(ગતાંકથી ચાલું)
૫. કુંતીની કૃષ્ણસ્તુતિ
કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ આજે રહ્યાં નથી. પાંડવ વંશનો સમૂળગો નાશ કરવા માટે અશ્વત્થામાએ અમાનુષિક, નિષ્ઠુરતાથી દ્રૌપદીના પાંચ પુત્રોને ઊંઘમાં જ મારી નાખ્યા છે. પાંચ પાંડવ અને અંત:પુરવાસિનીઓનાં હૃદયની શોકતપ્ત અવસ્થાનું સહજતાથી અનુમાન કરી શકાય. આવી અવદશામાં પણ પાંડવોની કર્તવ્યપરાયણતા અચલ છે. તેઓ પરલોકે સીધાવેલ આત્મીય સ્વજન અને જ્ઞાતીજનોની પારલૌક્કિ ક્રિયા કરવા માટે નગરજનોને લઈને શ્રીકૃષ્ણ સાથે ગંગાતીરે ગયા. ત્યાં વિધિસર શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્યા બાદ શ્રીકૃષ્ણ અને ઉપસ્થિત ઋષિમુનિઓએ પાંચ પાંડવ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, દ્રૌપદી વગેરેને પુત્ર, ભાઈ, આત્મીય, બંધુ વગેરેના વિયોગથી પીડાતી વ્યક્તિઓને યથાયોગ્ય સાંત્વના આપી.
અધર્મી, દુર્વૃત્તિવાળા અને ક્રૂર-કર્મવાળા રાજાઓનો વિનાશ કરીને શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરનું હરાયેલું રાજ્ય પાછું સોંપીને અને પાંડવો પાસે ઘણા બધા યજ્ઞોનું અનુષ્ઠાન કરાવીને તેમનો યશ ચારે દિશાઓમાં ફેલાવ્યો. આ રીતે હસ્તિનાપુરમાં થોડી શાંતિ અને સ્વાભાવિક સ્થિતિ પાછી ફરી. તેથી શ્રીકૃષ્ણે દ્વારકા પાછા ફરવાની ઇચ્છા કરી. શ્રીકૃષ્ણ જ્યારે બધા પાસેથી વિદાય લઈને દ્વારકા જવા માટે રથમાં બેસવા જાય છે, બરાબર તે સમયે અભિમન્યુની પત્ની ઉત્તરા ભયથી દિશાશૂન્ય બનીને ઝડપથી શ્રીકૃષ્ણ પાસે દોડી આવી અને વ્યાકુળતાપૂર્વક કહેવા લાગી;
पाहि पाहि महायोगिन् देवदेव जगत्पते ।
नान्यं त्वदभयं पश्ये यत्र मृत्यु: परस्परम् ॥
(१.८.९)
હે સર્વેશ્વર! હે જગત્પતિ! રક્ષા કરો, રક્ષા કરો. આપના સિવાય કોઈ મારી રક્ષા કરી શકે તેમ નથી. જગતમાં બધા જ એક યા બીજાના મૃત્યુનું કારણ હોય છે. કોઈ કોઈનું મૃત્યુ રોકી શકે નહિ.
ઉત્તરા શ્રીકૃષ્ણભગિની સુભદ્રાની પુત્રવધૂ છે. વિવાહ પછીથી જ ઉત્તરાએ પાંડવો અને નગરજનો પાસે શ્રીકૃષ્ણની અતિમાનવીય લીલાની વાતો સાંભળી છે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે અર્જુનના સારથિરૂપે પણ શ્રીકૃષ્ણના અલૌક્કિ કાર્યને સ્વચક્ષુથી નિહાળ્યું છે. તદુપરાંત તેને ખાતરી હતી કે શ્રીકૃષ્ણ સ્વયં ભગવાન છે. તેથી તે કહે છે, ભીમ, અર્જુન વગેરે મહાશક્તિશાળીઓ હોવા છતાંય હું આપની શરણાગત છું. અતિ ભયંકર પ્રજ્વલિત બાણ મારા તરફ તીવ્ર વેગથી ધસી રહ્યું છે, તેનાથી મારું મૃત્યુ થશે તો પણ જગતમાં કંઈ ખોટ નહિ પડે, પરંતુ મારા ગર્ભમાં જે સંતાન છે, જે પાંડવોના વંશનું એકમાત્ર ધન છે, તેનું કંઈ અનિષ્ટ થશે તો પાંડવવંશ- આપનો ભક્તવંશ જ સમૂળગો નાશ પામશે, તેથી જગતનું મોટું અકલ્યાણ થશે. તેથી મારા ગર્ભમાં રહેલા બાળકની જીવનરક્ષા માટે હું આપનું શરણ લઉં છું. મારું ભલે મૃત્યુ થાય કોઈ ક્ષતિ નથી. પરંતુ આપ કૃપા કરીને આ સંતાનની રક્ષા કરો.
