જ્યોતિ બહેન થાનકી
એ અવિસ્મરણીય દિવસ
‘જીવનનો સહુથી અદ્ભુત દિવસ’
૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ શબ્દો લખ્યા હતા. આ દિવસ એમના જીવનનો સહુથી મહાન દિવસ બની ગયો હતો. આ દિવસે તેમને શ્રીરામકૃષ્ણદેવના લીલાધર્મચારિણી શ્રીમા શારદાદેવીની પ્રથમ મુલાકાત થઈ. અત્યાર સુધી તો તેમણે પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદ પાસેથી શ્રીમા શારદાદેવીની વાતો સાંભળીને પોતાના મનમાં શ્રીમાની પરમ પવિત્ર છબિની કલ્પના જ કરી હતી. પણ એ પાવિત્ર્ય, કારુણ્ય અને પ્રેમના મૂર્તિમંત સ્વરૂપનાં પ્રત્યક્ષ દર્શન નહોતાં કર્યાં. આથી વારંવાર તેમના મનમાં એ પ્રશ્ન ઊઠતો હતો કે ‘શ્રીમા કેવાં હશે? અને તેઓ મને સ્વીકારશે ખરાં?
કેમકે તેઓ તો વિદેશી હતાં. મિસ માર્ગરેટ નોબલ સ્વરૂપે ભારતમાં આવ્યાં હતાં. અલબત્ત તેઓ કંઈ સામાન્ય વિદેશી મહિલા જેવાં નહોતાં. સત્યની શોધ માટેની પ્રચંડ ઝંખના એમના હૃદયમાં સતત પ્રજ્જ્વળતી હતી. બુદ્ધધર્મનો ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. ખ્રિસ્તી ધર્મનાં શાસ્ત્રોનું અધ્યયન પણ તેમણે કર્યું હતું. છતાં તેમના મનનું સમાધાન તેમને ક્યાંયથી મળ્યું ન હતું. તેઓ પોતે લેખક, ઉત્તમ વક્તા, શિક્ષણશાસ્ત્રી, વિવેચક, સમાજસુધારક અને પ્રખર મેધાવી વિદુષી હતાં. દરેક ક્ષેત્રમાં તેમની પ્રતિભા ઝળહળતી હતી. એમના અંતરમાં પ્રજ્જ્વળતી પેલી સત્યને પામવાની પ્રચંડ ઝંખના એમને સ્વામી વિવેકાનંદ પાસે લઈ આવી. લંડનમાં તેમણે સ્વામીજીના વ્યાખ્યાનો સાંભળ્યા. અને તેમના આત્માનો પોકાર આવ્યો ને સ્વામીજીને તેમને ગુરુ રૂપે સ્વીકાર્યા. એમના શિષ્યા બની ભારત આવ્યાં ૨૮મી જાન્યુઆરી, ૧૮૯૮ના રોજ.
બરાબર એક મહિના બાદ ૨૭મી ફેબ્રુઆરી ૧૮૯૮ના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સામાન્ય જનતા માટે યોજાયેલા સમારંભમાં નિવેદિતા કુમારી મેક્લાઉડની સાથે ગયાં. તેમણે બંનેએ પવિત્રતા અને ત્યાગના પ્રતીક સમી ભગવા રંગની સાડી પહેરી હતી. એક તો વિદેશી, તેમાં પાછી મહિલાઓ, અને વળી તેમાં તેમણે પહેરેલાં ભગવા વસ્ત્રો! ઉત્સવમાં આવેલા મોટાભાગના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં. કેટલાય બંગાળી મહાશયો એમની પાસે આવી પહોંચ્યા. આ બધાં તો સામાન્ય લોકો હતા. તેઓ આ વિદેશી સ્ત્રીઓ સ્વામી વિવેકાનંદની શિષ્યાઓ છે, એ વિશે કંઈ જ જાણતા ન હતાં. આથી કોણ છો? અહીં શા માટે આવ્યાં છો? ક્યાં રહો છો? આ ભગવા વસ્ત્રો શા માટે ધારણ કર્યા છે? એ અંગે જાતજાતના પ્રશ્નો પૂછવા લાગ્યા. કેટલાકે તો એમ પણ કહ્યું કે તમે તો પરદેશી છો, તમને આ ભગવાં વસ્ત્રો પહેરવાનો અધિકાર કોણે આપ્યો? લગભગ એક કલાક સુધી આ વિશે એ બંગાળી મહાશયો સાથે તેમનો વાર્તાલાપ થયો. પણ પછી જ્યારે તેમણે જોયું કે આ વિદેશીનારીઓ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ભક્તિ ધરાવે છે, એમના પવિત્ર સ્થળના