ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’ અહીં પ્રસ્તુત છે. આ જીવનરેખા બંગાળી સિવાય બીજી પ્રાંતીય ભાષામાં સૌ પ્રથમ હોવાને કારણે એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. એ સમયે માસિકોમાં પ્રાપ્ય કેશવચંદ્ર સેનના છૂટાછવાયા લેખો અને પુસ્તિકાઓ સિવાય કોઈ પ્રામાણિક જીવનચરિત્ર પ્રાપ્ય ન હતું. એને લીધે આ લેખમાં હકીકત દોષ છે, એને શક્ય ત્યાં કૌંસમાં () સુધારા રૂપે ઉમેરણ કર્યું છે. એ તત્કાલીન ગુજરાતી ભાષામાં લખાયેલ જીવન કથા છે. એ લેખ જેમ છે એમ જ અમે આપીએ છીએ. જેથી વાચક વર્ગને આ અનન્ય સાહિત્યિક વિશ્વમાં ડોકિયું કરવાની તક મળશે, એમ અમે માનીએ છીએ.
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું ગુજરાતની ભાષામાં ક્યારથી અવતરણ થયું તેનો એક ક્રમબદ્ધ ઇતિહાસ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. આ અનન્ય સંશોધનકાર્યમાં અમને ભો.જે. સંશોધન વિદ્યાભવન, અમદાવાદના શ્રી પ્રવિણસિંહ વાઘેલા અને શ્રી હર્ષદભાઈ; ગુજરાત સમાચાર, અમદાવાદના શ્રી શ્રેયાન શાહ અને શ્રી ભાવેન કચ્છી; ભુજના શ્રી કેશવભાઈ ગોર તેમજ આ સુકાર્યમાં સહાયરૂપ બનનાર જે તે સંસ્થાના અધિકારીશ્રીઓ, સંવાહકો અને નામી-અનામી ભાવિક સેવકોનો અમે અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ. – સં.
શ્રીમદ્ રામકૃષ્ણ પરમહંસ ફાગણ બંગાબ્દ ૧૭૫૭ના બુધવારના શુક્લપક્ષની બીજ, હુગલી જિલ્લાના જહાનાબાદના ઊપલા ભાગ માહાલ શ્રીપુરના કામારપુકુર ગામમાં જન્મ લીધો હતો. પરમહંસ દેવના પિતાનું નામ ક્ષુદિરામ ભટ્ટાચાર્ય (ચટ્ટોપાધ્યાય) હતું. તે એક સાધક-યાજક બ્રાહ્મણ હતો. ૧૦-૧૧ વર્ષની ઉંમરમાં રામકૃષ્ણમાં અસાધારણ ધર્માનુરાગનાં લક્ષણ પ્રગટ થયાં હતાં. કોઈ ઠેકાણે યોગી, સંન્યાસી જોતો તો ત્યાં જઈને બેસતો હતો. પિતા પહેરવા માટે વસ્ત્ર આપતો હતો. તે ફાડીને કૌપિન બનાવીને પહેરતો હતો. રામકૃષ્ણ લખતાં વાંચતાં કંઈ પણ શીખ્યો નહોતો. રીતસર બેચાર લીટી લખી તથા વાંચી શકતો હતો કે નહિ તે સંદેહ છે. તે પુરાણાદિ શાસ્ત્રનું ઘણુંક તત્ત્વ જાણતો હતો; પૌરાણિક સુંદર સુંદર ઉપાખ્યાન ઘણું કરીને કહેતો હતો. તે પુસ્તક વાંચીને જાણતો હતો એમ નથી; શાસ્ત્રવિદ્ વાંચનારને મ્હોએ સાંભળ્યાં હતાં. તેની અસાધારણ બુદ્ધિશક્તિ હતી. તે એક વખત સાંભળતો તો તે ભૂલતો નહોતો. ધર્મનાં ઘણાં મુશ્કેલ તત્ત્વો ઘણી જ સહેલાઈથી સમજી શકતો હતો. કહેવાય છે કે વિદ્યાભ્યાસ કર્યાથી પુરોહિતપણું કરવું પડશે એવું સમજીને તે તેનાથી દૂર રહ્યો હતો. તેનો મોટો ભાઈ પંડિતમાં ખપતો હતો અને કલકત્તામાં રહીને શાસ્ત્રની ચર્ચા કરતો હતો. રામકૃષ્ણ થોડા કાલ સુધી મોટા ભાઈની સાથે કલકત્તામાં રહ્યો હતો. જ્યારે