શ્રીમદ્‌ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં રહેશો તો તમારી લીલાનું પાન ભક્તો કેવી રીતે કરી શકશે? પ્રભુ, લીલા સંવરણ પછી તમારા ભક્તો જેને અવલંબન કરી તમારી ભક્તિને પ્રાપ્ત કરી શકે, એવું કંઈક દિવ્ય અમને આપો.’ ત્યારે ભગવાન શ્રીહરિ આશીર્વાદસહ અભય વચન આપતાં કહે છે, ‘હવે હું સ્વધામ ગમન કરવાનો નથી. હવેથી હું શ્રીમદ્‌ ભાગવતમાં જ પ્રવિષ્ટ રહીશ.’

“तिरोधाय प्रविष्टोऽयं श्रीमद्भागवतार्णवम् ॥
तेनेयं वाङ्मयी मूर्तिः प्रत्यक्षा वर्तते हरेः ।”

ભગવાનના આવા દિવ્ય વાઙ્ગમય સ્વરૂપમાં ભગવાનના અનેક ભક્તો દ્વારા કરાયેલ વિવિધ પ્રકારના ભાવની સ્તુતિસહ પ્રાર્થનાઓ રહેલી છે. આ લેખમાં અહીં આપણે કુંતી-સ્તુતિના કેટલાક અંશોનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીશું.

કુંતી-સ્તુતિ

ભગવાન શ્રીકૃષ્ણ પાંચેય પાંડવોને હસ્તિનાપુર સોંપીને, ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજગાદી પર રાજ્યાભિષેક કરીને દ્વારિકા પાછા જવાની વાત કહે છે ત્યારે પાંડવ અત્યંત દુ:ખી થયા. પાંડવો ભગવાનના ચરણકમળનો આશ્રય લઈને કહે છે, ‘પ્રભુ, અમને તમારાથી દૂર કરશો નહીં. તમે પળે પળે અમારી રક્ષા કરી છે. તમારા વિના અમારું જીવન પ્રાણહીન છે.’ પાંડવો આ રીતે ભગવાનની સ્તુતિ કરતા હતા ત્યારે માતા કુંતી દોડતાં આવ્યાં છે અને ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ ગયાં છે. હૃદયનો ભાવ નેત્રનાં અશ્રુ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. ભગવાન માતા કુંતીને અટકાવતાં કહે છે, ‘તમે આ શું કરો છો? તમે તો મારી ફોઈ થાઓ. તમે મને પ્રણામ કેવી રીતે કરી શકો? મારે તમને વંદન કરવાનાં હોય.’ માતા કુંતી અશ્રુભીનાં નેત્રોથી કહે છે, ‘શ્રીકૃષ્ણ હું જાણું છું, તમે કોણ છો, તમે મારા ભત્રીજા નથી.’ મા કુંતી ગદ્‌ગદ સ્વરે શ્રીકૃષ્ણની સ્તુતિસહ પ્રાર્થના કરે છે:

માતા કુંતીની આ પ્રાર્થના જ્ઞાનમિશ્ર ભક્તિની પ્રાર્થના છે. માતા કુંતીની પ્રાર્થના પરમાત્માના અનિર્વચનીય સ્વરૂપના વર્ણનથી શરૂ થાય છે અને ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચે છે.

नमस्ये पुरुषं त्वाद्यमीश्वरं प्रकृतेः परम् ।
अलक्ष्यं सर्वभूतानामन्तर्बहिरवस्थितम् ॥ १८॥
मायाजवनिकाच्छन्नमज्ञाधोक्षजमव्ययम् ।
न लक्ष्यसे मूढदृशा नटो नाट्यधरो यथा ॥ १९॥

માતા કુંતી કહે છે, ‘શ્રીકૃષ્ણ તમે કોણ છો, હું જાણું છું. તમે સમગ્ર જીવોની અંદર અને બહાર રહેલું તત્ત્વ છો, તમે એ જ આદિપુરુષ છો જે પ્રકૃતિથી પર છે. જેવી રીતે એક જ નટ અનેક વેશ પરિધાન કરી નાટકમાં અભિનય કરે છે, પરંતુ તેને દર્શકો ઓળખી શકતા નથી; તેવી જ રીતે હે પ્રભુ, તમે જ આ સમગ્ર બ્રહ્માંડમાં વિવિધ રૂપો ધારણ કરી વિવિધ લીલા કરી રહ્યા છો, પરંતુ મૂઢ લોકો તમને જાણી શકતા નથી.’

