દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી ઊઠ્યા, ‘દયા! અરે, ક્ષુદ્ર માનવ, તું વળી શી દયા દાખવી શકે? ના, ના જીવ પ્રત્યે દયા નહીં પણ શિવભાવે એની સેવા કરી શકે.’ સ્વામી વિવેકાનંદને શ્રીરામકૃષ્ણદેવના આ મહાન કથનમાં એક અદ્ભુત સંદેશ સાંપડ્યો ‘શિવભાવે જીવસેવા-જીવપૂજા’. બેલૂરમઠના ખાડા ટેકરાવાળા મેદાનને સમારવા કામ કરતા સાંથાલના મજૂરો માટે એક દિવસ ભોજનની વ્યવસ્થા કરી. ભોજન પત્યા બાદ સ્વામીજીએ એમને કહ્યું, ‘તમે બધા નારાયણ છો, સાક્ષાત્ નારાયણ છો. તમને આજે ભોજન કરાવીને મેં સાક્ષાત્ નારાયણને નૈવેદ્ય જમાડ્યું છે.’ આવા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના મહાન સંદેશ ‘શિવભાવે જીવસેવા’, ‘દરિદ્ર દેવો ભવ’ તથા ‘અજ્ઞ દેવો ભવ’ – ને નજ૨ સમક્ષ રાખીને આદિવાસી – ગિરિજનોના સમાજનાં સંસ્કૃતિ, કળા-ભાષા જેવાં આગવાં તત્ત્વોને સંરક્ષીને, એનું સંવર્ધન કરીને તેમજ તેમનાં અનન્ય સાંસ્કૃતિક-સામાજિક ખજાનાને, પોતિકાં તત્ત્વ-સત્ત્વને સામાન્ય જીવનના પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવા, તેઓ ભદ્ર-સભ્ય સમાજની નકલ ન બની જાય એ રીતે એમનાં નૈતિક ગુણો, સાદગી, સ્વાશ્રય, સાહસિકતા – નીડરતા, કલા બુદ્ધિ, આનંદી મિજાજને જાળવી રાખીને એમની સેવા કરવાનો નિર્ધાર રામકૃષ્ણ મિશને કર્યો છે.
ગિરિજન સેવાનો પ્રારંભ
જાંતિયા-ખાસી પર્વતીય વિસ્તારમાં સપ્ટેમ્બર ૧૯૨૪માં બ્રહ્મલીન સ્વામી પ્રભાનંદજી મહારાજ (કેતકી મહારાજ)ના શેલામાં આદિવાસી સેવાના કાર્યથી ગિરિજન સેવાનો પ્રારંભ થયો. સ્વામીજી તો એમનામાં ભળી ગયા. ત્રણ માસમાં એમની ભાષા પણ શીખી લીધી. અને એમણે એકલાએ પ્રૌઢો માટે રાત્રિ શાળા અને બાળકો માટે પ્રાથમિક શાળા શરૂ કરી. ગિરિજનોની અજ્ઞાનતા અને ભારતવર્ષના ભૂત-ભાવિ-વર્તમાન વિશેનાં શંકા – કુશંકાનાં વાદળોને હટાવવા અને ખાસીના આદિવાસી સમાજના લોકો ભારતીય રીતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને આત્મસાત્ કરે અને બંનેનું સંયોજન કરી શકે તેવા ઉદાત્ત હેતુ સાથે તેમણે શેલામાં રામકૃષ્ણ આશ્રમની સ્થાપના કરી. અસ્તિત્વવિહોણું એકલવાયું જીવન જીવતાં આ લોકો માટેના સ્વામીજીના પ્રયાસોથી, એમના પ્રેમ અને સહાનુભૂતિને લીધે આ ગિરિજનોના જીવનમાં આનંદનો સંચાર થયો. અને લોકોની આત્મશ્રદ્ધા જાગતાં વધુ સારું જીવન જીવતાં શીખ્યાં. પોતાના પૂર્વજો તરફથી મળેલી જીવન સંસ્કૃતિની સુંદર પ્રણાલિઓને ભોગે એમનો સામાજિક આર્થિક વિકાસ થવો ન જોઈએ – એ વાત પણ એમણે એમના ગળે ઉતારી. સ્વામી પ્રભાનંદજીની આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને આજુબાજુના બીજાં ગામડાંનાં આદિવાસીઓએ પણ શાળાઓ સ્થાપવા એમને વિનંતી કરતાં શેલાને કેન્દ્રમાં રાખીને આવું શાળાઓનું એક જૂથ ઊભું કર્યું. સ્થાનિક સમિતિઓએ શાળા સંચાલનની જવાબદારી ઉપાડી લીધી. ખાસી ભાષામાં સ્વામીજીએ કેટલાંક પાઠ્ય પુસ્તકોનું પણ પ્રકાશન કાર્ય કર્યું. આ સમયે ખાસી ભાષામાં આવાં પુસ્તકો પ્રાપ્ય નહોતાં. શિલોંગમાં જતાં આદિવાસી બાળકો પોતાના સમાજને પ્રતિકૂળ બને તેવાં ટેવ-રસ-રુચિ કેળવતાં થયાં. આ વાતનો ખ્યાલ આવતાં જ સ્વામીજીએ ૧૯૩૧માં ચેરાપુંજીમાં એક હાઈસ્કૂલની સ્થાપના કરી. આ જ હેતુ સાથે એમણે ૧૯૩૭માં શિલોંગમાં એક કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૯૭થી વિદ્યાર્થીઓ માટે હૉસ્ટૅલ પણ ચાલુ છે.
આ સેવા કાર્ય વિસ્તરે છે
૧૯૬૧માં દેશની ઈશાન સરહદ પરના ચીનના આક્રમણ સાથે રામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસીઓની ઉન્નતિ માટેની ઉત્કંઠા વધુ તીવ્ર બની. આ આક્રમણ પછીનાં વર્ષોમાં સરકારની સૂચના સાથે ઘણાં બાળકો મઠ-મિશનની શાળાઓમાં આવવાં લાગ્યાં. આ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ માટે આવતી આદિવાસીઓની આ પ્રથમ પેઢી હતી. પછી તો આદિવાસી પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઇંદિરા ગાંધીએ રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓને લખ્યું હતું: ‘અમે તમને મદદ કરવા બધું જ કરી છૂટીશું. પણ તમારે જ આ કાર્ય કરવું પડશે. અમારી સરકાર સંસ્કૃતિ-સંસ્કાર નહિ આપી શકે, ભલે એ થોડું શિક્ષણ આપી શકે એટલે જ અમે ઇચ્છીએ છીએ કે રામકૃષ્ણ મિશન આ શિક્ષણ આપવાનું અને એમને સાંસ્કૃતિક રીતે ઉન્નત કરવાનું કામ ઉપાડી લે.’ એમની ઇચ્છા પણ રામકૃષ્ણ મિશન આ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરે એવી હતી.
