(ગતાંકથી આગળ…)
એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે માનવ ચિત્તતંત્રની આ સ્થિરતા પૂર્વશરત છે. समत्वं योग उच्यते ‘સમત્વ, અર્થાત્, સ્થિરતા, સંતુલન આધારિત હોય તે જ યોગ’, દરેક મને અસંતુલિત કરવા મથે છે તો મારી ભીતર મારે એવું તંત્ર વિકસાવવું જોઈએ જે, શરીરની માફક, સ્વયં સંતુલન સાધી લે. આમ પ્રકૃતિદત્ત શારીરિક સંતુલનના પૂરક તરીકે આપણે આપણા પ્રયત્નથી માનસિક સંતુલન વિકસાવવું જોઈએ. આ આંતરિક સંતુલન એ જ છે આપણી આધ્યાત્મિક પરંપરાના બે શબ્દો શમ અને દમ. મનનું નિયમન તે શમ અને દમ એટલે ઈન્દ્રિયોનું નિયમન. આપણી આધ્યાત્મિક પરંપરામાં શમ અને દમ ખૂબ મહત્ત્વના શબ્દો છે; આ બળવાખોર ઈન્દ્રિયતંત્રનું નિયમન અને તેની શાંતિ તે દમ. અને આ ઈન્દ્રિયતંત્ર સાથે સંલગ્ન હોવાથી બંડખોર મનને શાંત કરવું તે શમ. આ બે ગુણોના નિરત અભ્યાસથી આ સમત્વની સ્થિતિ સ્વાભાવિક થઈ જાય છે. યોગનાં આ પ્રારંભિક સોપાનો છે. એમાં કંઈ અશકય નથી, કંઈ જાદુ નથી, કંઈ ચમત્કારી નથી; કોઈપણ મનુષ્ય એ કરી શકે છે, અહીં ને અત્યારે જ એ સિદ્ધ કરી શકે છે ને તે પણ રોજિંદા જીવનના અને કાર્યના સંદર્ભમાં. એ કેવળ સાધુનો જ અધિકાર નથી, સૌનો છે. ને વિવેકાનંદ એક મોટી બાબત ઉપર વારંવાર ભાર દે છે: સ્થિર અને શાંત મનુષ્ય ઢગલો કામ કરી શકે છે, ઉશ્કેરાયેલા, અસ્થિર ચિત્તવાળો નહીં. એ ઘોંઘાટ ઘણો કરે પણ એમનું કાર્ય નબળું હોય છે. દરેકે આ શીખવાનું છે.
શ્રીકૃષ્ણ આ મહાબોધ આપણને આપે છે. તમે કર્મ કરો પણ જે ચેતનાકક્ષાએથી તમારું કાર્ય નીકળે છે તેનું સ્વરૂપ સ્થિર અને શાંત હોવું જોઈએ; એ બુદ્ધિયોગ અથવા યોગબુદ્ધિ કહેવાય છે, અર્થાત્, યોગમાં સ્થિર થયેલી બુદ્ધિ. જેમાંથી બધાં કર્મો ઉદ્ભવે તે ઉત્તમ સ્રોત તે છે. તે હંમેશાં સારાં હશે, પોતાને માટે અને સર્વને માટે સારાં હશે, ને એથી, શમ અને દમ એ બે ગુણોનાં આપણા સાહિત્યમાં ખૂબ ગુણગાન ગાવામાં આવ્યાં છે. મહાન કર્મવીરો, જગતને હલાવનારા મહાપુરુષોમાં આ સમત્વ ન હોત તો નિર્ધારિત દિશા તરફ જગતને લઈ જવાની પ્રચંડ શક્તિને તેઓ જગાડી શકયા ન હોત. એટલે યથા શક્તિ આપણે સૌને માટે એક ડગલું પણ આગળ બસ છે, જેથી આપણું જીવન કુશલ બને; અને પછી આવતા એક શ્લોકમાં, ‘જીવનમાં અને કર્મમાં કુશલતા’ તરીકે આ યોગને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આમ એમાં કશું જાદુ નથી. યોગના તત્ત્વદર્શનમાંથી લોકોએ જાદુ- ચમત્કારના બધા વિચારને જાકારો જ દેવો જોઈએ. આ ધરતી જેવી પાયાની વાત છે. કોઈ માણસનો હાથ પકડો, ધીમેથી એને અધ્ધર ઊંચકો અને જીવનની સર્વોચ્ચ સપાટીએ એને લઈ જાઓ. આ તત્ત્વદર્શન એ કરે છે. દરેક વસ્તુ સ્પષ્ટ છે, દરેક વસ્તુની આપલે શક્ય છે. એનો અમલ કરી શકાય છે; એ કઠિન છે, એક નાની ટેકરી સર કરવી પણ કઠિન છે. પણ કોઈ મહાસિદ્ધિ જેટલી વધારે કઠિન તેટલો માનવચિત્ત માટે પડકાર મોટો. ‘મારે સરળ જિંદગી નથી જોઈતી’, એ અભિગમ આવવો જોઈએ. તો જ ધીર મનવાળાં માનવીઓનો સમાજ સંભવી શકે. સીધું સરળ જીવન નહીં જ. ‘કિંમત ચૂકવીને હું એ મેળવવા તૈયાર છું’, દયા નહીં; આ અદ્ભુત વિચાર છે.
