૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર મારી સાથે આવ્યા હતા. એ વેળા, શ્રીરામકૃષ્ણ બોઝ, સ્વામી ધીરાનંદ, સ્વામી અચલાનંદ, સ્વામી આત્માનંદ અને નાગ મહાશયના ભક્ત શ્રી હરપ્રસન્ન મઝુમદાર કોઠારમાં રહેતા હતા.

અમે ત્યાં પહોંચ્યા ત્યારે બપોરનો એક વાગ્યો હતો. પૂજ્ય મા માટે અમે કેટલાંક ફળ, સંતરાં, મધ વગેરે લઈ ગયા હતા. રામકૃષ્ણ બાબુ બધું મા પાસે લઈ ગયા. અમે નાહ્યા પછી અમને જમવા બોલાવ્યા. દરમિયાનમાં અમે કેટલાક સાધુઓને ઘુસપુસ કરતાં સાંભળ્યા: ‘આ લોકો આટલે દૂરથી આવે છે એટલે, તેમને પૂજ્ય માને મળવા જવા તો દેવા પડશે પરંતુ, એમને ત્યાં વધારે વાતચીત કરવા ન દેવી.’ વીરેનબાબુને કાને આ વાત પડી અને, એમણે એ મને કહી. મેં એમને કહ્યું, ‘માની ઇચ્છા હશે તેમ જ થશે. એમાં ચિંતા કરવા જેવું શું છે?’ મારા સાથીઓ જમવા જતા હતા ત્યારે મેં કહ્યું, ‘પૂજ્ય માને પ્રણામ કર્યા પહેલાં હું જમીશ નહીં.’ રામકૃષ્ણ બાબુએ માને આ વાત કહેતાં, પૂજ્ય માની રજા લઈ એ તરત પાછા આવ્યા. અંદરના ચોકમાં દાખલ થતાં જ, અમે માને પરસાળમાં બેઠેલાં જોયાં. પોતાના શરીરે એક ઉપવસ્ત્ર નાખીને તથા મોઢા પર સાડીનો છેડો રાખીને એ બેઠાં હતાં. હું મા નજીક ગયો તો ગોલાપમા કહે, ‘મા, આ તો નાનો છોકરો છે. આપને પ્રણામ કરવા એ આવ્યો છે.’ આ સાંભળી માએ પોતાના મુખ પરથી સાડીનો છેડો ઊંચો કર્યો. પૂજ્ય માનું મુખ અમે સ્પષ્ટ જોઈ શક્યા. એ દિવસ પછીથી, માએ કદી પોતાનું મુખ મારાથી આચ્છાદિત ન રાખ્યું. સાષ્ટાંગ પ્રણામ કરી હું બોલ્યો, ‘મેં તમારું શરણું લીધું છે.’ મારે માથે હાથ મૂકી મા બોલ્યાં, ‘તને ભક્તિ પ્રાપ્ત થાઓ.’

શિષ્ય: મા, અહીં થોડા દિવસ ગાળવાની મારી ઇચ્છા છે. પણ આ શ્રીમંત ગૃહસ્થના ઘરમાં, આપને મળવું ખૂબ કઠણ છે.

મા: ‘હું તને કહેવડાવીશ. અત્યારે જઈને જમી લે. અને થોડો આરામ કર.’ ભોજન લીધા પછી અમે આરામ કર્યો બપોર પછી આદરણીય ગોલાપમા મારે માટે ખીરનો વાટકો લાવ્યાં; માને એ ધરવામાં આવી હતી અને એમણે મને કહ્યું, ‘માએ આ પ્રસાદની ખીર મોકલાવી છે.’ થોડી વાર પછી બીજું કોઈ આવી મને કહે, ‘મા તમને બોલાવે છે.’ મેં એમને બીજી વાર જોયાં. પ્રણામ કર્યા પછી મેં કહ્યું: ‘મા, મારે થોડી અંગત વાત કરવી છે પણ, બીજાંની હાજરીમાં બોલતાં હું ખચકાઉં છું.’ ‘સારું,’ કહી, મને એમની પાસે લઈ જનાર વ્યક્તિને તેમણે ત્યાંથી  થોડીવાર આઘા જવા કહ્યું. એ વ્યક્તિ જતી રહી.