અહીં માતા કુંતી શ્રીકૃષ્ણની સ્તુતિની શરૂઆત શ્રીકૃષ્ણના મૂળ સ્વરૂપથી કરે છે. પરમાત્મા કેવા છે? આદિ અને અનંત છે. એ નિર્ગુણ-નિરાકાર અને પ્રકૃતિથી પર છે. ભગવાન એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે અને એથીય વિશેષ પણ છે. આપણાં શાસ્ત્રોમાં ઈશ્વરને નિરાકાર તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. અર્થાત્‌ ઈશ્વર નિરાકાર પણ છે અને સર્વ આકારોમાં પણ ચૈતન્યરૂપે એ જ વિરાજિત છે. જેમ કે સુવર્ણનાં આભૂષણોમાં ઘરેણાં ભિન્ન ભિન્ન છે, જેવાં કે કંદોરો, મંગળસૂત્ર, વીંટી, ઇત્યાદિ. પરંતુ એ ભિન્ન ઘરેણાંમાં સુવર્ણ જ રહેલું છે. ઘરેણાંનો ઘાટ અલગ અલગ હોઈ શકે. જે ઈશ્વરને નિરાકાર કહેવામાં આવે છે એ જ ઈશ્વર પંચમહાભૂતથી બનેલા આ સમગ્ર બ્રહ્માંડની અંદર જડ-ચેતન અને ભિન્ન ભિન્ન આકારોમાં પણ તત્ત્વરૂપે એ જ છે. આ જગતથી પર જ્યારે એનું ચિંતન કરીએ ત્યારે નિર્ગુણ-નિરાકારરૂપે પણ એ જ સ્વયં વ્યાપેલો છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ઠાકુર કહે છે, ‘ઈશ્વર સાકાર તેમજ નિરાકાર, તેમજ સાકાર નિરાકારથીયે પર. ઈશ્વરની મર્યાદા બાંધી શકાય નહિ.’

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં માસ્ટર મહાશયની શ્રીરામકૃષ્ણ સાથેની બીજી મુલાકાતનું વર્ણન છે:

શ્રીરામકૃષ્ણ: વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં?

માસ્ટર (નવાઈ પામી જઈને પોતાના મનમાં): સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે? ઈશ્વર નિરાકાર, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર એવી શ્રદ્ધા શું બેસી શકે? વિરોધી અવસ્થાઓ બેય સાચી હોય શકે? ધોળી ચીજ દૂધ, તે શું કાળું હોઈ શકે?

માસ્ટર: જી, નિરાકાર – મને તે સારું લાગે છે.

શ્રીરામકૃષ્ણ: તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહિ કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું, તેમજ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

विपदः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्गुरो ।
भवतो दर्शनं यत्स्यादपुनर्भवदर्शनम् ॥ २५॥

માતા કુંતી શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે, ‘પ્રભુ, જ્યારે અમારી ઉપર વિપત્તિ આવી પડી, ત્યારે પળે પળે તમે અમારું રક્ષણ કર્યું છે. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ થઈ છે, ત્યારે અમને છોડીને દ્વારિકા જાઓ છો? પ્રભુ! અમારે અનુકૂળ પરિસ્થિતિ નથી જાેઈતી, તમે અમને પળે પળે દુ:ખ આપો. કારણ કે દુ:ખમાં તમે સદૈવ અમારી સાથે રહો છો, દુ:ખમાં જ તમારાં દર્શન થાય છે. જેને તમારાં દર્શન થયાં છે, એને જન્મ-મૃત્યુના ચક્રમાં આવાગમન કરવું પડતું નથી.’

માતા કુંતી જેવું આજ દિન સુધી ક્યારેય કોઈએ માગ્યું નથી. માતા કુંતી કહે છે, ‘પ્રભુ, મને દુ:ખ આપો, કારણ કે દુ:ખમાં તમારું અવિરત સ્મરણ રહે છે અને દુ:ખમાં તમારી ઉપસ્થિતિનો અનુભવ થાય છે.’ આપણા સર્વ ઉપર જ્યારે દુ:ખ આવે છે ત્યારે આપણે ભગવાનને આર્તભાવથી પોકારીએ છીએ. દુ:ખ વિના હૃદયમાંથી ભગવાન પ્રત્યે આર્તભાવના નીકળતી નથી. દુ:ખમાં જ ભગવાનની કૃપાનુભૂતિ થાય છે. આપણા સૌનો અનુભવ છે કે આપણી ઉપર જ્યારે દુ:ખ આવે છે ત્યારે આપણે આર્તભાવથી ભગવાનને પોકારીએ છીએ. જ્યારે દુ:ખનાં વાદળો વિખેરાઈ જાય છે ત્યારે આપણામાં ભગવાન પ્રત્યે આર્તભાવના જાગતી નથી. અહીં માતા કુંતી ભગવાન સાથે સતત સંયોગ રાખવા માગે છે અને સંયોગ માટે દુ:ખને નિમિત્ત બનાવે છે. કારણ કે દુ:ખમાં સ્વત: આર્તપ્રાર્થના ઉદ્‌ભવે છે અને ભગવાનની કૃપાનો અનુભવ થાય છે. આવો અદ્‌ભુત ભાવ છે માતા કુંતીનો!

