સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.
એક દિવસ શશી – સ્વામી રામકૃષ્ણાનંદ કોઈ વસ્તુની શોધમાં શ્રીઠાકુરનો ઓરડો વટાવીને ઝડપથી જઈ રહ્યા હતા અને શ્રીઠાકુર બોલી ઊઠ્યા : ‘‘તું જેને ચાહે છે, તે આ જ છે, આ જ છે, આ જ છે.” વિસ્મિત શશીનું ધ્યાન ખોવાયેલી વસ્તુઓમાંથી હટીને સદાનંદમય શ્રીઠાકુર પ્રત્યે ખેંચાયું. તેમણે જાણી-સમજી લીધું કે જીવનમાં એકમાત્ર મેળવવા જેવી વસ્તુ શ્રીઠાકુર જ છે – બાકીનું બધું અનુસંધાન આ વિરાટ અનુસંધાનનું રૂપાંતર માત્ર છે.
* * *
એક દિવસ શ્રીઠાકુરને જમરૂખ ખાવાની ઇચ્છા થઈ. શિયાળાના દિવસો હતા. એ ઋતુમાં ભલા જમરૂખ ક્યાંથી મળે? તપાસ કરતાં શશીને જાણવા મળ્યું કે એક બગીચામાં જમરૂખ લાગેલાં છે. તેઓ તરત જ જમરૂખ લઈ આવ્યા. એ જોઈને શ્રીઠાકુરે આશ્ચર્યથી પૂછ્યું : ‘‘અરે! આ ઋતુમાં જમરૂખ ક્યાંથી મળ્યાં?” બીજે ક્યાંથી મળે! જ્યાં સત્યસંકલ્પ શ્રીઠાકુરની ઇચ્છા હોય અને આવા વીરભક્ત સેવક હોય ત્યાં કઈ વસ્તુ દુર્લભ હોય!
* * *
૨૩મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૬માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રીઠાકુરનો અસ્થિકળશ રામબાબુના કલકત્તાના ઘરેથી કાંકુડગાચ્છીના બગીચામાં લઈ જવામાં આવ્યો. શશી જ પોતાના મસ્તક પર એ કળશ ધારણ કરીને, કીર્તન ગવાતાં હતાં તેની પાછળ પાછળ ઘણા લાંબા માર્ગ સુધી ગયા. આખરે કાંકુડગાચ્છીમાં યોગ્ય પૂજાવિધિ કર્યા પછી જ્યારે ભૂમિ ખોદીને તેમાં કળશની સ્થાપના કરીને તેના પર માટી નાખવામાં આવી રહી હતી ત્યારે શશી રડી પડ્યા : ‘‘અરે! શ્રીઠાકુરના દેહ પર ભારે ઘા લાગી રહ્યા છે!” શશીની વાત સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ – સાચું જ છે કે શ્રીઠાકુર હંમેશાં હાજર જ છે, સદા સચેતન છે.
* * *
એક દિવસ ચાર સંન્યાસીઓ ભિક્ષા લેવા ગયા પણ બપોરે ખાલી હાથે પાછા ફર્યા. તે દિવસે મઠનો ભંડાર પણ ખાલી હતો. આથી ભોજનની આશા છોડીને બધા ‘દાનવોના ઓરડા’માં (એ દિવસોમાં શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો પોતાને દાનવ એટલે શિવના ગણ કહેતા. એમને ફાળવેલા ઓરડાને દાનવનો ઓરડો કહેતા.) ઉન્મત્ત બનીને કીર્તન કરવા લાગ્યા. આ બાજુ શશી મહારાજને ચિંતા થઈ કે શ્રીઠાકુરને કંઈક ભોગ ધરાવ્યા વગર તો ચાલશે નહિ. તેઓ કોઈને કંઈ જણાવ્યા વગર તેઓ ગુપચુપ એક ઓળખીતા પાડોશીના ઘરે ગયા. તે ઘરના બીજા બધા સભ્યો મઠના વિરોધી હતા આથી તે પાડોશીએ બારી