શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે.

(ગતાંકથી ચાલુ)

પ્રહ્‌લાદની કથા

હવે આપણે શ્રીમદ્ભાગવતના સાતમા સ્કંધની વાત કરીએ. એમાં આપણને પ્રહ્‌લાદની કથા મળે છે. હરણ્યકશિપુનો પાંચ વરસનો એ બાળક પ્રહ્‌લાદ તો પરમ પવિત્ર હતો પણ હિરણ્યકશિપુ તો હિટલર જેવો સરમુખત્યાર હતો. એ બધા દેવદેવીઓને ધિક્કારતો. પ્રહ્‌લાદે કહ્યું “પિતાજી, તમે તો કેવળ એક માનવપ્રાણી જ છો – મર્ત્ય છો તેથી એક દિવસ તમે અવશ્ય મરવાના જ છો. એટલે મને લાગે છે કે તમારે હવે આવું જીવન છોડી દઈને વનમાં જઈને શ્રીહરિના શરણમાં રહેવું જોઈએ. એ હરિ જ સર્વોત્તમ છે, એ તમારે માટે વધુ સારું છે.” હિરણ્યકશિપુ તો આથી ખૂબ ઉદ્વિગ્ન થઈ ઊઠ્યો અને જુદી જુદી અનેક રીતોની કલ્પના કરી, તે પ્રમાણે આ બાળકને ત્રાસ આપવાનું તેણે શરૂ કર્યું. એણે પોતાના દીકરાના મનમાંથી આ પરમતત્ત્વ અને ઇશ્વર સંબંધી બધા ખ્યાલોને દૂર કરી દેવા એક શિક્ષકની નિયુક્તિ કરી પણ પ્રહ્‌લાદ તો એવો અડગ અને દૃઢ હતો કે જ્યારે તે શિક્ષક હાજર ન હોય, ત્યારે પોતાના સાથી મિત્રોને બોલાવતો અને કહેતો કે –

“काैमारा आचरेत्प्राज्ञो, धर्मान्भागवतानिह ।
दुर्लभं मानुषं जन्म, तदप्यध्रुवमर्थदम् ॥”

“હે મારા વહાલા મિત્રો, બાળપણથી જ ભાગવત ધર્મનું આચરણ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે આ માનવજીવન દુર્લભ છે. અને આ માનવજીવનમાં જ કેવળ ઈશ્વર સાક્ષાત્કાર કરી શકો છો.” જ્ઞાની જનો એટલા માટે આ જ જીવનમાં ભગવાનને ભજી લે છે. તો આ ભાગવત ધર્મ શું છે? મારામાં તેમજ બધામાં ભીતર દિવ્યતા છે તેથી અન્ય સૌ સાથે સુખદ સંબંધોની સ્થાપના કરો. અને અન્યોની સેવાનું ભાવવલણ રાખો. આ શરીર તો એક સાધનામાત્ર છે. ગમે તે ક્ષણે તે નષ્ટ થઈ જાય છે. તેથી ગંભીરતાપૂર્વક ધર્મની સાધના કરો.

આ જ અધ્યાયમાં એક બીજો શ્લોક છે. (૭-૬-૧૯ તે) કહે છે :

“न ह्यच्युतं प्रीणयतो बह्वायासोऽसुरात्मजाः ।
आत्मत्वात्सर्वभूतानां सिद्धत्वादिह सर्वतः ॥”

આ ચોખ્ખે ચોખ્ખો વેદાન્તનો જ ઉપદેશ છે. એમાંનો ‘અચ્યુત’ શબ્દ સાધારણ રીતે શ્રીકૃષ્ણના સંબંધમાં વપરાય છે ‘અચ્યુત’ નો અર્થ, જેને ચ્યુતિ નથી તે એવો થાય છે. એને સ્થાનાન્તરિત કરી શકાતો નથી. કે સ્થાનભ્રષ્ટ કરી શકાતો નથી. જે નાશ પામતો નથી, એ અવિનાશી સત્તા છે. આ ‘અચ્યુત’ને પ્રસન્ન કરવા એ જરાપણ કઠિન વાત નથી. કારણ કે એ અહીં તહીં જતા નથી; એ તો સદાપ્રાપ્ત જ છે, એ તો તમારો પોતાનો જ અનંત આત્મા છે. દરેક રીતે તમારી ભીતર રહેલું એ સિદ્ધ સત્ય જ છે. તમારે કેવળ એને પિછાણવાનો જ છે – બસ એટલું જ. આવો છે આ પ્રહ્‌લાદનો ઉપદેશ.

છેવટે નૃસિંહ (નર અને સિંહના રૂપમાં પ્રભુ) પધાર્યા. અને એમણે હિરણ્યકશિપુને મારી નાખ્યો. નૃસિંહનું મુખ જોઈને બધા જ ભયભીત થઈ ગયા. જેને જરાય બીક લાગી ન હોય એવો તો એકમાત્ર બાળક પ્રહલાદ જ હતો. મંદસ્મિત કરીને તેણે નૃસિંહને એનો ક્રોધ દૂર કરવાની અને ચહેરો શાન્ત કરવાની પ્રાર્થના કરી – (૭-૯-૧૫) એના એ મધુર શબ્દોએ નૃસિંહને પ્રસન્ન કર્યા. પછી નૃસિંહે કહ્યું “પ્રહ્‌લાદ, હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”

“प्रहलाद भद्रं भद्रं ते प्रीतोऽहं तेऽसुरोत्तम ।
वरं वृणीष्वाभिमतं कामपूरोस्म्यहं नृणाम् ॥”

(७-९-५२)

“મારી પાસેથી કંઈક વરદાન માગી લે” પણ પ્રહ્‌લાદે કહ્યું: “હું પ્રેમનો સોદાગર નથી. હું તો બસ, આપને પ્રેમ કરું છું. મારે કંઈ એનો બદલો જોઈતો નથી.

