(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને ગુજરાતી સાહિત્યનાં સુપ્રસિદ્ધ લેખિકા છે. – સં.)

કાળચક્ર ફરતું રહે છે, સૈકાઓ બદલાતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વિકસિત યાત્રામાં પ્રત્યેક સ્તરે નવા નવા આવિષ્કારો થતા રહે છે. એની સાથે નવી નવી સમસ્યાઓ પણ ઉદ્‌ભવતી રહે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ માનવને અકલ્પ્ય સિદ્ધિઓ આપી છે. ઘરના એક ખૂણામાં બેસીને સમગ્ર વિશ્વ સાથે સંપર્ક સાધી શકાય છે. પણ મનુષ્યની મૂળભૂત સમસ્યાઓ—ભૂખ, દુઃખો, આવેગો, લાલસાઓ જે પશુમાનવમાં હતી, તે દૂર થઈ નથી. વિજ્ઞાન પશુતાને સભ્યતાના વાઘા પહેરાવે છે, પણ પશુત્વ નિર્મૂળ કરી શકતું નથી. એ તો માત્ર આધ્યાત્મિકતા જ પશુત્વને દેવત્વમાં પલટાવવાની શક્તિ ધરાવે છે, માત્ર ભારત જ સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતા આપી શકે તેમ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, “સમગ્ર માનવજાતને આધ્યાત્મિકતા પર પહોંચાડવી એ ભારતનું જીવનકાર્ય છે, તેના શાશ્વત સંગીતનું હાર્દ છે, તેના જીવનનો પાયો છે.” ભારતના આ જીવનકાર્યમાં ભારતની નારીઓ મહત્ત્વનો ભાગ ભજવશે, એ ભવિષ્યવાણી પણ સ્વામીજીએ કરી છે.

પરંતુ એ માટેે નારીઓએ પોતાની જાતને તૈયાર કરવી પડશે. પાશ્ચાત્ય નારીઓનું આંધળું અનુકરણ, કેવળ બુદ્ધિમત્તાની બાહ્ય ટાપટીપ, સ્વકેન્દ્રિત વ્યક્તિત્વ અને સંકુચિત મનોદશામાંથી નારીઓએ બહાર નીકળવું પડશે. પોતાના અંતર્નિહિત ગુણોની સાથે પાશ્ચાત્ય કેળવણીનો સમન્વય કરવો પડશે. અમેરિકાની સ્ત્રીઓને આપેલા વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહ્યું હતું, “તમારી બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે એ મને બહુ જ ગમે, પરંતુ જો તે પવિત્રતાને ભોગે આવતી હોય તો નહીં. તમારા જ્ઞાન માટે મને માન છે. પણ જે ખરાબ છે, તેને ફૂલોના ઢગલાની નીચે ઢાંકીને તમે ઉપરથી સારું કરો છો, તે રીત મને પસંદ નથી. બુદ્ધિમત્તા એ સર્વોચ્ચ માંગલ્ય નથી, અમે જે વસ્તુ માટે પ્રયાસ કરીએ છીએ, તે છે—ચારિત્ર, નીતિમત્તા, અને આધ્યાત્મિકતા.”

ભારતની આધુનિક નારીએ વિકસતા દરેક ક્ષેત્રમાં છલાંગ લગાવી છે. ધર્મ, રાજકારણ, ઉદ્યોગ, સાહિત્ય, કલા અને સંરક્ષણ—આ બધાં જ ક્ષેત્રોમાં ભારતની નારીઓ પોતાની બુદ્ધિમત્તા, કાર્યનિષ્ઠા અને પુરુષાર્થ દ્વારા આગળ આવી છે. પરંતુ ભૌતિક વિકાસની દોડમાં જો આધ્યાત્મિકતા નહીં જાગે, ધર્મ, જાતિ અને સંસ્કારોનું સિંચન નહીં થાય, અને નારી જો માતા તરીકેનું પોતાનું કર્તવ્ય ચૂકી જશે, તો માત્ર અમેરિકામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ‘ગન-કલ્ચર’ વ્યાપી જશે. આવનારી પેઢીઓને ઉગારવાની એકમાત્ર શક્તિ માતાઓમાં જ રહેલી છે. માતાનાં સ્વાર્પણ, ત્યાગ અને સંતાનો પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમનો પ્રભાવ પરિવારમાં અને બાળકોમાં હંમેશાં પડે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “ક્રિયાશક્તિ કરતાં સહનશક્તિ અનેકગણી બળવાન છે. ધિક્કારની શક્તિ કરતાં પ્રેમનો પ્રભાવ વધુ સામર્થ્યવાન છે.”

