(ગતાંકથી આગળ…)

आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे ।
कुर्वन्त्यहैतुर्की भक्तिमित्थम्भूतगुणो हरिः।।(१.७.१०)

પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જેઓ આત્મારામ બ્રહ્મ-મનન-શીલ છે, તેઓ તો દરેક પ્રકારનાં વિધિવિધાનથી પર હોય છે. વળી તેમને માંગવા કે મેળવવાનું તો કંઈ જ નથી. તેથી તેઓને તો શાસ્ત્ર પાઠ કરવાની કે સંભળાવવાની પ્રવૃત્તિ હોતી જ નથી. છતાંય શુકદેવજીએ શા માટે ભાગવત અધ્યયન કર્યું અને બીજાને પણ સંભળાવ્યું? જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ‘इत्थत्भूतगुणो हरिः’ ભગવાનનું એવું તો આકર્ષણ હોય છે કે, ‘निवृत्तिनिष्ठ आत्माराम’ પણ ભગવાનની અહૈતુકી ભક્તિ કરતા રહે – ભગવદ્‌લીલાશ્રવણની ઉત્કંઠા ધરાવે છે.

વ્યાસદેવે એક યુક્તિ અજમાવી. તેમણે કઠિયારાઓને બોલાવ્યા અને કહ્યું તમે લાકડાં લાવવા માટે બહુ દૂર દૂરના પહાડ ને જંગલમાં જાઓ છો. તમે એક કામ કરશો? કઠિયારાઓએ કહ્યું : ‘ચોક્કસ કરીશું.’ વ્યાસદેવે કહ્યું : ‘હું તમને એક ભજન શીખવાડીશ. તમે જ્યારે પહાડ પર અને જંગલમાં લાકડા કાપવા જાઓ ત્યારે ઉચ્ચ સ્વરે આ ભજન ગાજો. આ ગીત સાંભળીને જો કોઈ તમારી પાસે પૂછવા આવે કે આ ગીત તમે ક્યાંથી શીખ્યા? ત્યારે તમે મારું નામ કહેતા નહિ. માત્ર કહેજો, તમે તેમના દર્શન કરશો? ત્યારે તે જો રાજી થાય તો તેને તમે મારી પાસે લઈ આવજો.’ ત્યારબાદ વ્યાસદેવે ભાગવતમાંથી શ્રીકૃષ્ણનું કિશોરવયનું એક રૂપવર્ણન કરતો શ્લોક કઠિયારાઓને ગાતા શીખવ્યો.

बर्हापीडं नटवरपुः कर्णयोः कर्णिकारं
बिभद्र वासः कनककपिशं वैजयन्तीं च मालाम्।

रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥

ખૂબ સુંદર મોરપિચ્છ જેના માથા પર શોભે છે. નટશ્રેષ્ઠ જેવું જેનું સુંદર શરીર છે, જેના કાનમાં કર્ણિકા ફૂલનાં કુંડલ શોભે છે, જેણે પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે. ગળામાં વૈજયંતીમાળા ધારણ કરી, જેઓ અધર અમૃતથી બંસી વગાડે છે. ગોપ બાળકો તેનો મહિમા ગાય છે અને તેઓએ પોતાનાં પદચિહ્‌નથી પરિશોભિત વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે.

દૂરથી જ આ પરમ મનોહર ગીતધ્વનિ શુકદેવજીના કાને પડે છે અને ધીરે ધીરે તેઓ સમાધિમાંથી નીચે ઊતરે છે.