દર્શન માટે જ ખાસ આવ્યાં છે, ત્યારે પછી પ્રશ્ન પૂછનારાઓના પ્રશ્નો અને કુતૂહલ શમી ગયાં અને તેમણે શ્રીરામકૃષ્ણના ઓરડાના બારણાં ખોલી આપ્યાં, આ હતો સામાન્ય ભારતીયજનોનો નિવેદિતાને થયેલો પ્રથમ અનુભવ! આ બધા લોકો કંઈ ભણેલા નહોતા. તેમનામાં કુતૂહલ હતું. જિજ્ઞાસા હતી. ધર્મચૂસ્તતા પણ હતી. પણ તેમની ધર્મચૂસ્તતા જડ નહોતી. એમના નિયમો અફર નહોતા. જ્યારે એમણે વિદેશીઓના હૃદયમાં પણ પોતાના ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિને જોઈ કે બધી જ ચૂસ્તતા ઓગળી ગઈ. નિયમોના બંધનો છૂટી ગયાં. અને નિવેદિતાને શ્રીરામકૃષ્ણદેવના ખંડમાં મુક્ત પ્રવેશ મળી ગયો. શ્રદ્ધાભક્તિથી છલકાતાં હૃદયે તેમણે પોતાના ગુરુના મહાન ગુરુદેવના સાધનાખંડમાં પ્રવેશ કર્યો. એ મહાન ગુરુદેવે જ્યાં એમના ગુરુનું ઘડતર કર્યું હતું, જ્યાં એમણે સર્વધર્મોની સાધના કરી હતી, જ્યાં એમની આનંદમય જ્ઞાનગોષ્ઠિ થતી હતી. અસંખ્ય ભક્તજનોએ જ્યાં બેસીને જ્ઞાનામૃતનું પાન કર્યું હતું, એ પવિત્ર ભૂમિ, એ સાધના ભૂમિ પર નિવેદિતા ઊભા હતાં! એમનું હૃદય અકથ્ય ભાવોથી ભરાઈ ગયું હતું. ભક્તિપૂર્ણ હૃદયે ઘૂંટણિયે પડીને તેમણે શ્રીરામકૃષ્ણદેવ જાણે સાક્ષાત્ ત્યાં પાટ ઉપર બિરાજમાન હોય તેમ પ્રણામ કર્યા અને એમના હૃદયમાં રહેલાં પ્રેમ અને ભક્તિ આંખમાંથી આંસુ વાટે વહેવા લાગ્યાં. સ્વામી વિવેકાનંદ દ્વારા એમને શ્રીરામકૃષ્ણદેવ સાથેનો ગાઢ નાતો તો બંધાયેલો હતો જ. પણ એમના ખંડમાં આવીને, જાણે એમની સાક્ષાત્ હાજરીની અનુભૂતિ દ્વારા એ સંબંધ અતૂટ બની ગયો. જાણે શ્રીરામકૃષ્ણદેવે એમના હૃદયને પ્રેમ અને શક્તિથી ભરી દીધું હોય, એવી અનુભૂતિ કરતાં તેઓ એ ખંડમાંથી બહાર આવ્યાં.
એ ખંડમાંથી બહાર નીકળતાં જ તેજમંડિત, કોમળ મુખવાળી વૃદ્ધા એમની પાસે આવી અને એમને સ્ત્રીઓ માટેના અલાયદા ઓરડામાં લઈ ગઈ. આ વૃદ્ધાને સહુ ગોપાલની મા કહેતાં હતાં. તેમનું નામ તો હતું અઘોરમણિદેવી. તેઓ બાલ વિધવા હતાં. પણ પોતાની અનન્યભક્તિ દ્વારા તેમણે બાલ-ગોપાલને પોતાના બનાવી લીધા હતાં. બાલ-ગોપાલ સતત એમની સાથે જ હોય એ ઉચ્ચભાવ સ્થિતિમાં તેઓ રહેતાં હતાં. જ્યારે શ્રીરામકૃષ્ણના તેમણે પ્રથમદર્શન કર્યા, ત્યારે એમને થયું કે આ જ મારા સાક્ષાત્ બાલ-ગોપાલ છે. ત્યારથી શ્રીરામકૃષ્ણદેવના ભક્તો એમને ‘ગોપાલની મા’ના નામથી બોલાવવા લાગ્યા. ગોપાલની મા તો હતાં ચૂસ્ત બ્રાહ્મણધર્મનું પાલન કરનારાં. અને સામે હતી પાશ્ચાત્ય કેળવણી પામેલી આધુનિક વિદેશી મહિલાઓ. દેશ જુદો, પહેરવેશ જુદો, ભાષા જુદી, રીતરિવાજ જુદા, અને બંને પક્ષે કેળવણીની કક્ષામાં આસમાન જમીનનો તફાવત, એક તદ્દન અશિક્ષિત, ફક્ત અતૂટ શ્રદ્ધાથી પરમાત્માને બાલસ્વરૂપે ભજનારી ગ્રામ્ય વૃદ્ધા અને બીજી બાજુ ઉચ્ચ કેળવણી પામેલી, આધુનિક સભ્યતાથી સજ્જ વિદુષી વિદેશી મહિલાઓ! બંને પક્ષે દેખીતું કોઈ જ પ્રકારનું સામ્ય નહોતું. તેથી દેખીતી રીતે બંને વચ્ચે કોઈ જાતના