મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશ: ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રાય પૂજ્ય શ્રી શ્રીમા શારદાદેવીનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં. – સં.

(ગાતંકથી આગળ)

મારી જાણીતી એક છોકરીએ માને કદી જોયાં ન હતાં. એના પતિને આવી મુલાકાતો ગમતી ન હતી. પણ એક દહાડો, એના પતિના ઑફિસે ગયા પછી, એણે મને મા પાસે લઈ જવાનો અને પોતાના પતિદેવ પાછા આવે તે પહેલાં ત્યાંથી પાછા આવી જવાનો આગ્રહ કર્યો. મેં કહ્યું, ‘તું અત્યારે માને નહીં મળી શકે. મા આ સમયે આરામ કરતાં હોય છે.’ એણે કહ્યું, ‘ગમે તે થાય અત્યારે જ ચાલો.’ માના ઘરમાં દાખલ થતાં જ મેં ગોલાપમાને જમતાં જોયાં. મા જાગે ત્યાર પછી એમને મળવાના હેતુથી હું ગોલાપમા પાસે ગઈ. મને જોતાં જ એ બરાડી ઊઠ્યાં: ‘તારા ઢંગ કેવા વિચિત્ર છે! તું આને અત્યારે શા માટે લાવી? મા આ સમયે આરામ કરે છે એ શું તું નથી જાણતી?’ હું બોલી, ‘તમે મને શા માટે વઢો છો? મા ઊંઘમાંથી જાગે તે પહેલાં એમની પાસે જાઉં એવી મૂર્ખ શું હું છું?’ થોડી વાર પછી મેં માને કહેતાં સાંભળ્યાં, ‘અહીં આવ, દીકરી.’ એમની પાસે જતાં મેં એમને એમના ખાટલાની નજીક ઊભેલાં જોયાં. એમણે પૂછ્યું, ‘આ છોકરી કોણ છે? આ સમયે આવવા માટે ગોલાપમાને મેં કહ્યું, ‘કેવા આતુર હૃદયે લોકો મા પાસે આવે છે તે તમે જોયું? માત્ર માને જ શા માટે, લોકો તમને પણ મળવા ઇચ્છે છે. પરંતુ, માનાં દ્વારપાળો એવાં તમે સૌ એમને કાઢી મૂકો છો. મા કંઈ એક કે બે જણનાં મા નથી, એ તો બધાંનાં મા છે.’ હસીને ગોલાપમા બોલ્યાં, ‘વારુ, તું જીતી ગઈ.’ ગોલાપમા, ગૌરીમા, લક્ષ્મીદીદીનું અમારા સૌ પર અવર્ણનીય વહાલ હતું.

કલકત્તાનાં લૅડી ડૉક્ટર પ્રમદા દત્ત મારાં સગાં થતાં હતાં અને મારા જ ગામનાં હતાં. એમના પતિ પણ ડૉક્ટર જ હતા. એ લોકો બ્રાહ્મણસમાજી હતાં. એક દિવસ ડૉ.પ્રમદા દત્તે પૂજ્ય માને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. એમની સાથે મા પાસે જવાનો એમણે મને ખૂબ આગ્રહ કર્યો. એટલે, એક દહાડો અમે મા પાસે જવા માટે તૈયાર થયાં. પોતાનો વ્યવસાયી ઝભ્ભો પહેરવાને બદલે લાલ કિનારની સાડી પહેરી. જોડાં પણ ન પહેર્યાં. માને ઘેર જતાં પહેલાં એમણે પોતાના માથા પર થોડું ગંગાજળ છાંટ્યું.