આમ આદિવાસી વિસ્તારનાં લોકોની સેવા-કલ્યાણ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ઘણી સંસ્થાઓ શરૂ થઈ – આમાંથી કેટલીક સંસ્થાઓની વાત અહીં કરીશું :
ચેરાપુંજી (મેઘાલય)નું શૈક્ષણિક સંકુલ
૧૯૩૧માં પોતાની હાઈસ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રારંભ કરનાર આ સંકુલ ચેરા બજારની નજીક ટેકરીઓની વચ્ચે ઉત્તમ સ્થળે આવેલું છે. એમાં વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલ્સ તથા ત્રણ પ્રાથમિક શાળાઓનો વધારો થયો છે. ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન પણ બંધાઈ ગયું છે. આ કેન્દ્રની શાખા તરીકે શૈલામાં એક મિડ્લ સ્કૂલ અને પ્રાથમિક શાળા પણ ચાલે છે. સ્થાનિક આદિવાસીઓ દુર્ગાપૂજા અને કાલીપૂજા, મહોત્સવ ઉજવે છે. સોહબારપુંજ, નોંગવાર અને બીજાં અનેક સ્થળે આખા ખાસીના પર્વતીય પ્રદેશોમાં વિવિધ કક્ષાની ૪૧ શાળાઓ ચાલે છે. જેંતિયા પર્વતીય પ્રદેશોમાં નાર્તિયાંગમાં એક પ્રાથમિક અને એક મિડ્લ સ્કૂલનું સંચાલન આ શાખા કેન્દ્ર દ્વારા થાય છે. ખાસી ભાષામાં આ કેન્દ્ર પાઠ્યપુસ્તક પણ પ્રકાશિત કરે છે. સુથારીકામ, દરજીકામ, વણાટકામ, ગૂંથણકામ અને વેલ્ડીંગકામની ધંધાકીય તાલીમ પણ આપવામાં આવે છે. નાના પાયા પર દાક્તરી સેવા પણ અપાય છે. આ કેન્દ્ર દ્વારા આ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા, ૧૩ મિડ્લ સ્કૂલ, ૩૩ પ્રાથમિક શાળાઓમાં ૨૩૧૧ વિદ્યાર્થીઓ અને ૨૦૯૨ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.
આલોંગ (અરુણાચલ પ્રદેશ)ની શૈક્ષણિક સંસ્થા
સિપ્પુનદીથી અરધો કિલોમિટર દૂર અને આલોંગ શહેરથી ૪ કીલોમિટર દૂર સૂર્યનાં પ્રથમ કિરણની ભૂમિવાળા પૂર્વના પર્વતીય ઢાળ વચ્ચેના કુદરતી સૌંદર્યની વચ્ચેના વિસ્તારમાં ૭૫ એકર જમીન ઉ૫૨ ૧૯૬૬માં એક શાળાની સ્થાપના કરવામાં આવી. આ વિસ્તાર રેલ્વે સ્ટેશનથી ૧૭૦ કિ.મિ. અને એરપોર્ટથી ૨૦૦ કિ.મિ.ના અંતરે શહેરી જીવનની બધી ચહલ-પહલથી દૂર છે. આદિ, મિનાંગ અને ગાલોંગ ભાષાના બાળકો અહીં આ વિસ્તારનાં બધાં રાજ્યોનાં (અરુણાચલપ્રદેશના સરકારી અધિકારીઓ અને મિલિટરીના માણસોનાં) બાળકો સાથે અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં ૨૭૫ વિદ્યાર્થી સંખ્યા છે. હરતાં ફરતાં દવાખાના દ્વારા ૧૦ હજાર દરદીઓની સેવા કરવામાં આવે છે. અભ્યાસક્રમના એક ભાગરૂપે ખેતીવાડી – ડેરી – મરઘાં ઉછેર – ટાઈપ – સાઈક્લોસ્ટાઈલ – શોર્ટહેન્ડ, દરજીકામ, ભરતગૂંથણ, છાપકામ, સુથારીકામ, ઑટોમોબાઈલ, કોમ્પ્યુટર સાયન્સ; સંગીત, ચિત્ર, નૃત્ય, માટીકામ, શિલ્પકામની તાલીમ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા બાલકલ્યાણ પ્રવૃત્તિઓનો ‘રાષ્ટ્રીય એવોર્ડ’ (૧૯૮૪) રામકૃષ્ણ મિશન આલોંગ કેન્દ્રને એનાયત કરાયો હતો. આદિભાષામાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં પણ એ કેન્દ્ર સહાય કરે છે. ૧૯૩૩ વિદ્યાર્થી સંખ્યાવાળી અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આદિવાસી વિદ્યાર્થીઓ પૈકી ૫૭૨ વિદ્યાર્થિનીઓ પણ અહીં અભ્યાસ કરે છે.
અરુણાચલ પ્રદેશની નરોત્તમનગરની શિક્ષણ સંસ્થા
નામસંગમુખની નજીક બુરહી દિહીંગ નદીના કિનારે તિરાપ જિલ્લાના ગાઢ વનપ્રદેશમાં ૨૫૦ એકર જમીન ઉપર ૧૯૭૧માં નિવાસી અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી. નોકતે સંત ‘નરોત્તમ’નું નામ આ સંસ્થા સાથે જોડાયેલું છે. આ શાળામાં બીજી અને ત્રીજી ભાષા તરીકે હિંદી અને સંસ્કૃત ભણાવવામાં આવે છે. આ શાળામાં ૬૨૦ વિદ્યાર્થીઓ છે. આની સાથે સંલગ્ન હૉસ્ટૅલમાં ૬૨૦ વિદ્યાર્થીઓ રહે છે. અરુણાચલ પ્રદેશની બધી આદિ જાતિઓના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે – એનું આગવું પાસું છે. અભ્યાસક્રમના એક ભાગરૂપે સુથારીકામ, દરજીકામ, ખેતીવાડી, ડેરી, મરઘાં ઉછેર, ટાઈપ, નેતરકામ, રંગકામ, ચિત્રકામ, માટીકામ – વગેરેની તાલીમ અહીં અપાય છે. આઉટડોર દવાખાના અને હરતાં ફરતાં દવાખાના દ્વારા આઠ હજાર જેટલા દરદીઓને સારવાર અપાય છે.