આપણી નારીઓએ આધુનિક યુગમાં કમ્પ્યૂટર ટેક્નોલોજીના જ્ઞાનની સાથે સાથે પોતાની અંદર રહેલાં પ્રેમ અને સ્વાર્પણ, ત્યાગ, સેવા અને સહનશીલતાથી કુટુંબજીવન અને સમાજજીવન ઉગારી લેવાનું છે. એટલું જ નહીં, પણ તેને ઉન્નત કરવાનું છે. આ માટે નારીનો જો કોઈ શ્રેષ્ઠ આદર્શ હોય તો તે શ્રીમા શારદાદેવી છે. આધુનિક નારી માટે શ્રીમા શારદાદેવી એ એક એવો પરિપૂર્ણ આદર્શ છે કે, એવો આદર્શ હજુ સુધી કોઈ પણ ધર્મની નારીમાં જોવા મળતો નથી.

પ્રેમાળ પુત્રી, આદર્શપત્ની, શ્રેષ્ઠ સાધ્વી, વાત્સલ્યમયી મા, જાગૃત ગુરુ, ઉત્તમ સંચાલિકા, કરુણામયી સંઘમાતા—આ બધાં જ સ્વરૂપોથી શ્રેષ્ઠ બનેલાં શ્રીમા શારદાદેવીના જીવન જેવું બીજું કોઈ જીવન જોવા મળતું નથી. પવિત્રતા, પ્રેમ, માતૃત્વ, લજ્જા, સહિષ્ણુતા, સમભાવ, દૂરદર્શિતા, આંતરસૂઝ, ઉદારતા અને ક્ષમા—નારીને ભગવાને આપેલા આ દસ ગુણો શ્રીમા શારદાદેવીના વ્યક્તિત્વમાં એક સાથે જાેવા મળે છેે.

સ્વામી વિવેકાનંદે શ્રીમાના આવા અપૂર્વ જીવનની વિશિષ્ટતા વિશે કહ્યું હતું, “શ્રીમાના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ નહીં. ધીમે ધીમે બધાં સમજશે. જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, એ મહાશક્તિના પુનઃજાગરણને માટે મા અવતીર્ણ થયાં છે. તેમના આગમનને લઈને ફરી એક વાર જગતમાં ગાર્ગી અને મૈત્રેયીઓ ઉત્પન્ન થશે. અમેરિકા જતાં પહેલાં મેેેં, મા પાસેથી આશીર્વાદ માગ્યા હતા. તેમણે આશીર્વાદ આપ્યા કે બસ, છલાંગ લગાવીને હું સાગરપાર પહોંચી ગયો!” શ્રીમાની શક્તિથી સ્વામીજીએ કેવડી મોટી છલાંગ લગાવી કે સમગ્ર વિશ્વને આવરી લીધું!

આધુનિક નારીઓ માટે શ્રીમાનું જીવન આદર્શરૂપ છે. નારીઓની સમસ્યાઓનું સ્પષ્ટ નિરાકરણ શ્રીમાના જીવનના અનેક પ્રસંગોમાંથી મળે છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે.