આ રીતે શુક અને પ્રહ્‌લાદ ભક્તિના ઉચ્ચતમ પ્રકારનું પ્રતિનિધિત્વ ધરાવે છે. બસ, ભક્તિ ખાતર જ ભક્તિ’ નિષ્કામ પ્રેમ ભક્તિ! પણ ભક્તિ તો ઘણા પ્રકારની હોઈ શકે છે. ભાગવતના અગિયારમા સ્કંધના વીસમા અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :

“यदृच्छया मत्कथादौ जातश्रद्धस्तु यः पुमान् ।
न निर्विण्णो नातिसक्तो भक्तियोगोऽस्य सिद्धिदः॥”

“સદ્ભાગ્યે જે કોઈ મારા વિશેની વાતો સાંભળવામાં શ્રદ્ધારસ લે અને જે નથી તો કર્મ કરવા તરફ વૈરાગ્ય સેવતો અથવા તો કર્મફળોમાં બહુ આસક્ત પણ નથી રહેતો એવો માણસ ભક્તિયોગથી લાભ સિદ્ધિ મેળવી શકે છે.”

ધારો કે તમે એક રસ્તા ઉપર થઈને જઈ રહ્યા છો. અને નસીબ જોગે રસ્તાની એક બાજુએ કોઈ પ્રવચન થતું જુઓ છો. તમે એ પ્રવચન સાંભળો છો અને એમાં ઇશ્વર વિશેની કશીક વાત તમારે કાને પડે છે. એ પ્રવચન તમને કદાચ કંઈક પ્રેરણા આપી જાય છે એને “यदृच्छया मत्कथादौ” કહેવાય છે. ઈશ્વરસંબંધથી શબ્દો તમે અકસ્માતે જ સાંભળો છો. અને એ શબ્દોએ ધીરે ધીરે તમારા મનમાં ઊંડા મૂળ ઘાલ્યાં છે. એટલે પહેલાં તમારામાં એક પ્રકારની આંશિક ભક્તિ ઉત્પન્ન થાય છે. તમારામાં હજી ત્યાગની ભાવના પ્રસ્ફુટિત થઈ નથી. પણ સાથોસાથ તમારામાં અતિ આસક્તિ પણ નથી. આવા પુરુષ ભક્તિયોગ અસરકારક નીવડે છે. અને આ ભક્તિયોગ એને સાક્ષાત્કારની પરમોચ્ચ ભૂમિકાએ લઈ જાય છે. એટલા માટે ભક્તિયોગને સર્વોપકારક કહેવામાં આવ્યો છે. સાવ સામાન્ય માણસો પણ આ ભક્તિયોગની સાધના કરી શકે છે. તેઓમાં થોડું ઘણું સાંસારિક આકર્ષણ ભલે હોય, એનો કશો જ વાંધો નથી. તેમના મનમાં થોડોક ભાવ ઊગે, એટલું જ પૂરતું છે.

આ વાતના સંદર્ભમાં હું કહેવા માગું છું કે આજે સમગ્ર વિશ્વ આ એકમાત્ર માનવમૂલ્ય પ્રેમનું ભૂખ્યું છે. બર્ટ્રાન્ડ રસેલે એક જગ્યાએ કહ્યું છે કે વિશ્વ આજે વેરવિખેર અવસ્થામાં છે. આ અસ્તવ્યસ્ત પરિસ્થિતિનો નિવેડો લાવવો હોય તો માનવના હૃદયમાં થોડાક પ્રેમની આવશ્યકતા છે. સોન્કીને પણ કહ્યું છે કે માનવના હૃદયમાં રહેલી થોડીક પરોપકારવૃત્તિ પણ આ ધરતીને માણસ માટેનું વધારે નિવાસયોગ્ય સ્થાન બનાવી શકે છે. પ્રેમનો આ ખ્યાલ અહીં ભાગવતમાં અદ્ભુત રીતે વિકાસ પામ્યો છે. એક સાવ થોડો સામાન્ય દુનિયાદારીનો પ્રેમ પણ જો સાચુકલો હોય તો મહાન જ છે. પ્રેમ એ કંઈ કેવળ સ્નાયવિક ગલીપચી જ નથી. એ તો એનાથી કંઈક ગહન વસ્તુ છે. એનો આયામ આધ્યાત્મિક છે. હું બધે ઠેકાણે વારંવાર ‘પ્રેમ, પ્રેમ, પ્રેમ’ એમ સાંભળ્યા કરું છું. પણ જેમણે પ્રેમનો અનુભવ કર્યો છે તેઓ પ્રેમની વાતો કરશે નહિ; પણ જેમણે પ્રેમનો અનુભવ કર્યો નથી, તેવા લોકો જ પ્રેમની થોકબંધ વાતો કર્યે રાખે છે! સાચી વાત તો એ છે કે આપણે પ્રેમ કેવી રીતે કરવો, તે જાણતા નથી. પ્રેમ કંઈ બે મિનિટ કે બે દિવસનો હોતો નથી. સાચો પ્રેમ તો સ્થાયી હોય છે. તમે શરૂઆત સામાન્ય પ્રેમથી ભલે કરો, પણ તમે એનો વિકાસ કરી શકો છો. તમે એને ઉત્તરોત્તર વધારે વિશુદ્ધ, વધારે મધુર અને ઉચ્ચતરથી ઉચ્ચતમ સ્તર સુધી લઈ જઈ શકો છો. ભાગવત આ સર્વ પ્રકારના પ્રેમનું નિરૂપણ કરે છે.

ભગવદ્‌ગીતા (૭/૧૬)માં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે – “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ”- “હે અર્જુન ચાર પ્રકારના લોકો મને ભજે છેઃ દુઃખમાં પડેલો, જ્ઞાનને ઝંખતો, ધનની આકાંક્ષા રાખનારો અને જ્ઞાની આ ચારેય પ્રકારમાં જ્ઞાની સૌથી ઊંચો છે એમ શ્રીકૃષ્ણ કહે છે. પણ આ બધાં પ્રેમના જુદા જુદાં પગથિયાં છે. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક યુવાનને પૂછ્યું: “તમે કોઈને પ્રેમ કરો છો?”

યુવાને કહ્યું : “ના, હું કોઈનેય ચાહતો નથી” રામકૃષ્ણે કહ્યું “તમે કેવા સાવ શુષ્ક માણસ છો” એટલે સૌ કોઈ પર પ્રેમ કરો ત્યારે તમે પ્રેમનો વિકાસ કરી શકશો. એને વધારે ને વધારે વિશુદ્ધ કે વધારેને વધારે ઉમદા બનાવો પણ પ્રેમ કરવાની ક્ષમતા તો પહેલાં પ્રાપ્ત કરો. ભાગવતનો આ ઉપદેશ છે અને આખાય ગ્રન્થમાં આ જ વાત વારંવાર આવ્યા કરે છે.