મધ્યપ્રદેશના નારાયણપુરના આદિવાસીઓની વિવિધલક્ષી સેવાનો પ્રકલ્પ
મધ્યપ્રદેશના બસ્તર જિલ્લામાં અબૂઝમાડના આદિવાસીઓની સેવા યોજના રૂપે ૧૯૮૫માં આ નારાયણપુર કેન્દ્રનો પ્રારંભ થયો.
આ અબૂજમાડ એટલે અજ્ઞાત – ઉચ્ચપર્વતીય ભૂમિ પર ચાર હજાર ચો.કિ.મિ. વિસ્તારના ૨૬૦ નેસડા (ગામ)માં ૨૭ હજાર જેટલા આદિવાસી લોકોનું નિવાસસ્થાન. આ વિસ્તારના આદિવાસીઓમાં મારિયા કે ડુંગરીમારિયા મુખ્ય છે. સુંદર મુખાકૃતિ અને અંગકાંતિવાળા હોવા છતાં આ ગંગા-ગોદાવરી નદી વચ્ચે વસેલા આદિવાસી લોકો ઘણા પછાત છે. નારાયણપુર કેન્દ્ર દ્વારા મુરિયા, હુબલ અને ગૌંડ જાતિના આદિવાસીઓની સેવા થાય છે. અબૂઝમાડના પશ્ચિમ ભાગમાં ૨૦૦ ગામડાંના લોકોની સેવા માટે ૪૩૪ વિદ્યાર્થીઓ વાળી એક નિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્વામી વિવેકાનંદ આરોગ્યધામ નામની ૩૦ પથારી વાળી ઇસ્પિતાલ, આદિવાસી યુવા તાલીમ કેન્દ્ર, છ વાજબી ભાવનાં ખરીદ કેન્દ્ર, ખેતીવાડી તાલીમ અને નિદર્શન ફાર્મની સુવિધા આ કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે. નારાયણપુરને પાયાના કેન્દ્ર તરીકે રાખીને ગ્રામ્યપ્રદેશના આકાબેડા, કુતુલ, કરચપાલ, ઇરાકભટ્ટી અને કુંડલાનાં અન્ય પાંચ કેન્દ્રો દૂર-સુદૂરના ઠેઠ ખૂણે આવેલા વિસ્તારમાં – અબૂજમાડના ૧/૩ વિસ્તારમાં – પોતાનું સેવાકાર્ય કરે છે. આ પાંચેય કેન્દ્ર ૩૭૮ વિદ્યાર્થીવાળી નિવાસી પ્રાથમિક શાળા, પ્રાર્થના ખંડ, આરોગ્ય ઘર, વાજબી ભાવની દુકાન, ખેતીવાડી તાલીમ નિદર્શન – કાર્યની સુવિધાથી સંપન્ન છે. આદિવાસી પ્રદેશનું એક સંગ્રહાલય, રમતગમત સંકુલ, નાટ્યસભાગૃહ, જાહેર પુસ્તકાલય અને વાચનાલય તથા ચિલ્ડ્રન પાર્કનાં બાંધકામ પૂરાં થવામાં છે.
આમતાલી – ત્રિપુરા (પશ્ચિમ)નું શૈક્ષણિક સંકુલ
૧૯૮૫માં અગરતલાનું પેટા કેન્દ્ર રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બન્યું. પણ એ છેલ્લાં ૧૨ વર્ષથી ત્રિપુરા રાજ્યના આદિવાસીઓની વિવિધ રીતે સેવા કરે છે. આદિવાસી અને બિન-આદિવાસી- વચ્ચેની દુઃખદ અથડામણોને લીધે પીડિતો માટે મિશન દ્વારા મોટાપાયે રાહતકાર્યો હાથ ધર્યાં હતાં. આ કેન્દ્ર ચાર જુદાજુદા આદિવાસી ગામડાં માટે બાર નાનાં પુસ્તકાલયો ચલાવે છે. આ કેન્દ્રની દેખરેખ હેઠળ ત્રણ શિક્ષણ કેન્દ્રો ત્રણ આદિવાસી ગામોમાં શરૂ કર્યાં છે. ત્રિપુરાની સૌથી વધુ ગરીબ અને પછાત મારસુમ આદિવાસીઓની વસતિવાળા લક્ષ્મણધેપા ગામમાં-‘સઘન ગ્રામ-વિકાસ પ્રકલ્પ’ નામનું કેન્દ્ર સેવાભાવી કાર્યકરોની સહાયથી ચલાવે છે. આમતાલીમાં એક હજાર વિદ્યાર્થીઓ માટેની શાળા અને શાળા સંકુલનું બાંધકામ પૂર્ણ થવાની તૈયારીમાં છે.
આ યોજનાનો પૂર્વપ્રકલ્પ ૧૯૯૦ના સપ્ટેમ્બરમાં ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શરૂ થયો છે. ૧૯૯૧ના ઑગસ્ટથી વૉકેશનલ ટ્રેઈનીંગ સેન્ટરનો પ્રારંભ થયો છે. આ તાલીમ કેન્દ્ર દ્વારા ૩૭ આદિવાસી યુવાનોને સ્વરોજગારી તરફ વાળવામાં આવે છે.
ઉપર્યુક્ત શૈક્ષણિક પ્રકલ્પોમાં સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સાધેલી સિદ્ધિઓ
આલોંગ, નરોત્તમનગર અને નારાયણપુરના વિદ્યાર્થીઓની અભ્યાસ, રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની સિદ્ધિઓનો ઉલ્લેખ ક૨વાની ખાસ જરૂર છે. આલોંગ અને નરોત્તમનગરના – ઉચ્ચ માધ્ય. શાળા જે સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન છે તેમના વિદ્યાર્થીઓ છેલ્લાં કેટલાય વર્ષો થયાં સતત ૧૦૦ % પરિણામો લાવે છે. તેમાંય મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રથમવર્ગ કે તેથી વિશેષ ગુણવત્તા સાથે ઉત્તીર્ણ થાય છે. મેઘાલય બોર્ડ સાથે સંલગ્ન ચેરાપુંજીની શાળાના વિદ્યાર્થીઓ પણ આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવીને મોખરે રહ્યા છે. આ શાળાના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉચ્ચ ક્રમાંક મેળવીને સફળ થાય છે. શ્રેષ્ઠ ગુણવત્તા કે વિષયવાર શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરવા બદલ પારિતોષિકો પણ મેળવે છે. મધ્યપ્રદેશ રાજ્ય બોર્ડની હેઠળ નારાયણપુરના વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં ક્રમાંકિતોમાં સ્થાન મેળવી ઉત્તમ પરિણામો આપ્યાં છે.
