(ગતાંકથી આગળ)

૨. ભાગવત પ્રચાર અને શુકદેવને શિક્ષાદાન

પદ્મપુરાણમાં કહ્યું છે કે, દ્વાપર યુગના અંતમાં જાત જાતના ખોટા સિદ્ધાંતોના કારણે વેદનો સારાંશ પ્રાય: ઢંકાઈ ગયો. દેવતાઓ શ્રીનારાયણના શરણાગત થયા ત્યારે વેદમૂર્તિ શ્રીનારાયણ વ્યાસરૂપે પૃથ્વી પર અવર્તીણ થયા અને તેમણે વેદના ચાર વિભાગ પાડ્યા.

વેદોનું વર્ગીકરણ કર્યા બાદ વ્યાસદેવ વિચારવા લાગ્યા કે, જેઓ હોમહવન, પઠન-પાઠનમાં રત રહેશે, જેઓ નિષ્ઠાવાન અને મેધાવી હશે તેઓ જ વેદોનો અર્થ સમજી શકશે અને વેદોક્ત કર્મ કરીને મુક્તિ મેળવશે. પરંતુ સ્ત્રીવર્ગ, શૂદ્ર અને પતિત એટલે કે, જેઓ અલ્પ બુદ્ધિવાળા છે અથવા તો જેઓ પઠન-પાઠન માટે સમય કાઢી ન શકે અથવા તો વેદાર્થ-જ્ઞાન માટેની યોગ્યતા ધરાવતા ન હોય તેઓ માટે ઉપાય શો? તેથી તેમણે વેદોના તત્ત્વ સમૂહને જ વાર્તા, ઉપદેશ કે દૃષ્ટાંત વગેરેને સાંકળીને મહાભારત અને પુરાણોની રચના કરી. જેથી પુરાણોક્ત તત્ત્વની ઉપલબ્ધિ કરીને સામાન્ય માણસ પણ માયા મોહથી છૂટકારો મેળવી શકે.