ગૃહસ્થ જીવનની સમસ્યાઓનું સમાધાન

આઘુનિક સમયમાં સંયુક્ત કુટુંબો ભાંગતાં જાય છે. વિભક્ત કુટુુુંબોમાં પતિ-પત્ની વચ્ચે પણ વૈમનસ્ય, વિખવાદ, સ્વાર્થપરાયણતા જાેવા મળે છે. ગૃહસ્થ જીવન કેવી રીતેે જીવવું, પરિવારને એકસૂત્રમાં કેવી રીતે બાંધી રાખવો, તે શ્રીમા શારદાદેવીના જીવનમાંથી જોવા મળે છે. જ્યારે તેઓ બીજી વખત જયરામવાટીથી દક્ષિણેશ્વર આવ્યાં અને હજુ તો હોડીમાંથી નીચે ઊતરીને દક્ષિણેશ્વરના દરવાજામાં પ્રવેશ્યાં, ત્યાં જ શ્રીરામકૃષ્ણદેવના ભાણેજ હૃદયરામે તેમનું અપમાન કરી કહ્યું, “અહીં તમારું શું કામ છે? શા માટે આવ્યાં? પાછાં જતાં રહો.” ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર, તેઓ હોડીમાં બેસીને પાછાં જયરામવાટી ગયાં! એ પછી ક્યારેય તેમણે આ વાતનું ઉચ્ચારણ પણ કર્યું નહીં. આ સહિષ્ણુતા, પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી લેવાની આંતરિક સ્થિતિ, જાે સ્ત્રીઓમાં કેળવાય તો કુટુંબ-ક્લેશ ક્યારેય ઉદ્‌ભવે નહીં. ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત્‌ મૂર્તિ હોવા છતાં, તેઓ હંમેશાં કુટુંબથી ઘેરાયેલાં રહેતાં. ઠાકુરના તિરોધાન પછી તેમના ભત્રીજા રામલાલે દક્ષિણેશ્વરમાંથી મળતું માસિક સાત રૂપિયાનું પેન્શન બંધ કરાવી દીઘું, ત્યારે પણ કોઈ ફરિયાદ નહીં! કોઈ પાસે કદી પણ આ વાતનું ઉચ્ચારણ પણ કર્યું નહીં અને પોતે ભયંકર આર્થિક તંગીમાં કામારપુકુરમાં જઈને રહ્યાં. તેમણે કહ્યું છે, “સહનશક્તિ મહાન ગુણ છેે, એના જેવો બીજાે એકેય ગુણ નથી.” આધુનિક નારીઓએ એ મહાન ગુણ ગુમાવી દીધો છે. આજની  સ્ત્રીઓ અસહિષ્ણુ બની ગઈ છે. અને એથી જ પરિવારમાં કંકાસ, ક્લેશ અને દુઃખ  સર્જાય છે. શ્રીમાનો આ ઉપદેશ જે ‘સહે છે, તે પામે છે’ એ કુટુંબજીવનની શાંતિનો આધારસ્તંભ છે.

શ્રીમાનો પરિવાર પણ સામાન્ય પરિવાર જેવો  જ હતો. સ્વાર્થી ભાઈઓ, જિદ્દી અને ધૂની ભત્રીજીઓ, છૂતાછૂતની સનકથી પીડાતી ભત્રીજી નલિની, સળગતું લાકડું લઈને શ્રીમાને મારવા આવેલી ભાભી સુરબાળા—આવા બધા પરિવારજનોની વચ્ચે સમતાપૂ્ર્વક કેવી રીતે જીવવું, એ શ્રીમાના જીવનમાંથી શીખવા મળે છે. સંસારની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક જીવન, સાધનામય જીવન જીવી શકાય છે, એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત શ્રીમા છે.

ત્રસ્ત જીવનમાં શાંતિની પ્રાપ્તિ માટે શ્રીમાએ આપેલો ઉપાય

ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ કોઈ પણ મનુષ્યને જાે શાંતિ જાેઈતી હોય, તો શ્રીમાએ સ્થૂળ જીવનમાંથી વિદાય લેતાં પહેલાં જે અંતિમ શબ્દો ઉચ્ચાર્યા હતા, તેમાં શાંતિપ્રાપ્તિનો શ્રીમાનો સંદેશ છે.

તેઓએ કહ્યું હતું, “જો તમારે શાંતિ જોઈતી હોય, તો કોઈના દોષ ન જોવા, દોષ જોવા હોય તો પોતાના જોવા.” આજના સમાજમાં સ્ત્રીઓની અશાંતિનું એક કારણ બીજાના દોષ જોવામાં રહેલું છે. પરિવારમાં, ઑફિસમાં, સંસ્થાઓમાં મોટે ભાગે લોકો એકબીજા પર દોષારોપણ કરતા હોય છે. તેથી બંને પક્ષે મન વ્યગ્ર અને ઉચાટભર્યું રહે છે. મનમાં સતત આક્રોશ ભરેલો હોય, મનમાં અગ્નિ ધૂંધવાતો હોય, ત્યાં શાંતિ આવે કેવી રીતે? આથી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો સરળ ઉપાય બીજાના દોષ ન જોવામાં રહેલો છે. સ્ત્રીઓને માટે તો શ્રીમાએ આગળ પણ કહ્યું છે, “આ જગતમાં કોઈ પરાયું નથી. બધાં પોતાનાં જ છે, એમને પોતાનાં કરતાં શીખો.” જ્યાં ‘આત્મવત્‌ સર્વભૂતેષુ’ની ભાવના હોય, ત્યાં વિખવાદ-કલહ-કંકાસ ટકતાં નથી.