સમગ્ર મધ્યપ્રદેશમાં નારાયણપુરની જિમ્નેસ્ટિ્કની ટુકડી બીજા ક્રમે આવી છે. ૧૯૯૩માં સ્વાતંત્ર્ય દિનની ન્યુ દિલ્હીની પરેડમાં નારાયણપુરના એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧૯૮૬ અને ૧૯૮૮ એમ બે વર્ષ ઑલ ઇંડિયા સુબ્રૉતૉ મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહીને આલોંગની ફૂટબોલ ટીમે ગૌરવ અપાવ્યું છે. આલોંગની શાળાના બે વિદ્યાર્થીઓ નેશનલ સ્પોર્ટસ ટેલૅન્ટ સ્કૉલરશીપ માટે પસંદગી પામ્યા છે. ઉઝબેકિસ્તાન જનાર ફૂટબોલની ટીમ માટે આ બંને વિદ્યાર્થીઓને ‘નેશનલ કોચિંગ કૅમ્પ ઓફ સ્કૂલ ફૂટબોલ’ માટે પસંદ કરવામાં આવ્યા છે. નરોત્તમનગરની શાળાના વિદ્યાર્થીઓએ વિભાગીય – જિલ્લા રાજ્ય કક્ષાની વિજ્ઞાન પ્રદર્શન અને સેમિનારમાં પ્રથમ અને દ્વિતીય પારિતોષિકો મેળવ્યાં છે.
આદિવાસી વિસ્તારમાં રામકૃષ્ણ મઠ-મિશનની સેવા કલ્યાણ પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન
હાલમાં આદિવાસી કલ્યાણ યોજનાને આ ત્રણ વિભાગમાં જોઈએ :
૧. શૈક્ષણિક – સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૨. સ્વાવલંબન પ્રેરતી તાલીમી પ્રવૃત્તિઓ
૩. વૈદ્યકીય – ચિકિત્સા – સેવા પ્રવૃત્તિઓ
શૈ. અને સાં. પ્રવૃત્તિઓ :–
અહીં જણાવેલાં કેન્દ્રોમાં આદિવાસી લોકો માટે શૈક્ષણિક સેવાઓ પ્રાપ્ય છે –
રાજ્ય કેન્દ્ર
૧. અરુણાચલ આલોંગ, નરોત્તમનગર
૨. આસામ ગૌહાટી, સિલ્ચર
૩. બિહાર જમશેદપુર, જામતારા
૪. ગુજરાત રાજકોટ
૫. કેરાલા કાલાડી
૬. મધ્યપ્રદેશ નારાયણપુર
૭. મેઘાલય શિલોંગ, ચેરાપુંજી
૮. ઓરિસ્સા પુરી (મિશન)
૯. ત્રિપુરા આમતાલી
૧૦. ૫. બંગાળ જયરામવાટી, કામારપુકુર, મનસાદ્વીપ, નરેન્દ્રપુર, પુરુલિયા
૧૯૯૭ની સાલમાં મઠ-મિશનની બે કૉલેજો, બે શૈક્ષણિક તાલીમ કૉલેજો, બે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, એક અંધ વિદ્યાલય, ૪ ગ્રામ્ય-વિકાસ તાલીમ કેન્દ્રો, ૧૮ વૉકેશનલ તાલીમ કેન્દ્રો, ૧૭ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૪૪ વિદ્યાર્થી મંદિરો – (હૉસ્ટૅલ્સ), વિવિધ કક્ષાની ૮૮ શાળાઓ, ૨૬૧૮ અનૌપચારિક શિક્ષણકેન્દ્રો અને રાત્રિશાળાઓ દ્વારા ૧,૦૩,૬૦૯થી ય વધુ ગ્રામ્ય અને આદિવાસી વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિક્ષણ મળે છે. જ્યાં પહોંચવું અને કાર્ય કરવું દુષ્કર છે એવા આદિવાસી વિસ્તારોમાં આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અનેસંસ્કૃતિની સંવાદિતાપૂર્વકની આ સેવાઓ સંતોષજનક અને ફળદાયી નીવડી છે.
તદુપરાંત ઉપર્યુક્ત કેન્દ્રોની પ્રવૃત્તિઓ અન્ય લોકો માટે પણ આવી જ સેવાકલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવા એક પ્રેરણા બની રહે તેમ છે.
અભ્યાસક્રમના એક ભાગરૂપે બધી શિક્ષણ સંસ્થાઓમાં નૈતિક – આધ્યાત્મિક શિક્ષણ અપાય છે. વિદ્યાર્થી મંદિર (હૉસ્ટેલ)માં વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર ૫૨ Man making, Character buildingના શિક્ષણ પર પૂરતું ધ્યાન અપાય છે. દૃશ્ય-શ્રાવ્ય નિર્દર્શન, શૈક્ષણિક ફિલ્મ પ્રદર્શન – પ્રવાસ, સેમિનાર, ચર્ચા સભા, પરિસંવાદ, વક્તૃત્વ સ્પર્ધા, સમાજસેવા કાર્ય શિબિર, શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ જયંતી મહોત્સવ અને મહત્ત્વના ભારતીય ધર્મ મહોત્સવો તેમજ સર્વધર્મ સમભાવને ધ્યાનમાં રાખીને જગતના પયગમ્બરોના જન્મ મહોત્સવોનું પણ આયોજન થાય છે. આ મહોત્સવો યુવા ભાઈ-બહેનોમાં નવજાગરણ અને સર્વાંગી વિકાસ સાધવાના કાર્યમાં ખૂબ જ સહાયક નીવડે છે.
સ્વાવલંબન તરફ દોરી જતી તાલીમી સેવા
૧. ભીતર રહેલી સુષુપ્ત ધંધાકીય પ્રતિભાને બહાર લાવીને તેને વિકસાવી.