માના ઘરમાં પહેલે માળે જતાં, દાદરાની બાજુમાં આવેલા ઓરડામાં ધ્યાનમાં બેઠેલાં માનો ફોટો છે. પ્રમદા દેવીની આંખો એના પર પડી કે તરત જ તેમણે પૂછ્યું, ‘આ કોનો ફોટો છે?’ મેં કહ્યું, ‘માનો જ છે.’ એની તરફ વિસ્ફારિત નેત્રે લાંબો સમય જોઈ એ બોલ્યાં, ‘મા રાધા પોતે જ છે.’ મને હસવું આવવા જેવું થયું કારણ, પોતે બ્રાહ્મણ હોઈને આમ બોલતાં હતાં. પહેલે માળે જઈએ માને મળ્યાં અને એમણે માને પ્રણામ કર્યા. થોડી વાર પછી માએ સરલાદીદીને કહ્યું, ‘પેલા છોકરાને બોલાવી આમને દેખાડો.’ એ કોનો દીકરો હતો તે આજે યાદ નથી. આ શબ્દો બોલ્યાં તેવું જ પ્રમદાદેવીએ મને પૂછ્યું, ‘હું ડૉક્ટર છું એ અનુમાન એ કેવી રીતે કરી શક્યાં?’ બાળકને ત્યાં આણવામાં આવ્યો. ચાર વાગ્યે દેવને પ્રસાદ ધરવામાં આવ્યો અને પ્રમદાદેવી સિવાય સર્વને માએ પ્રસાદ વહેંચ્યો. એટલે મને શરમાવા જેવું લાગ્યું. પ્રમદાદેવી વારંવાર મને પૂછવા લાગ્યાં, ‘માએ બધાંને પ્રસાદ આપ્યો, મને કેમ ન આપ્યો?’ હું બોલી, ‘તમે માને જ શા માટે નથી પૂછતાં?’ મારા હાથમાં પ્રસાદ હતો તે એમને આપવાની મારી હિમ્મત ન હતી. પછી પ્રમદાદેવીએ માને પૂછ્યું, ‘મા, આપે બધાંને પ્રસાદ આપ્યો; મને શા માટે જરાય ન આવ્યો?’ મા બોલ્યાં, ‘તમે બ્રાહ્મણ છો. તમારા માગ્યા વિના મારાથી તમને પ્રસાદ કેમ અપાય?’ પ્રમદાદેવીએ વિનંતી કરી, ‘મને થોડો પ્રસાદ આપો.’ માએ પણ એક રસગુલ્લું બાજુએ રાખી મૂક્યું હતું તે હવે પ્રમદાદેવીને આપ્યું. એમણે એને પોતાની સાડીને છેડે બાંધ્યું અને, માને પ્રણામ કરી, ઘેર જવા વિદાય લીધી. એમણે પોતાના પતિને કહ્યું, ‘જુઓ, હું આજે જ્યાં ગઈ હતી તે ધામ સ્વર્ગ છે. જેમને મેં ત્યાં જોયાં અને જેમનો ચરણસ્પર્શ કર્યો તે ખરે જ રાધા છે. તમારે માટે હું થોડો પ્રસાદ લાવી છું. તમે આદરપૂર્વક એ સ્વીકારવાના હો તો જ હું આપું.’ ડૉ. દત્ત બોલ્યા, ‘મારા જેવો એક નાચીઝ માણસ એમનો પ્રસાદ ન આરોગે તો જગજ્જનનીને શું થવાનું હતું?’ આમ બોલી એમણે પ્રસાદ લીધો, પોતાને શિરે તેને અડાડી, પછી ખાધો. પ્રમદાદેવીએ પણ પોતાની મુલાકાતના અનુભવની વાત વિગતે કહી અને પછી, વારંવાર કહેવા લાગ્યાં: ‘આજે હું વૃંદાવન ગઈ હતી અને રાધારાણીનાં પવિત્ર ચરણ જોયા. મારી ઉપર કૃપા વરસી છે.’

મારાં માસી અને બીજાં સૌ પોતાને ગામ જવા નીકળ્યાં ત્યારે હું એમની સાથે ગઈ નહીં. વતનમાં પહોંચી, મારા માસાએ મને પત્રમાં લખ્યું, ‘તું ન આવી એનો મને ખેદ છે. પૂજ્ય માને ચરણે તેં તારી જાત સમર્પિત કરી દીધી છે તે જાણી મારું હૃદય આનંદથી ઉભરાય છે. તારે વતન આવવાની તને કદી ઇચ્છા થાય તો, બધી વિપત્તિઓના કારણરૂપ મન માને ચરણે અર્પણ કરીને તું આવજે. પછી જ તું બધી ચિંતાથી મુક્ત થઈ શકીશ.’ આ પત્ર મેં માને વાંચી સંભળાવ્યો. સાંભળીને મા બોલ્યાં, ‘શું મન જ પીડાનું કારણ છે? બ્રહ્મને પામવાની સાધના કરશો ત્યારે પણ મનને તો સાથે રાખવું જ પડશે. એને પામ્યા પછી, આ કશું નહીં રહે. આજને તબક્કે, મનની સહાય ખૂબ આવશ્યક છે. વિશુદ્ધ મન જ માણસને પથ બતાવે છે.’ પૂજ્ય માના આ શબ્દો મારા માસાને મેં લખ્યા. એક પ્રસંગે પૂજ્ય માએ વળી એમ પણ કીધું હતું: ‘તમારા દુષ્ટ મનની દિશા તમે બદલશો કે એ જ મન તમારા ઇષ્ટ દેવને ગ્રહણ કરવા તત્પર થશે. પરંતુ, તમારે ચિંતાનું કશું કારણ નથી. ઠાકુરે તમારો હાથ ઝાલ્યો છે. કોઈ પણ સંજોગોમાં એ તમારી સાથે જ છે.’ માના આ શબ્દોથી મારા જીવનમાં મને ઘણી વાર ખૂબ બળ મળ્યું છે.

