રામકૃષ્ણ સંઘના આદરણીય સંન્યાસી સ્વામી સારદેશાનંદજી (ગોપેશ મહારાજ)ને શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં રહીને એમની સેવા કરવાનો દેવદુર્લભ અવસર પ્રાપ્ત થયો હતો. એમના મૂળ બંગાળીમાં લખાયેલા ગ્રંથનો હિંદી અનુવાદ બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેકજ્યોતિ’માં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ કર્યો હતો. જેનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરીએ છીએ. – સં.

પૂર્વાર્ધ
જનનીં સારદાં દેવીં રામકૃષ્ણં જગદ્‌ગુરુમ્‌ ।
પાદપદ્મે તયો: શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ: ॥

શ્રીમા પ્રાણોની ઇચ્છા અને મનની સાધથી લિખિત તમારાં ‘સુખસંસ્મરણ’ની મૂળ પ્રત બીજાના હાથમાં ચાલી ગઈ છે. એક મિત્રને વાંચવા માટે આપીને અન્યત્ર ચાલ્યો ગયો હતો. કેટલાંક વર્ષો સુધી એની શોધ-ખબર ન લીધાં અને જ્યારે હું પાછો ફર્યો ત્યારે એ મૂળ પ્રત મળી નહિ. એ માટે પેલો મિત્ર તો દુ:ખી થયો પણ મારા મન પર એનો કોઈ આઘાત ન લાગ્યો. શા માટે? આપ તો ઇચ્છામયી તારક છો, આપનો જ અ બધો ખેલ છે! ઉંમર વધવાની સાથે યાદશક્તિ પણ ક્ષીણ થઈ છે, મારાં માનસપટલ મ્લાન થતાં જાય છે. હવે પહેલાંની જેમ તમારો સ્નેહમય પુકાર પ્રાણોમાં ચેતનાનો સંચાર કરી શકતો નથી, તમારી કરુણાછબિ હૃદયપટલ પર અંકિત કરી શકાતી નથી. વળી એવો ભય લાગ્યો કે ક્યાંક સ્મરણશક્તિ વધુ ક્ષીણ કે મ્લાન થઈ જતાં તો હું એકદમ દિગ્ભ્રાંત બની ન જઉં એટલે કમજોર સ્મરણશક્તિના બળ પર આધાર રાખીને આ સંસ્મરણોને સંક્ષેપમાં લખવાની ઇચ્છા કરી. મૂળ પ્રત તો મારી જોયેલી અને સાંભળેલી ઘટનાઓથી ભરેલી હતી. અને હવે પછીની પ્રતમાં તો કેટલાંય સ્થળેથી સંગૃહીત કરીને તમારી માનવલીલાના, ઘટનાના આદિમઘ્યઅંતનો નામમાત્ર ઉલ્લેખ કરીને સર્વાંગ ચિત્ર અંકિત કરવાનો જ પ્રયાસ કર્યો છે. બીજા માટે હાસ્યાસ્પદ થવા છતાં પણ સંતાનનો ઉદ્યમ માતપિતાના સ્નેહની વસ્તુ જ બની જાય છે. 

શ્રીમા શારદા

શ્રીમા શારદાદેવીની જન્મતિથિ : બૃહસ્પતિવાર, અગ્રહાયણ કૃષ્ણાસપ્તમી, ૨૨ ડિસેમ્બર, ૧૮૫૩, રાત્રિ ૨ દંડ – ૯ પલ, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર.

વિવાહ : મે, ૧૮૫૯, બંગાબ્દ વૈશાખના અંતિમ ભાગમાં. ઠાકુર શ્રીરામકૃષ્ણે એમનું ત્રિપુરસુંદરીદેવી કે ષોડ્‌શી મહાવિદ્યાના રૂપે પૂજા કરી : સંભવત: ૫ જૂન, ૧૮૭૨ની વૈશાખ અમાવાસ્યા, ફલહારિણી કાલીપૂજાની રાત્રીએ.

લીલા સંવરણ : ૨૧ જુલાઈ, ૧૯૨૦.