૨. આ વિકસેલા કૌશલ્યની સહાયથી પ્રતિભાવાળાને આર્થિક ઉપાર્જન કરવા અને એમને સ્વાવલંબન – સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાના બેવડા હેતુઓની પૂર્તિ માટે આ યોજના ચાલુ કરાઈ છે.
રામકૃષ્ણ મઠ-મિશનનાં અગરતલા, બેંગ્લૉર, મુંબઈ, જમશેદપુર, મૈસૂર, નારાયણપુર, નરેન્દ્રપુર, પુરી (મિશન), અને રાંચી (મોરાબાદી) – કેન્દ્રોમાં આવી તાલીમ માટેની સુવિધાઓ છે. આ તાલીમ કેન્દ્રોમાં ખેતીવાડી, ડેરીફાર્મ, મરઘાં – બતક ઉછેર, રેશમ કીડા ઉછેરી, બાગાયતી ખેતી યંત્ર સામગ્રીનું રીપેરકામ, મધમાખી ઉછેર, દરજીકામ, સુથારીકામ, વણાટકામ, વૅલ્ડીંગ, બેકરી – જેવી ધંધાકીય તાલીમ આપવામાં આવે છે- કેટલાંક કેન્દ્રોની તાલીમી કામગીરી અને તેની કાર્ય સિદ્ધિ આ પ્રમાણે રહી છે :
૧ : રાંચી (મોરાબાદી) કેન્દ્રની સામાજિક-આર્થિક ઉત્થાનની સેવા-કાર્ય પ્રવૃત્તિ
રાંચી શહેરની પૂર્વે ટાગોર ટેકરીની તળેટીમાં આ કેન્દ્ર આવેલું છે. ૧૯૬૯માં શરૂ થયેલ નિઃશુલ્ક નિવાસી સંસ્થા ‘દિવ્યાયન’ – તેના ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર એન્ડ રિસર્ચ – દ્વારા માન્ય)ની મદદથી કુલ લાભાર્થીમાંના ૬૫% થી વધુ સંખ્યામાં આદિવાસી લાભાર્થીઓને ખેતીવાડી, ડેરીફાર્મ, મરઘા-બતક ઉછેર, માછીમારી – વગેરે ક્ષેત્રોમાં તાલીમ આપે છે.
ક્ષેત્રીય– કેમ્પસ- તાલીમ- શિબિર કાર્યક્રમ હેઠળ
(૧) છ સપ્તાહનો સઘન પ્રેરણામૂલક તાલીમી કાર્યક્રમ
(૨) કૃષિ-અર્થશાસ્ત્ર, મરઘાં ઉછેર, ડેરીફાર્મ, બાગ-બાગીચાનું કામ, કૃષિયંત્રોનું સંચાલન – જાળવણી, સુથારીકામ -વગેરેની ત્રણ માસથી એક વર્ષ સુધીના સમયગાળાના વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો
(૩) મધમાખી ઉછેર માટે એક માસના તાલીમ કાર્યક્રમો યોજાય છે. ‘કામ કરતાં કરતાં શીખો’ -એ શિક્ષણપદ્ધતિ-તાલીમ પદ્ધતિને મહત્ત્વ અપાય છે. આવી તાલીમ લીધેલા તાલીમાર્થીઓ ‘વિવેકાનંદ સેવા સંઘ’માં ગોઠવવામાં આવે છે. જેના ફળરૂપે નવી વિકાસ યોજનાના ઘડતર અને તેમના અમલીકરણમાં ઘણી સહાય મળે છે. માસિક સભાઓ, વાર્ષિક મિલન સમારંભ, વાર્ષિક કૃષિમેળા – કિસાન મેળા, સુખ્યાત હિન્દી માસિક પત્રિકા ‘દિવ્યાયન સમાચાર’ની મદદથી જૂના અને નવા લાભાર્થીઓ વચ્ચે વિચારોની આપ-લે થતી રહે છે. ગ્રામ-સમાજ મંદિરનાં બાંધકામ, પાણીના કૂવા ગાળવા – બનાવવા, લિફ્ટ ઇરિગેશન, સૂર્યશક્તિથી ચાલતી વીજળી બત્તીની વ્યવસ્થા, નિધૂર્મચૂલા, બાયોગેસ પ્લાન્ટ – વગેરે કલ્યાણ સેવા પ્રવૃત્તિઓનાં કાર્યોને મૂર્ત રૂપ આપે છે. રાંચી જિલ્લાનાં ૫૫ ગામડાં જેમાંથી મુખ્યત્વે બેડિયા, મુંડા અને ઓરેઓન જાતિનાં આદિવાસી લોકોનાં ૩૦ ગામડાં આ ‘દિવ્યાયન ક્ષેત્ર’માં સમાવી લીધાં છે. (બાકીનાં ૨૫ ગામડાંમાં મિશ્ર વસ્તીના લોકો સાથે મહદ્અંશે આદિવાસીઓ રહે છે.) બિન ઉપજાઉ ભૂમિને નવસાધ્ય કરવા અર્જુનવૃક્ષના વાવેતરનું કાર્ય આ સંસ્થાએ ઉપાડ્યું છે. અર્જુનવૃક્ષનાં પાંદડાં પર રેશમના કીડા ઉછેરવાનું કામ શક્ય બન્યું છે. ગામડાંની બહેનોને તાલીમ આપીને તેમજ યોગ્ય યંત્રસામગ્રી પૂરી પાડીને બે ગામમાં રેશમના દોરાને ઉતારવાનું – વીંટવાનું કામ કરતાં કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.
૨ : નારાયણપુર કેન્દ્રમાં નવજીવનની તાલીમ
ધો. ૧૨ પાસ કર્યા પછી દર વર્ષે ૨૦ આદિવાસી યુવાનોને શિક્ષક, આરોગ્ય સેવક, બાગાયતી કામના શિક્ષક – વગેરેની તાલીમ આ કેન્દ્ર દ્વારા અપાય છે. નારાયણપુરથી ત્રણ કિ.મિ. બ્રિહબેડામાં બાવન એકર જમીન પર – ‘ખેતીવાડી તાલીમ અને નિદર્શન ફાર્મ’ પણ છે.