એક દિવસે બપોરે કેટલીક સ્ત્રીઓ આવી. એમાંની એકે પૂછ્યું: ‘મા, ઘણા માણસો કહે છે કે ગૌરાંગ મહાપ્રભુ ઇશ્વરનો અવતાર નથી. એ સાચું છે?’ મા કહે, ‘લોકો ભલે એમ કહે કારણ, એક માનવીને ઈશ્વરનો અવતાર સમજવો સરળ નથી. ટૂંકમાં, દરેક માણસ એમને અવતાર સમજતો હોત તો, દિવ્ય પ્રેમનો બોધ આપવા માટે એમને માર ન ખાવો પડ્યો હોત.’ આ બોલતી વેળા એમની આંખમાંથી આંસુ ઝરતાં હતાં. એમણે તરત ઉમેર્યું: ‘દરેક વ્યક્તિ શું અવતારને સમજી શકે? એક બે માણસો જ એને ઓળખી શકે. મનુષ્યોની મુક્તિ માટે એ કેટલી પીડા ભોગવે છે! લોહીની ઊલટી થતી તો પણ ઠાકુરે લોકોની સાથે, બોલવું બંધ કર્યું ન હતું. લોકોના કલ્યાણની જ એમને ચિંતા હતી.’

ગૌરાંગ મહાપ્રભુનું એક કથન છે: ‘આવ, હરિનામ બોલ અને તને માગુર માછલીનો ઝોલ (રસ વાળું શાક) મળશે તથા એક સુંદરી તમને ભેટશે.’ પૂજ્ય માએ આ વાક્યનો પૂરો સંદર્ભ સમજાવ્યો, લોકો એનો શો અર્થ કરતા હતા તે અને એનો સાચો અર્થ સમજાવ્યો. અંતે એમણે કહ્યું, ‘તમારે અવતાર શા માટે જોઈએ છે? કોઈ પણ વ્યક્તિ માટે અવતાર કરતાં પોતાના ગુરુ ચડિયાતા છે. આ સમજવા યત્ન કરો અને સુદૃઢ રહો.’

બાગબજારવાળા મકાનમાં પોતાની સાથે રહેતી બધી મહિલાઓ પર મા ઝીણી નજર રાખતાં. કોઈના હાથમાંથી કશું વાસણ પડતું તો એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં. ખાસ કારણ વિના કોઈ બોલબોલ કરી શકતું નહીં. એક દિવસે રાધુ (રાધારાણી) પોતાનાં ઝાંઝર ઝમકાવતી દાદરો ઊતરતી હતી. આ ઝમકાર સાંભળીને માએ એવી રીતે ઊંચે જોયું કે હું ગભરાઈ ગઈ. રાધારાણી દેખાતાં જ માએ તેને કહ્યું, ‘રાધી, તું શરમાતી નથી? મારા સંન્યાસી બાળકો નીચે રહે છે અને, તું ઝાંઝરાં ઝમકાવતી નીચે ઉતરે છે. તારે વિશે એ શું ધારશે એ મને કહે. હમણાં જ ઝાંઝર કાઢી નાખ. અહીં માણસો આવ્યાં છે તે મોજમજા માટે નથી આવ્યાં. એમાંનું દરેક સાધના કરે છે. એમની સાધનામાં ખલેલનાં શાં પરિણામ આવે એ તું જાણે છે?’ મા આ શબ્દો બોલ્યાં તેવા જ રાધુએ ઝાંઝર કાઢી મા તરફ ફેક્યાં. રાધુ ભલે નિર્ભય હતી પણ અમે ભયભીત હતાં. બીજે એક દહાડે, નાહ્યા પછી, રાધુ માથું ઓળતી હતી અને, વાળ પર ટુવાલ દબાવીને કોઈ ભાત પાડી રહી હતી. આ જોઈ મા બોલ્યાં, ‘શું કરે છે તું? આવા ઢંગ કરી તું માને છે કે તું ખૂબ સુંદર દેખાય છે. ઊલટું, મને તો એ બધું ભૂંડું દેખાય છે. મારા વાળની લટ મેં કદી લીધી નથી. ગૌરદાસી અવારનવાર આવતી અને મારા વાળ ઓળી દેતી. વળી એ લટ હું લાંબો વખત રાખી ન શકતી અને તરત જ એને હું છોડી નાખતી. આજકાલ તને હું જુદી રીતે વર્તન કરતી જોઉં છું.’ બાજુમાં ગોલાપમા કહે, ‘મા, આપ તો ખરે જ મુક્તકેશી (કાલીમાતાનું એક નામ. શબ્દનો અર્થ સ્પષ્ટ થાય છે: છૂટા વાળવાળા.) છો! એટલે તમે વાળને છૂટા ન રાખો તો શું કરો?’