સમુદ્રમન્થન

પછી આપણે આઠમા સ્કંધના સાતમા અધ્યાયે પહોંચીએ છીએ. એમાં સમુદ્રમંથનનું વર્ણન છે. એમાં દેવો અને અસુરોએ સાથે મળીને સાગરને વલોવ્યો, એનું વર્ણન આપણને જોવા મળે છે, જ્યારે એ મંથન શરૂ થયું ત્યારે એમાંથી કેટલીક સારી વસ્તુઓ નીકળી તેમજ એની સાથોસાથ ભયંકર કાલકૂટ – ઝેર પણ નીકળી આવ્યું. દેવો તો ભયભીત થઈ ઊઠ્યાઃ કારણ કે દુનિયાને બાળી રહેલા આ ઝેરને કોઈ રોકી શક્યું નહીં. આ સમસ્યાના ઉકેલ માટે તેઓ બ્રહ્મા પાસે ગયા પણ બ્રહ્માએ કહ્યું : હું દિલગીર છું હું આમાં કશું કરી શકું. એને વધારે ને વધારે વિશુદ્ધ વધારેને વધારે ઉમદા બનાવો પણ પ્રેમ કરવાની ક્ષમતા તો પહેલાં પ્રાપ્ત કરો. ભાગવાનો આ ઉપદેશ છે અને આખાય ગ્રન્થમાં આ જ વાત વારંવાર આવ્યા કરે છે.

શિવ તો નિગૂઢ સમાધિમાં નિમગ્ન હતા. છતાં તેમણે બધા લોકોને ભયમાં મુકાયેલા જોયા અને તેથી તેમને ખૂબ કરુણા ઊપજી. તેમણે કહ્યું : “હું એ બધું ઝેર પી જઈશ. પરિણામે હું કદાચ મરી જઈશ પણ આ વિશ્વ તો બચી જશે.” એમણે ઝેર પોતાના હાથમાં લીધું અને જલદીથી ગટગટાવી ગયા પણ ઝેર તો ઘણું કાતિલ હતું : એ એમના ગળામાં ચોંટી ગયું. અને ત્યાં જ રહ્યું, તેથી તે દિવસથી મહાદેવનું એક નવું નામ ‘નીલકંઠ’ એવું પડી ગયું. (નીલ ગળાવાળા) આ પુરાક્લપનનો મર્મ ઘણો ઊંડી અને સૂચક છે. અને આ પુરાણકથાનો બોધ એક શ્લોકમાં આપવામાં આવ્યો છે :

‘तप्यन्ते लोकतापेन साधव: प्रायशो जना: ।
परमाराधनं तद्धि पुरुषस्याखिलात्मनः ॥
(८-७-४४)

“ઘણું કરીને કરુણાળુ જનો પારકે દુઃખે દુઃખી થનારા હોય છે.”

આજે દુનિયા દુઃખી છે એટલે સ્વાભાવિક રીતે જ આપણે એવા કરુણાળુ જનો મેળવવા માગીએ છીએ. જ્યારે આપણે પોતે કરુણાપૂર્ણ બનીશું ત્યારે અને ફક્ત ત્યારે જ સાચી દિવ્યતાની પૂજા – પરમાત્માની પૂજા કરી શકીશું. આપણે અન્યનાં દુઃખો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ સાચી આધ્યાત્મિકતા છે. અહીં કોઈ પૂછી શકે ખરો કે “આ પુરુષોત્તની કે દિવ્ય પરમાત્માની ભક્તિ શા માટે કરવી જોઈએ? ઉત્તર છે : “अखिलात्मन:” “કારણ કે તે બધાનો આત્મા છે.”

થોડા વખત પહેલાં આ કથાની સમજૂતી એક શ્વેતાસમૂહ આગળ ડલાસ – યુ. એસ. એ. માં આપી હતી. મેં એમને કહ્યું હતું કે શિવ કૈલાસમાં વસે છે. કૈલાસ અત્યારે તો ચીનના કબ્જામાં તિબેટમાં છે. પણ અહીં ખરી રીતે સૂચન તો એ છે કે શિવ તમારા પોતાનામાં જ છે. આપણું મસ્તિષ્ક જ શિવનું નિવાસસ્થાન છે. જો આપણે આપણા ચારિત્ર્યમાં થોડીક જ શિવશક્તિને પ્રગટ કરીએ તો આ દુનિયાદારીનાં બધાં જ ઝેરને આપણે પચાવી શકીએ. પતિ અને પત્ની ભેગા મળીને દુનિયામાંથી સુખનું તારણ કાઢવા સંસારસાગરનું મંથન કરે છે; પણ આ પ્રક્રિયામાં કેટલીકવાર ઝેર પણ નીકળી આવે છે. અને માનવસંબંધોને અસર કરી જાય છે એ ઝેર જ્યારે નીકળી પડે છે, ત્યારે પતિ એ પત્નીનું છે એમ બતાવે છે અને પત્નીએ પતિનું છે એમ બતાવે છે. અને એકને એક દિવસે એ બન્નેનો ભારી સંઘર્ષ થાય છે અને પછી દુઃખ અસહ્ય બની જાય છે પણ જો તમે તમારા ચારિત્ર્યમાં રહેલી શિવશક્તિથી એમાંનું થોડુંક ઝેર પચાવી શકો, તો કોઈ પણ સમસ્યા ઊભી જ થશે નહિ. આ પુરાણકથાનો એજ તો મર્મ છે. ખરી રીતે શિવ કંઈ કૈલાસમાં વસતા નથી. એ તો કેવળ એક પુરાકલ્પન છે પણ તે માનવ જીવન માંહેની જ એક વાસ્તવિકતા છે. તો આ પણ શ્રીમદ્ભાગવતની એક અદ્ભુત કથા છે.