આ પ્રસંગ વિશે ‘શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી એક વર્ણન કરું છું. શુકદેવજી સમાધિસ્થ હતા. નિર્વિકલ્પ સમાધિ-જડસમાધિ. ભગવાને નારદને તેમની પાસે મોકલ્યા, કારણ પરીક્ષિતને ભાગવત સંભળાવવાનું છે. નારદે આવીને જોયું કે શુકદેવજી તો જડવત્‌, બાહ્યજ્ઞાનરહિત બેઠા છે. ત્યારે નારદજી વીણા વગાડીને શ્રીહરિના રૂપનું વર્ણન ચાર શ્લોકમાં ગાવા લાગ્યા. પહેલો શ્લોક બોલતાં બોલતાં શુકદેવજીને રોમાંચ થયો. આંખમાંથી આંસું વહેવાં લાગ્યાં, અંતરમાં ચિન્મયરૂપનાં દર્શન કરવા લાગ્યા. જડસમાધિ બાદ ફરી રૂપદર્શન થયું. (કથામૃત ભાગ-૨, ૨૩ ખંડ, પહેલો અધ્યાય)

ફરી આપણે પેલા કઠિયારાઓનાં ભજનની જ વાત કરીએ. કૃષ્ણ વિશેનું વર્ણનગીત સાંભળીને શુકદેવજી સમાધિમાંથી નીચે આવીને મુગ્ધમને એ ગીત સાંભળવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે કોણ આ ગીત ગાય છે? કઠિયારાઓ પાસે જઈને તેઓ પૂછવા લાગ્યા : ‘આ ગીત તમે ક્યાંથી શીખ્યા?’ તેઓએ પ્રતિ પ્રશ્ન કર્યો : ‘તમે તેમની પાસે જશો?’ શુકદેવજી તેમની પાસે જવા રાજી થયા અને કઠિયારાઓ તેમને વ્યાસદેવ પાસે લઈ ગયા. શુકદેવજીએ પૂછ્યું : ‘પિતાજી, આ ગીતનો વિષય શો છે?’ વ્યાસદેવે કહ્યું : ‘તે સ્વયં પરબ્રહ્મનું એક પરમ માધુર્યમંડિત રૂપ – તે લીલામય બ્રહ્મ છે. તે સ્વયં ‘ભગવાન’ શબ્દ દ્વારા વાચ્ય છે. જે જ્ઞાનીઓ માટે બ્રહ્મ તે જ યોગીઓના પરમાત્મા અને તે જ ભક્તોના ભગવાન. મેં એ જ ભગવાન વિશે એક વેદતુલ્ય પુરાણની રચના કરી છે, તે છે ભાગવત. તમે એ મારી પાસેથી શીખી લો અને લોકોના કલ્યાણ માટે જગતમાં તેનો પ્રચાર કરો.

શુકદેવજી નિર્ગુણ બ્રહ્મમાં નિષ્ઠાયુક્ત હોવા છતાંય કૃષ્ણનાં ગુણગાનથી આકૃષ્ટ થયા અને ઉત્તમ શ્લોક શ્રીહરિની લીલાવિષયક શ્રીમદ્‌ ભાગવતનું અધ્યયન કર્યું. પછીથી શુકદેવ ભક્તાગ્રણી બનીને મૃત્યુમુખી મહારાજ પરીક્ષિત અને ઉપસ્થિત સાધુમંડળી પાસે આ ભાગવતકથા કહેવા લાગ્યા. ત્યાર પછીથી જ पारमहंस्याम संहितायाम् – પરમહંસની સંહિતા રૂપે શ્રીમદ્‌ ભાગવતનો પ્રચાર થવા લાગ્યો.