ઋગ્વેદ, યર્જુવેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વિભાગમાં વેદ વિભાજિત થયા અને મહાભારત વગેરે ઈતિહાસ અને સ્કન્દ, પદ્મ વગેરે પુરાણો પાંચમા વેદરૂપે ગણના પામ્યાં. મહાભારત અને પુરાણોનાં પ્રસંગો, વાર્તા, ઉપદેશો, દૃષ્ટાંતોનો ઉદ્દેશ્ય એ હતો કે સામાન્ય માણસ વેદના કઠિન તત્ત્વનો ગૂઢાર્થ સમજી શકે અને માયામોહથી મુક્તિ પામે, ભક્તિ પ્રાપ્ત કરે, તે ઉપરાંત જેઓ બુદ્ધિમાન, તર્કવાદી હોય તેઓ માટે વ્યાસદેવે પરમતત્ત્વને વાદ-વિવાદ અને તર્ક દ્વારા સમજાવવા બ્રહ્મસૂત્રની રચના કરી. આમ વેદો, પુરાણો-મહાભારતની રચના અને બ્રહ્મસૂત્રનો પ્રચાર વગેરેનો એક ઉદ્દેશ્ય હતો કે જેના દ્વારા માનવી માયા મોહથી નિવૃત્ત થઈને ઈશ્વરમાં આસક્ત બની, મુક્તિ મેળવવા પ્રયત્ન કરે, પરંતુ આટલું કરવા છતાંય મનુષ્યની મોહ માયા છૂટી નહિ. વિષયભોગવાસના ઓછી ન થઈ. ભક્તિ કે મુક્તિ માટે માણસ પ્રયત્નશીલ બન્યો નહિ. વેદના સકામ કર્મ પ્રમાણે યાગ-યજ્ઞાદિ દ્વારા મનુષ્ય સ્વર્ગમાં જાય અને ભોગ સુખ પ્રાપ્ત કરે. વેદના નિવૃત્તિ-મૂલક હેતુને મનુષ્ય ભૂલી ગયો અને પેલા સ્વર્ગના ભોગ સુખ તરફ ઢળી પડ્યો. પીપરી મૂળનાં ગંઠોડાનું સેવન કફ નિવારણ માટે કરવા જતાં જોતજોતાંમાં કફ બેવડો વધી ગયો. (ચૈતન્ય ચરિતામૃત) તેથી વ્યાસદેવ એક દિવસ એકલા બેસીને મનમાં વિચારે છે. વેદ વિભાજન, પુરાણ, મહાભારત અને બ્રહ્મસૂત્રની રચના કરીને પણ જીવોનું યથાર્થ કલ્યાણ થયું નહિ. માણસનું મન નિવૃત્તિ તરફ વળ્યું નહિ. હવે ઉપાય શો કરવો? જીવની શી ગતિ થશે? એવી ચિંતામાં વ્યાસદેવ અત્યંત ખિન્ન થઈને સરસ્વતી નદીના તીરે બેઠા હતા ત્યારે તે વખતે દેવર્ષિ નારદ ત્યાં હાજર થયા. દેવર્ષિ નારદને જોઈને વ્યાસદેવ આદરપૂર્વક ઊઠ્યા અને દેવર્ષિ નારદને વિનંતી કરીને બેસાડ્યા. દેવર્ષિ નારદ અને વ્યાસદેવનું મિલન અતિ અદ્‌ભુત અને તેનું ફળ ભવિષ્યલક્ષી નીવડ્યું. એક ભક્ત શ્રેષ્ઠ અને બીજા જ્ઞાનશ્રેષ્ઠ હતા. ભક્ત શિરોમણિ નારદે આસન ગ્રહણ કર્યું. પછી પરમજ્ઞાની વ્યાસદેવ અજ્ઞાનીની જેમ ઉદાસ વદને નારદ સામે બેઠા. વ્યાસદેવના ચહેરા પર વિષાદની છાયા જોઈને નારદ વિચારવા લાગ્યા, ભગવાનની આ કેવી લીલા! જેઓ સ્વયં જ્ઞાનસ્વરૂપ તે જ વ્યાસરૂપે અવતર્યા છે, અને અજ્ઞાનીની જેમ અભિનય કરીને બતાવી રહ્યા છે કે, ભક્તિ વગરના જ્ઞાનથી પરમશાંતિ પ્રાપ્ત થતી નથી. ત્યારે નારદે વ્યાસદેવને કહ્યું : ‘તમને હવે કુશળતાનો પ્રશ્ન શું પૂછું? તમે વળી અકુશળ હોઈ શકો? પ્રત્યેક જીવ માટે ધર્મ જ એકમાત્ર જ્ઞાતવ્ય વસ્તુ છે અને તે તો તમે સારી રીતે જાણો છો. તેનું પ્રમાણ તમારા રચિત મહાભારત છે. વેદોનું ગૂઢ જ્ઞાન સામાન્ય મનુષ્ય સારી રીતે સમજી શકે, તે માટે જ તમે મહાભારતની રચના કરી છે.

તમે જ્યારે આટલું મોટું વિસ્તૃત મહાભારત લખ્યું છે તે પરથી જ સમજી શકાય કે ધર્મ બાબતમાં તમારે કંઈ નવું જાણવા જેવું રહ્યું નથી કે તેનું અનુષ્ઠાન કરવાની પણ જરૂર નથી. તદુપરાંત તમારું વેદાંતસૂત્ર જોતાં સમજાય કે, બ્રહ્મતત્ત્વની પૂર્ણ અનુભૂતિ ન હોય તો કોઈ આટલી સરસ તર્કબદ્ધ રીતે તેનું સ્વરૂપ સમજાવી શકે નહિ. તેમ છતાંય તમારા ચહેરા પર આજે વિષાદ જોઈને મને આશ્ચર્ય થાય છે.

તમે સનાતન બ્રહ્મસ્વરૂપ, વેદાંતસૂત્રોની ચર્ચા કરી છે અને અનુભવ પણ કર્યો છે. છતાંય માયામાં પડેલા જીવની જેમ તમને દુ:ખી કેમ જોઉં છું? તત્ત્વજ્ઞાન વગરના જીવને વિષાદ હોઈ શકે પરંતુ તમારા જેવા સર્વતોભાવે પૂર્ણવ્યક્તિને વળી વિષાદ શાને? દેહાભિમાની અને અજ્ઞાની જીવને કોઈ રીતે શાંતિ ન મળે પરંતુ તમારા જેવા મહાજ્ઞાનસાગરમાં અશાંતિરૂપી તરંગો કઈ રીતે ઊઠી શકે?