મહાલિની કથા

ત્યાર પછી પંદરમા અધ્યાયમાં ભાગવત મહારાજા મહાબલિની કથા વર્ણવે છે. આ સંબંધમાં ઉલ્લેખનીય અને રસિક વાત એ છે કે આ દેશમાં પહેલાં ક્યારેય નાતજાતની વાડાબંધી હતી જ નહિ. માનવજીવોમાં સંપૂર્ણ સમાનતા પ્રવર્તતી હતી. પણ તે વખતના સમાજના રખેવાળોને આ ગમ્યું નહીં. એટલે ભગવાને વામન અવતાર લીધો. માનવજીવો પર ભગવાનની કૃપાનો સંકેત દર્શાવતો એક શ્લોક છે. એ સંકેત ભલા શો હોય છે? શ્લોક કહે છે કે જો તમે સારા કુળમાં જન્મ્યા હો, સારું શિક્ષણ પામ્યા હો, પુષ્કળ ધનસંપત્તિ અને સત્તાના સ્વામી હો અને છતાં પણ તમે અભિમાની કે ઉદ્ધત ન બન્યા હો તો એ બતાવે છે કે તમારા ઉપર ઇશ્વરની કૃપા છે. શ્લોક આ છે :

“जन्मकर्मवयोरुपविद्यैश्वर्यधनादिभि: ।
यद्यस्य न भवेत्स्तम्भस्तत्रायं मदनुग्रहः ।।”

આજે ભારતમાં ઘણા લોકો ઐશ્વર્ય ધરાવે છે અને પુષ્કળ ધનસંપદા પણ ધરાવે છે. આવા લોકો પણ જો ઉદ્ધત કે અભિમાની ન બને તો તેઓ પણ પરમાત્માની કૃપાને પામી શકે છે. એવો બોધ આપણે આ શ્લોકમાંથી મેળવી શકીએ છીએ.

હવે આપણે દશમા સ્કંધ સુધી શ્રીકૃષ્ણ ચરિત કથા – સુધી આવી પહોંચીએ છીએ જો કે શુકે આ પહેલાં અન્ય અવતારોની સાથે શ્રીકૃષ્ણની વાત કરી તો હતી. પણ પરિક્ષિત્‌ને એટલાથી સંતોષ થયો ન હતો. એટલા માટે એણે શુકને શ્રીકૃષ્ણકથા વિસ્તારથી કહેવાની વિનંતી કરી પછી શુકે કહ્યું : હા, ભલે હું એમ કરીશ તે દર્શાવતો શ્લોક ઘણો જ સુંદર છે :

“एवं निशम्य भृगुनन्दन साधुवादं,
वैयासकि: स भगवानथ विष्णुरातम् ।
प्रत्यर्च्य कृष्णचरितं कलिकल्मपघ्नं,
व्याहर्तुमारभत भागवतप्रधान: ।। (१०-१-१४)

“શુક તો પિરિક્ષત્‌ના આવા ભક્તિભાવયુક્ત વલણને જોઇને ઘણા જ પ્રસન્ન થઇ ગયા અને તેમણે પરીક્ષિતની પ્રશંસા કરીને શ્રીકૃષ્ણના અતિ અદ્ભુત અને પરમ વિશુદ્ધ ચરિત્રને કહેવાનો આરંભ કર્યો.” આ કૃષ્ણચરિત શું છે? તો કહે છે કે એ ભાગવતનો અર્ક છે. વળી એ ‘કલિકલ્મષાપહમ્’ છે – કલિયુગનાં દૂષણોનો એ નાશ કરે છે. દશમસ્કંધના પ્રથમાધ્યાયના આ ચૌદમા શ્લોક પછી શુક વસુદેવ અને દેવકીનો કારાગારમાં જન્મેલ એ અવતારી પુત્ર શ્રીકૃષ્ણના જન્મની કથા કહેવાનું શરૂ કરે છે. ત્યાર પછી ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનથી ભરેલા શ્લોકો આવે છે. આ સ્કન્ધના ત્રીજા અધ્યાયમાં દેવકીની પ્રાર્થના આવે છે. એ કહે છે :

मर्त्यो मृत्युव्यालभीत: पलायन्,
लोकान्सर्वान्निर्भयं नाध्यगच्छत् ।
त्वत्पादाब्जं प्राप्य यध्च्छयाद्य,
स्वस्थ : शेते मृत्युरस्मादपैति ॥”

આ દિવ્ય સંતાનને નીરખીને દેવકી કહે છે : “મનુષ્ય જન્મે છે, ત્યારથી મૃત્યુ એની પાછળ જ પડેલ હોય છે. અને એનાથી ભયભીત થયેલો માનવ એનાથી બચવા બધા લોકોમાં દોડાદોડી કરે છે, પણ ક્યાંય એને નિર્ભયતા સાંપડતી નથી; પણ ભાગ્યજોગે જો એ તમારા ચરણોમાં શરણ પ્રાપ્ત કરે, તો પછી એને ક્યાંય ભય પામવાપણું રહેશે નહિ.” ઇશ્વરનાં ચરણો જ એક એવું સ્થાન છે કે જ્યાં તમને પૂર્ણ શાન્તિ અને વિશ્રામ સાંપડી શકે. પછી આ કૃષ્ણકથા આગળ વધતી જાય છે. પણ એમાં મહત્ત્વની ઉલ્લેખનીય વાત એ છે કે કૃષ્ણનો અવતાર અહીં માનવની કીર્તિ ગાથાનું અદકી રીતે પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણ માનવજીવરૂપ થઈને માનવીય જીવનસ્તરને ઉચ્ચતર સ્તર પર લઇ જાય છે અને જો માનવો પોતામાં સાચુકલા હોય, એમને પોતાનામાં સાચી શ્રદ્ધા હોય, તો દેવો પણ એનું કશું જ બગાડી શકતા નથી – આમ, શ્રીકૃષ્ણની આ કથામાં આપણે જોઇએ છીએ કે બધા જ પ્રકારનાં અદ્ભુત – અચરજભર્યાં પરાક્રમો કરતા આ બાલકૃષ્ણને સુરપતિ ઇન્દ્રે પડકાર ફેંકવાના કરેલા પ્રયત્નની વાત આવે છે. કૃષ્ણનાં કુતૂહલજનક પરાક્રમોએ ઇન્દ્રને ક્રોધિત કર્યો હતો. એ તો માનતો હતો કે આ છોકરાને આવી બધી વસ્તુઓ એની રજા સિવાય કરવાનો કોઇ અધિકાર નથી, એટલે એ કૃષ્ણને પાઠ ભણાવવા માગતો હતો. ગમે તેમ પણ છેવટે ઇન્દ્ર ભૂંડે હાલે પરાજિત થયો અને શ્રીકૃષ્ણની માફી માગવા લાગ્યો. એણે કહ્યું કે ‘તમે ખરેખર મહાન છો,- હું તો તમારી આગળ કશું જ નથી.’

