ગતાંકથી આગળ…
યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિ રીગન ક્ષત્રિય છે. સોવિયેત યુનિયનના ગોર્બાચેવનું પણ તેવું જ છે. આપણા વડાપ્રધાન પણ ક્ષત્રિય છે. એ બધા સત્તાધારી હોવાથી બધા જ ક્ષત્રિયો છે; મુકુટધારી રાજા થવાની જરૂર નથી. એ સૌ પાસે સત્તા છે પણ એ સત્તાને પોતે પચાવી શકે એ માટે એમને નવી તાકાતની જરૂર છે; તો જ લોકકલ્યાણ માટે એ સત્તાને તેઓ વાપરી શકશે. એટલે શંકરાચાર્ય કહે છે. क्षत्रियाणां बलाधानाय, ‘સત્તાધારીઓને બલ આપવા માટે.’ આ શક્તિ વડે પોતાની આસપાસના લોકોની સેવા તેઓ કરી શકે ! जनान् परिपिपालयितुम्, લોકોને લાગે કે પોતે મહાન છે એ રીતે તેમની ઉપર શાસન કરવું – એ લોકતાંત્રિક શાસન છે. રાજકીય અને શાસકીય સત્તાના સંસ્પર્શથી લોકોમાં મહત્તાનો સંચાર થવો જોઈએ, લઘુતાનો નહીં. લઘુતા તો જમીનદારીનું ફળ છે. જમીનદારી સમાજમાં મનુષ્યને સ્પર્શતી જમીનદારી સત્તા માનવીને લઘુ બનાવે છે. લોકતાંત્રિક સમાજમાં આત્મસન્માન અને મુક્તિનું ગૌરવ અનુભવતો માનવગૌરવના સ્પર્શનો અનુભવ કરે છે. આ યોગદર્શનની શક્તિ પ્રાપ્ત કર્યા પછી સત્તાધારીઓ લોકોનાં સુખ અને અભ્યુદયને માટે કાર્ય કરવા સમર્થ બને છે. પૂર્વગ્રહ અને શોષણ જગાડતી અને માનવપરિસ્થિતિમાં ગરબડ ઊભી કરતી આ બધી રાજકીય અને શાસકીય સત્તાઓને પચાવી શકે તે શક્તિ કઈ છે ? એને યોગશક્તિ કહેવાય છે અને એ દરેક મનુષ્યમાં જન્મજાત છે.
મહાભારત મહાકાવ્ય સત્તાના ત્રણ સ્રોતનો ઉલ્લેખ કરે છે. પ્રથમ બાહુબળ છે, સ્નાયુઓની તાકાત છે. તમે શરીરે નિર્બળ હશો તો કોઈ બળિયો તમને ભીંતભેગા પછાડી શકશે; એ સ્નાયુઓની શક્તિ છે. બીજું બુદ્ધિબળ છે, માનસિક શક્તિ છે. તમારી ચડિયાતી બુદ્ધિ વડે તમે લોકોને નુકસાન પહોંચાડી શકો અને તેમનું શોષણ કરી શકો. પણ એના વડે તમે લોકોનું હિત પણ સાધી શકો. પરંતુ આ લોકહિતની વૃત્તિ-બુદ્ધિ પોતાનામાંથી ઊઠતી નથી પણ એ બીજા સ્રોતમાંથી આવે છે. અને ત્રીજો સ્રોત યોગબળ કહેવાય છે, આત્મબળ કહેવાય છે. આમ બાહુબળ, બુદ્ધિબળ અને યોગબળ કે આત્મબળ છે. તમારામાં અને મારામાં, સૌનામાં આ ત્રણ બળ છે અને ગીતા કહે છે કે જેઓ રાજસત્તા કે બીજી સત્તા ધારણ કરે તેમણે થોડુંક પણ આ યોગબળ વિકસાવવું જોઈએ. અતિનીે આવશ્યકતા નથી; થોડાક એ બળથી પણ એ વ્યક્તિ અભયનો અને આશીર્વાદનો સ્રોત બની શકે. એમણે મોટા ઋષિ થવાની જરૂર નથી પરંતુ તેઓ ઋષિપણાને પંથે જનારા તો એ હોવા જ જોઈએ, થોડા આધ્યાત્મિક હોવા જોઈએ જેના વડે, સત્તાના સંજોગોનો ઉપયોગ એ લોકો પ્રજાની સેવા માટે અને પ્રજાને વધારે સારી અને વધારે સુખી બનાવવા માટે કરી શકે.
બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું જ છે કે स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्, ‘આ ધર્મનો, આ તત્ત્વદર્શનનો થોડો અંશ પણ મહાભયમાંથી ઉગારે છે.’ તો થોડા અધ્યાત્મ – બળવાળા કલેકટરની કલ્પના કરો. એ જિલ્લાની પ્રજાને કેટલો લાભ થશે ! એ જ રીતે ગામડાની પ્રાથમિક શાળાનો શિક્ષક લો. થોડુંક અધ્યાત્મ બળ એને બાળકોનો સેવક બનાવશે, બાળકોની સંભાળ લેતો તેમજ તેમને કેળવણી આપતો ફરશે અને તેમનું ઘડતર સારા નાગરિકો તરીકે કરતો ફરશે. આ બધી ઉચ્ચતર પ્રેરણાઓ આ એક જ સ્રોતમાંથી આવે છે : આત્મબળ કે યોગબળમાંથી; એ બુદ્ધિબળને પ્રેરે છે. માનવવ્યક્તિત્વની ગહનતર સપાટીએથી ફૂટતી આધ્યાત્મિક શક્તિ વડે બુદ્ધિબળ શુચિતા પ્રાપ્ત કરે છે. અને વેદાંત અનુસાર મનુષ્યત્વનું આ વૈશ્વિક લક્ષણ છે. દરેક મનુષ્યમાં યોગબળ હોય છે જ. માત્ર એને પ્રકટ કરવાને, ખુલ્લું કરવાનો, પ્રગટ કરવાનો યત્ન આપણે કરવો જોઈએ. એટલે કોઈ શિક્ષક વર્ગમાં જાય ત્યારે એણે પોતાની જાતને પૂછવું જોઈએ : ‘હું અહીં શા માટે આવ્યો છું ?’ આ બાળકો દૂર દૂરથી આવે છે; યુગોથી એમને શિક્ષણ મળ્યું નથી. આપણો દેશ હવે સ્વતંત્ર થયો છે; દેશના નાગરિક તરીકે હું તેમને કેળવણી આપવા માટેનું, જ્ઞાન આપવા માટેનું સાધન છું.’ એ જ ક્ષણે એ શિક્ષક મામૂલી શિક્ષક ન રહેતાં મહાન માનવ બની જશે. માનવહેતુઓ સિદ્ધ કરવા માટે એ રાષ્ટ્રનું સાધન બને છે. એ બોલે છે તે બાળકોને શિક્ષણ આપવાના, એમનું સારા નાગરિકોમાં ઘડતર કરવાના હેતુથી જ. સચિવાલયના કારકુનનું, રસ્તા પરના પોલીસનું અને દરેક સરકારી કર્મચારીનું પણ તેવું જ છે. ચપટીક આધ્યાત્મિક બળ આપણા સમાજમાં મહાન પરિવર્તન લાવી શકે.
