરીશું તો કશું જ પામશું નહિ. અને ત્યારે જે બાકી રહે છે તે વિશુદ્ધ ચૈતન્ય કે આત્મા છે.” (કથામૃત ૧, પા. ૫૫ અને ૭૨, વળી કથામૃત ૩, પાનું ૨૨૬ અને સ્વામી બ્રહ્માનંદનું શ્રી શ્રીરામકૃષ્ણ ઉપદેશ, પાનું ૧) તાત્ત્વિક રીતે કહેતાં, આપણે જેને ‘હું’થી પિછાણીએ છીએ, તે અહંકાર, કેવળ શરીર, ઈન્દ્રિયો અને મન વગેરેની પેઠે ચેતનાના વિષયો જ છે. એ કંઈ વિષયી નથી, ચેતના જ વિષયી છે. બીજા બધા પદાર્થો એ ‘વિષયી’ના ‘વિષયો’ છે ચેતના પોતે ક્યારેય કોઈનો ‘વિષય’ નથી. એ માનવનો ‘આત્મા’ છે. એથી એ સૂચિત થાય છે કે ‘હું’ (અહંકાર) ‘અસત્’ છે, એ ‘અવિદ્યા’ની સરજત છે. આપણે એ પહેલા જોઈ ગયા છીએ.

શ્રીરામકૃષ્ણના કહેવા પ્રમાણે જીવ આત્મા કરતાં જુદો દેખાય છે. એનું કારણ વચ્ચે પડેલો અહંકાર છે. અર્થાત્ અજ્ઞાનથી મુંઝાયેલ માનવ આત્મા પોતાને ‘અહંકાર’ સમજે છે, ત્યારે એ ‘જીવ’ થાય છે. એ સૂચવે છે કે જીવની સત્તા વિશુદ્ધ ચૈતન્યની જ સત્તા છે. અને એ વિશુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જ છે (કથામૃત ૧, પાનાં ૭૨-૭૪ અને ૪, પાનાં ૩૪૨-૪૩) એ એક – અદ્વિતીય, શાશ્વત, વિશ્વવ્યાપક અને મુક્ત છે. એ દેશ-કાળ અને કાર્યકારણથી પર છે. એટલે એ (જીવ ચૈતન્ય) બ્રહ્મ જ છે. જ્યારે જીવ એના અહંકારને ફગાવી દઈને ‘હું’ અને ‘મારાપણા’ના ખોટા ખ્યાલથી મુક્ત થાય છે, ત્યારે પોતાને બ્રહ્મ તરીકે ઓળખે છે. આત્માની આ સાચી ઓળખ, ઉચ્ચતમ જ્ઞાન છે. એ બ્રહ્મ સાક્ષાત્કાર છે. એટલે દરેક જીવ અજ્ઞાનને લીધે પોતાના સાચા સ્વરૂપને ભલે ન ઓળખે, પણ એ બ્રહ્મ જ છે. પણ મોડા વહેલા બધા જીવો પોતાને બ્રહ્મ સ્વરૂપે પિછાણો. (કથામૃત ૩, પા. ૨૨૬)