રાણી રાસમણિએ દક્ષિણેશ્વરમાં મોટી ધામધુમની સાથે કાળીમૂર્તિની (શ્રીમા કાલીની) પ્રતિષ્ઠા કરી હતી, ત્યારે રામકૃષ્ણ પોતાના મોટા ભાઈની સાથે ત્યાં નિમંત્રિત થઈને ગયો હતો. તે વેળાએ તેની ઉંમર અઢાર વર્ષની હતી. રાણી રાસમણિના જમાઈ બાબુ મથુરાનાથ (મથુરાનાથ વિશ્વાસ – મથુરબાબુ) રામકૃષ્ણનું સંસાર ઉપર વૈરાગીપણું તથા તેનો ધર્મ ઉપર અસાધારણ પ્રેમ જોઈને મુગ્ધ થયો અને તેના ઉપર શ્રદ્ધા પ્રીતિ દેખાડવા લાગ્યો. થોડા દિવસ પછી મથુર બાબુએ તેને કાળિમંદિરમાં પૂજા અને પરિચર્ચા (સેવા)ના કામમાં લગાડ્યો. રામકૃષ્ણ આવી રીતે કેટલાંક વર્ષો સુધી દક્ષિણેશ્વરના દેવાલયમાં રહ્યો. પુષ્પ-ચંદનાદિ દ્વારા મૂર્તિને સજાવતો તથા દેવાળયમાં પ્રસાદ ભક્ષણ કરતો. એક દિવસ કાલિપૂજા કરવા બેઠો હતો તે વખતે પુષ્પચંદનાદિ મૂર્તિના માથા ઉપર નહિ ચઢાવતાં પોતાના માથા ઉપર ચઢાવ્યાં. કોઈ કોઈ વેળાએ તે કાલિની વેદી ઉપર ચઢીને બેસતો હતો. એવું જોયાથી રામકૃષ્ણ ઉપર મથુર બાબુની ભક્તિ વધારે વધી. તે તેના ઉપર ઘણું માન અને યત્ન દેખાડવા લાગ્યો. ત્યારથી નવયુવક રામકૃષ્ણ રિપુદમન (ષડ્રિપુઓ) તથા યોગ સાધનમાં પ્રવૃત્ત થઈ કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યો. દેવાળયની પાસે ભાગીરથીના કિનારા ઉપર પંચવટીના મૂળમાં તેનું તપશ્ચર્યાનું સ્થાન હતું. આઠ વર્ષ પર્યંત સખત તપશ્ચર્યા કરીને તથા ઉપવાસ કરીને તેમજ અનિદ્રાથી શરીરને ર્જીણશીર્ણ કર્યું હતું. તે યોગશાસ્ત્રમાં લખેલી રીતિ પ્રમાણે સાધન (સાધન-ભજન) કરતો ન હતો. આંતરિક વ્યાકુળતાથી ચલાયમાન થઈને રિપુદમન, વૈરાગ્ય અને ચિત્તશુદ્ધિ માટે અનેક યોગસાધક ઈશ્વર દર્શન માટે તરેહવાર રીતિ તથા જુદા જુદા ઉપાયો તેણે પકડ્યા હતા. કોઈ વેળાએ સ્ત્રી બનીને સખીભાવથી સાધન કરતો હતો, કોઈ વેળાએ કાંદા ખાઈને મુસલમાનના વેશમાં અલ્લા અલ્લા જપતો હતો, કોઈ વખતે પુછડું ધારણ કરીને હનુમાન બનીને રામ રામ કહેતો હતો. તેનો એક સોબતી કહે છે કે દશ વર્ષ સુધી તેને રીતસર ઊંઘતો જોવામાં આવ્યો નહોતો. તેના શરીરમાં એવી ગરમીની વૃદ્ધિ થઈ હતી કે શિયાળાની રાતે પણ તેને શરીરની ગરમી નિવારણને માટે શરીર ઉપર માખણ મસળવું પડતું હતું. ઘણા દિવસ સુધી તે સૂર્ય આથમવાની વેળાએ ભાગીરથીના કિનારા ઉપર બેસીને ‘મા, દિવસ તો ચાલ્યો ગયો, કંઈ પણ થયું નહિ’ એવું કહીને મોટા અવાજથી રોતો હતો. કેટલાક દિવસ ઉપર તેને એક માણસે પૂછ્યું કે ઈશ્વરની કૃપા સિવાય વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી. મારા ઉપર એક વેળાએ વ્યાકુળતાનું તુફાન આવ્યું હતું.’ પહેલેથી તે કામિની અને કાંચનને ઈશ્વરના માર્ગનો મોટો શત્રુ જાણતો હતો. આ બે મોટા વિરોધી થયા હતા. કઠોર સાધનાના બલથી કામિની કાંચનના ઉપર સંપૂર્ણ જય મેળવ્યો હતો… (ભૈરવી બ્રાહ્મણીની નિશ્રામાં એણે તાંત્રિક સાધના કરી હતી.) પોતે અલંકાર પહેરીને સ્ત્રી બનીને સાધન કરતો હતો. નારીઓને જોવાથી તે પ્રણામ કરતો હતો તથા તેઓમાં ભગવતીનો આવિર્ભાવ જોતો હતો. જ્યારે લગ્ન થયું હતું ત્યારે તેની સ્ત્રીની ઉંમર સાત (પાંચ) વર્ષની હતી. સ્ત્રીની ઉંમર નવ વર્ષની થઈ ત્યારે તે કલકત્તામાં આવીને રહ્યો હતો. આખી ઉંમરમાં સ્ત્રીને કદી શારીરિક ભાવથી અથવા સાંસારિક દૃષ્ટિથી ગ્રહણ કરી નહોતી. ઘણા કાલે સ્ત્રીને પોતાની પાસે રાખી હતી ખરી, પરંતુ તેની સાથે કંઈ પણ જાતનો સાંસારિક સંબંધ સ્થાપ્યો નહોતો. તે જિતેન્દ્રિય યોગીની પેઠે રહેતો હતો. રામકૃષ્ણ સાધનની અવસ્થામાં રૂપીઆ માટી છે, રૂપીઆ માટી છે, એવું કહી કહીને રૂપીઆ ગંગામાં નાખી દેતો હતો. મથુરબાબુએ આપેલાં સારાં વસ્ત્રો તથા શાલ હતી તેમાંના કેટલાંક આગમાં બાળી નાખ્યાં હતાં. કેટલાંક થુંક અને લીટ નાખીને તે માટીમાં રગડી ચોળીને લોકોને આપી દેતો હતો. પછી એવી અવસ્થા થઈ કે રૂપીઆ મોહરને અડકતો તો તેનો હાથ શૂન્ય થઈ જતો. એક દિવસ પણ તે ખાવા હોડવાનો વિચાર કરતો નહોતો. કોઈ વેળાએ કંઈપણ એકઠું કરી રાખ્યું નહોતું. સંસારના ઉપર તેનો ઘણો જ વિરાગ હતો; સંસારી માણસોના ઉપર તેની જરા પણ આસ્થા નહોતી. તે ધનવાન, મોટો માણસ, જ્ઞાની, પંડિત કોઈનો પણ જરા ભય કરતો નહોતો, સર્વને ખુલ્લે ખુલ્લુ કહી દેતો; ઘણીક વેળાએ કડવાં વેણ સંભળાવતો હતો, તેથી તેના ઉપર ઘણાખરા મોટા માણસો નારાજ હતા. એક વેળા એક પ્રખ્યાત ધનવાને તેની પાસે આવીને થોડોક કાળ સુધી વાતચીત કર્યા પછી પરમહંસદેવને કહ્યું કે હું જોઉં છું કે આપે અન્ન વસ્ત્રનો ક્લેશ થાય છે. હું કેટલાક હજાર રૂપીઆની પ્રોમીસરી નોટ આપની પાસે રાખવા ઇચ્છું છું તેના વ્યાજમાંથી આપનો નિયમિત ખર્ચ ચાલશે તો તેથી આપને કંઈ પણ કષ્ટ સહન કરવું પડશે નહિ. આવું સાંભળીને રામકૃષ્ણે તે ધનવાનના મોં તરફ તીક્ષ્ણ દૃષ્ટિથી જોઈને કહ્યું: ‘દૂર જા.’ તેથી પેલો ધનવાન મૂગો થઈ ને દિલગીર થઈને માથું નીચું કરીને બેસી રહ્યો. આવા વગર પૈસાના વિરાગી પુરુષના મંદવાડમાં ઔષધાદિ માટે લગભગ એક વર્ષ સુધી દર મહિને દોઢસો બસો રૂપીઆ ખર્ચ થતા હતા. એક સો રૂપીઆના ભાડાના કાશીપુરમાં સુંદર બંગલામાં તેને રાખવામાં આવ્યો હતો. એના કરતાં અજાયબ બીજું શું હોય? ઘણાં વર્ષ પછી રામકૃષ્ણે સિદ્ધિ મેળવી, તે વેળાએ તેનો જીવનમાં જેવો ગંભીર યોગ સમાધિનો ભાવ હતો તેવો જ ભક્તિનો મદ પ્રકાશ થયો હતો.
ભક્તો તે અવિનાશી ઈશ્વરના ચિંતનમાં કદી રૂવે છે, કદી હસે છે, કદી આનંદિત થાય છે, કદી અલૌકિક વાત કરે છે, કદી નાચે છે, કદી તેનું નામ ગાન કરે છે, કદી તેનું ગુણનુકીર્તન કરતા કરતાં અશ્રુ વિસર્જન કરે છે.