આદિવાસી ખેડૂત યુવાનોને જમીન જાળવણી અને ખેડ, વાવણી અને ખાતરના ઉપયોગની આધુનિક રીતરસમ શીખવાય છે. દશ દશ દિવસની આઠ શિબિરોમાં ૮૧ જેટલા યુવાનોને પ્રત્યક્ષ તાલીમ અપાય છે. આ આદિવાસીઓ જૂની પુરાણી ઘરેડવાળી સ્થાન ફેરવણી સાથેની ખેતી પદ્ધતિને વધુ મહત્ત્વ આપે છે અને આધુનિક ખેતી પદ્ધતિથી વિરુદ્ધ મન-મતવાળા લોકો છે. આ બધું હોવા છતાં પણ આવી તાલીમ પામેલા યુવાનોએ પોતપોતાના ગામડાંમાં તાલીમ સાથે પાછા ફરીને એક નવી ‘કૃષિ-ક્રાંન્તિ’ સર્જી છે. આ બધું એમણે તાલીમ દ્વારા મેળવેલી – શીખેલી નવી વૈજ્ઞાનિક રીતરસમોને આભારી છે. માછીમારી અને મરઘાં – બતકાં ઉછેરકામની વૈજ્ઞાનિક રીતરસમોનું નિર્દર્શન કાર્ય પણ અહીં થાય છે.
૩ : લોક શિક્ષણ પરિષદની સહાયથી ચાલતો નરેન્દ્રપુરનો વ્યાવસાયિક તાલીમ પ્રકલ્પ
૧૯૮૩થી માંડીને અનૌપચારિક શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ, સામૂહિક શિક્ષણના કાર્યક્રમો દ્વારા, પુરુલિયા, વીરભૂમ, ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના ૧૪ ગામડાંનાં આદિવાસીઓને આ શિક્ષણ સેવાનો લાભ મળ્યો છે. કેટલાંક ગામડાંમાં ‘સઘન ગ્રામ્ય વિકાસ’ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. વેરાન જમીનને નવ સાધ્ય બનાવવી, વૈજ્ઞાનિક અને સુવ્યસ્થિત રીતે સામાજિક વનીકરણ, કૃષિ-વનીકરણ કાર્યક્રમોએ પુરુલિયા જિલ્લાના ચાર વેરાન વગડા જેવાં ગામ – અરાલ ડોચા, જહાજપુર, કુરુકતોપા, આજમો૨ા અને બાંકુરા જિલ્લાના અમરકાનન-ની સિકલ બદલી નાખી છે. તસ્સ૨ – રેશમના કીડા ઉછેર – આ કાર્યક્રમનો એક ભાગ છે. કૃષિસામગ્રી અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કૃષિ સેવા- કેન્દ્રો અને ગ્રામ્ય ખરીદ વેચાણ કેન્દ્રોનું સંચાલન કરવા યુવાનોને ખાસ તાલીમ આપવામાં આવે છે. પોત પોતાની ખેત-નીપજના ખરીદ-વેચાણ પર પોતે જ દેખરેખ રાખે છે. પુરુલિયા જિલ્લાનાં ચાર ગામડાંના ખેડૂતો અને અન્ય લોકો માટે નવી સુધારેલી ‘જીવનદીપ’ નામે નવી બચત યોજના અમલમાં મૂકી છે. જેથી એમની વધારાની આવક નિરર્થક વેડફાઈ ન જાય. આ યોજના હેઠળ ૩ લાખ ૫૦ હજારથીય વધુ રકમની બચત કરીને આ યોજના હેઠળ રોકવામાં આવી છે.
૪ઃ મુંબઈ કેન્દ્ર દ્વારા ચાલતો સ્વાવલંબન – સ્વસહાય કાર્યક્રમ
મુંબઈથી ૮૬ કિ.મિ. દૂર થાણા જિલ્લાના સાકવાર ગામમાં મુંબઈ કેન્દ્ર દ્વારા આદિવાસી કલ્યાણ પ્રકલ્પ ચાલે છે. આ કેન્દ્રમાં ચાલતા સીવણકામ અને કૃષિનિદર્શન ફાર્મ – વિભાગો નોંધપાત્ર સેવા વિભાગો છે. સીવણકામના તાલીમાર્થીઓને નિયત ભથ્થું અને અભ્યાસ સામગ્રી વિના મૂલ્યે આપવામાં આવે છે. તાલીમ પછી તરત જ પોતાનું કામ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે તે હેતુથી એમને સીવવાના સંચા મફત અથવા તો નજીવા દરે અપાય છે. ખેતીવાડીની આધુનિક પદ્ધતિઓનું શિક્ષણ, પોતાનાં શાકભાજી – ફળો પોતાની મેળે ઉગાડી શકે તેવી સહાય અપાય છે. રોપાંની પ્રતિક મૂલ્યથી વહેંચણી કરવામાં આવે છે. ઘણાં લાભાર્થીઓએ પોતાના વિસ્તારમાં બાગાયતી વૃક્ષો વાવ્યાં છે અને એનાથી એમને આર્થિક લાભ મળે છે. આદિવાસી બાળકોના શિક્ષણ માટે આ કેન્દ્ર દ્વારા ચાલતી ચાર પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ પણ આપે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ચાર પુસ્તકાલયો પણ છે.
૫ઃ શ્રીરામકૃષ્ણ આશ્રમ મૈસૂર (કર્ણાટક)નું આદિવાસી સેવા કાર્ય
છેલ્લા એક દસકાથીયે વધુ સમય થયાં આ કેન્દ્ર ચામરાજ નગર, યેલાન્દુર, હેગ્ગડે દેવાન કોટના આદિવાસીઓને આધુનિક કૃષિ પદ્ધતિ વિશે તાલીમ આપે છે. રેશમના કીડા ઉછેરકામ અને બાગાયતી કામના વિકાસ માટે સહાય પણ આપવામાં આવે છે. સોલીગા, જેના કુરુબા, અને બેત્તાકુરુબા ગામનાં ૨૫૦ આદિવાસી કુટુંબોને આ યોજના હેઠળ સહાય કરી છે. આ કેન્દ્રે ઓછી કિંમતનાં ૧૬ મકાનો બાંધી આપ્યાં છે. આદિવાસીઓ માટે સાધન સુવિધા વાળી દશ પથારીની હોસ્પિટલ પણ બાંધી આપી છે.