માતા કુંતી દુ:ખમાં પણ પ્રભુનો પ્રેમ જુએ છે અને એ જોઈને એમનાં રોમ રોમ પુલકિત થઈ જાય છે, માટે માતા કુંતીએ ભગવાન પાસે દુ:ખની યાચના કરી છે. ભગવાન જ્યારે દુ:ખ આપે છે ત્યારે ભગવાનનું આ કાર્ય કુંભારના ઘટ બનાવવાની ક્રિયા જેવું હોય છે. કુંભાર બહારથી ઘટને ટપારે છે, પરંતુ ઘટની અંદર એક હાથ રાખે છે, રખેને! ઘટ તૂટી ન જાય!

जन्मैश्वर्यश्रुतश्रीभिरेधमानमदः पुमान् ।
नैवार्हत्यभिधातुं वै त्वामकिञ्चनगोचरम् ॥

પ્રભુ, તમે કેવા લોકોને તમારાં દર્શનથી અભિભૂત કરો છો? માતા કુંતી કહે છે, ‘જે લોકો ઊંચા કુળમાં જન્મ્યા હોય, જેમની પાસે ખૂબ ઐશ્વર્ય હોય, વિદ્યા અને સંપત્તિને કારણે જેઓ ખૂબ અહંકારી બન્યા હોય; પ્રભુ એવા મનુષ્યના મુખે તો તમારું નામ આવતું પણ નથી. પરંતુ જે લોકો સર્વસ્વનો ત્યાગ કરી, અકિંચન બની સંપૂર્ણપણે તમારા શરણાગત બને છે, પ્રભુ! એવા ભક્તોને તમારાં દર્શન આપીને કૃતકૃત્ય કરો છો.’

અહીં માતા કુંતી જણાવે છે કે ભગવાનનાં દર્શન કોઈ કુળ, વિદ્યા, સંપત્તિ કે ઐશ્વર્યને અધીન નથી, ભગવાન તો દીનતા માગે છે. જે દીન બની અકિંચન નગ્ન બાળકની માફક ભગવાનના શ્રીચરણોમાં શરણ લે છે, ભગવાન એના સર્વદોષો ક્ષમા કરી એ જ ઘડીએ એને પોતાના સ્વરૂપનું દાન કરે છે.

गोप्याददे त्वयि कृतागसि दाम ताव-
द्या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षम् ।
वक्त्रं निनीय भयभावनया स्थितस्य
सा मां विमोहयति भीरपि यद्बिभेति ॥

માતા કુંતી આ શ્લોકમાં ભગવાનની પ્રાર્થના કરતાં કહે છે, ‘હે શ્રીકૃષ્ણ! તને ખબર નથી, જ્યારે માતા યશોદાએ તને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એ દિવસે હું ગોકુળમાં આવી હતી અને મેં તારા એ અનુપમ સ્વરૂપનાં દર્શન કર્યાં છે. પગમાં ઝાંઝર છે, કમર પર કંદોરો છે, કાળા વાંકડિયા કેશમાં મયૂરપિચ્છ છે, અને તારાં નેત્રમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે, એને પરિણામે આંખનું કાજળ ગાલ પર આવ્યું છે.

અરે! જેના ભ્રૂકુટિ-વિલાસ માત્રથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન અને વિનાશ થાય છે એ અનંતકોટિ બ્રહ્માંડનો નાયક આજે મા યશોદાના ક્રોધથી થરથર કંપી રહ્યો છે. લાલા! મેં આ દૃશ્યને તે દિવસથી મારા હૃદયમાં અંકિત કરી દીધું છે. આ જ સ્વરૂપના આશ્રયે હું આજ દિન સુખી જીવી રહી છું. આ સ્વરૂપ જ મારું અવલંબન છે.’

માતા કુંતીનો વાત્સલ્યભાવ અહીં પૂર્ણપણે પ્રગટ થયો છે. વસુદેવજીએ માતા કુંતીને શ્રીકૃષ્ણના સમાચાર જાણવા માટે ગોકુળમાં છદ્મવેશે મોકલ્યાં છે. માતા કુંતી આ સ્વરૂપનાં દર્શન કરતાં કરતાં જગતનું ભાન ભૂલ્યાં છે. પરમાત્મા સાથે સંયોગ કરવા માટે ભક્ત પરમાત્માનાં નામ, રૂપ, લીલા અને ધામ; એમાંથી કોઈ એકની સાથે પોતાના મનનો સંયોગ કરીને ભગવાન સાથે નિત્ય-સ્મરણની સ્થિતિનો અનુભવ કરે છે. અહીં માતા કુંતી શ્રીકૃષ્ણના આ સ્વરૂપનું સ્મરણ કરી શ્રીકૃષ્ણ સાથે નિત્ય સંયોગ કરી રહ્યાં છે.