શ્રીકૃષ્ણ તરત જ સમજી શક્યા કે અશ્વત્થામાએ ક્રોધને વશ થઈને પૃથ્વીને પાંડવ-શૂન્ય કરવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. ત્યારે તે જ સમયે પાંડવોએ જોયું કે તેમના તરફ પાંચ પ્રજ્વલિત બાણ તીવ્ર વેગથી ધસી આવે છે. ત્યારે તેઓ અસ્ત્ર ધારણ કરીને આ બાણને પ્રતિહત કરવા માટે સચેષ્ટ થયા. શ્રીકૃષ્ણ જાણતા હતા કે કોઈ અસ્ત્ર બ્રહ્માસ્ત્રનું નિવારણ કરી શકે નહિ. તેથી પાંડવોની રક્ષા માટે સુદર્શન ચક્ર ધારણ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પ્રતિહત કર્યું.
શ્રીકૃષ્ણ જાણતા હતા કે, ઉત્તરાના ગર્ભમાં ભક્ત ચૂડામણિ પરીક્ષિત છે અને પરીક્ષિતને લક્ષ્ય કરીને જ જગતમાં શ્રીમદ્ ભાગવતનો પ્રચાર થશે. તેથી ગમે તે ઉપાયે પરીક્ષિતની રક્ષા કરવી પડશે. નહિતર ભાગવત કથા, ભક્ત – ભગવાનની કથા મનુષ્યો જાણી નહિ શકે અને તેઓ અધોગતિ પ્રાપ્ત કરશે. તેથી શ્રીકૃષ્ણ, કે જેઓ પ્રત્યેક જીવમાં અંતર્યામી રૂપે વિરાજ કરે છે, તેમણે પોતાની ઐશ્વર્ય શક્તિના પ્રભાવથી બ્રહ્માસ્ત્રને વ્યર્થ કરી, ઉત્તરા અને તેના ગર્ભમાં રહેલ સંતાનની રક્ષા કરી.
પાંડવજનની કુંતી સમજતાં હતાં કે, શ્રીકૃષ્ણનાં ચરણે આશ્રય લીધો છે તેથી આજે પાંચ પાંડવ અને તેમનો ભાવિ વંશજ અશ્વત્થામાના પ્રલયાત્મક બ્રહ્માસ્ત્રથી રક્ષા પામ્યો છે. તેથી કુંતી ત્યારબાદ શ્રીકૃષ્ણની ભક્તરક્ષાની અચિંત્યલીલા જોઈને આનંદવિભોર થઈ ગયાં અને દ્વારકાગમન માટે તૈયાર થયેલા શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યાં. એક અતિ અદ્ભુત નાટકીય પરિસ્થિતિમાં કુંતીએ શ્રીકૃષ્ણની સ્તુતિ કરી, સાંસારિક દૃષ્ટિએ કુંતી શ્રીકૃષ્ણનાં વડીલ હતાં. છતાંય શ્રીકૃષ્ણના દિવ્યસ્વરૂપના ચિંતનમાં મગ્ન એવાં કુંતી બોલ્યા :
नमस्ये पुरुषं त्वाऽऽद्यमीश्वरं प्रकृते: परम् ।
अलक्ष्यं सर्वभूतानामन्तर्बहिरवस्थितम् ॥
(१.८.१८)
હે આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણ! તમે સર્વના નિયંતા અને પ્રકૃતિના નિયામક પરમાત્મા છો. તમે સર્વ જીવોની અંદર તથા બહાર હોવા છતાં તમને કોઈ સમજી શકતું નથી. સર્વબુદ્ધિને અગોચર એવા તમને હું પ્રણામ કરું છું.
કુંતી વસુદેવનાં બહેન હતાં. કૃષ્ણનાં ફૈબા થાય, તેથી કૃષ્ણ પણ કુંતીની સાથે એ જ રીતે વ્યવહાર કરતા. કુંતી પણ કૃષ્ણને ભત્રીજા તરીકે સ્નેહને લાડ કરતાં. તે જ કુંતી જ્યારે કૃષ્ણમાં ઈશ્વરીયભાવ જોતાં ત્યારે તે ઈશ્વરીયભાવમાં ગરકાવ થઈને, જાગતિક સંબંધ અંગેની વાત ભૂલી જતાં. કુંતી કહેતાં હું તમને પ્રણામ કરું છું. બાહ્યજગતની દૃષ્ટિએ તમે મારા ભત્રીજા છો, પરંતુ સ્વરૂપત: તમે આદિપુરુષ નારાયણ છો. જગતના કારણરૂપ અને પ્રકૃતિના નિયામક છો. તમે ક્યારેક દ્વારકામાં તો ક્યારેક વળી હસ્તિનાપુરમાં રહો છો. તમે સર્વવ્યાપી હોવા છતાં અર્જુનના સખા છો. પરંતુ સ્વરૂપત: તમે બધાની અંદર અને બહાર રહેલા છો. તમારે પોતાના કે પારકા કહેવાય તેવું કોઈ નથી. તમે સર્વ અંતર્યામી છો. તમારામાં આ બધા વિરુદ્ધભાવ એક સાથે રહેલા જોઉં છું, તે સાધારણ મન-બુદ્ધિથી સમજવું અસંભવ છે.