આવો જ પ્રસંગ બ્રહ્માને પણ પડ્યો હતો. બ્રહ્માએ પણ ઇન્દ્ર જેવું જ આચરણ કર્યું હતું, અને ઇન્દ્ર જેવું જ ફળ પ્રાપ્ત કર્યું હતું હું આ કથાઓને વેદાન્તના ઉપદેશ ઉપર ભાર મૂકવા માટે રજૂ કરી રહ્યો છું. વેદાન્તને એ ઉપદેશ, માનવીય જીવનની મહત્તાનો છે. અને એ વેદાન્તોપદેશ ભાગવતમાં પણ નિરૂપિત છે. હું તો કૃષ્ણને ભારતીય હૃદયના ભાતીગળ બંસીવાદક કહું છું. કવિઓ, કલાકારો, તત્ત્વજ્ઞો, રાજકારણીઓ, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ઋષિમુનિઓ – સૌને શ્રીકૃષ્ણ પોતાની તરફ આકર્ષ્યા છે. ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનાં બધાં જ પાસાઓ ઉપર શ્રીકૃષ્ણની ભારે અસર વરતાય છે. એટલા જ માટે આપણે એમને ‘પૂર્ણાવતાર’ – ઇશ્વરના સંપૂર્ણ પ્રાદુર્ભાવરૂપ કહીએ છીએ.

ગોપિકા ગીત

ત્યાર પછી આપણે દશમસ્કન્ધના એક અદ્ભુત એકત્રીસમા અધ્યાય સુધી આવી પહોંચીએ છીએ; કે જેને ‘ગોપિકા ગીત’ કહેવામાં આવે છે. એનો નવો શ્લોક કહે છે :

“तव कथामृतं तप्तजीवनं, कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमंगलं श्रीमदाततं, भुवि गृणन्ति ये, भूरिदा जना: ॥

– તમે અને તમારા પોતાના શબ્દો તો ‘અમૃત’ છે, ‘તપ્તજીવનમ્’ રોજબરોજના જીવનમાં બળ્યાં જળ્યાં એવાં અમારે માટે; પીડિતોને જીવન આપનાર અમૃત સમું; ‘કવિભિરીડિકતમ્’ – મહાન કવિઓ – ઋષિઓ વડે ગુણગાન કરાયેલું, ‘કલ્મષાપહમ્’ – બધાં જ પાપોનો નાશ કરનારું; ‘શ્રીમદાતતમ્’ -ઐશ્ચર્યથી ભરપૂર, જે ઐશ્વર્ય અભ્યુદય અને શાન્તિ આપે છે, તેને; ‘ભુવિ ગુમન્તિ, ભુરિદા જનાઃ’- જે લોકો તમારા ઉપદેશને અને તમારી મહત્તાને ગાય – ફેલાવે – છે તે લોકો ધર્મના મહાદાનીઓ – મહત્તમ પરોપકારીઓ છે.”

આ આધુનિક યુગમાં આપણે જો કોઇ મોટામાં મોટું કામ કરી શકીએ, તો તે અવશ્યપણે આ જ છે. શ્રીરામકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો અને શ્રી ‘મ’ – શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત લખવાનું ભાગવતના આ જ શબ્દોથી શરૂ કર્યું હતું. આજે આ કથામૃત આપણને અપાર કરુણા, અખૂટ પ્રેમ અને શાન્તિથી ભરપુર પાવન જીવનનું ભવ્ય ચિત્ર આપી જાય છે.

આ સ્કન્ધના બત્રીસમા અધ્યાયના બીજા શ્લોકમાં કૃષ્ણ ગોપોની અને ગોપીઓની સાથે વૃન્દાવનમાં રમવા આવે છે. ત્યાં આપણને શ્રીકૃષ્ણનું અનન્ય વર્ણન, ‘साक्षान्मन्मथमन्मथ:’ – એ તો ‘મન્મથ’ના પણ ‘મન્મથ’ છે એવું જોવા મળે છે. આ ‘मन्मथ’ – કોણ છે? એ ગ્રીકોનો ‘ક્યુપીડ’ અર્થાત્ કામદેવ છે એ બધાંને સાંસારિક જીવન તરફ આકર્ષે છે. પણ અહીં ઉલ્લેખનીય વાત એ છે કે પેલા ‘મન્મથ’ને પણ કૃષ્ણ સ્વયં પોતાની તરફ આકર્ષે છે! વેદાન્તમાં આવી બે અભિવ્યક્તિઓ છે. એક તો – ‘मन्मथमन्मथ:’ – અને બીજી બૃહદારણ્યક ઉપનિષદમાં છે. ત્યાં આત્માને ‘મૃત્યુના ય મૃત્યુ’ તરીકે વર્ણવવામાં આવેલ છે. એમ કેમ? કારણ કે આત્મા આગળ મૃત્યુ પણ મરી જાય છે.

માનવરૂપની અનન્યતા

હવે આપણે અગિયારમા સ્કન્ધમાં પહોંચીએ. અહીં કૃષ્ણ આ દુનિયાથી વિખૂટા પડવાની અણી ઉપર છે. તેમનો ગાઢ મિત્ર અને ભક્ત ઉદ્ધવ કૃષ્ણને કહે છે : “તમે જાઓ એ પહેલાં અમને કંઇક આધ્યાત્મિક સલાહ આપતા જાઓ. અમે તમારી પાસેથી એ સાંભળવા માગીએ છીએ.” એટલે કૃષ્ણે ઉદ્ધવને વિવિધ પ્રકારના ઉપદેશો આપ્યા. એમાંથી હું ખાસ બે શ્લોકોનો ઉલ્લેખ કરવા માગું છું. એમાંથી પહેલો શ્લોક માનવરૂપની અનન્યતાનો છે :