श‍ृण्वन्ति गायन्ति गृणन्त्यभीक्ष्णशः
स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः ।
त एव पश्यन्त्यचिरेण तावकं
भवप्रवाहोपरमं पदाम्बुजम् ॥

કુંતી કહે છે, ‘હે કૃષ્ણ, જે ભક્તજનો પ્રતિક્ષણ તમારા ચરિત્રનું શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થાય છે એ જ ભક્તજનો તમારા શ્રીચરણકમળનાં દર્શન પ્રાપ્ત કરે છે. તમારા શ્રીચરણ જન્મમૃત્યુરૂપી સંસાર-સાગરને પાર કરાવી દે છે.’

ભગવાનના શ્રીચરણ એ ભક્તને માટે નૌકા છે. ભક્ત ભગવાનના શ્રીચરણરૂપી નૌકામાં બેસીને આ સંસારના દ્વંદ્વોથી પર થઈ જાય છે. આ નૌકાનું વર્ણન કરતાં મહાત્માઓ સમજાવે છે, ‘ભગવાનના શ્રીચરણરૂપી નૌકા કેવળ એક-બે ભક્તોને પાર ઉતારતી નથી, અપિતુ જે સર્વસ્વનો ત્યાગ કરી કેવળ ભગવાનને જ પોતાનો આશ્રય બનાવે છે, ભગવાન એ જીવને અત્યંત સહજતાથી સંસારરૂપી સમુદ્રને પાર કરાવે છે. એનું ઉદાહરણ ભગવાનના પ્રત્યેક અવતારમાં આપણને જાેવા મળે છે.

તેથી જ સ્વામી વિવેકાનંદે ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્‌’માં પણ લખ્યું છે કે

સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ-વારિ યથાય;

અર્થાત્‌ ‘હે પ્રભુ! જે તમારા ચરણોનો આશ્રય લે છે તેના માટે આ ભવસાગર પાર કરવો તે તો જાણે ગોખરમાં ભરાયેલા પાણીને પાર કરવા જેટલું સહજ થઈ જાય છે.’ ભગવાનના ચરણોની આશ્રયતા માનવમાત્રને સહજતાથી જન્મ-મૃત્યુના અને દ્વન્દ્વોનાં ચક્રોથી પાર કરાવી દે છે.

अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे ।
स्नेहपाशमिमं छिन्धि दृढं पाण्डुषु वृष्णिषु ॥

અહીં માતા કુંતીનો ભગવાન પ્રત્યે દાસ્યભાવ પ્રગટ થયો છે. ભગવાનને કહે છે, ‘પ્રભુ, મારી મમતા બે જગ્યાએ બંધાયેલી છે. એક, પાંડવો સાથે અને બીજી, યાદવો સાથે. આ બંને જગ્યાએથી મારી આસક્તિ તોડાવી મારું મન તમારામાં પરોવાઈ રહે એવી પ્રાર્થના છે.’

આ સંસાર કંઈ ઈંટ-પથ્થરોનો બનેલો નથી, પરંતુ અહંતા અને મમતાનો બનેલો છે. જીવમાત્ર અહંતા અને મમતાની બેડીઓથી સંસારના સ્વજનોની સાથે બંધાયેલો છે. આ બેડીઓ તૂટતાં જ સંસારનાં બંધન છિન્ન-ભિન્ન થઈ જાય છે. તેથી માતા કુંતી ભગવાનને આ મનરૂપી બેડીઓ તોડવા માટે પ્રાર્થના કરે છે.

त्वयि मेऽनन्यविषया मतिर्मधुपतेऽसकृत् ।
रतिमुद्वहतादद्धा गङ्गेवौघमुदन्वति ॥

માતા કુંતી ભગવાનને કહે છે, ‘જેમ ગંગાજીની અજસ્ર ધારા અખંડ સમુદ્રમાં વિલીન થાય છે, તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ જગ્યાએ ન જતાં કેવળ આપશ્રીનું જ નિરંતર પ્રેમપૂર્વક ચિંતન કરતી રહે.’

અહીં માતા કુંતી પ્રભુને પોતાની મતિ, ગતિ અને રતિ અર્પણ કરવા માટે પ્રાર્થના કરતાં કહે છે, ‘તમે મારા મનને બલાત્‌ તમારા તરફ એવી રીતે વાળી દો કે તે તમારા વિના કોઈનું ચિંતન ન કરે…’

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.