વળી બીજી બાજુ કળિયુગનો પ્રારંભ થઈ ગયો તેથી શૌનકાદિ ઋષિઓ વિચારવા લાગ્યા, કળિયુગમાં માણસનું મન સ્વાભાવિકપણે જ ભગવાનને ભૂલીને વિષયાસક્ત થશે. પરંતુ જે લોકો સદા-સર્વદા ભગવત્‌- આરાધના કરવા ઇચ્છશે, તેઓને પણ કળિયુગના પ્રભાવથી જો ભગવાનનું વિસ્મરણ થશે તો ઉપાય શો હશે? કેવી રીતે કલિના પ્રભાવથી છુટકારો મેળવવો? આ રીતે વિચારીને તેઓ સૃષ્ટિકર્તા બ્રહ્માની ઉપાસના કરવા લાગ્યા. બ્રહ્માએ તેમને દર્શન આપ્યાં અને કહ્યું : ‘તમે નૈમિષારણ્યમાં જઈને ભગવાન વિષ્ણુની આરાધના કરો તેથી કલિના પ્રભાવથી તમે લેપાશો નહિ. નૈમિષારણ્યને અનિમિષક્ષેત્ર પણ કહે છે, કારણ ભગવાનની દૃષ્ટિ આ સ્થાન પરથી કદી ખસતી નથી. તેઓ હંમેશાં આ સ્થાનનું રક્ષણ કરે છે. એ જ અનિમિષક્ષેત્રમાં શૌનકાદિ ઋષિઓએ ભગવત્‌ પ્રાપ્તિની આશાથી એક યજ્ઞનો આરંભ કર્યો. ઉદ્દેશ્ય એટલો જ કે કોઈ સારા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે તો ત્યાં સ્વભાવિકપણે સાધુ-સંતોનો સમાગમ થશે અને સત્‌પ્રસંગરૂપી ભગવાનની કથાવાર્તાથી તુરંત ઈશ્વર પ્રાપ્તિ થશે. આવો આશય રાખીને એક દિવસ સવારનું નિત્યકર્મ પૂરું કરીને ઋષિઓ બેઠા છે. તે વખતે સૂતજી (ઉગ્રશ્રવા) પ્રેમાનંદમાં વિભોર થઈને શ્રીહરિનાં ગુણગાન કરતાં કરતાં ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ઉગ્રશ્રવા નામ એટલા માટે પડ્યું કે તેઓ હરહંમેશાં ભગવાનની કથા સાંભળવા ઉત્કંઠ રહેતા અર્થાત્‌ ઈશ્વરનાં ગુણગાન સાંભળવા તેમના કર્ણો હંમેશાં આતુર રહેતા! ઉગ્રશ્રવાના પિતા રોમહર્ષણ હતા. રોમહર્ષણને વ્યાસદેવે બધાં પુરાણો શીખડાવ્યાં હતાં. તેઓ પણ કૃષ્ણપ્રેમમાં રોમાંચિત-પુલક્તિ રહેતા તેથી લોકો તેમને રોમહર્ષણ કહેતા. રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાએ ગંગાતીરે પરીક્ષિતની સભામાં શુકદેવજીના મુખેથી ભાગવતકથા સાંભળેલી. જેણે શુકદેવજીના મુખે ભાગવતકથા સાંભળી હોય તે જ ભાગવતનો મહિમા જાણે. તેથી ભાગવતમાં ઉલ્લેખ છે કે, શુકદેવજીના મુખે ભાગવતકથા સાંભળવા માટે પરીક્ષિતની સભામાં કેટલાય બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિઓ ઉપસ્થિત થયા હતા. આ ઉગ્રશ્રવાજીએ પણ શુકદેવજીના શ્રીમુખેથી ભાગવતકથા સાંભળેલી અને ભગવદ્‌ભાવે વિભોર થઈને તેઓ નૈમિષ્યારણ્યના રસ્તેથી જઈ રહ્યા હતા. શૌનકાદિ ઋષિઓએ ભાવવિભોર ઉગ્રશ્રવાને આ માર્ગે જતા જોઈને તેમને આદરપૂર્વક બોલાવીને યથાયોગ્ય સન્માન આપીને બેસાડ્યા અને બોલ્યા :

त्वया खलु पुराणानि सेतिहासानि चानघ ।
आख्यातान्यप्यधीतानि धर्मशास्त्राणि यान्युत ॥
(१.१.६)