ખોલીને અર્ધોશેર ચોખા, થોડાં બટેટાં, થોડું ઘી આપ્યું. શશી મહારાજે એ રાંધીને શ્રીઠાકુરને ભોગ ધરાવ્યો અને પછી તે પ્રસાદના ગોળગોળ લાડુ બનાવીને ‘દાનવોના ઓરડામાં’ જઈ ત્યાં કીર્તનમાં લીન ગુરુભાઈઓના મોઢામાં એક એક લાડુ મૂકી દીધો. આ અદ્ભુત પ્રસાદના સ્વાદથી અત્યંત તૃપ્ત થઈને એ લોકોએ આશ્ચર્યથી પૂછ્યું : ‘‘ભાઈ શશી, તને આ અમૃત ક્યાંથી મળ્યું, ભાઈ?” સ્વામી વિવેકાનંદે કહેલું આ વાક્ય કેટલું સાચું છે! – ‘શશી જ મઠનો મુખ્ય આધારસ્તંભ હતો. જો તે ન હોત તો આપણા બધાનો મઠવાસ શક્ય ન બનત. સંન્યાસીઓ બધા મોટે ભાગે ધ્યાનભજનમાં હંમેશાં ડૂબેલા રહેતા. અને શશી તેમના માટે ભોજન પકાવીને સૌની રાહ જોતો; ત્યાં સુધી કે ક્યારેક ક્યારેક એમને ધ્યાનમાંથી બહાર ખેંચીને પણ ભોજન કરાવતો.’
* * *
સ્વામી રામકૃષ્ણાનંદની શ્રીઠાકુરપૂજા પણ જોવા જેવી હતી. તેઓ ફક્ત વિધિવત્ પૂજા કરીને જ સંતોષ માની લેતા નહિ પણ તેઓ તો શ્રીઠાકુરને જીવતાજાગતા હાજરાહજૂર સમજીને એમની સેવા કરતા. ઉનાળાના દિવસોમાં પોતાને કષ્ટ વેઠવું પડતું હોય તો પણ પોતે હાથમાં પંખો લઈને શ્રીઠાકુરને હવા નાખતા અને પોતે પરસેવાથી ભીંજાઈ જતા હોય તો પણ તેમાં આરામનો અનુભવ કરતા. સવારમાં વહેલા ઊઠીને તેઓ શ્રીઠાકુર માટે દાતણનો કૂચો બનાવી દેતા. એક વખત પ્રાત:કાળે ભોગ ધરાવતી વખતે એમણે જોયું કે વૃદ્ધ બાબા સચ્ચિદાનંદે દાતણને બરાબર કૂટ્યું ન હતું; આથી તેમને અત્યંત દુ:ખ થયું અને તેઓ તરત જ સચ્ચિદાનંદની શોધમાં નીકળ્યા અને કહેવા લાગ્યા: ‘‘આજે તેં મારા ઠાકુરના પેઢામાંથી લોહી કાઢ્યું.”
* * *
એક દિવસ તેઓ કામ પૂરું કરીને પરસેવે રેબઝેબ થતા મઠમાં આવ્યા અને ત્યારે તેમણે જોયું કે શ્રીઠાકુરને ભોગ ધરાવવા માટે કંઈ જ નથી. આથી એમણે પોતાના શરીર પરનાં કપડાં ઊતારી નાખ્યાં અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પછી આ ઘવાયેલા પુરુષસિંહે આંટા મારતાં મારતાં રોષભર્યા સ્વરે શ્રીઠાકુરને કહ્યું : ‘‘શું પરીક્ષા કરી રહ્યા છો? હું સમુદ્રકિનારેથી રેતી લાવીને પણ તમને ભોગ ધરાવીશ અને હું પોતે પણ એ જ ખાઈશ. મારું પેટ જો ઈન્કાર કરશે તો આંગળીથી ઘોંચીને પણ એ પ્રસાદ ગળાની નીચે ઉતારી દઈશ.” પરંતુ એમને એટલી હદ સુધી જતાં પહેલાં જ શ્રીઠાકુરની કૃપાથી દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો. તેમણે દરવાજો ખોલતાં જ જોયું કે એક ભક્ત શ્રીઠાકુરના ભોગ માટે બધી જ જરૂરી ચીજવસ્તુઓ લઈને ઊભો છે!