અગાઉ શ્રીરામકૃષ્ણને અને પૂજ્ય માને મેં સ્વપ્નોમાં જોયાં હતાં. હવે મેં માને એ વાત કરી. એ સાંભળી પૂજ્ય મા કહે, ‘તેં જોયું છે તે સાચું છે.’ પછી માએ મને બીજા બે ભક્તો વિશે પૂછ્યું: ‘વારુ, એમને શું જોઈએ છે?’

શિષ્ય: મા, આપ રાજી હો તો એમને દીક્ષા જોઈએ છે.

મા: ભલે, આવતી કાલે સવારે તમે સૌ નાહ્યા પછી મારી પાસે આવો.

શિષ્ય: મા, આપના પાવક ચરણોને શ્રીરામકૃષ્ણે જાતે પૂજ્યા હતા અમે પણ પુષ્પો વડે તેમની પૂજા કરવા માગીએ છીએ.

મા: વારુ. તમારી ઇચ્છા પરિપૂર્ણ થશે.

શિષ્ય: મને ફૂલ ક્યાં મળશે?

મા: અહીંના સેવકો તમને એ દેશે.

માને પ્રણામ કરી અમે દીવાનખાનામાં ગયા.

પૂજ્ય માએ મને પૂછ્યું હતું, ‘એમને શું જોઈએ છે?’ એમણે મારો તો ઉલ્લેખ જ કર્યો ન હતો. મા પાસેથી આવ્યા પછી આ ભૂલની મને ચિંતા થવા લાગી. માની ઇચ્છા હશે તેમ થશે એવું વિચારી આખરે મારા મનને મેં શાંત કર્યું. મેં કશું કહ્યું નહીં.

બીજી સવારે નાહ્યા પછી, ફૂલ અને આધ્યાત્મિક દીક્ષા માટે જરૂરી બીજી સામગ્રી સાથે અમે તૈયાર થઈ ગયા. માએ અમને કહ્યું, ‘એક પછી એક મારી પાસે અંદર આવો.’ સૌથી પહેલો હું હતો. માએ પોતાની સવારની પૂજા આટોપી લીધી છે એમ લાગતું હતું. હું અંદર  દાખલ થયો કે મા બોલ્યાં: ‘તને ઠાકુરે આપેલો મંત્ર તું બોલી જા. હું પણ તને કાંઈક આપીશ.’ આમ કહી એમણે મને દીક્ષા મંત્ર આપ્યો.

પછી અમે માના પવિત્ર ચરણોની પૂજા કરી. ઊભાં રહીને એમણે અર્ઘ્ય સ્વીકાર્યો. મેં કહ્યું, ‘મા, મને કશો પૂજોપચાર આવડતો નથી.’ મા કહે, ‘કોઈ પણ મંત્ર બોલ્યા વગર ફૂલ અર્પણ કર. એ ચાલશે. ‘જય મા’ બોલી મેં પુષ્પો ચડાવ્યાં. પુષ્પોમાં એક ધંતૂરાનું ફૂલ હતું. એને ચીંધી મા કહે, ‘આ ન ચડાવતો. એ ભગવાન શિવને ચડાવાય છે.’

હું મારી સાથે લાવ્યો હતો તે એમને માટેની સાડી અને એ રૂપિયો મેં માને ધર્યાં. આ જોઈ મા કહે, ‘તું હાલ આર્થિક સંકટમાં તો છો જ. પૈસા શા માટે ધરે છે?’ મારા ઘરની તંગ પરિસ્થિતિ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો છતાં, નવાઈ જેવું છે કે, મા એ વિશે બધું જાણતાં હોય એમ લાગ્યું. મેં કહ્યું: ‘એ આપનું જ છે અને આપને એ અપાઈ રહ્યું છે. અમે જે કમાઈએ છીએ તેનો નાનકડો ભાગ પણ આપની સેવામાં વપરાય તે અમારાં ધન્યભાગ્ય છે.’ એટલે મા બોલ્યાં: ‘વાહ! કેવી ભક્તિ, બેટા!’ મેં કહ્યું: ‘મા, ભક્તો આપને કાલી, આદ્યાશક્તિ, ભગવતી કહે છે. ગીતામાં કહ્યું છે કે અસિત, દેવલ, વ્યાસ, વ. ઋષિઓ શ્રી કૃષ્ણને સ્વયં નારાયણ કહેતા. શ્રીકૃષ્ણે પોતે અર્જુનને આ કહ્યું છે. ગીતામાં આ વાત જણાવીને એમની ઉપર વધારે ભાર દેવામાં આવ્યો છે. આપને માટે સાંભળેલું બધું હું માનું છતાં આપ આપને સ્વમુખેથી એ કહેશો એટલે મારા સંશય ટળી જશે. આ વાતો બધી સાચી છે કે નહીં તે હું આપને શ્રીમુખેથી સાંભળવા ઇચ્છું છું.’ ‘હા, બધી એ સાચી છે,’ માએ કહ્યું, એ પછી કદી મેં માના સાચા સ્વરૂપ વિશે એમને નથી પૂછ્યું