‘હે નિષ્પાપ ઉગ્રશ્રવા! તમે પુરાણ, ઇતિહાસ અને વિવિધ ધર્મશાસ્ત્રો સારી રીતે જાણો છો અને તે બધાંની વ્યાખ્યાઓ પણ કરી છે. તદુપરાંત સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે. તત્ત્વજ્ઞાનીઓમાં જે શ્રેષ્ઠ છે, તેવા વ્યાસદેવ અને અન્ય સગુણ અને નિર્ગુણ બ્રહ્મતત્ત્વજ્ઞ મુનિઓ જે જ્ઞાન ધરાવે છે, તે જ્ઞાન તમે પણ તેઓની કૃપાથી પામ્યા છો અને શાસ્ત્રજ્ઞ થયા છો. વ્યાસદેવ, વશિષ્ઠ વગેરે ઋષિઓની જ્ઞાનની તુલના ન થઈ શકે. પરંતુ ગુરુ અને ઈશ્વર કૃપાથી તમે પણ એ બધા જ્ઞાનના અધિકારી થયા છો. તદુપરાંત ભક્તના મુખેથી અતિ દિવ્ય ભગવત્‌કથા સાંભળવા માત્રથી જ હૃદયે ભક્તિભાવનો ઉદય થાય છે. તમે પરમ ભક્ત છો તેથી તમને કહું છું :

तत्र तत्राञ्जसाऽऽयुष्मन् भवता यद्विनिश्चितम् ।
पुंसामेकान्तत: श्रेयस्तन्नः शंसितुमर्हसि ।। (१.१.९)

(હે સૂતજી!) બધાં શાસ્ત્રોને જાણનારા એવા આપે, કલિકાળમાં પ્રત્યેક જીવ માટે અત્યંત મંગલકારી અને ત્વરિત હિતકારી જે હોય તે અમને કહો. તમે ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કરીને જે જાણ્યું છે, જે સમજ્યા છો, તેનો સાર અમને કહો. વિવિધ શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન મત અને પથની વાતો છે, તે બધાની સાધના સમયને સાપેક્ષ છે – દીર્ઘકાળ માટે કરવાની હોય છે. ઉપરાંત સાધનામાં ક્યાં કઈ ભૂલ થાય તે પણ નક્કી નહીં. વળી કળિયુગમાં તો માણસનું મોટાભાગે આયુષ્ય ઓછું હોય છે. તેથી તમે જો કોઈ એવી સાધના વિશે જાણતા હો કે જેના દ્વારા ટૂંક સમયમાં કોઈપણ અવરોધ વગર સફળતા મળે અને પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકે, તે અંગે અમને કહો. તમે તો બધાં શાસ્ત્રના મર્મજ્ઞ છો, તમે સારરૂપે જે સમજ્યા છો, તેનું કીર્તન અમારી પાસે કરો. એથી લોકોનું કલ્યાણ થશે. માણસ પરમાર્થને પામવા સમર્થ થશે. ઋષિઓએ વિશેષ કહ્યું : ‘હે સૂતજી! ભક્તપાલક શ્રીભગવાન જે શ્રીકૃષ્ણરૂપે અવતીર્ણ થયા છે તે તમે જાણો છો.’

तन्नः शुश्रूषुमाणानामर्हस्यङ्गानुवर्णितुम्।
यस्यावतारो भूतानां क्षेमाय च भवाय च ।। (१.१.१३)

જેમના મત્સ્ય-કૂર્માદિ અવતારો જીવોના સંસારને દૂર કરીને પરમ સંપદનું દાન કરે છે, તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથા સાંભળવા અમે ઉત્સુક છીએ. શૌનકાદિ ઋષિઓ સારી રીતે સમજતા હતા કે ધર્મની ગ્લાનિ દૂર કરવા અને ધર્મની પ્રતિષ્ઠા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તે માટે તેઓ યુગે યુગે મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન વગેરે ઘણાં સ્વરૂપે પ્રકટ થયા અને પૃથ્વીનો ભાર દૂર કરીને ધર્મનું પુન:સ્થાપન કર્યું હતું. પરંતુ આ વખતે ભગવાન સ્વયં વસુદેવ અને દેવકીના પુત્ર થઈને જન્મ્યા છે. તેમાં કંઈક વિશેષ કારણ હશે, જે ભગવાનના અંશાવતાર જેવા કે મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન વગેરે દ્વારા સિદ્ધ થઈ શકે નહિ. ભગવાનના અવતરણનાં મુખ્ય બે કારણ હોય. બાહ્ય કારણ અને આંતરિક કારણ. ભગવાને જે અસુરોનો સંહાર કર્યો તે ધર્મસંસ્થાપન માટે, આ થયું બાહ્ય કારણ. ભગવાન કે જે રસસ્વરૂપ છે તેઓ રસાસ્વાદ માટે અવતાર ધારણ કરે છે, આ છે તેમના અવતરણનું આંતરિક કારણ. આ કારણ વિશે બધા જાણતા નથી. માત્ર ભક્તો જાણે છે. શૌનકાદિ ઋષિઓ ભગવાનના બહિરંગ કારણ વિશે જાણતા હતા. ભગવાનના આંતરિક કારણને સમજવા માટે તેઓએ સૂતને આ પ્રશ્ન કર્યો અને ઉત્તરમાં સૂતજીએ પણ શ્રીકૃષ્ણની વ્રજલીલાનાં વર્ણનનો આરંભ કર્યો.