૬ : બેંગ્લોરમાં આદિવાસી સેવા કાર્ય
કર્ણાટકના બેંગ્લોર મઠે શહેરથી ૩૫ કી.મિ. દૂર અને શિવાનાહાલી પાસેના ૧૬ જૂજ વસતી વાળાં ગામોના આદિવાસીઓ માટે સપ્ટેમ્બર ૧૯૮૪થી સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. કૃષિ, રેશમ કીડા ઉછેરકામ, બાગાયતી કામ માટે આદિવાસીઓને આધુનિક પદ્ધતિની તાલીમ અપાય છે. સિંચાઈ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. થોડાં મકાનો પણ બાંધી આપવામાં આવ્યાં છે. હરતાં ફરતાં દવાખાના દ્વારા દાક્તરી સેવા પણ આપવામાં આવે છે.
૭ : સિલ્ચર કેન્દ્ર આદિવાસી સેવા કાર્ય
સિલ્ચર કેન્દ્ર દ્વારા આ વર્ષથી (૧૯૯૨-૯૩) SAP દ્વારા સહાયિત મીઝો પર્વતમાળાની નજીકનાં ત્રણ ગામડાંના આદિવાસીઓ માટે સઘન વિકાસ-ઉત્થાન – પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.
વૈદ્યકીય ચિકિત્સા સેવા
ઈટાનગરની રામકૃષ્ણ મઠ-મિશનની ૧૬૦ પથારીવાળી હૉસ્પિટલમાં ૧૯૯૭ની સાલમાં ૬૨૨૧ દરદીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે, આઉટડોર પેશન્ટના વિભાગે ૧,૪૮,૫૯૦ દરદીઓને ચિકિત્સા-સેવા આપવામાં આવી છે. નારાયણપુરની ૩૦ પથારીવાળી હોસ્પિટલમાં અંદરના દરદીરૂપે ૧૯૯૧ની અને તેના બહારના દરદીના વિભાગે હરતાં ફરતાં દવાખાના તેમજ દૂર-સુદૂરના પાંચ આરોગ્ય કેન્દ્રો દ્વારા ૯૩ હજાર દરદીઓને ચિકિત્સા સેવા આપી છે. ૨૧૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ વિશાળ વિસ્તારમાં પથરાયેલ ૨૮૦ પથારીવાળું રાંચીનું ટી.બી. સેનેટોરિયમ્ છેલ્લાં ૪૦ વર્ષથી ચિકિત્સા સેવા પૂરી પાડી રહ્યું છે. ૧૯૯૬-૯૭ના વર્ષમાં ૫૧૫ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. અહીંના ઓ.પી.ડી. વિભાગમાં ૨૧,૧૦૫ દરદીઓને મફત ચિકિત્સા સેવા અપાઈ હતી.
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રો દ્વારા ઇસ્પિતાલ – દવાખાના – હરતાં ફરતાં દવાખાનાની સહાયથી આદિવાસીઓની થતી ચિકિત્સા સેવા
કેન્દ્રનું નામ સારવાર મેળવેલ દરદીની સંખ્યા – વર્ષ ૧૯૯૬-૯૭
૧. આલોંગ (અરુણાચલ પ્રદેશ) ૨૪,૮૧૩
૨. મુંબઈ (મહારાષ્ટ્ર) ૨૭,૦૮૭
૩. ચેરાપુંજી (મેઘાલય) ૨૧,૦૯૦
૪. ગૌહાટી (આસામ) ૩૨,૩૬૭
૫. જમશેદપુર (બિહાર) (રક્તપિત્તના દરદીઓ સાથે) ૯,૩૨૬
૬. જામતાડા (બિહાર) ૧૨,૫૩૭
૭. નરોત્તમનગર (અરુણાચલ પ્રદેશ) ૭,૪૯૧
૮. રાંચી-મોરાબાદી (બિહાર) ૧૪,૮૨૦
૯. રાજમુંદ્રી (આંધ્ર પ્રદેશ) ૧,૯૫,૧૩૪
૧૦. શિલાઁગ (મેઘાલય) ૫,૭૫,૭૦૬
૧૧. સિલ્ચર (આસામ) ૪૨,૧૨૩
૧૨. પુરી-મિશન (ઓરિસ્સા) ૭,૬૭૧
૧૩. વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ૮૭,૪૬૨
રાજમંડ્રી કેન્દ્રની આરોગ્ય સેવા
પૂર્વ ગોદાવરી જિલ્લામાં રાજમંડ્રી કેન્દ્રના વિસ્તારનાં ગાઢ જંગલોમાં વિશાળ સંખ્યામાં આદિવાસીઓ વસે છે. એમનાં નિવાસસ્થાનોથી દૂર દૂર આવેલાં સરકારી આરોગ્ય કેન્દ્રો-એમને કોઈ સારવાર કે એમની કોઈ સારસંભાળ લઈ શકે તેમ ન હતાં. આ વિસ્તારના આદિવાસીઓની દાક્તરી સેવા માટે રાજમુંદ્રી મિશન કેન્દ્રે ૧૯૮૪ના સપ્ટેમ્બરથી હરતાં ફરતાં દવાખાના દ્વારા કાર્યસેવાનો પ્રારંભ કર્યો. ૬૦ કી.મિ. દૂર આવેલા રામપચોદ્વરમ્ના મુખ્ય કૅમ્પથી દર અઠવાડિયે અંદરના – ખૂણા ખાંચરેના ચાર વિસ્તારમાં મેડિકલ કૅમ્પ યોજીને આ યુનિટ ચાર દિવસમાં પાછું આવી શકે છે. થોડા નિષ્ણાત ડૉક્ટર્સ અને – લેડી ડોક્ટર્સ પણ દર બે મહિને આ ‘ખાસ મેડિકલ કૅમ્પ’માં નિયમિત રીતે જાય છે.