વ્યવહારની શક્યતા જ નહોતી છતાં જે આંતરિક સામ્ય હતું, તેણે પ્રેમભર્યા વ્યવહારને શક્ય બનાવ્યો. એ સામ્ય હતું, અંતરના ભાવનું સામ્ય, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા-ભક્તિનું સામ્ય, ભલે જુદા જુદા સ્વરૂપે કે માર્ગે પણ સત્યને પામવાની પ્રબળ ઝંખનાનું સામ્ય. આ સામ્યને લઈને જ પરસ્પરના હૃદયોમાં પ્રેમની ભરતી ઊઠી. ગોપાલની મા આ વિદેશી મહિલાઓને પ્રેમપૂર્વક સ્ત્રીઓના ખંડમાં લઈ આવ્યાં અને ત્યાં તેમણે આ મહિલાઓના હાથને પોતાના હાથમાં લઈને પ્રેમપૂર્વક દબાવ્યા. બસ આ એક નાનકડી ચેષ્ટાએ એ વિદુષી વિદેશી સ્ત્રીઓના હૃદયને ભીંજવી દીધાં. ક્રિયા તો ફક્ત હાથને હાથમાં લેવાની જ હતી, પણ એ દ્વારા આ તપસ્વિની વૃદ્ધાએ પોતાના હૃદયના સૂક્ષ્મ પ્રેમ પ્રવાહને એ સન્નારીઓના છેક અંતરતમ સુધી પ્રવાહિત કરી દીધો. એ પ્રવાહે તેમને હલાવી દીધાં! એક પણ શબ્દનું ત્યાં ઉચ્ચારણ નહોતું, હતો ફક્ત સ્પર્શ. પણ એ સ્પર્શ એ પ્રેમનો સ્પર્શ હતો. એ સ્પર્શે આ વિદેશી સન્નારીઓને એવી પ્રતીતિ કરાવી દીધી કે ‘શ્રીરામકૃષ્ણના વિશાળ પરિવારમાં તમારું ભાવભર્યું સ્વાગત છે.’ આ પ્રકારના સ્વાગતથી નિવેદિતા અભિભૂત બની ગયાં. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું છે: ‘આ પૌર્વાત્ય મહિલાઓને પોતાના પ્રેમ, મમતા ને આત્મીયતાની અભિવ્યક્તિ કરવા માટે કોઈ ભાષાની આવશ્યકતા નથી. એમની પ્રેમભરી દૃષ્ટિ અને સ્પર્શ જ કંઈ પણ બોલ્યા વગર બધું જ કહી દેવા સમર્થ છે. હું માનું છું કે ભારતીયોની આ વિશિષ્ટ સ્વાભાવિક લાક્ષણિકતા દ્વારા એમના પ્રેમને, એમના વિશ્વાસને સારી રીતે જાણી શકાય છે, એના માટે ભાષા બંધનરૂપ નથી.’
વિદેશી તરીકે શ્રીરામકૃષ્ણના સંઘપરિવારનું આ નિવેદિતાનું પ્રથમ દર્શન હતું. શ્રીરામકૃષ્ણદેવની છત્રછાયા નીચે સહુ એક છે. એમાં ક્યાંય કોઈ ભેદ નથી એની એમણે અનુભૂતિ કરી. આ વિશે પણ એમણે લખ્યું હતું: ‘આ પ્રસંગ એક ધાર્મિક ઉત્સવ હતો. જ્યાં બધા અવરોધો, માનવીય ભેદભાવોને હટાવી દેવામાં આવ્યા હતા. ઉચ્ચ-નીચ, સ્ત્રી-પુરુષ, દેશ-વિદેશ, જાતિ, વંશ, ધર્મ, સગા સંબંધી બધાં એક બની ગયાં હતાં. કેમ કે ગોપાલની માની જેમ બધાં એ અનુભવ કરી રહ્યાં હતાં કે ફક્ત શુદ્ધ-સમર્પણ જ બધાંને એકત્ર કરી શકે તેમ છે.’ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનો આ શુદ્ધ સમર્પણભાવ જ સમગ્ર માનવજાતિને એક કરી શકશે, એની પ્રતીતિ આ ઉત્સવ દ્વારા નિવેદિતાને થઈ. તેની શ્રદ્ધા બળવત્તર બની. પણ હજુ આ સમગ્ર ભાવધારાની કેન્દ્રીભૂત મહાશક્તિના મૂર્તિમંત સ્વરૂપના તેમને દર્શન થયાં ન હતાં. પરંતુ આ દિવસો દરમિયાન તેમને શ્રીમા શારદાદેવીની સરલતા, સાત્વિકતા, શુચિતા, સમર્પિતતા, સાધુતા વિશે ઘણું ઘણું સાંભળવા મળ્યું અને તેમની શ્રીમાના પ્રત્યક્ષ દર્શનની ઇચ્છા પ્રચંડ બની ગઈ. અને વારંવાર મનમાં એ પ્રશ્ન ઊઠી રહ્યો હતો, ‘કેવાં હશે મા? કેવી રીતે હું એમને મળીશ?’
આખરે એ દિવસ આવી પહોંચ્યો. એ દિવસ ખ્રિસ્તીઓ માટેનો પવિત્ર દિવસ હતો. સંત પેટ્રિકનો એ દિવસ હતો. જ્યારે મિસ મેકલાઉડ અને શ્રીમતી સારાબુલ સાથે નિવેદિતા શ્રીમાને મળવા માટે ગયાં ત્યારે તેઓ ભારે ઉત્તેજના અનુભવી રહ્યાં હતા. આંતરમનની સપાટી પર જેમની છબિ વારંવાર પ્રગટતી હતી. એ પવિત્રતા સ્વરૂપિણી મા કેવાં હશે? અમને, વિદેશી સ્ત્રીઓને તેઓ કેવી રીતે આવકારશે? કેવી રીતે બોલાવશે? આ વિચારોથી એમનું હૃદય થડકાર અનુભવી રહ્યું હતું. ધડકતા હૃદય સાથે, આતુર દૃષ્ટિ સાથે, તેઓ શ્રીમાના ખંડમાં પ્રવેશ્યાં અને તેમણે જોયું. ધવલ વસ્ત્રોમાં સુસજ્જ નિતાંત, શુદ્ધ પવિત્રતા જાણે ત્યાં સાક્ષાત્ સ્વરૂપે બિરાજમાન છે! એ સૌમ્ય, શાંત સ્વરૂપ, સ્મિતભર્યું મુખ, પ્રેમાળ દૃષ્ટિ, અને આત્માના સહજ આનંદની અભિવ્યક્તિ કરતું અલૌકિક સ્મિત, જોતાં જ નિવેદિતાના હૃદયનો થડકાર શમી ગયો. ક્ષોભ અદૃશ્ય થઈ ગયો. અજ્ઞાતભય ઓગળી ગયો. પ્રશ્નો વિલીન થઈ ગયા. શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. બસ એક પરમશાંતિ અને ગહન પ્રેમે જાણે તેમને હુંફાળા આશ્લેષમાં લપેટી દીધાં. અંતર અપાર આનંદ અનુભવી રહ્યું. એમને થયું કે, ‘અરે, આમની સાથે તો જાણે મારે જનમ, જનમનો સંબંધ છે. અહીં કોઈ અપરિચિતતા નથી. કોઈ દૂરતા નથી. આ તો આપણા પોતાના જ છે. સાવ નજીકનાં જ. આ ભાવ જાગતાં નિવેદિતા આનંદવિભોર બની ગયાં. શ્રીરામકૃષ્ણદેવની સાધનામાં સહાય કરનાર, સર્વ ઐહિક સુખોનો ત્યાગ કરીને પતિની સાથે એમના જેવું જ કઠોર, તપસ્વી જીવન સ્વીકારનાર, અને શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી એમના અસંખ્ય શિષ્યોને આધ્યાત્મિક માર્ગદર્શન આપનાર, ગુરુપદે બિરાજમાન આ માતૃમૂર્તિ આટલી સૌમ્ય, સુમધુર અને સ્નેહપૂર્ણ! પ્રથમ દૃષ્ટિમાં જ નિવેદિતા શ્રીમાના વ્યક્તિત્વને નિહાળીને ભાવવિભોર બની ગયાં. હૃદય અવર્ણનીય આનંદના આંદોલનોથી ભરાઈ ગયું. ત્યાં તો સ્નેહપૂર્ણ સુમધુર અવાજ સંભળાયો, ‘આવો મારી દીકરીઓ.’ ભલે આ આવકાર બંગાળી ભાષામાં હતો, પણ ભાવની, પ્રેમની ભાષાને શબ્દોની ક્યાં જરૂર છે? કોઈપણ ભાષામાં અભિવ્યક્ત કરવામાં કેમ ન આવે? એ ભાવના આંદોલનો ખુલ્લા હૃદયોમાં અચૂક ઝીલાતાં જ હોય છે. અહીં પણ એમ જ થયું. એ આંદોલનો સીધાં આ વિદેશી મહિલાઓના અંતરના ઊંડાણમાં પહોંચી ગયાં. ત્રણેય સન્નારીઓને થયું કે જાણે પોતાની સાચી માતા, વરસો બાદ આવેલી પુત્રીઓને પ્રેમપૂર્વક આવકારી રહી છે. શ્રીમાએ કરેલું પુત્રીઓનું ઉદ્બોધન એ કંઈ માત્ર શાબ્દિક ઉચ્ચારણ નહોતું, એ તો એમના વિશાળ પરિવારમાં સાચ્ચે જ તેમનો પુત્રીઓ સ્વરૂપે કરેલો સ્વીકાર હતો. જે ક્ષણે શ્રીમાએ આ શબ્દો ઉચ્ચાર્યા, એ જ ક્ષણે પૂર્વ અને પશ્ચિમના મિલનનો પાયો નંખાઈ ગયો. એ ક્ષણ તે પાશ્ચાત્ય સભ્યતામાં પૂર્વની આધ્યાત્મિકતાના ઉઘાડની દિવ્ય ક્ષણ બની ગઈ.