શ્રીમાએ બાલ્યકાળ, કિશોરાવસ્થા અને યૌવનના પ્રારંભનાં વર્ષો જયરામવાટીમાં પિતાના ઘરમાં જ વિતાવ્યાં હતાં. વિવાહ પછી ક્યારેક ક્યારેક થોડા દિવસો માટે તેઓ પોતાના સાસરે કામારપુકુર જતાં-આવતાં. યૌવનપ્રાપ્ત થતાં તેઓ દક્ષિણેશ્વર ગયાં અને શ્રીઠાકુરના લીલાસંવરણ સુધી એમની સાથે જ દક્ષિણેશ્વરમાં રહ્યાં. વચ્ચે વચ્ચે તેઓ કામારપુકુર, જયરામવાટી આવ-જા કરતાં. શ્રીઠાકુરની માંદગીના સમયે તેઓ શ્યામપુકુર અને કાશીપુરમાં ઘણી અસુવિધાઓની વચ્ચે રહીને પણ પતિસેવામાં લાગ્યાં રહેતાં. શ્રીઠાકુરની મહાસમાધિ પછી શ્રીમા દેવઘર અને કાશીનાં દર્શન કરીને વૃંદાવન ગયાં હતાં. અહીં કાલાબાબુના નિકુંજમાં લગભગ એક વર્ષ રહ્યાં હતાં. એ સમયે એમણે પગે ચાલીને વ્રજપરિક્રમા કરી હતી અને શ્રીકૃષ્ણનાં લીલાસ્થાનોનાં દર્શન કર્યાં હતાં. ત્યારે એમણે કઠોર તપશ્ચર્યા પણ કરી હતી. ત્યાંથી તેઓ હરિદ્વાર અને ઋષિકેશનાં દર્શને પણ ગયાં હતાં. એક વર્ષ પછી જયપુર, પુષ્કર અને પ્રયાગનું તીર્થાટન કરીને, ત્યાંથી પાછા ફરીને તેઓ કામારપુકુરમાં રહ્યાં હતાં. ત્યાર બાદ ક્યારેક કલકત્તામાં તો ક્યારેક ક્યારેક કામારપુકુરમાં તેઓ રહેતાં. છેલ્લે છેલ્લે તો શ્રીમા ઉદ્‌બોધન અને જયરામવાટીમાં જ રહેતાં હતાં. ભક્તપ્રવર શ્રીયુત્‌ બલરામબાબુના પુત્ર રામબાબુની ભક્તિપૂર્ણ પ્રાર્થનાને લીધે તેઓ હવાબદલો કરવા માટે થોડા દિવસ કોઠાર અને કૈલવારમાં જઈને રહ્યાં હતાં. સ્વામી રામકૃષ્ણાનંદજીના ભક્તિભાવભીના આગ્રહને લીધે તેઓ દક્ષિણભારતના ભ્રમણમાં ગયાં હતાં. અહીં તેમણે રામેશ્વર, મીનાક્ષી તેમજ ગોદાવરીનાં દર્શન કર્યાં હતાં. એ સમયે મદ્રાસ અને બઁગલોરમાં રહીને તેમણે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી હતી. દક્ષિણમાં જતાં પહેલાં થોડા દિવસ પૂરીમાં વસેલા શ્રીજગન્નાથજીનાં દર્શન કરીને એમણે પરમઆનંદનો અનુભવ કર્યો હતો.

નથી ચાહતો ચતુર્વર્ગ હું, સ્વર્ગ અને અપવર્ગ પણના.
મનની સાધ સુણો હો અંબે, તમ પાસ વિનંતી આ.
સૂઈને તારી ગોદમાં જનની, સદા નિરખું તવ આનન.
પીઉં અમૃત સ્નેહસ્તન્યનું, રાતદિવસ રહે એ જ રટણ.

