ગતાંકથી આગળ…

શ્રીકૃષ્ણ કહે છે : स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः, ‘તને હું એ જ પુરાતન યોગ કહી સંભળાવું છું.’ પણ શા માટે ? भक्तोऽसि, ‘તું મારો ભક્ત છો’; એટલું જ નહીં, सखा चेति, ‘તું મારો મિત્ર પણ છો.’ શ્રીકૃષ્ણ અને અર્જુન સમાન વયના જ હતા. બંને મિત્રો હતા. सखा ‘મિત્ર’, એ શબ્દ છે. શ્રીકૃષ્ણ પોતે જ વાપરે છે. ૧૧મા અધ્યાયના ૪૧ થી ૫૨ શ્લોકોમાં જોવા મળશે કે શ્રીકૃષ્ણનું વિશ્વરૂપ અર્જુને નિહાળ્યું ત્યારે એ વિશ્વરૂપમાં એણે પોતાની જાતને પણ જોઈ હતી. એથી ગભરાઈ જઈ એણે શ્રીકૃષ્ણની ક્ષમા પ્રાર્થી હતી : ‘ખાતાં, પીતાં, રમતાં, કેટલી બધી વાર તમને મિત્ર ગણી હું તમારી સાથે વર્ત્યાે હતો. એ સર્વ બદલ મને ક્ષમા કરો. તમારું વ્યક્તિત્વ કેવું વિરાટ છે તે હું હવે સમજી શકું છું.’ પણ તે સિવાય એ બંને મિત્રો હતા.

મહાભારતનું યુદ્ધ શરૂ થયું તેની જરાક જ પહેલાં, પાંડવ-છાવણીમાં શું ચાલે છે તે જાણી લેવા માટે ધૃતરાષ્ટ્રે સંજયને મોકલ્યો હતો : શ્રીકૃષ્ણ, ભીમ, અર્જુન, યુધિષ્ઠિર તથા બીજાઓ શું કરે છે તે જાણી લાવવા કહ્યું હતું. ધૃતરાષ્ટ્રને આ બધી માહિતી જોઈતી હતી. સંજય શ્રીકૃષ્ણની રાવટીમાં ગયો ત્યારે એણે જોયું કે શ્રીકૃષ્ણના ખોળામાં પોતાનો પગ મૂકીને અર્જુન સૂતો છે અને બંને વચ્ચે મુક્ત વાતચીત થઈ રહી છે. થોડા સમય પછી સંજય પાછો ધૃતરાષ્ટ્ર પાસે આવ્યો અને બોલ્યો, ‘શ્રીકૃષ્ણના ખોળામાં પોતાનો પગ મૂકીને સૂતેલા અર્જુનને મેં જોયો અને જાણ્યું કે શ્રીકૃષ્ણ જેવી મહાન વિભૂતિ પાંડવોની પડખે છે ત્યારે જ, મને ખાતરી થઈ કે તમારી હાર નિશ્ચિત છે, તમે જીતી શકવાના નથી.’ પણ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પર આની કશી અસર ન થઈ. ‘અમે જીતીશું, અમે જીતીશું’, એ ભાવ એનામાં દૃઢપણે પ્રવર્તતો હતો. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો ગાઢ સંબંધ જુઓ! भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतद् उत्तमम्, रहस्यम्નો અર્થ ‘ખાનગી વાત’ થાય. તેનો અર્થ ‘કશુંક ખૂબ ગહન’ પણ થાય છે. ધર્મમાં કશું ખાનગી નથી પણ એમાં ગહન તો છે જ. આ उत्तमम् रहस्यम्, આ ગહન સત્ય મનુષ્યોને પ્રાણીત્વમાંથી મુક્તિની ઊંચાઈએ લઈ જાય છે. એના કરતાં વધારે મહાન સંદેશ શો હોઈ શકે? એટલે ‘ભૂતકાળમાં વિવસ્વાનને આપેલો એ સંદેશ, હે અર્જુન, આજે હું તને આપું છું.’

