પ્રદ્યુમ્નનો જન્મ
દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર ગહન સમાધિમાં બેસી ગયા. સતીએ ત્યારબાદ જ હિમાલયની પુત્રી પાર્વતીના રૂપે જન્મ લીધો હતો. તેમણે ભગવાન શિવ સાથે વિવાહ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો. પરંતુ ભગવાન શિવ ધ્યાનસ્થ હતા તેથી તેઓએ પાર્વતી તરફ જોયું પણ નહિ.
પરંતુ દેવતાઓ ઇચ્છતા હતા કે ભગવાન શિવનો વિવાહ પાર્વતી સાથે થાય કે જેથી તે બન્ને દ્વારા ઉત્પન્ન થયેલ વીર પુત્રને તેઓ પોતાનો સેનાપતિ બનાવી શકે. એટલા માટે દેવરાજ ઇન્દ્રે કામદેવને બોલાવ્યા અને તેમને કોઈ પણ રીતે ભગવાન શિવની સમાધિનો ભંગ કરવાનો આદેશ કર્યો. કામદેવે જ્યારે શિવજીની સમાધિનો ભંગ કર્યો ત્યારે શિવજીએ ધીરે ધીરે પોતાનાં નેત્રો ખોલ્યાં. તેઓએ ક્રોધ કરીને સામે જોયું તો કામદેવ દેખાયા, ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને તરત જ કામદેવ તેમની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા.
કામદેવની પત્ની રતિ રડતી-કકળતી ભગવાન શિવ પાસે આવી અને તેમને પોતાનો પતિ પુન : જીવિત કરવાની પ્રાર્થના કરી. આશુતોષ ભગવાન શંકરે કામદેવને જીવિત તો કરી દીધા પરંતુ તે અશરીરી જ રહી ગયા. તેથી ભગવાન શંકરે રતિને કહ્યું, ‘તમારો પતિ માત્ર તમને જ દેખાશે.’ રતિએ કહ્યું, ‘ભગવાન ! શું મારા પતિને ક્યારેય નવું શરીર પ્રાપ્ત નહિ થાય ?’
શિવજીએ કેટલીક ક્ષણ વિચારીને કહ્યું, ‘દેવી ! તે શ્રીકૃષ્ણના પુત્ર રૂપે ફરી જન્મ લેશે. તમે શમ્બરાસુર નામના રાક્ષસને ત્યાં દાસી બનશો અને ત્યાં જ પતિ સાથે તમારું પુન : મિલન થશે.’ આ વરદાન મુજબ કામદેવે શ્રીકૃષ્ણ અને રુક્મિણીને ત્યાં પુત્રરૂપે જન્મ લીધો અને તેમનું નામ પ્રદ્યુમ્ન રાખવામાં આવ્યું.
અહીં શમ્બરાસુરની બાબતમાં કોઈએ ભવિષ્યવાણી કરી હતી કે શ્રીકૃષ્ણનો પુત્ર જ તેના મૃત્યુનું કારણ બનશે. શમ્બરાસુરના ગુપ્તચરોએ તેને પ્રદ્યુમ્નના જન્મના સમાચાર આપી દીધા. બાળક પ્રદ્યુમ્ન હજુ તો દશ દિવસના પણ થયા ન હતા ત્યાં તો શમ્બરાસુર તેઓને દ્વારકાથી અપહરણ કરીને લઈ આવ્યા અને સમુદ્રમાં ફેંકીને પોતાની નગરીમાં પાછા આવી ગયા. પોતાનો પુત્ર ન જોતાં, રુક્મિણી વિલાપ કરવા લાગ્યાં.
