પૂતના વધ

કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને પોતાની ઇચ્છા પ્રમાણે રૂપ પણ ધારણ કરી શકતી. કંસની આજ્ઞા મેળવીને પૂતના નગરો અને ગામોમાં એક સુંદર યુવતીનું રૂપ ધારણ કરીને બાળકોને મારી નાખવા ફરવા લાગી. એક દિવસ આકાશમાર્ગે ગોકુળની ઉપરથી જતી વખતે તેણે ત્યાં ઊતરવાનું નક્કી કર્યું. તેણે માયાથી એક સુંદર યુવતીનું રૂપ લીધું અને અહીંતહીં બાળકોને શોધતી શોધતી નંદબાબાના ઘરમાં પ્રવેશી. ત્યાં એણે જોયું કે બાળક શ્રીકૃષ્ણ ઘોડિયામાં સૂતા છે. શ્રીકૃષ્ણને એકલા જોઈને પૂતનાએ તેમને પોતાના ખોળામાં લીધા. ભયાનક રાક્ષસી પૂતનાએ શ્રીકૃષ્ણને મારી નાખવા તેમના મોઢામાં પોતાનાં સ્તન આપ્યાં. એ સ્તન ઉપર ભયંકર વિષ લગાડેલું હતું. પરંતુ દુષ્ટોનો સંહાર કરવા જે પરબ્રહ્મ પરમાત્માએ જન્મ લીધો હોય, તેને ભલા કોણ મારી શકે ! શ્રીકૃષ્ણ પોતાના નાના હાથથી તે રાક્ષસીના સ્તનને જોરથી દબાવીને એના દૂધ સાથે તેના પ્રાણને પણ પીવા લાગ્યા. પૂતના અત્યંત પીડાથી ચિત્કાર કરીને બોલી, ‘અરે છોડી દે, હવે છોડી દે, હવે બસ કર !’ પૂતના તો વારંવાર પોતાના હાથપગ પછાડીને રોવા લાગી. તેના ચિત્કારથી પૃથ્વી ડગમગવા લાગી. હવે પૂતનાને એટલી બધી પીડા થતી હતી કે તે પોતાનું અસલી સ્વરૂપ છુપાવી ન શકી અને રાક્ષસીના રૂપે પ્રગટ થઈ. તેના દેહમાંથી પ્રાણ નીકળી ગયો. નિર્ભય બનીને શ્રીકૃષ્ણ તેની છાતી પર રમવા લાગ્યા. આ બાજુએ યશોદા રાક્ષસીનો ચિત્કાર સાંભળીને દોડતાં આવ્યા અને શ્રીકૃષ્ણને પોતાની છાતીએ લગાડ્યા. ત્યાર પછી યશોદા અને રોહિણીની સાથે ગોપીઓએ ગાયનું પૂછડું ફેરવવા જેવા ઘરેલુ ટુચકા કરીને બાળક શ્રીકૃષ્ણના અંગોની રક્ષા કરી. પછી માતા યશોદાએ પોતાના પુત્રને પારણામાં સુવાડ્યો. શ્રીકૃષ્ણ તો જાણે કે કંઈ ન બન્યું હોય તેમ નિરાંતે ઊંઘવા લાગ્યા. એ જ સમયે નંદબાબા અને તેમના સાથી ગોવાળો મથુરાથી ગોકુળ પહોંચ્યા. જ્યારે એમણે પૂતનાનો ભયંકર મૃતદેહ જોયો તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. એમણે ગોવાળોને બોલાવ્યા અને મહામુશ્કેલીએ વિશાળ મૃત શરીરને ગોકુળથી દૂર લઈ જઈને બાળી નાખ્યું. જ્યારે પૂતનાનું શરીર બળવા લાગ્યું, ત્યારે તેમાંથી અગરની સુગંધ આવવા લાગી. પણ આવું શા માટે ન થાય? ભગવાન એનું દૂધ પીઈ ગયા હતા. એનાથી પૂતનાનાં બધાં પાપ નાશ પામ્યાં હતાં.