હું બોલ્યો, ‘મા, મને આટલું આપો – હું જેમ આપને જોઉં છું અને આપની સાથે વાત કરી શકું છું તે રીતે મારા ઇષ્ટ દેવને હું જોઈ શકું, સ્પર્શી શકું અને તેમની સાથે વાત કરી શકું. મને આટલા આશીર્વાદ આપો.’

મા કહે, ‘તથાસ્તુ, તારી ઇચ્છા ફળીભૂત થશે.’

બીજે દિવસે, એમની પાસેથી વિદાય લેતાં પહેલાં એમને પ્રણામ કરવા ગયો ત્યારે, મેં એમને હસતાં અને કૃપા વરસાવતાં જોયાં. ગોલાપમાએ આગ્રહભર્યું સૂચન કર્યું: ‘ઘેર જતાં પહેલાં જગન્નાથ પુરી કેમ ન થતો જા?’ મેં ઉત્તર આપ્યો, ‘મારે બીજું વધારે જોવાની જરૂર શી છે? માના પાવનકારી ચરણો મારે માટે લાખોગણા પવિત્ર છે. મારે બીજા કશાની જરૂર નથી.’ આ સાંભળી મા કહે, ‘હવે એ વાત પડતી મૂકો. તારે ત્યાં જવાની જરૂર નથી.’

૧૯૧૨ના મેમાં મેં ઉદ્‌બોધન ઑફિસમાં પૂજ્ય માને બીજી વાર જોયાં. એ વેળા રાજેન્દ્રલાલ મુખોપાધ્યાયનાં પત્નીએ અને મારાં પત્નીએ મંત્રદીક્ષા લીધી. આ વખતે રાધુની માંદગીને લઈને મા સાથે કશી અગત્યની વાત હું કરી શક્યો નહીં. મારાં બા, દાદીમા અને બે દીકરાઓ મારી સાથે આવ્યાં હતાં તે સૌ માનાં દર્શન અને ચરણસ્પર્શ કરીને તેમની કૃપા પામ્યાં હતાં.

પછી ૧૯૧૩માં, જયરામવાટીમાં હું માને મળ્યો. માના ભત્રીજા ભૂદેવનું લગ્ન થવાનું હતું તેના ત્રણ ચાર દિવસ પહેલાંનું એ મિલન હતું. કોઆલપાડા મઠમાં આવી મેં સાંભળ્યું કે, દ્વારકાનાથ મઝુમદાર નામનો એક ભક્ત પૂજ્ય માને મળી પાછો આવતાં કોઆલપાડામાં મરી ગયો હતો. સ્વામી કેવલાનંદે કહ્યું: ‘હમણાં માએ કોઈને પણ જયરામવાટી જવાની મનાઈ કરી છે. ત્યાં દુકાળ પ્રવર્તે છે. વરસાદ પડે નહીં ત્યાં સુધી કોઈએ ત્યાં જવાનું નથી.’ સ્વાભાવિક રીતે જ મને થોડી મૂંઝવણ થવા લાગી. મેં આટલું લાંબું અંતર તો કાપી નાખ્યું હતું; પણ પૂજ્ય માની આજ્ઞાનો અનાદર મારાથી કેમ થાય? બપોરે જમીને મેં થોડો આરામ કર્યો. અજબ જેવું છે કે, માની કૃપાથી વરસાદનું એક સારું ઝાપટું આવી ગયું. બીજી સવારે જયરામવાટી જઈ મેં માને પ્રણામ કર્યા. થોડી પ્રારંભિક વાત પછી મા કહે, ‘બેટા, ગઈ કાલે અહીં સારું ઝાપટું આવી ગયું. આજે સારી ટાઢક થઈ છે.’ તાજેતરમાં મૃત્યુ પામેલા ભક્ત વિશે વાત કરતાં મા કહે, ‘પવિત્ર માનવીનું મોત એ પામ્યો. હું એને હજીયે, જાણે કે, જોઈ શકું છું, પણ એના દુ:ખી પિતાની મને ચિંતા રહે છે.’ આ શબ્દો બોલતાં મા રોઈ પડ્યાં.