 મુશ્કેલીઓમાં સ્વસ્થ રહેવા માટે શ્રીમાએ સૂચવેલો માર્ગ

દરેક મનુષ્યને જીવનમાં મુશ્કેલીઓ તો એક યા બીજા પ્રકારે આવવાની જ, પરંતુ મનુષ્ય મુસીબતોથી ગભરાઈને ઘણી વાર આત્મહત્યાના માર્ગે પ્રેરાય છે. હતાશા, નિરાશા, ચિંતાથી ઘેરાઈને દુઃખી દુઃખી થઈ જાય છે. તેમાંય નાની એવી મુશ્કેલીઓથી પણ આજની યુવતીઓ ગભરાઈ જાય છે, અને આડાંઅવળાં પગલાં ભરી બેસે છે. શ્રીમાના આ શબ્દો દરેક યુવતીએ મંત્રની માફક રટતા રહેવા જોઈએ. શ્રીમા કહે છે, “મુસીબતો તો આવે, પણ તે જિંદગીમાં બેઠી રહેતી નથી. તે બધી પુલ નીચેના પાણીની માફક સડસડાટ વહી જાય છે.” શ્રીમાનું આ વાક્ય જ મુસીબતોનું જોર ઓછું કરી નાખે છે. અને મુશ્કેલીઓમાં સ્વસ્થ રહેવાની શક્તિ આપે છે.

આધુનિક યુવતીઓ દુઃખથી હતાશ અને નિરાશ થઈને પોતાના ભાગ્યને દોષ દેતી ચુપચાપ આંસુ સારતી, પોતાનું દુઃખી જીવન પસાર કરતી રહે છે. તેઓનું આખું જીવન દુઃખમાં અને રડવામાં જ પસાર થઈ જાય છે. આવી સ્થિતિમાં શ્રીમાનું આ વાક્ય તેમના ભાગ્યને પલટાવવાનો સચોટ રસ્તો બતાવે છે. શ્રીમા કહે છે; “જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું, તે વિધિ જાતે જ ભૂંસી નાખે છે.” શ્રીમા એમ પણ કહે છે કે ચુપચાપ ઈશ્વરનું નામ લેવું એ જીવનની સમસ્યાઓના ઉકેલ માટેનો સહેલામાં સહેલો અને ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. આ ઉપાયનો અમલ કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે થઈ શકે છે. સ્ત્રીઓનાં દુઃખ અને ત્રાસનું એક કારણ, તેમના પ્રત્યે થતો કઠોર વ્યવહાર અને કટુ શબ્દોનો પ્રહાર પણ છે. આ સંદર્ભમાં પણ શ્રીમા કટુ વ્યવહાર કરનારને સાવધાન કરતાં કહે છે, “શબ્દો દ્વારા ક્યારેય બીજાઓને દુભવવા નહીં. કારણ વગર અપ્રિય સત્ય બોલીને પણ બીજાઓનું મન દુઃખી કરવું નહીં. કઠોર શબ્દોનો ઉપયોગ કરવાથી પોતાનો સ્વભાવ પણ કઠોર થઈ જાય છે.”

ઘરગૃહસ્થીની જાળવણી

આધુનિક સ્ત્રીઓ બહિર્મુખ થતી જાય છે. પરિણામે ઘરોમાં સુવ્યવસ્થા જળવાતી નથી. સંતાનોના ઉછેર પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી. વોટ્‌સએપ, ફેસબુક, યુ-ટ્યૂબ, ચેટિંગ, ગેઈમ્સ, કીટીપાર્ટી, ક્લબો—આ બધામાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ ઘરમાં પૂરતું ધ્યાન આપી શકતી નથી. અને જ્યારે કામ કરવાનું આવે, ત્યારે તેમને બોજો લાગે છે. તેમાંય નોકરી કરતી બહેનો બહારનાં કાર્યો અને ગૃહકાર્યોનું વ્યવસ્થિત સમાયોજન ન કરી શકતી હોવાને કારણે જીવનમાં બોજો, થાક, તનાવ, ઉદ્વેગ, ચિંતા અનુભવે છે. ઘરમાં બાળકો-પતિ તથા વડીલોની જરૂરિયાતો પ્રત્યે પૂરતું ધ્યાન ન આપી શકતી હોવાથી, ઘરના સભ્યો પણ તનાવગ્રસ્ત રહે છે. આ પરિસ્થિતિમાં બહારનું કાર્ય કરતી મહિલાઓ માટે પણ શ્રીમાનું જીવન પ્રેરણાદાયી છે. શ્રીમા સંઘ-માતા હતાં, ગુરુ હતાં, આધ્યાત્મિક ઊંચાઈ પર રહેતાં હતાં. અસંખ્ય ભક્તો-શિષ્યોનાં માર્ગદર્શક હતાં.