‘મારી દીકરીઓ’, એ શબ્દોમાં એવું તો જાદુ હતું, એવી તો આત્મીયતા હતી, એવું તો માતૃવાત્સલ્ય એમાંથી નીતરી રહ્યું હતું કે શ્રીમાના આ પ્રથમ ઉદ્બોધને જ નિવેદિતાને નાની બાલિકા બનાવી દીધાં. પોતાની તીવ્ર બુદ્ધિશક્તિ અને શિક્ષણથી મોટા મોટા વિદ્વાનોને પણ ઝાંખા પાડી દે તેવાં નિવેદિતા, સિંહસમી ગર્જના કરી સભાઓને મંત્રમુગ્ધ કરી દેતાં નિવેદિતા, શ્રીમાના એક જ શબ્દોચ્ચારે માના બાળક બની ગયાં. અને શ્રીમા પાસે એમનું આ બાલિકા સ્વરૂપ કાયમ જ રહ્યું. પછી તો જેમ બધા મુલાકાતીઓને શ્રીમાને ચરણે ધરવા માટે ફળો આપવામાં આવતાં હતાં એ જ રીતે એમને પણ ફળો આપવામાં આવ્યાં. તેમણે શ્રીમાના ચરણોમાં એ ફળો ધર્યા અને શ્રીમાએ એ ફળો સ્વીકારી આ ત્રણેય વિદેશી સન્નારીઓને પોતાના આચરણ દ્વારા એ પ્રતીતિ કરાવી દીધી કે અહીં દેશ કે વિદેશના કોઈ સીમાડા નથી. કોઈ જ ભેદભાવ નથી. શ્રદ્ધા-ભક્તિથી આવનાર સર્વને માટે શ્રીમાના હૃદયના દ્વાર હંમેશાં ખુલ્લાં છે. શ્રીમાએ ફળોનો તો સ્વીકાર કર્યો પણ જોસેફાઈને શ્રીમાને કરેલી વિનંતીનો પણ સ્વીકાર કર્યો અને તેમણે આ વિદેશી મહિલાઓની સાથે ભોજન લીધું! આટલી બધી આત્મીયતાની તો એમને કલ્પના પણ નહોતી. શ્રીમાની સાથે સહભોજન કરવું એ કંઈ નાનીસૂની વાત નહોતી. અને એ પણ આજથી સો વર્ષ પહેલાંના અતિધર્મચૂસ્ત વાતાવરણમાં અને બ્રાહ્મણ પરિવારમાં! એ વખતે તો બ્રાહ્મણો જાતિભેદમાં એટલા બધા ચૂસ્ત હતા કે અબ્રાહ્મણ જાતિ સાથે ભોજન સંપૂર્ણ નિષિધ્ધ હતું. જ્યારે આ તો વિદેશી મહિલાઓ હતી! એમની સાથે ભોજન લેવાનું શ્રીમાનું આ પગલું કેવું ક્રાંતિકારી હતું તેનો ખ્યાલ એ સમયના પરિપ્રેક્ષ્યમાં જોતાં સ્પષ્ટ રીતે આવી શકે છે. શ્રીમાનું હૃદય કેવું ઉદાર અને વિશાળ હશે, એમની આધ્યાત્મિક ભૂમિકા કેટલી બધી ઊંચી હશે, એ શ્રીમાના આ કાર્ય પરથી જાણી શકાય છે. શ્રીમાએ પોતાના હૃદયની આ વિશાળતાથી આ વિદેશી સ્ત્રીઓના મનની તમામ આશંકાઓને નિર્મૂળ કરી દીધી. શ્રીમાનું આ કાર્ય ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલું હતું, પ્રથમ પ્રેમભર્યો આવકાર, બીજું દીકરીઓ તરીકેનો સ્વીકાર અને ત્રીજું સહભોજન દ્વારા એકતાની પ્રતીતિ – આ ત્રણ તબક્કાઓમાં શ્રીમાની દૂરદર્શિતા સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. એ દ્વારા શ્રીમાએ મઠ-મિશનના ભાવિકાર્યનો રસ્તો અત્યંત સરળ બનાવી દીધો. દેશ-વિદેશના સીમાડાને ભૂંસી નાંખ્યા. નરેન(સ્વામી વિવેકાનંદ)નું કાર્ય વિદેશના લોકોમાં દિવ્યતાને જાગૃત કરવાનું કાર્ય પણ શ્રીરામકૃષ્ણનું જ કાર્ય છે, એની પ્રતીતિ કોઈ પણ જાતના ઉપદેશ વગર, જાહેરાત વગર, શબ્દોના ઉચ્ચારણ વગર તેમણે પોતાની સહજપ્રજ્ઞા દ્વારા થયેલાં આ એક નાનકડા કાર્ય દ્વારા કરાવી આપી. દેખીતી રીતે આ કાર્ય અત્યારે ખૂબ સામાન્ય અને નાનું જણાય છે. પણ આ કાર્ય દ્વારા શ્રીમાએ પૂર્વની રૂઢિચુસ્તામાં પશ્ચિમની આધુનિકતાનો સ્વીકાર કરીને મઠ-મિશન માટે નૂતન યુગનો આરંભ કરી દીધો હતો. સ્વામી વિવેકાનંદ પણ શ્રીમાના આ કાર્યથી અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા. તેમણે પોતાના ગુરુભાઈ શશી-સ્વામી રામકૃષ્ણાનંદને મદ્રાસ-પત્રમાં લખ્યું, ‘શ્રીમા હમણાં અહીં છે. આ અમેરિકન અને યુરોપિયન મહિલાઓ એમને મળવા ગઈ હતી. તને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થશે કે શ્રીમાએ તેમની સાથે ભોજન લીધું. શું આ અભૂતપૂર્વ ઘટના નથી? કેવી ઉદારતા!’