શ્રીમા માતા અને કન્યાના રૂપે

પરમારાઘ્યા શ્રીમા શારદાદેવીના જીવન વિશે જેટલા ગ્રંથ પ્રકાશિત થયા છે એ બધામાં એમની અદ્‌ભુત માનવલીલાનાં અપૂર્વ અને અત્યંત હૃદયગ્રાહી દૃશ્યો છે ખરાં, પરંતુ એવું લાગે છે કે એમના ચરિત્રના માધુર્યને-વિશેષ કરીને ‘એક જ આધારરૂપે માતા અને કન્યા’-ના પક્ષને સમ્યક્‌ રૂપે પરિસ્ફૂટિત કરી શકાયો નથી; પછી ભલે ‘શ્રી શ્રીમાયેર કથા’ અને એમનાં જીવનચરિત્રમાં એની કેટલીક ઝલક અહીં તહીં જોવા મળતી હોય. શ્રીઠાકુરનો એ બાળક ભાવ, એમની એ પરમહંસની અવસ્થા, જેમાં તેઓ બાળકની જેમ દિગંબર બનીને પહેરવાનાં વસ્ત્ર બગલમાં દબાવીને ટહેલતા રહે છે, આ બધું બધાએ જોયું-સાંભળ્યું છે, પરંતુ અત્યંત લજ્જાશીલ કુલવધૂ, રત્નપ્રસવિની ચંદ્રામણિદેવીની લાડલી પુત્રવધૂ, જેમના વિશે દક્ષિણેશ્વર કાલીમંદિરના ખજાનચીએ વિસ્મિતભાવે કહ્યું હતું: ‘સાંભળ્યું છે કે તેઓ અહીં છે પણ એમને ક્યારેય જોયાં નથી!’ એમાં સંદેહ નથી કે આવાં અસૂર્યમ્પષ્યાત્‌-દેવીનાં આ નયને દર્શન અનેક પુણ્યોના ફળપ્રતાપે, એમની કૃપાથી અત્યંત વિરલ, સૌભાગ્યવાન લોકોને જ થયાં છે. એમની કૃપાપાત્ર એક સંતાન, ઘાટાલના વકીલ શ્રદ્ધેયશ્રી શિવનારાયણ વંદ્યોપાઘ્યાયે જયરામવાટીમાં પૂજ્ય કાલી મામા (શ્રીમાના નાના ભાઈ)ના બેઠક ખંડની ઓસરીમાં બેસીને અમે લોકોએ આવેગભર્યા કંઠે કહ્યું હતું: ‘શ્રીઠાકુરના લીલાસંવરણ પછીના થોડા સમય બાદ મારો એમનાં સંતાનો સાથે પરિચય થયો અને મેં વરાહનગર-આલામબજાર મઠમાં આવવું-જવું શરૂ કર્યું. તેમનો સ્નેહપ્રેમ મને મળ્યો અને એમની વિશેષ કૃપાથી મને શ્રીમાનાં દર્શન કરવાનો અને એમનાં શ્રીચરણકમળનો સ્પર્શ કરવાનો અવસર પણ મળ્યો. પરંતુ પોતાના સમગ્ર દેહ પર વસ્ત્રોથી ઢંકાયેલાં દેવીનાં ચરણકમળના અંગૂઠાના નખ સિવાય બીજું કંઈ નીરખવાનું સૌભાગ્ય મને ન મળ્યું. એકવાર સંન્યાસીઓ (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો)ની સાથે માતાજીને ગાડીમાં ચડાવવા માટે હાવરા સ્ટેશને ગયો હતો. શ્રીમા દેશમાં (કામારપુકુર-જયરામવાટી) જઈ રહ્યાં હતાં. ગાડી આવવામાં મોડું થવાનું હતું એટલે તેઓ પ્રતીક્ષાલયમાં બેસીને શ્રીઠાકુરની પૂજા કરતાં હતાં. અચાનક દરવાજો ખૂલી ગયો અને હું બાલિકાની જેમ પૂજાના આસન પર બેઠેલ માતૃમૂર્તિનું દર્શન કરીને વિમુગ્ધ બની ગયો. ત્યાર પછી એક વધુ વખત સંન્યાસીઓ સાથે હું કામારપુકુર આવ્યો. શ્રીમા પણ ત્યાં હતાં. અમે લોકો ઓસરીમાં બેસીને પ્રસાદ લેતા હતા. ભક્તશિરોમણિ શ્રીગિરિશચંદ્ર ઘોષ પણ ત્યાં બેઠા હતા. શ્રીમા ઓરડાની અંદર બેસીને દરવાજાની આડમાંથી સંતાનોને ભોજન કરતાં જોતાં હતાં. વાતચીત કરતાં કરતાં અમે લોકો આનંદપૂર્વક ભોજન લેતા હતા ત્યાં અકસ્માત મારી નજર ઓરડાની અંદર પડી. હું બરાબર સામે જ બેઠો હતો. શ્રીમાની મૂર્તિ સામે જ જોઈને હું વિસ્મિત અને પુલકિત થઈ ઊઠ્યો અને ત્યાં જ જોતો રહ્યો. અચાનક ગિરિશબાબુનો ઊંચો સ્વર કાને પડ્યો: ‘જુઓ છોને, બ્રાહ્મણના કરતૂક! ક્યાં જુએ છે!!’ હું હોંશમાં આવ્યો અને માથું નીચે નમાવી દીધું. ફરીથી આંખો ઊંચી કરીને એ બાજુ જોઈ ન શક્યો. પરંતુ ભાઈ, માની એ સ્નેહમયી મૂર્તિ ચિરકાળ માટે હૃદયમાં અંકિત થઈ ગઈ છે. ત્યારબાદ ઘણા સમય પછી અહીં જ શ્રીમાને મળીને, એમની સાથે વાર્તાલાપ કરીને તેમજ એમના હાથે પ્રસાદ મેળવીને, ખાઈને તથા તેમની સ્નેહમમતાનું આસ્વાદન કરીને મારાં મનપ્રાણ શીતળ થઈ ગયાં છે. હું ભરપૂર બની ગયો છું. જયરામવાટીમાં શ્રીમાને મેં બરાબર પોતાનાં માની જેમ જોયાં છે, શ્રીમાને પામ્યો છું.’