નારદની વાત સાંભળીને વ્યાસદેવ બોલ્યા આપ જે કહો છો તે બધું બરાબર છે. હા, મેં વિવિધ ધર્મની પદ્ધતિઓ અને સાધનાઓનો જગતમાં પ્રચાર કર્યો છે. બ્રહ્મચર્ચા કરીને પરમતત્ત્વનો અનુભવ પણ કર્યો છે. પરંતુ સમજાતું નથી કે, શા માટે મારા મનમાં શાંતિ નથી. આપ તો સર્વજ્ઞ છો, આપ જ મારી આ અશાંતિનું કારણ બતાવો. આપ તો સર્વકારણના ય કારણ, જેમની ઇચ્છામાત્રથી અનંત કોટિ બ્રહ્માંડની સૃષ્ટિ, સ્થિતિ અને લય થાય તે જ ભગવાનની ઉપાસના કરો છો. ઉપરાંત કોઈપણ વિષય આપનાથી અજાણ નથી. તેથી આપને જ પ્રશ્ન પૂછું છું કે, બ્રહ્મનિષ્ઠ અને વેદાધ્યયનમાં મગ્ન રહેવા છતાં શા માટે મને શાંતિ મળતી નથી. એ અંગે આપ મને માર્ગદર્શન આપીને કૃતાર્થ કરો.

વ્યાસદેવની વાત સાંભળીને દેવર્ષિ નારદ બોલ્યા :

भवतानुदितप्रायं यशो भगवतोऽमलम्।
येनैवासौ न तुष्येत मन्ये तद्दर्शनं खिलम्॥ (१.५.८)

નારદ બોલ્યા : ‘હે વ્યાસદેવ! તમે તમારા કોઈપણ ગ્રંથમાં શ્રીભગવાનનાં પવિત્ર ગુણગાન કર્યાં નથી. શ્રીગોવિંદનાં ગુણગાનવિહીન શુષ્ક જ્ઞાનથી ભગવાનને સંતોષ થતો નથી. એથી તમારું એ જ્ઞાન અધૂરું રહ્યું છે.

તમારા કાર્યનું વિશ્લેષણ કરો તો તમે પોતે ભૂલ સમજી શકશો. તમે જે કંઈ કર્યું તે બધા પર એકવાર ચિંતન કરી જુઓ. તમે વેદવિભાજન કર્યું, બ્રહ્મ-વિચાર કર્યો એ બધું બરાબર છે. પરંતુ જેના ઉચ્છ્‌વાસથી વેદની સૃષ્ટિ થઈ છે અને જેઓ સ્વયં બ્રહ્મના આશ્રય છે, તે જ પરબ્રહ્મ શ્રીગોવિંદનાં ગુણગાન કર્યાં છે? શ્રીભગવાનના પ્રેમ સાથે બ્રહ્માનુગત જીવના સુખ અને શાંતિને હંમેશાં સંબંધ છે. શ્રીભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકીએ તો ચિત્તમાં શાંતિ મળે છે. તમે ઘણું કામ કર્યું છે, તે બરાબર છે. પરંતુ અસલ વાત જ ભૂલી ગયા છો! તમે ઘણાં શાસ્ત્રોની રચના કરી છે, તેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે બધું છે, એકમાત્ર ભગવાનનાં લીલા-ગુણગાન અને કીર્તનનો અભાવ છે. તમે કહેશો કે કેમ? મહાભારત, વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ વગેરેમાં ભગવાનનાં ગુણગાન તો છે. હા, તે રહ્યાં છે ખરાં, પરંતુ એકવાર વિશ્લેષણ કરીને જુઓ તો સમજાશે કે બધા જ ગ્રંથમાં ગોવિંદનાં ગુણગાનને મહત્ત્વ અપાયું નથી. ધર્મપ્રસંગમાં કે બીજા કોઈ કથાપ્રસંગમાં ગોવિંદ વિશે ક્યાંક થોડુંક જ કહ્યું છે. તમે એ રીતે સ્પષ્ટ વર્ણન કર્યું નથી કે ગોવિંદનાં ગુણગાન-કીર્તન જ મનુષ્યનો એકમાત્ર પરમ પુરુષાર્થ છે. જીવ અનાદિકાળથી ભગવાનને ભૂલીને માયાને વશ થઈને સંસારમાં આવજા કરે છે. જીવ માયા-મુક્ત થઈને ભગવત્‌ સેવામાં આનંદ લાભ કરે તો જ ભગવાન તુષ્ટ થાય. ભક્તિભાવ વગરના શુષ્ક જ્ઞાનથી કે સામાન્ય કર્મ દ્વારા તે સૌભાગ્ય પ્રાપ્ત થાય નહિ. વાસ્તવમાં ભગવાનની લીલાના ગુણગાન અને કીર્તનને જ જીવે સાર-સર્વસ્વરૂપે ગ્રહણ કરવા યોગ્ય કહેવાય. તમે વેદજ્ઞ છો પરંતુ વેદવેદ્ય પરમપુરુષનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેથી તો તમે અપૂર્ણ છો; તે જ તમારી મોટી ભૂલ છે અને તેના કારણે તમને મનમાં અશાંતિ રહે છે.

