તૃણાવર્તનો સંહાર

એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને એવું લાગ્યું કે તેમનો પુત્ર અત્યંત ભારે વજનવાળો થઈ ગયો છે. એનો ભાર સહન ન કરી શકવાથી યશોદાજીએ ધીરે ધીરે એને ધરતી પર બેસાડી દીધો. સાથે ને સાથે તેની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં. ત્યાર પછી તેઓ ઘરનાં કામમાં રત થઈ ગયાં.

ત્યારે અચાનક ત્યાં કંસનો અંગત સેવક તૃણાવર્ત નામનો દૈત્ય પ્રગટ થયો. તેને કૃષ્ણને મારી નાખવા કંસે મોકલ્યો હતો. જ્યારે એમણે જોયું કે બાળક કૃષ્ણ પાસે કોઈ નથી ત્યારે તેણે એક વંટોળિયાનું રૂપ ધારણ કર્યું અને શ્રીકૃષ્ણને ઉડાડીને આકાશમાં લઈ ગયો. તેનો ઇરાદો એવો હતો કે શ્રીકૃષ્ણને શક્ય તેટલી ઊંચાઈ પર લઈ જઈને પછી ધરતી પર ફેંકીને મારી નાખવો. તેણે વ્રજરજથી આખા ગોકુળને ઢાંકી દીધું. ધૂળને કારણે લોકો જોઈ શકતા ન હતા અને ભયભીત થઈને અહીં-તહીં દોડવા લાગ્યા. યશોદાજી પોતાના પુત્રના રક્ષણ માટે દોડતાં દોડતાં આંગણામાં આવ્યાં, પરંતુ શ્રીકૃષ્ણ તો ત્યાં હતો જ નહીં. યશોદાજીએ શ્રીકૃષ્ણને ચારેય તરફ શોધ્યો પરંતુ તે ક્યાંય તેમની નજરે ન ચડ્યો. તેઓ આકુળવ્યાકુળ થઈને ધરતી પર પડી ગયાં અને દુ:ખ સાથે વિલાપ કરવા લાગ્યાં. એ સમયે ત્યાં ગોપીઓ મોટી સંખ્યામાં એકઠી થઈ અને તેમને સાંત્વના આપવા લાગી.

આ બાજુએ તૃણાવર્ત શ્રીકૃષ્ણને આકાશમાં ઘણી ઊંચાઈએ લઈ ગયો, પણ આ શું થયું! આ નાનો એવો બાળક ધીરે ધીરે ઘણો વજનદાર થતો જતો હતો. તરત જ તૃણાવર્તને એવું લાગ્યું કે જાણે આ બાળકે તો કોઈ મોટા પર્વતનું રૂપ ધારણ ન કરી લીધું હોય! શ્રીકૃષ્ણને હવે વધારે સમય સુધી ઉપાડી શકે તેમ ન હતો, એટલે એણે એને નીચે પાડી નાખવાની ઇચ્છા કરી. પરંતુ શ્રીકૃષ્ણે એનું ગળું બરાબર જકડી રાખ્યું હતું. તૃણાવર્ત એકબાજુએ આ અદ્‌ભુત બાળકનો ભાર વહન કરી શકતો ન હતો અને બીજી બાજુએ તે પોતાનાથી અલગ પણ કરી શકતો ન હતો. શ્રીકૃષ્ણે એટલા બળથી એનું ગળું પકડી રાખ્યું હતું કે થોડીવારમાં તે અસુર બેહોશ થઈ ગયો. તેની આંખો બહાર નીકળી ગઈ, તેની વાણી અસ્પષ્ટ થઈ ગઈ અને હાથપગ હલાવી પણ શકતો ન હતો. અંતે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું અને તે ધડામ દઈને ધરતી પર પડ્યો. એ સ્થળે ગોપીઓ એકઠી થઈને રડતી હતી. તેણે જોયું કે આ વિકરાળ દૈત્ય આકાશમાંથી એક મોટી શિલા પર પટકાયો અને તેના એકેએક અંગ ભાંગીને વેરવિખેર થઈ ગયાં. શ્રીકૃષ્ણ તેના વક્ષ:સ્થળ પર રમતો હતો. યશોદાએ શ્રીકૃષ્ણને ત્યાંથી લઈને પોતાના ખોળામાં બેસાડી દીધો. પોતાના પુત્રને સકુશળ જોઈને યશોદાજીના આનંદનો પાર ન રહ્યો.