‘હું’ (અહંકાર) ખોટો – અસત્ – હોવા છતાં એનાથી છૂટવું ભારે કપરું છે. દલીલોથી આ અસત્ અહંકાર આપણું સ્વરૂપ નથી, એમ ભલે સિદ્ધ થાય, પણ વ્યાવસાયિક જીવનમાં તો માણસ ‘હું’ને જ પોતાનું સ્વરૂપ સમજીને જ વર્તે છે. એટલે એને દૂર કરવાના ખૂબ ખૂબ પ્રયત્નો કરવા છતાંય આપણામાં અહંકાર ચાલુ જ રહે છે. હવે જો આપણે એને દૂર કરી જ ન શકતા હોઈએ તો એનું રૂપાન્તર અને ઊર્ધ્વીકરણ તો કરી શકીએ. આપણે નિમ્નતર ‘હું’ ને સ્થાને ઉચ્ચતમ ‘હું’ મૂકી શકીએ. દાખલા તરીકે “હું ઈશ્વરનો સેવક, ભક્ત, પુત્ર છું” કે “હું ખુદ ઈશ્વર છું’ વગેરે, આ ‘અહં’ની દુષ્ટ અનિચ્છનીય અને બંધનકર્તા અસરને ઓગાળવાનો પ્રભાવક પંથ છે. નિમ્નતર ‘હું’ એ ‘અવિદ્યામાયા’ની નીપજ છે તો ઉચ્ચતમ ‘હું’, ‘વિદ્યામાયા’ની અભિવ્યક્તિ છે. શંકર જેવા કેટલાક મુક્ત જીવોમાં આ ઉચ્ચતમ ‘હું’ જળવાયો હોય છે. એથી તેઓ લોકોની નૈતિક ઉન્નતિ માટે તેમને ઉપદેશ આપવા વિશ્વમાં કાર્યો કરે છે અને જીવે છે. (કથામૃત ૧, પા. ૧૧૮)

શ્રીરામકૃષ્ણ જીવોના ચાર વર્ગો જણાવે છેઃ (૧) બદ્ધ, (૨) મુમુક્ષુ (૩)મુક્ત અને (૪) નિત્યમુક્ત. (કથામૃત ૧, પાનું – ૬૬-૬૭, ૧૫૪-૫૬ ને કથામૃત ૨, પાનું ૭૪-૭૫)

આમાંના પહેલા વર્ગમાં દુનિયાદારીમાં ડૂબેલાં બધાં નરનારીઓ આવે છે. એમનો આત્મા અહંકારથી ઢંકાયેલો હોય છે, એમને મન ભૌતિક સુખો જ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય હોય છે. એમને આધ્યાત્મિક બાબતોમાં રસ હોતો નથી. તેઓ જગતમાં એટલાં બધાં આસક્ત હોય છે કે એમાંથી પાછું વળવું કે એની વાતો બંધ કરવાનું કામ એમને દુઃખ આપે છે.

બીજા વર્ગના જીવો પોતાને અહંકારના સામ્રાજ્યમાંથી મુક્ત કરવા મથે છે. એમનામાં કુદરતી આવેગોના ઊભરા અને જીવનપ્રવર્તન શિથિલ હોય છે. તેમણે શાશ્વત-અશાશ્વત વચ્ચેનો ભેદ પારખવો પડે છે. જગતની બધી વસ્તુઓની અશાશ્વતતા અને અસારતા જાણીને ઈશ્વર તરફ તેઓ વળે છે. એક માત્ર શાશ્વત સત્તા અને ઉચ્ચતમ શ્રેયસ્ ઈશ્વર જ છે એ તેમને ભાન હોય છે. એથી સાંસારિક લાભ પાછળ દોડવાનું મૂકીને આત્મ સાક્ષાત્કારના પરમ લક્ષ્ય તરફ ઢળે છે.

આવા આધ્યાત્મિક સાધકોમાંથી માત્ર થોડાક જ ત્રીજા વર્ગમાં આવતા જીવો દેહ – મન- અહંકારથી ભિન્ન વિશુદ્ધ ચૈતન્યનું સ્વાત્મ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેઓ પછી પોતાને અહં તરીકે કે કર્તા – ભોક્તા તરીકે વિચારતા નથી. તેઓ જાણે છે કે દેહ – મન- અહંકારનાં થતાં રહેતાં પરિવર્તનો સાથે વિશુદ્ધ સ્વરૂપ આત્માને કશી લેવા દેવા નથી અને વિશુદ્ધ આત્મા બ્રહ્મ જ છે. આ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન તરફ દોરનારું અથવા તો બ્રહ્મજ્ઞાન સ્વરૂપ જ છે. તેઓ જીવનમુક્તિ મેળવે છે. – સદેહે મુક્ત થાય છે. મુમુક્ષુ પછી જીવન્મુક્તો ત્રીજા વર્ગમાં આવે છે.