તદુપરાંત જુઓને વિચિત્ર રસ, ભાવ, અલંકારયુક્ત, વાક્ય પણ જો ઈશ્વરનાં ગુણગાન કીર્તન વગરનાં હોય તો સજ્જનો તે પસંદ કરતા નથી. પરંતુ સામાન્ય શબ્દો દ્વારા વર્ણવેલી કથા ભક્તો આનંદથી સાંભળે, વર્ણન કરે અને તેનાં ગુણગાન કરે છે. તે દ્વારા જ જીવનાં બધાં જ પાપનો નાશ થાય છે. તેથી જ કહું છું :

अथो महाभाग भवानमोघदृक्
शुचिश्रवा: सत्यरतो धृतव्रतः ।
उरुक्रमस्याखिलबन्धमुक्तये
समाधिनानुस्मर तद्विचेष्टितम् ॥ (१.५.१३)

હે મહાભાગ્યવાન વ્યાસદેવ, તમે અમોઘદૃક્‌ છો એટલે કે તમારી જ્ઞાનપૂર્ણ યથાર્થ દૃષ્ટિ છે. તમે શુચિશ્રવા-વિખ્યાત છો. જગતના જીવનાં ભવબંધન છોડાવવાની તમારી સાચી ઉત્કંઠા હોય તો સત્યનિષ્ઠ-ભગવત્‌પરાયણ અને દૃઢનિશ્ચયી બનીને એકાગ્રચિતે અચિંત્યશક્તિશાળી શ્રીકૃષ્ણની મધુરલીલાનું વારંવાર સ્મરણ કરો. આ રીતે વારંવાર કૃષ્ણલીલાનું સતત ચિંતન કરતાં કરતાં તમારામાં કૃષ્ણલીલાનું સ્ફુરણ થશે અને તેનું વર્ણન કરશો તો જગતનું કલ્યાણ થશે. સંસારના બર્હિમુખ લોકો તો ઘણી બધી વાતો કરે, જાત જાતનાં કામમાં વ્યસ્ત રહે પરંતુ કોઈ હિસાબે ચિત્તની સ્થિરતા મેળવી શકે નહિ. સંસાર-સમુદ્ર પાર કરવા માટે તો ચિત્તની સ્થિરતા હોવી જોઈએ અને તે સહજપણે મેળવવા શ્રીકૃષ્ણની કથાનું શરણ લેવા સિવાય કોઈ ઉપાય નથી. હે વ્યાસદેવ! તમે પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ છો. તમે તો જાણો છો કે જ્યાં સુધી વિષયવાસના રહેશે ત્યાં સુધી ભગવાનમાં મન જશે નહિ. તેથી જ કહું છું કે, તમે શ્રીકૃષ્ણની મધુરલીલાનું વર્ણન કરો. શ્રીકૃષ્ણલીલાનું શ્રવણ સુખદાયી અને હૃદયમાં આનંદ ભરી દે છે. એકીસાથે ભોગ અને મોક્ષ, પ્રવૃત્તિના અંચળામાં નિવૃત્તિ મળે છે. ગોવિંદનાં ગુણગાનનો આશ્રય લેવા માત્રથી જીવની વિષયવાસના દૂર થઈ જાય છે અને શ્રીકૃષ્ણની સેવાની ઇચ્છા થાય છે. જે માણસને પુત્રકામના હોય તેને પુત્રેચ્છા છોડવાનું ન કહેતાં, તેને બાળકૃષ્ણને પુત્રરૂપે પામવાનો માર્ગ દેખાડશો તો તેનું ફળ સારું આવશે. શ્રવણસુખ ઇચ્છુક વ્યક્તિને ગોવિંદગુણની વાતો સંભળાવવાથી તેને સાચું સુખ મળશે અને તેનું યથાર્થ મંગલ થશે. તેથી જ કહું છું કે, તમે શ્રીકૃષ્ણલીલાનું ધ્યાન કરો અને ધ્યાન કરતાં કરતાં તમારા હૃદયમાં જે ગોવિંદલીલાનું સ્ફુરણ થાય તેનું વર્ણન કરો. ગોવિંદલીલાનું પઠન-શ્રવણ કરી લોકોનું કલ્યાણ થશે અને આત્મકલ્યાણનો હેતુ સફળ થશે.