બધાં જ કાર્યોની વચ્ચે રહીને પણ શ્રીમાએ કુશળ ગૃહિણીની જેમ ગૃહસંચાલન કર્યું. ચોમાસા પહેલાં ઘરનાં છાપરાં સમાં કરાવવાં, છાણાં-બળતણ સૂકવીને ભરી લેવાં, જગદ્ધાત્રી પૂજા માટે અગાઉથી તૈયારી કરી લેવી, અતિથિ-અભ્યાગતોનું સ્વાગત કરવું, પાર્સલમાં આવેલા નકામા કાગળોનો ફરી ઉપયોગ કરવો, શેરડીનાં છોતરાં સૂકવીને બળતણમાં લેવાં, શાકભાજી-ફળો સમારીને છોતરાં ગાયને નાખવાં, ઘરની વસ્તુઓની જાળવણી બરાબર કરવી—આ બધાં જ કાર્યો તેઓ કરતાં હતાં. ભલે આધુનિક યુગમાં સ્ત્રીઓને  સગવડનાં અન્ય સાધનો હોવાથી આ બધાં કાર્યો કરવાનાં રહેતાં નથી, પરંતુ કોઈપણ કાર્ય કરવું હોય, પછી તે નાનું હોય કે મોટું, તેનું અગાઉથી વ્યવસ્થિત આયોજન કરી લેવું, એ આજની નારીએ શીખવાનું છે.

ખાવાપીવાની વ્યવસ્થાનું આયોજન

આધુનિક સમાજમાં સ્ત્રીઓને રસોઈ કરવાનું પસંદ નથી પડતું. પરિણામે રેસ્ટોરાં, હોટેલો, નાસ્તાગૃહોમાં ભીડ વધતી જ જાય છે. બહારનું ખાવાથી તન અને મન બન્ને અશાંત બની જાય છે. બાળકોમાં પણ ચંચળતા, અશાંતિ અને એકાગ્રતાનો અભાવ વધતો જાય છે. આ સંદર્ભમાં પણ શ્રીમાના જીવનમાંથી આધુનિક નારીએ શીખવાનું છે! મા પાસે તો અસંખ્ય ભક્તો આવતા જ રહેતા. ઉદ્‌બોધનમાં તો શ્રીમાએ ખાવાપીવાની સુંદર વ્યવસ્થા કરાવી હતી. કોને શું ભાવે છે, તે વિશે શ્રીમા રસોઈ કરનારને જણાવી દેતાં અને એ વાનગી તે વ્યક્તિની થાળીમાં વધુ પિરસાવતાં. ભોજન પછી જેને પાનનો શોખ હોય, તેને શ્રીમા જાતે પાન બનાવીને વધારે પાન આપતાં. વસ્તુઓની વહેંચણીમાં પણ જેને કિનારીવાળી ધોતી પસંદ હોય, તેને એ ધોતી આપતાં. જેનાં કપડાં વધારે ઘસાતાં હોય, તેને વધારે કપડાં આપતાં. જયરામવાટીમાં ગિરીશબાબુને ચા તૈયાર કરી આપવા માટે મા સ્વયં વહેલી સવારે દૂધ લેવા જતાં. આમ, દરેક ભક્તનું શ્રીમા ધ્યાન રાખતાં. અરે! નોકરો, પાલખી ઊંચકનારાઓ, મજૂરો—આ બધાને પણ શ્રીમા ભરપેટ જમાડતાં. શ્રીમાના આવા ઉમદા વ્યવહારને કારણે તેમની પાસે આવનારને પરમ શાંતિ મળતી.

દૂરદર્શિતા-આંતરસૂઝ અને વ્યવહારદક્ષતાની આવશ્યકતા

આજના યુગમાં સ્ત્રીઓ ભૌતિક સુવિધાઓની અને બાહ્ય વૈભવ-સંપત્તિની પ્રાપ્તિ માટે પોતાની આંતરસૂઝ ગુમાવી દે છે. ભવિષ્યમાં આનું પરિણામ કેવું આવશે, તેનો વિચાર જ તેમને આવતો નથી. ‘વર્તમાનમાં ભોગવી લેવું, ભવિષ્યમાં જે થવું હોય તે થાય’ એવી મનોવૃત્તિ આજના યુગમાં વધતી જાય છે, પરંતુ વગર વિચાર્યે કરેલાં વર્તમાનનાં કાર્યોનાં જ્યારે પરિણામો સામે આવીને ઊભાં રહે છે, ત્યારે બેબાકળી બનીને ન કરવાનું કરી બેસે છે. આ સંદર્ભમાં શ્રીમાના જીવનના અનેક પ્રસંગો આધુનિક નારીને બોધપાઠ આપી જાય છે.