ઈટાનગર (અરુણાચલ પ્રદેશ)ની જનરલ હૉસ્પિટલ
૧૮૦૦ ફૂટની ઊંચાઈએ ઘાસના મેદાનના ૬૩ એકર વિસ્તારના ક્ષેત્રમાં ૧૬૦ પથારી વાળી હૉસ્પિટલ ઈટાનગરના પશ્ચિમ ભાગમાં આવી છે. અરુણાચલની આ હોસ્પિટલ ૧૬ ઑક્ટોબર ૧૯૭૯ના રોજ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત થઈ. અરુણાચલની બિન-સરકારી એવી આ પ્રથમ અને એક માત્ર હૉસ્પિટલ આદિવાસી અને અન્ય લોકોની સેવા માટે સુખ્યાત બની છે. આ હૉસ્પિટલના કેમ્પસ સાથે જોડાયેલ હેલીપેડ દૂર દૂરના પહાડી વિસ્તારોમાંથી દરદીઓને લાવવામાં સહાયરૂપ બને છે. ‘WHO’ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ હૉસ્પિટલનાં મકાનોના લે આઉટની પ્રશંસા કરી છે. આ હૉસ્પિટલમાં સાધન સજ્જ ત્રણ ઓપરેશન થિયેટર, ફિઝિયોથેરપી સેન્ટર, ઓક્યુપેશનલ થેરપી, ઓર્થોસીસ પ્રેસ્થેસીસ, આર્ટિફિશિયલ લિમ્બ ફીટિંગ, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી – વિભાગ કમ્પ્યુટરાઈઝડ લેબોરેટરી, નર્સિંગ સ્કૂલ – વગેરે વિભાગોની સુલભ સુવિધાઓને લીધે આ હૉસ્પિટલ એક અનન્ય હૉસ્પિટલ બની છે. આ રાજ્યના આદિવાસીઓ માટે આ હૉસ્પિટલ મહદ્ અંશે મફત સારવાર આપે છે. અહીંના ઓ.પી.ડી. વિભાગે ૧૯૯૭માં ૧,૫૪,૮૧૧ દરદીઓને સેવા આપી છે.
ગૌહાટી કેન્દ્ર ૧૯૮૨ના સપ્ટેમ્બરથી ‘હરતાં ફરતાં દવાખાના’ – ની વ્યવસ્થા શરૂ કરી છે. જ્યાં દાક્તરી સેવા ઉપલબ્ધ જ ન હતી એવાં સ્થળો – બોરજહાર, સાજત, પારા, કુલસી, સદપુર – માં અઠવાડિયામાં જુદા જુદા ચાર દિવસે હરતાં ફરતાં દવાખાના દ્વારા દરદીઓને સારવાર અપાય છે.
શિલોંગનું હરતું ફરતું દવાખાનું આજુબાજુનાં ૪૫ ગામડાંમાં ફરી વળે છે અને ૧૧ જેટલા મેડિકલ કેમ્પ દ્વારા ચિકિત્સા પૂરી પાડે છે.
આદિવાસી વિસ્તારના રક્તપિત્તથી પીડાતા દર્દીઓની સેવા જમશેદપુર કેન્દ્રના દવાખાનાનાં સારવાર કેન્દ્રો દ્વારા થાય છે.
ભગવાન શ્રીરામના યુગથી – જેને આપણે આદિવાસી ગિરિજન – હરિજન – શૂદ્ર – વગેરે નામે ઓળખીએ છીએ, એ લોકો વિશે સાંભળતાં આવ્યાં છીએ. શ્રીરામે પણ આ લોકો સાથે મૈત્રી બાંધી હતી. આદિવાસીઓ એમને ચાહતાં અને માન – આદર આપતાં. એ યુગથી આપણા કેટલાય સંતો અને સાધુ સંન્યાસીઓ જંગલોમાં અને અંદરનાં ગામડાંમાં એમની સાથે જીવન સંપર્ક – સંબંધ રાખતા. એમના આ સતત જીવન સંપર્કને લીધે જ આ આદિવાસીઓએ ભારતની મહાન ઉદાત્ત સંસ્કૃતિને પણ આત્મસાત્ કરી. એમાંય આપણા ‘ભક્તિ’ ભાવને સૌથી વિશેષ આત્મસાત કર્યો. છેલ્લાં થોડાં સૈકાંઓની રાજકીય ઉથલ પાથલ અને અંધાધૂંધી ભરી પરિસ્થિતિમાં આ આધ્યાત્મિક ભાવ અને ઉદાત્ત સંસ્કૃતિ સાથેનો સંબંધ બંધ થયો. અને આદિવાસી લોકોમાં એની સંરક્ષણ – સંવર્ધન પ્રવૃત્તિ બંધ પડી. ઊલટાનું એવું બન્યું કે આ તંદુરસ્ત નિઃસ્વાર્થ સંપર્કના અભાવે આદિવાસી લોકોનું શોષણ શરૂ થયું.
સ્વામી વિવેકાનંદ આમાં પરિવર્તન ઇચ્છતા હતા. એમણે ખાતરી પૂર્વક કહ્યું હતું કે, ‘આ પરિસ્થિતિમાં એક દિવસ ચોક્કસ પરિવર્તન આવશે જ.’ ભારતના યુવાનોને સ્વામીજીએ કરેલા આવાહન પ્રમાણે આવું પરિવર્તન આવી રહ્યું છે. આ મહાન પરિવર્તન લાવવાનો રાહ પણ એમણે આપણને ચિંધ્યો છે. તેમણે કહ્યું છે, ‘આ દલીતો – પીડિતો – કચડાયેલા લોકોના ઉદ્ધાર માટે કામ કરતા નથી તેવા દરેક ભણેલા સ્ત્રી પુરુષને હું દેશદ્રોહી ગણું છું. આ જ જીવતા દેવોની આપણે સેવા-પૂજા કરવાની છે.’ સ્વામીજી માનવનાં દેહ મંદિરમાં બિરાજેલા પ્રભુ સિવાય બીજા દેવમાં માનતા ન હતા. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો ‘માનવમાં રહેલા જીવને – શિવરૂપે પૂજવાના છે. અલબત્ત, બીજાં પ્રાણીઓ પણ પ્રભુના મંદિર જેવાં છે, પણ માનવ તો સૌથી શ્રેષ્ઠ મંદિર, મંદિરમાં તાજમહાલ જેવું મંદિર છે.’ પોતાના અનન્ય માસ્ટર –ગુરુદેવ – શ્રીરામકૃષ્ણદેવના સંદેશ પ્રમાણે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું – એવા સ્વામીજીના આ શબ્દો વ્યર્થ ન જાય એ માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-ધારાને વરેલા સૌનું આ પ્રથમ કર્તવ્ય બની રહેશે.
ચાલો આપણે એ મહાન સંન્યાસી –
દેશ ભક્ત સંન્યાસીનાં
આ વાણીને, સ્વપ્નને સાકાર કરીએ, અને
આપણા જીવનને સાર્થક કરીએ.
(સંદર્ભ : Ramakrishna Math & Ramakrishna Mission, Tribal Welfare Services Report – 1993)
Your Content Goes Here