નિવેદિતાને પણ શ્રીમાનો આ પ્રેમપૂર્ણ આત્મીય વ્યવહાર ભાવવિભોર કરી ગયો હતો. ૨૨મી મેના રોજ તેમણે પોતાની સહેલી શ્રીમતી નેલ રેમંડને આ વિશે પત્રમાં લખ્યું હતું, ‘શ્રીમા તો માધુર્યની સાક્ષાત્ પ્રતિમા છે. સૌમ્ય, પ્રેમાળ અને મુગ્ધ બાલિકા જેટલાં જ આનંદી. પોતાના પ્રસન્ન મધુર વ્યવહારથી તેઓ બધાના મનને આનંદથી ભરી દે છે. પણ સાથે સાથે તેઓ ચૂસ્ત સનાતની પણ છે. તેઓ પુરાણી પરંપરાઓનું સદા પાલન કરતાં આવ્યાં છે. પણ જ્યારે એમણે અમને વિદેશી મહિલાઓને જોઈ કે તેમની કટ્ટરતા ક્યાંય ઓગળી ગઈ. શ્રીમા પાસે જનારા અતિથિઓને શ્રીમાના ચરણોમાં અર્પણ કરવા માટે ફળો આપવામાં આવે છે, અમને પણ ફળો આપવામાં આવ્યાં. અમે પણ એ ફળો શ્રીમાના ચરણોમાં અર્પણ કર્યાં. અમારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે શ્રીમાએ એ ફળો સ્વીકાર્યાં અને બધાંને આશ્ચર્યચકિત કરી દીધાં. એમની આ ઉદારતાએ આ સમાજમાં અમને પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાવી દીધું. અમે ગૌરવ અનુભવ્યું. એમના આ વ્યવહારે અને ઉદારતાએ મારા ભાવિકાર્યને ખૂબ સરળ બનાવી દીધું છે કે જે બીજી કોઈ રીતે શક્ય ન બન્યું હોત. હવે મને એવું લાગે છે કે મારું ભાવિ કાર્ય જરૂર સફળ થશે.’
શ્રીમાની પ્રથમ મુલાકાતે જ નિવેદિતાનો આત્મવિશ્વાસ દૃઢ કરી દીધો કે ભારતીય નારીને જાગૃત કરવાનું એમના ગુરુએ સોંપેલું કાર્ય હવે તેઓ જરૂર પાર પાડી શકશે. કેમકે એ સમયે કોઈપણ હિંદુ પરિવારમાં વિદેશી સ્ત્રીનો પ્રવેશ મુશ્કેલ હતો, તો હિંદુ પરિવારો પોતાની પુત્રીઓને વિદેશી નારીની પાસે શિક્ષણ લેવા માટે મોકલે એ અશક્ય જણાતું હતું. પણ શ્રીમાએ એક જ ઝાટકે આ ભેદને ઉડાવી દીધો. જ્યારે સ્વયં માએ એમની સાથે ભોજન લીધું તો પછી બીજાઓને કંઈ જ બોલવાપણું રહ્યું નહીં! આમ તો શ્રીમા પોતે, નિવેદિતાએ નોંધ્યું છે તેમ પુરાણી પરંપરાના આગ્રહી હતાં. પણ તેઓ પરંપરાના કોઈ મર્યાદિત ચોકઠામાં પૂરાયેલાં ન હતાં. ‘ભક્તોને કોઈ જાત હોતી નથી,’ એમ કહીને તેમણે વણકર જાતિના ભક્તના ફળોનો પણ સ્વીકાર કર્યો હતો. એ જ રીતે એમણે આ વિદેશી મહિલાઓના અંતરમા રહેલી શ્રદ્ધા-ભક્તિને પીછાણીને એમનો પણ સ્વીકાર કરીને, સમગ્ર હિંદુસમાજમાં નવી ક્રાંતિનો પ્રારંભ કરી દીધો. અહીં પશ્ચિમ પૂર્વને આનંદથી છલકાતા હૃદયે મળ્યું, એ પણ સ્ત્રીઓના ક્ષેત્રમાં મળ્યું! આ સંયોગ જાણે ભાવિ દિવ્યકાર્યનો એક ભાગ ન હોય! એક બાજુથી આધુનિક શિક્ષણ અને સભ્યતાની ટોચ પર રહેલી, પોતાના ઉન્નત આદર્શો પર પ્રતિષ્ઠિત પશ્ચિમની નારીઓ, પૂર્વને મળી. એ પૂર્વ કેવું હતું? એ પૂર્વ દેખીતું તો હતું ગ્રામ્ય, અશિક્ષિત, સામાન્ય, અત્યંત સરળ, પણ આધ્યાત્મિકતાની સર્વોચ્ચ ટોચ પર બેઠેલું સમૃદ્ધ પૂર્વ હતું. સર્વને ઉચ્ચ આધ્યાત્મિક જીવન પ્રત્યે લઈ જવાની પ્રચંડ શક્તિ ધરાવતું પૂર્વ હતું. બીજી બાજુ પશ્ચિમની પ્રબુધ્ધ નારીશક્તિ પૂર્વની નારીશક્તિને મળી રહી હતી. અને એ મિલનમાંથી સર્જાવાનું હતું નૂતન આધ્યાત્મિક વિશ્વ. તેથી જ અહીં નહોતું પૂર્વ, પશ્ચિમની બાહ્ય ઝાકઝમાળથી અંજાયેલું કે ન હતું પશ્ચિમ, પૂર્વની આધ્યાત્મિકતાથી વિમુખ બનેલું. અહીં પૂર્વે પોતાની અસીમ ઉદારતા અને સર્વોચ્ચ આધ્યાત્મિકતાની સાથે પશ્ચિમની સંસ્કારિતાને, સભ્યતાને સ્વીકારીને પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમની ભૌતિકતાના સમન્વયના નૂતન વિશ્વનું બીજ રોપી દીધું. જે ભવિષ્યમાં સમગ્ર વિશ્વના ફલકને આવરી લેતા વિરાટ વૃક્ષમાં પરિણમવાનું હતું.
