(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)
આધ્યાત્મિકતા એટલે જે સત્ય છે, સાચું છે તે પ્રતિ ગતિ કરતાં કરતાં આનંદની પણ અનુભૂતિ થઈ શકે છે. શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમાના જીવનપ્રસંગો દ્વારા આની જાણ થાય છે. સામાન્ય માન્યતા એવી હોય છે કે અધ્યાત્મની ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિઓ ધીર, ગંભીર અને ક્યારેક શુષ્ક બની જાય છે. જીવનની પ્રવૃત્તિઓમાં તેઓ કોઈ રસ લેતી નથી.
શ્રીમાના જીવનમાં બહારથી તેઓ લજ્જાશીલ, શરમાળ અને શાંત દેખાતાં પરંતુ તેમની વિનોદવૃત્તિ અને ગાંભીર્ય એ બંનેનો સુમેળ જોવાનો લ્હાવો, એમની નજીક રહેનારા અને જીવંત સંપર્કમાં આવનારા થોડા શિષ્યોને મળ્યો હતો. શ્રીમાના વિવિધ કામકાજમાં, વાતચીતોમાં અને સંબંધોમાં તેમની વિનોદીવૃત્તિ ડોકિયાં કર્યા કરતી. શ્રીમાની પવિત્રતા; સહજ, સીધોસાદો રમૂજી સ્વભાવ અને વિનમ્રતા એ એમના હૃદયની અંદર કાયમને માટે આનંદના પૂર્ણ કળશને ભરેલો રાખતાં. શ્રીમાના જીવનમાં ઘણા રમૂજી પ્રસંગો બન્યા હશે. પરંતુ શ્રીઠાકુરની જેમ તે બધાની નોંધ લેનાર માસ્ટર મહાશય જેવું તેમની સાથે કોઈ હતું નહીં. પરદેશી શિષ્યા નિવેદિતા અને દેવમાતાએ થોડાંક સંસ્મરણો લખ્યાં છે.
ભગિની નિવેદિતાને તો શ્રીમાએ એક લાડકી દીકરી તરીકે સ્વીકારેલી હોવાને કારણે બંને એકબીજાની ખુલ્લા દિલે મશ્કરી કરી લેતાં. ભગિની નિવેદિતા એક પત્રમાં શ્રીમાના ઘરમાં કેવી જાતનો દિવ્ય ખેલ ખેલાતો હતો તે વિશે લખે છે કે શ્રીમાના ઓરડામાં જ્યારે અમે બધી બહેનો એકલાં બેસીને ગપ્પાં મારતાં, હસાહસ અને મજાક મશ્કરી કરતાં હોઈએ. અચાનક નીચેથી સંદેશો આવે કે પુરુષશિષ્ય કે ભક્ત શ્રીમાના આશીર્વાદ લેવા કે કોઈ ખાસ કામ માટે આવે છે. તે સાંભળીને શ્રીમા તરત માથાથી પગ સુધી ઘૂંઘટ તાણી લેતાં, તેમનું બોલવાનું બંધ થઈ જતું. તેમની અને આગંતુક પુરુષશિષ્ય વચ્ચે એક સ્ત્રીભક્ત બેસી જતાં. પુરુષભક્ત જે કામ માટે આવ્યો હોય તેની વાત પહેલાં સ્ત્રીભક્ત સાંભળીને શ્રીમાને ધીમા અવાજે પહોંચાડે. શ્રીમા શાંતિથી બધી વાત સાંભળીને તેનો ઉત્તર એકદમ ધીમા અવાજે મહિલાશિષ્યાના કાનમાં કહેતાં. તે શિષ્યા શ્રીમાનો જવાબ મોટા અવાજે પુરુષશિષ્યને પહોંચાડતાં. આ જોઈને હું નવાઈ પામી જતી. શ્રીમાના આવા વર્તનની વાત માને કહેતી કે જે સાંભળીને તેઓ જોરથી હસી પડતાં.
ભગિની નિવેદિતા લખે છે કે શ્રીમા મધુરતાની મૂર્તિ હતાં. કોમળ, પ્રેમાળ અને નાની બાળકીની જેમ આનંદી હતાં. તે દિવસનું તેમનું હાસ્ય સાંભળવા જેવું હતું. જ્યારે મેં આગ્રહ કર્યો કે મારા ગુરુ સ્વામી વિવેકાનંદ તરત ઉપર આવીને અમને મળે, નહીંતર અમે ઘરે પાછાં જતાં રહીશું. જે સાધુ સ્વામીજીનો સંદેશો લાવેલા કે તેમને ઉપર આવતાં વાર લાગશે, તે મને મારા બૂટ તરફ જતી જોઈને ગભરાઈ ગયા. તે સાધુ સ્વામીજીને ઉપર લઈ આવવા જલદીથી ગયા. આ બધો ખેલ જોઈને શ્રીમાના મુખ ઉપરનું ખડખડાટ હાસ્ય જોવા-સાંભળવા જેવું હતું.