* * *
રથયાત્રાના દિવસે એમણે સેવકના હાથમાં થોડા પૈસા આપતાં કહ્યું : ‘‘જાઓ, રથ જોઈ આવો અને બે-ચાર પૈસાનું કંઈ ખરીદી પણ લાવજો.” એમને છોડીને જવા માટે સેવક તૈયાર ન થયો ત્યારે એમણે કહ્યું : ‘‘કાશીપુરના બગીચામાં શ્રીઠાકુરે પણ મને એમ જ કરવાનું કહ્યું હતું… રથયાત્રા પછી હું એમના માટે બે પૈસાની છરી (લીંબુ કાપવા માટે) લાવ્યો હતો. આથી પ્રસન્ન થઈને એમણે કહ્યું: ‘આ બધું સ્વીકારીને રહેવું પડે છે.ગરીબ લોકો બે પૈસા કમાવા માટે દુકાન નાખે છે. આવા મેળાઓમાં બે-ચાર પૈસાનું કંઈક ખરીદવું જોઈએ.’”
* * *
ઠાકુરના પ્રસાદ સિવાય તે બીજું કંઈ જ ખાતા નહિ. બહુમૂત્રનો રોગ થયેલો ત્યારે ડોક્ટરોએ એમને રોટલી ખાવાની સલાહ આપી હતી, પણ ઠાકુરના ભોગમાં રોટલી ધરાવાતી નહિ તેથી તેઓ રોટલી ખાઈ શક્યા નહિ. મદ્રાસ મઠનું નવું મકાન બન્યા પછી બે વર્ષમાં જ તેની છતમાં તિરાડ પડી ગઈ અને તેમાંથી રામકૃષ્ણાનંદજી ઠાકુરના શયનખંડમાં ગયા અને ત્યાં તેમણે જોયું કે ઠાકુરની ઉપર પાણી ટપકી રહ્યું છે. એ વખતે જગ્યા બદલવાથી ક્યાંક ઠાકુરની ઊંઘ ઊડી ન જાય એ બીકે તેઓ આખી રાત એમના ઉપર છત્રી ધરીને બેસી રહ્યા અને સવારે વરસાદ થંભી જવાથી તેમને બીજી જગ્યાએ લઈ ગયા. શું આને જ મૃણ્મયમાં ચિન્મય દર્શન કહે છે? એક રાત્રે મચ્છર કરડવાથી એમની ઊંઘ ઊડી ગઈ અને રામકૃષ્ણાનંદે જોયું તો મચ્છરદાનીની અંદર મચ્છરો ઘૂસી ગયા હતા. એ વખતે એમના મનમાં થયું કે ઠાકુરની નિદ્રામાં પણ આવી ખલેલ પડતી હશે, એટલે તેઓ ત્યાં મચ્છર ઉડાડવા ચાલ્યા ગયા. પ્રસાદ વહેંચવાનો એમનો ઉત્સાહ અપાર હતો. ત્યાં આવેલા બધા જ લોકોને કંઈ ને કંઈ પ્રસાદ તો તેઓ જરૂર આપતા. ત્યાં સુધી કે કુલી-મજૂરો પણ પ્રસાદથી વંચિત રહેતા નહિ.
* * *
દેહત્યાગના બે-ત્રણ દિવસ પહેલાં જ સવારે ૮-૯ વાગ્યે તેમણે અચાનક વ્યગ્ર બનીને સેવકને કહ્યું : ‘‘શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી આવ્યાં છે. આસન બિછાવી દે.” સેવક કંઈ સમજી શક્યો નહિ. તેથી તે સ્તબ્ધ બની ગયો. શશી મહારાજે ફરી કહ્યું : ‘‘જોતો નથી? શ્રીઠાકુર આવ્યા છે, ચટાઈ પાથરી દે. ત્રણ તકિયા મૂકી દે.” સેવકે તેમ કર્યું ત્યારે શશી મહારાજે અનિમેષ દૃષ્ટિથી એક અદૃશ્ય સંન્નિધિ પ્રત્યે જોઈને ત્રણવાર પ્રણામ કર્યા અને પછી કહ્યું : ‘‘તેઓ ચાલ્યાં ગયાં.”
* * *
Your Content Goes Here




