(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીમાનું જીવન સામાન્ય, ગ્રામીણ ગૃહિણીના જેવું સીધું સાદું હતું. છતાં તેમનામાં એવી શક્તિઓ હતી કે જેણે રામકૃષ્ણ સંઘની તેમજ બે મહિલા સંસ્થાઓની સ્થાપનામાં જાણે કે જન્મદાત્રીની ભૂમિકા ભજવેલી. રામકૃષ્ણ સંઘની સ્થાપનામાં અને એના શરૂઆતના દિવસોમાં, જ્યારે અનેક દ્વિધાઓ થયેલી ત્યારે તેનું સમાધાન કરાવીને એક અસરકારક નેતૃત્વ પૂરું પાડેલું. શ્રીમાના જીવનપ્રસંગો દ્વારા નેતૃત્વની શક્તિઓ સમજવાનો પ્રયાસ કરીશું.

સર્જન શક્તિ

સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણના “શિવજ્ઞાને જીવસેવા’ના સંદેશાને ચરિતાર્થ કરવા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી ત્યારે તેમણે તેમના ગુરુભાઈઓ તેમજ ગૃહસ્થ ભક્તોના સખ્ત વિરોધનો સામનો કરવો પડેલો.

એક વાર એક ત્યાગી સંતે આવીને કહ્યું; ઇસ્પિતાલ ચલાવવી, ચોપડીઓ વેચવી, હિસાબ રાખવો, વગેરે કામો સાધુજીવનને અનુકૂળ નથી; કારણ કે ઠાકુરે આવું કંઈ કર્યું ન હતું. કામ કરવું જ હોય તો પૂજા, જપ, ધ્યાન વગેરે જ કરવાં જોઈએ. બીજાં બધાં કામો મનને વિષય તરફ ખેંચીને સાધુને ઈશ્વરથી વિમુખ કરે છે. એની બધી વાત સાંભળી માતાજીએ દઢતાથી કહ્યું: “કામ નહીં કરો તો આખો દિવસ કરશો શું? ચોવીસ કલાક કંઈ ધ્યાન-જપ કરી શકાય? ને ઠાકુરની વાત કરો છો? એમની વાત જ જુદી. તમને અહીં ખાવાનું મળે છે; કારણ, તમે કામ કરો છો. નહીં તો એક મૂઠી અન્ન માટે ઘેર ઘેર ભટક્યા કરશો? પ્રભુ જેમ ચલાવે છે, તેમ જ ચાલશે. મઠ આ પ્રમાણે જ ચાલશે. જે લોકો આમ ન રહી શકે તે ચાલ્યા જાય.”

જ્યારે રામકૃષ્ણ સંઘની સ્થાપના પણ નહોતી થઈ ત્યારે જે જમાનામાં મહિલાઓ માટે ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું ત્યારે શ્રીમાએ બે મહિલા સંસ્થાઓની સ્થાપનામાં જાણે કે જન્મદાત્રીની ભૂમિકા ભજવેલી. શ્રીરામકૃષ્ણનાં શિષ્યા ગૌરીમાએ ૧૮૯૪માં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે શારદેશ્વરી આશ્રમ શરૂ કર્યો ત્યારે શ્રીમાએ સ્વહસ્તે તે સંસ્થાનું ઉદ્‌ઘાટન કરેલું. ઉદ્‌ઘાટન કરીને અટકી ન જતાં બીજા ભક્તો અને શિષ્યો સમક્ષ ગૌરીમાના કામોની પ્રશંસા કરતા અને તેમનાં કામોમાં યથાશક્તિ મદદરૂપ બનવાનું કહેતાં! “જે કોઈ ગૌરીમાના આશ્રમના દીવાની જ્યોતને જલતી રાખવામાં મદદ કરશે તેને વૈકુંઠ પ્રાપ્તિ થશે. આમ પ્રથમ મહિલા સંસ્થાના પાયામાં હતાં શ્રીમા.

૧૮૯૮માં સ્વામી વિવેકાનંદનાં વિદેશી આયરીશ શિષ્યા કુ.માગરિટ નોબેલ—ભગિની નિવેદતાએ જ્યારે કન્યા શાળા શરૂ કરી ત્યારે આ શાળાનું ઉદ્‌ઘાટન શ્રીમાના શુભ હસ્તે થયેલું. તે પ્રસંગે શ્રીમાએ શુભ આશિષ અને ભવિષ્યના સુશિક્ષિત હિન્દુ નારીત્વ માટે આશીર્વાદ આપેલા. માએ કહેલું કે આ શાળા પર શ્રી જગદંબાની શુભઆશિષો સદા વરસે અને ત્યાં તાલીમ પામેલી બાળાઓ આદર્શ કન્યાઓ બને! આમ અભણ માએ કન્યા કેળવણીની અગત્યની દિશાનું જાણે કે પ્રથમ પગલું ભર્યું. લગભગ ૫૦ વર્ષ બાદ સ્ત્રીઓ સ્વતંત્ર રીતે આધ્યાત્મિક જીવન જીવવાની સાથે મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કામ કરી શકે તે હેતુથી શરૂ થયેલ શ્રીશારદા મઠ સંસ્થાના પ્રથમ અધ્યક્ષા પ્રવાજિકા ભારતીપ્રાણા શ્રીમાનાં અંતરંગ શિષ્યા હતાં.