શકટાસુરનો સંહાર

જોતજોતાંમાં શ્રીકૃષ્ણ ત્રણ મહિનાના થઈ ગયા. તેઓ હવે પોતાની મેળે પડખું બદલવાનો પ્રયત્ન કરતા અને ગોઠણિયાભર ચાલવાનો પણ પ્રયાસ કરતા. યશોદાજી જ્યારે તેમને પેટભરાણીએ સૂતેલા તથા પોતાની તરફ નજર માંડીને હસતા જોતાં ત્યારે એમને અનહદ આનંદ થતો. શ્રીકૃષ્ણને પહેલીવાર ઘરની બહાર લઈ જવાના પ્રસંગે તેઓ ઉત્સવ ઊજવવા ઇચ્છતાં હતાં. એને માટે એમણે ગોકુળની બધી ગોપીઓને આમંત્રણ આપ્યું અને તેઓ બધાં સાથે મળીને યમુના નદીના કિનારે ગયાં. ઢોલ, નગારાં તેમજ બીજાં વાજિંત્રોનાં ધ્વનિ-સંગીત તથા બ્રાહ્મણો દ્વારા થતાં સ્વસ્તિવાચન વચ્ચે શ્રીકૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો.

શ્રીકૃષ્ણને ઊંઘ આવે છે એ જોઈને યશોદાજીએ તેમને હળવેકથી પારણામાં સુવડાવી દીધા. ગરમીનો સમય હતો; નજીકમાં જ એક ગાડું ઊભું હતું. યશોદાજીએ શ્રીકૃષ્ણના પારણાને ગાડાની નીચે રાખી દીધું અને ઉત્સવ માટે આવેલ વ્રજવાસીઓનાં સ્વાગત-સત્કારમાં વ્યસ્ત બની ગયાં. થોડીવારમાં શ્યામસુંદરની આંખો ખૂલી અને તેઓ ભૂખને કારણે રડવા લાગ્યા. ભીડ અને દેકારાને કારણે યશોદાજીને કૃષ્ણના રડવાનો અવાજ ન સંભળાયો. નાખુશ થઈને શ્રીકૃષ્ણે પોતાના નાના-નાના, લાલ-લાલ કૂંપળ જેવા કોમળ પગ પછાડવાનું શરૂ કર્યું. કેવી નવાઈ! તેમના નાના અને કોમળ પગના મૃદુ આઘાતથી જ એ વિશાળ ગાડું અવાજ સાજે ઊલટી પડ્યું. ગાડાનાં પૈડાં અને ધોસરું વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયાં. ગાડા પરનાં દૂધ-દહીં વગેરેથી ભરેલ મટકાં તૂટીફૂટી ગયાં. ત્યાં રમતાં બાળકોએ આ દૃશ્ય જોયું તો તેઓ ગભરાઈને માતા યશોદા પાસે ગયાં અને કહ્યું, ‘કૃષ્ણે રોતાં રોતાં પોતાના પગની ઠોકરથી પેલા ગાડાને ઊથલાવી નાખ્યું છે.’ યશોદા અને બીજી ગોપીઓ ભયભીત થઈને ગાડા પાસે આવી. બધાં આશ્ચર્યચકિત અને ભયભીત હતાં. જે ગોપબાળકોએ આ ઘટનાને નજરે જોઈ હતી તેઓ સંપૂર્ણ રીતે આશ્વસ્ત હતા કે આ ગાડું તો શ્રીકૃષ્ણના પગના પ્રહારથી જ ઊથલી ગયું છે. આમ છતાં પણ વૃદ્ધોને ગળે આ વાત ઊતરતી ન હતી. યશોદાજીને ખાતરી થઈ કે આ કોઈ ગ્રહનો ઉત્પાત છે. એમણે બ્રાહ્મણો દ્વારા ગ્રહશાંતિ નિમિત્તે વેદમંત્રોનો પાઠ પણ કરાવ્યો. પરંતુ શ્રીકૃષ્ણ આ બધી ઘટનાઓ પ્રત્યે ઉદાસીન હતા. તેઓ તો પોતાના મોહક સ્મિતથી બધાંને આકર્ષીને રમી રહ્યા હતા. વાસ્તવિકતા તો એ હતી કે કંસના આદેશ પ્રમાણે શકટાસુર નામના દૈત્યે આ ગાડાનું રૂપ ધારણ કર્યું હતું અને તે શ્રીકૃષ્ણનું અપહરણ કરવા જ ગોકુળ આવ્યો હતો. પરંતુ સર્વજ્ઞ ઈશ્વર ભલે તેઓ એક નાના બાળકના રૂપમાં કેમ ન હોય, બાળ કૃષ્ણ બધું જાણતા હતા તેથી તેમણે પોતાના પગના પ્રહારથી શકટાસુરનો સંહાર કરી નાખ્યો.

Total Views: 384

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.