શ્રીકૃષ્ણાવતારની કથામાં પ્રવેશતા ઋષિઓએ સૂતજીને ફરી પ્રશ્ન કર્યો : 

आपन्न: संसृतिं घोरां यन्नाम विवशो गृणन् ।
ततः सद्यो विमुच्येत यद्विभेति स्वयं भयम् ।। (१.१.१४)

સંસારપ્રવાહમાં પતિત એટલે કે ઘોર વિષયી વ્યક્તિ પણ કદાચ વિવશપણે પણ ભગવાનનું નામ ઉચ્ચારે તો અજામિલની જેમ તે પણ મુક્ત થઈ જાય. જીવ ઘણા જન્મનાં કર્મફળથી સંસારમાં આવ-જા કરે, પરંતુ કૃષ્ણ નામનો એવો તો મહિમા છે કે જીવ જો વિવશ અવસ્થામાં પણ તેનું નામ એકવાર ઉચ્ચારે તો ત્યારે જ મુક્ત થઈ જાય અને શા માટે ન થાય? સ્વયં ભય જેનાથી ભયભીત થઈને રહે, यद्बिभेति स्वयं भयम् એ ગોવિંદ નામ જેના મુખમાં ઉચ્ચારાય તો પછી શું તેને કોઈ ભય હોઈ શકે? નરોત્તમદાસ કહે છે : ‘ગોવિંદ શબ્દ સાંભળીને, ભયથી ભાગશે બધું, સિંહનાદથી કંપે જાણે અરિકુળ.’

ઋષિઓ બોલ્યા : ‘જેમના નામની જ આટલી પ્રબળ શક્તિ છે તેમણે સ્વયં પૃથ્વી પર આવીને કેવી લીલા કરી, તે અંગે તમો અમને સંભળાવો.

यत्पादसंश्रयाः सूत मुनयः प्रशमायनाः ।
सद्य: पुनन्त्युपस्पृष्टा: स्वर्धुन्यापोऽनुसेवया ॥
(१.१.१५)

હે સૂતજી! જેના ચરણાશ્રયથી મુનિઓ સર્વવાસનાઓથી મુક્ત થઈને શાંત થઈ જાય છે, જેમનાં ચરણમાંથી નીકળેલી ગંગાના સ્પર્શથી જીવ પવિત્ર બને છે, તેમની કથા સાંભળવા અમે ઉત્સુક છીએ. ભક્ત અને ગંગા શ્રીકૃષ્ણના ચરણાશ્રયને લીધે જ જીવ-કુળને પવિત્ર બનાવે છે. ભક્ત કૃપાદૃષ્ટિ દ્વારા અને ગંગા સ્પર્શ દ્વારા બીજાને પવિત્ર કરે છે. ગોવિંદનો ચરણાશ્રય જેટલો વધારે તેટલી વધારે પવિત્રતા. ગંગા શ્રીભગવાનનાં ચરણમાંથી નીકળીને સાગર તરફ દોડી જાય છે; અને ભક્તો હંમેશાં ભગવાનનાં શ્રીચરણ હૃદયમાં ધારણ કરે છે. આ રીતે સમજી શકાય છે કે આ પ્રકારની ભગવાનની ભક્તિને કારણે ભક્તની લોક-પાવન શક્તિ વધારે હોય છે. શૌનકાદિ મુનિઓ કહે છે કે, ભક્તની લોકપાવન શક્તિ આટલી હોય તો ભગવાનની લીલાકથાનો મહિમા અને પાવનશક્તિની તો વાત જ શી કરવી? અશેષ જન્મોની વાસના-કામના દૂર કરવાને માટે હૃદયને પવિત્ર કરવા માટે શ્રીભગવત્‌ લીલાકથા જેવું બીજું કંઈ જ નથી. 