સુમેળભર્યા સંબંધો

કોઆલપાડા આશ્રમમાં બનેલો આ પ્રસંગ છે. એક દિવસે તે આશ્રમના અધ્યક્ષે માતાજી પાસે આવીને ફરિયાદ કરી, “મા, આશ્રમવાસીઓ પહેલાં મારું કહ્યું માનતા હતા, પણ હવે નથી માનતા, કોઈ પ્રશ્ન આવે તો તેઓ સીધા તમારી પાસે આવે છે અને આપ એમનું પ્રેમથી જતન કરીને તમારી પાસે રાખો છો. એમને સારું ખાવાનું આપો છો. પણ આપ જો એમને આશ્રય ન આપો અને થોડુંક સમજાવીને મારી પાસે પાછા મોકલી આપો તો તેઓ મારું કહ્યું માનશે. આ આશ્રમવાસીઓ મારી સાથે રહેવા નથી ઇચ્છતા અને બીજા આશ્રમમાં જતા રહે છે. તેથી તમારે એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ કે જેથી આવા ગેરશિસ્ત કરનારા લોકો બીજા આશ્રમમાં ન રહી શકે.”

માતાજીને જાણવા મળ્યું કે આ અધ્યક્ષ આશ્રમવાસીઓ પાસે ફક્ત કામની જ આશા રાખતા હતા. તેમના માટે ખાવા-પીવાની સારી વ્યવસ્થા ગોઠવી શકતા ન હતા. વારંવાર મલેરિયા કે એવી કોઈ માંદગી આવી પડે ત્યારે તેમની પૂરતી સંભાળ પણ રાખતા નહોતા. માએ અધ્યક્ષને બોલાવીને કહ્યું! “એ કેમ બને? આ બધું શું કહો છો? પ્રેમ જ આપણું બળ છે, પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે અને હું તો મા છું. તમે મારી પાસે છોકરાઓની ખાવા-પીવા અને પહેરવા-ઓઢાડવા માટે આવી રીતે શી ફરિયાદ કરો છો! આવું સંકુચિત મન રાખી હુકમ કરીને માત્ર કામની આશા રાખ્યા કરો તો આશ્રમ કેવી રીતે ચલાવશો? ભલે છોકરાઓ તમારા જ વિદ્યાર્થીઓ હોય. પોતાના દીકરાઓને પણ કોઈ વધારે વઢે તો છેવટે જુદા થઈ રહે છે. એ બધા મારા છોકરાઓ છે. પ્રભુને શરણે આવ્યા છે. એ લોકો જે જગાએ જશે અને રહેશે ત્યાં જ ઠાકુર એમની સંભાળ લેશે. આવી વાતો હું કોઈ દિવસ નહી કરી શકું.”

માતાજીનો તીવ્ર સ્વર અને લાલ મુખ જોઈ ભક્તિભાવવાળા અધ્યક્ષે તરત જ માતાજીને ચરણે પડી ક્ષમા માંગી. આમ જરૂર પડે મા અધ્યક્ષને ટોકતાં તો ક્યારેક ટકોર પણ કરતાં. પણ બીજી બાજુ અધ્યક્ષનું સ્વમાન જળવાઈ રહે તે માટે આશ્રમવાસીઓને પણ સદુપદેશ આપતાં અને કહેતાં કે બધાની સાથે સંપથી રહેવું જોઈએ અને સહન કરવું જોઈએ. આમ સંસ્થાનું નેતૃત્વ સંભાળતી વ્યક્તિએ ઉદાર મન રાખીને, એકબીજાનું સ્વમાન સાચવીને, તટસ્થતાથી, પોતાના હાથ નીચે કામ કરનારની સગવડો તથા જરૂરિયાતોને પ્રેમપૂર્વક ધ્યાન રાખીને પૂરી પાડવી જરૂરી છે, એવો સંદેશો શ્રીમા આ પ્રસંગ દ્વારા આપી રહ્યાં છે.

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.