દેવર્ષિ નારદ ચાલ્યા ગયા. ત્યારબાદ વ્યાસદેવ નારદના આદેશનો સાર ગ્રહણ કરીને શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન બન્યા. ધ્યાનયોગથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને તેના અંશ- મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન વગેરે અવતારોનાં જે લીલાદર્શન થયાં, તે સઘળી લીલાનો તેમણે શ્રીમદ્‌ ભાગવતરૂપે જગતમાં પ્રચાર કર્યો.

अनर्थोपशमं साक्षाद्भक्तियोगमधोक्षजे ।
लोकस्याजानतो विद्वांश्चक्रे सात्वतसंहिताम् ॥ (१.७.६)

વ્યાસદેવે સમાધિમાં સમસ્ત અનર્થ દૂર કરનાર એટલે કે, સંસાર વાસનાનો નાશ કરનાર ભક્તિયોગના જ્ઞાનને પ્રાપ્ત કર્યું, ત્યારે વિષયાંધ જીવના કલ્યાણ માટે શાશ્વતસંહિતા શ્રીમદ્‌ ભાગવતસંહિતાની રચના કરી. આ ભાગવતસંહિતા કઈ પ્રકારની છે?

यस्यां वै श्रूयमाणायां कृष्णे परमपूरुषे ।
भक्तिरुत्पद्यते पुंस: शोकमोहभयापहा ॥ (१.७.७)

ભાગવત કોઈપણ રીતે થોડુંક સાંભળીએ તો પણ પરમપુરુષ શ્રીકૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય અને જીવનો શોક, મોહ, ભય દૂર થાય છે. અર્થાત્‌ ભવભય નાશ પામે છે. તદુપરાંત સમજાય છે કે, વ્યાસદેવના હૃદયાકાશમાં પ્રકાશિત શ્રીમદ્‌ ભાગવત શ્રીભગવાનના જ અશેષ કરુણાદાનને આભારી છે.

ભાગવત રચના કરીને વ્યાસદેવ વિચારવા લાગ્યા કે, આ અમૃત હવે કોના પાત્રમાં ઢાળું? કોના માધ્યમ દ્વારા આ અમૃત જગતને પીરસવામાં આવશે? આ રીતે ખૂબ વિચાર્યા બાદ તેમણે નક્કી કર્યું કે એકમાત્ર પોતાનો જ પુત્ર શુકદેવ જે જન્મથી જ સંસારત્યાગી, બ્રહ્મમાં ધ્યાન-મગ્ન રહે છે, તે જ આ અમૃતનો સાચો અધિકારી છે. જગતમાં માત્ર આ વ્યક્તિ જ ભાગવતનો યથાર્થ પ્રચાર કરી શકશે. તેથી વ્યાસદેવે શુકદેવને બોલાવ્યા અને ભાગવતનો ઉપદેશ આપ્યો.

વ્યાસદેવે રોમહર્ષણ નામના સૂતને વિવિધ પુરાણો શીખવ્યાં હતાં. જોવા મળે છે કે, પુરાણની કથા કરનારા સૂતો જાતિએ શૂદ્ર હતા, તેઓ વેદાભ્યાસ કરતા નહિ. પરંતુ તેઓ ઠીક ઠીક ધર્મપરાયણ અને શ્રુતિધર હતા. તેઓ એક વખત સાંભળતા તો બધું જ સારી રીતે યાદ રાખી શકતા. ઇતિહાસ અને પુરાણોમાં તેઓ અસાધારણ પાંડિત્ય ધરાવતા. જ્યાં ધાર્મિક કાર્યો થતાં ત્યાં યજ્ઞયાગાદિમાં પુરાણોની ગાથા સંભળાવવા જતા. તે સમયના લોકો જ્ઞાનને સન્માન આપતા. તેથી જોવા મળે છે કે, ઋષિમુનિઓની યજ્ઞસભામાં પણ સૂત લોકોને આમંત્રણ મળતું અને ઋષિમુનિઓ આદરપૂર્વક તેમની પૂજા કરતા અને તેમની પાસેથી પુરાણકથા સાંભળતા, ત્યાં જાતિનો ભેદભાવ ન હતો.