પરમહંસના જીવનમાં આ સર્વ લક્ષણો જણાયાં હતાં. તે ઈશ્વરદર્શન યોગ તથા પ્રેમની ઊંડી વાતો કહેતો કહેતો અને ગાયન ગાતો ગાતો પ્રગાઢ ભક્તિમાં ઉચ્છવસિત ઉન્મત્ત થઈ જતો હતો. સમાધિ મગ્ન થઈ જડ પુતળાની પેઠે નિશ્ચેષ્ટ થઈ જતો, હસતો હતો, રોતો હતો, દારૂના કેફની પેઠે બાળકની પેઠે આચરણ કરતો હતો, તે પ્રમત્ત અવસ્થામાં પુષ્કળ ગંભીર ગુઢ આધ્યાત્મિક વાક્યો કહીને સર્વને અજાયબમાં નાખતો હતો. તેનો વાસ્તવિક સ્વર્ગીય ભાવ જોયાથી પુણ્યનો સંચાર થતો હતો. પાખંડીનું પાખંડ અને નાસ્તિકનું નાસ્તિકપણું તૂટી જતું હતું. ઘણા સુરાપી, વ્યભિચારી, નાસ્તિકો તેના ભાવની ભક્તિની મમતા અને તેનું અલૌકિક જીવન જોઈને ધાર્મિક સચ્ચરિત્રવાન થયા છે. તે એક નિરક્ષર વગર ભણેલો માણસ હતો તથાપિ તેના પવિત્ર જીવનના પ્રભાવથી યુનિવર્સિટીની મોટી મોટી ડીગ્રી મેળવેલાં પંડિતો પણ તેને નમતા હતા અને તેનું શિષ્યપણું કબૂલ કરતા હતા. તે સામાન્ય ગામડાની ભાષામાં અને ગામડાનાં દૃષ્ટાંતોથી અતિ સુંદર ગંભીર આધ્યાત્મિક તત્ત્વો પ્રકાશ કરતો હતો. તેના ભાવનું માધુર્ય તથા વાક્યની રચના એવાં હતાં કે ઘણો કટાયેલો આત્મા ક્ષણ કાળ તેની પાસે બેઠાથી દુ:ખ શોક વિસરી જતો હતો. તેનું હસતું મ્હોં તથા સરળ બાલ્યભાવ, નામની મમતા તથા સમાધિ નિમગ્નતા જોયા પછી પ્રાણ મુગ્ધ થતો હતો. ઘણીક વખતે ઈશ્વર પ્રસંગ માત્રથી જ તેને સમાધિ થતી હતી. તે અવસ્થામાં આંખ પલક વિનાની સ્થિર, બેઉ આંખમાંથી પ્રેમની ધારા, મુખમાં સુમધુર હસવું, એ અલૌકિક હતાં. બહારનું ચૈતન્ય શૂન્ય સર્વાંગ સ્પન્દહીન મૃત પથ્થરની પેઠે થઈ જતો હતો, અને કાનમાં વારંવાર ઉચ્ચ સ્વરથી આ (મંત્ર) ઉચ્ચારણ કર્યાથી ધીરે ધીરે શુધીમાં આવતો હતો. તે કોઈ રીતનો મુકરર કરેલો નિયમ તથા સભ્યતા જાણતો નહોતો. ઘણીક વેળા એ ગામઠાં અભદ્ર વાક્યો કહેતો હતો, પરંતુ મનમાં કોઈ રીતનો ખરાબ ભાવ તો લેશ નહોતો. ધર્મ ચર્ચામાં ઈશ્વર પ્રસંગના સિવાય બીજી સાંસારિક વાત કહેતો નહોતો. વાત કરવામાં તે ઘણી રસિકતા તથા સમયસૂચકતાની બુદ્ધિની ઓળખાણ આપતો હતો. તેનો ઉપાસ્ય દેવતા સાકાર નિરાકાર મિશ્રિત હતો. તે કાલી તથા મા કહીને આનંદાશ્રુવર્ષણ કરતો હતો તથા મત્ત થઈ જતો હતો. પૂછવાથી તે કહેતો હતો કે હું હાથથી બનાવેલી ઘાસ તથા માટીની કાલી માનતો નથી. મારી કાલી ચિન્મયી છે, મારી મા સચ્ચિદાનંદઘન છે. જે મોટું તથા ગંભીર છે તે જ કાળા રંગનું હોય છે. વિસ્તાર પામેલું આકાશ કાળા રંગનું છે, ઊંડો સમુદ્ર કાળા રંગનો છે. મારી કાલી અનન્ત સર્વ વ્યાપિની ચિદ્રુપિણી છે. તે મૂર્તિ પૂજા કરતો નહોતો. પરમહંસ એક દિવસે રસ્તામાંથી જતો હતો તે વેળાએ એક માણસ કુહાડીથી ઝાડ કાપતો હતો તે જોઈને રોઈ પડ્યો અને કહેવા લાગ્યો, મારી મા આ ઝાડમાં બિરાજે છે, તેના ઉપર કુહાડીનો ઘા લાગે છે. તેનો જેવો શાક્તભાવ હતો, તેવો જ વૈષ્ણવભાવ તથા તેવો જ ઋષિભાવ તો. તેમાં ભક્તિનો અજાયબ સંયોગ હતો. તે હરિનામમાં ગૌરસિંહની પેઠે પ્રમત્ત થઈને તાલે તાલે સુંદર નૃત્ય કરતો હતો. નૃત્ય કરતી વેળાએ ઘણીક વેળાએ બેભાન થઈને નગ્ન થઈ જતો હતો. વળી ગંભીર યોગ સમાધિમાં એકીવાર સ્પન્દ વગરનો બહારના જ્ઞાનથી શૂન્ય થઈ જતો હતો. અકપટ બાલ્યભાવ, ભક્તિભાવ, ઋષિભાવ, તેમાં પૂર્ણ ભાવથી જોવામાં આવતા હતા. સાધનની પહેલી અવસ્થામાં તેના જીવનમાં ધર્મનો તથા નવવિધાનનો પૂર્વાભાવ પ્રકાશ થયો હતો. તે ઉદાર ભાવનો વિચાર નહિ કરનારો થયાથી શું તે કદી કાંદા ખાઈને અલ્લાનું નામ જપત? તે જે ઘરમાં રહેતો હતો ત્યાં ગૌર નિત્યાનંદ ઇત્યાદિ છબિની સાથે ઈશુ ખ્રિસ્તની છબિ પણ લટકાવી રાખી હતી. તે ભગવાં વસ્ત્ર પહેરીને બહારની સાધુતા દેખાડતો નહોતો. તેણે ઘણીક વખતે લાલ કિનારીવાળું ધોતિયું પહેરેલું જોવામાં આવ્યું હતું. જનોઈ ધારણ કરો હતો ખરો. કોઈ કોઈ વખતે તે જીવનનું બંધન સમજીને તોડી નાખતો હતો. સાધનની વેળાથી તેના ભાણેજ હૃદય ભટ્ટાચાર્યે છાયાની પેઠે તેની સાથે ને સાથે રહીને ઘણાં વર્ષો સુધી શ્રદ્ધાથી સાથે તેની સેવા કરી હતી. તે ખવાડતો હતો, કપડાં પહેરાવતો હતો, જનોઈ તોડી નાખ્યાથી બીજી જનોઈ પહેરાવતો હતો.
રામકૃષ્ણ સર્વદા દક્ષિણેશ્વરના દેવાલયની પાસે ભાગીરથીના કિનારા ઉપર એકમાળાના ઘરમાં (રાસરણિની કોઠી) રહેતો હતો. બીજે ક્યાં પણ જ તો આવતો નહોતો. (કોલકાતામાં કેટલાક ભક્તોના ઘરે જતા.) કોઈકવાર પોતાના ગામમાં જતો હતો. પહેલાં એકવાર મથુરબાબુની સાથે તીર્થ કરવા ગયો હતો. દક્ષિણેશ્વરમાં તે પોતાના ભાવમાં પોતે મગ્ન રહેતો હતો, યોગ સમાધિ તથા ભક્તિની મત્તતામાં વિહ્વળ થઈ જતો હતો. માણસો ઘણું કરીને તેની પાસે જતા નહોતા. ઘણું કરીને કોઈ પાસે તે વિશેષ પરિચિત નહોતો. દક્ષિણેશ્વરના ગામનાં માણસો તેને ઉન્માદગ્રસ્ત એટલે ગાંડો સમજતાં હતાં. ભાણેજ હૃદય ભટ્ટાચાર્ય (મુખોપાધ્યાય) હંમેશાં ભક્તિની સાથે તેની સેવા ચાકરી કરતો હતો. ઈ.સ. ૧૮૭૨(૧૮૭૫)ના ફાગણ કે ચૈત્ર મહિનામાં એક દિવસે સવારે ૮-૯ વાગે પરમહંસ દેવ હૃદયને સાથે લઈને બાબુ જયગોપાલ સેનના બેલઘરિયામાંના બગીચામાં આવ્યો, તે વેળાએ બાબુ કેશવચંદ્ર સેન પ્રચારકોની સાથે તે બગીચામાં સાધનભજનમાં ગુંથાયેલા હતા. ઝાડની નીચે રસોઈ કરીને ખાતા હતા, આત્મ સંયમન તથા વૈરાગ્ય સાધનના વિશેષ વિશેષ કઠોર નિયમો અવલંબન કર્યા હતા. કેશવચંદ્ર સેનને મળવા માટે પરમહંસ પહેલાં કલકત્તામાં કલુટોળામાંના ઘરમાં ગયો હતો ત્યાં જઈને સાંભળ્યું કે તે બેલઘરિયાના બાગમાં સાધન-ભજન કરવા માટે ગયા છે. તે સાંભળીને પરમહંસ તે બગીચામાં આવ્યો. તે વેળાએ કેશવચંદ્રસેન મિત્રોની સાથે બગીચાના તલાવના બાંધેલા આરા ઉપર બેસીને નાહતા હતા. એક બળદની ગાડીમાં બેસીને રામકૃષ્ણ તે બગીચામાં આવ્યો હતો. પહેલાં હૃદય ગાડીમાંથી ઉતરી કેશવચંદ્ર સેન પાસે જઈને કહેવા લાગ્યો, ‘મારો મામો હરિ પ્રસંગ ગીત સાંભળવાને ઘણા ચાહે છે, મહા ભાવથી તેમની સમાધિ થાય છે, તેઓ આપના મ્હોએ ઈશ્વર ગુણાનુકીર્તન સાંભળવાને આવ્યા છે.’ એટલું કહીને હૃદય ભટ્ટાચાર્ય (મુખોપાધ્યાય) પરમહંસદેવને ગાડીમાંથી ઉતારીને લઈ ગયો. તે વેળાએ પરમહંસનો પોશાક એક લાલ કિનારાનું ધોતિયું પહેરેલું હતું, પહેરણ તથા ચાદર શરીર પર નહોતી. દેહ ર્જીણ તથા દુર્બલ હતો. પ્રચારકો જોઈને તેને સામાન્ય માણસ જાણવા લાગ્યા. તે પાસે આવીને કહેવા લાગ્યો, ‘બાબુ તમે શું ઈશ્વર દર્શન કરો છો, તે દર્શન કેવી રીતે થાય છે? તે હું જાણવા ઇચ્છું છું.’ આવી રીતે સત્પ્રસંગનો આરંભ થયો. ત્યાર પછી પરમહંસે એક રામપ્રસાદનું રચેલું ગાયન ગાયું. ગાતાં ગાતાં તેને સમાધિ થઈ ગઈ. તે વેળાની આ સમાધિનો ભાવ જોઈને કોઈએ ઉચ્ચભાવ જાણ્યો નહિ. પ્રચારકો આ એક જાતની ચાતુરી જાણવા લાગ્યા. સમાધિ થયા પછી થોડીવારે હૃદય ભટ્ટાચાર્ય ઉચ્ચ સ્વરથી ઓં ઓં કહેવા લાગ્યો અને સર્વને ઓં શબ્દ બોલવાને વિનંતી કરી. તે પ્રમાણે સઘળા ઓં ઓં કહેવા લાગ્યા. થોડીવારમાં પરમહંસને જરા શુદ્ધિ આવી ને તેણે હસવા માંડ્યું. ત્યાર પછી પ્રમત્ત ભાવથી ઊંડાં તત્ત્વો કહેવા લાગ્યો. તે જોઈને પ્રચારકો સ્તંભિત થયા. તે વેળાએ તેઓ સમજ્યા કે રામકૃષ્ણ એક સ્વર્ગીય પુરુષ છે, તે કંઈ જેવા તેવા પુરુષ નથી. તેનો સંગ થયાથી આનંદમાં મત્ત થઈને સર્વે સ્નાન ઉપાસના વિસરી ગયા. તે દિવસે બપોરે તેઓને સ્નાનાદિ થયું હતું. તે દિવસે પરમહંસે ‘ગાયના ટોળામાં બીજો કોઈ પશુ આવ્યાથી ગાય શિંગડા મારીને દૂર કરે છે, પરંતુ ગાય આવ્યાથી સ્વજાતિ જાણીને શરીર ચાહે છે’, ‘બેંગાચિટ એટલે એક જાતની માછલીની પૂછડી ટુટી ગયાથી હોડીમાં કુદતી ફરે છે’ ઇત્યાદિ વાક્યો કહ્યાં હતાં. સાધુ સાધુને સારી રીતે ઓળખી શકે છે. પરમહંસને જોઈને કેશવચંદ્ર સેન મુગ્ધ થયા હતા. પરમહંસ પણ તેમના ઉપર વિશેષ ખેંચાયા હતા. તે દિવસથી બેઉના આત્માનો ગૂઢ યોગ થયો હતો. વખતોવખત કેશવચંદ્ર સેન પ્રચારકોની સાથે દક્ષિણેશ્વરમાં પરમહંસની પાસે જતા હતા. પરમહંસ પણ હૃદયને જોડે લઈને કેશવચંદ્ર સેનના ઘેર આવતા હતા. પરમહંસ ઘરમાં પગ મૂકતાં જ તેને જોવા માટે કેશવચંદ્ર સેનનાં આડોશીપડોશી, સગાંવહાલાંઓ આવીને એકઠાં થતાં હતાં. છ સાત કલાક સુધી ધર્મ પ્રસંગમાં ઘણો આનંદનો પ્રવાહ છૂટતો હતો. પરમહંસનો ઉચ્ચ ધર્મ ભાવ અને ચરિત્ર, પુસ્તકમાં તથા પત્રિકામાં કેશવચંદ્ર સેન પ્રકાશ કરવા લાગ્યા. મિરર તથા ધર્મતત્ત્વ નામના વર્તમાનપત્રમાં તેનું વર્ણન લખવામાં આવ્યું. પરમહંસની ઉક્તિ નામનું નાનું સરખું પુસ્તક પ્રચારિત થયું, ત્યારથી તે સર્વ જગા પર પ્રખ્યાત થયા. પુષ્કળ કેળવણી પામેલા જુવાનો તેના અનુગત શિષ્ય થઈ તેનાથી ઉપદિષ્ટ થયા હતા. સાંભળવામાં આવે છે કે ઓછામાં ઓછાં પાંચસો સ્ત્રી પુરુષો તેનાં શિષ્ય થયાં હતાં, પરંતુ તે કોઈને પણ શિષ્ય કહેતા નહોતા અને પોતાને ગુરુ માનતા નહોતા. તે પ્રચલિત પુરોહિત અને ગુરુના ધંધાના ઘણા જ વિરોધી હતા.