ભારતીય નારીનાં બે રૂપ : કન્યા અને વધૂ

મને મારા બાળપણની વાત યાદ આવે છે. હું મારાં મા સામે હોડીમાં બેસીને મોસાળ ગયો હતો. હોડીમાંથી ઊતરીને મામાના ઘરમાં પ્રવેશ કરતી વખતે મારાં માએ માથા પરથી ઘૂંઘટ કાઢી નાખ્યો અને માથું ખુલ્લું રાખીને મોટે અવાજે બધાંની સાથે વાતચીત કરવા લાગ્યાં. હું તો વિસ્મિત થઈને એમના ચહેરા તરફ જોવા લાગ્યો. મેં માને પોતાના ઘરના ઓરડાની અંદર પણ ક્યારેક ક્યારેક માથા પરથી સાડલાનો છેડો સરકી જાય ત્યારે એને તરત ખેંચીને બરાબર કરી લેતાં જોયાં છે. કોઈ કારણવશાત્‌ પાડોશીના ઘરે જવું પડે તો સાડલાનો છેડો ખેંચીને છાતી સુધી આવી જ જવાનો. સાથે કોઈ સંગી પણ હોય. ગળામાંથી એવો અવાજ નીકળે કે બીજું કોઈ સાંભળી જ ન શકે; કોઈ વાત કહેવી હોય તો કાનની પાસે મોં રાખીને એકદમ ધીમે સ્વરે કહેવાની! એટલે હું આ નવું દૃશ્ય જોઈને અવાક્‌ બની ગયો અને માના ચહેરા તરફ જોઈ જ રહ્યો અને મોકો મળતાં જ એમના માથેથી સાડલાનો છેડો ખેંચીને લાજથી ઢાંકી દેતો. મારી માસીઓ હસતી. મા મને ભેટીને કહેતી: ‘મારા સાસરિયાનો છે ને, ખુલ્લો ઘૂંઘટ જોઈ નથી શકતો!’ ખરેખર માને આમ લાજ વિના ખુલ્લે ચહેરે જોઈને મને કેવું લાગતું હતું! જાણે કે મા એક નાની છોકરી હોય તેવું લાગતું હતું. ત્યાર પછી જોયું કે મોટી બહેન પણ સાસરેથી પિતાને ઘરે આવીને લાજ-ઘૂંઘટ દૂર કરી લે છે, આડોશપાડોશમાં આવે જાય છે અને બધાં સાથે પોતાનાં ભાઈ-બહેનની જેમ નિ:સંકોચપણે વાતચીત કરે છે. ત્યારે મને ધીમે ધીમે સમજાયું કે પિતાને ઘરે દીકરીઓ વહુ નથી. એમનામાં કન્યાભાવ જ હંમેશાં રહે છે.