સમુદ્રમાં પ્રદ્યુમ્નને એક અત્યંત મોટી વિશાળ માછલી ગળી ગઈ. ત્યારબાદ માછીમારોએ પોતાની ખૂબ મોટી જાળમાં ફસાવીને બીજી માછલીઓની સાથે તે વિશાળકાય મત્સ્યને પણ પકડી લીધું. તે મોટા મત્સ્યને લઈને માછીમારોએ પોતાના રાજા શમ્બરાસુરને ભેટ રૂપે આપી દીધું. તે મત્સ્યને રાજ્યની પાકશાળામાં લઈ જવામાં આવ્યું. જ્યારે રસોઇયાઓએ મત્સ્યને કાપ્યું ત્યારે તે બાળક નીકળ્યો. રસોઇયાઓએ તે બાળકને શમ્બરાસુરની દાસી માયાદેવીને સોંપી દીધો. તે બાળકને જોઈને તેને અત્યંત અચરજ થયું, ત્યારે નારદજીએ ત્યાં આવીને બાળકનું કામદેવ હોવું, તેનો રુક્મિણીના ગર્ભથી જન્મ થવો, મત્સ્યના પેટમાં જવું વગેરે સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો. માયાદેવી કામદેવની પત્ની રતિ જ હતી, જે પોતાના પતિ કામદેવના પુન : દેહધારણની પ્રતીક્ષા કરી રહી હતી. જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં તેના પતિ કામદેવ જ છે, ત્યારે તે તેને ખૂબ પ્રેમ કરવા લાગી. ધીરે ધીરે પ્રદ્યુમ્ન એક સુંદર યુવક બની ગયો. યોગ્ય સમય જોઈને એક દિવસ રતિએ પ્રદ્યુમ્નને સઘળી કથા કહી સંભળાવી. પ્રદ્યુમ્નને તેનો અને પોતાનો યથાર્થ પરિચય આપ્યા પછી રતિએ કહ્યું, ‘હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ પરંતુ આપણે શમ્બરાસુરનો વધ કર્યા વિના આવું કરી શકીશું નહિ. શમ્બરાસુર સેંકડો જાતની માયા જાણે છે. તેને જીતવો અત્યંત કઠિન છે. હું તમને મહામાયા નામની વિદ્યા શિખવાડી દઈશ. તે વિદ્યા દ્વારા તમે એ અસુરનો નાશ કરી શકશો.
માયાદેવીએ પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા શીખવી દીધી. ત્યારબાદ પ્રદ્યુમ્ન શમ્બરાસુર પાસે જઈને કડવા શબ્દોમાં આક્ષેપ કરવા લાગ્યો અને ક્રોધ કરવા લાગ્યો. પ્રદ્યુમ્નનાં કટુ વચનોનો પ્રહાર થતાં શમ્બરાસુર ક્રોધિત થઈ ઊઠ્યો. તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને તેણે પોતાની ગદા ઘણા જોરથી આકાશમાં ઘુમાવી અને પછી પ્રદ્યુમ્ન પર પ્રહાર કર્યો. પ્રદ્યુમ્ને પોતાની ગદાના પ્રહારથી શમ્બરાસુરની ગદા ભોંય પર પાડી દીધી. ત્યારે શમ્બરાસુર આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં છુપાઈ ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્ન પર વિવિધ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યો. ત્યારે પ્રદ્યુમ્ને સમસ્ત માયાને શાંત કરી દેનારી મહામાયા વિદ્યાનો પ્રયોગ કર્યો, જેણે શમ્બરાસુરની સમસ્ત માયાઓનો નાશ કરી દીધો. પછી પ્રદ્યુમ્ને એક તીક્ષ્ણ તલવારના ઉપયોગ દ્વારા શમ્બરાસુરનું મસ્તક કાપી નાખ્યું.
ત્યારબાદ માયાદેવી આકાશમાર્ગે પ્રદ્યુમ્નને લઈને દ્વારકા ચાલી આવી અને તેનેે શ્રીકૃષ્ણ પાસે લઈ ગઈ. તે સમયે રુક્મિણી પણ ત્યાં આવી પહોંચ્યાં. પ્રદ્યુમ્નને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં અને આમ વિચારવા લાગ્યાં, ‘વર્ષો પહેલાં મેં મારો એક પુત્ર ગુમાવ્યો હતો. જો તે આજે જીવિત હોત તો, તે અવસ્થા અને રૂપમાં આના જેવો જ હોત. વિસ્મયની વાત છે કે આને ભગવાન શ્યામસુંદર જેેવાં રંગ-રૂપ, અંગોનું ગઠન, ચાલવાની ઢબ કેવી રીતે પ્રાપ્ત થયાં? ગમે તેમ હોય, આ મારો જ પુત્ર છે !’ રુક્મિણી આ રીતે વિચારતાં હતાં તે દરમિયાન નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે શમ્બરાસુરે પ્રદ્યુમ્નનું અપહરણ કરીને તેને સમુદ્રમાં ફેંકી દીધો હતો વગેરે ઘટનાઓ કહી સંભળાવી. નગરીના લોકો આટલાં બધાં વર્ષો પછી પ્રદ્યુમ્નને પાછો મેળવીને અત્યંત આનંદિત થયા.
Your Content Goes Here