પ્રશ્ન ઉદ્‌ભવે કે વ્યાસદેવે તો રોમહર્ષણને બીજાં ઘણાં બધાં પુરાણો શીખડાવ્યાં હતાં. ભાગવત પુરાણ પણ તેને જ શીખવી શક્યા હોત, તેમ ન કરતાં પોતાના પુત્ર શુકદેવ કે જે ધ્યાનસ્થ, બ્રહ્મનિષ્ઠ, સમાધિમગ્ન રહેતા તેમને સમાધિમાંથી નીચે લાવીને શા માટે ભાગવત શીખવ્યું? શુકદેવને ભાગવત શીખવવાનું વિશેષ કારણ હતું, જે બીજા કોઈને આપી સફળ ન થાત. 

શુકદેવજીને ભાગવત શીખવવાનું પહેલું કારણ તો એ હતું કે, એ જમાનામાં બ્રહ્મોપાસના જ મોક્ષપ્રાપ્તિનો એકમાત્ર ઉપાય હતો. વેદના યાગયજ્ઞાદિ ક્રિયાઓનાં ફળ ક્ષણિક માનીને મુમુક્ષુ વ્યક્તિ સર્વસ્વનો ત્યાગ કરીને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે જઈને વેદાંત (ઉપનિષદ્‌) શ્રવણ કરતા અને પછી મનન અને નિદિધ્યાસન દ્વારા તેઓ બ્રહ્મનિર્વાણ પ્રાપ્ત કરતા. આ રીતે તે સમયમાં ઉચ્ચ વર્ણના લોકો સાધના કરતા. પરંતુ શૂદ્રોને તો વેદાભ્યાસનો અધિકાર ન હતો. તેથી તેઓને વેદાંત સાધનાનું જ્ઞાન ન હતું. 

બીજું કારણ એ હતું કે વ્યાસદેવ સમજતા હતા કે, કાળક્રમે મનુષ્યનું આયુષ્ય અને શક્તિ ઓછાં થતાં જશે અને તેમના માટે નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મની ઉપાસના અત્યંત અઘરી થશે. તેથી તેમણે ભાગવતના આ મતનો પ્રચાર કર્યો.

वासुदेवपरा वेदा वासुदेवपरा मखाः ।
वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ।। (१.२.२८)

वासुदेवपरं ज्ञानं वासुदेवपरं तपः ।
वासुदेवपरो धर्मो वासुदेवपरा गतिः । (१.२.२९)

વેદ, યજ્ઞ, યોગ, નિત્ય, નૈમિત્તિક કર્મ, જ્ઞાન, તપસ્યા, ધર્મ અને ગતિ ઇત્યાદિ સમસ્ત વાસુદેવને મેળવવા માટે એટલે કે, વાસુદેવ જ આ બધાનું લક્ષ્ય, શ્રીકૃષ્ણ જ મોક્ષપ્રદ. તેથી બધું જ છોડીને તેમનું જ ભજન કરવું યોગ્ય કહેવાય. બધાં જ કર્મનો ઉદ્અએશ્ય એકમાત્ર શ્રીકૃષ્ણને ભજવાનો. બધી જ ઉપાસનાઓના દેવતા શ્રીકૃષ્ણ. યોગીઓ યોગસાધના દ્વારા પરમાત્મા સ્વરૂપ શ્રીકૃષ્ણને જ પ્રાપ્ત કરે છે. જ્ઞાનીઓ જ્ઞાનસાધનાની સિદ્ધિ દ્વારા બ્રહ્મરૂપે શ્રીકૃષ્ણને પામે, કર્મયોગી કર્મનાં ફળ દ્વારા શ્રીકૃષ્ણની જ માયિક વિભૂતિ જેવી કે, સ્વર્ગાદિ પ્રાપ્ત કરે છે. તેથી સમસ્ત કર્મનો ઉદ્દેશ્ય કૃષ્ણવર્તી છે. બધાંનાં કર્મનું કેન્દ્ર શ્રીકૃષ્ણ છે. તપશ્ચર્યા, નિર્ગુણ ઉપાસના બધું જ વાસુદેવને સમર્પણ કરવામાં આવે છે. યોગ, ધ્યાન, તપસ્યા બધાંનું લક્ષ્ય ગોવિંદ. તે એકમાત્ર જ્ઞાતવ્ય, એકમાત્ર પ્રાપ્તવ્ય. વાસુદેવ જ પરબ્રહ્મ- સગુણ અને નિર્ગુણ, તેની ભક્તિ કરવાથી નિર્ગુણ બ્રહ્મનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય.