સ્વામી વિવેકાનંદે સેવાકાર્ય માટે જરૂર પડશે તો મઠ માટે લીધેલી જમીન પણ વેચી નાખીશ, એમ જ્યારે કહ્યું, ત્યારે શ્રીમાએ તેમને બોલાવીને કહ્યું હતું, “બેટા, મઠની જમીન વેચી શકાય નહીં. ભવિષ્યમાં આવનારા મારા સંન્યાસી પુત્રોને માટે રહેવાનું સ્થાન તો જોઈશેને? તમે બધા તો અહીંતહીં, ગમે ત્યાં રહી શકશો. ઝાડ નીચે પણ સૂઈ શકશો, પણ ભવિષ્યના સાધુઓનું શું? તેઓ તમારી જેમ નહીં રહી શકે. અને વળી, આ તો ટ્રસ્ટની જમીન છે, એ કેવી રીતે વેચી શકાય.” આમ, શ્રીમાએ દૂરગામી પરિણામની વાત કરીને મઠની જમીન વેચવાના સ્વામીજીના વિચારને જ દૂર કરી દીધો!

અદ્વૈત આશ્રમ, માયાવતીમાં પણ ઠાકુરની છબી-પૂજા વિશે જ્યારે સ્વામી વિવેકાનંદે વિરોધ કર્યો, ત્યારે  તેમના આ વલણ વિશે વિવાદ ઊભો થયો હતો, પરંતુ શ્રીમા શારદાદેવીએ પોતાની આંતરિક સૂઝથી આ વિવાદ શમાવી દીધો કે ઠાકુર પણ અદ્વૈતના જ ઉપાસક હતા, તો એક સ્થાન ભલેને અદ્વૈતની આરાધના માટે રહ્યું!

બ્રિટિશ સરકારને એવું લાગ્યું કે બેલુર મઠ ક્રાંતિકારીઓનું આશ્રયસ્થાન છે અને તેથી સરકારની કરડી નજર મઠ ઉપર રહેવા લાગી, પરંતુ જ્યારે શ્રીમાના ધ્યાનમાં આવ્યું કે તરત જ તેમણે સ્વામી સારદાનંદજીને ગવર્નર પાસે મોકલીને સરકારની આ શંકાને દૂર કરાવી દીધી! તેઓ ભલે કોઈ શાળામાં ભણ્યાં ન હતાં, પરંતુ તેમની આંતરસૂઝ અને દીર્ઘદૃષ્ટિથી તેમણે બેલુર મઠને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી પણ બચાવી લીધો! જયરામવાટીમાં શ્રીમાના ઘર ઉપર પંચાયતે ચાર રૂપિયા ટેક્સ નાખ્યો અને તેમની ગેરહાજરીમાં સેવકોએ એ ટેક્સ ભરી દીધો! શ્રીમા જ્યારે જયરામવાટી આવ્યાં, ત્યારે તેમણે કહ્યું, “અત્યારે તો તમે આ ટેક્સ ભરી દીધો, પરંતુ આ તો ધાર્મિક સંસ્થા છે, આના ઉપર ટેક્સ ન હોય—આ વાત પંચાયતમાં જઈને સ્પષ્ટ કરો કેમ કે પછી ભવિષ્યમાં કોણ ટેક્સ ભરશે?” અને શ્રીમાએ પછી આ ટેક્સ રદ કરાવ્યો!

શ્રીમાએ જોયું કે ભવિષ્યમાં કેટલાયે અંગ્રેજી ભક્તો બેલુર મઠમાં આવશે, તેથી અહીંના સાધુઓએ અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. એ માટે—ખાસ, સંન્યાસીઓને અંગ્રેજી શીખવા માટે શ્રીમાએ સ્વામી ધર્માનંદ અને કૃષ્ણભૂષણ દ્વારા વ્યવસ્થા કરાવી.