એ સમયે, વારાણસીથી બ્રહ્મચારી દેવેન્દ્રનાથ જયરામવાટી આવ્યા. પોતાના પૂર્વજીવનની વાતો પોતે જાણે છે એમ એ કહેતા. મારા આગલા ભવમાં હું એમનો આધ્યાત્મિક ગુરુ હતો એમ ચાર પાંચ વાર એમણે મને કહેલું. એને ગાંડીઘેલી વાતો તરીકે હું હસી કાઢતો. અમે બંને પૂજ્ય મા પાસે સાથે ગયા ત્યારે, મા બોલ્યાં, ‘અગાઉ તમે બંને સાથે હતા અને ફરી પાછા બંને ભેગા થયા છો.’ આ સાંભળી દેવેન્દ્ર મને કાનમાં કહેવા લાગ્યા: ‘જોયું ને, હું કહેતો હતો એ બધું સાચું છે ને?’ મેં કહ્યું, ‘એ હશે, પણ હું એમાંનું કશું જાણતો નથી.’

મા પાસેથી છૂટા પડ્યા પછી, દેવેન્દ્ર મને કહેવા લાગ્યા: ‘હું સંન્યાસગ્રહણ માટે મા પાસે આવ્યો છું. પણ, તમે વિધિપૂર્વક માને વિનંતી નહીં કરો તો મારી ઇચ્છા પરિપૂર્ણ નહીં થાય. ઠાકુરની ઇચ્છાથી હું અહીં આવ્યો છું. અહીં તમને પણ ઠાકુરે આણ્યા છે. કારણ, તમારી સંમતિ વિના મારી પ્રાર્થના સંભળાશે નહીં. વારાણસીમાં સ્વપ્નમાં મને ઠાકુર અને પૂજ્ય મા દેખાયાં હતાં અને મેં એમની સાથે વાત કરી હતી.’ હું બોલ્યો: ‘પહેલ કરીને હું પૂજ્ય માને કશું કહીશ નહીં. શું થાય છે તે જોઈએ.’ દેવેન્દ્ર કહે: ‘હું કહું છું કે એ ચાલે નહીં.’

સાત આઠ દિવસથી અમે જયરામવાટીમાં હતા. દરમિયાન દેવેન્દ્ર ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતા. મને એ અસ્વાભાવિક લાગતું હતું. પરંતુ, એક દિવસ પૂજ્ય માને મેં એકલાં જોયાં અને કહ્યું: ‘મા, હું કાંઈક કહું?’ હસીને મા કહે, ‘થોડીક વાર પછી હું શાક કરતી હોઉં ત્યારે આવજે.’

થોડા સમય પછી, મા શાકને મસાલો કરતાં હતાં. હું જેવો એમની પાસે ગયો તેવાં કહે, ‘હવે તારે જે કહેવું હોય તે કહે.’