એના પછી ચોથા વર્ગના જીવો નિત્યમુક્ત હોય છે. આ જીવો ક્યારેય માયાના મોહમાં પડતા નથી કે અહંકારમાં તણાતા નથી. તેઓ પહેલેથી જ દુનિયાની ધન, વિલાસ, નામના જેવી વસ્તુઓમાં આસક્ત હોતા જ નથી. સંસારના બંધનમાં તેઓ ક્યારેય પડેલા હોતા નથી. જન્મ પછીનાં થોડાંક જ વરસોમાં તેઓ જ્ઞાનપ્રકાશ પામી ઈશ્વર તરફ વળી જાય છે. તેઓ ‘જગત’માં રહીને કામ કરે છે પણ પોતે ક્યારેય ‘જગતના’ હોતા નથી. માનવજાતને ઉપદેશવા જગતમાં તેઓ જન્મે છે. શ્રીરામકૃષ્ણ અહીં સુયોગ્ય રીતે જ એમને ‘હોમા’ પક્ષી સાથે સરખાવ્યા છે એ પક્ષી આકાશમાં ખૂબ ઊંચે પોતાનાં ઈંડાં મૂકે છે અને ઊંચા આકાશમાંથી નીચે પડતાં ઈંડાં રસ્તામાં જ ફૂટી જઈ એમાંથી બચ્ચાં બહાર આવે છે. એ નીચે પડતાં બચ્ચાં નજીકની નીચેની ધરતી પર અથડાવું પડશે એમ જોઈને વચ્ચેથી જ ખૂબ ઊંચે પોતાની મા પાસે ચાલ્યાં જાય છે. આમ, આવા વરેણ્ય જીવો બહુ ઓછા છે કે જેઓ માનવદેહે પોતાના જન્મથી ધરતીને ધન્ય બનાવે છે. માનવજાતિનું સર્વપ્રકારે કલ્યાણ કરે છે. નારદ, ગૌતમબુદ્ધ, શ્રી શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ અને બીજા બધા આ વર્ષના હતા.

ધર્મની વિભાવના

શ્રીરામકૃષ્ણને મતે ધર્મ એ ઈશ્વરવિષયક ધાર્મિકજ્ઞાન પણ નથી અને ઈશ્વરવિષયક તાત્ત્વિક ધારણા પણ નથી. એ તો છે ઈશ્વરનો સીધો સાક્ષાત્કાર. માણસ બહુ શાસ્ત્રો ભણેલો હોય, ઈશ્વર વિષે શાસ્ત્રમાંથી હંમેશાં ઉદાહરણો ટાંકતો હોય તો પણ એ અધાર્મિક હોઈ શકે છે. શાસ્ત્રાધ્યયનમાં આકાશમાં ખૂબ ઊંચે ઊડતો હોવા છતાં એવાની નજર કામિનીકાંચન જેવા જાગતિક ક્ષુલ્લક પદાર્થો પર લાગેલી હોય છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે આકાશમાં ખૂબ ઊંચે ઊડતું ગીધ, એની નજર તો એ મસાણમાં ગંધાતા મૂડદાને શોધવામાં જ લગાડી રાખે છે. આનું કારણ અંતઃકરણની શુદ્ધિ વગરનું શાસ્ત્રજ્ઞાન, ઉપરછલ્લો ત્યાગ કે વિવેક કશું ફળ આપતાં નથી. સાધના વિના શાસ્ત્રનો મર્મ પકડી શકાતો નથી. પોથીપાંડિત્ય નકામું છે. કેવળ શાસ્ત્રાધ્યયન એ ઈશ્વરાનુભૂતિ નથી. આ ઈશ્વરાનુભૂતિ આગળ બધાં જ્ઞાનવિજ્ઞાનો કશા મહત્ત્વનાં નથી. (કથામૃત ૧, પાનું ૧૪૩, ૧૭૦)