શંકરાચાર્યની ટીકામાંથી મેં અગાઉ જણાવ્યા પ્રમાણે दुर्बलान् अजितेन्द्रियान् प्राप्य योगो नष्टः परन्तप, ‘નબળા અને મનોદૈહિક તંત્ર પરના અંકુશ – સર્વ ચારિત્ર્યનો પાયો છે તેના – વગરના લોકોના હાથમાં પડીને યોગ નાશ પામ્યો.’ આ ઊર્જાતંત્ર પરના થોડાકેય અંકુશ વિના તમે ચારિત્ર્ય પ્રાપ્ત કરી શકો નહીં. ઇંદ્રિયતંત્ર પર પ્રાણીઓને જરાય અંકુશ હોતો નથી. ઇંદ્રિયસપાટીએ જ તેઓ જીવે છે. ઇંદ્રિયતંત્ર પરના નિયમનને લઈને મનુષ્ય જ ઇંદ્રિયસપાટીથી ઉપર ઊઠી શકે છે. વધારે જિતેન્દ્રિય થતાં વધારે ઉચ્ચ ચારિત્ર્ય ખીલી શકે પણ મુક્ત સમાજમાં સભ્ય નાગરિક તરીકે તમારે રહેવું હોય તો થોડાક સંયમની આવશ્યકતા તો રહે જ. શ્રીકૃષ્ણ કહે છે : ‘મેં રાજર્ષિઓને એ કહ્યો હતો.’

ગીતામાંની રાજર્ષિની વિભાવના આપણે સમજવી ઠીક થશે. મહાભારતમાં એ શબ્દ અનેક સ્થળોએ આવે છે. ભારતમાં પાછલાં હજાર વરસથી આપણે પરતંત્ર પ્રજા હતા; આપણી જાગીરદારી સામાજિક પ્રથામાં જે થોડી રાજકીય સત્તા હતી એને બાદ કરતાં, આપણે રાજકીય સત્તાનો કદી ઉપયોગ કર્યો ન હતો. પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી સત્તા આપણા હાથમાં આવી. સમાજમાં જેમનો ‘એકડો’ જ ન હતો તેવા લોકો આજે ‘સર્વેસર્વા’ થઈ ગયા અને એમના હાથમાં અપાર સત્તા આવી. પાછલાં ચાળીસ વર્ષોમાં એ મોટો ફેરફાર થઈ ગયો છે. પરંતુ એ સંદર્ભમાં એક વિષયની આપણે ચર્ચા જ કરી નથી. સત્તા મેળવવી સહેલું છે પણ એ સત્તાનો ઉપયોગ કઠિન છે. તો સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો ? દરેક મુક્ત સમાજમાં આ અગત્યનો વિષય છે. પાશ્ચાત્ય સમાજોએ આ વિષયની છણાવટ કરી છે ને અનેક પુસ્તકો એ વિશે લખાયાં છે. અજ્ઞેયવાદી બર્ટ્રેણ્ડ રસેલનું આ Power, ‘સત્તા’, વિષય પર એક પુસ્તક છે.

‘Power’ (૧૯૩૮ની આવૃત્તિ) પરના પોતાના Ethics of Power નામના પુસ્તકના૧૭મા પ્રકરણમાં લેખક કહે છે કે : ‘સત્તા લાભદાયી થવાની હોય તો સત્તા કરતાં બીજા કોઈ ધ્યેય સાથે સત્તાનો શોખ જોડાયેલો હોવો જોઈએ !’