આ મહાન દિવસને નિવેદિતાએ પોતાની ડાયરીમાં a day of days કહીને વર્ણવ્યો છે. આ દિવસ એમના જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ બની ગયો. તેઓ પ્રત્યેક વરસે આ દિવસની ઉજવણી કરતાં. એક પત્રમાં તેમણે આ વિશે લખ્યું હતું, ‘એ અવિસ્મરણીય દિવસ મારાં જીવનમાં કોઈ ઉત્સવથી ઓછો મહત્ત્વનો નથી. ગંગાની પવિત્ર સુગંધને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સ્વામીજી સાથે થયેલા વિસ્તૃત વાર્તાલાપને પણ હું ક્યારેય નહીં ભૂલી શકું. એ સહભોજનની સ્મૃતિ તો અવિસ્મરણીય છે. અને એ પવિત્ર બંધન એ સુખદાયક બંધન કે જે તે દિવસે સ્થાપિત થયું અને જેણે મને જીવનભર બાંધી લીધી એ તે કેવી રીતે ભૂલાય?
નિવેદિતા પ્રથમ મુલાકાતે જે શ્રીમાના પ્રેમના બંધનમાં બંધાઈ ગયા. શ્રીમા તો હતાં અત્યંત સરળ, સૌમ્ય, ગ્રામ્ય નારી. પોતાની સર્વોચ્ચ આધ્યાત્મિકતાને એમણે પોતાના પવિત્ર તેજોમય મુખ મંડળની પેઠે જે ઢાંકી રાખી હતી. તેમનું બાહ્ય આચરણ એટલું સરળ ને સીધું સાદું હતું કે પ્રથમ નજરે જોનારને, જો તેની આંતરદૃષ્ટિ ખુલી ન હોય તો. સામાન્ય ભારતીય નારી જ લાગે. સ્વયં શ્રીરામકૃષ્ણે પણ એમના વિશે કહ્યું હતું કે એ તો રાખમાં ઢંકાયેલી બિલાડી છે. એટલે કે પોતાના દૈવી સ્વરૂપને એમણે ઢાંકી રાખ્યું છે. બીજા વખતે તેમણે કહ્યું હતું, ‘એ છે, શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે, પણ આ વખતે પોતાનું રૂપ ઢાંકીને આવેલ છે. જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી માણસોનું અકલ્યાણ ન થાય.’ શ્રીમાના સ્વરૂપને ઓળખવા માટે પણ આંતરિક દૃષ્ટિ જાગૃત હોવી જોઈએ. સ્વામી પ્રેમાનંદે એક પત્રમાં લખ્યું હતું: ‘શ્રીમાને કોણ સમજી શક્યું છે?’ ઐશ્વર્ય લેશમાત્ર નથી. ઠાકુરમાં તો વિચારનું ઐશ્વર્ય હતું, પણ મા! તેમનું વિદ્યાનું ઐશ્વર્ય પણ ગુપ્ત હતું. આ કેવી મહાશક્તિ!!’ આમ શ્રીમાને ઓળખવાં સહેલાં ન હતાં. પણ નિવેદિતા પ્રથમ દૃષ્ટિએ જ શ્રીમાની આધ્યાત્મિક ઊંચાઈને જાણી ગયાં. માના ઉદાત્ત ચારિત્ર્ય અને પાવિત્ર્યની ઊંડી અમીટ છાપ એમના અંતરમાં પડી તે હંમેશ માટે અંકિત થઈ ગઈ. શ્રીમા વિશે તેમણે એક પત્રમાં લખ્યું હતું: ‘શ્રીમા શારદાદેવી એ તો શાંતિ અને કરુણાનું પ્રતીક છે. જે કોઈ એમના સંપર્કમાં આવે છે, તે બધાંને મા પાસેથી શાંતિ અને કરુણા પ્રાપ્ત થાય છે. શ્રીમા તો છે શ્રીરામકૃષ્ણનો પોતાનો જ પ્રેમ. જે આ એકલતાના દિવસોમાં એમના બાળકોને તેમના તરફથી મળેલી અનુપમ ભેટ છે.’