શ્રીરામકૃષ્ણ કહેતા, મન આસક્તિ શૂન્ય બને ત્યારે જ ઈશ્વરનાં દર્શન થાય. શુદ્ધ મનમાં જે વિચારો આવે તે જ તેમની વાણી છે. શુદ્ધ મન અને શુદ્ધબુદ્ધિ આત્મા પણ એક! કારણ કે, તેમના સિવાય કોઈ શુદ્ધ નથી. આમ જાગતિક મનબુદ્ધિ જે વિષય-વાસના, આસક્તિથી પૂર્ણ, તે મન-બુદ્ધિ દ્વારા ભગવાનનું સ્વરૂપ સમજી શકાય નહીં. પરંતુ તેઓ શુદ્ધ મન-બુદ્ધિથી ગોચર!
मायाजवनिकाच्छन्नमज्ञाधोक्षजमव्ययम् ।
न लक्ष्यसे मूढदृशा नटो नाट्यधरो यथा ॥
(१.८.१९)
જેઓ નાટ્યરસિક ન હોય, તેઓ અભિનેતાનો અભિનય જોઈને પણ તેમના અંદરનો ભાવ, રસ વગેરે અનુભવ કરી શકે નહિ. તે જ રીતે માયાને કારણે તમને પ્રત્યક્ષ જોઉં છું, છતાંય અજ્ઞાની હું તમને ઓળખી શકતી નથી. તેથી તો ઈંદ્રિયોથી અગોચર, સત્ય સ્વરૂપ તમને કેવળ પ્રણામ જ કરી શકું. સ્વરૂપત: તો તમને ઓળખી શકતી નથી.
तथा परमहंसानां मुनीनाममलात्मनाम् ।
भक्तियोगविधानार्थं कथं पश्येम हि स्त्रिय: ॥
(१.८.२०)
તમારું સ્વરૂપ અજ્ઞેય, છતાંય જેઓ પરમહંસ છે, જેઓ આત્મા અને અનાત્માનો ભેદ સમજી શકે અને જેઓ મનનશીલ જીવન્મુક્ત મહાપુરુષ તેઓને ભગવત્ ભક્તિનો ઉપદેશ આપવા માટે તમે અવતર્યા છો, હું અલ્પમતિ તમારા સ્વરૂપને કઈ રીતે ઓળખી શકું?
તમે માયાતીત હોવા છતાં નિત્યધામમાં રહીને નિત્યલીલા કરો છો. હું આ માયાના જગતમાં છું. માયાધીન થઈને પ્રાકૃત બુદ્ધિથી હું તમારા સ્વરૂપનો કઈ રીતે અનુભવ કરું? માયામાં રહીને માયાધીશને જાણવો સંભવ નથી. તેથી તો તમને જોવા છતાં તમારા સ્વરૂપનો અનુભવ કરી શકતી નથી. તેથી તમને જાણવાની ઇચ્છા છોડીને કેવળ તમારા ચરણાશ્રય જ એકમાત્ર મારો આધાર છે.
ભગવાનના સ્વરૂપને જાણી શકાય નહીં. પરંતુ ભગવત્ ભાવની થોડી પણ અભિવ્યક્તિ ન થાય તો ભક્તો શું લઈને ભગવાનમાં તન્મય થઈ શકશે? તેથી કુંતી કહે છે :
कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च ।
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नम: ॥
(१.८.२१)
અહીં કુંતીએ ભગવાનના પાંચ ભાવને અભિવ્યક્ત કર્યા છે. કૃષ્ણ એટલે કે જે બધાનાં હૃદયને હંમેશાં આકર્ષિત કરે. તે જ સર્વાકર્ષક પરમાનંદ સ્વરૂપ કૃષ્ણ. વાસુદેવ એટલે ભગવાન પોતે જ. વાસુદેવ એટલે વાત્સલ્ય પ્રેમથી ખેંચાઈને, તે વસુદેવના પુત્ર, વાસુદેવરૂપે અવતર્યા હતા.