‘સત્તા સિવાય કોઈ અન્ય હેતુ હોય એ પૂરતું નથી; એ હેતુ બર આવે તો બીજાંની ઇચ્છાઓને તૃપ્ત કરવામાં એ સહાયરૂપ બને એ આવશ્યક છે… સત્તાનો શોખ ઉપકારક થવાનો હોય તો તેણે પૂરી કરવાની આ બીજી શરત છે; કોઈ બીજા હેતુ સાથે એ સંલગ્ન હોવો જોઈએ; એ હેતુ પાર પડે તો એનાથી અસરગ્રસ્ત થનાર બીજા લોકોની ઇચ્છાઓ સાથે એ સુસંગત હોવો જોઈએ.’

રસેલ દ્વારા ઉલ્લેખિત સત્તાની આ અભિમુખતા એટલે વેદાંતની ભાષામાં આધ્યાત્મિક વિકાસ, ગીતાની રાજર્ષિ વિભાવનાનું ‘ઋષિ’ પાસું.

રાજકારણી, વહીવટદાર, ઉદ્યોગપતિ અને બૌદ્ધિકના હાથમાં સત્તા – સત્તાનો પ્રશ્ન સાર્વત્રિક છે. કોઈકના હાથમાં વધારે સત્તા છે, કોઈકના હાથમાં ઓછી. અને સામાન્ય રીતે, ચૂંટણી ટાણે મતદાન કરવા સિવાય, સામાન્ય નાગરિક પાસે ઓછી સત્તા છે. પરંતુ સામાન્ય કારકુન કે સિપાઈ કે બીજો કોઈ રાજકારણી કે વહીવટી અધિકારી સામાન્ય નાગરિકની સરખામણીએ ઘણી વધારે સત્તા ધરાવે છે.

પણ ‘આ સત્તાથી મારે શું કરવાનું છે ?’ એ સવાલ આપણી જાતને પૂછવાનું આપણે શીખ્યા નથી. એ સત્તા કેવી રીતે વાપરવી ? આપણું રાજ્યતંત્ર લોકશાહી ઢબનું છે. આપણું સંવિધાન લોકોને મોટાં વચનો આપે છે. ‘હું એ સંવિધાનનું સાધન છું. મારા હાથમાં જે સત્તા છે તેનો ઉપયોગ મારે કેવી રીતે કરવો ?’

આ પ્રશ્ન વિશે આપણે ચર્ચાવિચારણા કરી નહીં કે એ બાબત આપણી જાતને કેળવી નહીં એથી છેલ્લાં ચાળીસ વર્ષમાં સત્તાના દુરુપયોગથી લોકોને હાનિ થયાના પુષ્કળ દાખલા છે. લોકોમાં શક્તિ પૂરે એ રીતે સત્તાનો ઉપયોગ ન કરવાથી ઊભાં થતાં સત્તાના દુરુપયોગનાં, જોહુકમીનાં, ભ્રષ્ટતાનાં અને અનેક પ્રકારનાં અનિષ્ટો આપણને જોવા મળે છે. લોકોને શક્તિહીન કરવા માટે નહીં, પણ તેમનામાં શક્તિ પૂરવાનું કાર્ય લોકશાહીમાં રાજ્યશાસને કરવાનું છે. સામ્રાજ્યશાહી શાસનો લોકોને નિર્બળ રાખે છે. જાગીરદારી શાસનો લોકોને નિર્બળ રાખે છે. પણ લોકશાહી લોકોને બળવાન કરવા માટે છે. પાછલાં ચાળીસ વર્ષો દરમિયાન આ આદર્શાે આપણે આપણી સન્મુખ રાખ્યા નથી. જેમનામાં થોડી નૈતિક અને માનવીય સંવેદિતા હોય એવી અપવાદરૂપ થોડી વ્યક્તિઓ થઈ છે. પરંતુ એકંદરે, આ અગત્યના વિષયની આપણે ઉપેક્ષા કરી છે અને એની મોટી કિંમત ચૂકવી છે તે એ રીતે કે આઝાદીનાં ચાળીસ વર્ષ પછીયે આપણે મંદ વિકાસ સાધતું રાષ્ટ્ર રહ્યા છીએ. (ક્રમશ:)

Total Views: 543

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.