પરમ ધાર્મિક મહાપંડિત જગદ્વિખ્યાત કેશવચંદ્ર સેન તે નિરક્ષર પરમહંસની પાસે શિષ્યની પેઠે કનિષ્ટની પેઠે વીનીતભાવથી એક બાજુ બેસતા હતા. આદર અને શ્રદ્ધાની સાથે તેની વાતો સાંભળતા હતા. કોઈ દિવસે કોઈ રીતનો તર્કવિતર્ક કરતા નહોતા. પરમહંસના જીવનની મૂલ્યવાન વસ્તુઓ સારી પેઠે પોતાના જીવનમાં મેળવતા હતા. સાધુભક્તિ કેવી રીતે કરવી જોઈએ, સાધુથી સાધુતા કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ, તે કેશવચંદ્ર સેને દેખાડ્યું છે. દક્ષિણેશ્વરમાં ગયાથી પરમહંસે કેશવચંદ્ર સેન તથા તેમના શિષ્યોને જમાડ્યા સિવાય મોકલતા નહોતા. તે પણ કેશવચંદ્ર સેનને ત્યાં આવીને ઘણી વખતે પુરી તરકારી વગેરે ખાતા હતા. એટલું જ નહિ પણ જ્યારે ભૂખ લાગતી તો ખાવાનું માગીને ખાતા હતા. બરફ તેને ઘણું જ પ્રિય હતું. તે કેશવચંદ્રને ત્યાં જતા તો તે તેને માટે બરફ મંગાવતા હતા. કોઈ વેળાએ દક્ષિણેશ્વરમાં પણ કેશવચંદ્ર સેન બરફ મોકલતા હતા. પરમહંસને જલેબી ઘણી જ ભાવતી હતી. એક દિવસે મિષ્ટાન્નાદિ ખાવા પછી કેટલાકોએ બીજી મીઠાઈ ખાવાની વિનંતી કરી. તેથી તેમણે કહ્યું, ‘મારું પેટ ગળા સુધી ભરાઈ ગયું છે હવે તેમાં એક રાઈ જેટલો પદાર્થ જવાનો માર્ગ નથી, પણ જલેબીનો માર્ગ થશે. જલેબી હોય તો એકાદી ખાઈ શકીશ.’ તે સાંભળીને એકે પૂછ્યું: ‘જ્યારે એકીવારે માર્ગ નથી ત્યારે જલેબીનો માર્ગ કેમ થશે?’ તેણે કહ્યું: ‘જેમ કોઈ મેળાને લીધે રસ્તામાં ગાડીઓની ઘણી ભીડ થાય છે. રસ્તો એકીવારે બંધ થઈ જાય છે, એક મનુષ્ય પણ મુશ્કેલીથી જઈ શકતો નથી એવી અવસ્થામાં પણ ગવરનરની ગાડી આવે તો તે વેળાએ બીજી ગાડીઓને ખસેડીને જગા કરે છે એમ જલેબી ખાવાનો માર્ગ કરશે; બીજા ખાધેલા પદાર્થ જલેબીનું સન્માન કરીને માર્ગ આપશે.
કેશવચંદ્ર સેનના મરવાના સમાચાર સાંભળ્યાથી પરમહંસ ઘણા જ શોકાતુર થયા હતા. તેણે કહ્યું કે, ‘કેશવ મોટા વડની પેઠે હતો, હજારો મનુષ્યો તેનો આશ્રય પામીને શીતલ થતા હતા.. (કોલકાતા જાઉં તો હવે હું કોની સાથે ધર્મચર્ચા કરું?) ’ થોડા દિવસ પછી કેશવચંદ્ર સેનનું એક ચિત્ર પરમહંસ દેવના ઘરમાં તેનો એક શિષ્ય ટંગાડવા ગયો હતો, તેની તે છબિ જોઈને રોવા લાગ્યો, ‘આ છબિ મારી પાસે રાખશો ના, છબિમાં કેશવચંદ્રને જોયાથી મારું હૈયું ફાટે છે.’