આ બધા પ્રસંગો દ્વારા શ્રીમાની દૂરદર્શિતા, ભવિષ્યનું દર્શન અને ભવિષ્યની મુશ્કેલીઓ ઉપસ્થિત જ ન થાય એ માટે વર્તમાનમાં વ્યવસ્થા કરવાની આંતરસૂઝ જોવા મળે છે. આધુનિક નારીએ શ્રીમાના જીવનમાંથી આ બધું શીખીને પોતાના જીવનનું ગઠન કરવાનું છે.

વ્યવહારકુશળતા

આધુનિક નારીએ પરિવાર-સમાજમાં રહીને કાર્યો કરવાનાં છે. બધાના હિતમાં નિર્ણયો લેવાના છે. આ કાર્યોમાં વ્યવહારુ ભૂમિકા ઉપર પણ જાગ્રત રહેવાનું છે. શ્રીમાના જીવનમાંથી આનું પણ શિક્ષણ મળે છે. એક શ્રીમંત માણસ પાસેથી બસ્સો રૂપિયામાં એક જમીનનો ટુકડો ખરીદવાનો હતો. એક ભક્તે આ રકમ મોકલાવી હતી. વેચનારનું મન ફરી ગયું અને બસ્સો રૂપિયા પાછા આપી ગયો, ત્યારે શ્રીમાએ કહ્યું, “અત્યારે અનાજની સીઝન છે. અનાજ ખરીદી લો. કામ લાગશે.”

એ વરસે પાક ઓછો થયો, ત્યારે સસ્તા ભાવે ખરીદેલું આ અનાજ ખૂબ જ ઉપયોગી બન્યું. શ્રીમાને સુરેન્દ્રનાથ ગુપ્તે ૮૦/- રૂપિયાની સાડી આપવાની ઇચ્છા કરી, ત્યારે તેમણે કહ્યું કે ૮૦/- રૂપિયાની સાડી આપવા કરતાં થોડી જમીન લઈ દો, જેથી સાધુ-ભક્તોની સેવા થાય. શ્રીમાની કેવી વ્યવહારુ દૃષ્ટિ! આવી દૃષ્ટિ આધુનિક નારીએ કેળવવી જોઈએ, તો વર્તમાનમાં અને ભવિષ્યમાં કોઈ તનાવ કે ચિંતા રહેતાં નથી.

સમાયોજન

કોઈપણ પરિસ્થિતિમાં, પછી ભલે તે ગમે તેવી વિકટ હોય, તોપણ તેમાં સ્વસ્થતાપૂર્વક કેવી રીતે રહેવું, પોતાની જીવનચર્યાને ઉત્તમ કેવી રીતે ગોઠવવી, એ પણ શ્રીમાએ પોતાના આચરણ દ્વારા બતાવ્યું છે. શ્રીમા જ્યારે નોબતખાનાની નાની ઓરડીમાં રહેતાં હતાં, ત્યારે ત્યાં કોઈ જ પ્રકારની સગવડ નહોતી. કોલકતાથી આવતી સ્ત્રીઓ કહેતી, “અરેરે, અમારી સતીલક્ષ્મી કેવી કોટડીમાં રહે છે, જાણે વનવાસ.” આ કોટડીમાં ન જાજરુ, ન બાથરૂમ, ત્યાં જ રસોડું. ઉપર સામાન રાખવા શીકાં લટકાવેલાં. બારસાખ એટલું નીચું કે માથું ભટકાય! આખો દિવસ એમાં જ પુરાઈ રહેવાનું. પડદામાં કાણું પાડીને ઊભાં ઊભાં શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાનાં! આવી પરિસ્થિતિમાં પણ તેઓ સતત આનંદમાં જ રહેતાં. પછી જ્યારે શ્યામપુકુર આવવાનું થયું, ત્યારે ખોબલા જેટલી જગ્યામાં રહેતાં. રાત્રે નાની ઓરડીમાં સૂવા જતાં. છતાં ક્યારેય કોઈ જ ફરિયાદ નહીં!

ઠાકુરના તિરોધાન પછી કામારપુકુરમાં પણ ભયંકર આર્થિક તંગીના દિવસો વિતાવ્યા હતા. સાડીને સત્તર ગાંઠો મારીને પહેરતાં હતાં. છતાં આવી કપરી પરિસ્થિતિની વાત તેમણે પોતાની માતાને સુધ્ધાં કરી ન હતી! કેવી સહનશીલતા, સમતા અને સ્થિરતા! જીવનમાં ગમે તેટલાં દુઃખો અને કષ્ટો આવે, પણ એ સ્થિતિમાં પણ ભગવદ્‌ભાવ જાળવી રાખીને પરિસ્થિતિને કેવી રીતે પાર કરવી, એ શ્રીમાના જીવનમાંથી શીખવા મળે છે.