“सृष्ट्वा पुराणि विविधान्यजयात्मशक्त्या,
वृक्षान्सरीसृपपशून्खगदंशमत्स्यान् ।
तैस्तैरतुष्ट हृदयः पुरुषं विघाधाय,
ब्रह्मावलोकविषयं मुदमाप देव: ॥ (११-९-२८)

આ શ્લોકનું મહત્ત્વ એ છે કે બ્રહ્માએ પહેલાં બ્રહ્માંડ અને પછી સેન્દ્રિય – એમ ક્રમશઃ ઉત્ક્રાન્તિના જુદા જુદા સ્તરે સૃષ્ટિની ઉત્પત્તિ કરી પણ એ બધાં પ્રાણીઓ, સર્પો, માછલાંઓ, વગેરેથી એને સંતોષ ન થયો. કેમ કે તેણે વિચાર્યું કે જો તે આ બધાંના દેહમાં પ્રવેશ કરશે તો એમાંથી પોતાનું પુનઃ પ્રગટીકરણ નહિ કરી શકે. એટલે – ‘पुरुषं विधाय’ તેમણે માનવરૂપનું નિર્માણ – કર્યું; અને જેવું એ રૂપ સર્જ્યું કે તરત -‘मुदमाप देव:’ તેઓ ખૂબ પ્રસન્ન થયા. કારણ કે તેમણે વિચાર્યું કે આ દેહમાં તેઓ જરૂર પોતાનું પ્રગટીકરણ કરી શકશે. માનવ સ્વરૂપની આ જ છે અનન્યતા!

પછી બીજો શ્લોક આવે છે. (૧૧-૯-૨૯) :

“लब्ध्वा सुदुर्लभमिदं बहुसंभवान्ते,
मानुष्यमर्थदमनित्यमपीह धीर: ।
तूर्णं यतेत न पतेदनुमृत्यु याव –
न्नि:श्रेयसाय विषय: खलु सर्वत: स्यात् ॥”

– આપણે અહીં, શરીરવિજ્ઞાની જુલિયન હક્સ્લી જેને નવી સંભાવનાઓનું વિજ્ઞાન કહે છે તે જોઇ શકીએ છીએ. આ શ્લોક કહે છે કે ત્યારે મુશ્કેલીઓ પછી, ઉત્ક્રાન્તિની લાંબી પ્રક્રિયાને અન્તે આપણને આ માનવદેહ સાંપડ્યો છે. (लब्ध्वा सुदुर्लभमिदम्) કારણ કે માનવ દેહ ઘણો દુર્લભ છે. ‘बहु संभवान्ते’- ઉત્ક્રાન્તિના અનેક લાંબા સ્તરોમાંથી પસાર થઇને “मानुष्यदेहम्”- આ માનવ શરીરને – ‘अर्थवत्’- અંતિમ મૂળ સુધી પહોંચવાની ક્ષમતા ધારણ કરનાર “अनित्यम् अपि” -ભલે એ લાંબું ટકી ન શકે તો પણ જો તમે એનો સુયોગ્ય ઉપયોગ કરો તો એ ‘अर्थवत्’ – ખૂબ સહાયક નીવડે એવું છે. તો આપણે શાનો પ્રયત્ન કરવો જોઇએ? ‘नि:श्रेयसाय’- મુક્તિ મેળવવાનો. મુક્ત બની જાઓ. પ્રાણીઓ મુક્ત નથી. તેઓ કુદરતના નિયમન હેઠળ છે. પણ માણસ જાતમાં પોતાના ભાગ્યને ઘડવા માટેની કંઇક સ્વતંત્રતા છે ખરી. અલબત્ત, એમાં કુદરત પણ પોતાનો ભાગ ભજવે તો છે જ. તો પણ આપણે કુદરતને ઓળંગી શકીએ છીએ. કારણ કે આપણું મૂળ સ્વરૂપ દિવ્ય છે એટલે ‘तूर्णं यतेत – એ સ્વતંત્રતા મેળવવા માટે તમે જેટલા વહેલા સંઘર્ષ કરશો, એ નિઃશ્રેયસ, એ મોક્ષ – મુક્તિ મેળવવા યત્ન કરશો તેટલું વધારે સારું છે. કારણ કે આપણું આ શરીર ગમે તે પળે ચાલ્યું જશે. જો તમે પોતાને ઇન્દ્રિયજન્ય ભોગ વિલાસમાં, જેમ પશુઓની યોનિઓ કરે છે તેમ બાંધી રાખશો તો તો પછી માનવમાં અને નિમ્નકોટીનાં પશુઓમાં શો ફરક રહેશે? આ ઇન્દ્રિયોના સારની પેલી પાર પહોંચવાના માનવીય પ્રયત્નમાં જ એ ફરક છે.

દુર્ભાગ્યે ખૂબ આધુનિક ગણાતાં સ્ત્રી – પુરુષો પણ ઇન્દ્રિય જગતની પેલી પારના કોઇ તત્ત્વને જરા પણ પિછાણતાં નથી! મોજ મજા અને ભૌતિક સુખ સગવડોએ જાણો કે આપણને વશીભૂત કરી મેલ્યા છે. જો આવું જ વલણ ચાલુ રાખવામાં આવે તો આખીય સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિની પેઠે ખતમ થઇ જાય. એટલા માટે સ્વામી વિવેકાનંદ ચાહતા હતા કે પશ્ચિમ જો પોતાના જીવનના લક્ષ્ય તરીકે આધ્યાત્મિકતાને નહિ સ્વીકારે, તો એની સંસ્કૃતિ લાંબુ ટકી શકશે નહિ. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને જીવનનાં મૂલ્યો આપી શકે નહિ. તેમજ ભૌતિક દેહમાંથી પણ મૂલ્યો આવી શકતાં નથી – શરીર જિન્સનું બનેલું છે. એ જિન્સ સ્વભાવે જ સ્વાર્થી છે. એ અન્ય જનોનો વિચાર કરી શકતાં નથી. એટલે આપણે આ શરીરની આસક્તિને ઓળંગીને આગળ જવું જોઇએ. અને ઇન્દ્રિયોની પેલી પાર પહોંચવું જોઇએ. કંઇક ઉચ્ચતર અને શાશ્વતની ઉપલબ્ધિ કરવી જોઇએ. ‘ઇન્દ્રિયોની કક્ષાની પેલી પાર શું છે?’ – એ પ્રશ્નનો ઉત્તર મેળવવા આપણે મથવું જોઇએ. અતિ પ્રાચીન કાળમાં ભારત ના પ્રશ્નનો ઉત્તર ઉપનિષદોમાં મેળવ્યો હતો. કઠોનિષદનો એક ફકરો – પરિચ્છેદ કહે છે કે આપણા શરીરમાં સ્નાયવિક શક્તિ છે. પણ એ ઘણી સામાન્ય અને ઘણી સ્થૂળ શક્તિ છે. આ સ્નાયુતંત્રની ભીતર કંઇક વધારે સૂક્ષ્મ શક્તિ પડેલી છે. અને એનાંથી ય ઊંડી માનસિક શક્તિ છે. આ રીતે આપણને જોવા મળે છે કે માનવીય સહાય સાધનો સૂક્ષ્મતાના તીવ્રતાના અને ગહનતાના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે.