પરમહંસદેવનો વિનય ઘણો જ ઉત્તમ હતો. કોઈની સાથે મુલાકાત થયાથી પ્રથમ તેઓ નમસ્કાર કરતા હતા. તેઓની વાણી છપાય, વર્તમાનપત્રોમાં તેના વિષય લખાય, તેમનો ફોટોગ્રાફ લેવામાં આવે એવું તેઓ મુદલ ચાહતા નહોતા. સમાધિની અવસ્થામાં અચેતન થયા સિવાય તસવીર લેવાઈ નહોતી. સમાધિ વેળાએ તેઓ અચેતન થઈને જમીન ઉપર પડતા નહોતા. લપછપ કરીને આસપાસના માણસોના ઉપર ગુસ્સે થતા નહોતા. બેઠેલા તથા ઊભા રહીને સ્પન્દ વગરના સ્થિર ભાવથી રહેતા હતા. એવા સાધુ પુરુષ ઈશ્વરની કૃપાનું જ્વલંત નિદર્શન છે. ઘોર તિમિરાવૃત્ત દુરતર ભવાર્ણવમાં નિમગ્ન થયેલા જીવનતરી મુસાફરને આશાજનક દીવાદાંડી સ્વરૂપ છે. રામકૃષ્ણ આજકાલનો સુધારો જાણતા નહોતા. કોઈ સભામાં જતા નહોતા; ભાષણ પણ આપતા નહોતા. પુસ્તક પત્રિકાની જોડે કંઈ સંબંધ રાખતા નહોતા; કોઈની પાસેથી શિક્ષણ ઉપદેશ નહિ મેળવતા; કેવળ ઈશ્વર કૃપાથી દૈવબળથી અને સાધનબળથી કેવી રીતે ઉન્નત પવિત્ર જીવન મેળવવું જોઈએ તે દેખાડી ગયા છે. હંસ જેમ અસાર ભાગ ત્યાગ કરી પાણીમાંથી સાર ભાગ દૂધ લે છે, તેમ પરમહંસે પણ હિંદુધર્મનો સર્વ અસાર ત્યાગીને તેનો સાર માત્ર લીધો હતો.
પરમહંસ ખરેખર સરળ બાળકની પેઠે હતા. તેઓ જે પદાર્થોનાં દૃષ્ટાંત આપતા હતા તે એક એકવાર પોતાની આંખે જોવા ચાહતા હતા. તેમણે મહાન ઇચ્છાના વશવર્તી થઈને નાના બાળકની પેઠે સ્ટીમરમાં ચઢવાની ઇચ્છા પ્રકાશ કરી. ૧ શ્રાવણ ૧૮૦૪ શાકે શુક્રવારે કેશવચંદ્ર સેને કેટલાક મિત્રોને સાથે ઈસ્ટીમરમાં બેસીને દક્ષિણેશ્વરથી પરમહંસદેવને લીધા. પરમહંસદેવ સ્ટીમરનો ઝુક ઝુક અવાજ સાંભળવા માટે ઉત્સુક હતા, તે સાંભળીને ઘણા જ આનંદિત થયા. તેમને એક માણસે સ્ટીમરની દુરબીનમાંથી જોવાને કહ્યું ત્યારે તેમણે ઉત્તર આપ્યો, ‘મારું મન હમણાં ઈશ્વરમાં બંધ રહેલું છે, તમે શું કહો છો. હમણાં હું તેમાંથી ઉઠાડી લઈને આ દુરબીનમાં બંધ કરું.’
૩૦ શ્રાવણ રવિવાર રાત્રે ૧૮૦૮ શાકેને દિવસે રામકૃષ્ણ પરમહંસે આ લોક છોડ્યો. તેની ઉંમર ૫૧ વર્ષ ને ૨૦ દિવસની થઈ હતી. કંઠનાળીના જખમના રોગથી એક વર્ષ સુધી કષ્ટ ભોગવીને દેહ ત્યાગ કર્યો. ૧ ભાદ્રપદ સોમવારે સાંજે ૫ વાગે કાશીપુરના ગોપાલ બાબુના બગીચામાંથી પરમહંસદેવનું શરીર વરાહનગરના સ્મશાનમાં લઈ ગયા. કલકત્તાથી સો દોઢસો માણસો અન્ત્યેષ્ટી ક્રિયામાં સામેલ થવા આવ્યા હતા. એક નવા ખાટલા ઉપર વિચિત્ર શૈયા કરી હતી. પુષ્પના ગોટા તથા પુષ્પમાળાથી ખાટલો શણગાર્યો હતો. નવાં ગેરવાં વસ્ત્ર તથા પુષ્પમાળાથી શબની શોભા વધી હતી. પરમહંસના શિષ્યો તથા બંધુવર્ગ ભક્તિપદ ધારણ કરીને તથા પ્રણામ કરીને ખાટલાને ઉપાડીને હરિધ્વનિ કરતાં કરતાં બગીચામાંથી બહાર લાવ્યા. એક વૈષ્ણવટોળું મૃદંગ કરતાલની સાથે સંકીર્તન કરી આગળ આગળ જતું હતું. હિંદુધર્મનું ત્રિશુળ તથા ઓંકાર, બુદ્ધધર્મની ખુન્તિ, મુસલમાનનો અડધો ચંદ્રમા અને ખ્રિસ્તીનો ક્રુસ લઈને ચાલ્યા પછી તેને સ્મશાનમાં દહન કરવામાં આવ્યું.
Your Content Goes Here