वासुदेवे भगवति भक्तियोगः प्रयोजितः ।
जनयत्याशु वैराग्यं ज्ञानं च यदहैतुकम् ।। (१.२.७)

આંતરિકભાવે ભગવાન વાસુદેવની ભક્તિ કરવાથી, તુરંત વૈરાગ્ય આવે અને બ્રહ્મ સાક્ષાત્કાર સ્વરૂપ થવાથી જ્ઞાનપ્રાપ્ત થાય છે. પરંતુ ઋષિમુનિઓ પાસે આ નૂતન ભક્તિવાદ પ્રચાર કરવો તો સહેલો ન હતો. આ મતવાદનો પ્રચાર કરવા જતા જ્ઞાનનિષ્ઠો તથા અન્યો દ્વારા ઘણા પ્રશ્નો, સંશય, દલીલો, વિરોધો સંભવે અને વળી તેનું સમાધાન માટે ફરી વ્યાસદેવને સ્વયં તેમની પાસે હાજર થવું પડે. પરંતુ એ જ ભાગવતવાદ-ભક્તિવાદ જો આજન્મ શુદ્ધ, સદામુક્ત, નિર્ગુણ-નિરાકાર ધ્યાનનિષ્ઠ અને બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ એવા શુકદેવ દ્વારા જ પ્રચાર કરવામાં આવે, તો પછી કોઈ શંકાને સ્થાન જ ન રહે. કોઈના મનમાં કોઈ જ પ્રશ્ન ન ઊઠે. કારણ કે, બધા જ જોઈ શકે કે જે જ્ઞાન શ્રેષ્ઠ, વરિષ્ઠ બ્રહ્મવિદ્‌ છે તે સ્વયં ભગવાનનાં તત્ત્વ અને ભક્તિયોગની કથા કહે છે અને કદાચ કોઈને શંકા થાય તો પણ સર્વશાસ્ત્રજ્ઞ તત્ત્વદૃષ્ટા શુકદેવજી જ તેનું સમાધાન કરી શકશે. તેથી સમજી શકાય છે કે, તે સમયમાં ભાગવતતત્ત્વની કથા કહેવા અને ભક્તિવાદનો મહિમા પ્રસ્થાપિત કરવા એકમાત્ર શુકદેવ સિવાય બીજું કોઈ શક્તિમાન્‌ ન હતું.

એ સિવાય હજુ એક ત્રીજું કારણ હતું. ભાગવતમાં મધુરભાવથી ભગવાનની આરાધનાની વાત કહેવામાં આવી છે અને શ્રીકૃષ્ણની રાસલીલાને તેની સર્વોત્કૃષ્ટ લીલા કહીને તેનો પ્રચાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સ્વાર્થ અને ભોગવાસનાની ગંધ હોય તો આ માધુર્યભાવની સાધના શક્ય નથી. મનપ્રાણથી સંપૂર્ણ પવિત્ર ન હોય તો તેનાથી રાસલીલાનો ભાવ સમજી શકાય નહિ. તેથી સંપૂર્ણ નિષ્કામ, સર્વવાસનારહિત-નિત્યશુદ્ધ, બુદ્ધ, મુક્ત આધાર સિવાય ભગવાનની કામગંધવિહીન અલૌકિક પ્રેમલીલા સાધુ સમાજ પાસે કોઈ વર્ણવી જ ન શકે. એ માટે વ્યાસદેવે ભાગવત પ્રચાર માટે શુકદેવને જ પસંદ કર્યા.