શ્રીમાનો સ્વાભાવિક બાલિકાભાવ

રત્નપ્રસવિની નાની શ્યામાસુંદરીની દુલારી કન્યા ‘સારુ’, ‘સારી’, ‘શારદા’ને જયરામવાટીમાં પિતાને ઘરે સદૈવ કન્યાની જેમ જ રહેવાનું ગમતું. એટલા માટે ભક્તગણ જ્યારે મોસાળ આવતો ત્યારે શ્રીમાના કમનીય બાલિકાભાવ અને એમનો નિ:સંકોચ વ્યવહાર જોઈને સૌ કોઈ વિસ્મિત અને મુગ્ધ બની જતા. અખિલબ્રહ્માંડના પાત્રને પોતાના ઉદરમાં રાખનારી આ જગજ્જનનીની કેવી વિચિત્ર લીલાઓ આ નરલોકમાં જોઈ છે! સરળ, ગ્રામ્યબાલા દીનની પર્ણકુટીને પોતાના સ્નેહચંદ્રની સ્નિગ્ધ ચાંદનીથી આલોકિત કરી દે છે. ધનવાન કે નિર્ધન, પંડિત કે મૂર્ખ, બાળક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, જે કોઈ અહીં આવે છે તે આ સ્નેહકીરણમાં નાહીને એમ વિચારે છે કે આ બાલિકારૂપિણી કોણ છે? દેવી છે કે માનવી? માતા છે કે કન્યા?

જેમની સ્નેહમાધુરી પ્રાણોને છલકાવી દે છે તે છે માતા; અને પુલકિત હૃદયની સ્નેહધારા જેમના તરફ દોડી જાય છે, તે છે કન્યા. જયરામવાટીમાં વરિષ્ઠ ભક્તોના વિશુદ્ધ અંત:કરણમાં આ બંને ભાવોની ભરતી-ઓટ ખેલ્યા કરતી. હે મા જગદંબે! આ કઠોર વેરાન પૃથ્વીરૂપી મરુસ્થળની હરિતભૂમિ એવા માનવહૃદયમાં જો તમે સ્નેહની મંદાકિની વહાવ્યે ન રાખો તો તમારી સદીચ્છાના આ ખેલનું ઘર સૂકાઈને નાશ પામશે. સંભવત: એટલે તમે ‘માતા’ બનીને પણ, ‘કન્યા’ બનીને આવ્યાં છો. હે મા! લીલામયી, નિત્યનવીન લીલા કરતાં રહો! અનાદિખેલનું ઘર અક્ષય બનો!

‘શ્રી શ્રીમાયેર કથા’ નામના ગ્રંથની મુખ્ય અને પ્રથમ લેખિકા પરમ સૌભાગ્યશાળી શ્રીમતી સરયૂબાલા શ્રી શ્રીમાનાં અસીમ સ્નેહ અને કૃપા પામીને ધન્ય બન્યાં હતાં. પોતાના અમૂલ્ય દૈનંદિન જીવનમાં એમણે પોતાની બહેનને ત્યાં શ્રીમાનાં શુભ પદાર્પણવેળાનું વર્ણન કરતાં કરતાં છેવટે આમ લખ્યું હતું: ‘શ્રીમા એ લોકોના સુંદર સુસજ્જિત મકાનમાં ગયાં. ગૃહવાસીઓ દ્વારા આયોજિત સેવાપરિચર્યા જો કે સામાન્ય હતી છતાં શ્રીમાએ પરમસંતોષ સાથે તેને ગ્રહણ કરીને સૌ કોઈને પુલકિત અને કૃતાર્થ કરી દીધાં. ઘરના બગીચામાં પુષ્પોની મનોહારી શોભાને જોઈને એમનું મન વિશેષ પ્રફુલ્લિત બન્યું અને તેઓ એક બાલિકાની જેમ પોતાના મનના આનંદને પ્રગટ કરવા લાગ્યા.’ ભક્તિમાન ગૃહસ્વામી અને ભક્તિમતી ગૃહસ્વામિનીના ઈષ્ટદેવતાએ એ દિવસે એમના પ્રત્યે અસીમ કરુણાથી પૂર્ણ બનીને, બાલિકાભાવથી ભાવિત થઈને, તેમનાં ઘરને આલોકિત અને હૃદયોને ઉદ્‌ભાસિત કરી દીધાં હતાં, તથા સ્નેહપ્રેમની મંદાકિની વહાવી દીધી. એમાં સંદેહ નથી કે એ લોકોનાં તપ્તહૃદય સુશીતળ બની ગયાં અને એમનો નરજન્મ સાર્થક બન્યો. આ વર્ણન વાંચીને અમારું તૃષાર્તચિત્ત ગાઈ ઊઠ્યું હતું: ‘ગૌરી મારી આવી હતી!’ પછી આ પ્રકાશિત ગ્રંથમાં અપૂર્વ બાલ્યાવસ્થાનું કેટલુંક ચિત્રણ છોડી દેવામાં આવ્યું હતું.

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.