એક દિવસની વાત છે, માતા યશોદા પોતાના વહાલા બાળકૃષ્ણને ખોળામાં લઈને સ્તનપાન કરાવતાં હતાં. સ્તનપાન કરીને શ્રીકૃષ્ણે બગાસું ખાધું. યશોદા તો એ સમયે એને સ્મિત કરતો નિરખી રહ્યા હતા. પોતાના બાળકના મુખમાં એક દૃશ્ય જોઈને તેઓ તો સ્તબ્ધ રહી ગયાં. એના મુખમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, સૂર્ય, ચંદ્રમા, નક્ષત્ર, પર્વત, વન, નદીઓ અને બધાં ચરાચર પ્રાણીઓ હતાં! આ જોઈને યશોદાજીનો દેહ કંપી ઊઠ્યો અને તેમણે ભયથી પોતાની આંખો બંધ કરી લીધી. થોડીવાર પછી જ્યારે તેમણે પોતાની આંખો ખોલી, ત્યારે બધું સામાન્ય થઈ ગયું હતું અને શ્રીકૃષ્ણ સ્મિત કરતો હતો.

નામકરણ સંસ્કાર

શ્રી ગર્ગાચાર્ય યદુવંશીઓના કુલપુરોહિત હતા. વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાબાના ગોકુળમાં આવ્યા. નંદબાબા અને યશોદાજીએ ઘણાં પ્રેમ અને ભક્તિભાવથી તેમનું સ્વાગત કર્યું અને તેમની પાસે પોતાનાં બંને બાળકોનો નામસંસ્કરણવિધિ કરાવવા વિનંતી કરી. ગર્ગાચાર્ય આ જ નિમિત્તે ગોકુળ આવ્યા હતા, એટલે એમણે નંદબાબાના આગ્રહને તરત જ વધાવી લીધો. પરંતુ એમણે નંદબાબાને આટલું કહ્યું, ‘હું યદુવંશીઓના આચાર્યરૂપે જાણીતો છું. જો હું તમારા પુત્રનો નામસંસ્કરણવિધિ કરું તો લોકો એવું સમજશે કે આ દેવકીનો પુત્ર છે. જો એવું થાય તો ક્યાંક કંસ એને મારી પણ નાખે.’ આ સાંભળીને નંદે એક ઉકેલ આપ્યો કે નામસંસ્કારવિધિ ઠાઠ-માઠ વિના એકાંત સ્થળે કરો. ગર્ગાચાર્ય નંદબાબાની વાત સાથે સહમત થયા અને એમણે એકાંત સ્થળે બાળકોનું નામકરણ કર્યું.

નામકરણ કરતી વખતે તેમણે કહ્યું, ‘રોહિણીનો પુત્ર પોતાના સૌંદર્યથી સૌ કોઈને આકર્ષિત કરે છે. એ પોતાના સંબંધીઓ અને મિત્રોને પોતાના ગુણોથી આનંદિત કરશે. એટલે એનું નામ ‘રામ’ થશે. તેના બળની કોઈ સીમા નથી. તેથી એનું એક બીજું નામ પણ થશે ‘બલ’. આમ, એ બલરામ તરીકે જાણીતા થશે. એ વસુદેવ અને નંદના પરિવારમાં એકતા સ્થાપિત કરશે. એટલે એનું એક બીજું નામ ‘સંકર્ષણ’ પણ પડશે. આ જે શ્યામલ જેવો નાનો બાળક છે, એ તો સાક્ષાત્ ઈશ્વરનો અવતાર છે. એનું નામ ‘કૃષ્ણ’ રહેશે. જો કે તેના પિતાનું નામ વસુદેવ છે એટલે તે ‘વાસુદેવ’ના નામે પણ ખ્યાતિ પામશે. આ બાળક તમારા સૌનું પરમ કલ્યાણ કરશે અને સમગ્ર ગોપ-ગાયોને આનંદમાં રાખશે. અત: તમે ઘણી સાવધાની અને તત્પરતા રાખીને એની રક્ષા કરજો.’

આ રીતે નંદબાબાને બધું સારી રીતે સમજાવીને ગર્ગાચાર્ય પોતાના આશ્રમ પાછા ફર્યા. એમની વાતો સાંભળીને નંદ અને યશોદાના આનંદનો પાર ન રહ્યો.

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.