વ્યાસદેવે શુકદેવજીની પસંદગી તો કરી પરંતુ તેમને મેળવે ક્યાંથી? તે તો પૂર્ણજ્ઞાન લઈને જ જન્મ્યા હતા. આજન્મ સંન્યાસી, તેથી કોઈ રીતે વિધિ નિષેધ કે માયામોહના પાશમાં જકડાયા ન હતા. જન્મ લેતાંની સાથે જ તેઓ તત્ત્વજ્ઞાનમાં ધ્યાનસ્થ થઈને ગાઢ જંગલમાં ચાલ્યા ગયા હતા. ત્યારે આ બાજુ પિતા વ્યાસદેવ પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈને ‘હે પુત્ર! હે પુત્ર!’ કહીને શુકદેવની પાછળ દોડવા લાગ્યા. તે સમયે

दृष्ट्वानुयान्तमृषिमात्मजमप्यनग्नं
देव्यो ह्रिया परिदधुर्न सुतस्य चित्रम् ।
तद्वीक्ष्य पृच्छति मुनौ जगदुस्तवास्ति
स्त्रीपुम्भिदा न तु सुतस्य विविक्तदृष्टेः ॥ (१.४.५)

શુકદેવની પાછળ દોડતા દોડતા થોડે દૂર જતા વ્યાસદેવે જોયું કે, એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરે છે. યુવાન પુરુષ દેહધારી શુકદેવ નિજાનંદમાં, દિગંબર અવસ્થામાં ત્યાંથી ચાલ્યા ગયા, પણ અપ્સરાઓ તેને જોઈને લેશમાત્ર લજ્જિત ન થઈ કે કોઈપણ જાતનો સંકોચ પણ ન થયો. પરંતુ થોડી જ વારમાં તેઓએ વ્યાસદેવને જોયા અને લજ્જિત થઈને સંકોચ પામવા લાગી. તે જોઈને વ્યાસદેવે તેમને 

પૂછ્યું : ‘તમારું વર્તન જોઈને મને બહુ નવાઈ લાગે છે. મારો યુવાન પુત્ર શુકદેવ હમણાં જ અહીંથી પસાર થઈ ગયો. તેને જોઈને તમને કોઈ જાતની શરમ કે સંકોચ ન થયો અને મને વૃદ્ધને જોઈને તથા મેં કપડાં પહેરેલાં હોવા છતાં મને દૂરથી જ જોઈને તમને લજ્જા આવી. એનું કારણ શું?’ અપ્સરાઓએ કહ્યું : ‘આગળ જે મહાપુરુષ ચાલ્યા ગયા તેને તો સ્ત્રી-પુરુષનું જ્ઞાન જ નહતું. બધા જ ભેદભાવની સીમા વટાવીને તેઓ બ્રહ્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત હતા. તેથી તેમને જોઈને અમને સંકોચ થવાનું કોઈ કારણ જ ન હતું. પરંતુ આપની ભેદબુદ્ધિ ગઈ નથી. અમને જોઈને તમારામાં સ્ત્રીભેદ આવ્યો અને એ માટે જ તો અમને લજ્જા અને સંકોચ થયાં છે.’ અપ્સરાઓની વાત સાંભળીને વ્યાસદેવનો ભ્રમ ભાંગ્યો અને વિચારવા લાગ્યા : ‘બરાબર છે, હું ‘પુત્ર’ ‘પુત્ર’ પોકારીને કોની પાછળ દોડું છું? જે મોહમાયાથી પર છે. તેને શું પિતા કે માતાનું જ્ઞાન હોય, ત્યારે વ્યાસદેવે પુત્રનો પીછો છોડ્યો અને પાછા ફર્યા.’

ત્યારબાદ ઘણાં વર્ષો વીતી ગયા. વ્યાસદેવ ભાગવતની રચના કરીને વિચારવા લાગ્યા કે હવે સદ્ય:ભક્તિ-મુક્તિપ્રદ આ ભાગવતનો ભાવ જગતમાં પ્રસરાવવાની તાતી જરૂરિયાત છે અને તેનો એકમાત્ર સુયોગ્ય અધિકારી શુકદેવ છે. પરંતુ તેને શોધવો ક્યાં? તે તો બ્રહ્મધ્યાનમાં મગ્ન થઈને કોઈ ગંભીર અરણ્યમાં અથવા પર્વત કે ગુફામાં હશે. ફરી વિચારવા લાગ્યા કે, ભગવાનના નામનો મહિમા તો એવો પ્રબળ છે, તેની એવી તો આકર્ષણ શક્તિ કે જેનાથી બ્રહ્મજ્ઞાનીઓનું મન સુધ્ધાં સમાધિથી નીચે લાવીને ભગવત્‌લીલાના સ્મરણમાં લગાવી દે છે.

(ક્રમશ:)

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.