હું બોલ્યો: ‘મા, ઠાકુરે દેવેન્દ્રને દર્શન દીધાં હતાં તે આપ જાણો છો. આપે પણ એની ઉપર એવી કૃપા કરી છે. હવે એ સંન્યાસની દીક્ષા ચાહે છે. એ સંસારી રહેવા ચાહતા નથી. તો એની ઇચ્છા કાં પૂરી ન કરો?’ આ સાંભળી મા મલક્યાં અને કહેવા લાગ્યાં: ‘એ સંન્યાસ લેશે તો, એથી બીજા કોઈને પીડા નહીં થાય?’ મેં કહ્યું: ‘એનાં માબાપ મરી ગયાં છે. એના મોટા ભાઈએ બ્રાહ્મ ધર્મ અપનાવ્યો છે, પણ એ કમાય છે, દેવેન્દ્રના સંન્યાસથી  કોઈને દુ:ખ થાય એમ મને લાગતું નથી.’ એટલે મા કહે, ‘ભલે, એની ઇચ્છા પૂરી થશે. કોઆલપાડા મઠમાંથી એક નવું કપડું ભગવું રંગાવી લે. આવતીકાલે જ એનો દીક્ષાવિધિ થશે.’ દેવેન્દ્રને આ કહેતાં એને ખૂબ રાજીપો થયો. બધી તૈયારી કરવામાં આવી. બીજી સવારે, ઠાકુરની છબિની પૂજા કર્યા પછી એ છબિ પાસે જ દેવેન્દ્રને ભગવું વસ્ત્ર અને કૌપીન આપ્યાં, નવાં વસ્ત્રો પરિધાન કર્યા પછી માએ દેવેન્દ્રને પોતાની પાસે આવવા કહ્યું. મારા સંજાગોનો વિચાર કરતો હું પૂજ્ય માની બાજુમાં જ બેઠો હતો. એ જ વખતે, કેમ જાણે મારી લાગણી સમજી જઈ માદર્વપૂર્વક મા બોલ્યાં: ‘દીકરા, ઠાકુરને ધરાયેલું શરબત તું લઈશ?’ ‘હા મા, મને આપો.’ મેં કહ્યું.

માએ એમાંથી થોડું પીને પ્રેમપૂર્વક ગ્લાસ મને આપ્યો. માએ જે થોડું પીધું હતું તે શરબત પીતાં હું મારી જાતને કૃતાર્થ માનવા લાગ્યો. મને થયું, ‘આ શરબતની તુલનામાં, સંન્યાસમાં શું છે? આ તો દેવોને પણ દુર્લભ છે!’ મારું હૈયું અદ્‌ભુત આનંદથી ભરાઈ ગયું.

ભગવાં વસ્ત્ર પહેરીને દેવેન્દ્ર ત્યાં આવ્યા અને એમણે માને પ્રણામ કર્યા ત્યારે, માએ મને કહ્યું: ‘તું જુએ છે ને? એ બદલાઈ ગયો છે. હવે જૂનો દેવેન્દ્ર નથી.’

માના બીજા ભાઈ કાલીમામા પોતાના પુત્ર ભૂદેવની જાનમાં જોડાવા મને આગ્રહ કરતા હતા. પણ મારે મા પાસે રહેવું હતું. મારું વલણ સમજી મા વચ્ચે પડ્યાં અને બોલ્યાં, ‘ના, એણે જાનમાં જવાની જરૂર નથી. એ ભલે અહીં રહ્યો.’

લગ્નના જમણ માટે બ્રાહ્મણ રસોયાઓ રાંધી રહ્યા હતા. દેવેન્દ્ર અને હું દૂરથી એમને જોઈ રહ્યા હતા. અમને જોઈ મા બોલ્યાં: ‘જનોઈ ન પહેરવા માટે તમે એમની મશ્કરી કરો છો. પણ રસોઈમાં એમની તોલે કોણ આવે?’

લગ્નના ઉત્સવના ભાગરૂપે, એક પહેલવાને પોતાની છાતી પરના પાણાના ટુકડા કરી નાખ્યા. એ પાણાના ભુક્કા બોલાવતો હતો ત્યારે, મા સતત પ્રાર્થના કરતાં હતાં: ‘મા, એની રક્ષા કરો.’ ખેલ પૂરો થયો એટલે માએ મને પૂછ્યું, ‘બેટા, આ લોકો શું કોઈ મંત્ર જાણે છે?’ મેં ઉત્તર આપ્યો: ‘બળના આ પ્રદર્શન પાછળ બીજું કંઈ નથી. અભ્યાસથી એણે આ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. મેં એક વાત સાંભળી છે. એક અમેરિકન ગોવાળ (કાઉબોય) તાજા જન્મેલા વાછરડાને કાંખમાં ઘાલી થોડેક અંતરે લઈ ગયો. પછી દરરોજ એ વાછરડાને એટલે અંતરે લઈ જવાનો મહાવરો એણે કેળવ્યો. એ વાછરડો મોટો બળદ થઈ ગયો તો પણ એ ગોવાળ એને ઊંચકતો થઈ ગયો. એની આ તાકાત જોઈ બધા અચરજ પામતા. મહાવરાનું આ પરિણામ.’ મા કહે, ‘બરાબર. મહાવરો કેટલો અસરકારક છે એ તું જોઈ શકે છે ને? એ જ રીતે, જપના અભ્યાસ દ્વારા, માણસ શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. હા, જપ સફળતા આપે છે, આપે જ છે.’