છાન્દોગ્ય ઉપનિષદ કહે છે કે ‘तत्त्वमसि’ – તે તું છે. તમે કંઇ ટચુકડી જિન્સની ગોઠવણી નથી. તમે તો તે અનંત આત્મા છો. એ જ તમારું સાચું સ્વરૂપ છે. ભાગવતમાં આ મહાન ઉપદેશ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એ આ ઉપદેશ આપણને ભક્તિ માર્ગના માધ્યમથી આપે છે. ભક્તિ દ્વારા આપણે ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ પહેલાં બતાવ્યા પ્રમાણે આ ભક્તિના અનેક આયામો હોય છે – સામાન્ય ભક્તિ પણ આમ તો ભક્તિ જ છે. પણ એ ઊંચે ને વધુ ઊંચે જઇ શકે છે, વધુ અને વધુ વિકસિત થતી જઇ શકે છે. આને આધ્યાત્મિક જીવનની પ્રગતિ – આધ્યાત્મિક વિકાસ – કહેવામાં આવે છે. પણ આપણે છેલ્લા હજારેક વર્ષથી આ સત્ય વારંવાર ભૂલી જઇએ છીએ. તમને એ અવારનવાર જોવા મળતું હશે કે વર્ષો સુધી મંદિરે જતો રહેતો માણસ એ પછી પણ એ નો એ જ રહે છે, એનું ચારિત્ર્ય કે વર્તન જરાય સુધરતાં નથી. તો આમ મંદિરે જવાનો અર્થ જ શો છે? આપણામાં ગતિશીલ આધ્યાત્મિકતા આવવી જોઇએ; આપણમાં આધ્યાત્મિક સભાનતા જાગવી જોઇએ. અને ધીરે ધીરે તે ઊર્ધ્વગામી થતી રહેવી જોઇએ. દરેક મનુષ્યને શ્રીરામકૃષ્ણ એવા આશીર્વાદ આપતા કે, ‘તમે આધ્યાત્મિક રીતે સભાન બની રહો.’ – આ શ્રીમદ્ ભાગવત પણ આ જ વિચાર વારંવાર અભિવ્યક્ત કરે છે.

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે કોઇ જ સંઘર્ષ નથી.

ભારતમાં તમને ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે કશો વિરોધ જોવા મળશે નહિ. આ વાત શ્રીકૃષ્ણના પોતાના મુખેથી જ ભાગવતના એકાદશ સ્કન્ધના આ ત્રણ શ્લોકોમાં કહેવામાં આવી છે. પહેલો શ્લોક આ છે :

“प्रायेण मनुजा लोके, लोकतत्त्चविक्षण: ।
समुद्धरन्ति आत्मानमात्मनैवाशुभाशयात् ।।
(११-७-१९)

– સામાન્ય રીતે આનો અર્થ એવો થાય છે કે આ વિશ્વમાં માનવ જીવો પોતાના જીવનના ઘડતરમાં સક્ષમ હોય છે. તેઓ જે જગતમાં રહે છે, તે જગતના સ્વરૂપ લક્ષણને બરાબર રીતે સમજી શકે છે. એનું નામ જ વિજ્ઞાન છે અને “समुद्धरन्ति आत्मानम्” – અને માણસ આવી ખોજથી નિમ્નતર સ્તરમાંથી ઉચ્ચતર સ્તર સુધી પોતાને ઊર્ધ્વગામી બનાવી શકે છે. અને એ પણ ‘आत्मानैव’ – પોતે જ. કોઇ અ, બ કે ક ઉપર કશો મદાર બાંધ્યા વગર જ. ત્યાં કોઈ એવો ભગવાન તમારી મદદ કરવા ઊભો નથી. આ બધું પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે.

બીજો શ્લોક કહે છે :

“आत्मनो गुरुरात्मैव, पुरुषस्य विशेषत: ।
यत्प्रत्यक्षानुमानाभ्यां, श्रेयोऽसावनुविन्दते ॥
(११-७-२०)

– માણસનો ગુરુ એ પોતે જ છે. અને માનવેતર અન્ય પ્રાણીઓનો ગુરુ કુદરત છે. માણસ પોતાનો વિકાસ કરી શકે છે. પણ એ કેવી રીતે કરી શકે? વૈજ્ઞાનિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક વલાવાળા તર્ક – કલ્પના વગેરેથી – અન્વય અને વ્યતિરેકી અનુમાન વગેરેથી. “यत्प्रत्यक्षानुमानाभ्याम्” – ‘પ્રત્યક્ષ’ એટલે સીધું નિરીક્ષણ. પદાર્થ લો, જુઓ, એની અપેક્ષિત બાબતો ભેગી કરો, પછી ચર્ચા કરો, એમાં પ્રશ્નો ઊભા કરો અને આ રીતે તમે જ્ઞાન મેળવતા થશો. આ રીતે તમને આ જગતમાં આત્મપ્રભુત્વ પ્રાપ્ત થશે. તમે એમ કહી શકો ખરા કે આ કે તે તમે કરી રહ્યા છો પણ એટલું જ શું પૂરતું છે? આજે લગભગ બધા જ લોકો કહે છે કે હા, એટલું પૂરતું છે. પણ કૃષ્ણ કહે છે કે ના, આથી આગળનું એક બીજું પગથિયું છે. પરમાત્માસ્વરૂપે હું બધાના હૃદયમાં રહું છું. અને માનવજીવો એનો સાક્ષાત્કાર – મારી અનુભૂતિ પણ કરી શકે છે.