સિસ્ટર દેવમાતા લખે છે કે શ્રીમાની ૮ વર્ષની ભત્રીજી રાધુ માટે તેઓ એક રમકડું લાવેલાં. બહારથી તો એક પેટી જેવું પણ ચાંપ દબાવતાં અંદરથી ખાસ તીણો અવાજ કરતો જોકર કૂદીને બહાર નીકળતો. શ્રીમા ઘણી વાર ચાંપ દબાવતાં, જોકરને બહાર નીકળતો જોતાં અને દર વખતે નાના બાળકની જેમ જોકર જેવો તીણો અવાજ કાઢીને પોતે હસતાં અને હાજર રહેલાં બધાને હસાવતાં.
આમ, શ્રીમા બાળક જેવાં બની જતાં. શ્રીમાએ એક વખત સ્વામી વાસુદેવાનંદજીને કહ્યું હતું કે, ‘સાધનાની શરૂઆત માત્ર શુષ્ક તર્કવાદમાં ડૂબ્યા રહેવાથી થતી નથી. એમ કરવાથી મન શુષ્ક થઈ જાય, પરંતુ અવતારી પુરુષની દિવ્યલીલાનો વિચાર કરશો તો તમે આનંદી અને જીવંત રહેશો. હું જ્યારે ૧૦-૧૨ વર્ષની હતી ત્યારે શ્રીઠાકુર સાથે રહેલી. તે દિવસથી મારા હૃદયમાં જાણે કે આનંદનો પૂર્ણ કળશ કાયમ માટે રહેતો હોય તેવો અનુભવ થતો. હું હંમેશાં આનંદમાં જ રહેતી.’ ઠાકુરના દેહાંત બાદ એ ગરીબીના દિવસો પણ શ્રીમાને નિરાનંદ ન કરી શક્યા.
શ્રીમાનું જીવન પણ રસમય હતું. તેઓ જીવનનો શુદ્ધ રસ ચાખતાં અને ચખાડતાં. ખુલ્લામાં યોજાતાં નાટકો તથા સંગીતસંધ્યામાં આનંદપૂર્વક ભાગ લેતાં. ક્યારેક તેઓ જાતે પણ ગાવામાં જોડાઈ જતાં. તેઓ કહેતાં કે દેવ-દેવીઓ પાસે બેસીને તેમની સમક્ષ ઠઠ્ઠા-મશ્કરી તથા નાચગાન દ્વારા તેમને ખુશ કરવાં જોઈએ. એક વખત બેલુર મઠમાં દુર્ગાપૂજાના વિસર્જનના દિવસે ડો. કાંજીલાલને દુર્ગાદેવી સામે ચિત્રવિચિત્ર ચાળા કરતા જોઈને હાજર રહેલા સૌ પેટ પકડીને હસતા હતા. તે જોઈને એક બ્રહ્મચારીએ ડૉક્ટરના આવા લટકચાળા સામે વાંધો ઉઠાવ્યો. એક સાધુએ આ બ્રહ્મચારીના વિરોધની વાત શ્રીમાની સમક્ષ મૂકી, શ્રીમા પણ આ બધો ખેલ જોતાં જ હતાં. શ્રીમાએ કહ્યું, ‘દેવીને તો આ રીતે ખુશ કરવાં જ જોઈએ, એમાં કાંઈ ખોટું નથી.’ બીજી એક વાર જયરામવાટીમાં જગદ્ધાત્રી મૂર્તિ સામે એક ભક્તને ઠઠ્ઠામશ્કરી કરતાં જોઈને શ્રીમાએ તેને એક બાજુએ બોલાવીને કહેલું, ‘તું કાયમ માટે આવો મોજીલો રહેજે. વિશ્વમાતાની સમક્ષ આ રીતે મજાક-મશ્કરી કરીને તેમને ખુશમાં રાખવાં જોઈએ.’
શ્રીમાના મધુર અને બાળક જેવા સરળ હાસ્ય વિશે સ્ત્રીભક્ત સરયૂબાળાએ શ્રીમાના મુખેથી સાંભળેલો આ પ્રસંગ છે. તેઓ કહે છે, “જ્યારે પ્રથમ હું કોલકાતા આવી ત્યારે મેં કદી પાણીના નળની ચકલી જોયેલ નહીં. એક દિવસ હું નહાવાની ઓરડીમાં ગઈ અને જોયું તો નળમાંથી સાપના સિસકારા જેવો અવાજ આવતો હતો, ગભરાટમાં હું બીજી સ્ત્રીઓ તરફ દોડી ગઈ અને બૂમ પાડી, ‘આવો અને જુઓ, નળમાં સાપ છે.’ બધાએ હસીને કહ્યું, ‘ના, ના, તે સાપ નથી. ડરો નહીં. પાણી વહેતાં પહેલાં નળમાં એવો સિસકારા જેવો અવાજ થાય છે.’ ‘પછી તો મને પણ ખૂબ હસવું આવ્યું,’ આમ કહીને શ્રીમા હસ્યાં. કેવું મધુર અને સરળ હાસ્ય! તેમની સાદાઈથી આશ્ચર્ય અનુભવતી હું પણ હસ્યા વગર ન રહી શકી.