નાગ મહાશયના જીવનચરિત્રમાં લખ્યું છે કે, એક વાર, માએ પ્રથમ ચાખી, પ્રસાદરૂપે નાગ મહાશયને ખાવાનું આપ્યું હતું. આથી અભિભૂત થઈ નાગ મહાશય બોલી ઊઠ્યા હતા, ‘પિતા કરતાં માતા વધારે દયાળુ છે, પિતા કરતાં માતા વધારે દયાળુ છે.’ જીવનચરિત્રનો આ ભાગ વાંચતાં મને થયું, ‘મા મને કોઈ દિવસે આમ ખવરાવશે? પણ હું આ ઇચ્છા પ્રગટ નહીં કરું. મા પોતે જ એમ કરે તો ભલે.’ નવાઈ જેવું છે કે એક વાર પૂજ્ય માએ એ જ રીતે પાવન કરેલું ભોજન મને આપ્યું હતું!

એ સમયે રામકૃષ્ણ મઠમાં નહીં જોડાયેલો પણ પૂજ્ય માનો ઓળખીતો એવો એક સંન્યાસી ત્યાં આવ્યો. એક સવારે હું જમતો હતો. એ નવો સંન્યાસી મારાથી થોડે દૂર બેઠેલો હતો. માએ મને પૂછ્યું, ‘દીકરા, ભગવાં પહેરવાં શું સહેલાં છે?’ પછી પેલા સાધુ તરફ ચીંધી મા બોલ્યાં: ‘એણે શું કર્યું છે તે જો. ભગવાંની શી જરૂર છે? ભગવાં વિના પણ તું બધું પ્રાપ્ત કરી શકીશ.’

પૂજ્ય મા માટે હું બેએક સાડીઓ લાવ્યો હતો. માને એ ધરતાં હું બોલ્યો: ‘આપને ભેટ મળેલ વસ્ત્રો આપ બીજાંઓને વહેંચી દો છો એમ મેં સાંભળ્યું છે. પરંતુ આ વસ્ત્રો આપ જાતે જ વાપરશો તો હું ખૂબ રાજી થઈશ.’ આ સાંભળી મા કશું બોલ્યાં નહીં પણ જરા હસ્યાં. બીજે દિવસે હું એમને મળવા ગયો તો મા કહે: ‘જો બેટા, તેં આપેલું લુગડું પહેર્યું છે ને?’

મારી આર્જવભરી વિનંતીથી માએ પોતાની એક જૂની સાડી મને આપી. એ આપતાં મા બોલ્યાં, ‘એ ખૂબ મેલી છે. એને ધોઈ નાખજે.’ મેં કહ્યું: ‘ના મા, તમે આપી છે એ જ સ્વરૂપમાં હું એને રાખવા માગું છું. હું એને ધોબીને આપવા નથી માગતો.’ ‘ઠીક, તારી ઇચ્છા’, મા બોલ્યાં.

એક દિવસે મા જમતાં હતાં તે સમયે દેવેન્દ્ર અને હું ગયા. માએ પૂછ્યું: ‘તમારે પ્રસાદ લેવો છે?’ એ લેવા માટે અમે બંનેએ અમારા હાથ ધર્યા. માએ થોડુંક ખાઈને બાકીનું  અમને બંનેને આપી દીધું. અમારા હાથમાંથી નીચે ન પડે એ માટે માએ પોતાને હાથેથી એ દબાવી રાખ્યું. મા રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબનાં હતાં જ્યારે હું કાયસ્થ હતો. જ્ઞાતિનિયમોને નેવે મૂકી મને અડીને એ પાછાં જમવા લાગ્યાં. અમને, ખરે જ, એમણે પોતાનાં સંતાન માન્યાં હતાં.