એક દહાડો એક મુનસફનાં પત્ની મા પાસે આવ્યાં. ત્યાં બેઠેલી સ્ત્રીઓ વિશ્વયુદ્ધની ચર્ચા કરી રહી હતી. મુનસફની પત્નીએ માને પૂછ્યું: ‘સૌ કહે છે કે લડાઈ અહીં સુધી આવવાની છે. એમ થાય તો, મા, આપણું શું થશે?’ માએ જવાબ આપ્યો: ‘એ તો બધી અફવાઓ છે. અહીં સુધી શા માટે યુદ્ધ ફેલાય? ચાલે છે ત્યાં પણ યુદ્ધ એટલું તીવ્ર નથી. તો અહીં સુધીએ કેવી રીતે ફેલાય?’ એ વિશે બીજાં ઘણાંઓએ કંઈને કંઈ કહ્યું. એમાં રસ ન હોય તેમ જાણે, મા શાંત બેસી રહ્યાં.

આખો દેશ દુકાળથી ઘેરાઈ ગયો હતો. દુષ્કાળગ્રસ્ત લોકોને રામકૃષ્ણ મિશન ખૂબ મદદ કરી રહ્યું હતું. એક દિવસે માએ દુષ્કાળપીડિત લોકોની દશાનું વર્ણન કર્યું. જુદાં જુદાં સ્થળોનાં લોકોનાં દુ:ખ એમણે વર્ણવ્યાં, એ દૂર કરવા માટે મિશન કેટલાં નાણાં વાપરે છે તે કહ્યું અને, સંન્યાસીઓના સેવાકાર્યની વાત કરી. દુનિયાનાં દુ:ખીઓની પીડા પોતાના અંત:કરણમાં મા અનુભવી રહ્યાં હોય એમ મને લાગ્યું.

લક્ષ્મીદીદીને મળવા હું અવારનવાર દક્ષિણેશ્વર જતી. મને વિશ્વાસમાં લઈ એ કહેતાં: ‘માને કહેજો કે મને અહીં ગમતું નથી. જે ભત્રીજીઓ મારું ધ્યાન રાખે છે તેમને ભક્તોનું મારી પાસે આવવું ગમતું નથી. પણ, ભક્તો ન હોય ત્યાં હું રહી શકતી નથી. માને કહેજો કે હું વૃંદાવન જઈશ અને તેમને મારી સાથે લેતી જઈશ.’ માને મેં આ બધું કહ્યું. મા કહે, ‘જો, દીકરા, ભક્તોને જોઈને લક્ષ્મી પાગલ થઈ જાય છે. એટલે તો પેલી બે છોકરીઓ (લક્ષ્મીદીદીની ભત્રીજીઓ)ને ત્યાં ભક્તોનું આગમન ભડકાવે છે. બેટા, એમનો વાંક કાઢી શકાય એમ નથી. લક્ષ્મીને કહેજે કે હું એક દિવસ એની પાસે જઈશ. વળી, તારે એની સાથે ક્યાંય જવાનું નથી. એની વાટમાં કોઈ ભક્તનું ઘર આવે તો, એ ત્યાં અઠવાડિયું ધામો નાખે. એનું ધ્યાન રાખવા માટે હંમેશ એની સાથે કોઈકે રહેવું જોઈએ. એને વૃંદાવનમાં રહેવું છે. ત્યાં વાંદરાઓનો મોટો ત્રાસ છે. એ ત્યાં રહી શકશે ખરી?’ માએ કહેલી બધી વાત મેં લક્ષ્મીદીદીને પહોંચાડી. મેં એમાં ઉમેર્યું કે, ‘તમને ક્યાંય પણ મોકલવાં હોય તો, તમારે માટે ખાસ તજવીજ કરવી પડશે. ઠાકુરના જેવી જ અનુભૂતિ તમને થાય છે એમ હું સાંભળું છું.’ આ શબ્દો હું બોલી તેવાં જ લક્ષ્મીદીદી મને વઢવા લાગ્યાં. ‘ઠાકુરને જે અનુભવ થયા તે શું કોઈ મનુષ્યપ્રાણીને થાય? હું તો રોગનો ભોગ છું; એટલે તો હું અહીંથી ક્યાંય જઈ શકતી નથી, એ દિવસોમાં લક્ષ્મીદીદી બાળકની જેમ વર્તન કરતાં.

