(ગતાંકથી આગળ)

આ સંદર્ભમાં એક ઘણો ગહન શ્લોક છે :

यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके।
तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः।।46।।

‘બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં તેટલું પ્રયોજન રહે છે.’

જે અધ્યાત્મ ખોજ કરનાર વ્યક્તિએ આત્માને જાણ્યો છે તેને માટે વેદોનો શો અર્થ છે ? પછી શ્રીકૃષ્ણ ઉદાહરણ આપે છે; અહીં એક પાણીનો મોટો ટાંકો છે, છલોછલ ભરેલો. यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके ‘સરોવરના કાંઠા છલકાય એટલું, ચોમેર પાણી જ પાણી.’ તમે એની પાસે બેઠા છો, તો પાણી માટે તમે શું કૂવો ખોદવાના છો ? એટલું પાણી છે કે તમારે માત્ર હાથ જ લંબાવવાનો છે. મોટા સરોવર પાસે બેઠેલાને માટે કૂવો જેટલો ખપનો છે એટલા જ ખપના વેદો આત્મસાક્ષાત્કાર કરનાર માટે છે. આ દૃષ્ટાંત અપાયું છે. तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः ‘આધ્યાત્મિક ખોજ કરનાર જે વ્યક્તિ આ સત્ય જાણે છે તે વેદો પ્રત્યે એ રીતે વર્તશે ! તમારી ફરતું પૂર હોય ત્યારે કૂવો ખોદવાની જરૂર નથી તેમ ! હાથ લંબાવો અને તમને પાણી મળશે. તો આ સંદર્ભમાં દૃષ્ટાંત આપી શ્રીકૃષ્ણ કહે છે કે આધ્યાત્મિક સાક્ષાત્કાર માટેનો પ્રયત્ન તમને ગ્રંથોના અંકુશથી વધારે ને વધારે મુક્ત કરે છે. આરંભ પૂરતા ગ્રંથો સારા છે. ધર્મનું ધ્યેય માત્ર પાંડિત્ય નથી, એનું ધ્યેય અધ્યાત્મ છે. શ્રીરામકૃષ્ણદેવ હંમેશાં કહેતા કે આધ્યાત્મિક વલણ અને અભ્યાસ વગરના પંડિતો ગીધ જેવા છે, ઊડતા હોય ઊંચે પણ નજર નીચે મરેલા શબ પર, માત્ર પાંડિત્યનું એ લક્ષણ છે. વિવેકહીન, ભીતરની આધ્યાત્મિક લગન વિનાના પાંડિત્યને આપણી પરંપરામાં ઊંચું સ્થાન નથી. એ જ રીતે, પછીના શ્લોકમાં, योगबुद्धि ના શિક્ષણના કેન્દ્રવર્તી વિચારનું વિવેચન કરે છે.

कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचना
माकर्मफलेहेतुर्भूर्मातेसङ्गोऽस्तवकर्मणि।।47।।

‘તારો અધિકાર કર્મનો છે, કર્મના ફળ માટેનો કદી નહીં. કર્મના ફળથી પ્રેરાતો નહીં અને અકર્મ પ્રત્યે આકર્ષાતો નહીં.’

‘તારો અધિકાર માત્ર કર્મનો છે’ कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचन, ‘કર્મના ફળનો નહીં.’ પરંતુ જો આપણને ફળ, કર્મનું ફળ, ન મળવાનું હોય તો, આપણે કર્મ શા માટે કરવું ? એમ પૂછી શકાય. તમે એમ કહો તો ગીતા કહે છે, ‘ના, કર્મમાં જ પ્રવૃત્ત રહો. माकर्मफलेहेतुर्भू, ‘એમાંથી નિષ્પન્ન થતા ફળ પર દૃષ્ટિ માંડી કર્મ નહીં કરો ! ને અંતે ગીતા કહે છે, मातेसङ्गोऽस्तु अकर्मणि, ‘અકર્મના આકર્ષણથી દૂર રહો.’

આ શ્લોકમાં ચાર બાબતો કહેવાઈ છે. એક, તને માત્ર કર્મનો જ અધિકાર છે; ફળનો નહીં; કર્મ માટે ફળને તારું પ્રેરક બળ નહીં થવા દે અને કર્મ કર્યા વગર ન રહે. આ ખૂબ અગત્યનો શ્લોક છે ને લોકોમાં ખૂબ ગેરસમજ ઊભી કરે એવો પણ છે. ફળની અપેક્ષા વિના આપણે કામ – કર્મ – કરી જ શકીએ કેવી રીતે ? આ સવાલ આપણે પૂછીએ છીએ. આ ગહન વાકય છે.

આ શ્લોક સાંભળીને એનો ઉપરચોટિયો અર્થ કરતા વિદ્યાર્થીઓને મેં જોયા છે. હું છાત્રાલયનો ગૃહપતિ હતો અને, વિદ્યાર્થીઓ બધા બાગકામ કરતા હતા. કોઈકે કહ્યું, આપણો અધિકાર કર્મનો, ફળ બધાં સ્વામીજીને જશે ! ગમ્મતમાં એ આમ બોલતા હતા. પછી એક દિવસે મેં આ શ્લોકનો અર્થ સમજાવ્યો. એમને ગહન અર્થ સમજાયો. આમ આપણને સૌને આ શ્લોકની વિશદ સમજની જરૂર છે. આ શ્લોક ગીતાનો કેન્દ્રવર્તી શ્લોક છે. મહાત્મા ગાંધીએ પોતાનું પુસ્તક અનાસક્તિ યોગ લખ્યું છે. કર્મનાં ફળથી અલગ રહેવું એ અનાસક્તિનો અર્થ છે. આસક્તિ એટલે વળગણ, અનાસક્તિ એટલે વળગણથી દૂર રહેવું. એટલે મારા કામનું સ્વરૂપ શું છે ? અને એ કર્મમાંથી નિષ્પન્ન થતાં ફળ પર કોનો અધિકાર એ પ્રશ્નો તમે પૂછશો. આ શ્લોક નવો પ્રકાશ ફેંકશે.

આ જગતમાં હું એકલો નથી. હું જે કંઈ કરું છું તેનું ફળ લઈ બધું વીસરી જાઉં છું, એમ કરી શકાય નહીં. આપણે જગતના અંશરૂપ છીએ. જગતમાં બીજાં લોકો પણ છે અને આપણી પાસે જે કંઈ હોય તે બીજાંઓ સાથે વહેંચી લેવાનું છે. એટલે આપણા ચાલુ અભિગમને સ્થાને અનાસક્તિના થોડા અભિગમની આવશ્યકતા છે. આ કામ મારું છે ને બધું મારું છે એ અભિગમ ચાલે જ નહીં. આપણી આસપાસ વિશાળ જગત છે. એના વિના આપણે રહી શકીએ નહીં. આપણી ફરતા માનવ જગત વિના આપણે માનવી બની શકીએ નહીં. બીજાં મનુષ્યોથી પૂર્ણ આ જગતના આપણા પર કેટલા ઉપકાર છે ! સમાજથી તમારી જાતને અલગ તારવી લો તો તમે કશું જ નથી. માટે આ કર્મનો વિચાર એ આપણી સમક્ષ સામાજિક અભ્યુદયનો, માનવવિકાસનો ખ્યાલ રાખે છે – મારા યત્નથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનો હું એક લાભાર્થી માત્ર છું અને બીજા લાભાર્થીઓને પણ લક્ષમાં લેવાના છે (ક્રમશ 🙂

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.