મા પાસે જતો ત્યારે ત્યારે, કંઈ ફળ કે બીજું જે મળે તે હું સાથે લઈ જતો. મેં સાંભળ્યું હતું કે દરેક માણસે આણેલી વસ્તુઓ મા ઠાકુરને આપી ન શકતાં એટલે, મને ડર લાગતો કે મારા જેવા અશુદ્ધ માનવીની ભેટ મા સ્વીકારશે કે કેમ. પણ ‘બેટા, તું લાવ્યો હતો તે મેં ઠાકુરને ધરાવ્યું છે. એ ઘણું સરસ અને મીઠું છે. મેં પણ એ ખાધું છે,’ આ શબ્દો મા પાસેથી સાંભળી મારા મનને શાંતિ થતી.

એક દિવસે મેં એમને પ્રશ્ન કર્યો: ‘મા, ભગવાનના નામ સ્મરણથી માનવીનાં પૂર્વ કર્મો ધીમે ધીમે ઘસાઈ જતાં નથી?’ માએ ઉત્તર વાળ્યો: ‘પૂર્વ કર્મોનું ફળ દરેકે ભોગવવું જ પડે. પરંતુ, પ્રભુસ્મરણ આટલી સહાય કરે — પોતાનો પગ ભાંગવાને બદલે માણસને કાંટો વાગે.’

મેં કહ્યું: ‘મા મારાથી આધ્યાત્મિક સાધના ભાગ્યે જ થાય છે. વળી, મારાથી એ કદી કરી શકાશે એમ મને લાગતું નથી.’ માએ મને આશ્વાસન આપ્યું. ‘તું બીજું શું કરવાનો હતો? કરે છે તે જ કર્યે જા. ઠાકુર તમારી બધાંની પાછળ છે એ યાદ રાખજે. હું પણ પાછળ ખડી છું.’

એક દિવસ માએ કહ્યું: ‘પોતાની માંદગીને લઈને રાધુ બહુ અસ્થિર થઈ ગઈ છે.’ પછી મને કહે, ‘દીકરા, રાધુને શી પીડા છે તે તું જો તો ખરો.’ મને નાડી જોતાં આવડતું ન હતું. છતાં, પૂજ્ય માના સંતોષ ખાતર, રાધુની નાડી જોઈ હું બોલ્યો, ‘કોઈ ગંભીર માંદગી નથી. એ જરા નબળી પડી ગઈ છે. એને થોડું દૂધ આપો.’ બાલસ્વભાવનાં મા તરત રાધુને દૂધ આપવા લાગ્યાં. થોડી વાર પછી રાધુની મા આવી રાધુની બાજુમાં બેઠી. આથી રાધુ ચીડાઈ. પોતાની મા આમ બાજુમાં બેસે તે એને ગમતું ન હતું. હાથ વડે એને ધક્કો મારી રાધુ બોલી, ‘આઘી જા ને.’ પૂજ્ય માનો હાથ અચાનક રાધુની માના પગને અડી ગયો. ખૂબ અકળાઈ જઈ એ બોલી ઊઠી, ‘તમે મારા પગને શું કામ અડ્યાં? હવે મારું શું થશે?’ રાધુની માના આવા વર્તનથી મા ખડખડાટ હસી પડ્યાં. બાજુમાં ઊભેલા રાસબિહારીદા બોલી ઊઠ્યા, ‘મા, આ પાગલ સ્ત્રી તમારું કેવું વાંકું બોલે છે અને તમને કેમ હેરાન કરે છે તે તમે જુઓ છો ને? અને હવે, તમારો હાથ એના પગને અડી ગયો તેથી એ કેટલી ગભરાયેલી દેખાય છે!’

માએ કહ્યું: ‘રામ અનંત બ્રહ્મ નારાયણ છે અને, સીતા આદ્યશક્તિ, જગજ્જનની છે એ જાણ્યા છતાં, રાવણે આટલી બધી પીડા ઊભી કરી હતી. હું કોણ છું એ આ ગાંડી નથી જાણતી શું? એ બધું જાણે છે છતાં, આ બધી ગમ્મત કરે છે.’

માના પગના સંધિવા વિશે વાત કરતાં મેં કહ્યું: ‘બીજાંના પાપ પોતાને શિરે લેવાનું પરિણામ આપ ભોગવો છો એમ હું સાંભળું છું. મારી એક અંતરની પ્રાર્થના છે, કૃપા કરી મારે બદલે કશી પીડા આપ ન ભોગવો. મારાં પૂર્વકર્મોનું ફળ મને ભોગવવા દેવાની કૃપા કરો.’ મા બોલ્યાં: ‘એ શી રીતે શક્ય બને? બધાં સુખી થાય અને, એમનું દુ:ખ હું ભોગવતી રહું.’ અરે! કરુણાનો આ કેવો ગહન આવિષ્કાર!