આત્મરક્ષણ

વર્તમાન સમયમાં સ્ત્રીઓ પર બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસાના બનાવો બનતા જ રહે છે. એ માટે કેટલેક અંશે સ્ત્રીઓ પણ જવાબદાર હોય છે. બાહ્ય ટાપટીપ, ચુસ્ત વસ્ત્રો, આછકલું વર્તન—આ બધું પણ પુરુષોના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ સંદર્ભમાં, જાણે શ્રીમા બધી જ ફેશન પરસ્ત યુવતીઓને શિખામણ આપતાં હોય, એ રીતે તેમની એક ભક્ત સ્ત્રી પોતાની ફેશનેબલ પુત્રીને લઈને શ્રીમા પાસે આવી હતી, તેને નિમિત્ત બનાવીને તેઓ કહે છે, “બેટા, સૌંદર્ય તો આંતરિક છે. ધ્યાન રાખજે, લજ્જા એ સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ છે. ફૂલોની સાર્થકતા તો દેવતાઓને સમર્પિત થાય તેમાં રહેલી છે. છેલબટાઉ માણસો ફૂલોને સહજ સૂંઘીને કહે છે, ‘કેટલી સરસ સુગંધ છે!’ પણ બીજી જ ક્ષણે ફૂલને ફેંકીને જોડા નીચે કચડી નાખે છે.” શ્રીમાની આ શિખામણ પ્રત્યેક બાલિકા, કિશોરી અને નવયુવતી સુધી પહોંચે, તો ખરેખર પોતાના દેહ-પ્રદર્શનમાંથી તે મુક્ત બની શકશે.

એમ છતાં પણ, જો ક્યારેક કોઈ દુષ્ટજનનો હુમલો થાય તો સ્ત્રીએ પોતાની આંતરિક શક્તિઓ જાગ્રત કરી, તેનો સામનો કરવો જોઈએ.

શ્રીમાના પોતાના જ જીવનની વાત છે; ત્યારે શ્રીમા કામારપુકુરમાં હતાં. શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હરીશને મગજની બીમારી થઈ ગઈ હતી. શ્રીમા પર તેની દાનત બગડી અને તેણે શ્રીમાનો પીછો કર્યો. શ્રીમા તેનો બદઇરાદો જાણી ગયાં અને તેઓ અનાજની કોઠીની ફરતે દોડવા લાગ્યાં. હરીશ તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો. શ્રીમાને જણાયું કે હવે હદ થઈ ગઈ, એટલે તેને ભોંય પર પછાડી, તેની છાતી પર પગ મૂકી, તેની જીભ બહાર ખેંચીને ગાલ પર તમાચા મારવા લાગ્યાં. અને પછી હરીશ હાંફવા લાગ્યો અને ભાગ્યો. આમ, સમય આવ્યે શ્રીમા પોતે જ દુર્ગા રૂપ બની ગયાં. દરેક સ્ત્રીમાં જગદંબાની શક્તિ રહેલી જ છે. આવા કટોકટીના સમયે એ શક્તિનું આવાહન કરી, તેને જાગ્રત કરીને દુષ્ટોનો સામનો કરી શકાય છે. આ બોધપાઠ પણ શ્રીમાના પોતાના અનુભવો દ્વારા મળે છે.

આ રીતે આધુનિક યુગમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલી-ત્રસ્ત સ્ત્રીઓને શ્રીમા શારદાદેવીનું જીવન, દર્શન અને કાર્ય મુક્તિનો માર્ગ બતાવે છે, નવું જીવન જીવવાનું બળ આપે છે, સમસ્યાઓનો સામનો કરવાની હિંમત આપે છે, દુઃખોને સમતાપૂર્વક પાર કરવાની દૃષ્ટિ અને શક્તિ આપે છે તથા સ્ત્રીઓને પોતાનાં સાચાં કર્તવ્યો પ્રત્યે જગાડીને, પોતાનામાં રહેલા આત્મતેજને પ્રકાશિત કરી દે છે. વળી સંસારની વચ્ચે રહેલી સ્ત્રીઓ માટે પણ ઉચ્ચ આધ્યાત્મિક માર્ગ ખુલ્લો કરી આપે છે. આવાં શ્રી શ્રીમા શારદાદેવીને શતશઃ પ્રણામ.

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.