દેવકીનંદન એટલે ભગવાને દેવકીના ગર્ભમાં જન્મગ્રહણ કરીને તેને આનંદસાગરમાં મગ્ન કર્યાં. નંદગોપકુમાર એટલે નંદના પુત્ર રૂપે તેઓ વ્રજવાસીઓને ભગવત્ લીલારસમાં ભરપૂર કરે છે. તેથી નંદગોપકુમાર; ગોવિંદ એટલે ગોપાલ લીલામાં બધાના ચિત્તને આકર્ષે છે. તેથી ગોવિંદ બન્યા છે. આ શ્લોકમાં કુંતી કહેવા માંગે છે કે, સર્વાકર્ષક કૃષ્ણ રૂપે તમે વાસુદેવ, દેવકી, યશોદા વગેરે વિભિન્ન ભાવના ભક્તોને આકર્ષીને તેમને પરમ આનંદનું દાન કરો છો. પરંતુ હું તો ભક્ત નથી, મારામાં તો ભક્તિ પણ નથી તેથી તમે સર્વાકર્ષક હોવા છતાંય હું માયાધીન હોવાથી એ આકર્ષણ અનુભવી શકતી નથી. તેમજ સખ્ય, વાત્સલ્ય, મધુરભાવના સાધકો તમને પામીને જે પરમાનંદનો આસ્વાદ અનુભવ કરે છે, મારા માટે તો એ બહુ દૂરની વાત છે. તેથી વારંવાર તમને પ્રણામ કરવા સિવાય મારી પાસે વળી બીજું છે શું?
नम: पङ्कजनाभाय नम: पङ्कजमालिने ।
नम: पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये ॥
(१.८.२२)
કુંતી કહે છે : ‘તમારા નાભિપદ્મમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. તેથી તમે પદ્મનાભ. તમે પદ્મમાલાધારી છો. હે કમલનયન, મને સ્વરૂપનું જ્ઞાન નથી. વળી તમારી આવી અલૌકિકલીલા જોઈનેય મારામાં ભક્તિ ન આવી. તેથી તમારા સુંદર પાદપદ્મ જ મારો આશરો છે.
यथा हृषीकेश खलेन देवकी
कंसेन रुद्धातिचिरं शुचार्पिता ।
विमोचिताहं च सहात्मजा विभो
त्वयैव नाथेन मुहुर्विपद्गणात् ॥
(१.८.२३)
હે હૃષીકેશ! તમે તો સર્વાન્તર્યામી છો, તમે બધાના મનનો ભાવ જાણો છો. તેથી મારા મનની વાત પણ તમારાથી છાની નથી. તો પણ હું કહું છું કે, ખૂબ જ નિષ્ઠુર કંસે દેવકીને કારાવાસમાં નાખી અને તેના છ પુત્રોનો વધ કર્યા પછી તમે તેને કારાગારથી મુક્ત કર્યાં હતાં. હું પણ તમારી કૃપાથી પુત્રો સાથે ઘણી મુશ્કેલીઓમાંથી વારંવાર બચી છું.
અહીં કુંતી જાણે કહે છે કે, દેવકી તમારી જનની હોવા છતાંય મારા પ્રત્યે તમે વિશેષ કૃપા કરી છે. દેવકીનો કારાગારવાસ, નવજાત પુત્રોનું મૃત્યુ વગેરે ઘણાં દુ:ખ ભોગવ્યા બાદ તમે તેમને વિપત્તિઓથી છૂટકારો આપ્યો. મારી અને મારા પુત્રોની તો તમે હંમેશાં રક્ષા કરી છે.
विषान्महाग्ने: पुरुषाददर्शना-
दसत्सभाया वनवासकृच्छ्रत: ।
मृधे मृधेऽनेकमहारथास्त्रतो
द्रौण्यस्त्रतश्चास्म हरेऽभिरक्षिता: ॥
(१.८.२४)
અહીં કુંતી પોતાની કેટલીક ભયંકર વિપત્તિઓનું વિવરણ કરી કહે છે, હે કૃષ્ણ, ભીમે ઝેર ભેળવેલા લાડુ આરોગ્યા, લાખના મહેલની આગ, હિડિમ્બા વગેરે રાક્ષસોનાં આક્રમણ, રાજસભામાં અન્યાયપૂર્વકનું જુગાર રમવાનું, ભીષ્મ, દ્રોણ વગેરે મહાન વીરોનાં ઘણાં પ્રાણઘાતક અસ્ત્રો તથા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી વારંવાર તમે કૃપા કરીને અમારું રક્ષણ કર્યું છે.
Your Content Goes Here