જયરામવાટી છોડતાં પહેલાં, મેં માને દંડવત્ પ્રણામ કર્યા ત્યારે, પૂજ્ય માએ પોતાનો હસ્ત મારે મસ્તકે મૂક્યો અને મનમાં પ્રભુસ્મરણ કર્યું. પછી, વાત્સલ્યથી એ બોલ્યાં: ‘અરે! આ સૌને તો મારી સાથે રહેવું છે. પણ બિચારા કેમ રહી શકે? એમને ઘરની કેટલી જવાબદારી છે!’ દૂર દેશ જતા પુત્રની માતાની માફક પોતાનો ભાવ વ્યક્ત કરી, મા મારી સાથે પોતાના ઘરથી થોડે સુધી ચાલ્યાં અને, અશ્રુભરી આંખે મને નીરખતાં રહ્યાં.

એક વાર હું ત્રણ અઠવાડિયા કલકત્તા રહ્યો. બાગબજારના પૂજ્ય માને ઘેર હું ગયો. એમના ચરણને વંદન કર્યા પછી હું બોલ્યો, ‘મા, હું અહીં થોડા દિવસ રહેવાનો છું. એવો નિયમ કરવામાં આવ્યો છે કે, આપની પાસે આવનાર વ્યક્તિ અઠવાડિયામાં બે વાર આવી શકે, કૃપા કરીને મને રજા આપો તો, આપની પાસે હું અવાર નવાર આવી શકું.’ મા કહે, ‘જરૂર. આવી શકે એટલી વાર આવજે અને મને ખબર આપજે.’

એ ગાળા દરમિયાન, એક દિવસે, મા પાસે જઈ હું બોલ્યો, ‘મા, મને ચિત્તશાંતિ લાધતી નથી. તૃષ્ણાઓ મને છોડતી નથી.’ આ સાંભળી, ઠીક ઠીક વખત સુધી માએ મારી સામે તાકીને જોયું પણ, એક્કેય શબ્દ બોલ્યાં નહીં. એમની ખિન્ન દૃષ્ટિથી મને પસ્તાવો થયો. માને આવું શા માટે કહ્યું તેનો મને અચંબો થયો. એમની ચરણ રજ લઈને, હું ગુરુપ્રસાદ ચૌધરી લેઇનમાં માસ્ટર મહાશય પાસે ગયો. એમને પ્રણામ કરીને મેં કહ્યું: ‘આપે ઠાકુરની ચરણ સેવા ખૂબ કરી છે. મારે માથે હાથ ફેરવવાની કૃપા કરો. હું ખૂબ વ્યથિત છું.’ માસ્ટર મહાશયે ઉત્તર વાળ્યો, ‘આ શું વળી? તમે તો માના દીકરા છો. એ તમને ખૂબ વહાલ કરે છે. તમારે મારી પાસે આશ્વાસન માટે શું કામ આવવું જોઈએ? માએ તમારી ઉપર કૃપાકટાક્ષ ફેંક્યો નથી શું?’ મેં ઉત્તર વાળ્યો: ‘હા રે, માએ મારી પ્રત્યે થોડી દૃષ્ટિ કરી છે.’ એટલે માસ્ટર મહાશય બોલી ઊઠ્યા, ‘તમારે શું વધારે જોઈએ? શ્યામાના એક દૃષ્ટિપાતે તો માનવી અનંત આનંદમાં તરે છે.’ એમણે ત્રણ વાર ભારપૂર્વક આ વાત કહી. માએ મારી સામે કરેલા દૃષ્ટિપાતનું રહસ્ય હવે મને સમજાયું. મને શાંતિ થઈ. પૂજ્ય માના કૃપાકટાક્ષનો અર્થ હું સમજી શકું એ માટે માએ મને માસ્ટરમહાશય પાસે મોકલ્યો હતો તેમ મને લાગ્યું.

(ક્રમશ:)

ભાષાંતર : દુષ્યંત પંડ્યા

[‘શ્રી શ્રીમાતૃચરણે’માંથી સાભાર]

Total Views: 433

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.