શ્રીમાના વ્યક્તિત્વનાં દરેક પાસાં હીરાની જેમ ઝળહળી રહેલાં નિવેદિતાએ જોયાં. એ વિશે પણ તેમણે પત્રમાં લખ્યું: ‘તેમનો ઉદાર અને વિશાળ દૃષ્ટિકોણ જેટલો મારા માટે મહાન છે, તેટલી જ મહાન છે, તેમના હૃદયની વિશાળતા અને સાધ્વીભાવમાં એમની સાદગીમાં રહેલી પવિત્રતા. કોઈપણ મહત્ત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેતાં તેઓ ક્યારેય અચકાતાં નથી. બધાંની સમક્ષ એ નિર્ણય રજૂ કરવાનું તેમનામાં સાહસ છે. આથી કોઈ પણ સમસ્યા પછી તે ગમે તેટલી જટિલ કેમ ન હોય, એમની સામે ઉકેલ માટે રાખવામાં આવે છે. તેમનું જીવન પ્રાર્થનામય પ્રશાંતિથી પરિપૂર્ણ છે.’
શ્રીમાની પ્રથમ મુલાકાત પછી જ્યારે તેઓ પાછાં ફરી રહ્યાં હતાં, ત્યારે જાણે એક પ્રેમભરી હૂંફ એમને વીંટળાઈ વળી હોય, એવાં હળવાં ફૂલ બની ગયાં હતાં અને તેમને એવું અનુભવાતું હતું કે તેઓ શ્રીમાના વિશાળ પરિવારના એક અંગરૂપ બની ગયાં છે અને શ્રીમાની શીતળ છાયામાં હવે જાણે એમનું નવું જીવન શરૂ થયું છે! ‘મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે. અને મને લાગે છે કે તમે તેમાં ઘણા મદદરૂપ થઈ શકશો.’ ભગિની નિવેદિતાએ સ્વામીજીના મુખેથી જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને એમ લાગ્યું કે એક પુકાર આવ્યો છે. એમના આત્માને એક આહ્વાન મળ્યું છે. આ વિશે તેમણે લખ્યું હતું, ‘આ સાંભળીને મને એમ લાગ્યું કે મેં એક પુકાર સાંભળ્યો છે કે જે મારું જીવન બદલી નાખવાનો હતો. પણ એ યોજનાઓ કઈ હતી તે હું જાણતી ન હતી. વળી એક ક્ષણે મારા પરિચિત કાર્યોને છોડી દેવાનો પ્રયત્ન જ એટલો મોટો હતો કે એ કાર્ય શું છે એ જાણવાની મેં પ્રયત્ન પણ કર્યો ન હતો. છતાં એટલું તો ચોક્કસ જણાયું કે હવે મારે ખૂબ શીખવાનું હતું કારણ કે, મારે વિદેશી લોકોના સંદર્ભમાં મારી જાતની ઓળખ કરવાની હતી.’ ભગિની નિવેદિતાને સ્વામી વિવેકાનંદે ભારતની સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય સોંપ્યું હતું. સ્વામીજીએ તેમને એમ પણ કહ્યું હતું કે, ‘હજુ ભારત મહાન નારીઓને ઉત્પન્ન કરી શક્યું નથી. તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, તમારા અંતરની સચ્ચાઈ, પવિત્રતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, દૃઢ નિશ્ચય, આ દેશ પ્રત્યેનો અગાધ પ્રેમ અને સૌથી વિશેષ તો તમારું સૅલ્ટ જાતિનું ખમીર, આ કાર્ય માટે સ્ત્રી કાર્યકર્તાની જરૂર છે, તેવાં બનાવી દે છે.’ સ્વામીજીને ભગિની નિવેદિતાની કાર્યશક્તિમાં તો પૂરો વિશ્વાસ હતો, પરંતુ જે વાતાવરણમાં એમણે કાર્ય કરવાનું હતું, એ વાતાવરણને તેઓ કેટલે અંશે આત્મસાત્ કરી શકશે; ભારતીય સ્ત્રીઓ પરિસ્થિતિ, સમસ્યાઓ, આદર્શો અને મહાનતાને અંતરના ઊંડાણથી તેઓ સમજી શકશે ખરાં? એ એક પ્રશ્ન હતો. પરંતુ શ્રીમા શારદાદેવી સાથેની પ્રથમ મુલાકાતે જ સ્વામીજીના સંદેહને નિર્મૂળ કરી દીધો. શ્રીમાના વિદેશી મહિલાઓ પ્રત્યેના પ્રેમભર્યા વ્યવહારે જ અનેક અશક્યતાઓને દૂર કરી દીધી.
(ક્રમશ:)
Your Content Goes Here