આ રીતે કોઈ મોટો દાર્શનિક હોય, ભેદક અને તીવ્ર બુદ્ધિવાળો હોય, તો પણ શંકાશીલ અને ઈશ્વરમાં આસ્થા વગરનો હોઈ શકે. અથવા તો તેને ઈશ્વરનું અસ્તિત્વ માનવાની ફરજ પડે તો ફક્ત તાર્કિક દલીલોથી જ એનું અસ્તિત્વ ઠેરવશે. અને તો ય એને ઈશ્વરની ઓળખ તો નહિ જ થાય. એને માત્ર ઈશ્વર વિષયક ઝાંખોપાતળો ખ્યાલ કે વધારેમાં વધારે અજ્ઞાત અને અજ્ઞેય હસ્તીમાં માનવાની વૃત્તિ એનામાં થશે. કોઈ તર્ક કે દલીલથી આપણે ઈશ્વરની હસ્તી સાબિત કરી શકીએ નહિ કારણ કે તર્ક એ કોઈ જ્ઞાનનો અવયવ નથી. કોઈનું અસ્તિત્વ એ ઉદ્ઘાટિત કરતો નથી. વસ્તુની આપણી અનુભૂતિઓને સમજવા અને નાણવામાં એ મદદ કરે ખરો. ઈશ્વરની હસ્તીનાં પ્રમાણો તો આપણને એ વિશે એવા ને એવા અનિશ્ચયમાં રાખે છે. આપણને ઈશ્વરની અપરોક્ષ અનુભૂતિ જ જો થઈ જાય, તો તો બીજાં પ્રમાણોની કશી જ જરૂર રહેતી નથી. અને આપણને જો એવી અનુભૂતિ ન થઈ હોય તો ગમે તેટલાં ઈશ્વરની હસ્તીનાં પ્રમાણો હોવા છતાં આપણે ગળે એ વાત ઊતરશે નહીં. એનો અર્થ એ થયો કે જીવનના એક ઘટક તરીકે ઈશ્વરના સીધા સાક્ષાત્કારના પાયા ઉપર જ ધર્મ ખડો થયેલો હોવો જોઈએ. શરત એ છે કે આપણે પૂરા પ્રામાણિક હોવું જોઈએ. અને આપણા ધાર્મિક જીવનમાં શ્રદ્ધાળુ હોવું જોઈએ.

તો પછી આ ઈશ્વર સાક્ષાત્કાર કેમ થાય? આપણે ઈશ્વરાનુભૂતિ કેવી રીતે કરી શકીએ? આને માટે પહેલવહેલી આવશ્યક વસ્તુ ચિત્તશુદ્ધિ છે. આ સત્ત્વશુદ્ધિ સિવાય ઈશ્વર પાસે જઈ શકાય નહિ અને એની અનુભૂતિ થઈ શકે નહિ. શ્રીરામકૃષ્ણ કહે છે : “કાદવથી ખરડાયેલી સોયને લોહચુંબક આકર્ષી, ખેંચી શકતું નથી. પણ જ્યારે એ કાદવને ધોઈ નાખવામાં આવે ત્યારે જ લોહચુંબક તેને આકર્ષી શકે છે. તેવી જ રીતે જ્યારે મનની બધી જ અશુદ્ધિઓ પશ્ચાત્તાપના અશ્રુજળથી ધોવાઈ જાય છે, ત્યારે લોહચુંબક જેમ સ્વચ્છ સોયને ખેંચે છે, તેમ ઈશ્વર આપણા મનને આકર્ષે, ખેંચે છે.” (કથામૃત, ૧, પાનું ૧૬-૧૭, ૭૩ ૭૮) ચિત્ત શુદ્ધ થયા પછી આપણે વિવેક અને વૈરાગ્યના ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. સારાનરસાનો ભેદ સ્પષ્ટ રીતે પારખતાં આપણને આવડવું જોઈએ. શાશ્વત અને પરિવર્તનશીલ કે અનિત્ય (દુન્યવી)નો ભેદ પારખી વિવેક પુરઃસર સારું, શાશ્વત ઈચ્છવું જોઈએ અને ખરાબ, પરિવર્તનશીલ અને દુન્વયી વસ્તુઓથી મોઢું ફેરવી લેવું જોઈએ. આત્મા અને મનબુદ્ધિ વચ્ચેનો ભેદ પારખીને સમજી લેવું જોઈએ કે આત્મા એ કંઈ શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ કે અહંકાર નથી. વળી, આપણે ઈન્દ્રિયસુખની બધી ઈચ્છાઓથી, લોભથી, ઈન્દ્રિયસુખોની કામનાથી મુક્ત થઈ જવું જોઈએ અને કોઈ રૂપમાં આત્માની સંડોવણી ન કરવી જોઈએ. બધા જ ઈન્દ્રિય-વિષયો પ્રત્યે વિમુખતાનું વલણ વૈરાગ્ય કહેવાય છે. (રામકૃષ્ણ ઉપદેશ, સ્વામી બ્રહ્માનંદ, પાનું ૩૫-૩૮)