એટલા માટે આ છેલ્લો શ્લોક કહે છે :

“पुरुषत्वे च मां धीराः सांख्ययोगविशारदाः ।
आविस्तरां प्रपश्यन्ति, सर्वशक्त्युपबृंहितम् ।।”
(११-७-२१)

– માનવજીવો પણ એની અંદર છુપાયેલા મનને અનુભવી શકે છે. ‘सांख्ययोगविशारदाः’- આ આધ્યાત્મિકતાનું વિજ્ઞાન તમને તમારી ભીતરના અનન્ત આત્માનું જ્ઞાન આપશે. જ્યાં ભૌતિક વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો ભેદભાવ ભૂંસાઇ ગયો છે ત્યાં ભગવાન કૃષ્ણ ભાગવતમાં આવું વિધાન કરે છે. પશ્ચિમમાં તો આ બન્ને વચ્ચેનો ભેદભાવ પ્રવર્તમાન જ રહ્યો છે. ત્યાં ધર્મ અને વિજ્ઞાન હમેશા વિસંવાદી હતાં. આ સંઘર્ષને પરિણામે કેટલાય વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. પણ ત્યાંના લોકોએ આ પરિસ્થિતિને સામાન્ય ગણી લીધી. પશ્ચિમમાં આ જાતનું વલણ સ્વીકૃત બન્યું; પણ ભારતમાં એવું બન્યું નથી. આજથી હજારો વરસો પહેલાં, ગણિતવિદ્યા, ખગોળવિદ્યા, આયુર્વેદ, સર્જરી, વગેરેનો ઘણો વિકાસ શરૂઆતથી જ કર્યો હતો. અત્યારે જેને અર્વાચીન વિજ્ઞાન કહેવામાં આવે છે તેની તુલનામાં પણ એ ઊભી શકે તેવું છે. અને આપણી સૌથી મોટી શોધ તો માનવમાં જ રહેલા અનન્ત આત્માની છે અને એટલા જ માટે ભાગવત આ રીતે વિજ્ઞાન અને ધર્મની સંવાદિતાનો ખ્યાલ નિરૂપે છે.

આ પછી બારમા અને છેલ્લા સ્કંન્ધમાં એક સુંદર શ્લોક છે :

“यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत: स्तुन्वन्ति दिव्यै: स्तवै: ।
वेदैः सांगपदक्रमोपनिषदैरतर्गायन्ति यं सामगा: ।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो ।
यस्यान्तं न विदुः सुरासुरराणा देवाय तस्मै नमः ।।”

– જે બધા જ વેદોમાં વર્ણવાયેલ છે, જેની બ્રહ્મા, વરુણ, રુદ્ર અને ઇન્દ્ર સદૈવ સ્તુતિ કરે છે; ધ્યાનમાં બેસીને જેમાં મન લગાડીને યોગી જેનાં પોતાના હૃદયમાં દર્શન કરે છે; કોઇ જેની સીમાને જાણી શક્યું નથી; તે વેદર્ણિત દેવને હું નમસ્કાર કર્યું છું.”

ઉપસંહાર

ભાગવત એ ખરેખર એક મહાન પાવનકારી ગ્રન્થ છે. આખાયે ભારતમાં તે સુવિખ્યાત છે. શ્રીરામકૃષ્ણ પણ આ ગ્રન્થના મારે પ્રશંસક હતા. પણ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ ભાગવતના ઉપદેશો આપણા સામાજિક જીવનને ઝાઝી અસર પહોંચાડતા નથી. ભારતમાં આધ્યાત્મિક ઉપદેશોની તંગી નથી પણ આપણી સામાજિક રહેણીકરણી તો વેદાન્તથી તદ્દન વિરુદ્ધ પ્રકારની છે. ઉપનિષદવિરોધી છે; ગીતાવિરોધી છે. એને સુધારવાનું કામ જ આજે કરવા જેવું કામ છે અને આજના યુગમાં એ કામ કરવા માટે જ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, શ્રીશ્રીમા અને અન્ય મહામાનવો અહીં અવતર્યા છે. આપણી અનેક સમસ્યાઓ છે, એની તો ના પાડી શકાય તેમ નથી; પણ સમાજના ઉચ્ચતર લોકોમાં જો થોડીક સમજણ, જરા જેટલી આધ્યાત્મિકતા હોય, તો એ આસાનીથી ઉકલી જઇ શકે છે. આધ્યાત્મિકતા તરફનો પ્રેમ અને સ્વદેશ તરફનો પ્રેમ ચારિત્ર્યમાં પરિવર્તન લાવી શકે છે. પણ કેવળ પોતા તરફનો પ્રેમ તો નૈતિક અધઃપતન જ નોતરે છે. ભારતમાં એવું બન્યું છે કે સ્વતંત્રતા મળ્યા પહેલાં લોકો રાષ્ટ્રને પ્રેમ કરતા, રાષ્ટ્ર ખાતર તેમણે ઘણાં મોટાં બલિદાનો પણ આપ્યાં હતાં . પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને ચરણે અર્પી દીધું પણ સ્વતંત્રતા મળ્યા પછી આપણે કેવળ આપણને પોતાને જ ચાહવાનું શરૂ કરી દીધું. આને પરિણામે લાંચરૂશ્વત શરૂ થઇ. આજે આપણે ભારતમાં શું જોઇ રહ્યા છીએ? પૂર્ણ ફાલ્યો ફૂલ્યો ભ્રષ્ટાચાર જ.

પણ યાદ રાખો, આ તો કેવળ ઉપરછલ્લું આવતું જતું વાદળું જ છે. ભવિષ્યમાં લોકો સત્યને સારી રીતે સમજતા થશે. સ્વામીજીએ ભાખ્યા પ્રમાણે મારો દૃઢ વિશ્વાસ છે કે ભૂતકાળમાં ક્યારેય ન હતું તેવું વધારે મહાન, અર્વાચીન યુગમાં ભારત થઇ જઇ રહ્યું છે. આખું વિશ્વ આધ્યાત્મિક પ્રેરણા લેવા માટે ભારત તરફ દૃષ્ટિ માંડશે.

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 635

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.