પુણ્યવાન લોકો હંમેશાં તેમની લીલાનું ગાન કરે છે અને બ્રહ્મા, નારદ વગેરે પણ તેમનાં જ ગુણગાન કરે છે. તેથી ગોવિંદનાં ગુણગાન સાંભળવા અમે ઉત્કંઠ છીએ. હે સૂતજી! શ્રીહરિની કથા સંભળાવીને તમે અમને કૃતાર્થ કરો.

अथाख्याहि हरेर्धीमन्नवतारकथाः शुभाः ।
लीला विदधतः स्वैरमीश्वरस्यात्ममायया॥ (१.१.१८)

હે બુદ્ધિમાન! હે પરમજ્ઞાની સૂત! જે પોતાની માયા વડે સ્વેચ્છાથી જ વિવિધ લીલાઓ કરતા પરમેશ્વર શ્રીહરિની પવિત્ર, પરમ મંગલપ્રદ મત્સ્યાદિ અવતાર કથાઓ અમને કહો.

वयं तु न वितृप्याम उत्तमश्लोकविक्रमे ।
यच्छृण्वतां रसज्ञानां स्वादु स्वादु पदे पदे ।। (१.१.१९)

શ્રીભગવાનની ગુણકથા સાંભળતા અમે સૌ તૃપ્ત થતા જ નથી. કારણ કે, રસિક લોકોને તેમાં પદે પદે મધુરથી મધુરતર નવા નવા રસોનો અનુભવ થાય છે. યોગ, જ્ઞાન વગેરે સિદ્ધિ લાભથી મનુષ્ય તૃપ્ત થઈ જાય છે. નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરીને કોઈક કોઈક યમ-નિયમ-આસન વગેરેનો અભ્યાસ છોડી દે છે. સ્વર્ગની પ્રાપ્તિ કર્યા બાદ કોઈક ફરી અશ્વમેધાદિ યજ્ઞ કરતા નથી. કારણ કે, ફળપ્રાપ્તિ માટે આ બધું કરવામાં આવે છે, અને ફળલાભ થવાથી તેઓ તૃપ્ત થઈ જાય છે. ક્ષુધા-તૃપ્તિ થાય તો ફરી ભોજનની ઇચ્છા થતી નથી. પરંતુ ભગવાનની કથાનો એવો તો મહિમા છે કે ભગવત્‌કથા સાંભળીને કોઈ પૂર્ણ તૃપ્તિ પામતા નથી પરંતુ ભગવતકથા સાંભળવાની ઇચ્છા ક્રમે ક્રમે વધુ ને વધુ તીવ્ર બને છે. તેથી, હે સૂત!

कृतवान् किल कर्माणि सह रामेण केशवः ।
अतिमर्त्यानि भगवान् गूढः कपटमानुषः ।

(१.१.२०)

કપટમાનુષ એટલે કે, જે વાસ્તવમાં મનુષ્ય નથી, પરંતુ ભગવાન સ્વયં કે જેમણે શ્રીકૃષ્ણરૂપે બલરામ સાથે અવતીર્ણ થઈને ઘણાં અલૌકિક કાર્ય કર્યાં છે. તે બધાં તમે અમને કહો. ભગવાનને તો બધા ઓળખી શકે નહિ, જેઓ માયા-મોહથી આંધળા છે, તેઓ તેમની લીલા જોઈને તેમને સામાન્ય મનુષ્ય તરીકે માને છે. તેથી તેઓ જ જે નરરૂપી પરબ્રહ્મ સ્વરૂપ છે, તેવી સમજણ તેમની કૃપા સિવાય કોઈને મળતી નથી. ભક્તિહીન લોકોની પાસે અપ્રકાશ્ય એવી શ્રીકૃષ્ણલીલાનાં ગુણકીર્તન અમારી પાસે કરો.