એક દિવસે એક સ્ત્રી ધાબળા વેચવા આવી. નલિનીદીદી ધાબળાની કિંમત નક્કી કરતાં હતાં. વેચનાર બાઈ સવા રૂપિયો કહેતી હતી અને નલિનીદીદી એક રૂપિયો કહેતાં હતાં. માએ દૂરથી રકઝક સાંભળી. નલિનીદીદીને બોલાવી એમણે કહ્યું, ‘તું એની સાથે શી રકઝક કરે છે?’ નલિનીદીદી કહે, ‘ધાબળાનો હું એક રૂપિયો આપવા માગું છું, એ પાવલી વધારે માગે છે.’ આથી થોડાં નારાજ થઈને મા  બોલ્યાં: ‘પાવલી બચાવવા માટે તું ક્યારથી કેટલી રકઝક કરે છે? થોડા પૈસા પ્રાપ્ત કરવા માટે, માથે ધાબળા ઊંચકી એ ઘેર ઘેર ભટકે છે, ને થોડા પૈસા બચાવવા માટે તેં એને ક્યારથી ખોટી કરી છે. વળી તારે ધાબળાનું શું કામ છે? તારી પાસે બધુંય છે છતાં તું એક વધારે ધાબળો ખરીદવા માગે છે?’ પછી મારી સામે જોઈ મા કહે, ‘તું મારી દીકરીને ધાબળો આપ તો સારું. એક ધાબળાથી વધારે એ કશું વાપરતી નથી. પણ એની પાસે ધાબળોયે એક જ છે. એ વડે જ એ આ શિયાળો પસાર કરે છે. છતાં એ કોઈ પાસે ધાબળો માગતી નથી. પોતાની આખી જિંદગીમાં એણે કદી બેથી વધારે સાડી વાપરી નથી. તે છતાંય એ પૂરી સંતુષ્ટ છે. તું બીજાંની સારી બાજુ જોતી નથી.’ હું તદ્દન આભી બની ગઈ. મારા ધાબળા કે મારી સાડી વિશે મેં એમને કદી કશું કહ્યું ન હતું છતાં મારે વિશે એ આટલું બધું શી રીતે જાણી શક્યાં હશે તેની મને નવાઈ લાગી. એ સાચ્ચે જ મારાં મા છે એ મને કેટલી બધી વાર સમજાવ્યું હશે! પોતાનું ભૌતિક શરીર છોડ્યા પછી, મા હવે વધારે આશીર્વાદ વરસાવે છે. જે કોઈ સાદ કરે છે તેની પાસે એ અંતર્યામી મા જઈ એની બધી મૂંઝવણો દૂર કરી દે છે. એમને મળવા માટે અગાઉ આપણે કેટલીક તજવીજ કરવી પડતી. હવે, એક સ્થળે બેસીને કોઈ અંતરથી આરાધે તો તરત જ મા પધારે છે. પોતાના શિષ્યો મુશ્કેલીમાં હોય ત્યારે, મા જાતે જ આવે છે ને એમને રક્ષે છે. મેં આવા ઘણા કિસ્સા સાંભળ્યા છે.