ભારતમાં, ગુરુ નાનકથી માંડી ગુરુ ગોવિંદસિંહ સુધીના ગુરુઓએ આ આત્મનિર્ભરતાનો અદ્ભુત બોધ આપ્યો હતો. આરામમય જીવન પાછળ ન પડો, સખત પરિશ્રમ કરો, ભીખ ન માગો. કામ કરીને કમાઓ. પંજાબની પ્રજામાં જોવા મળે છે તેવો આ ગુરુઓનો આદેશ ભારતમાં બીજે કયાંય પણ જોવા મળતો નથી. ભારતવર્ષના રાજકીય દ્વિભાજનના અતિ કઠોર સમયે પણ પાકિસ્તાની પંજાબમાંથી ભારતીય પંજાબમાં અને દિલ્હીમાં આવતા હિજરતીઓ સાવ ખાલી ખિસ્સે આવતા હતા છતાં પણ એ કામ માગતા હતા, ભીખ નહીં. ગુરુએ શીખવેલા નાના સંયમમાંથી પ્રચંડ શક્તિના પ્રાકટ્યનું એ દર્શન હતું. થોડાક પણ આ ગીતાબોધને જીવનમાં લાગુ કરવાથી સમગ્ર રાષ્ટ્રને લાભ થશે. અને સમય જતાં, દુનિયાના બધા ભાગોમાં હજારો લોકોને આ ગીતા પ્રેરણા આપશે.
પેલા પ્રખ્યાત પુસ્તક ‘ધ તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક આપણા પ્રસિદ્ધ પ્રોફેસર ફ્રિટજોફ કાપ્રાએ કોઈ અવલોકન કરનારને કહેલા શબ્દો હું આજે વાંચતો હતો : ‘ભગવદ્ ગીતાના અધ્યયનથી મને પૂર્વના ચિંતનમાં રસ પડવા લાગ્યો. એણે મને આ દિશામાં દોર્યો.’
આ દિવ્યગાનને જગતભરમાં એટલા બધા લોકો વાંચે છે કે કેટલાક દાયકાઓ પછી આ અધ્યયન, અધ્યાપન અને અમલની અસરથી વધારે સારી, વધારે વિશુદ્ધ, વધારે કરુણાવાન, વધારે બુદ્ધિશાળી અને વધારે કુશળ માનવજાત પ્રકટ થશે. જગતમાં સર્વત્ર, ગીતાનો આ યોગ આ બધા સદ્ગુણો અને પ્રભાવ લોકોમાં જન્માવે છે. ને આમ આ ૪૮મા શ્લોકમાં, અર્જુનના માધ્યમ દ્વારા સમગ્ર મનુષ્યજાતિને શ્રીકૃષ્ણ કહે છે : योगस्थः कुरु कर्माणि अङ्गै समत्वं योग उच्यते. ચાર પાંચ વર્ષના બાળકને પણ થોડું સમત્વ શીખવવું જોઈએ.
સાધારણ રીતે બાળકોમાં ઉશ્કેરાટ હોય છે ને એ, એ વયે ખરાબ પણ નથી પરંતુ ધીમે ધીમે, ‘હવે તારા ચિત્તને શાંત કરવા કોશિશ કર, બધો સમય ઉશ્કેરાઈ ન જા’, એ બોધ આપવો જોઈએ. એનો અર્થ એ કે પોતાના ચિત્ત સાથે કામ પાડવાનું શિક્ષણ બાળકને અપાય છે, બહિર્જગતનું રમકડું થઈને એણે રહેવાનું નથી. શમ અને દમનો અર્થ એ છે. બહારની દુનિયાનો કોઈ માણસ ‘તું મૂર્ખ છો’ એમ તમને કહે અને તમે દુ:ખી અને નાસીપાસ થઈ જાઓ; તમને મૂર્ખ કહેનાર મૃત્યુ પામ્યો છે, જતો રહ્યો છે છતાં કોઈકે તમને મૂર્ખ કહ્યા હતા માટે તમે દુ:ખમય જીવન જીવો છો.
કોઈ અમેરિકન લેખકે કહ્યું છે કે તમારા મનને બીજા કોઈના ગજવામાં મૂકી તમે પોતાને ખૂબ દુર્ભાગી બનાવો છો. એટલે એને તમારે પોતાને ગજવે ઘાલતાં જ શીખો. ‘કોઈપણ પરિસ્થિતિનો પ્રતિભાવ શો આપવો તે હું જ નક્કી કરીશ’, મન સમતોલ હોય ત્યારે જ એમ બની શકે. સર જોઝેફ બારક્રોફટે કહ્યું છે કે સરોવર – મનનું – શાંત હશે તો જ, માનવીના આંતરજીવનના આકર્ષક તરંગો એ પેદા કરી શકશે; એ જ રીતે જે માનસિક પર્યાવરણ શાંત અને સમતોલ નહીં હોય તો તેમાં આધ્યાત્મિક વિકાસ સાધી શકાશે નહીં. એટલે તો તમારે વ્યક્તિ તરીકે મહાન થવું હોય તો તમારા મન સાથે કામ પાડીને તમારે આ બધું પ્રાપ્ત કરવું રહ્યું.
Your Content Goes Here