શૌનકાદિ ઋષિઓએ સૂતને હજુ એક પ્રશ્ન કર્યો હતો :

ब्रूहि योगेश्वरे कृष्णे ब्रह्मण्ये धर्मवर्मणि।
स्वां काष्ठामधुनोपेते धर्म: कं शरणं गत: ।। (१.१.२३)

બ્રાહ્મણોના પ્રતિપાલક, ધર્મરક્ષક, યોગેશ્વર શ્રીકૃષ્ણ જ્યારે અપ્રકટ હતા ત્યારે ધર્મ કોના શરણે હતો? કળિયુગમાં તો અધર્મનું જ સામ્ર્રાજ્ય છવાયેલું રહે ત્યારે ધર્મ કોનો આશ્રય લઈને ટકી શકે? ઋષિઓએ સૂતજીને છ પ્રશ્ન પૂછ્યા હતા, જે સર્વકાળે, સર્વલોકો માટે મંગલકારી છે. એ પ્રશ્નો આ પ્રમાણે હતા :

૧. જીવોનું એકાંત શ્રેય શું છે? ૨. સર્વ શાસ્ત્રોનો સાર શો છે? ૩. શ્રીકૃષ્ણે દેવકીના ગર્ભમાં શા માટે જન્મ ગ્રહણ કર્યો હતો? ૪. તેમણે કઈ કઈ લીલા કરી હતી? ૫. તેમણે કયા કયા અવતારોમાં શું શું કાર્ય કર્યું હતું? ૬. શ્રીકૃષ્ણ અપ્રગટ થતાં ધર્મ કોને શરણે ગયો?

ઋષિઓના પ્રશ્નો સાંભળીને સૂતજીએ બહુ આનંદપૂર્વક ધીરે ધીરે બધા પ્રશ્નોનો જવાબ આપવાનો આરંભ કર્યો. ઉત્તર આપતાં આપતાં સ્વાભાવિકપણે ફરી બીજા ઘણા પ્રશ્નો અને ઉત્તરો કરવામાં આવ્યા હતા અને આ બધાને એકઠા કરીને જ શ્રીમદ્‌ ભાગવત તૈયાર થયું.