માટે તો બધી સત્તા રાજા અને ઋષિમાં સંલગ્ન થવી જોઈએ એ મુદ્દે શ્રીકૃષ્ણ આટલો ભાર મૂકે છે. માત્ર રાજા ન બનો, માત્ર ઋષિ ન બનો, રાજા અને ઋષિનો એકમાં સુમેળ કરો. તમારી પાસે સત્તા છે તેને થોડા અધ્યાત્મ બળ વડે પવિત્ર કરો. આજે લોકો ‘સત્તાને નાથવા’ ની વાત કરે છે. આપણે સત્તાને ‘નાથવાની’ છે. સામાન્ય રીતે પ્રત્યેક રાજ્યબંધારણમાં સત્તાને બહારનાં સાધનો વડે નાથવામાં આવે છે. એ શું છે ? એને ‘સત્તાની સમતુલા’ નામે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિને એક સત્તા છે, વડાપ્રધાનને અન્ય સત્તા છે અને ન્યાયતંત્રને પોતાની સત્તા છે; એકબીજા પર આમ અંકુશ રાખવામાં આવે છે આ રીતે બંધારણે આપેલી બંધારણીય સમતુલા છે. પણ આપણે એને ગમે ત્યારે ઊંધીચત્તી કરી શકીએ છીએ ને આપણે એ વારંવાર બનતું જોઈએ પણ છીએ; પરંતુ સત્તાધારીની સત્તાને વિશુદ્ધ કરવા માટે આ અધ્યાત્મબળ આવશે ત્યારે વહીવટ સુયોગ્ય રીતે ચાલશે; કશા પ્રકારનો નુકસાનકારક વિસંવાદ પ્રગટશે નહીં.
આમ આપણને સુખી, શાંતિભર્યા અને સહકારશીલ સમાજની આવશ્યકતા છે; દરેક વ્યક્તિ બીજાને તેમાં સહાય કરવા તત્પર હોય છે. આત્મબળની ઉચ્ચતર કક્ષાએથી સેવાભાવના પ્રગટે છે. સત્તા જ્યાં પુનિત થયા વગરની હોય ત્યાં, સત્તાનો ઉપયોગ લોકોના શોષણ માટે અને ભ્રષ્ટાચાર વડે પોતાની સત્તાબઢતી માટે કરવામાં આવે છે. સત્તાના વિશુદ્ધીકરણની આપણને જરૂર છે. માટે તો ગીતાએ રાજર્ષિ શબ્દ વાપર્યાે છે. રાજા પણ થાઓ, ઋષિ પણ થાઓ. કેવી રીતે ? તમારી પાસે આવતા થોડા અધ્યાત્મબળના થોડા આવિષ્કાર વડે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આપણને તેની આવશ્યકતા છે.
મૈલાપોર, ચેન્નાઈ-૪ તરફથી પ્રકાશિત થયેલા મારા પુસ્તક Democratic Administration in the Light of Practical Vedantaમાં રાજર્ષિ વિભાવના દ્વારા લોકાભિમુખ શાસન વિશે મેં વિગતવાર ચર્ચા કરી છે. નીચે જણાવેલા શ્રોતાસમૂહ સમક્ષ અપાયેલાં છ વ્યાખ્યાનો એમાં છે :
(૧) ૧૯૭૯ની ૧૯મી ફેબ્રુઆરીએ મૈસુર (હવે કર્ણાટક) રાજ્ય સચિવાલયના કર્મચારીઓ સમક્ષ, Indian Institute of Public Administration, મૈસુર રિજિનલ બ્રાન્ચના ઉપક્રમે, The Philosophy of Democratic Administration વિષય પર; (૨) ૧૯૭૯ના ઓગસ્ટની બીજી તારીખે, Social Responsibilities of Public Administration ઉપર ન્યુ દિલ્હીના Indian Institute of Public Administrationમાં, (૩) ૧૯૭૯ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ, મુંબઈમાં, Indian Institute of Public Administrationની મહારાષ્ટ્ર બ્રાન્ચમાં, The Science of Human Energy Resources એ વિષય પર, (૪) ડિસેમ્બર ૧૯૮૩ની ૧૫મી એ કેરળના તિરુઅનન્તપુરની બાર્ટન હિલમાં આવેલા Institute of Management in Governmentમાં આપેલા, Human Values in Administration વિષય પર (૫) દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં, એના ટાઉન હોલમાં, ૧૯૮૪ના ડિસેમ્બરની પાંચમીએ The Role of Local Self Government in our Democracુ ઉપર, (૬) ૧૯૮૬ની ૨૪મી માર્ચે, આંધ્રપ્રદેશ સેક્રેટેરિયેટ એમ્પ્લોયીઝ સમક્ષ હૈદરાબાદ સેક્રેટેરિયેટના ખુલ્લા મેદાનમાં Administrative Efficiency and Human Resource Development ઉપર. એ પુસ્તકની હવે પછીની આવૃત્તિમાં લખનૌ સેક્રેટેરિયેટના વિધાન ભવનના ટિળક હોલમાં, ઉત્તર પ્રદેશ ગવર્નમેંટ સેક્રેટેરિયેટ સ્ટાફ સમક્ષ આપેલા The Philosophy of Service પરના પ્રવચનનો સમાવેશ થશે; એ પ્રવચન હાલ, મુંબઈના ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કરેલા Eternal Values for a Changing Societyના ૩જા વોલ્યુમમાં સમાવિષ્ટ છે.