એક વેળા મારે ગામથી સપ્તમી પૂજાને દિવસે હું કલકત્તા આવી. મારી તબિયત બરાબર ન હતી અને મને તાવ હતો. માની પૂજાના હેતુથી હું થોડાંક ચૂંટેલાં ફૂલ લઈને ગઈ. થોડાક દહાડા પૂર્વે પૂજ્ય સ્વામી પ્રેમાનંદજી અવસાન પામ્યા હતા. એ વર્ષે બેલુડ મઠમાં દુર્ગાપૂજા મોકુફ રાખવામાં આવી હતી. પરંતુ વારાણસીના મઠમાં એ રાખવામાં આવી હતી. પૂજ્ય મા પાસે જઈ મેં એમની પૂજા કરી. મારી ઉપર એમની દૃષ્ટિ પડતાં જ એ બોલી ઊઠ્યાં, ‘મારી દીકરી, ખૂબ લેવાઈ ગઈ છે!’ પછી એમણે સ્વામી પ્રેમાનંદ મહારાજ માટે પણ શોક વ્યક્ત કર્યો. આગળ ચાલતાં કહે, ‘તારે આજ રાતે જ વારાણસી જવું જોઈએ. અહીંથી કેટલાક સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ વારાણસી જાય છે. તારી તબિયત ખૂબ ઢીલી પડી ગઈ લાગે છે. વારાણસીમાં એક મહિનો રોકાજે.’ મેં કહ્યું, ‘ વારાણસી જવાની શી જરૂર છે? મને તો અહીં રહેવું ગમે છે.’ મા બોલ્યાં, ‘એ તું શું કહે છે? વારાણસીમાં તો વિશ્વનાથ વસે છે.’ મેં કહ્યું, ‘આ અન્નપૂર્ણાનું ધામ છે.’ હસીને મા બોલ્યાં, ‘છતાં પણ તું ત્યાં જશે તો સાજી થઈ જશે.’

માને ધરવા માટે મારી સાથે મારે ગામથી હું આંબલીનું થોડું અથાણું લાવી હતી. ત્યાં લોકોની ભીડ જોઈને એ ક્યાં મૂકવું અને માને એ કશા ખપમાં આવશે કે કેમ તે વિશે હું મૂંઝાતી હતી. અંતર્યામી માએ ગોલાપમાને બોલાવી કહ્યું, ‘આ અથાણું સાચવીને રાખો. હું પછી ખાઈશ. મુસાફરીમાં ખાવા માટે મારી દીકરીને થોડાં ફળ આપો.’ એ લઈ અમે વારાણસી ગયાં.

એ વેળા વારાણસી જોરદાર ઇંફ્લુએંઝાના ભરડામાં હતું. મને જોતાં જ સાધુઓ બોલી ઊઠ્યા, ‘અહીં ઇંફ્લુએંઝાનો હુમલો એટલો ભયંકર છે કે, તમારી તબિયત સુધરવાને બદલે, તમને ઇંફ્લુએંઝાનો ચેપ લાગશે અને તમે હેરાન થશો.’ હું મૂંગી રહી અને વિચારવા લાગી કે, થવાનું હોય તે થાય, હું અહીં જ રહીશ; કારણ, માને કહ્યે હું અહીં આવી છું. નલિનીદીદી અને બીજાં થોડાંક મારી સાથે આવ્યાં હતાં તે સૌ પૂજા પછી તરત જ ગયાં પણ હું વારાણસી જ રોકાઈ. હું રાણામહેલમાં રહેતી. થોડા દિવસ પછી મને ઇંફ્લુએંઝા લાગુ પડ્યો. એટલે સાધુઓએ દાક્તર અને દવાનો બંદોબસ્ત કરી મને ખૂબ સહાય કરી. એક વાર મા મને સ્વપ્નમાં દેખાયાં. એ બોલ્યાં, ‘તારે જરાય બીવાનું નથી. હું અહીં જ છું. હું તારું ધ્યાન રાખીશ.’ બીજે દહાડે મારી તબિયત સુધરી અને થોડાક દિવસોમાં હું સ્વસ્થ થઈ ગઈ. વારાણસીમાં મહિનો પૂરો થયો કે હું કલકત્તા પાછી આવી. મને જોઈ, મા હસીને બોલ્યાં, ‘બેટા, મને નિરાંત થઈ. તારા ભલા માટે તને મેં વારાણસી મોકલી હતી પણ ત્યાં તને આવેલી માંદગી તને આકરી પડવાની હતી.’

***

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.