મનની આવી શુદ્ધિ અને સાવધાની સાથે જિજ્ઞાસુએ ઈશ્વર સાક્ષાત્કાર માટે સાધનામાં પદાર્પણ કરવું જોઈએ; એણે હંમેશાં ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. અને પોતાના મનને સદા ઈશ્વર ચિન્તનમાં નિમગ્ન રાખવું જોઈએ. આમ, ધ્યાન અને ધર્મ અવિરત આચરવાં જોઈએ. સતત ઈશ્વર ચિંતન, પ્રેમના સર્વોત્તમ લક્ષ્ય તરીકે એને જ માનીને કરતા રહેવું જોઈએ એને જ જીવનનું ઉચ્ચતમ મૂલ્ય સમજવું જોઈએ. પછી ઈશ્વરની કૃપાથી આ આધ્યાત્મિક સાધક પોતાને મોઢામોઢ ખડા થયેલા ઈશ્વરના દર્શનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરે છે. ઈશ્વરની કૃપા વિના મનુષ્યની ધાર્મિક પિપાસા તૃપ્ત થઈ શકતી નથી. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘અંધારી રાતે આપણે પહેરગીરોનો ચહેરો, જ્યાં સુધી વિનંતી ન કરીએ અને તે પોતાના હાથમાં રહેલા ફાનસને મહેરબાનીથી પોતાના મોઢા તરફ ન ફેરવે ત્યાં સુધી જોઈ શકતાં નથી. એ જ રીત આપણે ઈશ્વરને પોતાને આપણા તરફ પ્રગટ થવા માટે વિનવણી પ્રાર્થના કરવી જોઈએ. અને ઈશ્વર પ્રસન્ન થાય છે, પોતાની કૃપાદૃષ્ટિ આપણા ઉપર નાખે છે અને આપણી આગળ પોતાનો ચહેરો પ્રકટ કરે છે.” (કથામૃત ૧, પાનું ૭૮-૭૯) આનો અર્થ એ નથી કે આપણી આધ્યાત્મિક તૈયારીઓ સાવ નકામી થઈ જાય છે. આપણે પ્રયત્નોથી અને સાધનાથી જ ઈશ્વરની કૃપા મેળવીએ છીએ. જો ઈશ્વર કૃપા કરી પોતાનું સ્વરૂપ આપણી આગળ પ્રગટ કરે, તો આપણે આપણા પક્ષે આપણને એના યોગ્ય પાત્ર બનાવીએ. અને એ યોગ્યતા આપણને ચિત્તશુદ્ધિ અને આત્મ સંસ્કારથી જ સાંપડી શકે છે.

(ક્રમશઃ)

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.