શૌનકાદિ ઋષિઓના પ્રશ્ન સાંભળીને સૂત ઉગ્રશ્રવા વિચારવા લાગ્યા, ઋષિઓને હવે શો જવાબ આપવો? સાંખ્ય, વેદાંત, ન્યાય, મીમાંસા વગેરે વિવિધ શાસ્ત્રો અધિકારી ભેદે વિવિધ ઉપદેશ આપે છે. એક પ્રકારનો ઉપદેશ બધા જ લોકોને માટે સમાનપણે કલ્યાણકારી ન નીવડે, ‘वेदा विभिन्नाः स्मृतयो विभिन्ना नासौमुनिर्यस्य मतं न भिन्नम्।’ (મહાભારત) વેદ વિભિન્ન છે, સ્મૃતિ વિભિન્ન છે, જેટલા મુનિઓ તેટલા મત છે, વળી જીવોના પરમ્‌ પુરુષાર્થની પ્રાપ્તિનો ઉપાય પણ એકસરખો હોતો નથી. તેથી શૌનકાદિ ઋષિઓને હવે શું કહેવું, સૂતજી વિચારવા લાગ્યા. વ્યાસદેવ તો શ્રીનારાયણના જ અવતાર, તેઓ તો સર્વશાસ્ત્ર પારદર્શી, તેમણે તો જીવના કલ્યાણ માટે વેદોનું વિભાજન કર્યું. મહાભારત પુરાણ અને વેદાંતસૂત્રની રચના કરી પરંતુ તેનાથી તો જીવોનું યોગ્ય કલ્યાણ ન થયું; અંતે નારદજીના ઉપદેશથી તેઓ શ્રીગોવિંદની લીલાનું વર્ણન કરીને કૃતકૃત્ય થયા. શ્રીકૃષ્ણલીલાશ્રવણ અને કીર્તનના ફળથી અનાયાસે પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે, આ કંઈ કહેવા પૂરતી જ વાત નથી. બધાની સામે આ તો વાસ્તવિક સત્ય છે. જેઓ આત્મરામ હોય તેઓ તો હંમેશા નિજાનંદમાં નિજ ભાવમાં વિભોર રહે, બાહ્ય જગતમાં તો લેશમાત્ર તેમની દૃષ્ટિ ન હોય, પરંતુ તેઓ પણ ભગવાનની લીલાકથામાં પરમ આનંદ પ્રાપ્ત કરે. આત્મારામ શિરોમણિ શુકદેવે આ કૃષ્ણલીલાની કથા સંભળાવીને બ્રહ્મશાપગ્રસ્ત મહારાજ પરીક્ષિતને સાત દિવસમાં જ પરમ પુરુષાર્થનું પ્રદાન કર્યું હતું. તેથી અનાયાસે પરમ પુરુષાર્થ પ્રદાનની શક્તિ હરિકથા સિવાય બીજા કશામાં વધારે નથી. તેથી શૌનકાદિ ઋષિઓના પ્રશ્નોના ઉત્તરમાં હવે હું ગોવિંદ ગુણલીલાનું વર્ણન કરતી શ્રીમદ્‌ ભાગવતકથા જ કહીશ અને આ જ ભાગવતકથા હું ગુરુ શ્રીશુકદેવજીના મુખેથી પરીક્ષિત રાજાની સભામાં સાંભળીને આવું છું. આમ વિચારીને સૂતજીએ શૌનકાદિ ઋષિઓને કહ્યું :

तत्र कीर्तयतो विप्रा विप्रर्षेर्भूरितेजसः ॥
अहं चाध्यगमं तत्र निविष्टस्तदनुग्रहात्।
सोऽहं वः श्रावयिष्यामि यथाधीतं यथामति ॥
(१.३.४४-४५)

સૂતજી બોલ્યા : ‘હે ઋષિગણ! મહા તેજસ્વી શ્રીશુકદેવજીએ જ્યારે ગંગાતીરે શ્રીમદ્‌ ભાગવતકથા કહી ત્યારે હું એક બાજુએ બેઠો હતો. તેમની જ કૃપાથી મેં થોડું સાંભળ્યું છે. હવે મારા શ્રવણ અને સમજ પ્રમાણે આપની પાસે તેનાં ગુણગાન કરીશ. તેનાથી આપ સહુના સઘળા સંશય દૂર થશે. એ સાચું છે કે શુકદેવજીની સભામાં હું હાજર હતો, પરંતુ તેમના મુખેથી શ્રીકૃષ્ણલીલા રસ હું કેટલો ગ્રહણ કરી શક્યો તેની મને ખબર નથી. જેવો જેનો આધાર તેવું અને તેટલું તે ગ્રહણ કરી શકે. મેં પણ મારી સમજ જેટલું જ ગ્રહણ કર્યું છે. એ ગ્રહણ કરેલ કથામાંથી મારી જેટલી શક્તિ છે તેટલું હું તમને કહીશ. આપ સહુ એકાગ્રચિત્તે શ્રીભાગવતકથા સાંભળો.

આમ શુકવર્ણિત શ્રીમદ્‌ ભાગવત કથા સૂત ઉગ્રશ્રવાએ શૌનકાદિ ઋષિઓ પાસે વર્ણવી છે.

(ક્રમશ:)

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.