જગતભરમાં લોકો સમક્ષ ગીતાનો સમગ્ર બોધ આત્મવિકાસના આ સંદેશ દ્વારા જાય છે. મહત્તાનો આ એવો પ્રકાર છે કે એની સમક્ષ બીજા સૌને મોટાપણું લાગશે. કેવો તો સુંદર વિચાર! માતાની મહત્તા પાસે બાળક ઉન્નતિ અનુભવશે! ગાંધીજી સમક્ષ સૌ ઉન્નતિ અનુભવતા. એથી આપણું ગૌરવ વધે છે. મુસોલિની અને હિટલર પાસે સૌ લઘુતા અનુભવતા. બીજાઓની મહત્તાનો નાશ કરીને એ લોકો મહત્તા પ્રાપ્ત કરતા. લોકોને, અતિ સામાન્ય લોકોને, મહત્તા પ્રદાન કરવા માટે, રાજા અને ઋષિના અંગમાં સમાવિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ હોવું જોઈએ. અધ્યાત્મના સંસ્પર્શ વિના એવું વ્યક્તિત્વ કદી આવતું નથી. આવાં વ્યક્તિત્વો જ્યાં જ્યાં ઉદ્ભવ્યાં છે ત્યાં ત્યાં એમના આધ્યાત્મિક ગુણોએ લોકોને આકર્ષ્યા છે. એ લોકો મંદિરોમાં, ચર્ચાેમાં કે ગુરુદ્વારાઓમાં ભલે ના ગયા હોય; એ લોકો નાસ્તિક કે અજ્ઞેયવાદી ભલે હોય, પણ એમણે આધ્યાત્મિક વિકાસ સાધેલો છે. અમેરિકાના ઇતિહાસમાં અબ્રાહમ લિંકનનો દાખલો એવો છે કે એમની પાસે જનાર રાંકમાં રાંક માણસ પણ ગૌરવાન્વિત બનીને નીકળતો. માનવીની સાચી મહત્તા એ છે. રાજાશાહીના કાળમાં આવી મહત્તાનાં દૃષ્ટાંત ભાગ્યે જ જોવા મળતાં. રાજા સમક્ષ બીજા બધા દાસ જ હતા. રાજાશાહીના કાળમાં માબાપો સમક્ષ બાળકો નાનાં બની જતાં. એ જૂનો સમાજ હતો. પણ નવો સમાજ જુદો થવાનો છે. માબાપોની હાજરીમાં બાળકોએ ગૌરવ અનુભવવું જોઈએ. એમને પોતાનામાં શ્રદ્ધા જાગવી જોઈએ. કેવો સુંદર ખ્યાલ છે ! ગીતાનો આ યોગસંદેશ લોકોનાં મનહૃદયમાં થોડો પણ પ્રવેશે ત્યારે એ પ્રકારનો માનવવિકાસ આવે છે. એ એકદમ વ્યવહારુ ફિલસૂફી છે. એને કોઈ સિદ્ધાંત સાથે લેવાદેવા નથી તેમજ એમાં કશું જાદુઈ કે રહસ્યમય કશું જ નથી. એ પરિવર્તન છે, માનવઆધ્યાત્મિક વિકાસ છે, પગલે પગલે એ આંતરિક શકયતાઓને ઉઘાડે છે. (ક્રમશ :)\
Your Content Goes Here