શ્રીમા શારદાના રમૂજી અને ટીખળી સ્વભાવની ઝાંખી કરાવતો એક પ્રસંગ છે, જે કાશીની યાત્રા દરમિયાન બનેલો. એક વખત શ્રીમાને ત્રણ-ચાર સ્ત્રીઓ મળવા આવી હતી. શ્રીમા વરંડાના ખૂણામાં બીજા ભક્તો અને શિષ્યો સાથે બેઠાં હતાં. શ્રીમાનાં ભક્ત ગોલાપમા પણ એ ટોળકીમાં હતાં. ગોલાપમાની ઉંમર અને ભવ્ય વ્યક્તિત્વ જોઈ એક જણે તેમને શ્રીમા શારદા જ ધારી લીધાં, પ્રણામ કરી વાતચીત શરૂ કરી. ગોલાપમા સમજી ગયાં અને બોલ્યાં: “મા ત્યાં બેઠાં છે.” શ્રીમાની સાદાઈ જોઈ, પેલાં બહેનને વિશ્વાસ ન આવ્યો અને એમને થયું કે ગોલાપમા મજાક કરે છે. પણ જ્યારે ગોલાપમાએ ભારપૂર્વક ફરીને કહ્યું ત્યારે એ સ્ત્રી ઊઠીને શ્રીમાની પાસે ગઈ. શ્રીમાને આ રમૂજ ચાલુ રાખવાની ઇચ્છા થઈ તેથી તેમણે હસીને કહ્યુંઃ “ના, ના, એ જ મા છે.” પેલી સ્ત્રી મૂંઝવણમાં પડી કારણ કે બંને જણ એક જ રીતે વાત કરતાં હતાં અને એમની વાત પરથી સાચી વાત જાણવી મુશ્કેલ હતી. તેથી જરા અચકાઈ પહેલાં બરાબર સમજી હતી તેમ માનીને ગોલાપમા તરફ જવા ઊઠી, ત્યારે એને ધમકાવીને ગોલાપમાએ કહ્યું: “અરે, તારામાં અક્કલ છે કે નહિ? જોતી નથી કે ચહેરો માણસનો છે કે દેવતાનો? માણસનો ચહેરો શું આવો હોય?” ખરેખર શ્રીમાના સાદા અને શાંત ચહેરા પર અપૂર્વ તેજ હતું, જેની અસાધારણ સ્પષ્ટતા સાત્ત્વિક મનવાળા સમક્ષ પ્રગટ થતી હતી. પણ જેમનું મન સંસારમાં ફસાયેલું હોય અને જેમનામાં અલૌકિક વસ્તુની ધારણા જ ન હોય તેઓ એ શી રીતે સમજી શકે?
ભક્તોનો બાહ્ય આડંબર તેમને મનોરંજન કરાવતો. દુન્યવી ભક્તોના આવા સ્વભાવનું નિરીક્ષણ કરીને જે તે ભક્તના સ્વભાવને શ્રીમા સંપૂર્ણપણે જાણી જતાં, કોઈ પણ વસ્તુ તેમનાથી છૂપી રહી શકતી નહિ. સાહજિક રીતે વાર્તાઓ દ્વારા, શાસ્ત્રવચનો કે ગીતોની પંક્તિઓ ટાંકી બતાવીને, તો ક્યારેક સંકેતો દ્વારા તેઓ ભક્તોની મજાક પણ ઉડાવતાં. આ મજાકમાં ક્યારેય કટાક્ષ કે તુચ્છકારનો અંશ પણ જોવા મળતો નહિ. આમ, મજાક-મશ્કરી દ્વારા ભક્તોમાં રહેલા ભ્રમને હળવાશથી તેઓ દૂર કરતાં.
એક વાર એક ભક્તને શ્રીમાએ કહેલું: ‘જેનું મન હંમેશાં ઇષ્ટમાં કેન્દ્રિત હોય તેનું અનિષ્ટ કેવી રીતે થઈ શકે?’ જે સ્પષ્ટતાથી શ્રીમાએ ઇષ્ટ અને અનિષ્ટનો પ્રાસ બેસાડ્યો તે માત્ર હોશિયારી ન હતી પરંતુ આધ્યાત્મિક પ્રજ્ઞા હતી. શાસ્ત્રોમાં આ જગતને ભગવાનની માયા કે દિવ્યલીલા તરીકે વર્ણવવામાં આવી છે. શ્રીમાએ જીવનમાં આચરણ દ્વારા જાણે કે સાબિત કરી આપેલું કે આ જગત એ દિવ્ય ખેલ છે, માણસ માત્ર એના હાથનાં પ્યાદાં છે. શ્રીમાના આવા જીવનપ્રસંગોનો અભ્યાસ કરતાં આવાં શાસ્ત્રવચનોમાં આપણી શ્રદ્ધા દૃઢ થતી જાય છે.
Your Content Goes Here




